16.2.20

કૉસ્મોસ _૨૨

પૃથ્વી પરથી ખોવાયેલી દુનિયા _૨

કેટલાક કરોડ વર્ષ સુધી પૃથ્વીને મૃતકોનો ગ્રહ કહેવી પડે તેવી સ્થિતિ રહી.
પેલા મહા વિનાશમાંથી જે કેટલીક પ્રજાતિઓ પોતાને બચાવી શકી, તેમાંથી એકના આપણે વંશજ છીએ.
આપણે આજે માણસ તરીકે જીવીએ છીએ કારણકે જીવનના સૌથી ખતરનાક-દગાબાજ કાળમાં તેઓ પોતાના જનીનને સહનશીલ બનવા સમજાવી શક્યા.


ટૅક્સાસ અને ન્યુ મેક્સિકો વચ્ચેથી પસાર થતી ૪૦૦ માઈલ લાંબી ગુઅડલ્યુપ પર્વતમાળાના એક ભાગને જોઈએ.
તે પર્વત જીવંત સજીવોથી બન્યો હતો.
મહા વિનાશ શરૂ થતાં પહેલાં, પર્મીયન ગાળાના શ્રેષ્ઠ સમયે અહીં જીવનની વસંત પાંગરેલી.
તે છે દુનિયાની સૌથી મોટી અશ્મિ કરાડ (ફોસીલ રીફ).
એક સમયે તે દરિયાની અંદરની તરફ હતી. લાખો વર્ષ સુધી તે કરાડ બનતી ગઈ, પાંગરતી ગઈ, સમૃદ્ધ થતી ગઈ; જે વાદળી (સ્પોન્જ), લીલ અને નરી આંખે ના દેખાય તેવા સંખ્યાબંધ પ્રાણીઓનું ઘર હતી.
જ્યારે તે સજીવો મૃત્યુ પામતા, તેઓ ડૂબીને તળીયે જતા અને દરિયાની ફાટમાં દટાતા.
કરોડો વર્ષ પછી, તેમના અવશેષો ખનીજ તેલ, ખનીજ વાયુ બન્યા.
કોઈ કાળે, તટપ્રદેશ ફસકીને દરિયાની ફાટની અંદર જતો રહ્યો અને પેલી જીવંત કરાડ ખતમ થઈ ગઈ.
ત્યારે, તે દરિયાઈ શહેર, જે મૃતકોનું બનેલું હતું, સપાટીથી લગભગ એકાદ માઈલ નીચે દટાયું.
પાછળથી, ટૅક્ટોનિક બળો તે કરાડના હાડપિંજરને દરિયાઈ સપાટીની ઉપર લઈ આવ્યા. જ્યાં તે સદીઓ સુધી પવન અને વરસાદની છીણી-હથોડી વડે ઘડાતું રહ્યું.

કલ્પના કરો, ૨૭૫૦ લાખ વર્ષ પહેલાં, જીવનથી ધબકતા, એક દરિયાઈ તટવર્તી હૂંફાળા વિસ્તાર તરીકે તે જગ્યા કેવી લાગતી હશે!

ત્યારે ઈંગ્લેન્ડ અને ઉત્તર આફ્રિકા શાખ પાડોશી હતા.
એટલાન્ટિક સમુદ્ર નામની કોઈ ચીજનું અસ્તિત્વ જ ન હતું.
તેને બદલે હતા નાના મોટા સરોવરો.
તે સરોવરો એક વિશાળ ખંડના ખંડ-ખંડ થવાની અને પૃથ્વી પરના જીવન પર મોટી ઘાત આવવાની નિશાની હતા.
લાખો વર્ષ પછી તે સરોવરો લાંબા અખાત બન્યા અને છેવટે વિસ્તરીને ઍટલેન્ટીક મહાસાગર બન્યા.
સપાટી પરના આ તીવ્ર-મોટા ફેરફાર હકીકતે પૃથ્વીના પેટાળમાં થઈ રહેલી ભયંકર ઉથલપાથલના જ લક્ષણો હતો.
પણ, આપણે તેમને જોવા પહોંચીએ તે પહેલાં વૈશ્વિક ઉથલપાથલના તે ચિહ્નો દરિયાના પેટાળમાં દટાઈ ગયા.
પૃથ્વી પરના હિંસક ભૂતકાળથી આપણે સાવ જ કપાઈ ગયા. આપણે બન્યા એક સ્મૃતિભંશ પ્રજાતિ કે જે જાણવા- શોધવા નીકળી હોય કે પોતે જાગી તે પહેલાં પોતાના ઘરમાં શું થયેલું?

ગોલ્ડન એઈજ ઑફ ઍક્સપ્લોરેશનના ૮૦ વર્ષના (૧૪૯૦-૧૫૭૦) સંશોધનોને આધારે અબ્રાહમ ઑર્ટેલિયસે ૧૫૭૦માં દુનિયાનો પહેલો વહેલો આધુનિક નકશો બનાવ્યો.

બીજા કેટલાક ચુનંદા લોકોની જેમ તેના ધ્યાનમાં પણ આવ્યું - પોતાની અદ્વુત રચનાને બે ડગલાં પાછળ ખસીને જોતાં- કે ઍટલાન્ટિકની બંને તરફના ખંડ એકબીજાને ચસોચસ બંધ બેસે છે; કોઈ એક કોયડાના બે ટૂકડાની જેમ.
ઑર્ટેલિયસે જ પાછળથી લખ્યું કે ઘણા બધા ધરતીકંપ અને પુરને કારણે અમેરિકા અને યુરોપ આફ્રિકાથી છૂટા પડ્યા.
પણ, કેટલીક સદીઓ સુધી ઑર્ટેલિયસનું અવલોકન એક અંત: સ્ફુરણા જ બની રહ્યું ;  છેક વીસમી સદીની શરૂઆતમાં જ્યાં સુધી એક જર્મન ખગોળ શાસ્ત્રી અને મીટરીઓલૉજીસ્ટે તે ધારણાની સત્યતા પુરવાર કરવા સાબિતીઓનો ખડકલો એકઠો ના કર્યો.
આલ્ફ્રેડ વૅગનર પ્રથમ વિશ્વયુદ્ધમાં ભરતી પામેલ. પણ, વહેલાં ઘાયલ થઈ જતાં તેણે સૈન્ય અસ્પતાલમાં સારવાર લેવાની થઈ અને તે દરમ્યાન તેણે વૈજ્ઞાનિક સાહિત્ય ફેંદીને પૃથ્વીના ભૂતકાળનું પગેરું દબાવ્યું.
તે ઘટનાના વર્ષો પહેલાં, એક વિશિષ્ટ સંશોધન પત્ર વૅગનરને હાથ લાગેલો.
હંસરાજ(ફર્ન)ની એક લુપ્ત પ્રજાતિના અશ્મિ ઍટલાન્ટિકના બંને છેડે મળી આવ્યા છે તે બાબતની વૅગનરને બહું નવાઈ લાગેલી.
તેથી ય વધુ આશ્ચર્ય તો એ વાતનું હતું કે સરખા પ્રકારના ડાયનોસોરના અશ્મિ પણ બંને ખંડોમાં મળી આવેલા.

૨૦મી સદીની શરૂઆતમાં ભૂસ્તર શાસ્ત્રીઓ એક કલ્પના સમજાવતા કે ખંડો વચ્ચે ક્યારેક જમીની પુલ હતો અને તે રીતે જીવન દરિયો વિંધી પેલે પાર પહોંચ્યું.
એવું માનવામાં આવતું કે જમીનનો એ સેતુ સમય જતાં ખવાઈ ગયો, ઘસાઈ, ધોવાઈ ગયો અને દરિયાની થપાટોથી નાશ પામ્યો.
પણ, એક સાબિતીએ વૅગનરને સ્પષ્ટ કરી દીધું કે તે સમયની પૃથ્વી વિશેની સ્વિકૃત માન્યતા સદંતર ખોટી હતી.
કોઈ પર્વત શૃંખલા દરિયો વિંધીને સામે ખંડે શું કામ પહોંચે? બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાના ખડક સ્તરોમાં એકસરખી વિશિષ્ટ ભાત કઈ રીતે હોઈ શકે? ઉષ્ણકટિબંધીય છોડવા આર્કટિકના હેમાળામાં કયા સંજોગોમાં પાંગર્યા હોય? - વૅગનરે સારવ્યું કે આ બધા કોયડાનો એક જ તાર્કિક ઉકેલ છે : પૃથ્વીના બધા ખંડો કોઈક સમયે એક હતા, એક મહાખંડ તરીકે.
વૅગનરે તે મહાખંડને નામ આપ્યું પૅન્ગીઆ.

 "અને એમ વૅગનર તે સમયના વૈજ્ઞાનિક સમુદાયમાં હિરો બની ગયો."-એમ લાગ્યું હશે તમને.
ના.
મોટાભાગના ભૂસ્તર શાસ્ત્રીઓએ વૅગનરની પૂર્વધારણા -એક મહાખંડમાંથી ખંડો છૂટા પડવાની-ને હસી કાઢી.
વૅગનરની સાબિતીઓમાંથી પણ તેમણે પોતાના કાલ્પનિક જમીનપુલની ધારણાના બંધ બાંધ્યા.
તેમણે પ્રશ્ન ઉઠાવ્યો : સખત પથરીલા દરિયાઈ તળને ભેદીને ખંડ કેવી રીતે પસાર થઈ શકે?
વૅગનર સંતોષકારક જવાબ આપી ના શક્યો.
વૈજ્ઞાનિક સમારંભોમાં તે અસ્વિકૃત થયો, હાસ્યાસ્પદ ઠર્યો.
એમ છતાં, પોતાના વિચાર માટે વૅગનર ઝઝૂમતો રહ્યો; સાબિતીઓ એકત્ર કરવા જોખમી સંશોધન-સાહસ યાત્રાઓ કરતો રહ્યો.
આવી એક યાત્રાએથી પાછા ફરતી વખતે તે હિમવર્ષા સાથેના વાવાઝોડામાં ફસાયો.
તેની પચાસમી જન્મ તારીખના એક બે દિવસ પછી તે ગૂમ થઈ ગયો. એવું જાણ્યા વગર કે સમય જતાં પોતે સાચો પુરવાર થશે અને ઈતિહાસમાં એક મહાન ભૂસ્તર શાશ્ત્રી તરીકે ખ્યાતિ પામશે.
વૈજ્ઞાનિકોય છેવટે માણસો જ છે.
તેમને ય પૂર્વગ્રહો અને બ્લાઈન્ડ સ્પોટ્સ હોય છે.
વિજ્ઞાન એક એવી યાંત્રિક કાર્ય પદ્ધતિ છે જે તે ખોળી આપે છે.
મુશ્કેલી એ છે કે આપણે વિજ્ઞાનના મૂળભૂત મૂલ્યો પ્રત્યે હંમેશાં નિષ્ઠાવાન રહેતા નથી.
મૅરી થર્પથી વધારે કોણ સમજી શકે આ વાત!


૧૯૫૨માં મૅરી ભૂસ્તર શાસ્ત્ર વિભાગના સાથી સભ્યોની ઉપેક્ષા ખુબ ધીરજથી સહન કરતી હતી.
ભૂસ્તર શાસ્ત્ર અને વિજ્ઞાનમાં તેણે મેળવેલી ઉપાધીઓની સહકર્મીઓને મન કોઈ કિંમત ન હતી.
બ્રુસ હિઝેન, ઈઓવાની એક સ્નાતક કક્ષાની વિદ્યાર્થી સોનાર વડે દરિયાના તળનો નકશો બનાવવાની લાંબી સાહસયાત્રા પરથી તાજો પાછો ફરેલી.
થાકેલી હિઝેને પોતે એકત્ર કરેલ માહિતી જોતાં વિચાર્યું, "જોઈએ આમાંથી કશું નીપજે તો."
બ્રુસે મૅરીને બોલાવી.
અને બધું સ્પષ્ટ થઈ ગયું.
એટલાન્ટિકના તળિયે એક વિશાળ કરાડ ખીણ(રીફ્ટ વૅલી) પથરાયેલી હતી.
અત્યાર સુધી જે વાત બે છોકરીઓ વચ્ચેની ગપશપ હતી, તે હવે ગંભીર મુદ્દો બની ગઈ.
"તારે ઓછી મુશ્કેલીઓ છે તે વળી તું ખંડીય ભંગાણની વાત ઉપાડે છે! તું પણ વૅગનરની જેમ હાસ્યાસ્પદ ઠરવા માંગે છે કે?"
પણ, પીછેહઠ કરે તે મૅરી નહીં.
વર્ષો પછી જ્યારે મૅરી અને બ્રુસે દરિયાઈ તળના પોતે બનાવેલા નકશા ઉપર દરિયાઈ ધરતીકંપના ઍપીસેન્ટર્સનો નકશો મૂક્યો, ધરતીકંપ સાથે રીફ્ટ વૅલી ચસોચસ બેઠી.
સરકતા ખંડોની વૅગનરે ફોડેલી બંદૂકનો તે ધૂમાડો હતો.
હિઝેનને સમજાયું કે મૅરી પહેલેથી સાચી હતી.
બંનેએ સાથે મળીને પૃથ્વીનો પહેલો સાચો નકશો બનાવ્યો, દરિયાઈ તળ સહિતનો.
પૃથ્વીની આત્મકથા વાંચવા માણસજાત છેવટે તૈયાર થઈ.


9.2.20

કૉસ્મોસ _૨૧

પૃથ્વી પરથી નાશ પામેલી દુનિયા _૧

આપણું ઘર.
પૃથ્વી.
આજથી ૩૫૦૦ કરોડ વર્ષ પહેલાં, જ્યારે પૃથ્વીની ઉંમર ૪૦ લાખ વર્ષ થયેલી ત્યારે પૃથ્વી સાવ જ જુદી હતી.
એ સમયની પૃથ્વીને વિમાનમાંથી જોઈએ તો એકપણ ખંડ ઓળખી શકીએ નહીં.
વધુ દૂરથી જોઈએ તો પૃથ્વીનું સ્થાન પણ નક્કી કરી શકીએ નહીં.
તેની જગ્યા નક્કી કરવામાં તારા પણ ઉપયોગી નહીં નીવડે.
નક્ષત્રો પણ તે સમયે જુદા હોવાના.
હજી તો ડાયનોસોર આવવાને ૧૦૦૦ કરોડ વર્ષની વાર છે.
પૃથ્વી પર નથી કોઈ પક્ષી કે પુષ્પ.
હવા પણ સાવ જુદી છે.
પૃથ્વી પર ના ભૂતો, ના ભવિષ્યતિ એટલો ઑક્સિજન હતો ત્યારે. પ્રચુર માત્રામાં.
તેને કારણે જીવજંતુઓ વિશાળકાય બની ગયેલા. અત્યારે છે તેના કરતાં ઘણા ઘણા મોટા.
કેવી રીતે? જીવજંતુઓને તો ફેફસાં નથી હોતાં.
જીવનપોષક પ્રાણ વાયુ તેમના શરીરના ખુલ્લા રંધ્રો મારફતે તેમનામાં પ્રવેશીને નલીકાઓના માળખા વડે શરીરમાં વહન પામતો.
જો જંતુ ઘણો મોટો હોય તો તે નળીઓનો બહારનો ભાગ મોટાભાગનો પ્રાણવાયુ શોષી લેતો, અંદરના અંગોમાં વાયુ પહોંચે તે પહેલાં.
પરંતુ, કાર્બનીફિરસ સમયે, વાતાવરણમાં હાલના કરતાં લગભગ બમણો ઑક્સિજન હતો.
એટલે, જીવજંતુઓ વિશાળકાય હોવા છતાં તેમને પુરતો ઑક્સિજન મળી રહેતો.
એટલે જ તે સમયે વાણિયો (ડ્રેગન ફ્લાઈ) ગરૂડ જેટલા મોટા હતા અને કાનખજૂરા જેવા બહુપાદ મગર જેવડા હતા.

પણ, તે સમયે એટલો બધો ઑક્સિજન કેમ હતો?
જીવનનો એક નવો પ્રકાર એટલો પ્રાણવાયુ પેદા કરતો હતો.
એવું તે કયું જીવન જેણે પૃથ્વીના વાતાવરણમાં ખુબ મોટો ફેરફાર લાવી દીધો?

વૃક્ષ.
આકાશ આંબતા.
સૂર્ય પ્રકાશ મેળવવાની હરિફાઈમાં તે ગુરૂત્વાકર્ષણ ઉવેખીને ઊંચા થતા ગયા.
વૃક્ષો પહેલાં ઊંચામાં ઊંચું ઘાસ કમર જેટલી ઊંચાઈનું હતું.

પછી, એક જોરદાર બીના બની.

એક એવો વૃક્ષાણુ ઉત્ક્રાંત થયો જે મજબૂત અને લવચીક હતો. એક એવું તત્વ જે ઘણા બધા વજનને ખમી શકે અને સાથે સાથે તૂટ્યા વગર પવનમાં નમી શકે.

લીગ્નીન-ને કારણે વૃક્ષ બન્યા.

હવે જીવન ઉન્મુખ વિકસી શકવાનું હતું.

લીગ્નીનને કારણે એક નવી જ દિશા ખુલી.

જમીનથી ઘણે ઊંચે ત્રિપરિમાણીય માળખાનો સમુદાય ઊભો થયો.

પૃથ્વી વૃક્ષગ્રહ બની ગઈ.

પણ, લીગ્નીનની એક મર્યાદા હતી.
તેને પચાવવું અઘરું હતું.
કુદરતના શૈવ સમૂહ, ફૂગ, બૅક્ટેરિયા જ્યારે લીગ્નીનયુક્ત કશું પણ આરોગતા, તેમને ભયંકર અપચો થતો.
ઊધઈને ઉત્ક્રાંત થવાને હજી ૧૦૦ કરોડ વર્ષની વાર હતી.
તેવામાં, મરેલા વૃક્ષોનું શું કરવું?
લીગ્નીન સહિત તેમને પચાવતું જૈવિક રસાયણ ઉત્ક્રાંત કરતાં ફૂગ અને બૅક્ટેરિયાને અમુક લાખ વર્ષ થયા.
દરમ્યાન, વૃક્ષ ઉગતા રહ્યા, મરતા રહ્યા, જમીન પર પડી જઈને સદીઓ સુધી માટીમાં દટાતા રહ્યા.
છેવટે, પૃથ્વી પર લાખો કરોડો વૃક્ષોની કબરો બની.
આખી પૃથ્વી પર ચોમેર મૃત વૃક્ષો.
તેનાથી શું નુકસાન થવાનું હતું, ભલા?

નોવા સ્કોટીયાની ભેખડો એક જુદા પ્રકારનું કૅલેન્ડર છે.
તેમાં છે બીજી દુનિયાની વાતો, જે તે જગ્યાએ રચાઈ હતી.

આવો જોઈએ ૩૦૦ કરોડ વર્ષ જૂના વૃક્ષના મૌતનું મહોરું.

તેના મૂળ કાષ્ટ કોષોને એક પછી એક ખસેડીને, તેની જગ્યાએ ગોઠવાઈને કેટલાક ખનીજોએ તે વૃક્ષને એક બીબું બનાવી દીધું છે.

બીજા શબ્દોમાં, અશ્મિ.
તે વૃક્ષે તેના જૈવિક અણુઓ- કાર્બન અને પાણી- કેટલાય સમય પહેલાં વાતાવરણને સોંપી દીધા હતા.
રહ્યો માત્ર તેનો આકાર.
જ્યારે તે વૃક્ષ જીવંત હતું, તેણે સૂર્ય પ્રકાશની મદદથી પોતે શ્વસેલા કાર્બન ડાયોક્સાઈડ અને શોષેલા પાણીને ઊર્જા સમૃદ્ધ જૈવિક દ્રવ્યોમાં ફેરવ્યા હતા.
અપવ્યય તરીકે તેણે ઑક્સિજન મુક્ત કરેલો.
એ જ તો કરી રહ્યા છે વૃક્ષો અને વનસ્પતિઓ હજી સુધી.
જ્યારે વનસ્પતિ મૃત્યુ પામે, તે સડવા માંડે છે અને તેથી વળતી ચૂકવણી શરૂ થાય.
મૃત વનસ્પતિ-વૃક્ષના જૈવિક દ્રવ્યો ઑક્સિજન સાથે ભળીને વિઘટન પામે છે અને એમ પોતે શ્વસેલો કાર્બન ડાયોક્સાઈડ હવામાં પાછો વાળે છે.
આમ, પૃથ્વીના વાતાવરણમાં રસાયણશાસ્ત્રના ચોપડે હિસાબ સરભર થાય છે.
પણ, જો વૃક્ષ સડતાં પહેલાં દટાઈ જાય તો બે બાબત બને : ૧) તેમનો કાર્બન અને તેમાં સચવાયેલી સૂર્ય ઊર્જા તેમની સાથે જ દટાઈ જાય. ૨) તેમણે મુક્ત કરેલો ઑક્સિજન હવામાં જ રહે.

૩૦૦૦ કરોડ વર્ષ પહેલાં બરાબર એવું જ થયું.

ઑક્સિજનનો ભંડાર વધી પડ્યો.
એટલે પેલાં જીવજંતુ એટલા બધા મોટા થયા.
અને પેલા દટાયેલા કાર્બનનું શું થયું?
તે સદીઓ સુધી ત્યાં જ દટાયેલો રહ્યો; પૃથ્વી પરના જીવનને પડેલા સૌથી ખતરનાક ફટકાને ઠેકાણે લગાવતા પહેલાં.

પૃથ્વી પર હજી પણ કેટલીક એવી જગ્યાઓ છે, જ્યાં આપણે સમયયાત્રા કરીને પથ્થરોમાં લખાયેલા ઈતિહાસને વાંચી શકીએ.
નોવા સ્કોટીયાનો દરિયાકિનારો એવી જ એક જગ્યા છે.
અહીંના ખડકોનું દરેક સ્તર કોઈ પુસ્તકનું પાનું છે.
દરેક સ્તર કહે છે પૂરની વાત. એક પછી એક એમ રાખો વર્ષ સુધી આવતા રહેલા પૂરની વાત.
પૂર સાથે તણાઈ આવેલી ચીજોનું પડ દટાઈ ગયું અને તાપ તથા દબાણને કારણે પથ્થર બની ગયું.
પછી, જે બળોએ પર્વતો બનાવ્યા, તેમણે જ તે પથ્થરોને ઉપર ધકેલ્યા, દટાયેલા અશ્મિ સાથે.
સૌથી તાજા સ્તરની નીચે ક્રમશઃ જૂના સ્તર.
દરેક પાનું એકદમ ક્રમબદ્ધ.‌ કરોડો વર્ષ પહેલાં, આ સ્થળે ઘટેલી ઘટનાઓની તવારીખ સાચવીને બેઠેલું.
અહીં સચવાયેલો છે પુરાતન સમય.
અહીં ભરાતું પ્રત્યેક પગલું ૧૦૦૦કરોડ વર્ષનું છે, ૩૦૦૦ કરોડ વર્ષના ભૂતકાળમાંથી વર્તમાન તરફનું.

ત્યારે પર્મીયન ગાળો પૂરો થવાને આરે હતો. જેની સરખામણી પણ ના થઈ શકે તેવા જીવસંહારનો સમય.
જીવન વૃક્ષની તૂટેલી શાખાઓની તવારીખમાં પર્મીયન અંધારો ખૂણો છે, જાણે કે લુપ્ત પ્રજાતિ સંગ્રહાલય.
મૃત્યુના આધિપત્યનો એવો ગાળો ત્યારથી પચીસેક હજાર વર્ષ સુધી પૃથ્વી પર આવ્યો નથી.
અત્યારે જ્યાં સાઇબિરીયા છે ત્યાં ફાટેલા જ્વાળામુખી હજારો હજારો વર્ષ સુધી ધધકતા રહ્યા હતા.
તેના લાવાએ ચૉમેર રેલાઈને લગભગ દસેક લાખ ચોરસ માઈલ વિસ્તાર દાટી દીધો.
ઐતિહાસિક સમયમાં થયેલા જ્વાળામુખીના તાંડવ તો પેલી ધધક આગળ બચ્ચું લાગે.
જ્વાળામુખીની ફાટમાંથી ખુબ મોટા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઈડ પણ ઠલવાયો.
તેને કારણે ગ્રીન હાઉસ વાયુઓએ વાતાવરણ વધુ હુંફાળું કરી દીધું.
અને અહીં અનુસંધાન થાય છે કાર્બોનીફોરસ સમય દરમ્યાન દટાયેલા જંગલોની વાતનું.
વચગાળાના સમયમાં પેલા દટાયેલા વૃક્ષ કોલસાનો વિપુલ ભંડાર બની ગયેલા. એટલે સાઇબિરીયા ખનીજ કોલસા બાબતે પૃથ્વીનો સૌથી સમૃદ્ધ વિસ્તાર છે.
લાવારસની ગરમીએ કોલસાને તપાવીને કઠણ કર્યો. તે સાથે જમીનમાંથી મીથેન અને સલ્ફર યુક્ત વાયુઓ છૂટા પડ્યા.
કોલસાના તે ધૂમાડામા‌ં ઝેરી વાયુઓ અને કિરણોત્સર્ગી તત્વો ઠસોઠસ હતા.
તેને કારણે પૃથ્વીની આબોહવા ભયંકર રીતે અસ્થિર થઈ અને વાતાવરણ પ્રદૂષિત થયું.
સલ્ફ્યુરીક ઍસિડના ધુમ્મસને કારણે સૂર્ય પ્રકાશ રોકાયો અને પૃથ્વી પર અંધારપટ છવાયો.
વૈશ્વિક તાપમાન ઠારણબિંદુથી ખૂબ નીચું ગયું.
જ્યારે-જ્યારે જ્વાળામુખી શાંત થતા ત્યારે ઍસિડીક ધુમ્મસ સપાટી પર આવી જતું.
વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડ વધતો ગયો અને ગ્લોબલ વોર્મિંગનું કારણ બન્યો.
ઠંડાગાર વર્ષો પછી હજારો વર્ષોની ગરમીએ નબળા પડેલા વનસ્પતિ અને પ્રાણી જીવનને કચડી નાખ્યા.
આબોહવાના તીવ્ર બદલાવ સાથે અનુકૂલન સાધવા માટે તેમને તક-સમય જ ન હતો.
ગ્લોબલ વૉર્મિંગ ચાલું રહેતાં સપાટી પરનું અને ભૂગર્ભજળ ધીમે ધીમે ભેગાં થયાં. જેને કારણે દરિયાના તળના ઠંડાગાર ભાગનું તાપમાન ઊચકાયું.
મીથેનયુક્ત બરફ ઓગળવો શરૂ થયો.
એમ મુક્ત થયેલો મીથેન રસ્તો કરીને સપાટી પર પહોંચ્યો અને વાતાવરણમાં ભળ્યો.
કાર્બન ડાયોક્સાઈડ કરતાં પણ મીથેન ઘણો વધારે ઉષ્મા શોષક છે, એટલે આબોહવા વધુ ગરમ થઈ.
વળી, મીથેનને કારણે સ્ટ્રેટોફીયરનું ઓઝોન પડ પણ નાશ પામ્યું.
જીવલેણ પારજાંબલી કિરણો સામે જીવનનું 'સન સ્ક્રીન' પણ ખવાઈ ગયું.
દરિયાઓના આંતરિક પ્રવાહોનું તંત્ર ઠપ થઈ ગયું.
બંધીયાર પાણીમાં પ્રાણવાયુ ખૂટવા લાગ્યો. દરિયાનો મત્સ્ય સમૂહ લગભગ નાશ પામ્યો.
જીવનનો ફક્ત એક પ્રકાર આવા ક્રુર વાતાવરણમાં ફાલ્યો, જીવલેણ હાઈડ્રોજન સલ્ફાઈડને અપવ્યય તરીકે મુક્ત કરનારા બૅક્ટેરિયા.
વિનાશનો છેલ્લો હથોડો તેમણે માર્યો.
તે ઝેરી વાયુએ જમીન પરની રહી સહી સજીવસૃષ્ટિને લગભગ ખતમ કરી દીધી.
તે હતો મહા વિનાશ, ધી ગ્રેટ ડાઈંગ.
પૃથ્વી પર બચેલું જીવન ઉન્મુલનને આરે આવી પહોંચ્યું.
દસે નવના પ્રમાણમાં પ્રજાતિઓ નાશ પામી.

જીવનને ફરી માથું ઊંચકતાં ઘણા ઘણા વર્ષો લાગ્યા.





4.2.20

વાઘ આવ્યો રે વાઘ

સલામત રીતે ઝાડ પર ચઢી જઈને પહેલાં તો હમો.જ શ્વાસ ખાવા બેઠો. આ વખતે વાત જીવ પર આવી ગયેલી. હમો.જ માટે સાહસ નવી વાત ન હતી. દુનિયા જેને દુ:સાહસ કહે એવું ઘણું કરીને, તેનાં ગીતો ગાવા એ તેની પ્રચલિત પ્રવૃત્તિ રહી હતી. એમાં તે નામ પણ કમાયેલો. પણ, આ વખતે વાત વધી પડેલી. "વાઘ આવ્યો ભાઈ, વાઘ" વાર્તાનો વાઘ આવી ચઢેલો અને તેનાથી બચવા હમો.જે ગુફા છોડી ઝાડ પર ચઢી જવું પડેલું. આમ તો તે ધ્યાનાર્થે જંગલમાં ગયેલો. સુરક્ષા અને પ્રચાર સાધનો સહિત. પણ, પળવારમાં પલટાયેલા સંજોગોએ તેને આવી અણધારી સ્થિતિમાં લાવી મૂકેલો.

શ્વાસ હેઠો બેઠા પછી તેને તરસ લાગી. પણ, અહીં પાણી ક્યાં શોધવું? પાણી યાદ આવતાં તેનો શોષ વધી પડ્યો.  હમો.જનેે તત્ક્ષણ પોતાનો યોગાભ્યાસ યાદ આવ્યો. તે સાથે આંખ બંધ કરી તેણે તરસને ટાળી. "આમ કેટલો સમય જીવ બતાવતાં બેસી રહેવું પડશે!" એમ વિચારી તેણે યોગાભ્યાસના પાઠ અમલમાં મૂક્યા. વાઘ ખસી જાય એટલો સમય તો યોગબળે નીકળી જ જશે એમ તેને ખાતરી હતી. એ સાથે તેને ત્રણ વિચાર સમાંતર આવ્યા: ૧)વાહ! યોગાભ્યાસની તક મળી. ૨) યોગ કેટલા ઉપયોગી છે! ૩)આ ઘટના પરથી સરસ પ્રવચનકથા કરી શકાશે.

ત્રીજા વિચારે તેની આંખ ખોલાવી દીધી. હમો.જને મજા પડી ગઈ. તેણે જોયું કે વાઘ તો ટાંપીને જ બેઠો છે. "ભલે બેઠો. હમણાં ગોળીએ દેવાશે." એમ વિચારી તેણે પોતાની બેઠક ગોઠવવાનું ઠેરવ્યું. તે માટે તે આઘોપાછો થયો; વૃક્ષ પર નજર ફેરવી ત્યાં સામેની ડાળે તે દેખાયો.

હમો.જનું રોમેરોમ ભડકી ઉઠ્યું.

"આ અહીં? તેમાં ય મારી આ વેળાએ?" હમો.જને પોતાનો ભડકો વુધુ દઝાડવા લાગ્યો. પણ, તે યોગાભ્યાસી હતો.‌ તેણે શ્વાસની ગતિને ક્રમશઃ ધીમી કરી. એ સાથે તેને ખ્યાલ આવ્યો, "એમ પણ વિચારી શકાય કે 'તે મારા જેવી સ્થિતિમાં કેમ છે?' " તે વિચારે તેને ટાઢો પાડ્યો. એટલો શાંત કે તે પેલાને સ્મિત આપવા પ્રેરાયો. હમો.જને ખાતરી હતી કે સામેથી સ્મિત આવશે જ. "એ જ તેનું ટ્રેડમાર્ક ગામઠી, બોખું સ્મિત. કોણ જાણે ભારતી તેનામાં શું ભાળી ગઈ. બેવકુફ!" જેવા સામાન્ય વિચાર હમો.જના મનમાં દોડી આવ્યા.

સ્મિતની પ્રેરણા અને મળવા દોડતી નજરને તેણે ખાળી. પછી, સમયપસારપ્રવૃત્તિ તરીકે પેલા સાથે વાત કરવાનો વિચાર તેને સ્ફૂર્યો. એટલે તેણે સીધું જ પૂછ્યું, "તું, અહીં?"
"હા. કેમ નહીં?"
"એટલે કે. ઠીક છે. આ તો નવાઈ લાગી."
"સામાન્ય રીતે નવાઈ લાગે તેવું જ છે. હું તારી રાહ જોતો હતો."
"મારી રાહ?"
"હા. તારી રાહ."

હમો.જ. ચૂપ થઈ ગયો. "કહેવા શું માંગે છે એ? હું અહીં આવવાનો એ તેને ખબર હતી, એમ? એ હોય ત્યાં હું શું કામ જાઉં?" જેવા વિચાર ધસી આવતાં હમો.જ. પ્રાણાયામને શરણે ગયો.

આમ પણ, હમો.જના જીવનમાંથી મોહ.નની હાજરી ભૂંસવી અશક્ય હતી; હમો.જની ઈચ્છા વિરુદ્ધ. બેઉં ભારતીના આશક. કહો ને, પૂજારી! મોહ.નના ગામતરે ગયા પછી, બીજા સગાંએ તેને અવગણી, સ્વાર્થી થઈ લૂંટી પછી તક મળતાં હમો.જ. કૂદી પડેલો ભારતીને સાચવવા. તેણે ભારતીને સાચવી, જાળવી ય લીધી હતી. પણ, અવારનવાર ભારતીની આંખના ઊંડાણમાં, બે ધબકાર વચ્ચે તેને મોહ.નની આરત દેખાતી, સંભળાતી. શરૂઆતમાં તેને લાગેલું કે, "હોય! મધુર સ્મૃતિઓને ભૂંસાતાં વાર લાગે." એટલે તે ભારતીને એક-એકથી ચઢીયાતા મનોરંજન કાર્યક્રમોમાં મહાલવા લઈ જતો. ભારતીના મોકળા હાસ્ય અને સુખભર્યો ચહેરો જોઈ તે રાજી થતો. તે ભારતીને વધુ સુખી કરવાના વધુ મોટા ખ્વાબ જોતો અને એ પૂરા કરવા ભરચક મહેનત કરતો. પણ, ભારતીમાં વણાઈ ગયેલો મોહ.ન. ધોવાતો, ઓગળતો, ભૂંસાતો ન હતો.‌ હમો.જને લાગતું અને ખટકતું કે ભારતીના જનીનમાં મોહ.ન. રસાઈ ગયો છે.

થોડી સાતા વળતાં હમો.જે આંખ ખોલી, ખાસી મહેનત કરીને મોહ.ન તરફ જોઈ, વાત માંડી, "તને હતું કે હું અહીં આવવાનો, એમ?"
"બીજો કોઈ વિકલ્પ ક્યાં હતો?"
"તો, આ વાઘ, તારૂં કારનામું, કેમ?"
મોહ.ન. ખડખડાટ હસી પડ્યો. " ભારતીને સર્કસના ખેલમાં ડરાવી-ડરાવી વ્હાલ ઉઘરાવવા જતાં તું ય વાસ્તવિકતાનું ભાન ચૂકવા લાગ્યો છે."

હમો.જ. ક્ષણિક ભોંઠો પડ્યો. પણ, યોગબળે તેણે તુર્ત સ્વસ્થતા કેળવી લીધી. "તો વાઘ આવ્યો ક્યાંથી?"
"એ તો આવવાનો જ હતો, વહેલો કે મોડો."
"મેં પાકી વાડ બાંધી હતી."
"અને વાઘ?"
"વાઘ?"
"એ જ જેના નામે તું 'વાઘ આવ્યો.' કહીં ‌વાડ કરતો રહ્યો તે."
"એ તો ખેલ હતો."
"હે યોગી! યોગના ફળ ચાખે છે. ભૂલી ગયો કે ચમત્કાર પણ થાય."

ખીજ ચઢતાં હમો.જ ચૂપ થઈ ગયો. "આ ડોસો! દર વખતે મને વટી જાય છે." વળી તેણે પોતાના આત્મવિશ્વાસને સાબદો કર્યો. "મેં પણ પ્રેમ આપ્યો છે ભારતીને. ભારતી માટે ફના થવાની ખુમારી રાખી છે. મારા ઉપક્રમ, પરાક્રમ, બધું કોના માટે? ભારતી માટે સ્તો!"
હમો.જના વિચાર વાંચતો હોય તેવી સ્પષ્ટતા સાથે મોહ.ન. બોલ્યો, "એકદમ મરદનું ફાડિયું, કેમ? રક્ષક. પિતા. વાલી. કોને બચાવવા નીકળ્યો છે એ તો જો જરા? જેની સવારી સિંહ છે એને વાઘથી બચાવવા તું વાડ્યું બાંધે છે?"
હમો.જે દલીલ કરી, "ભારતીપણું ઢબૂરાઈ, વિસરાઈ ગયેલું, ખ્યાલ છે કાંઈ? મેં એને બેઠી કરી. તેનામાં નવો ઉત્સાહ પૂર્યો."
"તું ભારતીને ઓળખતો નથી, ભાઈબંધ."
"નખશીખ ઓળખું છું. એટલે જ આજે એ મારે પડખે છે. બાકી હતા ઘણા ઉમેદવાર."
"તારી પડખે કઈ ભારતી છે?"
"કઈ એટલે? એક તો છે."
"છે એક. પણ, તારી અને મારી ભારતી જુદી છે."
"મને ફર્ક નથી પડતો."
"બેશક! તારે પડખે હોય ત્યાં સુધી ના પડે તો ચાલે. પણ, અત્યારે તું વાઘથી બચવા ઝાડ પર ચઢ્યો છે. એ વૃક્ષ પર, જે ભારતી કરતાં ય જૂનું છે. એ વૃક્ષ, જેે સિંધુથી કાવેરી, બ્રહ્મપુત્રથી ગોમતીના જળ-જમીન-પ્રાણથી સિંચાયું છે. ધ્યાનથી જો તારી આસપાસ ફેલાયેલી શાખાઓને. જે ભારતીને તું ચાહે છે, તેનાં મૂળ તને કેટલીક શાખાઓમાં જડશે. પણ, ભારતી માત્ર એટલી નથી. જો, દેખાય તો, તેની બધી શાખાઓને."
"નકામી શાખાઓ કાપવી પડે, ભાઈબંધ."
"એમ હોઈ શકે. પણ, સંભાળજે, આ વટવૃક્ષ ક્યાંક બોન્સાઈ ના બને."
"હું એના રોગનો ઉપચાર કરી રહ્યો છું."
"અંગ કાપીને?"
"સડ્યું હોય એ કાપવું પડે, મિત્ર."

ત્યાં, "આની સાથે શું જીભાજોડી કરવી!" એમ હમો.જ અટકી પડ્યો. પણ, "હું ક્યાં મારા માટે જીવું છું? મારા જીવનનું ધ્યેય તો છે ભારતીની ગૌરવ પ્રતિષ્ઠા." એ ખ્યાલ સાથે ગળું ખંખેરી તેણે કહ્યું, "તને હસવું આવશે. પણ, તને ખબર નથી તારા પછી..."
હમો.જની વાત કાપી એ જ ટીખળી સ્મિત સાથે મોહ.ને કહ્યું, "તું દોસ્ત! સાચે જ વાસ્તવિકતામાંથી ખસી ગયો છે. જે વાઘ ન હતો, તેના આવવાના નગારા પીટ્યા. અને તને પાછું એમ છે કે ભારતીનું ગૌરવ, જે તારા મતે લૂંટાયેલું, હણાયેલું છે, તેને તારે પ્રસ્થાપિત કરવાનું છે."
"તો શું? ભારતીના ગૌરવ પર આક્રમણ નથી થયા શું?"
"ચોક્કસ થયેલા."
"તો?"
"તો?"
"તો તેનું ગૌરવ..."
"ઘૂંટાઈને ગાઢ થયું હતું. કેમ કે એવા હૂમલાઓને તો તે ઘોળીને પી ગયેલી."
"ઝેર પી ગયેલી, એમ કહે."
"તું મીરાંને ગાઈશ, નીલકંઠને પૂજીશ, પણ ભારતીને એ જ ગુણ માટે નબળી કહીશ, કેમ?"
"ભારતીએ ઘણું સહન કર્યું છે."
"એથી તો એ સહિષ્ણુ કહેવાઈ છે."
"હૂહ! 'નાઈટહૂડ' જેવો શરપાવ. યાદ છે ભક્તિ યુગ અને તેના કારણો? આઠમી સદીથી ઝઝૂમતી રહી છે. એટલે જ એણે મને વધાવ્યો. કેમકે, ભારતીને ભરોસો છે કે હું એ સદીઓ જૂના ઘામાં મલમ ભરીશ. દાનવોને અટકાવીએ નહીં તો દૈવત્વ ય નાશ પામે. તને પ્રિય ગીતા પણ ધર્માર્થે યુદ્ધનું આવાહ્ન કરે છે. "
"હા. યુદ્ધ તો એક રીતે હું પણ લડેલો. પણ, આપણી રીત જુદી પડે."
"તને ખબર છે, એમાંથી કેટલાક ખેલ છે. કરવા પડે."
"મારી સમજ કહે છે કે એની જરૂર નથી."
"હશે. પણ, એ ખેલ છે એમ હું સભાન છું."
"હોઈશ. અથવા છો. પણ, તે ખેલથી ભારતી શું શીખી ગઈ એ તને દેખાતું નથી. આવેગ, આવેશ, હિંસા, અસત્ય."
"તું શીખવીને ગયેલોને અગિયાર મહાવ્રત. ક્યાં ગયાં તે? બારમું પેલું સ્વચ્છતા. એ મારે ફરી કરવું પડ્યું. "
"કબુલ. મારો ઈરાદો શિક્ષણનો રહેલો ખરો. મને માણસજાતની સારપમાં શ્રદ્ધા હતી. તું તેની પશુતાને ચારો નાખે છે."
"દાનવતા સામેની લડાઈ છે. શસ્ત્રો તો તેજ જોઈશે જ."
"તને મારાં શસ્ત્ર ખબર છે. જેમને તેજ રાખવા હું મૃત્યુની ક્ષણ સુધી મથતો રહ્યો."
"ઍવરીથીંગ ઈઝ ફૅર ઈન..."
મોહ.ને ખડખડાટ હાસ્ય સાથે વાક્ય કાપી કહ્યું, "નૉટ ફૅર, માય ડિયર. ક્લિશે."

ચર્ચાની ટેવ ઓછી હોવાને કારણે હમો.જને પીછેહઠ કરવી પડતી હતી. "મોહ.નતો જીવનભર ચર્ચાઓ, મુલાકાતો કરતો રહ્યો. એટલે, હોય વાક્ચાતુર્ય."એમ વિચારવું હમો.જને ગમ્યું. જો કે, અહીં કોઈ રૅકોર્ડિંગની ભિતી ન હતી. વળી, ગામતરે ગયેલ મોહ.ન રેકોર્ડ જ ના થાય એમ પણ બને. "તો પછી, અહીં બોલાયેલા ડાયલોગ એક સારું પ્રવચન બની શકે." એટલે, તેણે વાત કરવાનું ચાલું રાખવાનું ઠેરવ્યું.
"તું પણ ઉતર્યો હતોને મેદાનમાં? ત્યારે શું તું એને બચાવવા, તેના ગૌરવને પુન:સ્થાપિત કરવા નહોંતો નીકળ્યો?
"ના." મોહ.ને કહ્યું. "હું તો મારા સત્યની શોધમાં નીકળેલો. ભારતીએ મને ટેકો કર્યો, મેં એને નહીં. ભારતીયતાએ મને જાળવ્યો, ઘડ્યો, માર્ગ બતાવ્યો."
"અને તેં યશ ખાટ્યો."
"એ ભારતીની ઉદારતા. તને પણ એણે સરતાજ બનાવ્યો ને!"
"તો પછી આ વાઘ?"
"ઓહ! તને મારા પર શંકા ગઈ તે તો જાણે સમજાય એવું હતું. પણ, ભારતી પર તને શંકા જાય છે?"
"ભોળી છે. તારા ગયા પછી એનો પનારો સ્વાર્થીઓ સાથે પડેલો. પોતાની ગાદી સાચવવા એમણે જે કરામતો કરી એમાં જ આવા વાઘ દોડતા થયા. પણ, મેં ય એમની કરોડ તોડવામાં કસર નથી રાખી, નથી રાખવાનો."
"તારી વાત સાવ કાઢી નાખવા જેવી નથી. છતાં, પશુતાના અભયારણ્યને વાડ કરાય, ટાંટીયા તોડવા એ હિંસક ઉપાય છે."
"હમણાં થોડી વાર પહેલાં જ તને વાડ સામે વાંધા હતા."
"મુદ્દાઓની ભેળસેળ ના કર, દોસ્ત! ભૂલ નહીં, મેં જીવતેજીવ સરહદો અંકાતી જોઈ છે."
"એ કૂદીને જાનવરો આવે છે. લોહી ચાખી ગયા છે."

મોહ.ન. ઉદાસ ચહેરે હમો.જને જોઈ રહ્યો. ભીના સ્વરે તેણે કહ્યું, "એટલે, તું જાનવર બનીશ?"
"ના. હું મશાલ પેટાવેલી રાખું છું. જાનવર આગથી આઘા રહે."
"તો ય આવા વાઘ વાર્તાઓમાંથી નીકળી તારી પાછળ પડે છે."
"એટલે જ કહું છું. કોઈ નજીકનાનું કારસ્તાન."
"સિઝર જ બ્રુટસનું મૂળ છે."
"દરેક રોમને સિઝર હોય છે."
"અને સૅનેટ. વિરોધ પક્ષ પણ. તું ભારતીના એ ભાગને સાભળતો હોત તો એ જ અંબા વાઘને પાછો વાળત."
"એ ભૂલી કેમ જાય છે કે દીલ ફાડીને ચાહી છે મેં એને."
"તું યાર, ક્લિશે ભાષા ના બોલ. મારી આગળ તો ખાસ. ખેર, તારા પ્રેમ પર, લાગણી પર મને રતીભાર શંકા નથી. મિત્ર, તું ભારતીને પ્રેમ કરે છે. પણ, એ ભારતી તો તારી કલ્પનાની નાયિકા છે.  જાગ.‌ 'યોગ'ને 'યોગા' ના બનાવ. તેના સાત પગથિયાં પૂરાં ચાલ. તો તને દેખાશે કે ભારતી શું છે. તને સમજાશે કે તારા-મારા જેવા ફકિર-મહાત્માઓના તપની એ મોહતાજ નથી. "
"મારા વગર..."
"એને સંતોની, ભક્તોની, વીરોની ખોટ પડવાની હતી, એમ માને છે તું?" એમ કહીં મોહ.ન જરા અટક્યો. પછી હસતાં હસતાં ઉમેર્યું, "હા, 'તારા વગર'. તારી એ માન્યતા હું ચૂકી ગયો. તારા નામને સાર્થક કરતો તું પ્રેમાંધ છો, ખુદના."
"તેને આત્મબળ કહેવાય."
"તારી રમૂજવૃત્તિ નબળી છે એમ છાપ હતી મને. અને જો તું ઉક્ત વિધાન ગંભીરતાથી કરી રહ્યો હોય તો, આત્મબળની વ્યાખ્યા તારા રાજમાં બદલાઈ ગઈ હશે એમ ધારું છું."
"હસી કાઢ. તારી મરજી. પણ, હું એકલો નથી, સદીઓથી સંતપ્ત એક સમુહના રઘવાટનું સામુહિક બળ છું."
"એ રઘવાટમાંથી તું આગ પેટાવે છે. હું સ્ટીમ એન્જિનનું વિચારતો."
"એ ધૂંધવાટે કેટલા ભોગ લીધા છે. એમાં એક તો તું જ. તે હોળીમાંથી હેમખેમ બહાર આવી હું જ તેને ઠારીશ."
"સંભાળજે. ઠારવા પાણી કે માટી સારાં. તું તો રોજ નવાં ઈંધણ સાથે નીકળ્યો છો."
"જેમ તને નીકળવું જરૂરી લાગ્યું હતું, એમ. ભારતી માટે.
"ભલા માણસ! પહેલાં તો તું એક વાતે સ્પષ્ટ થઈ જા કે હું મારી શોધમાં નીકળેલો અને મારી ભારતીયતાએ મને ટીપ્યો, ઘડ્યો, જાળવ્યો, તાર્યો."
"હું પણ તેને તેની અસલ ઓળખ અપાવવા જ મેદાને પડ્યો છું."
"તું દોસ્ત, આંજે છે એને, ક્રમિક મોટા પાયે કરાતા ખેલથી. એની દ્રષ્ટિને ઝાંખપ લાગી છે. ફક્ત શારીરિક તાકાત યાદ અપાવવાના તારા ચક્કરમાં એની ખરી શક્તિ વિસારે પડવામાં છે તારા પરાક્રમોથી."
"ના. એમ નથી. એને વિસારે પડેલી શક્તિઓનું ભાન થઈ રહ્યું છે. તારા પછી આ રીતે એ મારી સાથે જોડાઈ છે. ભાવથી."
"તો આ વાઘ?"
"તે તો હમણાં ઠાર દેવાશે."
"પણ એ તો વાર્તામાંથી કૂદ્યો છે."
"તપાસ કર. ક્યાંક તું અને હું કોઈ વાર્તામાંથી નથી આવતા ને!"
"તું તો હવે વાર્તા છો જ. મારી લખાઈ રહી છે."
"આપણી વાર્તાઓ ભેગી થઈ રહી છે."
"ભારતીની ભૂલને કારણે." એમ ટીસ હમો.જના મનમાં ઉઠી પણ તે બોલ્યો નહીં. છતાં, તેના મનમાં વિચાર સળવળ્યો, "આ મોહ.ન ક્યાંક મારું નબળું પ્રતિબિંબ તો નથીને!" પોતાના દેખાવ અંગે સભાન હમો.જ બરાડી ઉઠ્યો,"અશક્ય." કારણકે, તે ઘણા સમયથી અનુભવતો હતો; માત્ર મોહ.નજ નહીં, ભારતવર્ષના 'પુરુષ' માત્ર જાણે તેની ભીતર હતા અને કોઈ દાપુ માંગતા હતા.

એક કંપ સાથે ભારતીના પ્રધાન સેવકે આંખ ખોલી.‌ ગુફા બહાર સંત્રી પહેરા પર હતો.