Showing posts with label tour and travel. Show all posts
Showing posts with label tour and travel. Show all posts

16.2.21

દુકાન ૧

દુકાન ૧

માર્ચ ૨૦૧૫. હિમાચલના એક ગામડામાં હું અને ઈવા અટવાઈ પડ્યા’તા. ટ્રેકને રસ્તે મળેલ સ્થાનિકના ઘરે રાતવાસો કરવો પડ્યો’તો. ગામથી ત્રણેક કિમી દુર આવેલ બસ પોઈન્ટ પર બસની રાહ જોવાની હતી. બસનો સમય બપોરના અઢી વાગ્યાનો હતો અને અમે ત્યાં એક વાગે પહોંચી ગયા’તા.પૂરી ફૂરસદ હતી.

કોઈ પણ અંતરિયાળ ગામમાં હોય તેવું બસ-સ્ટેશન હતું.પ્રમાણમાં સાફ. દીવાલ ફરતે,અંદરની તરફ સિમેન્ટની બેઠક. પ્રમાણમાં પહોળી. અમે તેમાંથી ચારેક ફૂટ લંબાઈ રોકી હતી. રક્સેક, શુઝ,અને વર્તમાનપત્ર ઉપર ટોવેલ ઉપર પલોઠી જમાવી હું બેઠી’તી. ઈવા તો હમેશની જેમ આજુબાજુ ઉડાઉડ કરતી હતી.

આ સ્થળે ‘ગામ’ નહોતું. માત્ર કેટલીક દુકાનો અને બસ સ્ટેશન. ત્રણ રસ્તાના પાંખીયાઓએ આગળ વધીએ, ટેકરી ચઢીએ એટલે ગામ આવતા જાય. રસ્તા પરથી તો ખ્યાલ પણ ના આવે કે આ ટેકરી પર દસ-બાર પરિવારો વસી ગયા હશે,ખેતી કરતાં હશે,શાળા હશે. આવા જ એક ગામેથી આવીને અમે ત્રિભેટે આવેલા બસ સ્ટેન્ડમાં બેઠાં હતા. બસ સ્ટેન્ડથી દક્ષિણ તરફને રસ્તે જતાં, અમે રોકાયા તે ગામ આવતું અને તે રસ્તાનો નીચે જતો ફાંટો બંધ/ડેમની સાઈટ તરફ જતો.

આ ત્રિભેટ એટલે આસપાસના ગામનું બઝાર. કરીયાણાની દુકાનો એની શાખ પૂરતી હતી. એક-બે ચા-નાશ્તાની દુકાનો. કેમકે આગળ પ્રવાસીઓને યોગ્ય ટ્રેક હતો અને ટ્રેક પહેલાનું આ છેલ્લું બઝાર. જો કે, ટ્રેક માટેના સામાનની કોઈ દુકાન નહોતી. હા, સોફ્ટ ડ્રીન્કસ,વેફર્સના પડીકાં, બિસ્કીટ્સ,ચોકલેટ્સ વગેરે મળતાં હતાં. બસ, ત્રણ-ચાર કરીયાણા, નાસ્તાની દુકાનો અને એક દુકાન શાકભાજીની. પાસે જ, નીચેના ભાગે, બિયાસ પર બંધ બંધાઈ રહ્યો હતો. આસપાસના યુવાનો માટે રોજગારીની તક. સવારે જ ગામમાં બે-ત્રણ સ્થાનિકો જોડે તે વિશે વાત થઇ હતી.

બંધ માટે કામ કરતી કંપનીમાં ઊંચા હોદ્દા પર હોય તેવાં એક સાહેબની ગાડી આવી. ફોલ્ડીગ ખુરશી-ટેબલ પથરાયા અને સાહેબ અમારા તત્કાલીન થાનક-બસ સ્ટેશનની લગભગ સામે, રસ્તાની સામેની તરફ ગોઠવાયા. બસ સ્ટેન્ડના પગથીયા પાસે લોખંડના સળિયા અને બીજો સામાન પડેલો હતો. બે કામદાર આવીને સળિયા કાપવામાં-વાળવામાં લાગ્યા.

સામાન લઇ જતાં નાના વાહનો (છોટા હાથી ટાઈપ)ની પાંખી અવરજવર તો હતી જ. તેવામાં એક બસ આવી અને બસમાંથી વેલ ડ્રેસ્ડ સ્થાનિક ચહેરો ઉતર્યો. તે યુવક હતો આ જ વિસ્તારનો. તેનું પરિધાન નોંધપાત્ર રીતે સ્થાનિક નહોતું. એકદમ સાફ, ઇસ્ત્રીદાર અને અમદાવાદ કે દિલ્હીનો કર્મચારી પહેરે તેવી લાઈનીંગવાળું શર્ટ અને અનુરૂપ પેન્ટ. વાળ પણ આ ઢબછબને મેચ થાય તેવાં. નાક-નકશો અને બોલી સ્થાનિક.

બસમાંથી તે એક મોટા થેલા સાથે ઉતર્યો હતો. તે પછી તેણે એક ખુરસી ઉતારી અને એક બાય દોઢની કોઈક નાજુક ચીજ, જે કાગળમાં વીંટાળેલી,બાંધેલી હતી, કાળજીથી ઉતારી. બસ તો જતી રહી. ધૂળ બેસવાની રાહ જોયા વગર તે યુવાન પેલી નાજુક ચીજ લઇ અમારી તરફ-બસ સ્ટેન્ડ તરફ વળ્યો. અમારો પથારો તો અંદરની તરફ હતો. યુવાને બસસ્ટેન્ડની ધાર પાસેની બેઠક પર પેલી નાજુક વસ્તુ ટેકવી. બીજે ધક્કે થેલો લઇ આવ્યો અને આગળના થાંભલા પાસે મુક્યો. દરમ્યાન સાહેબની ઠાઠભરી ખુરસી પાસે તેની લાકડાની ઊંચી ખુરશી સરસ કોન્ટ્રાસ્ટ ઉભો કરતી રહી.

આસપાસના લોકો અને અમારામાં પૂરતું કુતુહલ જન્મી ચૂક્યું હતું. યુવાન પેલી ખુરશી પણ લઇ આવ્યો અને બસ સ્ટેન્ડની અંદર તેને ગોઠવવા લાગ્યો. ગોઠવવું તો શું, ખુરસી માટે તે વધુ અનુકુળ જગ્યા નક્કી કરતો હતો. પગથીયા આગળ બેસી સળિયા કાપી રહેલ બે વ્યક્તિઓ જોડે તેની વાત શરુ થઇ. નામ-ઠામ ઈત્યાદી. ખુરશી ગોઠવાઈ ગઈ. હવે વારો પેલા પડીકામાં સંતાયેલી નાજુક ચીજનો આવ્યો. કાગળના આવરણ ઉતારાડાયા અને પ્રગટ્યો અરિસો ! ઓહ ! આ ભાઈ કેશકર્તનકાર છે! પછી તો થેલામાં સલુકાઈથી ગોઠવાયેલા પડીકાઓમાંથી ચીજો નીકળવા માડી. કાંસકાઓના રેપર તૂટ્યા. નવી નક્કોર સ્પ્રે બોટલ બહાર આવી જેનું પેકિંગ ખોલવામાં આવ્યું અને પાસેના ટેન્કરમાંથી તેમાં પાણી ભરી ટેસ્ટીંગ પણ કરી લેવામાં આવ્યું. ક્રીમની હોય તેવી કેટલીક ડાબલીઓ નીકળીને બસ સ્ટેન્ડની બેઠક પર સ્થાન પામી. કુત્રિમ મહેંક ઉમેરાતાં, હિમાલયના આ ટુકડાએ અચાનક ગણવેશ પહેર્યો હોય તેમ, વાતાવારણ ખુબ પરીચિત અને કુત્રિમ પણ રસપ્રદ બની ગયું.

કેશકર્તનકાર પાકકો વ્યવસાયિક છે તેમ તેના આવેશ કે આનંદ વિનાના ચહેરા પર છપાયેલું વંચાતું’તું. દુકાન ગોઠવવાના કામમાં, માત્ર ચપટી સામાન હોવા છતાં, તે ખુબ મશરૂફ જણાતો હતો. કોઈ પૂછે તો તે જવાબ આપતો,વાત કરતો,પોતાની ગોઠવણ પ્રવૃત્તિ ચાલુ રાખીને. એક ગ્રામીણ કારીગર એક-બે વાર આ રસ્તેથી આવ-જા કરી ગયો હતો.આખરે ત્રીજી વેળા તે કેશકર્તનકાર પાસે આવી જ ગયો અને વાળ કપાવવા બેઠો. તેનું કહેવું હતું : કિસીકો તો શુરુઆત કરાની થી તો હમસે સહી. તે પ્રથમ ગ્રાહકના ચહેરા પર પુણ્ય કર્યાનો ભાવ હતો. જો કે, કેશકર્તનકાર આ ભાવને ઝીલી શકવા જેટલો માયાળું માનવી ના લાગ્યો. પાતળી પણ તિક્ષ્ણ ધારવાળી કાતરોની કચકચથી વાતાવરણમા નવા સૂર ઉમેરાયા, જે હવે અહીં વેરાતા રહેવાના હતા.
પ્રથમ ગ્રાહકે રકમ ચૂકવી જેને કેશકર્તનકારે અદબથી સ્વીકારી. એની અદબમાં કૃતજ્ઞતા નહોતી. શક્ય છે, દુકાન જામવા-ના જામવા અંગેની શંકાઓ તળે એની કુમાશ દબાઈ ગઈ હોય. 

બીજો ગ્રાહક ઊભો જ હતો, જે દાઢી માટે બેઠો. તે બીજો ગ્રાહક અમારો પરીચિત યુવાન હતો. તેણે આજે સવારે જ ઇવાને કેટલાંક લીલા સફરજન આપ્યાં હતા. ઋતુ વિના લીલા સફરજન અંગે મેં તેને પૂછ્યું તો કહે : પિછલી મૌસમ કે હૈ. ક્યાં સાચવ્યા’તા?કેવી રીતે? કોલ્ડ સ્ટોરેજ બહેનજી! સ્ટોર કરનેકી જગા ચાહીએ બસ, કોલ્ડ તો યહાં હૈ હિ. આ યુવાન નવી હવાને અડી ચુકેલો. તેનામાં પહેલા ગ્રાહક જેવી કૂણી પુણ્યભાવના નહોતી. બસ,નવું અજમાવી જોવાની પેશનફેશન હતી.

બીજા ગ્રાહક સાથે લાગતું’તું કે આ દુકાન જામી જશે. આજે બસ સ્ટેશન પર. વર્ષે દહાડે લાકડાની કોઈ નાની ખોલીમાં અને જો આ વિસ્તારનો ‘વિકાસ’ વધ્યો તો તેને અનુરૂપ સલુન તરીકે. તેનાથી પ્રેરાઈ ‘કેવલ મહિલાઓ કે લીયે’ બ્યુટી પાર્લર ખુલશે.

આ વિસ્તારમાં આ કાર્ય આજ સુધી કદાચ વ્યવસાય નહોતું. કદાચ દરેક ગામમાં એક કર્તનકાર કુટુંબ હશે જે ગામના પુરુષોને રાજા રવિ વર્મા ટાઈપ હિંદુ દેવ જેવા ‘સાફ’ રાખતો હશે. મારા માતૃક ગામમાં એવી વ્યવસ્થા હતી. તે કુટુંબો ધાર્મિક-સામાજીક વિધિઓમાં પણ ચોક્કસ પ્રકારનાં કાર્ય કરવા નિયુક્ત થયેલાં રહેતાં. મારા ગામમા તો એ પરંપરાને લુણો લાગ્યે એટલો સમય થયો કે મારા કુટુંબના બાળકોને આવી કોઈ પરંપરા હોય તે પણ ખબર નથી. તેવો લુણો હિમાચલની એક ત્રિભેટે લાગવો શરુ થયાની હું સાક્ષી બની. અહીં લુણો શબ્દ એટલે વાપર્યો કે તે વિસ્તારમાં ‘મીઠાં’ માટે ‘લુણ’ (અને મહેમાન કે અતિથિ માટે ‘પરોણો’) શબ્દ ચલણમાં છે.

અમારી બસ આવી ગઈ.
#6@¥4
૮/૪/૧૬ 

5.10.17

ખુશ રહેના

તબિયતને કારણે પહેલેથી જ નક્કી હતુ્ં કે થશે એટલુ જ કરીશ. શરીર સાથે  ખેંચતાણ નહીં કરું. ખચ્ચરનો સહારો લેવો પડશે તો લઇશ.
પાલખીનો અંદાજ હતો, પીઠ્ઠુનો નહોતો. ચાના બગીચામાં કામ કરતા લોકો જે રીતે પીઠ પર બાસ્કેટ રાખે તેવી રીતે રાખેલા મજબુત બાસ્કેટમાં અક્ષમ વ્યક્તિ બેસે અને તેને ઊંચકીને જે લઇ જાય તે પીઠ્ઠુ. આ નામ ક્રિયાનું છે કે કર્તાનું  તે ખ્યાલ ના આવ્યો અને મેં પૂછવાનું ય ટાળ્યું. રકસેકની જેમ ખભો તો ભાર ઊચકતો હોય જ, એક પટ્ટો કપાળ ઉપર પણ તાણેલો હોય. લોડ ડિવિઝન પ્લસ એડેડ સિક્યોરિટી. આ દ્રશ્ય જોઇને મને વિચાર આવ્યો  કે હું આમાં ના બેસું. તરત જ પોતાની લક્ઝુરીયસ ફિલસૂફી પર હસવું આવ્યું. બેસવાનો વારો ય આવી પડે. આ પણ એક કામ છે, કોઇ માટે રોજી છે.
બદ્રીનાથ પહોંચવા લાંબદગડ ક્રોસ કરવાનો હતો. આ તરફથી પર્વત  ચઢી બીજી તરફ ઉતરવાનું. સવારના દસ સુધી વરસાદ પડેલો. હું નીકળી ત્યારે ઉઘાડ હતો પણ વાતાવરણ એવું જ રહેશે એનું નક્કી થોડું હોય? ગોવિંદઘાટથી શટલ જીપ મળી. લાંબદગડની પાસે જ્યાં ઉતર્યા ત્યાં એક ટી-સ્ટોલ હતો અને તેનો ધંધો ધમધમતો હતો. ત્યાં ત્રીસેક ફૂટ લંબાઇ જેટલા ભાગમાં અલકનંદા એક-બે ફુટ જ ઊંડી હતી. કેટલાક યાત્રાળુ તેમાં સ્નાનની મજા લઇ રહ્યા હતા. અહીં એક કિનારે સીમેન્ટની પાળી કરેલી હતી. ત્રણેક ફુટ ઊચી પાળી પર હું બેસી ગઇ અને દ્રશ્યની મજા માણવા લાગી.
યાત્રાળુઓના જુદા-જુદા જુથ વચ્ચે કેટલાક પીઠ્ઠુ ફરી રહ્યા હતા અને ગ્રાહક મેળવવા પ્રયત્ન કરી રહ્યા હતા. અમુક યુવાન હતા.એક તો કિશોર જણાતો હતો. પણ મારું વિશેષ ધ્યાન ગયું એક પ્રૌઢ લાગતા પીઠ્ઠુ પર. આ ઉંમરે આવું કામ કરી શકવાની શારીરિક ક્ષમતા અને મજબુરી અંગે સમાંતર વિચારો આવી ગયા. થોડા સમય પછી  તે પ્રૌઢ પીઠ્ઠુ  મને પણ પુછવા આવ્યો . કહે, “વાજબી લઇશ.”  લાંબદગડની ઊંચાઈ મારી પહોંચમાં જણાતી હતી. વાતાવરણ ખુલેલું હતું અને “હું ના બેસું.” એ ભાવનાથી મન સમૃદ્ધ હતું.
રસ્તામાં એક માજી પીઠ્ઠુ પર સવાર હતા. તેમનો મારે સંગાથ થઇ ગયેલો. રોટી માટે કેવા કેવા કામ કરવા પડે છે લોકોને ! વેલી ઓફ ફ્લાવરના ત્રણ દિવસમાં ત્યાં ગોઠવાયેલ આર્થિક વ્યવસ્થાનો આછો પાતળો પરિચય થયેલો. ઘાંઘરીયામાં હોટેલ બધી ભ્યુંડાર ગ્રામજનોની પણ કર્મચારી બધા જોશીમઠ કે છેક ચમૌલી સુધીના. ખચ્ચર માલિકોની ય આગવી વ્યવસ્થા. લગભગ બધા  પીઠ્ઠુ નેપાળના. આ રસ્તે પણ પીઠ્ઠુ નેપાળી જ હતા. કામ વહેંચણીની હાઇરારકી સ્પષ્ટ હતી.
આપબળે લાંબદગડ પસાર કરી બદ્રીનાથ પહોંચી. સાંજના છ પછી બદ્રીનાથમાં વરસાદ જામ્યો તે સવારે ય અટક્યો ના હતો. લાંબદગડ આજે ય પગપાળા જ પસાર કરવાનો થશે એમાં કોઇ શંકા ન હતી. ધોધમાર વરસાદ અને ધુમ્મસને કારણે વાહનવ્યવહાર શરું નહોતો થયો.  મેં રિસેપ્શન પરના ચમૌલીના યુવકને કહી રાખ્યું હતું કે કોઇ પણ વાહન જાય, મને જણાવે. એક ડે-પેક અને પાતળી કાઠી, ‘જગ્યા કરી લઇશ’ એમ મનમાં હતું.  હોટેલ પણ નિકાસ માર્ગે જ  પસંદ કરી હતી.
લગભગ નવેક વાગે રિસેપ્શનીસ્ટે બુમ મારી. હુ્ તૈયાર જ હતી. એક જીપ જતી હતી. છ જ પેસેન્જર હતા. આરામથી બેસી શકાય એમ હતું પણ એટલા ધોધમાર વરસાદ અને સાતેક ફુટની વિઝીબલીટી આપતા ધુમ્મસમાં ડ્રાયવર જે ઝડપે જીપ ચલાવતો હતો, ભગવાન પર ભરોસો કરવાનું મન થઇ આવે. પણ, હંમેશની જેમ, ચંદ મિનિટમાં  રોમાંચ મન પર સવાર થઇ ગયો અને હું દ્રશ્ય માણવા સીટમાં આરામથી બેસી.
લાંબદગડની પાસે પહોંચ્યા. વરસાદ જોરમાં જ હતો. આવા સ્થળોએ પતરાં અને પ્લાસ્ટિક વડે ઊભી કરેલી દુકાનો તો હોય જ. દોડીને એક દુકાનમાં પેસી ગઇ અને ખાલી ખુરશીમાં ગોઠવાઇ. લાંબદગડ ક્રોસ કરવાનો હતો. મને એમ કે વરસાદનું જોર ધીમું પડે પછી ટ્રેક શરું કરું. પણ, વરસાદ તો વધ્યો. લગભગ પોણો કલાક હું ત્યાં ટી સ્ટોલ કમ મેગી સ્ટોલ કમ દુકાનમાં બેસી રહી. થયું કે ખોટુ સાહસ કરી દીધું. પણ, બદ્રીનાથ રોકાઇને ય શું અર્થ?   પાછા તો વળવાનું જ હતું. ટ્રેઇન ટિકીટની તારીખ સાચવવાની હતી. અહીં થોડે ઉપર એક ગામ હતું. વિચાર્યું કે પેલી તરફ નહીં જવાય તો તે ગામમાં કોઇના ઘરે રહી પડીશ. વિનંતી કરીશ તો કોઇ ના નહીં પાડે. પણ, એમ કરવું ય સમય બગાડવાનું જ થાય. ટૂંકમાં ,વરસાદને કારણે ભયજનક લાગતી સ્થિતિમાં ય વળતી યાત્રા કરી લેવી હિતાવહ હતી. લાંબદગડ ક્રોસ કરી લેવો રહ્યો.
યાત્રાળુઓનું એક મોટું જુથ આવ્યું. વરસાદમાં તેઓ લાંબદગડ ક્રોસ કરી આ તરફ આવ્યા હતા. બધા થોડા રઘવાયેલા, થોડા અકળાયેલા અને થોડા થાકેલા હતા. સ્ત્રીઓ,બાળકો પણ હતા તેમાં. ગઇકાલે જે પ્રૌઢ પીઠ્ઠુ તરફ ધ્યાન ગયેલું તે એમનો સામાન લઈને આવેલો અને પોતે સામાનને પલળવા નથી દીધો તેની વાત કરવા લાગ્યો. તે પોતે પૂરેપૂરો પલળેલો હતો. તે જુથમાંની  સમવયસ્ક સ્ત્રીને મારામાં રસ પડ્યો એટલે તે મારો ઇન્ટરવ્યૂ લેવા લાગી. તેની સહજતાને કારણે મને ય વાત કરવામાં વાંધો ના આવ્યો.  કર્ણાટકના એ પારિવારિક જૂથના પુરુષો વાહન વ્યવસ્થા,  પોંચો ખરીદ, ચા વગેરેમાં લાગેલા. ચાનો ઓર્ડર અપાયો ત્યારે દુકાનદારે તેમને પુછ્યું કે પીઠ્ઠુની ચા બનાવે કે નહીં?   તેઓએ હા પાડી. બધે જ આ રિવાજ હતો. પીઠ્ઠુ હોય કે ખચ્ચર ચાલક, પ્રવાસી ચા-નાશ્તા માટે જ્યાં અટકે ત્યાં તેને ચા મળે પણ આપણા ડ્રાયવર-કંડક્ટરની જેમ ફ્રી નહીં, તેમની સેવા લેનાર પ્રવાસીએ તે ખર્ચ ભોગવવાનો. વેલી અને હેમકુંડના રસ્તે કે જ્યાં બધી ચીજની કિંમત ડબલ હોય,આ વ્યવસ્થા પ્રવાસીને કઠે અને ચડભડ થાય.
પેલા જુથે ચા પીધી,  પીઠ્ઠુએ પણ. ચા પતાવી તે મારી પાસે આવ્યો અને વિનંતી કરવા લાગ્યો કે હું તેને આજે તો કામ આપુ જ. તેને પણ ગઇકાલે મળેલા તે યાદ હતું.  વરસાદ તેમજ તબિયતને લક્ષ્યમાં લઇને હું થોડી મુંઝાયેલી. પ્રમાણમાં સહેલો લાંબદગડ ટ્રેક અત્યારે ચેલેન્જીંગ ભાસતો હતો. સગવડીયું મન આળસી ગયેલું. પેલા પ્રૌઢ પીઠ્ઠુ માટે કોઇ લાગણી ઊભી થઇ ગયેલી. લાંબદગડ મારે એકલા પસાર કરવું જોઈએ નહીં એ વિચાર ક્યારનોય ઉગી ગયેલો અને વધુ ને વધુ માથે ચઢી રહેલો.
તે પ્રૌઢ પીઠ્ઠુને મેં કહ્યું કે હા, આજે તમારી મદદ લેવી પડશે. તે રાજી થઇ ગયા.  હવે સેવાની કિંમત નક્કી કરવાની હતી. વેલીના તેમજ અન્ય સામાન્ય અનુભવ પ્રમાણે સેવકો તો ચાર-પાંચ ઘણો ભાવ બોલવાના જ હતા. મને પ્રશ્ન હતો કે તેમની સેવાની કિંમત હું કેટલી આંકું છું?  કામના કલાક, ઉપયોગમાં લેવાનાર સાધનમાં કરેલ રોકાણ અને સેવાનો પ્રકાર એમ ગણતરી મુકી મારું મન હિસાબ લગાવવા માંડ્યું. મેં એક આંક કહ્યો, પીઠ્ઠુજીએ તેમાં થોડો ઉમેરો કરી બીજો આંકડો કહ્યો,જેની મેં તૈયારી રાખી જ હતી. એમ ડીલ પાકી થઇ.
હું પીઠ્ઠુ પર બેસવાની નહોતી. અમારી ડીલ સંગાથ અંગે થયેલી. તેમણે મારો સામાન, ત્રણ કિલો વજન ભરેલું ડે-પેક લઇ પીઠ પરના બાસ્કેટમાં મુકી દીધું. એટલું વજન ઘટતાં હળવાશ અનુભવાતી હતી. અમે ચાલવું શરું કર્યું. હું તેમને ચચા કહી સંબોધતી હતી. તેઓએ મને મેડમને બદલે  બેટા કહેવું શરું કર્યું. ચઢાણમાં હું થોડી જ વારમાં થાકી જતી. ચચા કહેતી, “આરામ સે.”  તેમનો સમય ના બગડે એ ગણતરીએ  હું ઉતાવળે ચઢતી કારણકે તેમને જેટલા ફેરા વધુ થાય એટલી  આવક વધે. પણ, ઉતાવળ કરવાથી હું જલ્દી થાકી જતી. તેમણે ટોકી કે પર્વત ચઢવામાં આવું જોર લગાવવું નકામું. જેટલી વાર હું થાક ખાવા ઊભી રહેતી, તેઓ થોડે આગળ જઇ બીડી પીતા. મને થયું કે લાંબદગડના એક રાઉન્ડમાં તેઓ એક જુડી પૂરી કરી દેતા હશે.  પહેલીવાર મને બીડી પીનાર પર ખીજ નહોતી આવી કે ના તેમને સ્વાસ્થ્ય વર્ધક સુચન કહેવાનું મન થયું.
મારી સાવચેતીને ચચા ડર સમજેલા. મારો હાથ પકડી તેમણે મને ચલાવવું શરું કર્યું. મારી પ્રકૃતિથી વિરુદ્ધ, મેં એમ ચાલવું સ્વિકાર્યું.  દરેક વળાંકે તેઓ હાથ બદલતા જેથી તેઓ ખીણ તરફ રહે અને હું સેઇફ સાઇડે રહું. લાંબદગડ એકદમ સહેલો અને સેઇફ ટ્રેક છે. છતાં, હું આ સેવા લઇ રહી હતી. જે મને જ નવાઈ પમાડનારું હતું. કદાચ ગઇકાલથી જ આ વ્યક્તિ પ્રત્યે કોઇ ભાવ થઇ ગયેલો. મેં  રેઇનકોટ ચઢાવેલો હતો. ચચાના શરીર પર જેકેટ તો હતું પણ તેની ચેઇન બંધ નહોતી. તેઓ લથપથ પલળેલા હતા, પલળી રહ્યા હતા અને તે અંગે તદન બેપરવાહ હતા.
ઉતરાણ વખતે એક યુવાન પીઠ્ઠુ સાથે થઇ ગયો. તે બે સમધર્મી વાતો કરવા લાગ્યા.  નેપાળીમાં મને જેટલું પકડાયું તેમાં સમજાયું કે તે લોકોને અહીં પુરતું કામ અને દામ મળી રહ્યા ન હતા. તેઓ ચર્ચતા હતા કે આના કરતાં તો વેલી સારું કેમ કે ત્યાં શ્રદ્ધાળુ નહીં,  ફરવાવાળા આવે છે અને તેઓ પ્રમાણમાં ઉદાર હોય છે. લાંબદગડની બીજી તરફ કેટલા મુસાફર છે અને પીઠ્ઠુની શક્યતાવાળા કેટલા તે માહિતીની પણ પીઠ્ઠુઓમાં લેવડદેવડ થતી. એક પીઠ્ઠુ અમને સામે મળ્યો તો મારા સાથીદાર તેમની સાથે ગઢવાલીમાં વાત કરવા લાગ્યા.
ચચાએ મને મારી ઉંમર પુછી. મેં કહ્યું,  “તમે જ કહો.”  તેમણે કહ્યું: 18 વર્ષ. લોકોને પોતાની પીઠ પર ઊચકી પર્વત પસાર કરાવનાર વ્યક્તિ કોઇની ઉંમરમાં આવડી મોટી થાપ ના જ ખાય. બેશક, તેઓ મને ખુશ કરવા માંગતા હતા. મેં મારી ઉંમર કહી તો તેમને અને મને નવાઈ લાગી. તેઓ મારા કરતાં પાંચ જ વર્ષ મોટા હતા.તેમણે મને આટલી મોટી નહોતી ધારી અને મેં તેમને આટલા નાના નહોંતા ધાર્યા. વગર કહ્યે અમે અમારા જુદા પડતા નસીબ અંગે સભાન થઇ ગયા.વાતાવરણ બોઝીલ થઇ ગયું.  હંમેશની જેમ ,નાના માણસની મોટાઇએ સમો સાચવી લીધો. થોડા સમયની ચુપકીદી તોડી તેમણે કહ્યું,  “ઉમ્ર કે હિસાબસે તો ભાઇ-બહન હો ગયે.”. તે પછીની વાતોમાં  બહેન અને ભાઇસા’બ સંબોધન આવી ગયાં . જો કો, તેઓ ‘બેટા’ સંબોધી જતા અને પછી સંબોધન સુધારતા. ઘર -પરિવાર અંગે વાતો કરી.
તેઓ હજી મને  ડરેલી માનતા હતા. વારેઘડીએ  કહેતા:  ડરના નહીં,  ખુશ રહેના. પેડાગોજીમાં છબછબિયાં કરી આવેલ માસ્તરને લાગ્યું કે, તેમના બોલવામાં ભાષાની ભૂલ થાય છે.  ‘ડરીશ નહીં’ પછી  ‘ખુશ રહે'  એવું થોડું આવે! હા, તેમની લાગણી સમજાતી હતી.
અમે બીજી તરફ પહોંચ્યા. ચાના ગલ્લે બેગ લઈ  મહેનતાણું ચુકવ્યું. તેમને માટે ચાનો ઓર્ડર કહ્યો અને કહ્યું, “ તમારી પસંદગીનું કોઇ પડીકું લઇ લો.”  તેમણે કહ્યું,  “ દાંત નહીં હૈ મુંહમેં, બિસ્કુટ લેતા હું.”
તેટલામાં ગોવિંદઘાટ તરફથી બે જીપ આવી. પહેલીમાંથી પોલીસના બે વ્યક્તિ ઉતર્યા અને ટી- સ્ટોલમાં ધસી આવ્યા. તે બંને આ ભાઇસાબને ઓળખતા હતા. તેમાંથી એકે ભાઇસા’બના હાથમાંથી બિસ્કિટનું પેકેટ લઇ, તોડી,બે બિસ્કિટ લઇ પાછું આપ્યું. મને જરાય ના ગમ્યું. બીજા પોલીસમેનને ભાઇએ સામેથી પેકેટ ધર્યું. તે મેન બોલ્યો,  “અરે, તું ખા.” મારા ચહેરાના ભાવ જોઇ પહેલો પોલીસમેન બોલ્યો, “મૈડમ, હમ દોસ્ત હૈ.” “ ઠીક. તો તમે બિસ્કિટ ખવડાવો ને! “એમ મનમાં આવી ગયું પણ હું બોલી નહીં.
આગળ જવા જીપ આવી ગયેલી. આવજો કરીને હુ્ જીપ તરફ ગઇ.  થોડી આગળ ગઇ ત્યારે ભાઇસા’બ દોડીને આવ્યા,  “આપ અચ્છી હૈ. પૈસે ભી પુરે દીયે.(બીજા નકકી કરેલ ભાવ આપવામાં ય તાલ કરતા હશે?)  ડરના નહીં,  ખુશ રહેના.”  માનેલી માનતા જેવા ભાવથી મારાથી બોલી જવાયું, “આપ ભી, ખુશ રહેના ભાઇસા’બ.” ત્યારે મારા મનમાં સ્કુલમાં રોજ ગવાતો શ્લોક ગુંજતો હતો, “ સર્વદા સૌ …”

23.9.17

માણસાઇ

ગોવિંદઘાટ પર જાણ થઇ કે બદ્રીનાથ ના રસ્તે લાંબાગઢ પાસે લેન્ડ સ્લાઇડિંગ હોવાથી રસ્તો બંધ છે. અહીં વરસાદ પણ જામેલો. કરવું શું? મેં અલકનંદાને કિનારે ટહેલવું શરું કર્યું. કેટલોક સમય એમ પસાર કરી ફરી બદ્રીનાથ અંગે તપાસ કરી. જાણવા મળ્યું કે કુલ ત્રણેક કિ.મી.નો ટ્રેક કરીને પહોંચી શકાય એમ છે. તો ચલ પડે. શટલ મળતા નહોંતા. પસાર થતી દરેક સુમો પાસે જઇ પુછવાનું. વરસાદની ટપટપ ચાલું. એક શટલ ઊભી રહી. થોડેક આગળ જતાં એક આધેડ યુગલ જોડાયું. તેઓ એમ.પી.ના હતા. સ્ત્રીએ ગુજરાતી ઢબની સાડી પહેરેલ. આપણે ત્યાં સાડીના બે પ્રકાર પાડેલ છે : ગુજરાતી અને દક્ષિણી અથવા બંગાળી. ભૂગોળ ભણવી શરું થાય ત્યારે પ્રશ્ન થાય કે પૂર્વના બંગાળ સાથે દક્ષિણ શબ્દ કઇ રીતે જોડીયો હશે ગુજરાતી જનમાનસમાં? બંગાળ, અસમમાં પાલવ ડાબે ખભે ટેકવાય છે. સોનુ નિગમનું ‘ગુજરીયા' ગીત ખુબ ઉઠ્યું હતું પોપ આલ્બમના કાળમાં. ત્યારે થયું કે ગુજરાત બહાર પણ ગુજરીયા છે ખરી. હિમાલયના ટ્રેક્સ દરમ્યાન ગુર્જર જાતિની જાણ થઇ.  સલમાન રશદીની ઓછી વિખ્યાત નવલકથા Shalimar, the clownમાં એક કાશ્મીરી ગુજરીયાનું પાત્ર છે. તેના વર્ણનમાં તેણે ગુર્જર જાતિની સરસ કથા મુકી છે :  જ્યોર્જિયા, ગુજરાનવાલા, ગુજરાલ, ગુજરાત.
યુગલ માયાળુ હતું. વાતો મંડાઇ. લાંબદગડ (લંબ+દગડ?) પાસે પહેલાં ચઢાણ શરું થાય છે ત્યાં હું ધીમી પડી. મને ધીમી પડેલી જોઇ ભાઇ,સ્વાભાવિકપણે મદદ કરવા પ્રેરાયા. તેમની લાકડીનો એક છેડો ધરી તેને ટેકે ચાલવાનું ઇજન કર્યું.  મને તો હાથ છુટા જોઇએ એટલે તે પ્રસ્તાવ સ્વિકારવાનો પ્રશ્ન જ ના હતો. પણ,ભાઇનો તે પ્રસ્તાવ ભાભીને ના ગમ્યો, સ્વાભાવિકપણે.મને ખ્યાલ આવી ગયો કે અત્યાર સુધી મારા સાહચર્યને સંગાથ માનનાર આ યુગલમાંનું સ્ત્રૈણ તત્વ હવે પુરુષને દોડાવશે. હું મારી ગતિએ આ તરફથી ચઢી બીજી તરફ ઊતરી.
હવે વાહનશોધ. એક ઓમ્ની આવી. તેની સીટ આરામદેહ જણાતી હતી. પણ, એક પરિવાર તેમાં ગોઠવાઈ ગયેલો. તે પરિવારની નાનકી સાથે આ દરમ્યાન દોસ્તી થયેલી તેથી તે બોલાવતી હતી. તેવામાં બીજી સુમો આવી અને તે પરિવાર વહેલા પહોંચવાની અપેક્ષાએ ઓમ્ની છોડી સુમોમાં ગોઠવાયો. ઓમ્નીવાળાનું ભાડુ લગભગ બમણું હતું,એ પણ એક કારણ. તેવામાં એક મીનીબસ આવી. પ્રવાસીઓ તેના તરફ ધસ્યા. એક સ્થાનિક પછી હું ચઢી અને મારી પાછળ પેલો પરિવાર. ઓમ્નીવાળાએ વિરોધ કર્યો એટલે મીનીબસનો ચાલક બધાને ઉતરવા કહેવા લાગ્યો. બીજા પાંચેક પ્રવાસી બે ડ્રાઇવરની રકઝક વચ્ચે દરવાજે ધસારો કરી રહ્યા હતા. છેવટે પેલો પરિવાર ઉતરી પડ્યો અને પાંચ યુવાન ધસીને સીટમાં ગોઠવાઈ જઇ ચાલકને સાંત્વન વત્તા પ્રોત્સાહન આપવા લાગ્યા. આખરે અમને સાતને લઇ મીનીબસ ઉપડી.
હિમાલયની હવાનો સ્પર્શ અને સુગંધ વિશિષ્ટ હોય છે. પણ, વેલી ઓફ ફ્લાવરમાં ય આ વખતે તે ખાસ સ્પર્શગંધ મળ્યા ના હતા.  કદાચ સતત વરસાદમાં ધોવાઇ જતા હશે. તે સ્પર્શ હવે શરું થયો. વરસાદ અટકી ગયેલો. હિમાલય આખરે ઉઘડવા લાગેલો .
પેલા પાંચ યુવાનમાંનો એક બસમાં બેસતાં ભેળો મારા પ્રત્યે ઉત્સુક થઇ ગયેલો. બહેનજી કહી ના શકે એટલે બીબીજી કહી વાક્યો બોલતો હતો. તેના દરેક વાક્યને મેં ના સાંભળ્યું કર્યે રાખ્યુ.  પાંચેયના પ્રથમદર્શી વ્યક્તિત્વમાં એટલી ભિન્નતા હતી કે તેઓ એક જુથના ના લાગે. પણ, એ જ તો દોસ્તી છે!
દ્રશ્ય ખુલી રહ્યા હતા અને મારે ફોટા પાડવા હતા. હું બેસી હતી તે સિંગલ સીટની બારીનો કાચ ખુલી ના શકે તે પ્રકારનો હતો. તેને ખોલવા મને મથતી જોઇ પેલો ઉત્સાહી યુવાન અગાઉ બે-ત્રણ વાક્યો બોલી ચૂકેલો. કેટલીક ક્ષણના વિચાર પછી મારી પાછળના યુવાનને સંબોધી હું પહેલું વાકય બોલી : હું તમારી જગ્યાએ બેસું?
“અરે, ચોક્ક્સ.” બે યુવાન તરફથી જવાબ મળ્યો. સીટ બદલીને ફરીથી હું હિમાલયમાં મશગુલ થઇ ગઇ.
મારા એકમાત્ર પ્રશ્ન પછી પેલા ઉત્સાહી યુવાનને કદાચ પાનો ચઢ્યો હતો. તે હિમાલય, બદ્રીનાથ અને માના ગામ અંગેનું પોતાનું જ્ઞાન વગર પૂછ્યે સાર્વજનિક કરી રહ્યો હતો. કાને પડતા વાક્યો માહિતીના હેતુથી હું સાંભળતી હતી. તે પણ કદાચ તેવી આશાએ જ આમ કરી રહ્યો હતો.
બદ્રીનાથના એંધાણ શરું થતાં તે યુવકજુથના આયોજન પ્રત્યે હું ઉત્સુક બની. સાડાબાર થઇ ગયેલા એટલે બદ્રીનાથના કમાડ બંધ થઈ ગયેલા અને હવે ત્રણ વાગ્યે ખુલવાના. બસને સીધી માના લઇ જવા યુવકજુથ ચાલકને જુદા-જુદા વિકલ્પ સુચવવા લાગ્યું. મારે પણ સ્વાર્થ હતો. મેં કહ્યું:  જે તમે નક્કી કરશો તેમાં હું જોડાઇ જઇશ. યુવકોનો ઉત્સાહ બેવડાઇ ગયો. ચાલકને કહે, “દેખ, ‘આન્ટીજી’ પણ કહે છે!”
લાલચમાં પડેલ બસચાલક સાથે ગોઠવાયું નહીં અને તેઓએ બીજી સુમો કરી. તેમાં હું જોડાઇ અને અમે માના ઉપડ્યા. ઉત્સાહી યુવક સ્વાભાવિક રીતે મારી બાજુમાં બેઠો, શાલિનતાથી. પરસ્પર પરિચય કર્યો. લાલચ આપવાના લયમાં તેમની તરફથી વિધાન આવ્યું કે તેઓમાંના બે કોર્બેટના કર્મચારી છે. મેં પ્રશંસા ભાવ વ્યક્ત કર્યો. દરમ્યાન એક યુવક બોલ્યો કે તેને તબીયત ઠીક નથી લાગતી. તેનો થાક ચહેરા તેમજ આંખમાં અને કફ અવાજમાં દેખાઇ આવતા હતા. મારી પાસે દવા પર્સવગી હતી. તેને લેવડાવી. ઇલાજ મળ્યાથી તે સારું મહેસુસ કરવા લાગ્યો .
માના ફરવું શરું થયું. તેઓનું સેલ્ફીચરણ પણ. મને થયું કે સ્વસ્થ મિત્રતા બંધાઇ છે. એટલે મારો ‘મોટો' કેમેરા કાઢી કહ્યું, “આવો તમારો બધાનો ફોટો લઇ દઉં.” તેઓ ધન્યતામાં પ્રવેશી ગયા. મને કેટલીક ક્ષણ પછી ચમકારો થયો  કે હવે તેઓ મારી સાથે ફોટો પડાવવાના હતા, સામુહિક,વ્યક્તિગત. ત્રણ ચાર ફોટા પછી લાગ્યું કે તેમનો ઉત્સાહ હદ ઓળંગવાની તૈયારીમાં છે. મારું મોં બગડી ગયું. મારો ભાવ ફોટો પાડનારના ચહેરા પર પડઘાઇ જુથ પર ફરી વળ્યો અને તેઓ ‘ટુ ડુ નોટ ટુ ડુ'ની મૂંઝવણમાં મુકાયા. ક્ષણ માટે મારામાં ડર કોંધી ગયો. લાગ્યું, હું બેવકુફી કરી બેસી છું. મેં સંવાદ ચાલુ રાખ્યો અને સલામતીના વિકલ્પ વિચારવા-શોધવા લાગી. ભીમપુલ તરફનો એટલો પટ્ટો સુમસામ હતો. સ્થાનિક કે પ્રવાસી, કોઇ દેખાતું ન હતું.
તેઓના ફોટોશુટ અને ઝોલા ખાતી માણસાઇ વચ્ચેથી સિફતથી સરકીને હું ભીમપુલ તરફ આગળ વધી. સરસ્વતી મંદિરે પાછા સાથે થયા. ત્યારે તેમના વર્તનમાં દોષભાવના વત્તા ક્ષોભ સંતાડતી નફ્ફટાઇ દેખાતી હતી. ‘હિંદુસ્તાન કી આખરી દુકાન' નામવાળી બે દુકાન હતી. હું સરસ્વતી મંદિરવાળી આખરી દુકાન છોડી સામેની આખરી દુકાને ગઇ. તંગદીલી હળવી કરવા મે તેમને કહ્યું કે , “આ તરફ પણ સારા ફોટા આવશે.” પણ તેઓ વચ્ચેનો નાનો પુલ ઓળંગી બીજી તરફ ના આવ્યા.તેમનું ફોટો-સેલ્ફીશુટ સતત હતું. હું દ્રૌપદી મંદિર તરફ ગઇ અને અમે છુટા પડી ગયા. મંદિરથી થોડે દૂર, કદાચ કોઇ જવાને, પથ્થરોના ટેકે તિરંગો ગોઠવ્યો હતો. તે થોડો નમી ગયેલો. ઉમંગથી તેને સરખો કર્યો અને લાકડી સીધી રહે તે રીતે પથ્થર ગોઠવ્યા. સેલ્ફી લીધી.
વ્યાસગુફાના માર્ગે યુવકો ક્યાંક ના દેખાયા ત્યારે મને ખ્યાલ આવ્યો કે મારાથી વધુ સમય લેવાઇ ગયો છે. મારે તેમની સાથે, તે જ સુમોમાં પાછા ફરવાનું હતું. જો કે માના બદ્રીનાથથી હાથવગું છે અને આર્મીનું કેન્દ્ર છે એટલે હું નિશ્ચિંત હતી.
માનાના પ્રવેશદ્વારે પાછી પહોંચી તો એક અન્ય ચાલકે જણાવ્યું કે મારા સહપ્રવાસી રાહ જોઈને હમણાં જ નીકળી ગયા. હું આગળ વિચાર કરું તે પહેલાં આગળથી બુમ સંભળાઈ,  “મેડમ, જલ્દી કરો.” દોડીને હું ગાડીમાં ગોઠવાઈ. પાંચેય યુવકોના ચહેરા પર પોતાની ભૂલ(મારી રાહ ના જોવાની)ની ક્ષમાયાચના હતી. મેં મનમાં હસી લીધું અને કહ્યું,  “સોરી,સમયનો અંદાજ...”  મને વાક્ય પુરું બોલવા દીધા વગર તેઓ,  “અરે, કોઇ નઇ.” કહેવા લાગ્યા.
આ તબક્કે તેઓ તદન માણસ બની ગયા હતા. તેમના ઉંચકાયેલા ભાવથી આશ્વસ્થ તેમજ રાજી થઇ હું ઉમળકાભેર વાતે વળગી. ઘડીમાં બદ્રીનાથ આવ્યું. યુવકોએ મને ભાડુ ના આપવા દીધું. તેઓ દર્શન કરી તરત જ પાછા ફરવાના હતા. લાંબદગડ પાસેનો રસ્તો ખુલી ગયેલો. મારે એક તરફ ઉતાવળ કરવી ના હતી અને બીજી તરફ ખુલેલો રસ્તો બંધ થાય તે સંભાવના હતી. વળી, વળતો પ્રવાસ અંધારામાં કરવાનો થવાનો હતો. હું બદ્રીનાથ રોકાઇ ગઇ. જાગેલી માણસાઇને પુરુષાતનમાં પડવા દેવા નહોંતી માંગતી.

11.9.17

ચાહ

સવારના 8થી રિષીકેષના ટેક્સી સ્ટેન્ડ પર જોશીમઠ માટે સુમો તૈયાર હતી.  પણ, 10:30 સુધી બીજું કોઈ પેસેન્જર જ ન આવ્યું. પાંચથી શરુ્ં કરી ડ્રાઇવર અઢી હજાર પર આવી ગયો મને એકલીને ચમૌલી સુધી પહોંચાડવા. પણ, બધું બજેટ પહેલે જ ધડાકે મોકળું કરી દેવાનો મારો મુડ ના હતો. હું બસ સ્ટેન્ડ પહોંચી. ત્યાં શ્રીનગર માટેની બસ તૈયાર હતી.  હા, ઉત્તરાખંડમાં ય શ્રીનગર છે.  હવે ડાયરેક્ટ બસ નહીં જ મળે અને જેમ મોડુ થશે એમ જોશીમઠ આઘુ થતું જશે એ ખ્યાલ આવી જતાં તે બસમાં ગોઠવાઈ.

સમયસર જમવું એ મારી જરુરીયાત હતી કેમકે સ્વાસ્થ્ય લથડે તે આ તબક્કે ના ગમે. રકસેક ડીકીમાં મુકવા કંડક્ટરે પુછ્યું તો મેં કહ્યું કે બસ ઉપડવાની તૈયારીમાં હોય ત્યારે લઇ જજો કેમકે મારે નાશ્તો કરવાનો છે. પેક્ડ જ્યુસ સાથે મે ઘરનો નાશ્તો કર્યો. દરમ્યાન બસમાં બેઠેલા અને ઉમેરાઇ રહેલા પેસેન્જર્સ તરફ સ્વાભાવિક ધ્યાન ગયેલું. મેં જોયું કે મારી બાજુની ટ્વીનસીટ પર બેઠેલ પૌઢ સરદારજી ઉતરી ગયા હતા અને થોડાક સમય પછી ત્યાં બે છોકરીઓ ગોઠવાઈ ગયેલી. મારી સીટમાં એક બેઠક હજી ખાલી હતી, કદાચ મારો ડે પેક ત્યાં મુકેલો હતો તેથી.

બરાબર બસ ઉપડવાને ટાણે પેલા સરદારજી બસમાં ચઢ્યા અને મને પુછ્યું કે કોઇ આવે છે? મેં બેગ લઈ લીધી અને તેઓ બેઠા.પણ, એ ક્ષણે મને લાગ્યું કે તેઓએ પ્લાન કરીને મારી બાજુની બેઠક મેળવી. અને મારા મનમાં સહેજ તુરાશ આવી ગઇ.

હું ઘણું  ફરી છુ્ં અને બીજાઓને દુ:સાહસ લાગે એવું ય અવારનવાર કરી બેસી છું. મને શંકાઓ સતાવતી નથી. મારું બગાડવામાં કોઇને ખાસ રસ હોય તો તે શું કરે તે પ્રકારના વિચાર જ મને નથી આવતા. આવું લખવા માટેના વિચાર પણ ઘણીબધી ટિપ્પણીઓ પછી આવે. એટલે આવી તુરાશ ઉઠવી મારા માટે નવાઈની બાબત છે.

સરદારજીના જમણા હાથના અંગુઠાનો નખનો ભાગ ના હતો. એટલો અંગુઠો કપાયેલો હતો. જુગુપ્સા ઉઠી અને તુરાશ વધી ગઇ. મારી નવાઈ પણ. હું વળી ક્યારથી આવી આશંકિત થઇ! પ્રચાર માધ્યમો અને શુભેચ્છકોની મહેરબાની. મારી અંદર ડર ઊભો થઇ ગયેલો. કડવા થઇ ગયેલા મોં સાથે મેં વિચાર્યું કે મારા હાલહવાલ જોઈ તેમને જિજ્ઞાસા થઇ હોય અને એટલે તેઓ એમ કરવા પ્રેરાયા હોય એમ ના બને? મારા મોંની તુરાશ જતી રહી. મને કોઇ શીખનો વ્યક્તિગત અનુભવ નથી. પણ, શીખ સમાજની સામાન્ય છાપ આ તબક્કે મનને આશ્વસ્થ કરવા ખપ લાગી. બારીને ટેકે મેં ઝોકાસન આરંભ્યું.

બસ ઠેકઠેકાણે ઊભી રહેતી હતી. એક ભાઇ ગેલ્વેનાઇઝ પાઇપ્સ, બે મોટા થેલા અને તેલનો ડબો લઇ ચઢ્યા.  ડબા સિવાયનો સામાન ડિકી અને બસ ઉપર ચઢાવાયો. કંડક્ટરે સામાનનું ભાડુ 100 રૂપિયા માંગ્યું તો તે ભાઇ છેડાઇ ગયા. તેમાં સરદારજીએ ઝુકાવ્યું, "માણસ હોય તો સામાન હોય. આ મારે કશો સામાન નથી અન્ આ ભાઇને વધારે છે  તો સરખું થઇ ગયું ને! " કેટલાક સમયની વ્યવહારિક અને દાર્શનિક તડાફડી પછી મામલો 30 રૂપિયામાં નિપટાવાયો.

બસ એક ઢાબે ઉભી રહી. મોટા ભાગના સહપ્રવાસીઓ ફિક્સ થાળી કે આલુ પરાઠા લઇ જમવા બેઠા. મે શેકેલી મકાઇ લીધી. જમી રહેલી કિશોરી સાથે વાતચીત થઇ. તે હરિદ્વારની હતી અને શ્રીનગર એમ.બી.એ. ભણવા જઈ રહી હતી. નવાઈ લાગી કે મોટા શહેરમાંથી નાના શહેર તરફ?  પણ, યાદ આવ્યું કે શિક્ષણના ખાનગીકરણ પછી નાના સ્થળોએ આવા શૈક્ષણિક હબ ઊભા થયા જ છે.  દરમ્યાન, સરદારજીને ચા પીતા જોઈ મારો ટી-ચર આત્મા સળવળ્યો. ચા બનાવી રહેલ વ્યક્તિને પૂછ્યું :  અદરક હૈ?  હકાર મળતાં તેને સમજાવ્યું કે મારે કેવી ચા જોઈશે.
ચા આવી. મને અનુકુળ રહી. થોડી વધુ ગળી, થોડી વધુ કડક અને દૂધનો જુદો સ્વાદ. આટલો સ્વાદફેર સહન કરી શકાયો એ સારા શકન જેવુ લાગ્યું.ચા બનાવનાર પણ મજેદાર હતા. મને દજાતી જોઇ ચા ઠંડી કરી આપી અને "ઓહો, તમે તો આપણા પી.એમ.ના શહેર(અમદાવાદ)ના છો." એવો હરખ પણ કરી લીધો. ચા પીધી અને બસ આગળ ચાલી. સરદારજીની વાતચીત કરવાની ઉત્સુકતા વ્યક્ત થતી રહેતી હતી. મેં નમતું મુક્યું અને ક્યાંથી, ક્યાં જવાના? વગેરે વાતો થઇ. હું હેમકુંડ જવાની છું તે જાણી તેઓ રાજી થઇ ઉઠ્યા. ચમૌલીથી પાંચેક કિ.મી.ને અંતરે હેમકુંડના યાત્રાળુંઓ માટે લંગર લાગેલું હતું. તેઓ ત્યાં સેવા માટે જઇ રહ્યા હતા અને પૂર્ણ શીખ ગણવેશમાં હતા. મેં કેમેરા કાઢ્યો તો તેઓ ભારતીય વડીલની  મુદ્રામાં આવી ગયા. "આ દ્રશ્ય સરસ છે,  પાડી લે ફોટો." જેવા ફરજભર્યા વિધાન કરવા લાગ્યા, જે મારી વૃત્તિને સંપૂર્ણ પ્રતિકૂળ હોવાથી મેં અવગણ્યા. તે પછી તેઓ પોતાનો મોબાઇલ કાઢી તેમાં ફોટા-વિડીઓ જોવા લાગ્યા.મેં તે પ્રત્યે ય ઉદાસીનતા દાખવી. એટલે કેટલાક સમય સુધી અમારી વચ્ચે સંવાદ ના થયો. તેઓને ઘણી વાત કરવી હતી અને મારે ચુપ રહેવું હતું.

બીજી એક બસ અને ટેક્સી બદલી અમે લગભગ 7:30એ ચમૌલી પહોંચ્યા. અમે એટલે હું અને સરદારજી. અન્ય કોઈ સહપ્રવાસીને આગળ, સ્થાનિક બોલી મુજબ ઉપર, જવાનું ના હતું. બીજી બસ વખતે મેં ધ્યાન રાખીને તેમની સાથેની બેઠક ટાળી હતી.

ચમૌલી પહોંચતા જ મે નક્કી કર્યું કે હું અહીં જ રાતવાસો કરીશ અને મેં હોટલ અંગે તપાસ આરંભી. તેવામાં  એક ટેક્સીવાળો આવ્યો જે જોશીમઠ આવવા ઉત્સુક હતો. તેની પાસે ત્રણ પેસેન્જર હતા. સરદારજીને તો ચમૌલીથી પાંચ કી.મીને અંતરે લાગેલા લંગર પર ઉતરવાનું હતું એટલે પેલા ત્રણ પેસેન્જર અને ડ્રાઇવર મને આગ્રહ કરવા લાગ્યા. તેમના આગ્રહમાં સુરક્ષાનો ઉલ્લેખ પણ નહોતો. મને લાગ્યું કે તેઓ સુરક્ષા, એકમાત્ર સ્ત્રી પ્રવાસીની સુરક્ષા પ્રત્યે એટલા નિશ્ચિંત હતા કે એ વાત તેમને કરવા જેવી જ ના લાગી. કદાચ તેમની તાત્કાલિક જરુરીયાત હાવી થઇ ગઇ હોય અને આ તેઓ આ બાબત જોઈ જ ના શકતા હોય એમ પણ હોઇ શકે. એમ હોય તો પણ તેમના આગ્રહથી સાબિત થતું હતું કે રસ્તો સારો હતો. પેલા ત્રણને નોકરીએ પહોંચવાનું હતું અને તેઓ ઉતાવળ કરતા હતા. મને વિચાર કોંધી ગયો કે સરદારજીને જોશીમઠ આવવાનું હોત તો કેટલું સારું! આ વિચાર જોઇ મને મારા પર હસવું આવ્યું.
મારા સંશોધન મુજબ જોશીમઠમાં હોટલ મળવી મુશ્કેલ ના હતી અને મારે ય પહોંચવું તો ત્યાં જ હતું. રસ્તો સાફ હતો અને ખાસ જોખમ જણાતું ના હતું. પાંચેક મિનિટમાં અમે જોશીમઠ તરફ નીકળ્યા.

હિમાલયના શિખરો વચ્ચે જ્યાં ગોદ જેટલી જગ્યા મળી, માણસે ગામ અને શહેર વસાવ્યાં. અંધારી રાતે એ ગામ-શહેરના ઘર-હોટલમાં એકસાથે થયેલા વિજળીદિવા દુરથી ખુબ સુંદર લાગતા હતા,જાણે આગિયાનો સમુહ કે આકાશગંગાનો એક ભાગ.

થોડી જ વારમાં સરદારજીને ઉતરવાનું સ્થળ,લંગર આવી ગયું.  સહપ્રવાસીઓ જમી લેવાના મતના હતા. વચ્ચે એક ઠેકાણે મેં ચા પીધી હતી અને શ્રીનગરથી ખરીદેલ સફરજન સાથે મારું ડિનર થઇ ગયેલું. પણ, માન રાખવા ખાતર હું ડિશ લઇને બેસી અને બે ચમચી દાળ લીધી. મારું વર્તન એરોગન્સમાં ખપી શકે છે એમ જાણતી હોવાથી હું વિનમ્રતાથી વાત કરતી હતી. લંગર સંભાળનાર એક વડીલ સક્કરપારા જેવી એક મીઠાઇ( મઠરી કદાચ) અને લાડવા લઇ આવ્યા અને ફરીથી આગ્રહ કરવા લાગ્યા કે આ તો ખાવું ગમે તેવું છે.  મોટાભાગે ધાર્મિક સ્થળોએ હું કરી રહી હતી તેવા વર્તનને બોધ વડે ભાંડવામાં આવે. "પ્રસાદ કહેવાય. લેવો જ પડે.અમને સેવાની તક આપો." જેવા દુરાગ્રહ શરું થાય. પણ, અહીં કોઇએ એવું ના કર્યું, લગભગ બધા વડીલ હોવા છતાં. તેમના વર્તનમાં એક જ બાબત પ્રગટતી હતી, જમવાના સમયે મારી હોજરીમાં કંઇક જાય. મિઠાઇનો એક કટકો લીધો અને બે ચમચી દાળ.

ત્યાં પેલા સરદારજી, કે જેમને અન્ય સહપ્રવાસીઓને વાદે મેં ય વિરજી કહેવું શરુ કરી દીધેલ, બોલ્યા :  उसके लिए डबल अदरिक चौथाइ शक्कर चाय बना लाईए।

રાત્રે સાડા આઠ કલાકે દેવભૂમિ(ઉત્તરાખંડનું બીજું નામ)ના રસ્તા ઉપર મેં 'ચાહ' પીધી.