12.5.24

ક્રોમોઝોમ ૧ - જીવન

ક્રોમોઝોમ ૧ 

જીવન

બાઈબલના ગોસ્પેલ ઓફ જોનમાં છે: શરૂઆતમાં શબ્દ હતો. અને તે ઈશ્વર સાથે હતો. અને તે શબ્દ ઈશ્વર હતો. 


એથેઈસ્ટ મેટ રિડલી આ કોઠાસૂઝને પોતાના 'શબ્દો'માં આગળ વધારે છે: શરૂઆતમાં શબ્દ હતો. તેણે તેના સંદેશાથી દરિયાનું ધર્માંતરણ કરી નાખ્યું, થાક્યા વગર, અનંતકાળ સુધી પોતાની નકલો બનાવતાં રહીને. શબ્દે શોધી કાઢ્યું કે રસાયણોને કેમ કામમાં લેવાં જેથી અવ્યવસ્થાના વહેણમાં નાનકડા તંતુને તે જીવાડી શકે. શબ્દે જ આ ભૂમિને ધૂળિયા નરકમાંથી લીલુંછમ સ્વર્ગ બનાવી. શબ્દ ખીલ્યો અને છેવટે એવો તો બુદ્ધિશાળી બન્યો કે તેણે ગાઢી રાબ કહેતાં માનવ મગજ બનાવ્યું; એ ગાઢી રાબે શબ્દ શોધ્યો અને તેના હોવા અંગે સભાન બની.--- જ્યારે જ્યારે હું આ વાત વિચારું છું ત્યારે ત્યારે મારી ગાઢી રાબ બઘવાઈ જાય છે. 

(તા.ક. રિડલી જેવા લેખકો સંદર્ભ ખચિત લખતા હોય. તે જ્યારે ધર્માંતરણ કે રાબ જેવા શબ્દ વાપરે ત્યારે એના સંદર્ભ વિજ્ઞાનથી માંડી થિઓલોજીમાં ઝૂલતા હોય. રિડલી ધર્મના ખૂબ મોટા ક્રિટીક - વિરોધી રહ્યા છે. )

જીવન વૃક્ષ કહેતાં ટ્રી ઓફ લાઈફ કે માનવ વંશાવળીનું રેખાચિત્ર આપણે મોટાભાગે ખોટું જોયું છે - એક થડમાંથી નીકળતી શાખાઓ વાળું. આપણે હકિકતમાં ઘણાબધા પૂર્વજોના અનુભવો પછી 'ઊભા' થયા છીએ.

જીવન એકમાંથી અનેક થયું છે એ વાત એક રીતે સાચી હોવા છતાં આપણે જાતભાતનાં જીવોના વારસો છીએ તે પણ એટલું જ સાચું છે. 

આપણે બધા સાથે એક એવા તંતુથી જોડાયેલા છીએ જેનું કામ છે લગભગ પોતાના જેવો જ જીવ પેદા કરી જવો અને પોતાના જીવનમાં વ્યવસ્થા કેળવવી. 

શ્રોડિન્જરના શબ્દોમાં - જીવન એટલે અવ્યવસ્થામાંથી વ્યવસ્થા પીનાર. 

જેમના 'વ્હોટ ઈઝ લાઈફ' પ્રવચનોથી પ્રેરણા મેળવનારામાંથી નોંધપાત્ર સંખ્યામાં નોબેલ જીતનારા બહાર પડ્યા તે શ્રોડિન્જર જીવનને માત્ર ક્વોન્ટમ ફિઝિક્સ સમજવાની ભૂલ કરી બેઠા.  

એવી જ રીતે કેનેડિયન કેમિસ્ટ એવરી જીવનના તંતુને માત્ર રસાયણ ધારી બેઠા. 

બીજા વિશ્વયુદ્ધ વખતે જર્મનીનો તોડ શોધવામાં ગણિતજ્ઞ કાર્યરત એલન ટુરીંગે કહ્યું - અંકની મદદથી અંકની ગણતરી કરી શકાય. 

અને અમેરિકામાં ક્લાઉડ શેનને કહ્યું કે માહિતી (ઇન્ફોર્મેશન) અને અવ્યવસ્થા(એન્ટ્રોપી) એક સિક્કાની બે બાજુ છે- ઊર્જા સંદર્ભે. એક મશીનમાં ઓછી એન્ટ્રોપી મતલબ તેમાં માહિતી વધારે છે અને એટલે તે ઊર્જા વાપરી શકે, ઊર્જાનું રૂપાંતર કરી શકે છે. 

ટુરિગ અને શેનનના અભ્યાસ કે વિચારના દાયરામાં 'જીવન' કહેતાં બાયોલોજી નહોતું પણ એમની સૂઝ પેલા તંતુને સમજવાની નજીક હતી. 

વિશ્વભરની સંસ્કૃતિઓમાં ઈંડામાં મરઘી, બીજમાં વૃક્ષ જોવાના સંદર્ભો જોવા મળે છે. પણ, એના બંધારણની શોધ વોટસન, ક્રિક, વિલ્કિન્સન અને ફ્રેંકલિને કરી. 

ડી.એન.એ. 
જીવનની માહિતી.

શબ્દ બ્રહ્મ.

જીવનને ટકાવવા, આગળ વધારવા જરૂરી પ્રક્રિયાઓ કરવી (મેટાબોલિઝ્મ) અને જીવન વિષયક માહિતી સાચવવી (રેપ્લિકેશન).

ત્રણ અખ્ખરની ગૂંથણીથી બનેલી કુંતલાકાર, દાદર જેવી રચના. 

જીવનનું રહસ્ય એટલી સરળ ભાષામાં લખાયેલું છે -- a, c, g, t એમ ચાર જ અક્ષર વડે -- કે બહું ઓછાં લોકો તેનું અનુમાન કરી શક્યા.‌  

જેમાંના એક તે એરસમસ ડાર્વિન 

દાદુ ચાર્લ્સ ડાર્વિનના દાદા.
કવિ, ફિલોસોફર ને દાક્તર. 
છેક ત્યારે પ્રશ્ન કરી ગયેલા -- દરિયાના પેટાળથી માંડીને ભૂખંડે વિસ્તરેલા જૈવ વિસ્તારમાં એકસમાન તંતુ છે!

આપણા ર૩ ક્રોમોઝોમને મોટેથી નાના એમ ક્રમમાં ગોઠવીએ તો જે સૌથી મોટો છે-જેને સગવડ પૂરતું ક્રોમોઝોમ ૧ નામ આપીએ- તેના મોટા હાથમાં ૧૨૦ શબ્દોનો એક સમૂહ છે જે બીજા નકામા શબ્દો વચ્ચે પૂનરાવર્તિત થયા કરે છે. આ 'શબ્દ' , આ નાનકડો પણ લગભગ સૌથી વધારે સક્રિય જીન સતત આરએનએમાં પરિવર્તન પામે છે અને કેટલીક પ્રક્રિયાઓ પછી રાઈબોઝોમમા પહોંચે છે -તે 5SrNA રાઈબોઝોમના બંધારણને ટકાવી પ્રોટિન બનાવવાની પ્રક્રિયા માટે મહત્વના છે. 

જીનનું કામ છે પ્રોટિન બનાવવાનું અને પ્રોટિનનું કામ છે ડીએનએની નકલ કરવાનું. રસોયા અને રેસિપી જેવું.

તો પહેલાં શું આવ્યું - પ્રોટિન કે ડીએનએ?
પેલો પહેલો શબ્દ શું - પ્રોટિન કે ડીએનએ?

આપણા જીવન તંતુનો પહેલો શબ્દ ડીએનએ નહીં, આરએનએ છે -- કેમકે પોતાની અદ્લ નકલ કરવાનું કામ એ કરતું આવ્યું છે. પણ, આરએનએની મર્યાદા છે કે તે ટૂંકા જ રહી શકે, મોટા થવા જતા એની ભાષા ગરબડાઈ જાય છે અને એવી બીજી કેટલીક સાબિતીઓ છે જેના પરથી ખાતરી પૂર્વક કહી શકાય કે આપણા બધાંના જીવનને જોડતો એક તંતુ તે આરએનએ છે.


No comments: