13.5.24

ક્રોમોઝોમ ર - પ્રજાતિ


તમારી મમ્મીનો હાથ પકડો, તે તેમની મમ્મીનો હાથ પકડે અને એમ આગળ વધતાં જઈએ તો અમદાવાદથી માઉન્ટ આબુ (લગભગ ૨૨૬માઈલ) જેટલા અંતરે આપણે જેનો હાથ પકડ્યો હશે તે માણસ‌ અને ચિમ્પાન્ઝીને જોડતી કડીરૂપ હશે. 

આપણે ૯૮% ચિમ્પાન્ઝી છીએ અને ચિમ્પાન્ઝી ૯૭% ગોરિલા છે. 

તો, આ બે ટકાનો ફેર કેટલો? 
૧) શરીર પરથી વાળનો જથ્થો ઘટવો.
૨) ખુબ પરસેવો થવો.
૩) બે પગે ઊભા રહી ચાલવાની શારીરિક વ્યવસ્થામાં સુધાર 

આવું કેમ થયું? 

જેનો હાથ આબુમાં પકડેલો એ દાદી તેની બહેનથી છૂટી પડી ને એવા ભૌગોલિક સ્થળે તેણે રહેવાનું થયું જ્યાં 
૧) મેદાન પ્રદેશ હતો -- બે પગે ચાલવાની સરળતા 
૨) જ્યાં જંગલો ઓછાં ગાઢ હતાં - તાપથી બચવા પરસેવો 

ચિમ્પાન્ઝી વેજીટેરિયન હતા, નવા ભૌગોલિક સ્થાને ફળફળાદી પર ટકી જવું કદાચ મુશ્કેલ હતું. 
એટલે રચાઈ નીચે જેવી કારણ-કાર્યની શરીર પરિવર્તન અને વર્તન વિકાસની હારમાળા : 

• મીટ + નટ્સ (વીણેલાં બીજ) <----> પ્રોટીન યુક્ત ખોરાક, ભૂખમરાથી મુક્તિ <----> ખોરાક શોધ અને વહેંચણીમાં પોતાના ભાગ માટે ગણતરી <----> મોટું મગજ  

• કામની વહેંચણી <----> નરમાદાના કામની વહેંચણી , વહેંચીને ખાવા સામાજિક જૂથ બનવું <----> મોનોગોમી, કુટુંબ, સમાજ <----> પ્રાથમિક જરૂરિયાત સામાજિક ધોરણે સચવાઈ જતાં આગવી આવડત/તકનિક વિકસાવવાની તક/જરૂરીયાત.

આ બધો ઈતિહાસ બે રીતે ઉકેલી શકાયો:
• જીવાશ્મિ- ફોસીલ પરથી
• જીન પરથી 

૧૯૫૫ સુધી સમાજ અને જૈવશાશ્ત્રીઓ માનતા હતા કે માણસમાં ૨૪ જોડ ક્રોમોઝોમ છે. 
કારણકે ૧૯૨૧માં થીઓફેલસ પેઈન્ટરે 'આત્મવિશ્વાસ' સાથે પોતાના અવલોકનના પરિણામ તરીકે એમ કહ્યું/લખ્યું હતું. 
૨૪ ક્રોમોઝોમની આ વાત એટલી તો સ્વિકારાઈ ગયેલી કે જેમને જુદા જુદા સંશોધનોમાં ૨૩ જોડ ક્રોમોઝોમ દેખાયા એમણે પોતાને ખોટામાની સંશોધન આગળ ના ધપાવ્યાં.
માણસના પૂર્વજ એપ- બધા પ્રકારનામાં ક્રોમોઝોમની ૨૪ જોડ છે. 

છેક ૧૯૫૬માં- જો તીજો અને આલ્બર્ટ લેવાંએ , લગભગ ૩૦ વર્ષ પછી તે સમયની વધારે સારી સવલતો સાથે એ જોયું કે ક્રોમોઝોમની જોડ તો ૨૩ છે. 
ખરાઈ કરવા એમણે જૂનાં પુસ્તકોમાં ફોટા જોયા- ફોટામાં ૨૩ ક્રોમોઝોમ હતા પણ નીચે લખાણમાં ૨૪ લખેલા. 

પણ, આપણી દાદી તેની જે બહેનથી છૂટી પડી તેણે નાના સમૂહમાં રહેવાનું થયું અને એ નાના જૂથે જીવન ટકાવી રાખવા, આગળ વધારવા જે અનુકુલન - ઉપર શરૂઆતમાં નોંધ્યા છે તેવાં- કરવાનાં થયાં, તેના કારણે બે ક્રોમોઝોમે જોડાવું પડ્યું. 

આ બધું આપણા જનીનોમાં 'લખેલું' છે.
તે જોડાયેલો ક્રોમોઝોમ તેને સગવડ પૂરતો આપણે કહીએ છીએ ક્રોમોઝોમ ૨. 



ભાગ ૧: https://interact-6aya.blogspot.com/2024/05/blog-post.html


તા.ક. : ચાલતાંચાલતાં ઓડિયો બુક વંચાય ત્યારે અટકીને પેન્સિલથી નોંધ કરવાની, પ્રશ્નાર્થ કે ઉદ્ગાર કરવાની તકનિકી સગવડ હજી ઉપલબ્ધ નથી થઈ ત્યારે થયું કે જે વાંચ્યું/સાંભળ્યું તેમાંથી જેટલું પલ્લે પડે એટલું લખી લઈએ. આ ચોપડી બે વાર વાંચેલી, એકવાર સાંભળીને હવે ચોથી વખત વાંચું છું - રિડલીના અર્થસભર કટાક્ષ ને શબ્દજૂથ મને ડાર્ક ચોકલેટનો સવાદ આપે છે. તથ્યો મરડાય નહીં એનું ધ્યાન રાખીને લખું છું છતાં, આ, ચોપડી આંખ સામે રાખીને કરેલો અનુવાદ નથી.


12.5.24

ક્રોમોઝોમ ૧ - જીવન

ક્રોમોઝોમ ૧ 

જીવન

બાઈબલના ગોસ્પેલ ઓફ જોનમાં છે: શરૂઆતમાં શબ્દ હતો. અને તે ઈશ્વર સાથે હતો. અને તે શબ્દ ઈશ્વર હતો. 


એથેઈસ્ટ મેટ રિડલી આ કોઠાસૂઝને પોતાના 'શબ્દો'માં આગળ વધારે છે: શરૂઆતમાં શબ્દ હતો. તેણે તેના સંદેશાથી દરિયાનું ધર્માંતરણ કરી નાખ્યું, થાક્યા વગર, અનંતકાળ સુધી પોતાની નકલો બનાવતાં રહીને. શબ્દે શોધી કાઢ્યું કે રસાયણોને કેમ કામમાં લેવાં જેથી અવ્યવસ્થાના વહેણમાં નાનકડા તંતુને તે જીવાડી શકે. શબ્દે જ આ ભૂમિને ધૂળિયા નરકમાંથી લીલુંછમ સ્વર્ગ બનાવી. શબ્દ ખીલ્યો અને છેવટે એવો તો બુદ્ધિશાળી બન્યો કે તેણે ગાઢી રાબ કહેતાં માનવ મગજ બનાવ્યું; એ ગાઢી રાબે શબ્દ શોધ્યો અને તેના હોવા અંગે સભાન બની.--- જ્યારે જ્યારે હું આ વાત વિચારું છું ત્યારે ત્યારે મારી ગાઢી રાબ બઘવાઈ જાય છે. 

(તા.ક. રિડલી જેવા લેખકો સંદર્ભ ખચિત લખતા હોય. તે જ્યારે ધર્માંતરણ કે રાબ જેવા શબ્દ વાપરે ત્યારે એના સંદર્ભ વિજ્ઞાનથી માંડી થિઓલોજીમાં ઝૂલતા હોય. રિડલી ધર્મના ખૂબ મોટા ક્રિટીક - વિરોધી રહ્યા છે. )

જીવન વૃક્ષ કહેતાં ટ્રી ઓફ લાઈફ કે માનવ વંશાવળીનું રેખાચિત્ર આપણે મોટાભાગે ખોટું જોયું છે - એક થડમાંથી નીકળતી શાખાઓ વાળું. આપણે હકિકતમાં ઘણાબધા પૂર્વજોના અનુભવો પછી 'ઊભા' થયા છીએ.

જીવન એકમાંથી અનેક થયું છે એ વાત એક રીતે સાચી હોવા છતાં આપણે જાતભાતનાં જીવોના વારસો છીએ તે પણ એટલું જ સાચું છે. 

આપણે બધા સાથે એક એવા તંતુથી જોડાયેલા છીએ જેનું કામ છે લગભગ પોતાના જેવો જ જીવ પેદા કરી જવો અને પોતાના જીવનમાં વ્યવસ્થા કેળવવી. 

શ્રોડિન્જરના શબ્દોમાં - જીવન એટલે અવ્યવસ્થામાંથી વ્યવસ્થા પીનાર. 

જેમના 'વ્હોટ ઈઝ લાઈફ' પ્રવચનોથી પ્રેરણા મેળવનારામાંથી નોંધપાત્ર સંખ્યામાં નોબેલ જીતનારા બહાર પડ્યા તે શ્રોડિન્જર જીવનને માત્ર ક્વોન્ટમ ફિઝિક્સ સમજવાની ભૂલ કરી બેઠા.  

એવી જ રીતે કેનેડિયન કેમિસ્ટ એવરી જીવનના તંતુને માત્ર રસાયણ ધારી બેઠા. 

બીજા વિશ્વયુદ્ધ વખતે જર્મનીનો તોડ શોધવામાં ગણિતજ્ઞ કાર્યરત એલન ટુરીંગે કહ્યું - અંકની મદદથી અંકની ગણતરી કરી શકાય. 

અને અમેરિકામાં ક્લાઉડ શેનને કહ્યું કે માહિતી (ઇન્ફોર્મેશન) અને અવ્યવસ્થા(એન્ટ્રોપી) એક સિક્કાની બે બાજુ છે- ઊર્જા સંદર્ભે. એક મશીનમાં ઓછી એન્ટ્રોપી મતલબ તેમાં માહિતી વધારે છે અને એટલે તે ઊર્જા વાપરી શકે, ઊર્જાનું રૂપાંતર કરી શકે છે. 

ટુરિગ અને શેનનના અભ્યાસ કે વિચારના દાયરામાં 'જીવન' કહેતાં બાયોલોજી નહોતું પણ એમની સૂઝ પેલા તંતુને સમજવાની નજીક હતી. 

વિશ્વભરની સંસ્કૃતિઓમાં ઈંડામાં મરઘી, બીજમાં વૃક્ષ જોવાના સંદર્ભો જોવા મળે છે. પણ, એના બંધારણની શોધ વોટસન, ક્રિક, વિલ્કિન્સન અને ફ્રેંકલિને કરી. 

ડી.એન.એ. 
જીવનની માહિતી.

શબ્દ બ્રહ્મ.

જીવનને ટકાવવા, આગળ વધારવા જરૂરી પ્રક્રિયાઓ કરવી (મેટાબોલિઝ્મ) અને જીવન વિષયક માહિતી સાચવવી (રેપ્લિકેશન).

ત્રણ અખ્ખરની ગૂંથણીથી બનેલી કુંતલાકાર, દાદર જેવી રચના. 

જીવનનું રહસ્ય એટલી સરળ ભાષામાં લખાયેલું છે -- a, c, g, t એમ ચાર જ અક્ષર વડે -- કે બહું ઓછાં લોકો તેનું અનુમાન કરી શક્યા.‌  

જેમાંના એક તે એરસમસ ડાર્વિન 

દાદુ ચાર્લ્સ ડાર્વિનના દાદા.
કવિ, ફિલોસોફર ને દાક્તર. 
છેક ત્યારે પ્રશ્ન કરી ગયેલા -- દરિયાના પેટાળથી માંડીને ભૂખંડે વિસ્તરેલા જૈવ વિસ્તારમાં એકસમાન તંતુ છે!

આપણા ર૩ ક્રોમોઝોમને મોટેથી નાના એમ ક્રમમાં ગોઠવીએ તો જે સૌથી મોટો છે-જેને સગવડ પૂરતું ક્રોમોઝોમ ૧ નામ આપીએ- તેના મોટા હાથમાં ૧૨૦ શબ્દોનો એક સમૂહ છે જે બીજા નકામા શબ્દો વચ્ચે પૂનરાવર્તિત થયા કરે છે. આ 'શબ્દ' , આ નાનકડો પણ લગભગ સૌથી વધારે સક્રિય જીન સતત આરએનએમાં પરિવર્તન પામે છે અને કેટલીક પ્રક્રિયાઓ પછી રાઈબોઝોમમા પહોંચે છે -તે 5SrNA રાઈબોઝોમના બંધારણને ટકાવી પ્રોટિન બનાવવાની પ્રક્રિયા માટે મહત્વના છે. 

જીનનું કામ છે પ્રોટિન બનાવવાનું અને પ્રોટિનનું કામ છે ડીએનએની નકલ કરવાનું. રસોયા અને રેસિપી જેવું.

તો પહેલાં શું આવ્યું - પ્રોટિન કે ડીએનએ?
પેલો પહેલો શબ્દ શું - પ્રોટિન કે ડીએનએ?

આપણા જીવન તંતુનો પહેલો શબ્દ ડીએનએ નહીં, આરએનએ છે -- કેમકે પોતાની અદ્લ નકલ કરવાનું કામ એ કરતું આવ્યું છે. પણ, આરએનએની મર્યાદા છે કે તે ટૂંકા જ રહી શકે, મોટા થવા જતા એની ભાષા ગરબડાઈ જાય છે અને એવી બીજી કેટલીક સાબિતીઓ છે જેના પરથી ખાતરી પૂર્વક કહી શકાય કે આપણા બધાંના જીવનને જોડતો એક તંતુ તે આરએનએ છે.