ઈવાને પર્યાવરણમાં એકમ છે : પ્રાણીજગત.
તેમાં પ્રાણી જગતની વિવધતાભરી સૃષ્ટિ (આ વાંચવામાં તેને કાયમ મુશ્કેલી પડે છે) અંગે માહિતી છે. ‘પૃથ્વી પર વિવિધ પ્રકારનાં પ્રાણીઓ છે’ એ રૂપે તે માહિતી છે. મને એમ થયું કે એક પ્રાણીજુથમાં રહેલી વિવધતા પણ તેને બતાવવી જોઈએ. વધુ માહિતી આપવાનો તો કોઈ અર્થ રહેતો નથી. એટલે, મારું ચિત્ત કામે વળગ્યું. જે ઘટના સામે આવે, તેમાં રહેલી વિવિધતા તરફ તેનું ધ્યાન દોરવું. જેમકે, પાંદડા, ફૂલ, કાંકરા. ઇવાને કાચિંડા સાથે લગાવ છે એટલે કાચિંડાના ફોટા જોયાં. ઘરની નજીક સાપ નીકળ્યા પછી સાપના ફોટા જોયાં.
આ એકમ તો જુલાઈ માસમાં આવ્યો પણ મે મહિનામાં ટ્રેનમાં મુસાફરી વખતે એક વિગત પર મારું ધ્યાન ગયું. હકડેઠઠ લેડીઝ ડબામાં કામકાજી વર્ગની બે સ્ત્રીઓ તેમના બાળકો સાથે હતી. તેમને જોઈ ઈવા ખુબ ડરી ગઈ હતી. તેણે મને કહ્યું, ‘આમની સામે જોઇશ નહી.’ તે ઘડીએ તો તેને કઈ પણ સમજાવવી શકાય નહી. એટલે માત્ર હુંફ વડે તેને સાચવી લીધી.
અમારા ઘરની આસપાસ શ્રમજીવી સમુદાયના છ-સાત ઝુંપડા છે અને તેમના બાળકો સાથે ઈવા રમે પણ છે. છતાં આ ડર ક્યાંથી?
કદાચ લઘરવઘર,અસ્વચ્છ દેખાવ અને જુદી ભાષા,લહેકો કારણભુત હતો. કદાચ ‘કોઈ’ વડીલે તેને ‘આવા’ લોકોથી સલામત અંતર રાખવાનું ‘શીખવી’ દીધું હતું. કદાચ.
ઈવા જે શાળામાં ભણે છે તે શાળામાં મધ્યમવર્ગીય શ્રમજીવી સમુદાય મોટા પ્રમાણમાં છે. તેમની જુદી પડતી બોલી ઈવા માટે નવાઈનો વિષય છે. અગાઉ તે અંગ્રેજી માધ્યમની શાળામાં હતી એટલે આ જુદાપણું ખુબ સ્પષ્ટતાથી દેખાય. “અમારે તો ‘ટીચર’ને ‘મેડમ’ કહે અને પોતાની ‘બેન’ને ‘બોન’ કહે છે અને ‘છે’ને બદલે ‘શે’,’હે’ બોલે.” મારી નજરે તો આ ભાષાશિક્ષણ છે અને વિવિધતાભરી સૃષ્ટિ ચીંધવાનો મજાનો વિકલ્પ પણ.
ઈવા ક્યારેક ‘આવી’ ભાષાની નકલ કરે અને ઘરમાં તે ભાષામાં વાતચીત પણ કરે. અમારા ઘરમાં માન્ય ગુજરાતી ભાષા, ખેડા-પંચમહાલનની સરહદના અમારા વતનની છાંટ સાથેની બોલાય, તેમાં ઈવાની ભાષા ખીચડીનો સ્વાદ ક્યારેક ક્યારેક માણવા મળે. એવી ખીચડી તો હિન્દી-અંગ્રેજીની પણ જાણીબૂજીનેઅમે કરીએ છીએ. અહીં નોંધવું રહ્યું કે ઈવા સભાન છે કે પોતે બીજી ભાષાની નકલ કરી રહી છે અને તેની પોતાની ભાષા જુદી છે.
તેની પ્રિયપ્રિયપ્રિય વાર્તા ‘બીકણ સસલી’માં આવતા કુત્તો-કુત્તી, ગધ્ધો-ગધ્ધીના સંદર્ભો એટલા વિસ્તર્યા કે એ મને થતાં સંબોધનોમાં ઉમેરાયા, ‘કુતરી, ગધેડી..’ કોઈ પણ વડીલને ઉશ્કેરી દે, પોતાની સંતાન અસંસ્કારી બની ગયું છે એમ માનવા પ્રેરે એવાં આ સંબોધનોને અમે રમતમાં ફેરવી નાખ્યા..ઈવા એક શબ્દથી શરુ કરે પછી પ્રાણી-પક્ષીઓના સ્ત્રી લીંગની યાદી બોલવા માંડવાની-સસલી,વાઘણ,સાપણ,હાથણ,કાબરી,દેડકી... એવું નથી કે તેણે આ શબ્દ પહેલી વાર પ્રયોજ્યો ત્યારે એમાં ગાળ બોલવાની વૃત્તિ નહોતી. એમ બોલવા બદલ તેને વઢી શકાઈ હોત, તેને એમ ડારી શકાઈ હોત કે આવા ‘ખરાબ’ શબ્દો બોલવા નહી. પણ, એનું પરિણામ શું આવત? એ વડીલોની પીઠ પાછળ એવું બોલવા પ્રેરાત અને એ રીતે તેની અને વડિલ વચ્ચે અંતર ઊભું થાત જે ક્યારેય પૂરી ના શકાત.( કેટલાંક વડીલો એમ માને ય છે કે આવું અંતર, નાના-મોટાનું, શિક્ષક-વિદ્યાર્થીનું રાખવું જોઈએ. હું વ્યક્તિગત રીતે એમ માનતી નથી.)
આમ, વિવિધતાભરી સૃષ્ટિ સાથે ઈવાના વિશ્વનો વિસ્તાર હળવેથી પહોળોઊંડો થઇ રહ્યો છે. વિસ્તારનો આ ઈજાફો તેના ડરને ય ઓગાળશે, કદાચ !