‘ભારત ભાવનાઓનો દેશ છે.’ આ
પહેલી વાર વાક્ય વાંચ્યું-સાંભળ્યું ત્યારથી તેને સમજવાનો પ્રયત્ન રહ્યો છે. મારો
દ્રષ્ટિકોણ મોટે ભાગે કાર્ય-કારણ શૃંખલા આધારિત રહે છે અને એવી ક્ષણો પણ માણી શકું
છું જ્યાં તેનો અભાવ હોય. પણ, ભાવુકતા મારા ચિત્તની વૃત્તિ નથી. એટલે, વિનોબાના
અર્થઘટનોવાળી ભારતની(ભાવમાં રત) વ્યાખ્યા
ખુબ ગમતી હોવા છતાં તેના અર્થની શોધ જારી છે.
ફિલ્મોમાં ભારતીયતા ગમે છે અને મારા વર્તુળમાં તેના પર જેમની નજર જાય એવા
ચંદ તત્વો પણ છે. ફિલ્મોની ભારતીયતા એટલે ‘મેરે પાસ માં હૈ.’ પ્રકારની નહી,
પણ વિરાસતમાં પરિવર્તન પછીના અનિલ કપુર
અને તેને કોમ્પ્લીમેન્ટ કરતો ફિલ્મી સેટ. બાકી આપણી ફિલ્મો અંગ્રેજી માધ્યમ જેવી જ
હોય છે, અંજાઈને કરાયેલ ઉઠાંતરી. વિરાસત ગોડ ફાધરની રિ-મેઇક હતી, અંજાયેલ નકલ નહી.
‘જોર લગાકે હઈસા’ના પીક્સલે પીક્સલમા ભારતરસની છોળો ઉછાળતી હતી.
અને તબુ, બિનભારતીય દેહ શૌષ્ઠવ ધરાવતી નખશિખ ભારતીય કળાકાર. આજે જેના
કેફમાં આ લખાઈ રહ્યું છે તે ફિલ્મી જોડીની બીજી આવી જ અફલાતુન અદાકારીવાળી ફિલ્મ
હતી તક્ષક. ભારતીય ગંધ જેમાં મંદ અગરબત્તીની જેમ હતી . દ્રશ્યમની વાત સવાલ-જવાબની
રીતે માંડું.
પ્રશ્નયાદી :૧) ફિલ્મનું નામ સંસ્કૃત છાયાવાળું કેમ ? ૨) પોલીસની ભૂમિકામાં
સ્ત્રી પાત્ર કેમ ? ૩) અજય દેવગનનું ચોક્કસ સામાજીક-શૈક્ષણિક સ્તર કેમ છે
વાર્તામાં ?
જવાબો. જરૂરી નથી કે મારા જવાબો સાથે દિગ્દર્શક કે વાર્તાકાર સહમત હોય.
સ્ત્રી સમાનતાના વંટોળમાં સ્ત્રી-પુરુષના કુદરતી તફાવતને ઠેબે ચઢાવાય છે
અને સ્ત્રીને પુરુષનું ચિત્ત અને વૃત્તિઓ
પહેરાવવામાં આવે છે. સમાનતા એટલે જેની જે આવડત છે તેને સારી-નરસી-ઉચ્ચ-નીચના
ત્રાજવે તોલ્યા વગર તેની તે શૈલીને સ્વીકારી લેવી. સામાન્યત: કુટુંબ વ્યવસ્થામાં
આવું સચવાઈ જતું હોય છે અને પતિ-પત્ની કે સ્ત્રી-પુરુષ અંગેના જોકમાં આ સ્વીકારનું
પ્રતિબિંબ જોવાં મળે છે. આ વિધાનો વડે હું એમ જરાય કહેવા નથી માંગતી કે એક સ્ત્રી
પોલીસ તરીકે યોગ્ય ફરજ ના બજાવી શકે. હું ઇંગિત કરવા ચાહું છું કે સ્ત્રી પૌરુષી
વૃત્તિમાંથી વર્તતી હોય ત્યારે શું થાય. એમ પણ મનાય છે કે એક વ્યક્તિમાં પુરુષ-સ્ત્રી
બંનેની છાંટ હોય છે, બસ, તેનું પ્રમાણ અલગ અલગ હોય. આ તબક્કે, તબુના પતિનું પાત્ર
જે રીતે ઉપસાવ્યું છે તે નોંધવું રહ્યું. આ થયો પ્રશ્ન બેનો જવાબ.
ભણેલા સમુદાયમાં ‘ગામડિયા’ શબ્દનો અર્થ ‘ગામડાનો વતની’ એવો નથી કરાતો.
કારીગરીમાં ગામડાની પશ્ચાદભુવાળા હાથ બેજોડ હોય છે. મારા ગામમાં ટેલીફોન યુગ
પહેલાં, એક ઈલેક્ટ્રીશીયને બેંક મેનેજરના ટીવી રિમોટને સા.બુ.ને સહારે જીવતું કરી
દેતાં બેંકનો સ્ટાફ અવાચક થઇ ગયો હતો. આવા પાસા વગરના હીરલાઓના તમે પણ સાક્ષી હશો.
આ લીટીઓમાં સવાલ ત્રણના ઉત્તરના અંકોડા છે.
બાકી, જે મુખડાથી આ લખવું શરુ કર્યું તેમાં છે પ્રશ્ન એકનો જવાબ. કુટુંબ
અને કુટુંબ વ્યવસ્થા ભારતીય સંસ્કૃતિનું અંગ ગણાય છે. માત્ર પિતા ના હોય તેને આપણે
અનાથ નથી કહેતાં. નોંધપાત્ર સંખ્યામાં મેં એવા વિદ્યાર્થીઓને ભણાવ્યા છે, જેમના મા
કે બાપ કે ક્યારેક બંને ના હોવા છતાં તેઓ અનાથ નથી બની ગયા.
ઉપરાંત, એક સુક્ષ્મ તાંતણો છે અંતિમ ભેદને દર્શકો આગળ રજુ કરવાની રીતનો.
કથાકારે તે ભેદ બખૂબી, સુક્ષ્મ સ્તર જાળવીને રજુ કર્યો છે પણ કદાચ દર્શકોની ક્ષમતા
પર વિશ્વાસ ના આવતાં, રોકડી અટકી ના જાય તે હેતુથી, કોન્ટ્રાક્ટરવાળું દ્રશ્ય
ફરીથી બતાવીને તેને સ્થૂળતાથી દોહરાવ્યો.
આ તો મને આમ દેખાયું !