23.4.15

કિતાબકથા

યાદ નથી,પહેલાં વાંચતી થઇ કે વાંચતાં શીખી.પણ,રમકડાને બદલે વાર્તા માંગતી અને ઉપહાસનો ભોગ બનતી.જ્યાં વર્તમાનપત્ર પણ સાહેબી ગણાય એ સમાજના ધૂળિયા રસ્તાઓ પરથી મળતો છપાયેલો પ્રત્યેક કાગળ જણસ લાગતો.વિસ્ફારિત અને વિસ્મીત મન 'ઔર ભી હૈ'જહાંનાં જોડાં પલાણતું.પુસ્તકાલય નામનું સ્થળ હોય એ તો વહાણા વાયે જાણ્યું'તું અને સ્વર્ગ અહીંક જ છે એ અંગે કોઈ શંકા જન્મી નહોતી.પહેલીવાર જે પુસ્તકાલયમાં પગ મૂક્યો, અઠવાડિયાના છેલ્લા દિવસે તેના રખેવાળએ ચાવીઓનો ઝૂડો આપી દીધો. પછી જાણ્યું કે હું તો એક નાની પણ નક્કુર પ્રજાતિનો હિસ્સો છું જે ઉધઈ કે પુસ્તકિયા કીડા નામે ખ્યાત છે.દરેક પ્રેમીની જેમ પુસ્તકપ્રેમ અંગેની રત્નકણિકાઓ કાં તો મને સંબોધાયેલી કાં મેં કહેવા ધારેલી લાગતી. પ્રત્યેક વિધાન કોઈકની મહત્વાકાંક્ષાની જાહેરાત હોય તેવા આ સમે પુસ્તકપ્રેમ પણ બાઝારું પેદાઇશ હોવાની શંકા જીવને ચૂંથે. ત્યાં આત્માનુભવ વહારે આવે.અને પુસ્તકોએ જ પીવડાવેલ કાઢો દિમાગીતારમાં વિજપ્રવાહ કોંધાવે :તથ્યનો સ્વીકાર. પુસ્તકોએ શિખવી,વ્યક્તિ તરીકે વિકસવાની નૈતિક ફરજ.એ ફરજરસતૃષા માત્ર સાહિત્ય નહીં,વિજ્ઞાનગણિતઇતિહાસખગોળ એવા નવા નવા ખેતરોમાં ખેડવા લઇ ગઈ. ખેડાણ કરતાં લાધ્યું કે બીજની જાત પણ જોવી રહી. ઉત્ક્રાંત લોકરૂચી જેનાથી અણજાણ રહેવું પસંદ કરે એવાં,જમીનના અનુભવ અને પ્રેમ વડે પાકેલાં બીજ એક કોરે હંમેશ હોય છે. બીજ પરખનો બીજો માપદંડ તે સ્થાનિક સમજની સુગંધના મઘમઘાટ તળે મહેંકતું વૈશ્વિક ડહાપણનું અત્તર-લોક સાહિત્ય.ત્રીજો માનક તે ઝવેરી-જેનું.એમ વાંચન,વચન અને વર્તન એક હોય તેવા જણે સૂચવેલ ચોપડી. આમ ઉમેરાયું પુસ્તકપ્રકારની ક્ષેત્રીય પહોળાઈમાં ત્રીજું પરિમાણ. પરિણામે એવાં પુસ્તકોની પોલન અડી જેણે જ્ઞાનના નશા અને કેફ ફગાવવાનાં ચાંદરણાં ચંદ પાનામાં પેટાવ્યા. હવે કાં દંભ કાં કેફ કાં સત્ય એમ દાવ મંજાયો. પાછલા અઢી-ત્રણ વર્ષ દરમ્યાન સાપેક્ષે નહિવત (સંખ્યા અને ગુણવત્તાની રીતે)વાંચ્યું.પુસ્તકોએ જ 'ના વાંચવાનું' શિખવ્યું. પુસ્તકો ખરીદાય છે શ્રદ્ધાપુર્વક.એમને વાંચ્યાની અને વાંચવાની પાત્રતા કેળવવાની મહેનત અને શ્રદ્ધા સંગાથે.

No comments: