23.4.15
કિતાબકથા
યાદ નથી,પહેલાં વાંચતી થઇ કે વાંચતાં શીખી.પણ,રમકડાને બદલે વાર્તા માંગતી અને ઉપહાસનો ભોગ બનતી.જ્યાં વર્તમાનપત્ર પણ સાહેબી ગણાય એ સમાજના ધૂળિયા રસ્તાઓ પરથી મળતો છપાયેલો પ્રત્યેક કાગળ જણસ લાગતો.વિસ્ફારિત અને વિસ્મીત મન 'ઔર ભી હૈ'જહાંનાં જોડાં પલાણતું.પુસ્તકાલય નામનું સ્થળ હોય એ તો વહાણા વાયે જાણ્યું'તું અને સ્વર્ગ અહીંક જ છે એ અંગે કોઈ શંકા જન્મી નહોતી.પહેલીવાર જે પુસ્તકાલયમાં પગ મૂક્યો, અઠવાડિયાના છેલ્લા દિવસે તેના રખેવાળએ ચાવીઓનો ઝૂડો આપી દીધો.
પછી જાણ્યું કે હું તો એક નાની પણ નક્કુર પ્રજાતિનો હિસ્સો છું જે ઉધઈ કે પુસ્તકિયા કીડા નામે ખ્યાત છે.દરેક પ્રેમીની જેમ પુસ્તકપ્રેમ અંગેની રત્નકણિકાઓ કાં તો મને સંબોધાયેલી કાં મેં કહેવા ધારેલી લાગતી.
પ્રત્યેક વિધાન કોઈકની મહત્વાકાંક્ષાની જાહેરાત હોય તેવા આ સમે પુસ્તકપ્રેમ પણ બાઝારું પેદાઇશ હોવાની શંકા જીવને ચૂંથે. ત્યાં આત્માનુભવ વહારે આવે.અને પુસ્તકોએ જ પીવડાવેલ કાઢો દિમાગીતારમાં વિજપ્રવાહ કોંધાવે :તથ્યનો સ્વીકાર.
પુસ્તકોએ શિખવી,વ્યક્તિ તરીકે વિકસવાની નૈતિક ફરજ.એ ફરજરસતૃષા માત્ર સાહિત્ય નહીં,વિજ્ઞાનગણિતઇતિહાસખગોળ એવા નવા નવા ખેતરોમાં ખેડવા લઇ ગઈ. ખેડાણ કરતાં લાધ્યું કે બીજની જાત પણ જોવી રહી. ઉત્ક્રાંત લોકરૂચી જેનાથી અણજાણ રહેવું પસંદ કરે એવાં,જમીનના અનુભવ અને પ્રેમ વડે પાકેલાં બીજ એક કોરે હંમેશ હોય છે. બીજ પરખનો બીજો માપદંડ તે સ્થાનિક સમજની સુગંધના મઘમઘાટ તળે મહેંકતું વૈશ્વિક ડહાપણનું અત્તર-લોક સાહિત્ય.ત્રીજો માનક તે ઝવેરી-જેનું.એમ વાંચન,વચન અને વર્તન એક હોય તેવા જણે સૂચવેલ ચોપડી. આમ ઉમેરાયું પુસ્તકપ્રકારની ક્ષેત્રીય પહોળાઈમાં ત્રીજું પરિમાણ.
પરિણામે એવાં પુસ્તકોની પોલન અડી જેણે જ્ઞાનના નશા અને કેફ ફગાવવાનાં ચાંદરણાં ચંદ પાનામાં પેટાવ્યા. હવે કાં દંભ કાં કેફ કાં સત્ય એમ દાવ મંજાયો.
પાછલા અઢી-ત્રણ વર્ષ દરમ્યાન સાપેક્ષે નહિવત (સંખ્યા અને ગુણવત્તાની રીતે)વાંચ્યું.પુસ્તકોએ જ 'ના વાંચવાનું' શિખવ્યું.
પુસ્તકો ખરીદાય છે શ્રદ્ધાપુર્વક.એમને વાંચ્યાની અને વાંચવાની પાત્રતા કેળવવાની મહેનત અને શ્રદ્ધા સંગાથે.
15.4.15
હદ છે !
ચૈત્રી બપોરે ત્રણના સૂરજને ઝીલવાનું ઠેરવ્યું આજે. અને મઝા પડી ગઈ !
આવું આદરણ માગશર-પોષની શનિવારી સવારે ય ક્યારેક. અતિ-સ્ત્રાવશીલ શ્વાસનલિકાઓ અને ઉણપભરી કીકી આવી સવલત લઇ બેસીએ ત્યાંરે તિવ્રતાથી પોતાની હાજરી નોંધાવે. એટલે આદર્યા અધૂરાં ભલે ના રહે ,ઈચ્છિત માત્રામાં પૂરાં પણ ના થાય.આ અધુરપની ખણખણતી મધુરપ રાહ જૂએ પોષ-ચૈત્રની.
આ ટાઢ-તડકો ઝીલીએ ત્યારે લાગે કે સુખ-દુઃખ ઝીલનારને એની ત્રેવડ જેટલાં મળે છે એ લોકોક્તિ સાવ એમ નથી આવી. એક હદ પછી ત્વચા અને ચિત્ત માટે કશું વધું-ઓછું નથી રહેતું. દર્દકા હદસે બઢના હૈ દવા હો જાના યાદ આવે.દવા બને કે નહિ ,એ હદ પછી દર્દ નથી ઉઠતું.એ હદ જોવાનો રોમાંચ એ હદ સુધી દર્દની સંકલ્પના બંધાવા નથી દેતો. અસુરક્ષિતતાનો સ્વિકાર પુરાણી પાળ પાર કરાવે છે. ઝીલવાની હોંશ ઝીલણને ઝીલનારનું ચૈતસિક અંગ બનાવી દે છે.ચામડીને ચચરતી ટાઢી તડ કે ઊની ડામ,પેલી હદને ઓવારે જ પોબાર ગણી જાય છે. એ પછી શરું થાય છે સંસ્પર્શનો દેશ.પ્રકાશનો કે પવનનો રેણું ત્વચાના કોષરસ સાથે પાડોશી સ્ત્રીઓની જેમ.
સહરાના દિન-રાત ઝીલવાનો કોઈ પરપોટો નથી આ. એ અપવાદો ઉપરોક્ત સામાન્યીકરણના પરીઘ બહાર છે .ટાઢ-તાપ ઝીલનારા સામાન્ય વ્યક્તિની ત્રિજ્યા સામાન્યરીતે કેટલી લંબાઈ શકે એના અંકનનો છે આ ઉપક્રમ.
અનુભૂતિ
તારું અસ્તિત્વ
શ્વશ્યું'તું તાજી હવાસમ
ઉચ્છવાસના ઉપક્રમ સુધી
મારા તુચ્છ દેહધર્મથકી
તારું ભંગાવું,
ભાળ્યું મેં
કદી રેણ ના અડે એવું
ત્યારે લાધ્યું કે
'હું ' સર્જાયું છે
ટકવા
એકલપંડે
શ્વશ્યું'તું તાજી હવાસમ
ઉચ્છવાસના ઉપક્રમ સુધી
મારા તુચ્છ દેહધર્મથકી
તારું ભંગાવું,
ભાળ્યું મેં
કદી રેણ ના અડે એવું
ત્યારે લાધ્યું કે
'હું ' સર્જાયું છે
ટકવા
એકલપંડે
તું.
તું ?
આંખ પાછળ
ચપટી યાદ ને અઢળક કલ્પનના તાંતણમાં
બૂડે ?
એ છેડે પણ વિસ્તરતા બ્રહ્માંડે
અહીંથી વછુટેલ હિલોળે ઝૂલે ?
શ્યામ !
મારા વિરહને તારા વિવરમાંથી
ના મોકલીશ, વંકાવું.
રહેવા દે
અકબંધ વિસ્ફોટક સમય
સંબંધજન્મનો
તું !
આંખ પાછળ
ચપટી યાદ ને અઢળક કલ્પનના તાંતણમાં
બૂડે ?
એ છેડે પણ વિસ્તરતા બ્રહ્માંડે
અહીંથી વછુટેલ હિલોળે ઝૂલે ?
શ્યામ !
મારા વિરહને તારા વિવરમાંથી
ના મોકલીશ, વંકાવું.
રહેવા દે
અકબંધ વિસ્ફોટક સમય
સંબંધજન્મનો
તું !
Subscribe to:
Posts (Atom)