ગોવિંદઘાટ પર જાણ થઇ કે બદ્રીનાથ ના રસ્તે લાંબાગઢ પાસે લેન્ડ સ્લાઇડિંગ હોવાથી રસ્તો બંધ છે. અહીં વરસાદ પણ જામેલો. કરવું શું? મેં અલકનંદાને કિનારે ટહેલવું શરું કર્યું. કેટલોક સમય એમ પસાર કરી ફરી બદ્રીનાથ અંગે તપાસ કરી. જાણવા મળ્યું કે કુલ ત્રણેક કિ.મી.નો ટ્રેક કરીને પહોંચી શકાય એમ છે. તો ચલ પડે. શટલ મળતા નહોંતા. પસાર થતી દરેક સુમો પાસે જઇ પુછવાનું. વરસાદની ટપટપ ચાલું. એક શટલ ઊભી રહી. થોડેક આગળ જતાં એક આધેડ યુગલ જોડાયું. તેઓ એમ.પી.ના હતા. સ્ત્રીએ ગુજરાતી ઢબની સાડી પહેરેલ. આપણે ત્યાં સાડીના બે પ્રકાર પાડેલ છે : ગુજરાતી અને દક્ષિણી અથવા બંગાળી. ભૂગોળ ભણવી શરું થાય ત્યારે પ્રશ્ન થાય કે પૂર્વના બંગાળ સાથે દક્ષિણ શબ્દ કઇ રીતે જોડીયો હશે ગુજરાતી જનમાનસમાં? બંગાળ, અસમમાં પાલવ ડાબે ખભે ટેકવાય છે. સોનુ નિગમનું ‘ગુજરીયા' ગીત ખુબ ઉઠ્યું હતું પોપ આલ્બમના કાળમાં. ત્યારે થયું કે ગુજરાત બહાર પણ ગુજરીયા છે ખરી. હિમાલયના ટ્રેક્સ દરમ્યાન ગુર્જર જાતિની જાણ થઇ. સલમાન રશદીની ઓછી વિખ્યાત નવલકથા Shalimar, the clownમાં એક કાશ્મીરી ગુજરીયાનું પાત્ર છે. તેના વર્ણનમાં તેણે ગુર્જર જાતિની સરસ કથા મુકી છે : જ્યોર્જિયા, ગુજરાનવાલા, ગુજરાલ, ગુજરાત.
યુગલ માયાળુ હતું. વાતો મંડાઇ. લાંબદગડ (લંબ+દગડ?) પાસે પહેલાં ચઢાણ શરું થાય છે ત્યાં હું ધીમી પડી. મને ધીમી પડેલી જોઇ ભાઇ,સ્વાભાવિકપણે મદદ કરવા પ્રેરાયા. તેમની લાકડીનો એક છેડો ધરી તેને ટેકે ચાલવાનું ઇજન કર્યું. મને તો હાથ છુટા જોઇએ એટલે તે પ્રસ્તાવ સ્વિકારવાનો પ્રશ્ન જ ના હતો. પણ,ભાઇનો તે પ્રસ્તાવ ભાભીને ના ગમ્યો, સ્વાભાવિકપણે.મને ખ્યાલ આવી ગયો કે અત્યાર સુધી મારા સાહચર્યને સંગાથ માનનાર આ યુગલમાંનું સ્ત્રૈણ તત્વ હવે પુરુષને દોડાવશે. હું મારી ગતિએ આ તરફથી ચઢી બીજી તરફ ઊતરી.
હવે વાહનશોધ. એક ઓમ્ની આવી. તેની સીટ આરામદેહ જણાતી હતી. પણ, એક પરિવાર તેમાં ગોઠવાઈ ગયેલો. તે પરિવારની નાનકી સાથે આ દરમ્યાન દોસ્તી થયેલી તેથી તે બોલાવતી હતી. તેવામાં બીજી સુમો આવી અને તે પરિવાર વહેલા પહોંચવાની અપેક્ષાએ ઓમ્ની છોડી સુમોમાં ગોઠવાયો. ઓમ્નીવાળાનું ભાડુ લગભગ બમણું હતું,એ પણ એક કારણ. તેવામાં એક મીનીબસ આવી. પ્રવાસીઓ તેના તરફ ધસ્યા. એક સ્થાનિક પછી હું ચઢી અને મારી પાછળ પેલો પરિવાર. ઓમ્નીવાળાએ વિરોધ કર્યો એટલે મીનીબસનો ચાલક બધાને ઉતરવા કહેવા લાગ્યો. બીજા પાંચેક પ્રવાસી બે ડ્રાઇવરની રકઝક વચ્ચે દરવાજે ધસારો કરી રહ્યા હતા. છેવટે પેલો પરિવાર ઉતરી પડ્યો અને પાંચ યુવાન ધસીને સીટમાં ગોઠવાઈ જઇ ચાલકને સાંત્વન વત્તા પ્રોત્સાહન આપવા લાગ્યા. આખરે અમને સાતને લઇ મીનીબસ ઉપડી.
હિમાલયની હવાનો સ્પર્શ અને સુગંધ વિશિષ્ટ હોય છે. પણ, વેલી ઓફ ફ્લાવરમાં ય આ વખતે તે ખાસ સ્પર્શગંધ મળ્યા ના હતા. કદાચ સતત વરસાદમાં ધોવાઇ જતા હશે. તે સ્પર્શ હવે શરું થયો. વરસાદ અટકી ગયેલો. હિમાલય આખરે ઉઘડવા લાગેલો .
પેલા પાંચ યુવાનમાંનો એક બસમાં બેસતાં ભેળો મારા પ્રત્યે ઉત્સુક થઇ ગયેલો. બહેનજી કહી ના શકે એટલે બીબીજી કહી વાક્યો બોલતો હતો. તેના દરેક વાક્યને મેં ના સાંભળ્યું કર્યે રાખ્યુ. પાંચેયના પ્રથમદર્શી વ્યક્તિત્વમાં એટલી ભિન્નતા હતી કે તેઓ એક જુથના ના લાગે. પણ, એ જ તો દોસ્તી છે!
દ્રશ્ય ખુલી રહ્યા હતા અને મારે ફોટા પાડવા હતા. હું બેસી હતી તે સિંગલ સીટની બારીનો કાચ ખુલી ના શકે તે પ્રકારનો હતો. તેને ખોલવા મને મથતી જોઇ પેલો ઉત્સાહી યુવાન અગાઉ બે-ત્રણ વાક્યો બોલી ચૂકેલો. કેટલીક ક્ષણના વિચાર પછી મારી પાછળના યુવાનને સંબોધી હું પહેલું વાકય બોલી : હું તમારી જગ્યાએ બેસું?
“અરે, ચોક્ક્સ.” બે યુવાન તરફથી જવાબ મળ્યો. સીટ બદલીને ફરીથી હું હિમાલયમાં મશગુલ થઇ ગઇ.
મારા એકમાત્ર પ્રશ્ન પછી પેલા ઉત્સાહી યુવાનને કદાચ પાનો ચઢ્યો હતો. તે હિમાલય, બદ્રીનાથ અને માના ગામ અંગેનું પોતાનું જ્ઞાન વગર પૂછ્યે સાર્વજનિક કરી રહ્યો હતો. કાને પડતા વાક્યો માહિતીના હેતુથી હું સાંભળતી હતી. તે પણ કદાચ તેવી આશાએ જ આમ કરી રહ્યો હતો.
બદ્રીનાથના એંધાણ શરું થતાં તે યુવકજુથના આયોજન પ્રત્યે હું ઉત્સુક બની. સાડાબાર થઇ ગયેલા એટલે બદ્રીનાથના કમાડ બંધ થઈ ગયેલા અને હવે ત્રણ વાગ્યે ખુલવાના. બસને સીધી માના લઇ જવા યુવકજુથ ચાલકને જુદા-જુદા વિકલ્પ સુચવવા લાગ્યું. મારે પણ સ્વાર્થ હતો. મેં કહ્યું: જે તમે નક્કી કરશો તેમાં હું જોડાઇ જઇશ. યુવકોનો ઉત્સાહ બેવડાઇ ગયો. ચાલકને કહે, “દેખ, ‘આન્ટીજી’ પણ કહે છે!”
લાલચમાં પડેલ બસચાલક સાથે ગોઠવાયું નહીં અને તેઓએ બીજી સુમો કરી. તેમાં હું જોડાઇ અને અમે માના ઉપડ્યા. ઉત્સાહી યુવક સ્વાભાવિક રીતે મારી બાજુમાં બેઠો, શાલિનતાથી. પરસ્પર પરિચય કર્યો. લાલચ આપવાના લયમાં તેમની તરફથી વિધાન આવ્યું કે તેઓમાંના બે કોર્બેટના કર્મચારી છે. મેં પ્રશંસા ભાવ વ્યક્ત કર્યો. દરમ્યાન એક યુવક બોલ્યો કે તેને તબીયત ઠીક નથી લાગતી. તેનો થાક ચહેરા તેમજ આંખમાં અને કફ અવાજમાં દેખાઇ આવતા હતા. મારી પાસે દવા પર્સવગી હતી. તેને લેવડાવી. ઇલાજ મળ્યાથી તે સારું મહેસુસ કરવા લાગ્યો .
માના ફરવું શરું થયું. તેઓનું સેલ્ફીચરણ પણ. મને થયું કે સ્વસ્થ મિત્રતા બંધાઇ છે. એટલે મારો ‘મોટો' કેમેરા કાઢી કહ્યું, “આવો તમારો બધાનો ફોટો લઇ દઉં.” તેઓ ધન્યતામાં પ્રવેશી ગયા. મને કેટલીક ક્ષણ પછી ચમકારો થયો કે હવે તેઓ મારી સાથે ફોટો પડાવવાના હતા, સામુહિક,વ્યક્તિગત. ત્રણ ચાર ફોટા પછી લાગ્યું કે તેમનો ઉત્સાહ હદ ઓળંગવાની તૈયારીમાં છે. મારું મોં બગડી ગયું. મારો ભાવ ફોટો પાડનારના ચહેરા પર પડઘાઇ જુથ પર ફરી વળ્યો અને તેઓ ‘ટુ ડુ નોટ ટુ ડુ'ની મૂંઝવણમાં મુકાયા. ક્ષણ માટે મારામાં ડર કોંધી ગયો. લાગ્યું, હું બેવકુફી કરી બેસી છું. મેં સંવાદ ચાલુ રાખ્યો અને સલામતીના વિકલ્પ વિચારવા-શોધવા લાગી. ભીમપુલ તરફનો એટલો પટ્ટો સુમસામ હતો. સ્થાનિક કે પ્રવાસી, કોઇ દેખાતું ન હતું.
તેઓના ફોટોશુટ અને ઝોલા ખાતી માણસાઇ વચ્ચેથી સિફતથી સરકીને હું ભીમપુલ તરફ આગળ વધી. સરસ્વતી મંદિરે પાછા સાથે થયા. ત્યારે તેમના વર્તનમાં દોષભાવના વત્તા ક્ષોભ સંતાડતી નફ્ફટાઇ દેખાતી હતી. ‘હિંદુસ્તાન કી આખરી દુકાન' નામવાળી બે દુકાન હતી. હું સરસ્વતી મંદિરવાળી આખરી દુકાન છોડી સામેની આખરી દુકાને ગઇ. તંગદીલી હળવી કરવા મે તેમને કહ્યું કે , “આ તરફ પણ સારા ફોટા આવશે.” પણ તેઓ વચ્ચેનો નાનો પુલ ઓળંગી બીજી તરફ ના આવ્યા.તેમનું ફોટો-સેલ્ફીશુટ સતત હતું. હું દ્રૌપદી મંદિર તરફ ગઇ અને અમે છુટા પડી ગયા. મંદિરથી થોડે દૂર, કદાચ કોઇ જવાને, પથ્થરોના ટેકે તિરંગો ગોઠવ્યો હતો. તે થોડો નમી ગયેલો. ઉમંગથી તેને સરખો કર્યો અને લાકડી સીધી રહે તે રીતે પથ્થર ગોઠવ્યા. સેલ્ફી લીધી.
વ્યાસગુફાના માર્ગે યુવકો ક્યાંક ના દેખાયા ત્યારે મને ખ્યાલ આવ્યો કે મારાથી વધુ સમય લેવાઇ ગયો છે. મારે તેમની સાથે, તે જ સુમોમાં પાછા ફરવાનું હતું. જો કે માના બદ્રીનાથથી હાથવગું છે અને આર્મીનું કેન્દ્ર છે એટલે હું નિશ્ચિંત હતી.
માનાના પ્રવેશદ્વારે પાછી પહોંચી તો એક અન્ય ચાલકે જણાવ્યું કે મારા સહપ્રવાસી રાહ જોઈને હમણાં જ નીકળી ગયા. હું આગળ વિચાર કરું તે પહેલાં આગળથી બુમ સંભળાઈ, “મેડમ, જલ્દી કરો.” દોડીને હું ગાડીમાં ગોઠવાઈ. પાંચેય યુવકોના ચહેરા પર પોતાની ભૂલ(મારી રાહ ના જોવાની)ની ક્ષમાયાચના હતી. મેં મનમાં હસી લીધું અને કહ્યું, “સોરી,સમયનો અંદાજ...” મને વાક્ય પુરું બોલવા દીધા વગર તેઓ, “અરે, કોઇ નઇ.” કહેવા લાગ્યા.
આ તબક્કે તેઓ તદન માણસ બની ગયા હતા. તેમના ઉંચકાયેલા ભાવથી આશ્વસ્થ તેમજ રાજી થઇ હું ઉમળકાભેર વાતે વળગી. ઘડીમાં બદ્રીનાથ આવ્યું. યુવકોએ મને ભાડુ ના આપવા દીધું. તેઓ દર્શન કરી તરત જ પાછા ફરવાના હતા. લાંબદગડ પાસેનો રસ્તો ખુલી ગયેલો. મારે એક તરફ ઉતાવળ કરવી ના હતી અને બીજી તરફ ખુલેલો રસ્તો બંધ થાય તે સંભાવના હતી. વળી, વળતો પ્રવાસ અંધારામાં કરવાનો થવાનો હતો. હું બદ્રીનાથ રોકાઇ ગઇ. જાગેલી માણસાઇને પુરુષાતનમાં પડવા દેવા નહોંતી માંગતી.