વેલી ઓફ ફ્લાવરની ચેકપોસ્ટ પર મેં પૂછ્યું કે અહીં ભૂલા તો નહીં પડી જવાય ને? મને હતું કે ક્યાંક સુંદર પતંગિયા કે સુગંધનો પીછો કરવામાં હું ભાન ભૂલી બેસું અને જોખમ નોતરી બેસું! સાથ ના દેતી તબિયતને કારણે હું વધારે પડતી ચોકસાઇ રાખતી હતી. મારા પ્રશ્નને ડર સમજી ચેકપોસ્ટ પરના વડિલે મારી ટિકીટની પાછળ નકશો બનાવી આપ્યો અને મને વિગતે સમજાવ્યું કે એક જ રસ્તો છે અને ખોવાવાની શક્યતા જ નથી. અરેરે, ખોવાઈ જવાનું ગમે ત્યાં આટલી કંટાળાજનક એકસુત્રતા ! પછી મેં મને ઠપકારી કે આવી એકસુત્રતાના પ્રતાપે સામાન્ય માણસ માટે અનુકુળતાઓ ઊભી થાય તો ટુરિઝમ ચાલે અને પૈસો ફરે અને... ઇકોનોમિક્સના 'ઇ' પાસે ચિત્ત વિરમ્યું અને "હું મારી પ્રતિકુળતા શોધી જ લેતી હોઉ છું ને! " એવા ઉમંગ વડે મન મનાવ્યું. એક લીટીમાં આવતા વિરોધી વિચાર , “હાવ ફૂલીશ!” ફૂલો કી ઘાટીને દરવાજે.
ભાઇ-બહેનનું એક અમેરિકન ટીનએજ જોડુ જોશીમઠથી સાથે હતું. મે તેમના પ્રત્યે ઉદાસીનતા વ્યક્ત કરવાનું વલણ રાખ્યું હતું. ભાઇ મોટો હતો અને બહેનને સાચવતો હતો તેમજ ભૂગોળ અને ઉત્ક્રાંતિની વાતો કરતો હતો. બંને સરસ મજાક કરી લેતા હતા-એડલ્ટ ‘વિષય’ ઉપર પણ. આ ભાઇ-બહેન ચેકપોસ્ટ પર ફરી ભટકાયા. ભાઇથી ના રહેવાયું એટલે "હાય અગેઇન." કર્યું જેને સ્મિતથી ન્યાય આપી હું વેલીની દિશામાં વધી. સસ્તામાં ટિકીટ મેળવવા ચેકપોસ્ટ પર જુગાડુ ભાઇ બોલવા મંડેલો, "ઇન્ડિયન ટિકીટ. વી કેમ ટુ સપોર્ટ ઇન્ડિયન ક્રિકેટ ટીમ. હાઉ અબાઉટ અમેરિકન સ્ટુડન્ટ્સ?" ચાલતાં ચાલતાં કાને પડેલા આ વાક્યો પર હસીને હું આગળ વધી.
વેલી પહોંચતાં પહેલાંનું ચઢાણ તકલીફદેહ હતું. પણ, મુડ બની ગયેલો અને એકલતા હતી. હું ગાતી ગાતી જઇ રહી હતી અને જે ગીતો જીભ પર ચઢતા હતા તેના પર હસતી હતી.તમરાં જેવાં જીવડાંનું તારસપ્તક મારા કોસ્મિક સંગીત સમારોહમાં સિતારનું કામ કરી રહ્યું હતું.
આગળ જતાં ચાર બંગાળી યુવાન મળ્યા. થોડે આગળ ગાઇડ સાથે લઇને ફરી રહેલી બે મરાઠી સાહેલીઓ મળી. વાતચીત કરતાં ખબર પડી કે તેઓ મા-દિકરી છે. કોણે ગર્વ કરવો, કોણે શરમાવું એવી વાતો કરી,ખડખડાટ હસી લઇ હું આગળ વધી. થોડા થોડા અંતરે પ્રવાસીઓ મળતા રહેતા. એક પીઠ્ઠુવાળો મારી પાછળ લાગેલો અને અંતે પોતાના દળદરના વર્ણન પર આવી ગયેલો. પણ, વેલી મારે જાતે ખુંદવી હતી.
વેલી શરું થતાં જ દ્રશ્ય બદલાઇ ગયું. વૃક્ષોને બદલે ક્ષિતિજ સુધી ફેલાયેલાં છોડવાને કારણે આકાશ ખુલી ગયેલું. વળી, આજે વાદળ પણ છંટાયેલા હતા. બસ, ધીમે ધીમે ચાલવાનું, ફુલ જોવાના, મુગ્ધ થવાનું અને ભાનમાં આવી ફોટા પાડવાના. આ ઉપક્રમ કલાકો સુધી ચાલતો રહ્યો. વચ્ચે કોઇ પ્રવાસી મળી જાય તો હાય-હેલોવાળુ સ્મિત,ઝરણું આવે ત્યાં પાણી પીવું અને તેના અવાજને નસોમાં ભરી લેવા બેસી પડવું, ચોતરફના શિખરો અને આકાશમાં વાદળની સંતાકૂકડી જોવી અને સુખડીનો કટકો બટકી વધું મીઠા થવું. “આ જીવનને બસ આટલું કામ.”; ધૂમકેતુએ ‘જુમો ભિસ્તી'માં લખ્યું છે.
વળી પાછા અમેરિકન ભાઇ -બહેન મળ્યા. ભાઈ કહે, "કોઇ મોરલ ઓબ્લિગેશન ના હોય તો જ્હોન માર્ગારેટ લેવની ગ્રેવ જવાનું ખાસ કારણ નથી અને વળતાં ચઢાણ છે. " એટલે, ચઢાણથી બિધેલી હું એ છોડી પગદંડી પર આગળ વધતી રહી.
પાંચ વાગ્યે ચેકપોસ્ટ પર પાછા પહોંચવાની હિદાયત હતી. મેં વિચાર્યું હતું કે બે વાગ્યા સુધી આગળ વધવું, અડધો કલાક બેસી રહેવું અને પછી વળતાં થવું. લગભગ દોઢ વાગ્યે થયું કે પાછા ફરવું જોઇએ. પણ, હું પ્રકૃતિના કેફમાં જતી રહેલી, શરીરને સાંભળ્યા વગર ચાલતી રહી.
લગભગ ત્રણેક વાગ્યે પાછા ફરવું શરું કર્યું. અડધા કલાકમાં શરીરનો અવાજ મોટો થતો લાગ્યો. પણ, વેલી પુરી થઇ ત્યાં લગી મારો કેફ અકબંધ રહ્યો. જેવું ઉતરાણ શરું થયું, પંદર-વીસ ડગલે બેસી જવું પડતું. લગભગ બધા પ્રવાસી પાછા ફરી ગયેલા. અમેરિકન ભાઇ-બહેન બાકી હતા અને મારી પાછળ હતા. પણ, તેઓ મારો સંગાથ કરવા ધીમા પડે એમ લાગતું ના હતું. અંધારું થતાં પહેલાં ચેકપોસ્ટ પર પહોંચવું હિતાવહ હતું. રસ્તો અઘરો ના હતો, થાકેલા શરીર સાથે સમયનો તાલમેલ કઠીન હતો.
ખુદને ધકેલતી હું દસ દસ ડગલાં ઉતરી રહી હતી. ત્યાં ફોટા પાડી રહેલ બે યુવાન નજરે પડ્યા. હશે 20 -22ના. તેમને વટાવી થોડેક આગળ જઇ હું બેસી પડી. મારી આગળથી પસાર થતી વેળા તેમાંના એક યુવાને પૂછ્યું, "ઓકે?" હું થાકેલું સ્મિત કરી શકી. તે યુવાન આગળ ઊતરી પડ્યા. મેં ય તેમના સંગાથની આશા સેવી નહોતી.
દસ દસ ડગલાંનાં બીજા રાઉન્ડે મેં જોયું કે તે બે યુવાન ત્યાં બેસેલા હતા અને તેઓની મુખમુદ્રા પરથી સ્પષ્ટ હતું કે તેઓ મારા માટે જ ધીમા પડ્યા હતા. મને ખુબ સારું લાગ્યું, મારા માટે અને યુવાનના ભાવ માટે પણ. એક ચહેરા પર નિરામય શાંતિ હતી, બીજા પર કંટાળો.
વાતચીત કરવાનો તો સવાલ જ નહોતો, ઊર્જા વેડફવી પોસાય તેમ જ ના હતું. થોડેક આગળ જતાં બીજો યુવાન થોડો અકળાયો અને બોલી ઉઠ્યો, "તમારા માટે જ અમે ધીમે જઇએ છીએ." પહેલા યુવાનની જબાન પર કે વર્તનમાં આ હકિકત જરાય પ્રકટી નહોતી. તેણે મારી પાછળ રહેવાનું શરું કર્યું . આગળવાળો યુવાન તેની સામે જુએ તો યુવાન નંબર એક તેને આગળ વધતા રહેવા કહેતો.
પહેલા યુવાનને કદાચ પોતાના હાથનો ટેકો આપવાનો વિચાર આવ્યો હશે. પણ, હું ગેરસમજ કરી બેસીશ એવી ધારણાથી તે પાછો પડતો હશે. તેણે મને તેની પાસેની લાકડી ધરી. પણ મને ખુલ્લા હાથે જ ફાવતું હોવાથી તેની મેં ના પાડી. “તમે નીકળો, હું આવી જઇશ.”એવું કહેવાનો વિચાર એક વાર ચમકી ગયો પણ એમ કહીં પહેલા યુવાનના ભાવનુ અપમાન કરવાનું યોગ્ય ના લાગ્યું. આમ, મંથર ગતિએ અમારું ઉતરાણ થતું રહ્યું.
પોણા છ થયા હતા.ચેકપોસ્ટથી 200મીટરને અંતરે ટિકીટબારી પરના કર્મચારીઓ સામા મળ્યા. તેમની પાસેના લીસ્ટમાંથી અમારા નામ છેક્યા અને પૂછ્યું કે કોઇ બાકી છે? મને આશંકા હતી કે અમેરિકન્સ બાકી હતા. કર્મચારીઓએ પણ કહ્યું કે," હા,તે બે બાકી છે." મને ચિંતા થઇ કેમકે તે બે ચાલવામાં પાવરધા હોવા છતાં હજી પહોંચ્યા ના હતા. છેક હવે તે બંને યુવાન પોતાના થાકની વાત કરવા લાગ્યા. તેઓ આજે 20-22કિ.મી. ચાલ્યા-ચઢ્યા હતા, ગોવિંદઘાટથી ઘાંઘરીયા અને વેલી!
પેલા બે યુવાનનો સામાન ચેકપોસ્ટ પર જ હતો. યુવાન નંબર એકે મીઠાઇના બોક્સ કાઢ્યા, “મમ્મીએ જન્માષ્ટમી પર બનેલી મીઠાઇ ભરી આપી છે.” મેં ય સુખડી વહેંચી. ચેકપોસ્ટના કર્મચારીઓ સાથે ગપશપ જામી અને અમારી ય પરિચયવિધી થઇ. મેરઠથી બાઇક લઇ બદ્રીનાથ થઇ તેઓ અહીં આવ્યા હતા. ફોરેસ્ટ કર્મચારીઓ બોર્ડર પરની તેમની મુલાકાત અને આર્મી સબંધી વાતો કરવા લાગ્યા અને વિડિયો઼ઝ બતાવ્યા. તેવામાં અમેરિકન ભાઇ -બહેન પણ આવી પહોંચ્યા. બહેનને જમણે પગે મચકોડ આવી ગઇ હતી.
ચેકપોસ્ટથી ડેરા સંકેલી અમે ઘાંઘરીયા એક રેસ્ટોરાંમાં ગોઠવાયા. યુવાન નંબર બે તો ખુરશીમાં જ ઊંઘી ગયો. મારી ગોઠડી જામી નંબર એક યુવાન સાથે- ગુજરાતનો ઉલ્લેખ થયા પછી જે વાતો થાય તે અને બીજી પણ. તેણે મને મેરઠના ધાર્મિક પાસા અંગે, પૂર્વ-પશ્ર્ચિમ યુ.પીના તફાવત અંગે, પોતાના શિક્ષણ અંગે વાતો કહી.
છુટા પડતી વખતે અમે એકબીજાના નામ જાણ્યા. યુવાન નંબર એક એટલો સૌમ્ય હતો કે સંપર્ક જાળવવાનો વિકલ્પ પણ ના માંગે. મેં સામેથી મારો નંબર આપ્યો જે તેણે ત્વરાથી નોંધી લીધો.
બીજે દિવસે હેમકુંડ પર યુવાન નંબર એક ફરી મળી જતાં બંનેથી હરખાઇ જવાયું.
વાર્તા સાંભળેલ કે યહુદી ધર્મમાં ‘મદદ કરવી' એ દુર્ગુણ લેખાય. બીજાની પીડા પોતીકી બની જાય પછી જે વર્તન આવે તે મદદ ના કહેવાય. મદદ કરવામાં દેનાર-લેનાર વચ્ચે અંતર છે, ઉચનીચતા છે. વિગતદોષ હોઇ શકે આ વાર્તા બાબતે. પણ, મને આ વિચાર ગમી ગયેલ. “હું મમ્મીને ઘરકામમાં મદદ કરું છું.” -આ વિચાર અને/અથવા વાક્ય વાહિયાત છે મારી દ્રષ્ટીએ.
ના એક નંબરી યુવાને મદદની ભાવના વ્યક્ત કરી, ના મેં આભારની.

No comments:
Post a Comment