તબિયતને કારણે પહેલેથી જ નક્કી હતુ્ં કે થશે એટલુ જ કરીશ. શરીર સાથે ખેંચતાણ નહીં કરું. ખચ્ચરનો સહારો લેવો પડશે તો લઇશ.
પાલખીનો અંદાજ હતો, પીઠ્ઠુનો નહોતો. ચાના બગીચામાં કામ કરતા લોકો જે રીતે પીઠ પર બાસ્કેટ રાખે તેવી રીતે રાખેલા મજબુત બાસ્કેટમાં અક્ષમ વ્યક્તિ બેસે અને તેને ઊંચકીને જે લઇ જાય તે પીઠ્ઠુ. આ નામ ક્રિયાનું છે કે કર્તાનું તે ખ્યાલ ના આવ્યો અને મેં પૂછવાનું ય ટાળ્યું. રકસેકની જેમ ખભો તો ભાર ઊચકતો હોય જ, એક પટ્ટો કપાળ ઉપર પણ તાણેલો હોય. લોડ ડિવિઝન પ્લસ એડેડ સિક્યોરિટી. આ દ્રશ્ય જોઇને મને વિચાર આવ્યો કે હું આમાં ના બેસું. તરત જ પોતાની લક્ઝુરીયસ ફિલસૂફી પર હસવું આવ્યું. બેસવાનો વારો ય આવી પડે. આ પણ એક કામ છે, કોઇ માટે રોજી છે.
બદ્રીનાથ પહોંચવા લાંબદગડ ક્રોસ કરવાનો હતો. આ તરફથી પર્વત ચઢી બીજી તરફ ઉતરવાનું. સવારના દસ સુધી વરસાદ પડેલો. હું નીકળી ત્યારે ઉઘાડ હતો પણ વાતાવરણ એવું જ રહેશે એનું નક્કી થોડું હોય? ગોવિંદઘાટથી શટલ જીપ મળી. લાંબદગડની પાસે જ્યાં ઉતર્યા ત્યાં એક ટી-સ્ટોલ હતો અને તેનો ધંધો ધમધમતો હતો. ત્યાં ત્રીસેક ફૂટ લંબાઇ જેટલા ભાગમાં અલકનંદા એક-બે ફુટ જ ઊંડી હતી. કેટલાક યાત્રાળુ તેમાં સ્નાનની મજા લઇ રહ્યા હતા. અહીં એક કિનારે સીમેન્ટની પાળી કરેલી હતી. ત્રણેક ફુટ ઊચી પાળી પર હું બેસી ગઇ અને દ્રશ્યની મજા માણવા લાગી.
યાત્રાળુઓના જુદા-જુદા જુથ વચ્ચે કેટલાક પીઠ્ઠુ ફરી રહ્યા હતા અને ગ્રાહક મેળવવા પ્રયત્ન કરી રહ્યા હતા. અમુક યુવાન હતા.એક તો કિશોર જણાતો હતો. પણ મારું વિશેષ ધ્યાન ગયું એક પ્રૌઢ લાગતા પીઠ્ઠુ પર. આ ઉંમરે આવું કામ કરી શકવાની શારીરિક ક્ષમતા અને મજબુરી અંગે સમાંતર વિચારો આવી ગયા. થોડા સમય પછી તે પ્રૌઢ પીઠ્ઠુ મને પણ પુછવા આવ્યો . કહે, “વાજબી લઇશ.” લાંબદગડની ઊંચાઈ મારી પહોંચમાં જણાતી હતી. વાતાવરણ ખુલેલું હતું અને “હું ના બેસું.” એ ભાવનાથી મન સમૃદ્ધ હતું.
રસ્તામાં એક માજી પીઠ્ઠુ પર સવાર હતા. તેમનો મારે સંગાથ થઇ ગયેલો. રોટી માટે કેવા કેવા કામ કરવા પડે છે લોકોને ! વેલી ઓફ ફ્લાવરના ત્રણ દિવસમાં ત્યાં ગોઠવાયેલ આર્થિક વ્યવસ્થાનો આછો પાતળો પરિચય થયેલો. ઘાંઘરીયામાં હોટેલ બધી ભ્યુંડાર ગ્રામજનોની પણ કર્મચારી બધા જોશીમઠ કે છેક ચમૌલી સુધીના. ખચ્ચર માલિકોની ય આગવી વ્યવસ્થા. લગભગ બધા પીઠ્ઠુ નેપાળના. આ રસ્તે પણ પીઠ્ઠુ નેપાળી જ હતા. કામ વહેંચણીની હાઇરારકી સ્પષ્ટ હતી.
આપબળે લાંબદગડ પસાર કરી બદ્રીનાથ પહોંચી. સાંજના છ પછી બદ્રીનાથમાં વરસાદ જામ્યો તે સવારે ય અટક્યો ના હતો. લાંબદગડ આજે ય પગપાળા જ પસાર કરવાનો થશે એમાં કોઇ શંકા ન હતી. ધોધમાર વરસાદ અને ધુમ્મસને કારણે વાહનવ્યવહાર શરું નહોતો થયો. મેં રિસેપ્શન પરના ચમૌલીના યુવકને કહી રાખ્યું હતું કે કોઇ પણ વાહન જાય, મને જણાવે. એક ડે-પેક અને પાતળી કાઠી, ‘જગ્યા કરી લઇશ’ એમ મનમાં હતું. હોટેલ પણ નિકાસ માર્ગે જ પસંદ કરી હતી.
લગભગ નવેક વાગે રિસેપ્શનીસ્ટે બુમ મારી. હુ્ તૈયાર જ હતી. એક જીપ જતી હતી. છ જ પેસેન્જર હતા. આરામથી બેસી શકાય એમ હતું પણ એટલા ધોધમાર વરસાદ અને સાતેક ફુટની વિઝીબલીટી આપતા ધુમ્મસમાં ડ્રાયવર જે ઝડપે જીપ ચલાવતો હતો, ભગવાન પર ભરોસો કરવાનું મન થઇ આવે. પણ, હંમેશની જેમ, ચંદ મિનિટમાં રોમાંચ મન પર સવાર થઇ ગયો અને હું દ્રશ્ય માણવા સીટમાં આરામથી બેસી.
લાંબદગડની પાસે પહોંચ્યા. વરસાદ જોરમાં જ હતો. આવા સ્થળોએ પતરાં અને પ્લાસ્ટિક વડે ઊભી કરેલી દુકાનો તો હોય જ. દોડીને એક દુકાનમાં પેસી ગઇ અને ખાલી ખુરશીમાં ગોઠવાઇ. લાંબદગડ ક્રોસ કરવાનો હતો. મને એમ કે વરસાદનું જોર ધીમું પડે પછી ટ્રેક શરું કરું. પણ, વરસાદ તો વધ્યો. લગભગ પોણો કલાક હું ત્યાં ટી સ્ટોલ કમ મેગી સ્ટોલ કમ દુકાનમાં બેસી રહી. થયું કે ખોટુ સાહસ કરી દીધું. પણ, બદ્રીનાથ રોકાઇને ય શું અર્થ? પાછા તો વળવાનું જ હતું. ટ્રેઇન ટિકીટની તારીખ સાચવવાની હતી. અહીં થોડે ઉપર એક ગામ હતું. વિચાર્યું કે પેલી તરફ નહીં જવાય તો તે ગામમાં કોઇના ઘરે રહી પડીશ. વિનંતી કરીશ તો કોઇ ના નહીં પાડે. પણ, એમ કરવું ય સમય બગાડવાનું જ થાય. ટૂંકમાં ,વરસાદને કારણે ભયજનક લાગતી સ્થિતિમાં ય વળતી યાત્રા કરી લેવી હિતાવહ હતી. લાંબદગડ ક્રોસ કરી લેવો રહ્યો.
યાત્રાળુઓનું એક મોટું જુથ આવ્યું. વરસાદમાં તેઓ લાંબદગડ ક્રોસ કરી આ તરફ આવ્યા હતા. બધા થોડા રઘવાયેલા, થોડા અકળાયેલા અને થોડા થાકેલા હતા. સ્ત્રીઓ,બાળકો પણ હતા તેમાં. ગઇકાલે જે પ્રૌઢ પીઠ્ઠુ તરફ ધ્યાન ગયેલું તે એમનો સામાન લઈને આવેલો અને પોતે સામાનને પલળવા નથી દીધો તેની વાત કરવા લાગ્યો. તે પોતે પૂરેપૂરો પલળેલો હતો. તે જુથમાંની સમવયસ્ક સ્ત્રીને મારામાં રસ પડ્યો એટલે તે મારો ઇન્ટરવ્યૂ લેવા લાગી. તેની સહજતાને કારણે મને ય વાત કરવામાં વાંધો ના આવ્યો. કર્ણાટકના એ પારિવારિક જૂથના પુરુષો વાહન વ્યવસ્થા, પોંચો ખરીદ, ચા વગેરેમાં લાગેલા. ચાનો ઓર્ડર અપાયો ત્યારે દુકાનદારે તેમને પુછ્યું કે પીઠ્ઠુની ચા બનાવે કે નહીં? તેઓએ હા પાડી. બધે જ આ રિવાજ હતો. પીઠ્ઠુ હોય કે ખચ્ચર ચાલક, પ્રવાસી ચા-નાશ્તા માટે જ્યાં અટકે ત્યાં તેને ચા મળે પણ આપણા ડ્રાયવર-કંડક્ટરની જેમ ફ્રી નહીં, તેમની સેવા લેનાર પ્રવાસીએ તે ખર્ચ ભોગવવાનો. વેલી અને હેમકુંડના રસ્તે કે જ્યાં બધી ચીજની કિંમત ડબલ હોય,આ વ્યવસ્થા પ્રવાસીને કઠે અને ચડભડ થાય.
પેલા જુથે ચા પીધી, પીઠ્ઠુએ પણ. ચા પતાવી તે મારી પાસે આવ્યો અને વિનંતી કરવા લાગ્યો કે હું તેને આજે તો કામ આપુ જ. તેને પણ ગઇકાલે મળેલા તે યાદ હતું. વરસાદ તેમજ તબિયતને લક્ષ્યમાં લઇને હું થોડી મુંઝાયેલી. પ્રમાણમાં સહેલો લાંબદગડ ટ્રેક અત્યારે ચેલેન્જીંગ ભાસતો હતો. સગવડીયું મન આળસી ગયેલું. પેલા પ્રૌઢ પીઠ્ઠુ માટે કોઇ લાગણી ઊભી થઇ ગયેલી. લાંબદગડ મારે એકલા પસાર કરવું જોઈએ નહીં એ વિચાર ક્યારનોય ઉગી ગયેલો અને વધુ ને વધુ માથે ચઢી રહેલો.
તે પ્રૌઢ પીઠ્ઠુને મેં કહ્યું કે હા, આજે તમારી મદદ લેવી પડશે. તે રાજી થઇ ગયા. હવે સેવાની કિંમત નક્કી કરવાની હતી. વેલીના તેમજ અન્ય સામાન્ય અનુભવ પ્રમાણે સેવકો તો ચાર-પાંચ ઘણો ભાવ બોલવાના જ હતા. મને પ્રશ્ન હતો કે તેમની સેવાની કિંમત હું કેટલી આંકું છું? કામના કલાક, ઉપયોગમાં લેવાનાર સાધનમાં કરેલ રોકાણ અને સેવાનો પ્રકાર એમ ગણતરી મુકી મારું મન હિસાબ લગાવવા માંડ્યું. મેં એક આંક કહ્યો, પીઠ્ઠુજીએ તેમાં થોડો ઉમેરો કરી બીજો આંકડો કહ્યો,જેની મેં તૈયારી રાખી જ હતી. એમ ડીલ પાકી થઇ.
હું પીઠ્ઠુ પર બેસવાની નહોતી. અમારી ડીલ સંગાથ અંગે થયેલી. તેમણે મારો સામાન, ત્રણ કિલો વજન ભરેલું ડે-પેક લઇ પીઠ પરના બાસ્કેટમાં મુકી દીધું. એટલું વજન ઘટતાં હળવાશ અનુભવાતી હતી. અમે ચાલવું શરું કર્યું. હું તેમને ચચા કહી સંબોધતી હતી. તેઓએ મને મેડમને બદલે બેટા કહેવું શરું કર્યું. ચઢાણમાં હું થોડી જ વારમાં થાકી જતી. ચચા કહેતી, “આરામ સે.” તેમનો સમય ના બગડે એ ગણતરીએ હું ઉતાવળે ચઢતી કારણકે તેમને જેટલા ફેરા વધુ થાય એટલી આવક વધે. પણ, ઉતાવળ કરવાથી હું જલ્દી થાકી જતી. તેમણે ટોકી કે પર્વત ચઢવામાં આવું જોર લગાવવું નકામું. જેટલી વાર હું થાક ખાવા ઊભી રહેતી, તેઓ થોડે આગળ જઇ બીડી પીતા. મને થયું કે લાંબદગડના એક રાઉન્ડમાં તેઓ એક જુડી પૂરી કરી દેતા હશે. પહેલીવાર મને બીડી પીનાર પર ખીજ નહોતી આવી કે ના તેમને સ્વાસ્થ્ય વર્ધક સુચન કહેવાનું મન થયું.
મારી સાવચેતીને ચચા ડર સમજેલા. મારો હાથ પકડી તેમણે મને ચલાવવું શરું કર્યું. મારી પ્રકૃતિથી વિરુદ્ધ, મેં એમ ચાલવું સ્વિકાર્યું. દરેક વળાંકે તેઓ હાથ બદલતા જેથી તેઓ ખીણ તરફ રહે અને હું સેઇફ સાઇડે રહું. લાંબદગડ એકદમ સહેલો અને સેઇફ ટ્રેક છે. છતાં, હું આ સેવા લઇ રહી હતી. જે મને જ નવાઈ પમાડનારું હતું. કદાચ ગઇકાલથી જ આ વ્યક્તિ પ્રત્યે કોઇ ભાવ થઇ ગયેલો. મેં રેઇનકોટ ચઢાવેલો હતો. ચચાના શરીર પર જેકેટ તો હતું પણ તેની ચેઇન બંધ નહોતી. તેઓ લથપથ પલળેલા હતા, પલળી રહ્યા હતા અને તે અંગે તદન બેપરવાહ હતા.
ઉતરાણ વખતે એક યુવાન પીઠ્ઠુ સાથે થઇ ગયો. તે બે સમધર્મી વાતો કરવા લાગ્યા. નેપાળીમાં મને જેટલું પકડાયું તેમાં સમજાયું કે તે લોકોને અહીં પુરતું કામ અને દામ મળી રહ્યા ન હતા. તેઓ ચર્ચતા હતા કે આના કરતાં તો વેલી સારું કેમ કે ત્યાં શ્રદ્ધાળુ નહીં, ફરવાવાળા આવે છે અને તેઓ પ્રમાણમાં ઉદાર હોય છે. લાંબદગડની બીજી તરફ કેટલા મુસાફર છે અને પીઠ્ઠુની શક્યતાવાળા કેટલા તે માહિતીની પણ પીઠ્ઠુઓમાં લેવડદેવડ થતી. એક પીઠ્ઠુ અમને સામે મળ્યો તો મારા સાથીદાર તેમની સાથે ગઢવાલીમાં વાત કરવા લાગ્યા.
ચચાએ મને મારી ઉંમર પુછી. મેં કહ્યું, “તમે જ કહો.” તેમણે કહ્યું: 18 વર્ષ. લોકોને પોતાની પીઠ પર ઊચકી પર્વત પસાર કરાવનાર વ્યક્તિ કોઇની ઉંમરમાં આવડી મોટી થાપ ના જ ખાય. બેશક, તેઓ મને ખુશ કરવા માંગતા હતા. મેં મારી ઉંમર કહી તો તેમને અને મને નવાઈ લાગી. તેઓ મારા કરતાં પાંચ જ વર્ષ મોટા હતા.તેમણે મને આટલી મોટી નહોતી ધારી અને મેં તેમને આટલા નાના નહોંતા ધાર્યા. વગર કહ્યે અમે અમારા જુદા પડતા નસીબ અંગે સભાન થઇ ગયા.વાતાવરણ બોઝીલ થઇ ગયું. હંમેશની જેમ ,નાના માણસની મોટાઇએ સમો સાચવી લીધો. થોડા સમયની ચુપકીદી તોડી તેમણે કહ્યું, “ઉમ્ર કે હિસાબસે તો ભાઇ-બહન હો ગયે.”. તે પછીની વાતોમાં બહેન અને ભાઇસા’બ સંબોધન આવી ગયાં . જો કો, તેઓ ‘બેટા’ સંબોધી જતા અને પછી સંબોધન સુધારતા. ઘર -પરિવાર અંગે વાતો કરી.
તેઓ હજી મને ડરેલી માનતા હતા. વારેઘડીએ કહેતા: ડરના નહીં, ખુશ રહેના. પેડાગોજીમાં છબછબિયાં કરી આવેલ માસ્તરને લાગ્યું કે, તેમના બોલવામાં ભાષાની ભૂલ થાય છે. ‘ડરીશ નહીં’ પછી ‘ખુશ રહે' એવું થોડું આવે! હા, તેમની લાગણી સમજાતી હતી.
અમે બીજી તરફ પહોંચ્યા. ચાના ગલ્લે બેગ લઈ મહેનતાણું ચુકવ્યું. તેમને માટે ચાનો ઓર્ડર કહ્યો અને કહ્યું, “ તમારી પસંદગીનું કોઇ પડીકું લઇ લો.” તેમણે કહ્યું, “ દાંત નહીં હૈ મુંહમેં, બિસ્કુટ લેતા હું.”
તેટલામાં ગોવિંદઘાટ તરફથી બે જીપ આવી. પહેલીમાંથી પોલીસના બે વ્યક્તિ ઉતર્યા અને ટી- સ્ટોલમાં ધસી આવ્યા. તે બંને આ ભાઇસાબને ઓળખતા હતા. તેમાંથી એકે ભાઇસા’બના હાથમાંથી બિસ્કિટનું પેકેટ લઇ, તોડી,બે બિસ્કિટ લઇ પાછું આપ્યું. મને જરાય ના ગમ્યું. બીજા પોલીસમેનને ભાઇએ સામેથી પેકેટ ધર્યું. તે મેન બોલ્યો, “અરે, તું ખા.” મારા ચહેરાના ભાવ જોઇ પહેલો પોલીસમેન બોલ્યો, “મૈડમ, હમ દોસ્ત હૈ.” “ ઠીક. તો તમે બિસ્કિટ ખવડાવો ને! “એમ મનમાં આવી ગયું પણ હું બોલી નહીં.
આગળ જવા જીપ આવી ગયેલી. આવજો કરીને હુ્ જીપ તરફ ગઇ. થોડી આગળ ગઇ ત્યારે ભાઇસા’બ દોડીને આવ્યા, “આપ અચ્છી હૈ. પૈસે ભી પુરે દીયે.(બીજા નકકી કરેલ ભાવ આપવામાં ય તાલ કરતા હશે?) ડરના નહીં, ખુશ રહેના.” માનેલી માનતા જેવા ભાવથી મારાથી બોલી જવાયું, “આપ ભી, ખુશ રહેના ભાઇસા’બ.” ત્યારે મારા મનમાં સ્કુલમાં રોજ ગવાતો શ્લોક ગુંજતો હતો, “ સર્વદા સૌ …”