બ્રહ્માંડના જન્મ થી શરૂ કરીને આ ક્ષણ સુધીના સમયગાળાને સંકોરીને આપણે એક વર્ષનું કલેન્ડર બનાવી કાઢ્યું છે.
તેના પ્રમાણ માપ મુજબ દરેક મહિનો એટલે લગભગ સો કરોડ કરતાં થોડાક વધારે વર્ષ.
દરેક દિવસ એટલે લગભગ ૪૦૦ લાખ વર્ષ.
આપણી વાર્તા આપણી આ નાનકડી દુનિયાના બીજા સજીવો સાથે જ શરૂ થાય છે.
પૃથ્વી પરના પ્રત્યેક સજીવની મા એક છે.
લગભગ ૪૦૦ કરોડ વર્ષ પહેલાં, 15મી સપ્ટેમ્બરે મહાસાગરના ઉંડાણના અંધારામાં તે ઘટના ઘટી.
આજનું નાનકડા એક કોષી જીવતંત્રમાં એક જાતનો રાસાયણિક દાદર હતો, ડબલ હૅલિક્સ, DNA.
તારકરજ.
ઓક્સિજન, કાર્બન, નાઇટ્રોજન...
સુદૂર પ્રાચીનતમ તારાઓના ગર્ભમાં તત્વો રંધાયા, બિગ બેંગ વખતના હાઈડ્રોજન સહિત, આપણી આ નાનકડી દુનિયા ધબકાવવા.
આકસ્મિક ફેરફારો અને સંકરિત થતાં જનીનો જેવી ઘટનાઓમાંથી કેટલીક ઘટનાઓ જીવ સ્વરૂપો નિપજાવવામાં સફળ રહી, જેને આપણે કુદરતની પસંદગી આધારિત ઉત્ક્રાંતિ કહીએ છીએ.
સીડી લંબાતી ગઈ, વધુને વધુ પગથિયાં ઉમેરતી ગઈ.
આજે આપણે નરી આંખે જોઈ શકીએ છીએ તેવા પ્રાણીઓ અને વનસ્પતિ જેટલા સંકુલ જીવ સ્વરૂપો ઉત્ક્રાંત કરવામાં જીવનને બીજા 300 કરોડ વર્ષ થયાં.
આપણા કોસ્મિક કેલેન્ડરમાં રજા રાખીએ તો 26મી ડિસેમ્બર તેમાંનો એક દિવસ થાય.
લગભગ 2000 લાખ વર્ષ પહેલાં પહેલો સ્તનધારી ઉત્ક્રાંત થયો.
તેમની સાથે પૃથ્વી પરના જીવનને મળ્યું એક નવું લક્ષણ- નીઓકૉર્ટેક્સ.
ટ્રિઆસીક* સમયગાળા દરમિયાન આ પ્રકારની પ્રજાતિ માટે ટકવાની તકો ઘણી ઓછી હતી. પરંતુ, પાછળથી પૃથ્વીની બીજી પ્રજાતિઓના કાળ એવા ડાયનોસોર લુપ્ત થયા.
નાનકડા, સંતાતા ફરતા સજીવોમાં ઉત્ક્રાંત થયેલા નીઓકૉર્ટેક્સને કારણે જ તેમના વંશજો વાનસ્પતિક જીવન રીત છોડી આગળ વધી શક્યા.
સ્તનધારીઓ બીજુ એક લક્ષણ પણ લાવ્યા જેનાથી આપણે સૌ પરિચિત છીએ.
તેમણે તેમના બાળકોને ધવડાવ્યા.
તેમણે બાળકોને પોષ્યા.
અને પ્રેમ કેળવાયો.
કોસ્મિક કેલેન્ડરનો મધર્સ ડે.
કુદરતી પસંદગી દ્વારા ઉત્ક્રાંતિ એટલે જે સજીવો વાતાવરણ સાથે સારું અનુકૂલન સાધી શકે તેઓ અને તેમના બાળકોની ટકી જવાની શક્યતા વધારે.
કુદરતની પસંદગીમાં બુદ્ધિ એક મોટો વિશેષાધિકાર બની, ખાસ ફાયદો.
ફક્ત ૧૩ પરમાણુ વડે ઘટેલી એક ઘટનાને કારણે વનસ્પતિનું નસીબ કાયમ માટે પલટાઈ ગયું.
13 પરમાણુ કેટલા નાના હોય?
મીઠાના એક કણના 1,00,00,00,00,00,00,000મા ભાગ જેટલા.
આપણા કોઈ એક જ પૂર્વજના જનીનમાં સંકરણ- મ્યુટેશન થયું.
આપણા આત્મવિશ્વાસનો દરેક સ્ત્રોત, આપણે જે કંઈ શીખ્યા, જે કંઈ રચ્યું તે બધાનું મૂળ અહીં છે.
એક જનીનની સંરચનાત્મક જોડ.
તેના કારણે નીઓકૉર્ટેક્સ વધુને વધુ મોટું થતું જાય અને પોતાનામાં જ વળ ખાતું જાય તેવું પ્રોગ્રામિંગ શક્ય બન્યું.
કદાચ બ્રહ્માંડિય વિકિરણોની એક ચિનગારી અથવા વિભાજન પછી જૂના કોષની નવા કોષને જનીન આપતી વખતે થયેલી સામાન્ય ચૂક.
તે જે હોય તે, તેના કારણે આપણી પ્રજાતિમાં એક એવો ફેરફાર થયો જેની અસર આપણા પર જ નહીં, પૃથ્વી પરના તમામ સજીવો પર થઈ.
આ ઘટના બની આપણા કોસ્મિક કેલેન્ડરના નવા વર્ષની સંધ્યાએ.
સારું કે નરસું, તે બાજુએ રાખીએ તો, મોટા સમૂહો સાથે જોડાવાની અને તેમના પ્રત્યે વફાદાર રહેવાની, ચોક્કસ વિચાર ધારા પ્રત્યે આપણી ઘેલછા, ભવિષ્યની કલ્પના કરવાની આપણી શક્તિ, દુનિયાને બદલી નાખવાની આપણી તાકાત અને આપણી જિજ્ઞાસાના જવાબો શોધવા બ્રહ્માંડમાં ખાંખાખોળા કરવાની આપણી જીદ. . .
અને જેનો લેટિન અર્થ થાય 'સમજુ માણસ' થાય એવું આપણે આપણી પ્રજાતિને આપેલું વૈજ્ઞાનિક નામ -હોમો સેપિયન, તે બધું આપણી ઝીણકડી જનીન સીડીના એક પગથિયા પરથી ઉંચકાયું છે.
કોસ્મિક કૅલેન્ડરના છેલ્લા કલાકની છેલ્લ મિનીટે આપણા પૂર્વજો નાનકડા જૂથમાં રહેતા શિકારી અને વીણનારા હતા.
'માનવી માનવ થાય તોય ઘણું.' એમ લોકો બોલે છે ત્યારે મને જરાક નવાઈ લાગે છે.
સામાન્ય રીતે, તેઓ આપણી લાલસા, ઉપેક્ષા અને હિંસાની વાત કરતા હોય છે.
પણ, આપણને માણસ થયે તો માંડ અમુક સો હજાર વર્ષ થયાં.
વળી, આ સમયગાળા દરમિયાન આપણે એવા ન હતા.
આ વાત કઈ રીતે ખબર પડી?
હજી પણ ટકી ગયેલા શિકારી- ભટકતા જૂથોની જીવનશૈલી વિશે પુરાતત્વવિદો અને સંશોધકોએ એકઠી કરેલી માહિતી પરથી.
બેશક તેમાં અપવાદ છે, ખાસ કરીને આત્યંતિક દુષ્કાળના સંજોગોમાં.
પણ, તે સિવાયની માહિતીનો ખડકલો એક એવા માણસનું ચિત્ર રજૂ કરે છે જે બીજા માણસો સાથે અને પર્યાવરણ સાથે સંવાદિતામાં જીવ્યો હતો.
આપણી પાસે થોડું ઘણું જે કાંઈ હતું તે આપણે અંદરોઅંદર વહેંચ્યું, કારણકે આપણું ટકવું આપણા સામુહિક જોડાણ પર ટકેલું હતું.
આપણી જરૂરિયાતો કરતાં વધારે આપણે ભેગું કરતા ન હતા. કારણકે સતત ભટકતા જીવનમાં તે બોજ બનતું.
પ્રભાવ સ્થાપવા દાદાગીરી કરતા આલ્ફા મેલ- આક્રમક પુરુષની પરંપરાવાળા આપણા ચોપગા પૂર્વજોથી આપણે ખાસ અલગ ન હતા.
અને ઈશ્વર ક્યાં હતો?
બધે જ.
કાંકરા અને નદીઓમાં, વૃક્ષોમાં, પક્ષીઓમાં, બધા સજીવ સ્વરૂપમાં.
આવો હતો માણસનો સ્વભાવ, શરૂઆતના અમુક સો હજાર વર્ષ સુધી.
આફ્રિકાના દક્ષિણ છેડે ઊભો રહી હું વિચારું છું કે, તે સો હજાર વર્ષ દરમ્યાન અહીં બધું કેવું હશે?
ત્યારે પૃથ્વી પરના તમામ હોમોસેપિયન્સનું ઘર હતું આફ્રિકા.
તમામ 10, 000 જણનું.
તે સમયે જો તમે એલીયન તરીકે પૃથ્વીની મુલાકાતે આવો તો તમને લાગે કે માણસ લુપ્ત થવાને આરે આવેલી પ્રજાતિ છે.
થોડાક સમયમાં આપણે સો લાખ થઈ ગયા.
શું થયું?
આપણે કેવી રીતે પૃથ્વીની મજ્જા, અવકાશ યાત્રા કરતી પ્રજાતિ બન્યા?
પૃથ્વીની સૌથી પહેલી પ્રયોગશાળામાં તમારુ સ્વાગત છે.
આપણા પૂર્વજો અહીં લોખંડ અને ગેરુથી સમૃદ્ધ ખનિજ તત્ત્વો સાથે રાસાયણિક પ્રયોગો કરી રહેલા.
તેમણે પોતાની વસ્તુઓ લાલ રંગથી સજાવી. બને કે તેમણે ગેરુના બીજા ઉપયોગો પણ કર્યા હોય. જેમકે, પ્રાણી માંસ સાચવવા, દવા તરીકે, હથિયારોની અણી કાઢવા કે પછી જીવાત ભગાડવા.
તેમણે કેટલાક પ્રતીકો સ્વરૂપે ગેરુ અંકિત કર્યો.
પૃથ્વી પર તદ્દન નવી બાબત આવી- કળા.
ના ખોરાક.
ના રહેઠાણ.
પણ કશુંક સંજ્ઞિત કરનાર.
અથવા એમ જ.
તે ચિત્ર કોઈ સીડી અથવા અંદરો અંદર ગૂંથાયેલી બે સીડી- ડબલ હેલિક્સ જેવું લાગે છે.
તે જે હોય તે, તે માનવ સભ્યતાની સૌથી જૂની કલાકૃતિ છે.
બ્લોમ્બોસ ગુફામાં આપણે મેળવી એક મહાન શક્તિની સાબિતી પડી છે.લગભગ ૧૦,૦૦૦ થી ૧૨,૦૦૦ વર્ષ પહેલા માણસોએ એક ભવ્ય તાકાત શોધી.
ખોરાક માટે ભટકવાનું છોડી આપણે ખેતી કરવાનું શીખ્યા.
તેને કારણે બધું જ બદલાઈ ગયું.
અગાઉ ક્યારેય ના કર્યું હોય તેવું કશુંક આપણા પૂર્વજોએ કર્યું.
છોડ રોપવા, વાઢવા, જમીનમાંથી ખેંચી કાઢવા આપણા પૂર્વજોએ નવા સાધનો અને તકનીકો શોધ્યાં.
તેઓ સ્થિર અને 'ઘર'વાળા થયા.
તે સાથે કુદરત અને એકબીજા સાથેનો આપણો સંબંધ અગાઉ જેવો નહોતો રહેવાનો.
પ્રાણીઓ અને વનસ્પતિઓને પાળવાં, તે બધી જ ક્રાંતિઓની જનેતા છે, કારણકે બધાં મૂળ અહીં રોપાયા.
તેની અસરો ખૂબ લાંબા સમય સુધી, છેક આપણા સમય સુધી વર્તાવાની હતી.
મોટાભાગની ક્રાંતિઓની જેમ આ ક્રાંતિ પણ ફેરફારો લાવી -ખૂબ મોટા અને ડરામણા.
દુનિયામાં એક નવી સંકલ્પના જન્મી- ઘર.
આ ગ્રહ પરનો જમીનનો એક ચોક્કસ ટુકડો, જેના પર આપણો કોઈ પૂર્વજ અને પછી આપણે જન્મ્યા અને જીવ્યા.
લગભગ 7000 વર્ષ પહેલાં આ વસાહતો ઘણી મોટી થઈ.
ચૅલકોલિથીક* - ઍન્ટોલિયન મેદાની પ્રદેશની આ વસાહતમાં તમારું સ્વાગત છે.
###
*2510 લાખથી 1990લાખ વર્ષ પહેલાંનો સમયગાળો. જેના અંત ભાગમાં ડાયનોસોરનું સામુહિક નિકંદન નીકળી ગયું.
*ચૅલકોલિથીક- પથ્થરયુગ અને ધાતુ યુગ વચ્ચેનો સંક્રાંત ગાળો, તેને લગતા પુરાતત્વીય અવશેષો મળી આવેલ છે તે સ્થળ
*ઍન્ટોલિયન પ્રદેશ- હાલના તુર્કનો વિસ્તાર
ભાગ-૧: https://interact-6aya.blogspot.com/2020/11/blog-post.html
2 comments:
મજાનું છે
😊
Post a Comment