બીજી દુનિયાઓએ અવકાશના ઊંડાણ માપવા મોકલી હોય તેવી સ્પેશ શિપ આપણી આકાશગંગામાં હોઈ શકે છે. તે કદાચ એક પછી એક તારા મંડળો તરફ જઈ રહી હોય; જીવન જ્યાં સ્થાયી થયું હોય તેવી દુનિયાઓની શોધમાં. તેમને પણ અંદાજ ના હોય તેવા જીવનના ગુણધર્મોનો નજીકથી અભ્યાસ કરવા.
૪૦૦ કરોડ વર્ષ પહેલાં, તેની બાલ્યાવસ્થામાં પૃથ્વી ખાસ આશાસ્પદ જણાતી ન હતી.
તે વખતે શુક્ર પર મહાસાગરો, જમીન અને કદાચ, જીવન હતાં. શુક્ર પાસે પાંગરવાની, જીવનક્ષમ પ્રદેશ બનવાની તક હતો. કોઈ પણ દુનિયા માટે, પોતાના તારા સાથે એવા સંબંધનો ગાળો જ્યારે ના તો તે અતિશય ગરમ હોય, ના ઝાઝો ટાઢો. દુનિયાના અસ્તિત્વનો એવો સમય જ્યારે તે જીવનને જણી શકે, જીરવી શકે.
પણ, જીવનક્ષમ પ્રદેશ હોવાના આશિષ સરકતી ચીજ છે અને કોઈ પણ દુનિયા માટે તે કાયમી નથી.
આપણે આપણા તારાના જીવનક્ષમ પ્રદેશમાં વસીએ છીએ અને તે પ્રદેશ ત્રણ ફૂટ પ્રતિ વર્ષના દરે વિસ્તરી રહ્યો છે. પૃથ્વીના જીવનક્ષમ સમયનો ૭૦% ભાગ વીતી ચૂક્યો છે. જોકે, ચિંતાનું કોઈ કારણ નથી, પૃથ્વી બહાર વસવાટનું આયોજન કરવા આપણી પાસે હજી હજારો લાખો વર્ષ છે.
સૂર્યના આશિષ આપણા માથેથી ઉઠી જશે પછી, ધરતી જીવન બાગ નહીં રહે ત્યારે આપણે ક્યાં જઈશું? દૂધ ગંગાના દરિયાના સૂદૂર ટાપુઓ તરફ આપણી પ્રજાતિએ પ્રયાણ આદર્યું હશે?
પરિવર્તનથી બચવાની કોઈ જગ્યા બ્રહ્માંડમાં નથી. કેટલાક હજાર લાખ વર્ષ પછી સંતાવા માટે કોઈ સલામત સ્થળ નહીં હોય. એક દિવસ આ બધું, કુદરતના કાનૂન મુજબ જીવન-મૃત્યુ અને પુનઃજન્મના અંતહીન ચક્રને શરણે થશે.
આ બ્રહ્માંડ સુંદર વસ્તુઓ ઉત્ક્રાંત કરે છે, પછી તેમને તોડી ટુકડા કરે છે અને તે ટુકડાઓમાંથી જ કશુક નવું સર્જે છે.
બ્રહ્માંડની કોઈપણ દુનિયાની કોઈપણ પ્રજાતિએ જો લાંબુ ટકી જવું હોય તો સામૂહિક પરિવહન કરવા કામ લાગે તેવા આંતર ગ્રહીય અને છેવટે આંતર તારાકીય ઈજનેરી વિકલ્પો વિકસાવવા રહ્યા.
આ વાતની આપણને કંઈ રીતે ખબર પડી?
બ્રહ્માંડ વિશે આપણે થોડું ઘણું જે કાંઈ જાણીએ છીએ, તેમાં આપણને ભવિષ્યની ઝલક જોવા મળે છે.
આપણી સભ્યતા માટે માણસ જાતે આપમેળે ઉભા કરેલા જોખમ, ક્લાઇમેટ ચેન્જની વાત હું નથી કરી રહ્યો, તે તો ટૂંકાગાળાની વાત છે. જો આપણે હજારો,લાખો, કરોડો વર્ષ ટકવું હોય તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ ઊંડેલવાનું બંધ કરવું પડશે, અત્યારે જ. માણસજાતને બેનિફિટ ઓફ ડાઉટ આપીને લાંબાં ગાળાની વાત કરવા હું જઈ રહ્યો છું.
સૂર્ય વયવૃદ્ધ થઈ રહ્યો છે; આપણી જેમ. એક દિવસ તેના ગર્ભમાંનું હાઇડ્રોજન ઇંધણ ખૂટી પડશે.
500- 600 કરોડ વર્ષ પછી, જ્યાં હાઈડ્રોજન ફ્યુઝન થાય છે તે પટ્ટો બહારની તરફ વિસ્તરશે. તે સાથે જ્યાં થર્મોન્યુકિલયર પ્રક્રિયાઓ થાય છે તે કોચલુંય મોટું થશે- તાપમાન સો લાખ ડિગ્રી જેટલું નીચું જાય ત્યાં સુધી. સૂર્ય યલો ડ્વાર્ફ- પિળીયા વામનમાંથી રેડ જાયન્ટ બનશે.
શુક્ર અને પૃથ્વીને જકડી રાખતું તેનું ગુરુત્વાકર્ષણ નબળું પડશે. તેથી, તે બે ગ્રહ થોડાક સમય માટે સલામત અંતરે સરકશે. લાલમટોળ થયેલો, ફૂલેલો વિરાટ સૂર્ય બુધને આવરી લેશે, ગળી જશે. જીવનક્ષમ પ્રદેશના આશિષ વધુને વધુ ઝડપે દૂર સરકતા જશે.
તે પછી, ફૂલેલા સુર્યના તીવ્ર પ્રકાશ અને ગરમી ગુરુ સુધી પહોંચશે. ગુરુ ફરતેના એમોનિયાના વાદળો અને પાણી તેનામાંથી છટકીને વરાળ સ્વરૂપે અવકાશમાં ફંગોળાઈ જશે. અને પહેલીવાર, ગુરુનું દેખાવડું બાહ્ય વાતાવરણ ખસી જતાં તેની નીચેની ફૂવડ સપાટી દેખા દેશે.
ગુરુના ઠંડાગાર ચંદ્રોમાંના કોઈ એક પર આપણે ઘર બનાવી શકીશું?
અગાઉ કરતા હજારો ગણા તિવ્ર સૂર્યપ્રકાશને કારણે યુરોપા અને કેલિસ્ટો(ગુરુના ચંદ્ર) પરના બરફના ગાઢા સ્તર ઓગળશે અને તેમની નીચેના દરિયા વહેતા થશે. તેના કારણે ખૂબ મોટા પ્રમાણમાં પાણીની વરાળ છૂટી થશે, જે ગ્રીનહાઉસ ઈફેક્ટના ચક્રને ગતિમાં લાવશે. ગૅનમીડ (એક ચંદ્ર) -નું એક વખતનું પાતળું વાતાવરણ ગાઢ અને ઘેરું થશે. જો ત્યાં કોઈ પણ સ્વરૂપે જીવન ધબકતું હશે તો તેના ફૂલવા-ફાલવાની, ઉત્ક્રાંત થવાની તે તબક્કે નવી તક ઊભી થશે. ગૅનમીડ તે જીવોની ધરતીમા બનશે.
આ તો અમસ્તું, કેમકે આપણે નવું ઘર સૂર્યથી સલામત અંતરે ઈચ્છીએ છીએ.
સૌર ઉત્ક્રાંતિ રોકાવાની નથી, જો કે, નવું ઘર શોધવા આપણી પાસે હજારો લાખો વર્ષ છે. બ્રહ્માંડમાં દુનિયા વસાવવાની જગ્યા શોધવા માટે ઘણો બધો સમય છે આપણી પાસે.
શનિના શા હાલ કર્યા હશે પેલા લાલમટોળ રાક્ષસી સૂર્યે? ઓહ! તેની સુંદરતા, તેની સુંદર વિંટીઓ લૂંટાઈ જશે. અને તેના ગ્રહ ટાઈટનનું વાતાવરણ પણ છીનવાઈ જશે.
અરે! આપણે તો શક્ય દુનિયાની સંભાવનાઓના છેડે આવી ગયા. અહીં છે નૅપ્ચ્યુન, જેનું નામ રોમન દેવતા પરથી પાડવામાં આવ્યું છે. ગ્રીક તેને જ પોસેઈડોન- દરિયાના દેવ નામે ઓળખતા હતા.
નેપ્ચ્યુનના ચંદ્ર ટ્રીટોન પરના દરિયાનું કોઈએ નામ પાડ્યું નથી- કારણકે સૂર્ય લાલમટોળ રાક્ષસ બને તે પછી તે ઠરેલા ચાંદા પરના ઍમોનિયા અને પાણીનાં પડ ઓગળશે. ટ્રીટોન પર એક દિવસ ૧૪૪ કલાકનો હશે. અને શિયાળો ભયંકર કાતિલ તથા પચાસ વર્ષ જેટલો લાંબો.
(આપણા પછીની પેઢીઓ નવાં જોડકણાં સાંભળશે.)
છતાં, કેટલાક કરોડ વર્ષ પછી ટ્રીટોન ઘર વસાવવાનું સારું સ્થળ જણાય છે. આપણે જોઈએ તે બધું હશે ત્યારે ત્યાં; વાતાવરણ અને પાણીના દરિયા જે જીવન જન્માવનારા બંધારણીય રસાયણો છે.
ઠીક છે, ટ્રીટોન પર ઠંડી હશે પણ જાન્યુઆરીમાં ન્યુયોર્કમાં હોય છે તેથી ખરાબ નહીં હોય. (તમે આખું વર્ષ સ્કીઈંગ કરી શકશો.)
પણ, એક દિવસ સૂર્યની બધી ઊર્જા ખલાસ થઈ જશે અને જીવનક્ષમ પ્રદેશ તરીકેના આશિષ છેક અહીં ટ્રીટોન પરથી પણ ઊઠી જશે.
જ્યારે સૂર્યનો રેડ જાયન્ટ કાળ સમેટાઈ જશે, તેના બધાં આવરણ ખસી જશે અને દેખાશે વ્હાઈટ ડ્વાર્ફ. એવો તારો, જેનામાં તેના બચેલાં સંતાનોને હૂંફ આપવા જેટલી ઊર્જા હજી બચી હોય.
તો, જો આપણે અમુક હજાર લાખ વર્ષ પછી પણ ઘર જોઈતું હોય તો આપણે સૂર્ય મંડળની સીમા પાર યાત્રા કરવી રહી; આપણે આંતર તારકીય અવકાશના અસીમ ઊંડા દરિયામાં જહાજ લાગરવું રહ્યું.
ભાગ ૪: https://interact-6aya.blogspot.com/2020/12/blog-post.html
No comments:
Post a Comment