19.7.12

ઈશ્વરસદૃશ




કેટલાંક સમયથી એવી સમજ ઘડાઈ રહી છે : વ્યક્તિના ઈરાદા પર કદી શંકા ના કરવી. કેમકે, કોઈ વ્યક્તિનો ઈરાદો ખરાબ/નબળો હોતો નથી. માત્ર જે તે વ્યક્તિ પોતાના સ્વમાં સ્થિત એટલે કે સ્વસ્થ ના હોવાને કારણે આમ કરી બેસતી હોય. અને જે સ્વસ્થ ના હોય તેની તો શુશ્રુષા કરવી રહી.

બીજી સમજ એમ કેળવાઈ રહી છે કે જયારે કોઈ વ્યક્તિ સમજતી નથી ત્યારે એમ સ્વીકારી લેવું કે તે સમજી ‘શકતી’ નથી. અથવા તો તે સમજ માટેની તેનામાં શક્તિ નથી. આટલા સ્વિકાર પછી આગળ વિચારવું શરુ કરીએ તો વિકલ્પો ખુલતા જાય છે, સમજણ ના, બે ય પક્ષે.

ઈવા પર અકળાઈ જવાય ત્યારે ત્યારે ચોંકી જવાય : ક્યાં છે આનું મૂળ?

બાળકના ઈરાદામાં બદી હોવાનો તો પ્રશ્ન જ ઉભો થતો નથી. આમ છતાં, એના વર્તનના પ્રત્યાઘાત રૂપે મારામાં જે આવેગ ઉઠે છે એ તો એમ જ સૂચવે છે કે મને તેના ઈરાદા પર શંકા છે!

પર્યાવરણમાં અમે ત્રણ એકમ ભણ્યા છીએ. ઇવાને પોતાની ગુજરાતી વાંચન ક્ષમતા અંગે ભરોસો નથી, અને એની વાંચનક્ષમતા પ્રમાણમાં સહેજ નબળી તો ખરી જ( તેને આ વર્ષે જ ગુજરાતી માધ્યમમાં અભ્યાસ શરુ કર્યો છે એટલે). તેનામાં એ બે ક્ષમતા કેળવવાના હેતુથી ભણી ગયેલ ત્રણેય એકમ વાંચવા એમ મેં દરખાસ્ત મૂકી. એ પહેલાં એણે જ સૂચવ્યું કે પર્યાવરણ કરીએ. તેણે ધરાર ચોથો એકમ ખોલ્યો અને ... અમે વાતચીત કરી. મેં મારી મુશ્કેલીઓ જણાવી અને તને પાકું થાય, આવડે છે એટલે ઝડપથી વંચાઈ જાય એવી તેવી લલચામણી વિગતો પણ સ્પષ્ટ કરી. પણ, આંખોમાં ખટકે એવી દ્રષ્ટિ અને હોંઠને ખૂણે વંકાયેલ સ્મિત સાથે એ મારી સામે જીદ કે જડતાભર્યું તાકી રહી. અને મેં મારા પરનો કાબુ ગુમાવ્યો. ચોપડી પછાડી હું રસોડામાં જતી રહી.

પણ, મારા આ પ્રકારના વર્તન પછી એનો ચહેરો જે ભાવ ધરે છે, તે જીરવાય તેવો નથી હોતો. અને એ જ મને ઉગારી લે છે.

તે શૂન્યમયસ્કતા ઓઢી લે છે.

એ જડતામાં ખપાવી શકાય એવી હોય છે, પણ હું જાણું છું કે તે જડતા નથી. બચાવપ્રયુક્તિ છે.

પોતે જેને ચાહે છે એ વ્યક્તિના ના સમજાતા કઠોર વર્તનનો પ્રતિઘાત.

ઉંમરને કારણે વયસ્ક વ્યક્તિની વ્યવહારુ મુશ્કેલીઓ તે ના જ સમજી શકે, એમ મારે સમજવું રહ્યું.

અવારનવાર મારે તેની માફી માંગવી પડે છે.

અને તે, ઈશ્વર જેવી, વહાલ ઢોળે છે.

“ જો તું રાત્રે વાર્તા નહી કહે તો તારી સાથે નહી બોલું .” , એવી શરત રાખે કે જેમાં અમે બેય જીતવાના જ હોઈએ.

No comments: