26.7.12

સોમરસ

ઋગ્વેદકાળ પર આધારિત મુનશીની નવલપંચમીની કથા કરતાં તેની પ્રસ્તાવના વધુ ગમી હતી અને એક વિગત પર ચિત્ત ચોંટી ગયું હતું : તે સમયે શબ્દોના અર્થો ઘડાઈ રહ્યાં હતાં. એટલેકે, જે શબ્દનો અર્થ આજે આપણે સમજીએ છીએ તે અર્થ તે કાળમાં ના પણ હોય.


વિશ્વામિત્રની કથામાં અને બીજે કેટલેક ઠેકાણે પણ, ઋષિ ‘થવાની’ પ્રક્રિયાનું વર્ણન કઈંક અંશે તાંત્રિક ક્રિયા જેવું લાગ્યું હતું અને એમ પ્રશ્ન પણ થયો કે મુનશી કક્ષાના લેખકે આવું વર્ણન કેમ લખ્યું હશે? એમ પણ થયું હતું કે, કદાચ મુનશી કોઈ રહસ્યમયતા ઇંગિત કરવા માંગતા હશે.

સામાન્ય રીતે મને જવાબો ‘મેળવવાની’ ઉતાવળ હોતી નથી. જવાબ આપોઆપ ઉઘડે એની મજા હોય છે.

વિનોબા સંકલિત એક પુસ્તક હાથ લાગ્યું, 'વેદામૃત' ;
ઋગ્વેદમાંથી ચૂંટેલા ૮3 શ્લોક પર વિનોબા જેવા મનીષીની ટિપ્પણ.

અને વિનોબા નોંધે છે કે એ કાળમાં સંસ્કૃત ભાષા ઘડાઈ રહી હતી !

સંસ્કૃત શબ્દોના અર્થોમાં આ બહુપરિમાણીય ઊંડાણ જોયાં પછી આ વિગતનું આશ્ચર્ય થાય. એક શબ્દ, જે ઋગ્વેદ કાળમાં જન્મ્યો અને જન્મ સમયે કઈંક અર્થ પામ્યો, પછી એ શબ્દ વિકસ્યો અને એના અર્થમાં કઈંક ઉમેરાયું. બાલ્યકાળનો અર્થ અને પુખ્ત અર્થમાં વિરોધીતા ના હોય એ તો ઠીક, તે એકબીજાના પુરક હોય ! અહા, શું યાત્રા કરી છે શબ્દ એ !

વળી, વિનોબા નોંધે છે કે ‘ઋષિ’ને શ્લોક ‘સ્ફૂરતા.’ એટલેકે, મુનશીની નજરે જોઈએ તો ઋષિ પદ એને મળતું જેમને શ્લોક સ્ફૂરતા. શ્લોક રચવાની,ઘડવાની વાત નથી, ભીતરથી ઉદગાર ઉઠવાની વાત છે. વિનોબા માને છે કે , એ શબ્દો આવા ઘૂંટાયેલા અર્થ પામ્યાં તેનું કારણ આ સ્ફુરણ અને વળી આવું માત્ર સંસ્કૃત ભાષામાં જ થયું એમ નથી. બીજી આડી ભાષાઓમાં પણ આવા ઘેઘુર શબ્દો મળી આવે છે.મને એમ લાગે છે કે જે માનવમાં વૈશ્વિક ચેતના સ્પંદિત થઇ તે ઘટનાઓને વિસ્તૃત સ્વરૂપે જોઈ શક્યો અને સંસ્કૃતિના બાલ્યકાળમાં પણ પોતાની સંવેદના થકી પૂર્ણ રૂપે જોડાઈ શકવાને કારણે ધ્વનિ સાથે એવાં અર્થ જોડી શક્યો જે ચિરંજીવી બન્યા.

મુનશીના વર્ણનમાં આવે છે કે વરુણ દેવ પ્રસન્ન થાય તે વ્યક્તિ ઋષિ બની શકે.

વિનોબા એ તારવી આપેલા ‘વરુણ’ શબ્દના અર્થો પર એક નજર :સંયમ ચક્ષુ, આવૃત્ત કરનાર, સાધનાનો આધાર.

!

અને વિનોબા ઋગ્વેદને ટાંકે છે : વરુણના વ્રત અનુંન્ઘનીય હોય છે.

આગળ,

સોમરસ એટલે સોમ નામની કલ્પિત વનસ્પતિનો અર્ક,રસ; પોતાના દેહને તપાવવાથી મળતો પવિત્ર રસ.

સોમ એટલે પવિત્ર, જે આકાશમાંથી પ્રગટે છે, ચંદ્ર.

બે સમકાલીન દિગ્ગજોના લખાણને અનાયાસ આડી ધરીમાં જોવાઈ જવાયુ અને પીવા મળ્યો સોમરસ; અદ્વિતીય લખાણ માટે તેમણે અને વાંચન માટે મેં તપાવેલી રાતોના પરિપાક રૂપે.

just read this brilliant & awesome lyric of the title song of the serial Bharat Ek Khoj

No comments: