ઘણા સમય પહેલાંની વાત છે. તે વખતે બે રાજ્ય હતા.
તેમની વચ્ચે એવી સુમજૂતિ થઈ, જે તે બંનેને તેમની કલ્પના બહારની સમૃદ્ધિ આપવાની હતી.
આ સમજૂતિ લગભગ ૧૦૦૦ લાખ વર્ષ સુધી ટકી. અને પછી તેમાંના એક રાજ્યમાં જુદા પ્રકારનો જીવ ઉત્ક્રાંત થયો. તેના સંતાનોએ સમૃદ્ધિ લૂંટી અને સમજૂતિ તોડી.
તેમની ઉદ્ધતાઈમાં તેઓ બીજા રાજ્ય માટે જ નહીં, પોતાના રાજ્ય માટે પણ જીવનું જોખમ બની બેઠા.
આ નિતીકથા સાચી છે.
પૃથ્વી પરના અડધા ડઝન સમુદાયમાંના બે, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણીસૃષ્ટિ વચ્ચેની આ વાત છે.
લીલા હોવું સહેલું નથી. તમે એક જગ્યાએ ચોંટેલા હોં ત્યારે પ્રજનન એક પડકાર છે. મિલન શક્ય નથી બનતું. તમે બસ ત્યાં જ બેસી રહો અને તમારા બીજ હવાને સોંપી દો. પવન ફૂંકાવાની રાહ જુઓ. નસીબદાર હો તો તમારી પરાગ રજ બીજી વનસ્પતિના પ્રજનન અંગ સુધી પહોંચે.
'લાગ્યું તો તીર' પ્રકારનો આ નસીબનો ખેલ વનસ્પતિ સૃષ્ટિ અમુક હજાર લાખ વર્ષ સુધી કરતી રહી; કામદેવ રૂપી જીવજંતુ ઉત્ક્રાંત થયાં ત્યાં સુધી.
જીવનના ઈતિહાસમાં આ અનુકુલન સહ ઉત્ક્રાંત લગ્નોમાં પરિણમ્યું.
કોઈ પુષ્પની પ્રોટીન સભર પરાગ રજનો રસ પીવા કોઈ જંતુ તેની મુલાકાત લે. અજાણતાં જ કેટલીક પરાગરજ તેના શરીર પર ચોંટી જાય. શરીર પર ચોંટેલી પુષ્પની પરાગરજ સહિત તે જંતુ બીજા પુષ્પની મુલાકાત લે. અનુકૂળ હોય તો બીજું પુષ્પ ફળે, તેના પ્ર-જનનની તક ઊભી થાય.
જીવજંતુ અને પુષ્પો તેમ બંને તરફ આ એક લાભકારક ભાગીદારી હતી; જેને કારણે ખુશ કરી દેનાર ઔત્ક્રાંતિક ફેરફારોની હારમાળા રચાઈ.
નવો છોડ સર્જાયો જેણે પરાગ રજની સાથે સાથે ગળ્યો રસ પણ પેદા કરવો શરૂ કર્યો. હવે પેલાં જંતુ ફક્ત પ્રોટીન યુક્ત ખોરાક માટે જ નહીં, મીઠાઈ માટે પણ આવતા થયા. જંતુઓ ભરાવદાર બન્યા, તેમના ગોળ મટોળ શરીર પર સુંવાળી રુવાટી આવી અને તેમના પગમાં નાનકડા ખિસ્સા બન્યા; જેમાં વધારે માત્રામાં પરાગ રજ ભરાતી થઈ.
અને આવી માખીઓ.
તેઓ તો વળી પ્રાણીસૃષ્ટિની એક ખાસ પ્રજાતિ માટે વિશેષ લાભકારક બની.
આપણા માટે.
માખીઓ અને તેમના જેવા પરાગ વાહકોના આપણે ઋણી છીએ, આપણા જીવનના ટકી જવા માટે અત્યંત જરૂરી હોય તેવી બાબતે. આપણો ત્રીજો કોળિયો, પછી ભલે ને આપણે ઉભયાહારી હોઈએ, તેઓના કારણે જ શક્ય છે.
દુનિયાની 35% ખેતી તેમના સહકાર પર આધાર રાખે છે.
વનસ્પતિનો ખોરાક છે તારાનો પ્રકાશ, અને આપણ પ્રાણીઓનો ખોરાક છે વનસ્પતિ. વનસ્પતિ ફક્ત ઉપલબ્ધ ભોજનનો સંખ્યાત્મક વધારો કરે છે એટલું જ નથી; આપણું ભોજન જેના પર આધારિત છે તેવી જૈવ વિવિધતા પણ તેમને કારણે છે.
પણ, આપણે તેમને ખતમ કરવા પર ઉતરી આવ્યા છીએ.
મને લાગે છે કે તમે સમજી ગયા હશો કે આ કઈ દિશામાં જઈ રહ્યું છે.
ખેતીની શોધનો આશીર્વાદ અને શ્રાપ આપણને લઈ આવ્યા છે લુપ્ત પ્રાણીસંગ્રહાલયના દરવાજે : પૃથ્વીના ઇતિહાસના સામૂહિક નિકંદનોમાં નાશ પામેલા તમામ સજીવની યાદગીરી.
જીવન વૃક્ષની તૂટેલી ડાળખીઓની પ્રતિમા અહીં છે.
પૃથ્વીના ઈતિહાસમાં પાંચ વાર ભયંકર ભૌગોલિક અને અવકાશીય ઘટનાઓએ જીવનના નિકંદનની સ્થિતિ ઊભી કરેલી.
છઠ્ઠી સ્થિતિ તે બધાથી જુદી છે.
કોસ્મોસની આ અગાઉની સિરીઝમાં લુપ્ત પ્રાણીસંગ્રહાલયના એક ઓરડાને આપણે નામ નહોતું આપ્યું. કારણકે તે વખતે 'આપણે કોઈ સામૂહિક નિકંદનની નજીક છીએ.' એવા તારણ બાબતે વૈજ્ઞાનિક સમુદાય સહમત નહોતો. તે સહમતિ સધાઈ ગઈ છે. પેલા ઓરડાને નામ મળ્યું છે -આપણું નામ.
ધ ઍન્થ્રોપોસીન.
ગ્રીક શબ્દો 'ઍન્થ્રોપો' એટલે 'માણસ' અને 'સીન' એટલે 'તાજેતરનું'.
આપણે ભટકતું જીવન જીવતા હતા ત્યારે આપણી જ પ્રજાતિના અમુક સમુદાયનું નિકંદન કાઢી નાખેલું -જેમાં આપણા પિતરાઈ નિઍન્ડરથીસ પણ સામેલ છે.
એવું તે શું છે આપણી પ્રજાતિમાં કે આપણે જ્યાં જઈએ, મૃત્યુ લઈ આવીએ છીએ?
થોડીક વાત ભવિષ્યની કરીએ.
અમુક દસકા જેટલા દૂરના ભવિષ્યમાં પ્રોજેક્ટ સ્ટારશૉટ હેઠળ 1000 સ્પેસ ક્રાફ્ટ પૃથ્વી પરથી ડિપાર્ટ થશે.
આપણે ઇતિહાસ નોંધવો શરૂ કર્યો ત્યારથી એન્ડિઝ પર્વતમાળાની પશ્ચિમે આવેલા અતકામા રણમાં વરસાદ પડ્યો નથી. તે સૂકું ભઠ્ઠ છે. તેથી, ત્યાંનું આકાશ એકદમ ચોખ્ખું છે.
પાણી છોડી જમીન પર પગ મૂકનાર પહેલા વહેલા જીવની નોંધ રાખનાર કોઈ નહતું. પહેલા પક્ષીએ આકાશમાં ઉડાન લીધી ત્યારે રિપોર્ટ લખવાવાળુ કોઈ ન હતું. પણ, આ આપણે એક એવી છલાંગ લગાવવાના છીએ, જેની નોંધ શક્ય તમામ રીતે લેવાશે. આખી દુનિયા જોઈ રહી છે.
પ્રકાશથી ચાલનારા આંતર તારકીય જહાજો, જે આપણા સંવેદનોને ત્યાં પહોંચાડશે.
તેમના માળખાનું વજન માંડ એકાદ ગ્રામ છે અને તેમનું કદ વટાણાના દાણા કરતા મોટું નથી. છતાં, નાસાના વૉયેજરમાં હતા તેટલા સરંજામ, અરે, તેથી પણ વધારે સાધનસામગ્રીથી તે સજ્જ છે.
બહુ સ્તરિય લેઝર્સમાંથી પહેલા કિરણનો ધક્કો લાગતાં જ આ સ્પેસ ક્રાફ્ટ શૂન્યથી પ્રકાશની ઝડપના 20% જેટલી ગતિ ફક્ત મિનીટોમાં પકડી લેશે.
આ નેનો સ્પેસ ક્રાફ્ટમાં બીજા તારાઓની દુનિયાઓનું ઝીણવટભર્યું અવલોકન કરી, ત્યાંની વૈજ્ઞાનિક વિગતો અને દ્રશ્યો પૃથ્વી પર પાછા મોકલવાની બધી જ સગવડ છે.
અવકાશ મોટાભાગે ખાલી છે. પણ તેમાં એવા સૂક્ષ્મ રજકણ છે, જે લગભગ પ્રકાશની ગતિએ જઈ રહેલા નેનો ક્રાફ્ટ સાથે અથડાય તો નેનો ક્રાફ્ટ ભાંગી પડે.
આપણે આટલા બધા સ્પેસ ક્રાફ્ટ સામટા મોકલવાનું એક કારણ તે પણ છે.
વૉયેજર-વન 61155 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ જઈ રહ્યું છે. પૃથ્વી છોડ્યે તેને ૪૦ વર્ષ કરતાં વધુ સમય થયો. આમ તો તે ઝડપી છે, પણ પ્રકાશની ઝડપનો તો વીસમો ભાગ.
પ્રોક્સિમા સેન્ચ્યુરી ચાર પ્રકાશ વર્ષ દૂર છે. વન-વે યાત્રા કરતાં ૨૦ વર્ષ થાય. પ્રોક્સિમા સેન્ચ્યુરી ફરતે પરિભ્રમણ કરતો એક ગ્રહ છે, જે વસવાટને લાયક વિસ્તારમાં આવે છે અને જ્યાં જીવન હોવાની સંભાવના આપણને લાગે છે.
આપણા રોબોટિક જાસુસો આ દુનિયાઓની માહિતિ મોકલશે. તેમના સંદેશા પ્રકાશની ઝડપે રેડિયો તરંગો મારફતે આપણા સુધી આવશે. તેમને આપણા સુધી પહોંચતા ચાર વર્ષ લાગશે. 20 વર્ષ ત્યાં પહોંચવાના, ૪ વર્ષ પાછા આવવાના. ૨૪ વર્ષની રાઉન્ડ ટ્રીપ.
તમારામાંથી કેટલાક કુદરતના પુસ્તકમાં જોડાનારા નવા પાના ત્યારે વાંચશે, લખશે અને તે પછીના ભવિષ્યની માણસ જાતની યાત્રાઓની રૂપરેખા તૈયાર કરશે.
પૃથ્વી, મહાસાગર કે આકાશની સીમા લાઘીંને.
૩: https://interact-6aya.blogspot.com/2020/11/blog-post_29.html
3 comments:
વાહ!અત્યંત રસાળ વર્ણન છે!
😊👍
❤❤
Post a Comment