પદાર્થનું દળ તેની ગતિ પર અસર કરે છે, પ્રકાશની ઝડપ મર્યાદિત છે અને સમય સાપેક્ષ છે એમ આઈન્સ્ટાઈન દાદુને કહ્યે સો વર્ષ થઈ ગયાં.આ વાત પચાવતાં દુનિયાના દાદુ ભેજાંને એટલાં જ વર્ષ ગયાં.
એ વાત સમજવા આપણે પ્રયત્ન કરીએ. Let's see.
આપણા પૂર્વજો કરતાં આપણે- ઘડિયાળના કાંટા સાથે તાલ મિલાવનારા- સમયને જુદી રીતે જોઈએ છીએ અને 3G પછીની પેઢી, ડિજીટલ ઘડિયાળ 'જોતી' પેઢી સમયને જુદી રીતે જૂએ છે.
ઘડિયાળ સમયને કઈ રીતે બતાવે છે?
૧) કે બધાનો સમય એકસમાન હોય. જો તમારી ઘડિયાળ મારી ઘડિયાળ કરતાં જુદો સમય બતાવે તો કાં તો તમારી, કાં મારી કે પછી આપણા બંનેની ઘડિયાળ બગડેલી છે.
૨) કે સમયરેખા પર આપણે 'ક્યાં' છીએ.
જો ઘડિયાળના ચંદા ફરતે દોરી વીંટાળી તેને સીધી ગોઠવી દઈએ તો આપણને સમયરેખા મળે. જેના પર આપણે સમય આંકી શકીએ, સંખ્યા રેખાની જેમ. અત્યારે કેટલા વાગ્યા તે આપણો વર્તમાન. તેની એક તરફ ભૂતકાળ, બીજી તરફ ભવિષ્ય. ઘડિયાળ આપણને બતાવે છે કે કેટલો ભૂતકાળ આપણે પાછળ મૂક્યો.
ઘડિયાળ એ સતત વહેતા સમયનું પ્રતિક છે. આપણી અથવા તો બ્રહ્માંડના કોઈ પણ પદાર્થથી દખલ પામ્યા વગર સમય સતત વહેતો રહે છે. ફિલોસોફિકલ લાગતું આ વિધાન ન્યુટનનું છે. ન્યુટન માનતા કે સમય અવકાશમાં વહેતો પ્રવાહ છે. ન્યુટનનું અવકાશ ખાલી હતું, શૂન્ય. આઈન્સ્ટાઈનનું નહીં. આઈન્સ્ટાઈનનું કહેવું હતું કે સમય અવકાશમાં સતત વહે છે ત્યાં સુધી વડિલ સાથે સંમત, પણ અવકાશ પોતે તો ગુરુત્વાકર્ષિય ક્ષેત્ર છે, એટલે કે તે ખાલી નથી. આઈન્સ્ટાઈન અવકાશ-સમયને સ્પેસ+ટાઈમ તરીકે જોતા હતા.
તો, સમય એટલે શું?
આપણા પૂર્વજોએ તારવેલું કે સમય એટલે ઘટેલી ઘટનાનો ક્રમ. એકમ, બીજ-ચંદ્ર કળાઓ. ભૂતકાળથી અહીં સુધીનું અંતર સૂચવતો અંક. 3G પેઢી પણ સમયને એક અંક, ડિજીટલ કૂદકા તરીકે જૂએ છે- 1:59થી 2:00, એમ.
સમયને તેના ગુણધર્મો વડે પણ ઓળખી શકાય. સમયનો એક ગુણધર્મ છે કે તેમાં ભૂતકાળ અને ભવિષ્ય જૂદા છે. પેલી સમયરેખા પર આપણે વર્તમાન ક્ષણે ઊભા હોઈએ તો આપણી પાછળ છૂટેલો ભૂતકાળ છે- એક કલાક પહેલાંનો, એક દિવસ/મહિનો/ વર્ષ...છેક બિગ બેંગ સુધીનો. આપણી આગળ છે ભવિષ્ય- નજીકનું, થોડે દૂરનું, ખૂબ દૂરનું.
ભૂતકાળ અને ભવિષ્યને આપણે આ રીતે ઓળખીએ છીએ: ભૂતકાળ તેની નિશાની છોડી જાય છે- ચંદ્ર પરના ખાડા, ચહેરા પરની રેખાઓ, આપણી યાદો, સ્મૃતિ વગેરે. ભવિષ્ય અજાણ છે, કોઈ નિશાની કે સંકેત વગરનું.
બાળક તરીકે મને એક પ્રશ્ન થતો અને જે મારા અભ્યાસ તેમજ કામનો એક ભાગ છે, તે છે, ભૂતકાળ (,વર્તમાન) અને ભવિષ્ય ઍક્ઝેટલી ક્યાં છૂટા પડે?
મિકેનિક્સ, થર્મો ડાયનેમિક્સ, સ્ટાન્ડર્ડ મૉડલ ઑફ ફિઝીક્સ, જનરલ રિલેટીવિટી, ક્વૉન્ટમ ફિઝીક્સના નિયમોમાં ક્યાંય આનો જવાબ નથી.
ભૌતિકશાસ્ત્રની તમામ પાયાની થિયરીઝમાં એ ભેદ સૂચવે તેવું કશું જડતું નથી.
એક જગ્યાએ છે :થર્મોડાયનેમિક્સ. તેનો એક નિયમ ઍન્ટ્રોપી - અવ્યવસ્થાનું પ્રમાણ.
થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ છે : ઍન્ટ્રોપી ભવિષ્યમાં વધે છે.
આપણો અનુભવ છે કે ભૂતકાળમાં અમુક વ્યવ્સ્થા હતી અને તેમાં ક્રમશઃ વધુને વધુ અવ્યવસ્થા આવતી ગઈ અહીં સુધી પહોંચવામાં અને ભવિષ્યમાં તે વધશે. બિગ બેંગ વખતે બ્રહ્માંડ અમુક રીતે ગોઠવાયેલું હતું, જે ગોઠવણ ખોરવાતી ગઈ અને બ્રહ્માંડ 'વિકસ્યું' અને ભવિષ્યમાં તેની અવ્યવસ્થા વધવાની છે.
એવું કેમ?
ભૂતકાળ કેમ વ્યવસ્થિત હતું?
કોણે તેને વ્યવસ્થિત ગોઠવ્યું?
વ્યવસ્થા એટલે શું?
ધારોકે, એક ખોખામાં એક બાજુ કેટલાક લાલ અને બીજી બાજુ કેટલાક લીલા દડા ગોઠવેલા છે. તે વખતે તે ઘટનાની ઍન્ટ્રોપી શૂન્ય હશે. તે ખોખાને હલાવીએ તો દડા ભેગા થઈ જશે, અવ્યવસ્થા સર્જાશે, ઍન્ટ્રોપી વધશે.
પણ, આપણો એક મિત્ર રંગ અંધ છે. તો? લાલ -લીલા રંગનો ભેદ પારખવા અક્ષમ તેની નજર કઈ સ્થિતિને વ્યવસ્થા-અવ્યવસ્થા કહેશે?
ધારોકે, આપણા તે મિત્રની આંખ કદ પારખવામાં અતિશય કુશળ છે; કદનો સૂક્ષ્મ તફાવત તે પકડી પાડે છે. હવે, જો આપણા લાલ-લીલા દડાના કદમાં સૂક્ષ્મ તફાવત છે, તો એક તરફ લાલ અને બીજી તરફ લીલા એવી 'વ્યવસ્થા' તેની દ્રષ્ટિએ અવ્યવસ્થા ઠરશે ને!
થર્મોડાયનેમિક્સના બીજા નિયમને બૉલ્ટ્ઝમૅ બરાબર સમજ્યા. તેમણે કહ્યું કે "આ નિયમ સ્થિતિસૂચક અંક -statestical છે, તેની ગણતરી કરી શકાય." તેમના કહેવા પ્રમાણે ઍન્ટ્રોપી એટલે યાંત્રિક પદાર્થો કઈ રીતે અવ્યવસ્થિત છે તેનું માપન, તે મૂળભૂત સ્થિતિ કે પ્રમાણ નથી.
એટલે કે, ઍન્ટ્રોપી ઉપર ઘણા બધાં પરિબળો અસર કરે છે.
ટેબલ પર એક કૂકરીને ધક્કો મારતાં તે આગળ ખસે છે અને એક હદ પછી અટકી જાય છે અને તે આપોઆપ મૂળ જગ્યા તરફ પાછી જતી નથી. આ ઉલટાવી ના શકાય તેવો ફેરફાર છે.
કૂકરીની ગતિ, તેથી ઊભું થયેલું ઘર્ષણ કુકરી અને ટેબલના અણુઓને ઉષ્મા આપે છે. જેથી તે અણુ કંપે છે અને તેમની વ્યવસ્થા ખોરવાય છે. અમુક પ્રકારની વ્યવસ્થામાં રહેલા કુકરી અને ટેબલના અણુઓમાં અવ્યવસ્થા ઊભી થાય છે.
અણુઓનું નવું ઉષ્ણતામાન જ ભૂત -ભવિષ્ય નક્કી કરે છે.
જો ઉષ્મા નથી, ઉષ્ણતામાન નથી, તો સમય માપી પણ શકાતો નથી.
કૂકરીને ટેબલ પર ધકેલી જુઓ, ઘર્ષણ વગર તે ખસસે જ નહીં.
આપણે આગળ જોયું કે સમય એટલે બદલાયેલી ઘટનાનો ક્રમાંક, ઘટના કે સ્થિતિમાં થયેલો ફેરફાર. અને બ્રહ્માંડમાં તો બધું બદલાતું રહે છે.
ભૌતિક શાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતોમાં, તેમના સૂત્રાત્મક વર્ણનમાં ચલ તરીકે સમય હોતો જ નથી. તમે જો ક્વૉન્ટમ ગ્રેવિટી(ક્વૉન્ટમ મિકેનિક્સ + જનરલ રીલેટીવીટી) માં કામ કરતા હો તો ડેલ્ટા t તેમાં હોતો જ નથી. કારણકે, તેમાં જેટલા પરિબળો છે, તે બધા પરિવર્તન પામે છે અને એટલે તે બધા જ ઘડિયાળ છે.
પણ, આપણા માટે તો સમય છે, એક સમય રેખા જેવો. આપણી પાસે તો ભૂતકાળ છે- તેની નિશાનીઓ, યાદો સહિત- અને ભવિષ્ય આવવાનું છે, આપણી આકાંક્ષાઓ સહિત.
ન્યુરો સાયન્સમાં થયેલા સંશોધનો કહે છે કે અસલી ટાઈમ મશીન આપણું મગજ છે.
કેવી રીતે?
આપણી આસપાસની ગૂંચવાડાભરી ઘટનાઓમાંથી કેટલીક ઘટનાઓ મગજ નિરંતર ગ્રહણ કરતું રહે છે. આપણે ભૂતકાળની નિશાનીઓ, સ્મૃતિઓ દ્વારા તે ઘટનાઓ સાથે જોડાયેલા રહીએ છીએ અને ધારણાઓ દ્વારા બીજી દિશા- ભવિષ્ય સાથે જોડાઈએ છીએ. આથી, સમય રેખા પર સ્મૃતિ અને ધારણા વચ્ચે મોકળો અવકાશ (સંખ્યા રેખા પર બે સંખ્યા વચ્ચે હોય તેવી) ઊભો થાય છે.
આપણે ભૂતકાળ કે ભવિષ્ય વિશે વિચારીએ છીએ ત્યારે આપણે કાંઈ ભૌતિક ભૂત-ભવિષ્ય વિશે નથી વિચારતા; આપણે ભૂતકાળની યાદો અને ભવિષ્યની ધારણાઓ વિશે વિચારીએ છીએ. એક વખત ખવાઈ ગયેલી કડવી કાકડીનો સ્વાદ આ પળે જીભ પર રમે છે ત્યારે જીભ પર કાકડી કે તેનો સ્વાદ ભૌતિક સ્વરૂપે છે જ નહીં, તેની સ્મૃતિ છે. પ્રેમીકા મને મળવા આવવાની છે તે પળની ધારણા પ્રેમિકાની ભૌતિક અનુપસ્થિતિમાંય મારા કાનની બૂટ લાલ કરી દે છે.
આવામાં, વાસ્તવિકતા કોને કહીશું?
થોડું ફંટાઈને એક-બે રોમાંચક વાતો કરીએ.
આઈન્સ્ટાઈન કહી ગયા કે પદાર્થનું દળ તેની ગતિ પર અસર કરે છે અને આપણે જોયું કે સમય એટલે ફેરફાર એટલે કે ગતિ, તાપમાનને કારણે આવેલો બદલાવ.
તો, જોડિયા ભાઈઓમાં એક જાડો છે અને એક પાતળો, તેમની ઉંમર સરખી ગણવી કે કેમ?
વળી, અવકાશમાં આપણી સ્થિતિ બદલાય તેની પણ સમય પર અસર થાય છે. જેમકે, એક ઘડિયાળને હાથમાં પકડી ઊંચે રાખું, બીજી ઘડિયાળ જમીન પર મૂકું અને જો તે બે ઘડિયાળ સારી ક્વૉલિટીની હશે, તો તે જુદો સમય બતાવશે. આપણે એવી ઍટોમિક ઘડીયાળ બનાવી ચૂક્યા છીએ જેમની ઊંચાઈમાં ૪૦-૫૦ સે.મી.નો ફેર પડે તો તે જુદો સમય બતાવે. આ સંજોગોમાં, જોડિયા બહેનોમાંથી એક ધંધાર્થે વિમાન યાત્રાઓ કરતી હોય અને બીજી ગામમાં જ બેસી પેઢી સંભાળતી હોય તો તે બંનેની ઉંમર સરખી ગણવી કે? આપણું માથું આપણા પગ કરતાં વયવૃદ્ધ ગણવું કે?
જીપીએસ ગોઠવતી વખતે ફિઝીસીસ્ટ્સે કહ્યું કે અવકાશમાં ફરતા ઉપગ્રહ પર મૂકવાની ઘડિયાળ અને પૃથ્વી પરની ઘડિયાળનો સમય તેમજ સંરચના જુદાં રાખવાં પડશે. અવકાશમાંની ઘડિયાળ ધીમી ચાલશે. અમેરિકન સૈન્ય અધિકારી માન્યા નહીં, જીપીએસ ધાર્યું પરિણામ આપી ના શક્યું.
અને એકસરખો સમય બતાવતી ઘડિયાળ થકી સમય સાથે તાલ મિલાવનારા આપણે જ્યારે 'અત્યારે' કહીએ છીએ ત્યારે? ધારોકે, તમે અને હું સામસામે બેસી વાત કરી રહ્યા છીએ; હું કહું છું, 'અત્યારે…' , તમે મારો 'અત્યારે' તમારા 'અત્યારે 'તરીકે સ્વીકારી લો છો; પણ આપણે જાણીએ છીએ કે પ્રકાશ ચોક્કસ ઝડપે ગતિ કરે છે. એટલે કે, પ્રકાશના એક કિરણને અમુક અંતર કાપતાં અમુક સમય લાગે. એટલે કે, તમારા ચહેરા પરથી આવતા પ્રકાશ કિરણને મારી આંખ સુધી પહોંચવામાં કેટલીક નૅનો સૅકન્ડ થશે. એટલેકે, હું તમને અને તમે મને અમૂક નૅનો સૅકન્ડ જૂના જોઈએ છીએ, એટલે કે તમારો અને મારો 'અત્યારે' એક નથી.
ધારોકે, તમે ગુરુ પર છો. તો તમને હું ચાર કલાક જૂનો દેખાઈશ. પણ, તમે મને ચાહો છો એટલે તમે કોઈ ટૅકનોલૉજીની મદદથી ગુરુના સમય કરતાં ચાર કલાક ભવિષ્યમાં રહો છો જેથી મને તમે મારા 'અત્યારે'માં દેખાવ. પણ, તે સંજોગોમાંય તમને જોનાર હું તો મારા ભવિષ્યમાં પહોંચી ગયો.
અને ધારો કે તમે બીજી આકાશગંગામાં છો, તો?
ગૂંચવાડાભર્યું છે ને! આઈન્સ્ટાઈન તમારી સાથે સહમત થતાં હતા. તેમના મતે 'સ્ટાન્ડર્ડ ટાઈમ' શક્ય નથી.
તો પછી, આપણે આપણી ઘડિયાળો ફગાવી દેવી?
ના.
કારણકે, આપણે એક એવા પરપોટામાં છીએ જેમાં એકંદરે સમય એકસરખો રહે છે. વળી, ઘડિયાળો આપણા દુન્વયી જીવનને જીવવામાં કામ પણ લાગે છે.
પેલો પરપોટો કયો?
આપણું મગજ સેકન્ડના દસમા ભાગના સમયને સમજી શકે છે; સંગીતકારનું મગજ એથીય ટૂંકા ગાળાને સમજવા સક્ષમ હોય છે. સેકન્ડના દસમા ભાગ જેટલા સમયના માપને ત્રિજ્યા ગણી તેનું વર્તુળ દોરીએ તો જે પરપોટો બને તે આપણી પૃથ્વી કરતાં ઘણો મોટો થાય; કારણકે સેકન્ડના દસમા ભાગ જેટલી પ્રકાશ લંબાઈ ઘણું મોટું માપ થાય. { ( 29 979 2458 m/s)/10= 29 979 245.8 m= 29979.246 km; પૃથ્વીની ત્રિજ્યા 6371km}
આટલા પરપોટાના સમયને સ્થાનિક સમય કહી શકાય અને એકંદરે તે એકસરખો છે તેમ માની લેવાય.
જોકે, ભવિષ્યમાં આપણે સ્પેસ ટ્રાવેલ કરીશું ત્યારે પાછું આપણે ઘડિયાળ ગોઠવવું પડશે.
તો પછી આપણને, ન્યુટનની જેમ સમય એકધારો, કાંટાવાળી ઘડિયાળ બતાવે તેવો કેમ લાગે છે?
સમયનો ક્વૉન્ટમ એટલો નાનો* છે (10-44 ) કે તેના બે બિંદુ આપણે જુદા પાડી શકતા નથી અને એટલે તે આપણને સળંગ પ્રવાહ જેવો લાગે છે.
વળી, આપણે એકબીજાની સરખામણીમાં તિવ્ર ગતિ કરતા નથી. એટલે આપણે પ્રકાશની સૂક્ષ્મ આવનજાવન ગણકારતા નથી ( આપણો 'અત્યારે' એક માનીએ છીએ.) અને એટલે આપણે સમયને નિશ્ચિત માપનો ગણવાને બદલે અમાપ, નિ:સીમ, સળંગ માની બેસીએ છીએ.
વળી, પૃથ્વી પર ગુરૂત્વાકર્ષણ (સરખામણીમાં) અત્યંત નબળું છે. તેથી આપણે ત્યાં આઈન્સ્ટાઈનનો સ્પેસ-ટાઈમ સીધી રેખામાં છે, ચઢ-ઉતર(શૃંગ-ગર્ત) નથી. તેમજ, આપણે એક પરપોટામાં છીએ, એટલે આપણે એક સમય વિશે વાત કરી શકીએ છીએ.
આપણે આપણા પરપોટામાં 'અત્યારે' કહી શકીએ. બ્રહ્માંડની ઘટનાઓમાં કેટલીક ઉષ્મીય સમાનતા હોય છે, પણ તેમનામાં ના તો કોઈ ક્રમિકતા(પહેલાં-પછી) હોય છે, ના તો કોઈ સામાન્ય 'અત્યારે'.
બ્રહ્માંડના સ્તરે કોઈ 'અત્યારે' નથી.
ગાણિતીક સંકલ્પનાઓમાં અત્યારે કે પહેલાં-પછી નથી.
પાછા જઈએ મૂળ વાત પર, "વાસ્તવિકતા એટલે શું?"
ફિલોસૉફર્સ આ જ પ્રશ્ન પર સદીઓથી ચિંતન-મનન કરતા આવ્યા છે.
વાસ્તવિક સમય એટલે શું? હું બાળપણથી જે કાંઈ ભણ્યો, રાજાએ વિશે, ફિઝિકસ વિશે તે બધું મારા મગજમાં સ્મૃતિ રૂપે સચવાયેલું છે. તે બધું અત્યારે પણ મારી પાસે છે. તેમને વાસ્તવિક ગણવું કે?
અવકાશ, સ્થળ વગેરે ભૌતિક બાબતો વગર આપણે વાસ્તવિકતા વિશે વિચારી શકીએ છીએ. પણ, સમય વગર તેનો વિચાર કરવો મુશ્કેલ છે. આપણને ખબર જ નથી કે સમય વગર વાસ્તવિકતા વિશે વિચારવું કઈ રીતે શરું કરવું. એવું નથી કે સમય વગર વાસ્તવિકતાનો વિચાર કરી શકાતો નથી. ( ક્વૉન્ટમ ગ્રેવિટીમાં સમય ચલ નથી.) આપણે સમય વગર વાસ્તવિકતા વિચારી શકતા નથી.
આપણે સમયનું પસાર થવું, સમયનો પ્રવાહ મહેસુસ કરીએ છીએ આપણા મગજને કારણે. ઍન્ટ્રોપીના સરંજામ એવી ક્રિયાઓ અને તેની અસરનો ઉપયોગ આપણું મગજ સ્મૃતિઓ બનાવવામાં અને તે પરથી ગણતરી માંડીને ભવિષ્ય અને ભવિષ્યની ધારણા કરવા કરે છે.
આપણે, આપણું મગજ ભૂતકાળની વાર્તા કહેનારા અને ભવિષ્ય માટે કાંઈક યોજના ઘડનારા મશીન તરીકે ઉત્ક્રાંત થયાં છે. છલકતી પ્રેરણાઓ, ભૂખ, તરસ, મહેચ્છાઓ, જિજ્ઞાસા, પ્રેમ, નફરત… તાર્કિક અસ્તિત્વ બનતાં પહેલાં આપણે એ બધું છીએ. આ વૃત્તિઓ જ આપણને ટકી જવા અને જીવનમાં આગળ વધવાનું જોમ પુરું પાડે છે, કારણકે ઉત્ક્રાંતિ ઈચ્છે છે કે આપણે એવા બનીએ.
ભવિષ્ય ઊઘડતું હોય ત્યારે આપણે જે બાબતો ઈચ્છીએ છીએ તે સમય લાવી આપે છે. વળી, તે આપણને ઘણું છોડવાની ફરજ પાડે છે. આથી, સમય લાગણીથી રંગાયેલો છે. સમય લાગણી નિરપેક્ષ નથી
ભૂતકાળમાં ઍન્ટ્રોપી નહિવત્ હતી તેનો અર્થ એમ નથી કે બ્રહ્માંડ સુવ્યવસ્થિત હતું. એ તો આપણે એક ભૌતિક તંત્ર તરીકે, આપણા વિશિષ્ટ દ્રષ્ટિકોણથી બ્રહ્માંડને એ રીતે જોઈએ છીએ, તેની સાથે એવી રીતે આંતરક્રિયા કરીએ છીએ (કે આપણને ભૂતકાળ પ્રમાણમાં વ્યવસ્થિત લાગે છે).
ધારો કે તમારા હાથમાં પત્તાં છે. તમે તે જોયાં અને તેની ગોઠવણ યાદ રાખી. હવે તે પત્તાં ચીપી દઈએ તો પેલી ગોઠવણ રહેતી નથી. પણ, તમે જે યાદ રાખેલી તે ગોઠવણ તમારા માટે ખાસ છે. કેમકે, તે તમે નક્કી કરેલી.
ટૂંકમાં, આપણે બ્રહ્માંડના એવા અંશ છીએ જે બ્રહ્માંડ સાથે એ રીતે આંતરક્રિયા કરે છે કે ભૂતકાળ આપણને વ્યવસ્થિત ગોઠવાયેલો લાગે છે.
વ્યવસ્થા જોનારની આંખમાં છે, વસ્તુમાં (અને સ્થિતિ માં) તે નિહિત નથી. (લાલ-લીલા દડા)
અહીં બ્રહ્માંડ ખાસ નથી, બ્રહ્માંડના અંશો, આપણે ખાસ છીએ. મને લાગે છે કે ભૂત-ભવિષ્યને છૂટાં પાડનાર એક તત્ત્વ આ હોઈ શકે છે.
હું, મારા કેટલાક સાથી ફિઝીસીસ્ટ અને કેટલાક દાર્શનિક એવા તારણ પર પહોંચ્યા છીએ કે સમય પસાર થવાની, સમય વહ્યાની આપણને જે સ્પષ્ટ અનુભૂતિ છે તેનું કારણ ક્વૉન્ટમ ગ્રેવીટી, જનરલ રીલેટીવીટી, ક્વૉન્ટમ મિકેનીક્સ, થર્મોડાયનેમિક્સમાં નહીં પણ જે રીતે, આપણું મગજ કામ કરે છે તેમાં રહેલું છે.
સમયને જાણવા બ્રહ્માંડના ઉષ્મિય બંધારણ કરતાં આપણા મગજને જોવું વધારે જરૂરી છે.
બુદ્ધિઝમ મુજબ, ૧) જીવન દુઃખમય છે અને ૨) આપણે અનિત્યને સંભાળી,સમજી શકતા નથી એટલે દુઃખી થઈએ છીએ. દુઃખનું મૂળ સમય વિશેની આપણી સમજમાં રહેલું છે.
સમયનું આ લાગણીભીનું પાસું ઝાકળનું એવું આવરણ છે જે આપણને સમયનો અસલ સ્વભાવ જોવા દેતું નથી. આપણે પોતાને ગૂંચવી રહ્યા છીએ કારણકે, આ લાગણી મઢ્યો સમય જ આપણા માટે સમય છે.
આપણા માટે સમય એટલે જગતની ઘટનાઓ સાથેનું આપણું લાગણીભર્યું જોડાણ, જે પસાર થઈ જાય છે, વહી જાય છે, જે આપણે ગુમાવીએ છીએ, જે ગુમાવવાની ધારણા આપણને સતાવે છે. સમયને આપણે આમ સંવેદીએ છીએ.
આપણા માટે સમય એક પરિમાણીય બિંદુ નથી; થર્મોડાયનેમિક્સ, દુનિયા સાથેનો આપણો ખાસ સંબંધ, ભવિષ્ય માટેની આપણી ધારણાઓ, લાગણીઓથી સિંચાયેલું આપણું મગજ અને આ બધા સ્તરોની સાગમટી સંકુલ સ્થિતિને આપણે સમય તરીકે અનુભવીએ છીએ. આપણી બહાર, મગજને ગણતરીમાં લીધા વગર બ્રહ્માંડની ભૌતિકીના અભ્યાસમાં જેમ આગળ વધતા જઈએ, સમય સંબંધી મુદ્દા ખરતા જાય છે, ઉષ્ણતામાન નબળું પડતું જાય છે, સમયની સમજમાં કશી ચૂક રહી જાય છે.
સમય વિશેની લાગણી એ આપણા માટે સમય છે.
_કાર્લો રોવેલી (ફિઝીસિસ્ટ, 'ઑર્ડર ઓફ ટાઈમ'ના લેખક)
*ન્યુટનના ગુરુત્વાકર્ષણ g, પ્લાનકના અચળાક h અને પ્રકાશની ઝડપ c પરથી સમયનું સાર્થક લઘુત્તમ મૂલ્ય નક્કી કરવામાં આવ્યું છે. તેના વધુ નાના ટૂકડા શક્ય નથી, જેમ મૂળભૂત પરમાણુના ટૂકડા શક્ય નથી.