તે સાત ગ્રહો સૂર્ય ફરતેના બુધની જેમ તેના તારાની નજીક છે.
હઉમીયા એ હોકુ તારાના જીવનક્ષમ પ્રદેશના પાદરે છે. ત્યાં દેખાતી લીલી ઝાંય આકર્ષક છે. પણ, તે કાંઈ જંગલનું ઉપલું સ્તર નથી.
પેલો લીલો રંગ મીથેન અને ઍમોનિયાના કારણે છે.
43452288 કિલોમીટર આઘેથી હોકુ તેના ગ્રહને હૂંફાળો રાખી શકતો નથી.
હોકુના જીવનક્ષમ પ્રદેશમાં ટૅનગારોઆ ગ્રહ આવેલો છે, જ્યાં આપણી પ્રજાતિની નવીનતમ કથા ભજવાઈ રહી છે.
આ જીવનહીન દુનિયાને પૃથ્વી જેવી બનાવવામાં માણસજાતને કેટલાક સો વર્ષ થયાં. અને હવે તો હવા પણ ઘર જેવી મીઠી છે.
પણ, આ તો ઈન્ડોનેશિયા છે.
આકાશગંગામાં આપણી શરૂઆતના રઝળપાટ વખતના પહેલા વહેલા સ્ટોપેજમાંનું એક. આવા તો ઘણા ટાપુ આવવાના રસ્તામાં. આપણા આ ભવિષ્યના સ્વપ્નમાં, પ્રકાશ કરતાં ઝડપી વાહન સાથે...
એક સમય એવો આવશે જ્યારે આપણે કૉસ્મિક ટૅલિસ્કોપને એટલે દૂર તકાવી શકીશું કે અજાણ્યા દરીયા લાંઘવા નીકળેલા આપણા ગુમનામ પૂર્વજોને આંખ સામે જોઈ શકાય.
આપણે અવકાશમાં આઘે ને આઘે જવાના?દુનિયાઓ ખળભળાવી, ગ્રહો વસાવી, પાડોશી સૂર્ય મંડળ પર ફેલાતા જઈ?
આપણે, જે પોતાના ઘરે વ્યવસ્થા સ્થાપી શક્યા નથી, દુશ્મનાવટ અને નફરતનો તોડ કાઢી શક્યા નથી, તે? જેણે પ્રકૃતિનો ઘાણ વાળ્યો છે, જે ચીઢ અને મૂઢતાને વશ થઈ એકબીજાને કતલ કરે છે, તે?
ઉપરાંત, બ્રહ્માંડનું નિર્માણ તેના માટે થયું છે એમ હજી હમણાં સુધી માનતી, ખતરનાક હેતુથી દોરવાયેલી પ્રજાતિ?
હું નથી માનતો કે 'આપણે' ફક્ત એવા જ છીએ.
હાલના રિવાજો અને સામાજિક ઝૂકાવ સાથે, ત્યાં અવકાશમાં જશે કોણ?
આપણે જો તાકાત ભેગી કરતા રહીશું, ડહાપણ નહીં, તો આપણું આત્મનિકંદન અવશ્યંભાવી છે.
દૂરના ભવિષ્ય સુધી આપણું અસ્તિત્વ ટકાવવાની શરત એ છે કે આપણે પોતાને, આપણી સંસ્થાઓને બદલવી પડે.
સુદૂર ભવિષ્યના મનુષ્ય વિશે અનુમાન લગાવનારો હું કોણ?
મને લાગે છે, તે ફક્ત પ્રાકૃતિક પસંદગીનો મામલો છે.
આપણે જો જરાક વધારે હિંસક, ટૂંકી દૃષ્ટિના, અણસમજુ, સ્વાર્થી બનીએ તો બેશક, આપણું કોઈ ભવિષ્ય નથી.
તમે અત્યારે યુવાન હો તો શક્ય છે કે તમારા જીવનકાળમાં આપણે પૃથ્વી નજીકના ઍસ્ટ્રોઈડ્સ અને મંગળ પર પહોંચીએ.
નજીકના ગ્રહ પર પહોંચતા સુધીમાં આપણે ઘણા બદલાઈ ગયા હોઈશું. બદલાતી પેઢીઓનો સાદો ક્રમ આપણને બદલી નાખશે. બદલાયેલી પરિસ્થિતિઓ આપણને બદલશે.
આપણે છીએ આખરે અનુકુલન સાધનાર પ્રજાતિ.
આલ્ફા સૅન્ચ્યુરી અને નજીકના તારાઓ સુધી પહોંચનારા આજના આપણે નહીં હોઈએ. તે પ્રજા આપણા જેવી હશે, પણ તેનામાં આપણી કમજોરીઓ ધોવાઈ હશે, આપણી શક્તિ ઘૂંટાઈ હશે.
એવી પરિસ્થિતિને શરણે જનારી પ્રજાતિ, જેના માટે મૂળે તે ઉત્ક્રાંત થયેલી.
વધુ આત્મવિશ્વાસુ, વધુ દૂરદર્શી, વધુ શક્તિશાળી અને વિવેકી.
બ્રહ્માંડમાં જેમને આપણે આપણા પ્રતિનિધિ તરીકે મૂકવા ઈચ્છીએ છીએ, તે આપણે જાણીએ છીએ ત્યાં સુધી વધુ પ્રૌઢ, વધુ તાકાતવાન અને ઘણા જુદા છે.
તારાઓ વચ્ચેનું અંતર કોઈ સારી તક જેવું છે.
જીવ અને જગત બીજા જીવજગતોથી ક્વૉરેન્ટાઈન્ડ છે.
આ આભડછેટ તેમના માટે છૂટશે જેઓ પાસે તારાઓ વચ્ચે સુરક્ષિત યાત્રા કરવા પુરતું આત્મજ્ઞાન અને નિર્ણય શક્તિ હશે.
આપણા સૂર્ય મંડળ અને તેની પારની દુનિયાઓમાં સુરક્ષિત રીતે નિશાન દાગી ચૂકેલા આપણા સંતાન પોતાની સમાન સંસ્કૃતિ, ધરતી માટેના તેમના આદર અને એ જ્ઞાન -કે બ્રહ્માંડમાં ભલે વિવિધ પ્રકારના જીવ હોય, માણસ જાત તો પૃથ્વી પરથી જ વ્યાપી હતી- વડે એકાત્મતા અનુભવશે.
माता भूमि पुत्रोहं पृथिव्या।
ધરતી માતા છે, હું પૃથ્વીનો પુત્ર છું.
यस्यां पूर्वे पूर्वजना विचक्रिरे यस्यां देवा असुरानभ्यवर्तयन् ।गवामश्वानां वयसश्च विष्ठा भगं वर्चः पृथिवी नो दधातु ॥४॥(અથર્વવેદ)
(જ્યાં આપણા પૂર્વજોએ વિચરણ કર્યું, જ્યાં તામસિક શક્તિઓને સાત્વિક શક્તિઓએ જીતી, જ્યાં બીજા જીવ જંતુ વૃદ્ધિ પામ્યા, તેવી પૃથ્વી અમને સમૃદ્ધિ અને ઐશ્વર્ય આપો.)
લેખાંક ૭: https://interact-6aya.blogspot.com/2020/12/blog-post_27.html
No comments:
Post a Comment