28.3.21

પ.૩ (૨૦) : બ્રહ્માંડિય દિમાગના આંતરિક જોડાણો

મગજની ભાષા જનીન પર છપાતી નથી કારણકે જીવનનું શબ્દ ભંડોળ પાંખું છે.
મગજને એવી ભાષા જોઈએ જેના શબ્દ ભંડોળમાં ૧૦,૦૦૦ ઘણા શબ્દો હોય.
માનવ મગજની માહિતીને બીટ્સમાં ગણીએ તો ન્યુરોન્સના તમામ જોડાણ સાથે તેની સરખામણી થઈ શકે...લગભગ હજાર લાખ કરોડ બીટ્સ. 
માનવ મગજની બધી વિગતોને જો લખાણ સ્વરૂપે મૂકવામાં આવે તો વિશ્વના સૌથી મોટા પુસ્તકાલયોમાંના પુસ્તકો કરતાંય વધારે સંખ્યા થાય. તમારા મગજમાં ૪૦૦ કરોડ પુસ્તકો છે.

મગજ ખુબ નાની જગ્યામાં સંકોરાયેલો વિશાળ મહાલય છે.
પેલી દરિયાઈ માઈક્રોબીઅલ્સ સાદડીએ જેની શરૂઆત કરી તેવા ન્યુરોન્સમાં તે લખાયું છે.
એક મિલીમિટરના હજારમાં ભાગ જેવડા ન્યુરોન્સ ઈલેક્ટ્રોકૅમિકલ કળ/ચાવી છે. આપણા દરેકમાં 8600 કરોડ ન્યુરોન્સ છે, આપણી આકાશગંગામાં આવેલા તારાની સંખ્યા જેટલા લગભગ.
ન્યુરોન્સ અને તેના ભાગ, ઍક્સોન્સ, સિનેપ્સીસ અનેે તેમને સમાવતા  કોષ મળીને મગજમાં એક નેટવર્ક રચે છે. ઘણા ન્યુરોન્સને તેમના પાડોશી સાથે હજારો સંપર્ક સૂત્ર હોય છે. ડૅન્ડરાઈટ્સ, બીજા ન્યુરોન્સ સાથે જોડાવા ન્યુરોન્સે રચેલા પરિપથ, આ નર્વ કોષને સીનેપ્સીસ સુધી લંબાવે છે અને એમ કરતાં સભાનતાની વિશાળ ગૂંથણી રચાય છે.

મગજની ન્યુરોકૅમેસ્ટ્રી આશ્ચર્યજનક હદે વ્યસ્ત રહેતી હોય છે, માણસે બનાવેલા કોઈ પણ મશીન કરતાં ઘણું ઘણું વધારે. પેલા ૧૦,૦૦૦ લાખ ન્યુરોન જોડાણને કારણે મગજ કાર્યરત છે અને જેના કારણે તમે તમે છો. પ્રેમ અને અહોભાવ જેવી તમારી ઊંડી લાગણીઓ, જ્યારે તમને કુદરતના વૈભવની અને સભાનતાના બંધારણની બારીકાઈની ઝાંખી થાય છે...તે બધું પેલા જોડાણને કારણે છે.

પ્રાકટ્યનો અર્ક આ છે : પદાર્થના સૂક્ષ્મતમ કણ સામુહિક કામ કરીને પોતે જે છે તેના કરતાં અનેકગણી મહાન અભિવ્યક્તિ પામે છે, બ્રહ્માંડ પોતાને જાણી શકે તે માટે.
પ્રાકટ્ય અંગે એક દર્શન પણ છે, જે આથી પણ ઉચ્ચ છે.
શું આપણે બ્રહ્માંડને જાણીએ શકીશું?
અને શું તે આપણને જાણી શકશે?
આ બધી આકાશ ગંગાઓ, સૂર્ય મંડળો, અસંખ્ય ગ્રહો, ચંદ્રો, ધૂમકેતુઓ, વ્યક્તિઓ અને તેમના અરમાન...જે કાંઈ હતું, છે કે હોવાનું છે તે?
શું આપણે બ્રહ્માંડને જાણી શકીશું?

મને શંકા છે કે આપણે મીઠાના એક કણને પણ જાણીએ છીએ કે કેમ.
રસોડામાં વપરાતા મીઠાનો એક માઈક્રોગ્રામ, સારામાં સારી દ્રષ્ટિવાળી વ્યક્તિ પણ માઈક્રોસ્કોપ વગર જોઈ ના શકે... તે એક કણમાં સોડિયમ અને ક્લોરિનના દસની સોળ ઘાત જેટલા અણુ હોય છે.
તેનો અર્થ શું થયો?
તેનો અર્થ એમ થાય કે મીઠાના પ્રત્યેક કણમાં એક હજાર લાખ કરોડ અણુ છે. મીઠાના કણને બરાબર સમજવો હોય તો ઓછામાં ઓછું તે દરેક અણુનું ત્રિપરિમાણીય સ્થાન સમજવું પડે.
હકીકતમાં, બીજું ઘણું જાણવા જેવું છે... દાખલા તરીકે,અણુઓ વચ્ચેના બળોના ગુણધર્મ.
પણ, તે ફરી ક્યારેક.

મગજ કેટલું જાણી શકે?
ગણતરી કરીએ તો, બદધે બધા ન્યુરોન્સ, તેમના ડેન્ડ્રાઈટ્સ, ઍક્સોન્સ, સીનેપ્સીસ સાથે... આપણે સો લાખ કરોડ બાબતો જાણી શકીએ.
પણ, તે તો મીઠાના કણમાંના પરમાણુઓનો એક ટકા થયું!
એટલે કે, બ્રહ્માંડ પ્રચંડ છે, જ્ઞાન પ્રાપ્તિના માનવ ઉપક્રમ માટે અનેક અનેકગણું ગહન. આ તબક્કે તો આપણે મીઠાના એક કણને બરાબર જાણતા નથી, બ્રહ્માંડ તો દૂરની વાત છે.

પણ, ચાલો આપણા મીઠાના એક માઈક્રોગ્રામ કણને વધુ નજીકથી જોઈએ.
મીઠું એક સ્ફટિક છે. તેની જાળીદાર રચનામાંની કેટલીક ખામીઓ અવગણીએ તો, સોડિયમ અને ક્લોરિનના પ્રત્યેક પરમાણુનું સ્થાન પૂર્વ નિર્ધારિત છે. આપણે જો વામન બની તે સ્ફટિકમય દુનિયામાં ઉતરીએ તો આપણને જાળીદાર રચનાઓના પડ પર પડ જોવા મળશે... સોડિયમ, ક્લોરિન, સોડિયમ...
મીઠાના એક કણના પ્રત્યેક પરમાણુનું સ્થાન દસ બીટ્સ જેટલી માહિતી છે. આટલી માહિતી મગજ માટે ભારરૂપ નથી. મગજ પાસે હજી ઘણી જગ્યા વધે છે.

હવે, એવા બ્રહ્માંડની કલ્પના કરો જે એવા પ્રાકૃતિક નિયમોની નિયમિતતાથી સંચાલિત છે જે રીતે મીઠાનો પેલો કણ અસ્તિત્વમાં છે. તો...
બ્રહ્માંડ જાણી શકાય છે.
ભલે તેના નિયમ અતિ સંકુલ હોય, આપણી પાસે તે જાણવાની તક છે ખરી.
બ્રહ્માંડની વાસ્તવિકતા આપણા મગજની માહિતી ક્ષમતા કરતાં વધારે હોય તો પણ.
આપણે શરીરની માયા છોડી વધારાની માહિતી સાચવવા કમ્પ્યુટર બનાવી શક્યા છીએ.
અને એમ, અમુક હદે આપણે બ્રહ્માંડને જાણી શક્યા છીએ.

હવે, એવા બ્રહ્માંડની કલ્પના કરો જેને કોઈ નિયમ નથી અને જે સંપૂર્ણ પણે આપણી ધારણા બહાર વર્તે છે. તેવા બ્રહ્માંડમાં લગભગ દસથી માંડીને એંસી સુધીના મૂળભૂત તત્ત્વ હોઈ શકે. આવા બ્રહ્માંડના રહેવાસીની દિનચર્યા કોઈ નિયમિતતા વગરની અણધારી ઘટનાઓનો શંભુમેળો- ગોટાળો હશે. અને જો આવા રહેવાસીઓ હશે તો તેઓ ભારે જોખમમાં હોવાના. 

આપણે નસીબદાર છીએ કે આપણને એવું બ્રહ્માંડ મળ્યું છે જેના અગત્યના હિસ્સા જાણી શકાય તેવા છે.
બ્રહ્માંડ એ લોકોનું છે જેઓ છેવટે કંઈક અંશે તેને ઓળખી શક્યા છે.
કુદરતમાં એવા કેટલાક નિયમ, વ્યવસ્થા તારવી શકાયા છે- ફક્ત ગુણાત્મક નહીં, સંખ્યાત્મક રીતે પણ, તે જાણવું રોમાંચક છે.
પણ, આપણી અંદરના બ્રહ્માંડનું શું?
તે અજાણ એકલવાયા દરિયાનું?

તમારા દિમાગમાં, સેરેબલ કૉર્ટેક્સમાં સો લાખ કરોડ- ૧,૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦૦- જોડાણ છે. દ્રશ્ય બ્રહ્માંડની આકાશગંગાઓના સો ગણા. હજી તો આપણે તેમાં યાત્રા શરૂ કરી છે.

જેમ જીવ વિજ્ઞાનીઓ માનવ જનીનનો નકશો બનાવી શક્યા તેમ ન્યુરોસાયન્ટિસ્ટ્સ આપણા દરેક માટે આગવો, ખાસ નકશો બનાવવામાં લાગેલા છે.
તેને કનેક્ટોમ કહે છે.

આપણે જો સાચે જ બીજી વ્યક્તિના કનેક્ટોમને- તેની તમામ સ્મૃતિ, વિચાર, ડર, ખ્વાબ... ના એકતારીય ચિત્રને- જાણીએ તો...

આપણે એકબીજા સાથે કેવું વર્તન કરીશું?
શું આપણે કોઈ જીઓવાન્નીના દિમાગને તેની અગણિત તકલીફોમાંથી મુક્ત કરી શકીશું?
શું આપણે આપણા એક કનેક્ટોમને આ઼તરતારકિય ખોજ માટે ભવિષ્યમાં મોકલીશું, કે પછી તેવા કનેક્ટોમનું સ્વાગત કરીશું?

શું તે જ અંતિમ પ્રાકટ્ય હશે- વિચાર અને સપનાંથી સંકળાયેલું બ્રહ્માંડ?

અંક ૧૯: 
https://interact-6aya.blogspot.com/2021/03/blog-post_21.html

21.3.21

પ.૩ (૧૯) : બ્રહ્માંડિય દિમાગના આંતરિક જોડાણો

મોસેનુ઼ં કામ આગળ લઈ જઈ હાન્સ બેર્જર બતાવવા માંગતો હતો કે મનની શક્તિઓ વાસ્તવિક છે.
તેની શરૂઆત એક વિચિત્ર અકસ્માતથી થઈ.
હાન્સ બેર્જરનું સપનું હતું ખગોળ વિજ્ઞાની બનવાનું. પણ, તે ઘણું અઘરું હતું. તેથી ૧૯૮૨માં તે જર્મન સેનામાં ભરતી થઈ ગયો. એક વખત મોતના મોંમાંથી બચી જતાં બેર્જર હચમચી ગયો. પણ તેથીય ભારે ખળભળાટ તો રાત્રે થયો...તેના પિતા- જેમનું વલણ ટાઢુંબોળ રહેતું અને જેમણે અગાઉ ક્યારેય તેને સંદેશો નહોંતો મોકલાવ્યો- તરફથી ટેલીગ્રામ આવ્યો હતો. બેર્જરની મોટી બહેન એવી આશંકાથી છળી મરી રહેલી કે તેના નાનકા ભાઈ સાથે કશુંક ભયાવહ થયું છે.
'એ શું શક્ય છે...' બેર્જરને નવાઈ લાગી 'કે જે ક્ષણે પોતે મોતના મુખમાં હતો, પરિવારમાં પોતે જેની સૌથી નજીક હતો તેવી બહેનને પોતાના મગજે  કોઈ ટૅલીપથીક સંદેશો મોકલ્યો હોય?'

બેર્જર દાક્તર બન્યો અને જેના વિશ્વ વિદ્યાલયમાં પ્રોફેસર પણ.
દિવસ દરમિયાન તે વિદ્યાર્થીઓ અને સાથીદારો સાથે કામ કરતો- જેમને લાગતું કે બેર્જર વધારે પડતો ફોર્મલ અને વૈજ્ઞાનિક સાહસ વિનાનો છે. પણ રાત્રે તે એક ખાનગી પ્રયોગશાળામાં જતો જ્યાં તે મગજની પ્રવૃત્તિઓ બાબતે પ્રયોગો કરતો.
બેર્જર માનતો કે મનની શક્તિઓ વાસ્તવિક છે તેમ સાબિત કરવાની આ શ્રેષ્ઠ તક છે. તેને ડર હતો કે તેના સંશોધનનો સાચો હેતુ જાહેર થશે તો લોકો તેના પર હસશે.
તેણે વીસ વર્ષ સુધી આ વાત સંતાડી રાખી. 

બેર્જરે બનાવેલા ઈલેક્ટ્રોઍન્સેફલોગ્રાફ વડે મગજના સંદેશાના તરંગ પકડી શકાય છે અને ઘણા માનસિક રોગ- ખેંચ સહિત-નું નિદાન કરી શકાય છે.
માનસિક શક્તિ અથવા ટૅલીપથીક સંવાદની કોઈ સાબિતી તેને ક્યારેય મળી નહીં.
બેર્જર ઘેરી હતાશામાં સરી પડ્યો અને ૧૯૪૧માં તેણે પોતાની ખાનગી પ્રયોગશાળામાં ગળેફાંસો ખાઈ લીધો.
EEG આજેય વપરાય છે, જો કે, બેર્જરના સાધન કરતાં અનેક ઘણી વધારે ચોકસાઈથી મગજની પ્રવૃત્તિઓ જોવાના, નોંધવાના વિકલ્પો હવે આપણી પાસે છે. આપણે હવે વિચારોની ઈલેક્ટ્રોકેમિકલ ભાષા ઉકેલી શકીએ છીએ.

ઍન્જેલો મોસોએ જીઓવાન્નીના સપનાના ઇલેક્ટ્રિક તરંગ નોંધ્યા તેના બરાબર સો વર્ષ પછી, નવીસવી પ્રેમમાં પડેલી સ્ત્રીના મગજના તરંગ વોયેજર નામક આંતર તારકિય યાન સાથે મોકલવાના સંદેશાઓમાં શામેલ કરવામાં આવ્યા, આકાશગંગામાં અબજો વર્ષની યાત્રાએ.

ઘોડાગાડીથી આંતર તારકિય યાન સુધીની યાત્રા- માત્ર સો વર્ષમાં.

ટેલિગ્રામથી શરું કરીને પ્રકાશની ઝડપે આપણા વિચારો બીજા સુધી પહોંચાડવા, આપણી ઊંડી લાગણીઓ ભવિષ્યમાં પહોંચાડવી...
આપણે આવો હનુમાન કુદકો કંઈ રીતે લગાવી શક્યા?
અને શા માટે આપણે જ- પૃથ્વી પર ધબકેલા, ધબકતા અગણિત જીવોમાંથી?
આફ્રિકાના સવાનામાંથી નીકળેલા પ્રાઈમેટ્સના વંશજોએ મંગળ ગ્રહના લાલ રણમાં રોબોટિક જાસૂસો મોકલ્યા છે, પૃથ્વી ફરતે કુત્રિમ ઉપગ્રહોની હારમાળા રચી દીધી છે. આપણું એક યાન, વૉયેજર વન, સૂર્યના ગુરુત્વાકર્ષણથી છટકીને આંતર તારકિય અવકાશના ઊંડાણમાં જઈ રહ્યું છે.

અને, આ બધી જ શોધયાત્રાઓની શરુઆત થઈ છે મગજમાં.
આપણી રહસ્યમયી પ્રાપ્તિઓ જેના થકી શક્ય બની છે તે જ આપણને કેમ સમજાતું નથી?
માન્યામાં ના આવે પણ આપણું મગજ એ જ તત્વોનું બનેલું છે જેનાથી આપણું પેટ કે પગ બનેલા છે.

સભાનતા પ્રકૃતિ પારની જણાય છે.
ઓળખ, આશ્ચર્ય, શંકા, કલ્પના, પ્રેમ...

આવર્ત કોષ્ટક પરથી આપણે શ્રેષ્ઠતાનું સંકલન કઈ રીતે થાય?

ચીલી અને પેરુના દરિયાઈ પટ્ટીમાં એક સાગરને તળીયે જઈ જોઈએ. અહીં પૃથ્વી પરનું કદાચ સૌથી મોટું જૈવિક તંત્ર છે. તે છે માઈક્રોબ્સની વસાહત, ગ્રીસ જેટલા વિસ્તારમાં. પણ, તેના કદ કરતાંય બીજી એક જબરજસ્ત બાબત છે તેમાં : આ વસાહતના પૂર્વજો દર્શાવે છે મગજના ઘડતરનો પ્રાથમિક તબક્કો.
આ વસાહતના કેન્દ્રમાં રહેતા માઈક્રોબ્સ ભૂખ્યા થાય ત્યારે તેઓ વસાહતની સરહદો પર રહેતા નાગરિક-માઈક્રોબ્સને ઈલેક્ટ્રોકૅમિકલ સંદેશા મોકલે છે. આ સંદેશા આયોન ચૅનલ નામે ઓળખાતા રસ્તે જાય છે. જાણે કે સ્પાર્ટાથી મોકલાયેલો સંદેશો પોટેશિયમના કેસરીયા તરંગ તરીકે ઍથેન્સ પહોંચે : બધું ઝાપટી ના જશો!

જવાબમાં વસાહતના સીમાડાના માઈક્રોબ્સ પોષક તત્ત્વોની પોતાની ખપત ઘટાડે.

શક્ય છે કે આ માઈક્રોબ્સના પૂર્વજોએ આ વિશીષ્ટ પ્રકારના સંદેશાવ્યવહાર માટે ન્યુરોન/ ચેતા કોષ ઉત્ક્રાંત કર્યા હોય.

પ્રાણી સૃષ્ટિના લગભગ તમામ જીવોમાં  ન્યુરોન/ ચેતા કોષ ચેતાતંત્રનો પ્રાથમિક એકમ છે. એક પ્રજાતિથી બીજી પ્રજાતિના ચેતા કોષોમાં લગભગ નહીંવત્ તફાવત જોવા મળે છે. પણ, તેમની સંખ્યામાં તે ફેરફાર નોંધપાત્ર રીતે મોટો છે.
હાલ એવું મનાય છે કે એક સમયે દૈવી રોગ ગણાયેલ ખેંચ એ આયોન માર્ગોની મગજમાં ખોટી રીતની દોટ છે.

જરા વિચારો : એક માઈક્રોબીઅલ ચાદર અને આઈઝેક ન્યુટન લાખો, કરોડો વર્ષોની ઉત્ક્રાંતિ વડે જુદા પડે છે. છતાં, બંનેનું મૂળભૂત વૈચારિક પરિબળ એક જ છે. ૪૦૦ કરોડ વર્ષ પહેલાં માઈક્રોબ્સે વિકસાવેલ સંદેશાવ્યવહાર વ્યવસ્થા હજી પણ આપણી ભીતર છે. ત્રણસો કરોડ વર્ષ પહેલાં તે માઈક્રોબ્સને જોનાર કોઈએ પણ ભવિષ્ય નહીં ભાખ્યું હોય કે એક કોષી જૈવિક વ્યવસ્થામાંથી વિકસીને માણસ બનશે.

જૈવિક તંત્રો અને પર્યાવરણ વચ્ચે સદીઓ સુધી આદાન પ્રદાન થાય ત્યારે આવું થાય. જીવનના, જીવન જીવવાના અને સભાન થવાના નવા વિકલ્પો ઉઘડે.

જુદા-જુદા ભાગના સરવાળા કરતાં આખું માળખું મોટું થઈ જાય તેને કહે છે પ્રાકટ્ય.

ઘણા ઘણા વર્ષો, લગભગ ૬૦૦૦ લાખ વર્ષ પહેલાં પૃથ્વી પર જીવને કાંઈક જુદું જ ઉત્ક્રાંત કર્યું, એક કમાન્ડ સેન્ટર જે તેના પર્યાવરણને ઓળખે અને તેની સાથે પ્રત્યાયન કરે - મગજ.

એવી ધારણા છે કે મગજ સૌ પહેલાં ફ્લૅટ વૉર્મ/ પટ્ટી કીડામાં બન્યું.
તે વખતે મગજ એટલે એક શિકારીને જરૂર પડે તેવું અંગ- શિકાર શોધવા અને આક્રમણના આયોજન માટેનું. બાયનોક્યુલર જેવી દ્રષ્ટિ મળતાં પટ્ટી કીડાને આસપાસની ચીજો તથા ઊંડાઈના પરિમાણ અંગે સ્પષ્ટતા સાંપડી- શિકાર ઝડપવાની વધુ તક.
પટ્ટી કીડાના મગજમાં ચેતાકોષોનાં બે સઘન જાળાં હતાં - ગેન્ગલીઆ.
તેમાંથી નીકળતા દોરડાં/તાર સૂચનાઓ અને સંવેદનાઓને શરીરના બીજા ભાગોમાં પહોંચાડતા- ૮૦૦૦ ન્યુરોન/ ચેતાકોષની મદદથી. પાછળથી ઉત્ક્રાંત થયેલા જીવોની સરખામણીમાં નગણ્ય, પણ એક નોંધપાત્ર શરૂઆત.
માયાના જે ભાગે કાનનહોવા જોઈએ તેવી જગ્યાએ પટ્ટી કીડામાં ઑરીસીઈસ છે- એક પ્રકારનું નાક. દેખાવમાં તે આપણી સાથે કોઈ મેળ ખાતું નથી પણ તેની અને આપણી વચ્ચે ઘણી સામ્યતા છે.  આપણા બેઉંમાં એક સરખા રસાયણો છે- ન્યુરોટ્રાન્સમિટર નામે ઓળખાતા. આપણે એક સરખા વ્યસનના બંધાણી છીએ : પટ્ટી કીડા શીખી શકે છે. પોતાના પર્યાવરણની માહિતી પર પ્રક્રિયા કરી તેઓ અનુકુલન તરફી વર્તન કરે છે.

વૈજ્ઞાનિકો માને છે કે તેઓ એવું પહેલું પ્રાણી છે જેનું શરીર આગળ, પાછળના ભાગમાં વહેંચાયેલું હોય, જેને માથું હોય - શરીર રચનાનું એવું આદર્શ માળખું છે ૬૦૦૦ કરોડ વર્ષ પછી પણ સાંપ્રત હોય.

અને તેઓ ખરા અર્થમાં કેડી કંડારનારા હતા. 
તેમની પહેલાંના જીવો કરતાં અલગ, જે જોઈતું હોય તે શોધવા અજાણ જગ્યાઓએ રખડવાની ટેવ તેમણે કેળવી હતી.

પટ્ટી કીડા રસપ્રદ છે. પણ, તેમના અને આપણા મગજમાં મોટો તફાવત છે.
ત્યાંથી અહીં સુધી આપણે કઈ રીતે પહોંચ્યા?
ચોક્કસ ખબર નથી.
કારણકે મગજ પોચું, ભેજવાળું હોય છે.
જીવાશ્મિઓમાં તેમની છાપ સચવાઈ નથી.
પણ, મગજ પોતે પોતાના ભૂતકાળને સાચવીને બેઠું છે.
કેમ?
કારણકે મગજ એક મહાનગર જેવું છે.
દુનિયાના મોટાભાગના મહાનગરો આડેધડ, ટુકડે ટુકડે વિકસ્યાં છે- જે તે સમયની જરૂરિયાતને પહોંચી વળવા. ભાગ્યે જ કોઈ શહેર ભવિષ્યના આયોજન સાથે બનાવાયું છે.
જેમકે, ન્યુયોર્ક શહેરની કેટલીક ગલીઓ સત્તરમી સદીની છે, સ્ટોક એક્સચેન્જ ૧૮મી સદીનું, વૉટર વર્કસ અને ઈલેક્ટ્રિક વ્યવસ્થા ૧૯મી સદીનાં અને સંદેશાવ્યવહાર ૨૦મી સદીનો. 

મહાનગર એક મગજ જેવું છે : તે એક નાનકડા કેન્દ્ર તરીકે શરું થાય છે અને ધીમે ધીમે મોટું થતું જાય છે, બદલાતું જાય છે, ઘણા જૂના પૂર્જા જેમના તેમ કાર્યરત રાખીને.

અદ્યતન વ્યવસ્થા અમલી બનાવવા શહેરની પાણી કે વિજળીની ગોઠવણ રોકી ના શકાય. ફેરફાર ટુકડે ટુકડે જ થાય છે.
મગજ બાબતે પણ એમ જ છે.
મગજના જૂના રાચરચીલાનું ઘડતર અધકચરું હોવાથી તેને ફેંકી દેવું ઉત્ક્રાંતિને પોસાય નહીં.
મહાનગર અને મગજ બંનેએ રિનોવેશન દરમિયાન પણ કામ કરતાં રહેવું પડે.
તેથી જ આપણી લીમ્બિક સીસ્ટમ સેરેબ્રલ કોર્ટેક્સથી વિંટળાયેલી છે.
જૂનો ભાગ બધી અગત્યની વ્યવસ્થાઓ સંભાળે છે તેથી તેને એકદમ બદલી ના શકાય.
તેથી, ઘણી વાર તે કાંઈક ઉલટું જ કરે છે.
પણ, તે તો ઉત્ક્રાંતિની આડ પેદાશ છે.
મહાનગર એ સેરેબ્રલ કોર્ટેક્સની ભેંટ છે.


લેખ ૧૮: 
https://interact-6aya.blogspot.com/2021/03/blog-post_14.html

14.3.21

૫. ર (૧૮) : બ્રહ્માંડિય દિમાગના આંતરિક જોડાણો

૧૯મી સદી

બ્રોકા માનવતાવાદી હતો. તે એવા તારણ પર પહોંચ્યો હતો કે મગજના બંધારણ બાબતે આપણો આપણા પ્રાણીજ પૂર્વજો સાથે ગાઢ સંબંધ છે. તેણે પોતાની યુવાનીમાં મુક્ત વિચારસરણીવાળા વ્યક્તિઓનું સંગઠન બનાવેલું. સંશોધન બાબતે કોઈ રોકટોક ના હોવી જોઈએ તેમ તે દ્રઢપણે માનતો હતો. પોતાના તે ઉદે્શ માટે તેણે જીવનભર કામ કર્યું.

છતાં, બ્રોકા સુદ્ધાં તે સમયના સમાજમાં પ્રવર્તતા પૂર્વગ્રહોથી અંજાયેલો હતો. તે માનતો હતો કે  સ્ત્રી કરતાં પુરુષો અને બીજા તમામ વર્ણના લોકો કરતાં ગોરા લોકોની બૌદ્ધિક ક્ષમતા વધારે છે. બ્રોકાનું ઉદાહરણ એ વાતની સાબિતી છે કે તેના જેવા માનવતાવાદી, મુક્ત સંશોધનના હિમાયતી પણ પ્રાદેશિક મતાગ્રહથી ગ્રસ્ત થઈ શકે છે.

સમાજ તેના શ્રેષ્ઠ ફરજંદને બગાડે છે.
નવીનતમ વિચારધારા સાથે કોઈ વ્યક્તિ સહમત ના થાય તે સ્વિકારી શકાય. પણ, સમાજનો મોટો વર્ગ જૂનવાણી માન્યતાઓને વળગી રહે તે દુઃખદ છે. દુઝતી અનિશ્ચિતતા વચ્ચે પ્રશ્ન ઊઠે કે  આપણા સમયની કઈ અવધારણાને પછીની પેઢી માફી યોગ્ય પણ નહીં ગણે?

બ્રોકાએ પહેલીવાર પ્રસ્થાપિત કર્યું કે શરીર રચના અને તેના કાર્ય વચ્ચે સંબંધ છે. પણ, જેને ભાન, બુદ્ધિ કે ચેતના કહીએ છીએ તેનું મૂળ ક્યાં?
સ્વપ્ન કયા પદાર્થનાં બનેલાં છે? તેમને તો બરણીમાં ભરી શકાતાં નથી!


પ્રાચીન ઇજિપ્તવાસીઓએ અંધારી રાતે આકાશમાં જોયું અને તેમને તેમાં આકાશગંગાની દેવી નુટ-ના શરીરનો ભાગ દેખાયો. તેઓ માનતા હતા કે સ્વપ્ન જોતી વખતે વ્યક્તિ આ જીવન પછીના જીવનમાં પ્રવેશે છે. તેથી, સ્વપ્ન જોવાને તેમણે એક વિધિનુ‍ં સ્વરૂપ આપ્યું, ભવિષ્યમાં શું છુપાયેલું છે તે જાણવાનો રસ્તો અથવા દેવતાઓને સંદેશો પહોંચાડવાનો માર્ગ. શ્રધ્ધાળુ તો સ્વપ્ન મંદિરની જાત્રા કરતા. સ્વપ્ન માર્ગ માટે પોતાને તૈયાર કરવા તેઓ એકાંતમાં રહેતા, શરીર અને મનને શુદ્ધ કરવા ઉપવાસ કરતા. ચોક્કસ દેવતાને સંબોધીને પ્રાર્થના લખી, બાળી નાખતા. તેનો ધુમાડો પ્રાર્થનાને દેવતા સુધી પહોંચાડશે એમ માનીને. કાશ આપણે ઈજિપ્તના ડૅન્ડેરા મંદિરમાં જોવાયેલાં સ્વપ્ન ઉકેલી શકતા!

તમને કાલે રાત્રે શું સ્વપ્ન આવ્યું હતું?

આપણી ઊંઘ અને જાગૃતિને છૂટી પાડતી પળ બાબતે પુરાણા ઈજિપ્શીયનો રોમાંચિત હતા.  તેઓ માનતા કે સ્વપ્નમાં આપણે સાચે જ કોઈ બીજા પ્રદેશમાં પહોંચીએ છીએ અને સ્વપ્નો વાસ્તવિક, હકીકત છે.
ઝાંખા પાંખા સપનાની ઝીણી ઝીણી વિગતો બીજી કઈ રીતે સમજવી?

ડૅન્ડોરા મંદિરમાં સ્વપ્ન જોનારાઓના ૧૦૦૦ વર્ષ કરતાં વધારે સમય પછી એક એવો વૈજ્ઞાનિક આવ્યો છે એમ માનતો હતો કે સભાન અને અનભિજ્ઞ વિચારોમાં કશીક તો વાસ્તવિકતા છે, કે સ્વપ્ન એટલી વાસ્તવિક બાબત છે જેને રેકોર્ડ કરી શકાય. તેણે એમ કરવાનો રસ્તો શોધી કાઢ્યો. બગડેલાં મગજ અને વેરવિખેર સ્વપ્નો જ્યાં હોય તેવી જગ્યાએ- ઈટાલીના તુર્કીમાં આવેલ મૅનીકોમીઓ દૅ કોલેગ્નો. ૧૭મી સદીમાં મૉનેસ્ટ્રી તરીકે બંધાયેલ તે જગ્યા ૧૮૫૦માં માનસિક ઉપચાર માટેની હૉસ્પિટલમાં તબદીલ થઈ હતી. પાછલા કેટલાક દશકથી તે બંધ છે.

તે સ્થળે ઍન્જેલો મોસોએ સ્વપ્ન અને વિચારોને લગતા પ્રયોગો કર્યા.
મજૂર વર્ગમાં જન્મેલા ઍન્જેલોએ વૈજ્ઞાનિક બનવા સખત મહેનત કરેલી. તેના શરૂઆતનાં સંશોધન દવા બનાવવા અને શરીર રચનાને લગતાં હતાં. અને તે તમામનો હેતુ મજૂરો, ગરીબોના જીવનને બહેતર બનાવવાનો હતો. વિજ્ઞાન થકી કામ કરવાની સ્થિતિમાં સગવડો અને સુધારા લાવી શકાય છે તેમ તે માનતો.
એવા સમયે, જ્યારે કોઈ સગવડ કે સંરક્ષણ વગર માણસો મોતના મોમાં જઈ કામ કરતા, મોસોએ ઈર્ગોગ્રાફ વિશે વિચાર્યું અને તે સાધન બનાવ્યું.  લોકોનો થાક માપતું તે સાધન તેણે એટલા માટે બનાવ્યું જેથી અતિશય શારીરિક શ્રમને કારણે ઊભી થતી તાણ માણસના શરીર અને મન પર શું અસર કરે છે તે પ્રયોગાત્મક રીતે દર્શાવી શકાય.

મોસોના મત પ્રમાણે 'નીચોવાઈ જવું'  તે શારીરિક તેમજ માનસિક સ્થિતિ છે, માણસના ચારિત્ર્યની ખોટ કે નબળાઈ નથી; શરીરનું કહેણ છે- પોતાને ઈજા પહોંચે તે પહેલાં જે કામ કરી રહ્યા છો તે કામ અટકાવી દેવાનું.

મોસોએ તર્ક લગાવ્યો કે ડરની જેમ  થાકનો પણ કોઈ ઉત્ક્રાંતિમૂલક ફાયદો છે. આ વાતનું નિદર્શન કરવા મોસો એવું કોઈ સાધન બનાવવા માંગતા હતા જે શરીરમાં લોહીના પ્રવાહને નોંધી શકે.

એક સંતુલિત ટેબલ પર વ્યક્તિને સુવડાવવાનો, ટેબલ સાથે નળાકાર સાધન એ રીતએ ગોઠવેલું કે જેના સરકવાથી તેની સાથે જોડાયેલ કિત્તો લોહીના પ્રવાહની નોંધ કરે. મૅડીકલ ઈમેજિંગનો પાયો નાખનારું સાધન. 

હૃદયની ગતિની તો નોંધ કરી શકાઈ પણ મગજની ગતિનું શું? ખોપડીમાં રહેલા મગજના સૂક્ષ્મ ગણગણાટને કેવી રીતે નોંધવો?

તે માટે કોઈ વ્યક્તિની ખોપડી ખોલવી પડે!
ગ્લોવાન્ની થ્રોન બે વર્ષનો હતો ત્યારે ખુબ ઊંચેથી પડતાં તેનું માથું એવું ભાંગ્યું હતું કે તેની ખોપડીનો અમુક ભાગ દૂર કરવો પડેલો. તે છોકરાને પાછળથી અવારનવાર, ભારે તીવ્ર ખેંચ આવતી. દિકરાનો રોગ ચેપી છે એમ માનીને તેના માબાપે પાંચ વર્ષની ઉંમરે તુરીનની મૅનીકોમીઓ દૅ કૉલેગ્નો હૉસ્પિટલમાં ભરતી કરી દીધો. ત્યાં તેની સ્થિતિ બદતર થતી ચાલી. તેને થયેલી ખતરનાક ઈજાના પરિણામે તેના મગજ સુધી પહોંચવાની બારી ખુલ્લી હતી. 

મોસોએ એટલું સંવેદનશીલ સાધન બનાવ્યું જે મગજમાં વહેતા લોહીના પ્રવાહને નોંધી શકે.

પણ, ગ્લોવાન્નીની સ્થિતિ એવી હતી કે તે ઊંઘતો હોય ત્યારે જ મોસો તેનો અભ્યાસ કરી શકે.
"રાતના અંધકારમય સન્નાટામાં, ગાઢ નિદ્રામાં સરેલા મગજની અંદર શું ચાલી રહ્યું છે તે જોવું, એક જબરદસ્ત અનુભવ હતો. દસથી વીસ મિનિટ સુધી મગજનો ધબકાર એકદમ ધીમો અને એકધારો રહ્યો. અને પછી, કોઈ બાહ્ય કારણ વગર, અચાનક મગજમાં સોજો જણાયો અને ધબકારાની ઝડપ ખુબ વધી ગઈ.

તે દુઃખી છોકરો આરામમાં હોય ત્યારે શું સ્વપ્ન તેને ચપટી સુખ આપવા આવતાં હતાં? કે તેની માતાનો ચહેરો કે બાળપણની સુખદ યાદ તેની સ્મૃતિમાં ચમકતી હતી- તેના બૌદ્ધિક અંધારાને રોશન કરીને તેના મગજને આવેગથી ધબકાવી નાખનારી યાદ? કે પછી તેનું દિમાગ પોતાને સંકોરી રહેલું?"

બરફવર્ષાવાળી તે રાતે ઍન્જેલો મોસોએ મગજને પેન પકડાવી, પોતાના વિશે લખવા માટે.
તેણે ન્યુરો ઈમેજિંગની શરૂઆત કરી અને બતાવ્યું કે ઊંઘમાં પણ મગજ ધબકે છે, જીવનની રસમના તેજ તણખા ઊંઘમાં પણ ઝબકે છે, સ્વપ્ન તરીકે, યાદ તરીકે, કોઈ ગોઠવણ તરીકે. આપણા વિચાર, કલ્પના, સ્વપ્ન...તે બધાના મૂળ કોઈ વાસ્તવિકતામાં છે.

તે ઘટનાના ત્રણ મહિના પછી રક્તદોષને કારણે ગ્લોવાન્ની કાયમ માટે ઊંઘી ગયો. હજી તે પુરા બાર વર્ષનો નહોંતો.

ન્યુરો સાયન્સ ક્ષેત્રે ઍન્જેલો મોસોના કામથી પ્રેરાઈને બીજી એક વ્યક્તિએ તે કામને મોટા પાયે આગળ લઈ જવાનું નક્કી કર્યું.


લેખ ૧૭: https://interact-6aya.blogspot.com/2021/03/blog-post_7.html

7.3.21

પ.૧ (૧૭) : બ્રહ્માંડિય દિમાગના જોડાણો

આપણે બ્રહ્માંડને જાણી- સમજી શકીએ?

આપણું મગજ બ્રહ્માંડને તેની તમામ સંકુલતા ‌અને ભવ્યતા સહિત સમજી શકવા સક્ષમ છે?
તેનો જવાબ ખબર નથી.
કારણકે આપણું મગજ પણ બ્રહ્માંડની જેમ જ એક રહસ્ય છે.
આપણા મગજના પ્રોસેસિંગ યુનિટ્સ (પ્રકિયક એકમો) -ની સંખ્યા લગભગ લગભગ ૧,૦૦૦ આકાશગંગાના કુલ તારાઓ જેટલી છે. લગભગ  ૧,૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦૦ (૧૦૦ પાછળ પંદર શૂન્ય) જેટલાં.
અને શક્ય છે કે પ્રોસેસિંગ યુનિટ્સનો સાચો આંકડો તેના કરતાં દસ ગણો વધારો હોય.

આપણા મગજની અંદર ઝાંકીએ.
જાણે છે રસાયણો અને વિધૃત બળોના કૅટેગરી- પ પ્રકારના વાવાઝોડાની વચ્ચે. આ તોફાન કોઈ ચેતવણી વગર આવે છે, ધમાલ મચાવી દે છે અને માથાનો અસહ્ય દુઃખાવો લાવે છે. પણ, તેમાં જ આ નાનકડા બ્રહ્માંડની કળ રહેલી છે.

અજીયન દરિયાના ટાપુ કોસ પર રપ૦૦ વર્ષ પહેલાંના સમયે જઈને જોઈએ. આ વાર્તા વિચારના ઈતિહાસમાં હનુમાન કુદકો છે. માનવ મન પર છવાયેલા રહેનારા સૌથી શક્તિશાળી ભ્રમ સૌથી પહેલાં આ સ્થળે તોડવામાં આવેલો.

ધારોકે, તમે એવા મા-બાપ છો જેમને એક જ સંતાન હોય. તે તમારા જીગરનો ટુકડો છે. તેના બુદ્ધિના ચમકારા તમારા મિત્રોનેય નવાઈ પમાડે છે, અભિભૂત કરે છે.
પણ, કશીક ગરબડ છે.
તેના મગજમાં એક વાવાઝોડું આકાર લઈ રહ્યું છે...
પેલીયસ! બેટા પેલીયસ!
રપ૦૦ વર્ષ પહેલાંના ગ્રીસમાં દવા હતી - કોઈ એક દેવતાને વિધિ કરીને શાંત કરવાથી વાઈ(ખેંચ)ના હુમલા મટાડી શકાય છે તેવી તિલસ્મી માન્યતા.
જ્યારે ગ્રીક કે બીજી સંસ્કૃતિના લોકો આવી વિધિ કરતા ત્યારે કેટલાક દર્દી સાજા થઈ જતા- ખેંચ અમુક સમય પુરતી આવતી હોવાના કારણે અથવા જે તે દર્દીની રોગપ્રતિકારક શક્તિને કારણે. પણ, દર્દીઓ અને તેમનાં સગાં વહાલાં માટે તો જાણે વિધિ સ્વિકારીને દેવતા શાંત થયા હતા.
અને દર્દી મૃત્યુ પામે ત્યારે?
દેવતા એટલા ગુસ્સે, નારાજ છે કે કંઈ જ કરી શકાય એમ નથી.

વિચારવાની આ રીત માનવજાતની મહાન આવડત અને નબળાઈ, ભાત- પૅટર્ન ઓળખવી -ની ઉપર નિપજ હતી. આ કિસ્સામાં ખોટી ભાત ઓળખવી.

વાઈ એ દેવતાઓના ગુસ્સાનું પરિણામ છે તેવી માન્યતા કારણોના આંતર સંબંધો અંગેની મૂંઝવણ અને માણસ જ્યારે સ્થિતિનો ઉકેલ લાવી શકવા અસમર્થતા અનુભવતો હોય ત્યારે વાસ્તવિકતાને અવગણીને ઉઠતી ઉકેલ માટેની ઈચ્છામાંથી ઊભી થયેલી હતી.

અહીં કહેવાનો અર્થ એમ નથી કે તે સમયના ગ્રીકો પાસે વનસ્પતિઓ અને ખનિજોમાંથી બનાવેલી દવાઓ નહોંતી.
પણ, વાઈ- ખેંચ જેવા રહસ્યમય રોગ માટે તેઓ ફક્ત ધૂપ અને પ્રાર્થના કરતા.
તેમને તો એવો ખ્યાલ પણ નહોતો કે તે રોગનો મગજ સાથે કોઈ સંબંધ છે.

અને આવ્યો હિપોક્રેટસ.
બિમારી અને ઘાનું કારણ કોઈ દેવતાનો ગુસ્સો છે તે ધારણા તેણે ફગાવી દીધી.
તેણે લખ્યું : તબીબે દર્દીના આખા શરીર, તેના ભોજન અને વાતાવરણને તપાસવું.  શ્રેષ્ઠ તબીબી તે છે જે બિમારીને થતી અટકાવે. કુદરતી કારણ વગર કશું થતું નથી.

ફક્ત આટલા માટે પણ તેને આરોગ્ય ક્ષેત્રનો પિતામહ કહી શકાય.
તબીબો માટે આચારસંહિતા ઘડી કાઢવાનો યશ પણ તેને અપાયો છે.
આજે પણ તબીબો  ઈસ પૂર્વે ત્રીજી સદીમાં તેણે રચેલું મનાતું સોગંદનામું લઈને જ કાર્ય ક્ષેત્રમાં ડગ માંડે છે.

ભાન, ચેતના એ મગજમાં રહેલી છે એમ પહેલાં વહેલાં સમજી, જાહેર કરનારાઓમાંનો હિપોક્રેટસ એક હતો.

અત્યારે માનવામાં ના આવે પણ તે સંકલ્પના તે સમયે ક્રાંતિકારી હતી. તે સમયે પ્રચલિત સમજ એમ હતી કે આપણે હૃદયથી વિચારીએ છીએ. (આજે પણ કહેવતોમાં, ચબરાકિયા સુવિચારોમાં તે છાપ સચવાયેલી છે.)
અને તે તબક્કે હિપોક્રિટસે વિજ્ઞાનના ઈતિહાસમાં સૌથી મહાન ભવિષ્ય વાણી કરી.
હિપોક્રિટસે સારવ્યું કે તે અને તેના સમયના લોકોને વાઈનું શારીરિક કારણ ખબર નથી એટલે તેઓ તેને 'દૈવી રોગ' કહે છે.

તેણે લખ્યું : જ્યારે આપણને રોગનું કારણ ખબર પડી જશે, આપણે તેને દૈવી માનવાનું છોડી દઈશું.

પેલો બાળક શાપિત નહોતો, તેના મગજના વાયરિંગમા઼ કોઈ ગરબડ હતી. આપણે જ્યાં સુધી તેનો ઈલાજ દેવતાઓની મુનસફીમાં શોધતાં રહ્યા, તે બાળકને કે પોતાને આપણે કોઈ મદદ કરી શકવાના નહોંતા.

આ વાતને હજારો વર્ષ થયાં છતાં મગજ હજી પણ રહસ્ય જ રહ્યું છે.

ઈસા પૂર્વે ૪૨૦ વર્ષ અને ૧૯મી સદી વચ્ચેના સમયગાળામાં બ્રહ્માંડ વિશેની આપણી સમજ કૂદકને ભૂસકે વધી. આપણે પ્રકાશની ઝડપ, ગુરુત્વાકર્ષણના નિયમો શોધ્યા અને આપણે જાણ્યું કે આપણો સૂર્ય અનેક સૂર્યો ધરાવતી આકાશગંગાનો એક ભાગ છે. અને છતાં, હિપોક્રિટસના ર૩૦૦ વર્ષ પછી પણ આપણે શરીરના તે ભાગ વિશે લગભગ કશું જ જાણતા નથી જે ભાગના કારણે આપણે બ્રહ્માંડને જાણીએ, સમજીએ છીએ.

કહીં શકાય કે મગજ વિશે હકિકતમાં આપણે કશું જ જાણતા નથી.

મગજનો અભ્યાસ  'ફ્રિનેલૉજી' નામના છદ્મ વિજ્ઞાન તરીકે ખોટકાઈ પડ્યો, જેમાં માણસની ખોપરીના આકાર પરથી તેની બુદ્ધિમત્તા અને વિશ્વસનીયતાની ધારણા કરવામાં આવે છે. તેની પાછળ પાછળ ખોપડી માપવા- મપાવવાનું ગાંડપણ આવ્યું.
ભાષા ક્ષમતા દાઢના હાડકાની ઉપર અને વૈવાહિક વફાદારી કાનની પાછળ- આવા તૂત ચાલ્યાં.
અને
અનાશ્ચર્યજનક રીતે યુરોપના ફ્રિનેલૉજીસ્ટસે 'શોધ્યું' કે યુરોપિયનોની ખોપરીઓ વૈશ્વિક ખોપરી કદના શ્રેષ્ઠતમ સ્તરની છે.

મગજ અને મનના જોડાણને લગતી પહેલી વહેલી સાચી સમજ ૧૮૬૧માં ફ્રાન્સમાં ઊભી થઈ. તે સમયે પૅરિસની બિસથ(Bicêtre- અર્થ: અસ્પતાલ) સાઈકિઆટ્રી અસ્પતાલ આધુનિક સગવડોવાળી હતી. ગાંડા અને માનસિક વિકલાંગોના ઈલાજમાં માનવીય હસ્તક્ષેપ કરનારી સત્તરમી સદીની તે પહેલી અસ્પતાલ હતી. ત્યાંના દાક્તરોમાં સર્જન પૉલ બ્રોકા તેમની કોઠાસૂઝ પ્રેરિત ઈલાજ માટે વખાણાતા હતા.

ટૅન...
તે દર્દીનું નામ હતું લુઈસ લેબોર્ગન. પણ, બધા તેને 'ટૅન' કહેતા કારણકે તે ત્રીસનો થયો પછીથી આ એક જ શબ્દ તે બોલ્યો હતો. તે વખતે તેને એકાવન વર્ષ થયેલા. 
ટૅનને વાઈના હૂમલા બાળપણથી આવતા. પણ, તેણે જ્યારે 'ટૅન' બોલવા સિવાયની બધી ભાષાકીય ક્ષમતા ગુમાવી દીધી ત્યારે તેને બિસથમાં દાખલ કરવામાં આવ્યો. અને હવે, બિચારો ટૅન મરણપથારીએ હતો. તેનું જમણું અંગ લકવાગ્રસ્ત થઈ ગયેલું અને શરીરમાં ગૅન્ગ્રિને પગપેસારો કરી દીધેલો.

ટૅનનો મામલો ગંભીર બન્યો તે પહેલાં બ્રોકા મગજના ચોક્કસ ભાગ વિશે ધારણાઓ કસી રહેલા જે ભાગ સ્મૃતિ અને બોલવાની ક્ષમતા બાબતે કદાચ જવાબદાર હોઈ શકતો હતો. મરણાસન્ન દર્દી વિશે બ્રોકા શક્ય બધું જ જાણવા માંગતો હતો, જેવી રીતે કોઈ પોસ્ટ મોર્ટમ પરથી જાણવા મળતું હોય છે.
આપણને ખબર નથી કે ખેંચને કારણે ટૅનના મગજના કોઈ ભાગને નુકસાન પહોંચ્યું હતું કે બાળપણમાં થયેલી કોઈ અજાણ ઈજાના કારણે, જેના લીધે પાછળથી તેની બોલવાની શક્તિ પર અસર પડી. 
પણ...
ટૅનના બદનસીબને કારણે પહેલીવાર બ્રોકા તારવી શક્યા - મગજનો તે ભાગ -આ કિસ્સામાં નુકસાન પામેલો મગજનો વિસ્તાર- અને તેનું વિશિષ્ટ કાર્ય- ભાષા ઉપયોજનની ક્ષમતા.

તેનું ઈનામ? આપણા મગજનો તે ભાગ ત્યારથી 'બ્રોકાસ એરિયા' તરીકે ઓળખાય છે.

બ્રોકા જેના નિયામક હતા તે નૃવંશશાસ્ત્ર સંગ્રહાલયના એક ઓરડામાં, એક બરણીમાં બ્રોકાનું મગજ આજેય સચવાયેલું છે; જ્યાં કબાટોની છાજલીઓ ઉપર છાજલીઓમાં ગુનેગારો અને જઘન્ય ખૂન કરનારાઓનાં મગજની સાથે સાથે  ઓગણીસમી સદીમાં પ્રજાને મંત્ર મુગ્ધ કરનારા અસામાન્ય બૌદ્ધિક દિમાગ પણ સચવાયેલાં છે.


1.3.21

૪.૪ (૧૬) વાવીલોવ

"સોવિયેત સંઘ સાથે કોઈપણ પ્રકારની દગાબાજી કર્યાનો હું ઈન્કાર કરું છું. મારો ગુનો, કદાચ, વૈજ્ઞાનિક મંતવ્ય ભેદ છે."

જડસુ આદર્શવાદીઓને કેમ તોડવા તે વાવીલોવના વિરોધીઓ જાણતા હતા. દિવસ-રાત, ૪૦૦ વખત તેની 'પુછતાછ' કરાઈ, કુલ ૧૭૦૦ કલાક. વાવીલોવ તૂટી ગયો ત્યાં સુધી. અટકાયતના એક વર્ષ પછી તેને ગોળી મારી દેવાની સજા થઈ. મૃત્યુ દંડ આપવાના સ્થળે તેને મહિનાઓ સુધી રાખવામાં આવ્યો.

અંધારું જ્યારે અત્યંત ઘેરું હતું ત્યારે વધું ઘેરું અંધારું ઉતરી આવ્યું.

હિટલરે સ્તાલિન સાથેની સંધી તોડી અને ભારે સંખ્યામાં જર્મન સૈનિકો અને ટેંકો રશિયાને જીતવા ઉતર્યા.

પણ, લેનિન ગાર્ડ (હાલનું સેન્ટ પિટ્સબર્ગ) પરનો હૂમલો અત્યંત ક્રુર હતો. 

તે આખી દુનિયાના જનીન વારસાને એકત્ર કરી સાચવી રાખનાર જગ્યા હતી. ખેતીની શરૂઆત થઈ, છેક તે સમયનાં બીજ.

સ્તાલિનને સમજાયું નહોતું, પણ હિટલરને સમજ હતી કે તે બેશકિમતી ખજાનો છે.

સાથીદારોને ખબર નહોતી કે વાવીલોવ જીવીત છે કે કેમ. તેમણે નક્કી કર્યું, "આ સંજોગોમાં વાવીલોવ જે કરતો, તે આપણે કરીશું."

જો શહેર પર જર્મનીનો ઘેરો લાંબો ચાલે તો રશિયનો ભૂખે મરવાના. તે મકાનમાં કેટલાક ટન બીજ હતાં, ખાદ્ય પદાર્થ. યુદ્ધનું ગાંડપણ શમે ત્યાં સુધી તે બીજને સાચવી રાખવાનું વાવીલોવના સાથીદારોએ આયોજન કર્યું.

ઈતિહાસમાં કોઈ વૈજ્ઞાનિક જૂથે આવી ક્રૂર કસોટીમાંથી પસાર થવાનું નથી થયું. માણસ ભાંગી પડે તે હદે સુધી તેઓ ધકેલાયા તેમ છતાં તેઓ ભાંગી પડ્યા નહીં.

૧૯૪૧ની ક્રિસમસના દિવસે જ તે શહેરમાં ચાર હજાર લોકો ભૂખમરાથી મૃત્યુ પામેલા. તે પછી પણ હજાર દિવસ સુધી લેનિન ગાર્ડ હિટલરના સૈન્યના ઘેરાવા હેઠળ રહ્યું. તાપમાન ઋણ ચાલીસ ડિગ્રી હતું અને શહેરનું સમગ્ર વ્યવસ્થા તંત્ર પડી ભાંગેલું. હિટલરને લાગતું હતું કે 'માત્ર થોડોક વધુ સમય અને તે શહેર ઘૂંટણીયા ટેકવી દેશે. કોઈ શહેર આવી દુઃખદ સ્થિતિમાં લાંબુ ટકી શકે નહીં.'

સ્તાલિનને હર્મિટેજ સંગ્રહાલયના કળા વારસાની ચિંતા હતી. પણ, હિટલર પૅરિસના લુવ્ર સંગ્રહાલયનો કબજો કરી ચૂક્યો હતો.

વાવીલોવનો ખજાનો સ્તાલિનની ચિંતાનો મુદ્દો જ નહોંતો. પણ, હિટલરને તેનું મૂલ્ય ખબર હતી.

હિટલરે એક ખાસ જાસૂસી જૂથને વાવીલોવનો ખજાનો શોધી, હસ્તગત કરવાનું કામ સોંપ્યું હતું, જેથી હિટલરના મહાત્વાકાંક્ષી થર્ડ રેઈચ માટે તેને ઉપયોગમાં લઈ શકાય.

શહેરના બોટોનિસ્ટને દિવસની બે બ્રેડના રાશન પર ટકવાનું હતું. અને છતાં તેમણે પોતાનું કામ ચાલુ રાખ્યું.

બીજી તરફ, વાવીલોવને બીજા સ્થળે ખસેડાયેલો. "ચોપ્પન વર્ષ થયાં મને, છોડ ઉછેરનો મને ઘણો ઘણો અનુભવ અને જ્ઞાન છે. તે હું દેશ સેવા માટે વાપરવા માગું છું. તમને હાથ જોડું છું, ભીખ માગું છું, મને જે કામ આવડે છે તે કરવા દો, ભલે નિમ્નતમ સ્તરે." વાવીલોવ કરગરતો રહ્યો પણ કોઈ જવાબ ના આવ્યો.

તેના દેશે તેને મારી નાખવાને બદલે વધારે ક્રૂર સજા કરવાનું નક્કી કરેલું- જે વ્યક્તિ દેશમાંથી ભૂખમરાને દૂર કરવા મથતો હતો તેને ધીમે ધીમે ભૂખથી મારવાનું.

લેનિન ગાર્ડમાં બીજા ૮,૦૦,૦૦૦ લોકો ભૂખથી મરણ પામેલા.

સપ્ટેમ્બર ૧૯૪૧થી જાન્યુઆરી ૧૯૪૪ સુધીના જર્મન ઘેરાવા વચ્ચે લેનિન ગાર્ડ ટકી રહેલું.

દિવસની બે બ્રેડ પણ મળવી બંધ થયે ખાસો સમય થયેલો અને વાવીલોવના બીજ ખજાનાના સંરક્ષકોએ ભૂખે મરીનેય તે સાચવવાનું ઠેરવેલું.

બૉટોનિસ્ટ ઍલેકઝાન્ડર સ્ત્ચૂકીન, સીંગ દાણાનો નિષ્ણાત.

લીલીયા રોડિના, ઓટ્સ નિષ્ણાત.

દિમિત્રી ઈવાનોવ, ચોખાનો નિષ્ણાત.

બૉટોનિસ્ટ ભૂખે મર્યા પણ તેમણે બીજ ખજાનાને હાથ લગાડ્યો નહીં.

અને પ્રોટિન લીસેન્કોનું શું થયું? તે પછી પણ બે દસકા સુધી તેણે સોવિયેત ખેતી અને જીવ વિજ્ઞાન પર પકડ જાળવી રાખી. છેવટે, રશિયાના સુખ્યાત એવા ત્રણ વૈજ્ઞાનિકોએ તેના સ્યુડો સાયન્સની જાહેરમાં ટીકા કરી.

અને વાવીલોવનો ભાઈ, સર્ગેઈ, ભૌતિક વિજ્ઞાની? સ્તાલિને તેને સોવિયેત ઍકેડેમી ઑફ સાયન્સીઝનો ચૅરમેન બનાવેલો.

સ્તાલીનના મૃત્યુ પછી સ્તાલિન અને લીસેન્કોની જોડીએ રશિયાને કરેલા નુકસાનની વાતો થવા લાગી અને ત્યારે નીકોલાઈ વાવીલોવ વિશે ફરી એકવાર જાહેરમાં ચર્ચા શરૂ થઈ.

તેણે સ્થાપેલ બીજ સંગ્રહાલયને તેનું નામ અપાયું, જે આજે પણ છે.

તેના જ કારણે સ્વાલબાર્ડ ગ્લોબલ સીડી વૉલ્ટ પૃથ્વીની ટોપી જેવા ભાગમાં જમીનમાં ઊંડે સચવાયેલો છે. તેમાં પીસ્તાળીશ લાખ પ્રકારનાં બીજ સાચવવાની સગવડ છે.

તો...વાવીલોવના સાથીદારોએ તે બીજ સંગ્રહમાંથી એક દાણો પણ કેમ ન આરોગ્યો? બે વર્ષ સુધી રોજે રોજ ભૂખે મરતા દેશવાસીઓને તેમણે તેલીબિયાં, બટાકા અને બીજાં બીજ કેમ ના આપ્યાં?

તમે આજે જમ્યા?

જો 'હા' તો તમે કદાચ વાવીલોવના ખજાનાને સાચવતાં ખપી ગયેલા બૉટોનિસ્ટોએ સાચવેલા બીજનું જ કોઈ આનુવંશિક ફળ આરોગ્યું હશે.

કાશ, આપણું ભવિષ્ય તે લોકોને મન હતું તેટલું કિંમતી આપણા માટે  પણ હોત!

 

અંક ૧૫: https://interact-6aya.blogspot.com/2021/02/blog-post_21.html