૧૯મી સદી
બ્રોકા માનવતાવાદી હતો. તે એવા તારણ પર પહોંચ્યો હતો કે મગજના બંધારણ બાબતે આપણો આપણા પ્રાણીજ પૂર્વજો સાથે ગાઢ સંબંધ છે. તેણે પોતાની યુવાનીમાં મુક્ત વિચારસરણીવાળા વ્યક્તિઓનું સંગઠન બનાવેલું. સંશોધન બાબતે કોઈ રોકટોક ના હોવી જોઈએ તેમ તે દ્રઢપણે માનતો હતો. પોતાના તે ઉદે્શ માટે તેણે જીવનભર કામ કર્યું.
છતાં, બ્રોકા સુદ્ધાં તે સમયના સમાજમાં પ્રવર્તતા પૂર્વગ્રહોથી અંજાયેલો હતો. તે માનતો હતો કે સ્ત્રી કરતાં પુરુષો અને બીજા તમામ વર્ણના લોકો કરતાં ગોરા લોકોની બૌદ્ધિક ક્ષમતા વધારે છે. બ્રોકાનું ઉદાહરણ એ વાતની સાબિતી છે કે તેના જેવા માનવતાવાદી, મુક્ત સંશોધનના હિમાયતી પણ પ્રાદેશિક મતાગ્રહથી ગ્રસ્ત થઈ શકે છે.
સમાજ તેના શ્રેષ્ઠ ફરજંદને બગાડે છે.
નવીનતમ વિચારધારા સાથે કોઈ વ્યક્તિ સહમત ના થાય તે સ્વિકારી શકાય. પણ, સમાજનો મોટો વર્ગ જૂનવાણી માન્યતાઓને વળગી રહે તે દુઃખદ છે. દુઝતી અનિશ્ચિતતા વચ્ચે પ્રશ્ન ઊઠે કે આપણા સમયની કઈ અવધારણાને પછીની પેઢી માફી યોગ્ય પણ નહીં ગણે?
બ્રોકાએ પહેલીવાર પ્રસ્થાપિત કર્યું કે શરીર રચના અને તેના કાર્ય વચ્ચે સંબંધ છે. પણ, જેને ભાન, બુદ્ધિ કે ચેતના કહીએ છીએ તેનું મૂળ ક્યાં?
સ્વપ્ન કયા પદાર્થનાં બનેલાં છે? તેમને તો બરણીમાં ભરી શકાતાં નથી!
પ્રાચીન ઇજિપ્તવાસીઓએ અંધારી રાતે આકાશમાં જોયું અને તેમને તેમાં આકાશગંગાની દેવી નુટ-ના શરીરનો ભાગ દેખાયો. તેઓ માનતા હતા કે સ્વપ્ન જોતી વખતે વ્યક્તિ આ જીવન પછીના જીવનમાં પ્રવેશે છે. તેથી, સ્વપ્ન જોવાને તેમણે એક વિધિનું સ્વરૂપ આપ્યું, ભવિષ્યમાં શું છુપાયેલું છે તે જાણવાનો રસ્તો અથવા દેવતાઓને સંદેશો પહોંચાડવાનો માર્ગ. શ્રધ્ધાળુ તો સ્વપ્ન મંદિરની જાત્રા કરતા. સ્વપ્ન માર્ગ માટે પોતાને તૈયાર કરવા તેઓ એકાંતમાં રહેતા, શરીર અને મનને શુદ્ધ કરવા ઉપવાસ કરતા. ચોક્કસ દેવતાને સંબોધીને પ્રાર્થના લખી, બાળી નાખતા. તેનો ધુમાડો પ્રાર્થનાને દેવતા સુધી પહોંચાડશે એમ માનીને. કાશ આપણે ઈજિપ્તના ડૅન્ડેરા મંદિરમાં જોવાયેલાં સ્વપ્ન ઉકેલી શકતા!
તમને કાલે રાત્રે શું સ્વપ્ન આવ્યું હતું?
આપણી ઊંઘ અને જાગૃતિને છૂટી પાડતી પળ બાબતે પુરાણા ઈજિપ્શીયનો રોમાંચિત હતા. તેઓ માનતા કે સ્વપ્નમાં આપણે સાચે જ કોઈ બીજા પ્રદેશમાં પહોંચીએ છીએ અને સ્વપ્નો વાસ્તવિક, હકીકત છે.
ઝાંખા પાંખા સપનાની ઝીણી ઝીણી વિગતો બીજી કઈ રીતે સમજવી?
ડૅન્ડોરા મંદિરમાં સ્વપ્ન જોનારાઓના ૧૦૦૦ વર્ષ કરતાં વધારે સમય પછી એક એવો વૈજ્ઞાનિક આવ્યો છે એમ માનતો હતો કે સભાન અને અનભિજ્ઞ વિચારોમાં કશીક તો વાસ્તવિકતા છે, કે સ્વપ્ન એટલી વાસ્તવિક બાબત છે જેને રેકોર્ડ કરી શકાય. તેણે એમ કરવાનો રસ્તો શોધી કાઢ્યો. બગડેલાં મગજ અને વેરવિખેર સ્વપ્નો જ્યાં હોય તેવી જગ્યાએ- ઈટાલીના તુર્કીમાં આવેલ મૅનીકોમીઓ દૅ કોલેગ્નો. ૧૭મી સદીમાં મૉનેસ્ટ્રી તરીકે બંધાયેલ તે જગ્યા ૧૮૫૦માં માનસિક ઉપચાર માટેની હૉસ્પિટલમાં તબદીલ થઈ હતી. પાછલા કેટલાક દશકથી તે બંધ છે.
તે સ્થળે ઍન્જેલો મોસોએ સ્વપ્ન અને વિચારોને લગતા પ્રયોગો કર્યા.
મજૂર વર્ગમાં જન્મેલા ઍન્જેલોએ વૈજ્ઞાનિક બનવા સખત મહેનત કરેલી. તેના શરૂઆતનાં સંશોધન દવા બનાવવા અને શરીર રચનાને લગતાં હતાં. અને તે તમામનો હેતુ મજૂરો, ગરીબોના જીવનને બહેતર બનાવવાનો હતો. વિજ્ઞાન થકી કામ કરવાની સ્થિતિમાં સગવડો અને સુધારા લાવી શકાય છે તેમ તે માનતો.
એવા સમયે, જ્યારે કોઈ સગવડ કે સંરક્ષણ વગર માણસો મોતના મોમાં જઈ કામ કરતા, મોસોએ ઈર્ગોગ્રાફ વિશે વિચાર્યું અને તે સાધન બનાવ્યું. લોકોનો થાક માપતું તે સાધન તેણે એટલા માટે બનાવ્યું જેથી અતિશય શારીરિક શ્રમને કારણે ઊભી થતી તાણ માણસના શરીર અને મન પર શું અસર કરે છે તે પ્રયોગાત્મક રીતે દર્શાવી શકાય.
મોસોના મત પ્રમાણે 'નીચોવાઈ જવું' તે શારીરિક તેમજ માનસિક સ્થિતિ છે, માણસના ચારિત્ર્યની ખોટ કે નબળાઈ નથી; શરીરનું કહેણ છે- પોતાને ઈજા પહોંચે તે પહેલાં જે કામ કરી રહ્યા છો તે કામ અટકાવી દેવાનું.
મોસોએ તર્ક લગાવ્યો કે ડરની જેમ થાકનો પણ કોઈ ઉત્ક્રાંતિમૂલક ફાયદો છે. આ વાતનું નિદર્શન કરવા મોસો એવું કોઈ સાધન બનાવવા માંગતા હતા જે શરીરમાં લોહીના પ્રવાહને નોંધી શકે.
એક સંતુલિત ટેબલ પર વ્યક્તિને સુવડાવવાનો, ટેબલ સાથે નળાકાર સાધન એ રીતએ ગોઠવેલું કે જેના સરકવાથી તેની સાથે જોડાયેલ કિત્તો લોહીના પ્રવાહની નોંધ કરે. મૅડીકલ ઈમેજિંગનો પાયો નાખનારું સાધન.
હૃદયની ગતિની તો નોંધ કરી શકાઈ પણ મગજની ગતિનું શું? ખોપડીમાં રહેલા મગજના સૂક્ષ્મ ગણગણાટને કેવી રીતે નોંધવો?
તે માટે કોઈ વ્યક્તિની ખોપડી ખોલવી પડે!
ગ્લોવાન્ની થ્રોન બે વર્ષનો હતો ત્યારે ખુબ ઊંચેથી પડતાં તેનું માથું એવું ભાંગ્યું હતું કે તેની ખોપડીનો અમુક ભાગ દૂર કરવો પડેલો. તે છોકરાને પાછળથી અવારનવાર, ભારે તીવ્ર ખેંચ આવતી. દિકરાનો રોગ ચેપી છે એમ માનીને તેના માબાપે પાંચ વર્ષની ઉંમરે તુરીનની મૅનીકોમીઓ દૅ કૉલેગ્નો હૉસ્પિટલમાં ભરતી કરી દીધો. ત્યાં તેની સ્થિતિ બદતર થતી ચાલી. તેને થયેલી ખતરનાક ઈજાના પરિણામે તેના મગજ સુધી પહોંચવાની બારી ખુલ્લી હતી.
મોસોએ એટલું સંવેદનશીલ સાધન બનાવ્યું જે મગજમાં વહેતા લોહીના પ્રવાહને નોંધી શકે.
પણ, ગ્લોવાન્નીની સ્થિતિ એવી હતી કે તે ઊંઘતો હોય ત્યારે જ મોસો તેનો અભ્યાસ કરી શકે.
"રાતના અંધકારમય સન્નાટામાં, ગાઢ નિદ્રામાં સરેલા મગજની અંદર શું ચાલી રહ્યું છે તે જોવું, એક જબરદસ્ત અનુભવ હતો. દસથી વીસ મિનિટ સુધી મગજનો ધબકાર એકદમ ધીમો અને એકધારો રહ્યો. અને પછી, કોઈ બાહ્ય કારણ વગર, અચાનક મગજમાં સોજો જણાયો અને ધબકારાની ઝડપ ખુબ વધી ગઈ.
તે દુઃખી છોકરો આરામમાં હોય ત્યારે શું સ્વપ્ન તેને ચપટી સુખ આપવા આવતાં હતાં? કે તેની માતાનો ચહેરો કે બાળપણની સુખદ યાદ તેની સ્મૃતિમાં ચમકતી હતી- તેના બૌદ્ધિક અંધારાને રોશન કરીને તેના મગજને આવેગથી ધબકાવી નાખનારી યાદ? કે પછી તેનું દિમાગ પોતાને સંકોરી રહેલું?"
બરફવર્ષાવાળી તે રાતે ઍન્જેલો મોસોએ મગજને પેન પકડાવી, પોતાના વિશે લખવા માટે.
તેણે ન્યુરો ઈમેજિંગની શરૂઆત કરી અને બતાવ્યું કે ઊંઘમાં પણ મગજ ધબકે છે, જીવનની રસમના તેજ તણખા ઊંઘમાં પણ ઝબકે છે, સ્વપ્ન તરીકે, યાદ તરીકે, કોઈ ગોઠવણ તરીકે. આપણા વિચાર, કલ્પના, સ્વપ્ન...તે બધાના મૂળ કોઈ વાસ્તવિકતામાં છે.
તે ઘટનાના ત્રણ મહિના પછી રક્તદોષને કારણે ગ્લોવાન્ની કાયમ માટે ઊંઘી ગયો. હજી તે પુરા બાર વર્ષનો નહોંતો.
ન્યુરો સાયન્સ ક્ષેત્રે ઍન્જેલો મોસોના કામથી પ્રેરાઈને બીજી એક વ્યક્તિએ તે કામને મોટા પાયે આગળ લઈ જવાનું નક્કી કર્યું.
લેખ ૧૭: https://interact-6aya.blogspot.com/2021/03/blog-post_7.html
No comments:
Post a Comment