7.3.21

પ.૧ (૧૭) : બ્રહ્માંડિય દિમાગના જોડાણો

આપણે બ્રહ્માંડને જાણી- સમજી શકીએ?

આપણું મગજ બ્રહ્માંડને તેની તમામ સંકુલતા ‌અને ભવ્યતા સહિત સમજી શકવા સક્ષમ છે?
તેનો જવાબ ખબર નથી.
કારણકે આપણું મગજ પણ બ્રહ્માંડની જેમ જ એક રહસ્ય છે.
આપણા મગજના પ્રોસેસિંગ યુનિટ્સ (પ્રકિયક એકમો) -ની સંખ્યા લગભગ લગભગ ૧,૦૦૦ આકાશગંગાના કુલ તારાઓ જેટલી છે. લગભગ  ૧,૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦૦ (૧૦૦ પાછળ પંદર શૂન્ય) જેટલાં.
અને શક્ય છે કે પ્રોસેસિંગ યુનિટ્સનો સાચો આંકડો તેના કરતાં દસ ગણો વધારો હોય.

આપણા મગજની અંદર ઝાંકીએ.
જાણે છે રસાયણો અને વિધૃત બળોના કૅટેગરી- પ પ્રકારના વાવાઝોડાની વચ્ચે. આ તોફાન કોઈ ચેતવણી વગર આવે છે, ધમાલ મચાવી દે છે અને માથાનો અસહ્ય દુઃખાવો લાવે છે. પણ, તેમાં જ આ નાનકડા બ્રહ્માંડની કળ રહેલી છે.

અજીયન દરિયાના ટાપુ કોસ પર રપ૦૦ વર્ષ પહેલાંના સમયે જઈને જોઈએ. આ વાર્તા વિચારના ઈતિહાસમાં હનુમાન કુદકો છે. માનવ મન પર છવાયેલા રહેનારા સૌથી શક્તિશાળી ભ્રમ સૌથી પહેલાં આ સ્થળે તોડવામાં આવેલો.

ધારોકે, તમે એવા મા-બાપ છો જેમને એક જ સંતાન હોય. તે તમારા જીગરનો ટુકડો છે. તેના બુદ્ધિના ચમકારા તમારા મિત્રોનેય નવાઈ પમાડે છે, અભિભૂત કરે છે.
પણ, કશીક ગરબડ છે.
તેના મગજમાં એક વાવાઝોડું આકાર લઈ રહ્યું છે...
પેલીયસ! બેટા પેલીયસ!
રપ૦૦ વર્ષ પહેલાંના ગ્રીસમાં દવા હતી - કોઈ એક દેવતાને વિધિ કરીને શાંત કરવાથી વાઈ(ખેંચ)ના હુમલા મટાડી શકાય છે તેવી તિલસ્મી માન્યતા.
જ્યારે ગ્રીક કે બીજી સંસ્કૃતિના લોકો આવી વિધિ કરતા ત્યારે કેટલાક દર્દી સાજા થઈ જતા- ખેંચ અમુક સમય પુરતી આવતી હોવાના કારણે અથવા જે તે દર્દીની રોગપ્રતિકારક શક્તિને કારણે. પણ, દર્દીઓ અને તેમનાં સગાં વહાલાં માટે તો જાણે વિધિ સ્વિકારીને દેવતા શાંત થયા હતા.
અને દર્દી મૃત્યુ પામે ત્યારે?
દેવતા એટલા ગુસ્સે, નારાજ છે કે કંઈ જ કરી શકાય એમ નથી.

વિચારવાની આ રીત માનવજાતની મહાન આવડત અને નબળાઈ, ભાત- પૅટર્ન ઓળખવી -ની ઉપર નિપજ હતી. આ કિસ્સામાં ખોટી ભાત ઓળખવી.

વાઈ એ દેવતાઓના ગુસ્સાનું પરિણામ છે તેવી માન્યતા કારણોના આંતર સંબંધો અંગેની મૂંઝવણ અને માણસ જ્યારે સ્થિતિનો ઉકેલ લાવી શકવા અસમર્થતા અનુભવતો હોય ત્યારે વાસ્તવિકતાને અવગણીને ઉઠતી ઉકેલ માટેની ઈચ્છામાંથી ઊભી થયેલી હતી.

અહીં કહેવાનો અર્થ એમ નથી કે તે સમયના ગ્રીકો પાસે વનસ્પતિઓ અને ખનિજોમાંથી બનાવેલી દવાઓ નહોંતી.
પણ, વાઈ- ખેંચ જેવા રહસ્યમય રોગ માટે તેઓ ફક્ત ધૂપ અને પ્રાર્થના કરતા.
તેમને તો એવો ખ્યાલ પણ નહોતો કે તે રોગનો મગજ સાથે કોઈ સંબંધ છે.

અને આવ્યો હિપોક્રેટસ.
બિમારી અને ઘાનું કારણ કોઈ દેવતાનો ગુસ્સો છે તે ધારણા તેણે ફગાવી દીધી.
તેણે લખ્યું : તબીબે દર્દીના આખા શરીર, તેના ભોજન અને વાતાવરણને તપાસવું.  શ્રેષ્ઠ તબીબી તે છે જે બિમારીને થતી અટકાવે. કુદરતી કારણ વગર કશું થતું નથી.

ફક્ત આટલા માટે પણ તેને આરોગ્ય ક્ષેત્રનો પિતામહ કહી શકાય.
તબીબો માટે આચારસંહિતા ઘડી કાઢવાનો યશ પણ તેને અપાયો છે.
આજે પણ તબીબો  ઈસ પૂર્વે ત્રીજી સદીમાં તેણે રચેલું મનાતું સોગંદનામું લઈને જ કાર્ય ક્ષેત્રમાં ડગ માંડે છે.

ભાન, ચેતના એ મગજમાં રહેલી છે એમ પહેલાં વહેલાં સમજી, જાહેર કરનારાઓમાંનો હિપોક્રેટસ એક હતો.

અત્યારે માનવામાં ના આવે પણ તે સંકલ્પના તે સમયે ક્રાંતિકારી હતી. તે સમયે પ્રચલિત સમજ એમ હતી કે આપણે હૃદયથી વિચારીએ છીએ. (આજે પણ કહેવતોમાં, ચબરાકિયા સુવિચારોમાં તે છાપ સચવાયેલી છે.)
અને તે તબક્કે હિપોક્રિટસે વિજ્ઞાનના ઈતિહાસમાં સૌથી મહાન ભવિષ્ય વાણી કરી.
હિપોક્રિટસે સારવ્યું કે તે અને તેના સમયના લોકોને વાઈનું શારીરિક કારણ ખબર નથી એટલે તેઓ તેને 'દૈવી રોગ' કહે છે.

તેણે લખ્યું : જ્યારે આપણને રોગનું કારણ ખબર પડી જશે, આપણે તેને દૈવી માનવાનું છોડી દઈશું.

પેલો બાળક શાપિત નહોતો, તેના મગજના વાયરિંગમા઼ કોઈ ગરબડ હતી. આપણે જ્યાં સુધી તેનો ઈલાજ દેવતાઓની મુનસફીમાં શોધતાં રહ્યા, તે બાળકને કે પોતાને આપણે કોઈ મદદ કરી શકવાના નહોંતા.

આ વાતને હજારો વર્ષ થયાં છતાં મગજ હજી પણ રહસ્ય જ રહ્યું છે.

ઈસા પૂર્વે ૪૨૦ વર્ષ અને ૧૯મી સદી વચ્ચેના સમયગાળામાં બ્રહ્માંડ વિશેની આપણી સમજ કૂદકને ભૂસકે વધી. આપણે પ્રકાશની ઝડપ, ગુરુત્વાકર્ષણના નિયમો શોધ્યા અને આપણે જાણ્યું કે આપણો સૂર્ય અનેક સૂર્યો ધરાવતી આકાશગંગાનો એક ભાગ છે. અને છતાં, હિપોક્રિટસના ર૩૦૦ વર્ષ પછી પણ આપણે શરીરના તે ભાગ વિશે લગભગ કશું જ જાણતા નથી જે ભાગના કારણે આપણે બ્રહ્માંડને જાણીએ, સમજીએ છીએ.

કહીં શકાય કે મગજ વિશે હકિકતમાં આપણે કશું જ જાણતા નથી.

મગજનો અભ્યાસ  'ફ્રિનેલૉજી' નામના છદ્મ વિજ્ઞાન તરીકે ખોટકાઈ પડ્યો, જેમાં માણસની ખોપરીના આકાર પરથી તેની બુદ્ધિમત્તા અને વિશ્વસનીયતાની ધારણા કરવામાં આવે છે. તેની પાછળ પાછળ ખોપડી માપવા- મપાવવાનું ગાંડપણ આવ્યું.
ભાષા ક્ષમતા દાઢના હાડકાની ઉપર અને વૈવાહિક વફાદારી કાનની પાછળ- આવા તૂત ચાલ્યાં.
અને
અનાશ્ચર્યજનક રીતે યુરોપના ફ્રિનેલૉજીસ્ટસે 'શોધ્યું' કે યુરોપિયનોની ખોપરીઓ વૈશ્વિક ખોપરી કદના શ્રેષ્ઠતમ સ્તરની છે.

મગજ અને મનના જોડાણને લગતી પહેલી વહેલી સાચી સમજ ૧૮૬૧માં ફ્રાન્સમાં ઊભી થઈ. તે સમયે પૅરિસની બિસથ(Bicêtre- અર્થ: અસ્પતાલ) સાઈકિઆટ્રી અસ્પતાલ આધુનિક સગવડોવાળી હતી. ગાંડા અને માનસિક વિકલાંગોના ઈલાજમાં માનવીય હસ્તક્ષેપ કરનારી સત્તરમી સદીની તે પહેલી અસ્પતાલ હતી. ત્યાંના દાક્તરોમાં સર્જન પૉલ બ્રોકા તેમની કોઠાસૂઝ પ્રેરિત ઈલાજ માટે વખાણાતા હતા.

ટૅન...
તે દર્દીનું નામ હતું લુઈસ લેબોર્ગન. પણ, બધા તેને 'ટૅન' કહેતા કારણકે તે ત્રીસનો થયો પછીથી આ એક જ શબ્દ તે બોલ્યો હતો. તે વખતે તેને એકાવન વર્ષ થયેલા. 
ટૅનને વાઈના હૂમલા બાળપણથી આવતા. પણ, તેણે જ્યારે 'ટૅન' બોલવા સિવાયની બધી ભાષાકીય ક્ષમતા ગુમાવી દીધી ત્યારે તેને બિસથમાં દાખલ કરવામાં આવ્યો. અને હવે, બિચારો ટૅન મરણપથારીએ હતો. તેનું જમણું અંગ લકવાગ્રસ્ત થઈ ગયેલું અને શરીરમાં ગૅન્ગ્રિને પગપેસારો કરી દીધેલો.

ટૅનનો મામલો ગંભીર બન્યો તે પહેલાં બ્રોકા મગજના ચોક્કસ ભાગ વિશે ધારણાઓ કસી રહેલા જે ભાગ સ્મૃતિ અને બોલવાની ક્ષમતા બાબતે કદાચ જવાબદાર હોઈ શકતો હતો. મરણાસન્ન દર્દી વિશે બ્રોકા શક્ય બધું જ જાણવા માંગતો હતો, જેવી રીતે કોઈ પોસ્ટ મોર્ટમ પરથી જાણવા મળતું હોય છે.
આપણને ખબર નથી કે ખેંચને કારણે ટૅનના મગજના કોઈ ભાગને નુકસાન પહોંચ્યું હતું કે બાળપણમાં થયેલી કોઈ અજાણ ઈજાના કારણે, જેના લીધે પાછળથી તેની બોલવાની શક્તિ પર અસર પડી. 
પણ...
ટૅનના બદનસીબને કારણે પહેલીવાર બ્રોકા તારવી શક્યા - મગજનો તે ભાગ -આ કિસ્સામાં નુકસાન પામેલો મગજનો વિસ્તાર- અને તેનું વિશિષ્ટ કાર્ય- ભાષા ઉપયોજનની ક્ષમતા.

તેનું ઈનામ? આપણા મગજનો તે ભાગ ત્યારથી 'બ્રોકાસ એરિયા' તરીકે ઓળખાય છે.

બ્રોકા જેના નિયામક હતા તે નૃવંશશાસ્ત્ર સંગ્રહાલયના એક ઓરડામાં, એક બરણીમાં બ્રોકાનું મગજ આજેય સચવાયેલું છે; જ્યાં કબાટોની છાજલીઓ ઉપર છાજલીઓમાં ગુનેગારો અને જઘન્ય ખૂન કરનારાઓનાં મગજની સાથે સાથે  ઓગણીસમી સદીમાં પ્રજાને મંત્ર મુગ્ધ કરનારા અસામાન્ય બૌદ્ધિક દિમાગ પણ સચવાયેલાં છે.


No comments: