17.9.17

ઉતરાણ

વેલી ઓફ ફ્લાવરની ચેકપોસ્ટ પર મેં પૂછ્યું કે અહીં ભૂલા તો નહીં પડી જવાય ને? મને હતું કે ક્યાંક સુંદર પતંગિયા કે સુગંધનો પીછો કરવામાં હું ભાન ભૂલી બેસું અને જોખમ નોતરી બેસું! સાથ ના દેતી તબિયતને કારણે હું વધારે પડતી ચોકસાઇ રાખતી હતી.  મારા પ્રશ્નને ડર સમજી ચેકપોસ્ટ પરના વડિલે મારી ટિકીટની પાછળ નકશો બનાવી આપ્યો અને મને વિગતે સમજાવ્યું કે એક જ રસ્તો છે અને ખોવાવાની શક્યતા જ નથી.  અરેરે, ખોવાઈ જવાનું ગમે ત્યાં આટલી કંટાળાજનક એકસુત્રતા ! પછી મેં મને ઠપકારી કે આવી એકસુત્રતાના પ્રતાપે સામાન્ય માણસ માટે અનુકુળતાઓ ઊભી થાય તો ટુરિઝમ ચાલે અને પૈસો ફરે અને...  ઇકોનોમિક્સના 'ઇ' પાસે ચિત્ત વિરમ્યું અને "હું મારી પ્રતિકુળતા શોધી જ લેતી હોઉ છું ને! " એવા ઉમંગ વડે મન મનાવ્યું. એક લીટીમાં આવતા વિરોધી વિચાર , “હાવ ફૂલીશ!” ફૂલો કી ઘાટીને દરવાજે.

ભાઇ-બહેનનું એક અમેરિકન ટીનએજ જોડુ જોશીમઠથી સાથે હતું. મે તેમના પ્રત્યે ઉદાસીનતા વ્યક્ત કરવાનું વલણ રાખ્યું હતું. ભાઇ મોટો હતો અને બહેનને સાચવતો હતો તેમજ ભૂગોળ અને ઉત્ક્રાંતિની વાતો કરતો હતો. બંને સરસ મજાક કરી લેતા હતા-એડલ્ટ ‘વિષય’ ઉપર પણ. આ ભાઇ-બહેન ચેકપોસ્ટ પર ફરી ભટકાયા. ભાઇથી ના રહેવાયું એટલે "હાય અગેઇન." કર્યું જેને  સ્મિતથી ન્યાય આપી હું વેલીની દિશામાં વધી. સસ્તામાં ટિકીટ મેળવવા  ચેકપોસ્ટ પર જુગાડુ ભાઇ બોલવા મંડેલો, "ઇન્ડિયન ટિકીટ. વી કેમ ટુ સપોર્ટ ઇન્ડિયન ક્રિકેટ ટીમ. હાઉ અબાઉટ અમેરિકન સ્ટુડન્ટ્સ?" ચાલતાં ચાલતાં કાને પડેલા આ વાક્યો પર હસીને હું આગળ વધી.

વેલી પહોંચતાં પહેલાંનું ચઢાણ તકલીફદેહ હતું. પણ, મુડ બની ગયેલો અને એકલતા હતી. હું ગાતી ગાતી જઇ રહી હતી અને જે ગીતો જીભ પર ચઢતા હતા તેના પર હસતી હતી.તમરાં જેવાં જીવડાંનું તારસપ્તક મારા કોસ્મિક સંગીત સમારોહમાં સિતારનું કામ કરી રહ્યું હતું.

આગળ જતાં ચાર બંગાળી યુવાન મળ્યા. થોડે આગળ ગાઇડ સાથે લઇને ફરી રહેલી બે મરાઠી સાહેલીઓ મળી. વાતચીત કરતાં  ખબર પડી કે તેઓ મા-દિકરી છે. કોણે ગર્વ કરવો, કોણે શરમાવું એવી વાતો કરી,ખડખડાટ હસી લઇ હું આગળ વધી. થોડા થોડા અંતરે પ્રવાસીઓ મળતા રહેતા. એક પીઠ્ઠુવાળો મારી પાછળ લાગેલો અને અંતે પોતાના દળદરના વર્ણન પર આવી ગયેલો. પણ, વેલી મારે જાતે ખુંદવી હતી.

વેલી શરું થતાં જ દ્રશ્ય બદલાઇ ગયું. વૃક્ષોને બદલે ક્ષિતિજ સુધી ફેલાયેલાં છોડવાને કારણે આકાશ ખુલી ગયેલું. વળી, આજે વાદળ પણ છંટાયેલા હતા. બસ, ધીમે ધીમે ચાલવાનું, ફુલ જોવાના, મુગ્ધ થવાનું અને ભાનમાં આવી ફોટા પાડવાના. આ ઉપક્રમ કલાકો સુધી ચાલતો રહ્યો. વચ્ચે કોઇ પ્રવાસી મળી જાય તો હાય-હેલોવાળુ સ્મિત,ઝરણું આવે ત્યાં પાણી પીવું અને તેના અવાજને નસોમાં ભરી લેવા બેસી પડવું, ચોતરફના શિખરો અને આકાશમાં વાદળની સંતાકૂકડી  જોવી અને સુખડીનો કટકો બટકી વધું મીઠા થવું. “આ જીવનને બસ આટલું કામ.”; ધૂમકેતુએ ‘જુમો ભિસ્તી'માં લખ્યું છે.

વળી પાછા અમેરિકન ભાઇ -બહેન મળ્યા. ભાઈ કહે, "કોઇ મોરલ ઓબ્લિગેશન ના હોય તો જ્હોન માર્ગારેટ લેવની ગ્રેવ જવાનું ખાસ કારણ નથી અને વળતાં ચઢાણ છે. " એટલે, ચઢાણથી બિધેલી હું એ છોડી પગદંડી પર આગળ વધતી રહી.

પાંચ વાગ્યે ચેકપોસ્ટ પર પાછા પહોંચવાની હિદાયત હતી. મેં વિચાર્યું હતું કે બે વાગ્યા સુધી આગળ વધવું, અડધો કલાક બેસી રહેવું અને પછી વળતાં થવું. લગભગ દોઢ વાગ્યે થયું કે પાછા ફરવું જોઇએ. પણ, હું પ્રકૃતિના કેફમાં જતી રહેલી, શરીરને સાંભળ્યા વગર ચાલતી રહી.

લગભગ ત્રણેક વાગ્યે પાછા ફરવું શરું કર્યું. અડધા કલાકમાં શરીરનો અવાજ મોટો થતો લાગ્યો. પણ, વેલી પુરી થઇ ત્યાં લગી મારો કેફ અકબંધ રહ્યો. જેવું ઉતરાણ શરું થયું, પંદર-વીસ ડગલે બેસી જવું પડતું. લગભગ બધા પ્રવાસી પાછા ફરી ગયેલા. અમેરિકન ભાઇ-બહેન બાકી હતા અને મારી પાછળ હતા. પણ, તેઓ મારો સંગાથ કરવા ધીમા પડે એમ લાગતું ના હતું. અંધારું થતાં પહેલાં ચેકપોસ્ટ પર પહોંચવું હિતાવહ હતું. રસ્તો અઘરો ના હતો, થાકેલા શરીર સાથે સમયનો તાલમેલ કઠીન હતો.

ખુદને ધકેલતી હું દસ દસ ડગલાં ઉતરી રહી હતી. ત્યાં  ફોટા પાડી રહેલ બે યુવાન નજરે પડ્યા. હશે 20 -22ના. તેમને વટાવી  થોડેક આગળ જઇ  હું બેસી પડી. મારી આગળથી પસાર થતી વેળા  તેમાંના  એક યુવાને પૂછ્યું, "ઓકે?" હું થાકેલું સ્મિત કરી શકી. તે યુવાન આગળ ઊતરી પડ્યા. મેં ય તેમના સંગાથની આશા સેવી નહોતી.

દસ દસ ડગલાંનાં બીજા રાઉન્ડે મેં જોયું કે તે બે યુવાન ત્યાં બેસેલા હતા અને તેઓની મુખમુદ્રા પરથી સ્પષ્ટ હતું કે તેઓ મારા માટે જ ધીમા પડ્યા હતા. મને ખુબ સારું લાગ્યું, મારા માટે અને યુવાનના ભાવ માટે પણ. એક ચહેરા પર નિરામય શાંતિ હતી, બીજા પર કંટાળો.

વાતચીત કરવાનો તો સવાલ જ નહોતો, ઊર્જા વેડફવી પોસાય તેમ જ ના હતું. થોડેક આગળ જતાં બીજો યુવાન થોડો અકળાયો અને બોલી ઉઠ્યો, "તમારા માટે જ અમે  ધીમે જઇએ છીએ." પહેલા યુવાનની જબાન પર કે વર્તનમાં આ હકિકત જરાય પ્રકટી નહોતી. તેણે મારી પાછળ રહેવાનું શરું કર્યું . આગળવાળો યુવાન તેની સામે જુએ તો યુવાન નંબર એક તેને આગળ વધતા રહેવા કહેતો.
પહેલા યુવાનને કદાચ પોતાના હાથનો ટેકો આપવાનો વિચાર આવ્યો હશે. પણ, હું ગેરસમજ  કરી બેસીશ એવી ધારણાથી તે પાછો પડતો હશે. તેણે મને તેની પાસેની લાકડી ધરી. પણ મને ખુલ્લા હાથે જ ફાવતું હોવાથી તેની મેં ના પાડી. “તમે નીકળો, હું આવી જઇશ.”એવું કહેવાનો વિચાર એક વાર ચમકી ગયો પણ એમ કહીં પહેલા યુવાનના ભાવનુ અપમાન કરવાનું યોગ્ય ના લાગ્યું. આમ, મંથર ગતિએ અમારું ઉતરાણ થતું રહ્યું.
પોણા છ થયા હતા.ચેકપોસ્ટથી 200મીટરને અંતરે ટિકીટબારી પરના કર્મચારીઓ સામા મળ્યા. તેમની પાસેના લીસ્ટમાંથી અમારા નામ છેક્યા અને પૂછ્યું કે કોઇ બાકી છે?  મને આશંકા હતી કે અમેરિકન્સ બાકી હતા. કર્મચારીઓએ પણ કહ્યું કે," હા,તે બે બાકી છે." મને ચિંતા થઇ કેમકે તે બે ચાલવામાં પાવરધા હોવા છતાં હજી પહોંચ્યા ના હતા. છેક હવે તે બંને યુવાન પોતાના થાકની વાત કરવા લાગ્યા. તેઓ આજે 20-22કિ.મી. ચાલ્યા-ચઢ્યા હતા, ગોવિંદઘાટથી ઘાંઘરીયા અને વેલી!

પેલા બે યુવાનનો સામાન ચેકપોસ્ટ પર જ હતો. યુવાન નંબર એકે મીઠાઇના બોક્સ કાઢ્યા, “મમ્મીએ જન્માષ્ટમી પર બનેલી મીઠાઇ ભરી આપી છે.”  મેં ય સુખડી વહેંચી.  ચેકપોસ્ટના કર્મચારીઓ સાથે ગપશપ જામી અને અમારી ય પરિચયવિધી થઇ. મેરઠથી બાઇક લઇ બદ્રીનાથ થઇ તેઓ અહીં આવ્યા હતા. ફોરેસ્ટ કર્મચારીઓ બોર્ડર પરની તેમની મુલાકાત અને આર્મી સબંધી વાતો કરવા લાગ્યા અને વિડિયો઼ઝ બતાવ્યા. તેવામાં અમેરિકન ભાઇ -બહેન પણ આવી પહોંચ્યા. બહેનને જમણે પગે મચકોડ આવી ગઇ હતી.
ચેકપોસ્ટથી ડેરા સંકેલી અમે ઘાંઘરીયા એક રેસ્ટોરાંમાં ગોઠવાયા. યુવાન નંબર બે તો ખુરશીમાં જ ઊંઘી ગયો. મારી ગોઠડી જામી નંબર એક યુવાન સાથે- ગુજરાતનો  ઉલ્લેખ થયા પછી જે વાતો થાય તે અને બીજી પણ. તેણે મને મેરઠના ધાર્મિક પાસા અંગે, પૂર્વ-પશ્ર્ચિમ યુ.પીના તફાવત અંગે, પોતાના શિક્ષણ અંગે વાતો કહી.
છુટા પડતી વખતે અમે એકબીજાના નામ જાણ્યા. યુવાન નંબર એક એટલો સૌમ્ય હતો કે સંપર્ક જાળવવાનો વિકલ્પ પણ ના માંગે. મેં સામેથી મારો નંબર આપ્યો જે તેણે ત્વરાથી નોંધી લીધો.
બીજે દિવસે હેમકુંડ પર યુવાન નંબર એક ફરી મળી જતાં બંનેથી હરખાઇ જવાયું.
વાર્તા સાંભળેલ કે યહુદી ધર્મમાં  ‘મદદ કરવી' એ દુર્ગુણ લેખાય. બીજાની પીડા પોતીકી બની જાય પછી જે વર્તન આવે તે મદદ ના કહેવાય. મદદ કરવામાં દેનાર-લેનાર વચ્ચે અંતર છે, ઉચનીચતા છે. વિગતદોષ હોઇ શકે આ વાર્તા બાબતે. પણ, મને આ વિચાર ગમી ગયેલ. “હું મમ્મીને ઘરકામમાં મદદ કરું છું.” -આ વિચાર અને/અથવા વાક્ય વાહિયાત છે મારી દ્રષ્ટીએ.
ના એક નંબરી યુવાને મદદની ભાવના વ્યક્ત કરી, ના મેં આભારની.

11.9.17

ચાહ

સવારના 8થી રિષીકેષના ટેક્સી સ્ટેન્ડ પર જોશીમઠ માટે સુમો તૈયાર હતી.  પણ, 10:30 સુધી બીજું કોઈ પેસેન્જર જ ન આવ્યું. પાંચથી શરુ્ં કરી ડ્રાઇવર અઢી હજાર પર આવી ગયો મને એકલીને ચમૌલી સુધી પહોંચાડવા. પણ, બધું બજેટ પહેલે જ ધડાકે મોકળું કરી દેવાનો મારો મુડ ના હતો. હું બસ સ્ટેન્ડ પહોંચી. ત્યાં શ્રીનગર માટેની બસ તૈયાર હતી.  હા, ઉત્તરાખંડમાં ય શ્રીનગર છે.  હવે ડાયરેક્ટ બસ નહીં જ મળે અને જેમ મોડુ થશે એમ જોશીમઠ આઘુ થતું જશે એ ખ્યાલ આવી જતાં તે બસમાં ગોઠવાઈ.

સમયસર જમવું એ મારી જરુરીયાત હતી કેમકે સ્વાસ્થ્ય લથડે તે આ તબક્કે ના ગમે. રકસેક ડીકીમાં મુકવા કંડક્ટરે પુછ્યું તો મેં કહ્યું કે બસ ઉપડવાની તૈયારીમાં હોય ત્યારે લઇ જજો કેમકે મારે નાશ્તો કરવાનો છે. પેક્ડ જ્યુસ સાથે મે ઘરનો નાશ્તો કર્યો. દરમ્યાન બસમાં બેઠેલા અને ઉમેરાઇ રહેલા પેસેન્જર્સ તરફ સ્વાભાવિક ધ્યાન ગયેલું. મેં જોયું કે મારી બાજુની ટ્વીનસીટ પર બેઠેલ પૌઢ સરદારજી ઉતરી ગયા હતા અને થોડાક સમય પછી ત્યાં બે છોકરીઓ ગોઠવાઈ ગયેલી. મારી સીટમાં એક બેઠક હજી ખાલી હતી, કદાચ મારો ડે પેક ત્યાં મુકેલો હતો તેથી.

બરાબર બસ ઉપડવાને ટાણે પેલા સરદારજી બસમાં ચઢ્યા અને મને પુછ્યું કે કોઇ આવે છે? મેં બેગ લઈ લીધી અને તેઓ બેઠા.પણ, એ ક્ષણે મને લાગ્યું કે તેઓએ પ્લાન કરીને મારી બાજુની બેઠક મેળવી. અને મારા મનમાં સહેજ તુરાશ આવી ગઇ.

હું ઘણું  ફરી છુ્ં અને બીજાઓને દુ:સાહસ લાગે એવું ય અવારનવાર કરી બેસી છું. મને શંકાઓ સતાવતી નથી. મારું બગાડવામાં કોઇને ખાસ રસ હોય તો તે શું કરે તે પ્રકારના વિચાર જ મને નથી આવતા. આવું લખવા માટેના વિચાર પણ ઘણીબધી ટિપ્પણીઓ પછી આવે. એટલે આવી તુરાશ ઉઠવી મારા માટે નવાઈની બાબત છે.

સરદારજીના જમણા હાથના અંગુઠાનો નખનો ભાગ ના હતો. એટલો અંગુઠો કપાયેલો હતો. જુગુપ્સા ઉઠી અને તુરાશ વધી ગઇ. મારી નવાઈ પણ. હું વળી ક્યારથી આવી આશંકિત થઇ! પ્રચાર માધ્યમો અને શુભેચ્છકોની મહેરબાની. મારી અંદર ડર ઊભો થઇ ગયેલો. કડવા થઇ ગયેલા મોં સાથે મેં વિચાર્યું કે મારા હાલહવાલ જોઈ તેમને જિજ્ઞાસા થઇ હોય અને એટલે તેઓ એમ કરવા પ્રેરાયા હોય એમ ના બને? મારા મોંની તુરાશ જતી રહી. મને કોઇ શીખનો વ્યક્તિગત અનુભવ નથી. પણ, શીખ સમાજની સામાન્ય છાપ આ તબક્કે મનને આશ્વસ્થ કરવા ખપ લાગી. બારીને ટેકે મેં ઝોકાસન આરંભ્યું.

બસ ઠેકઠેકાણે ઊભી રહેતી હતી. એક ભાઇ ગેલ્વેનાઇઝ પાઇપ્સ, બે મોટા થેલા અને તેલનો ડબો લઇ ચઢ્યા.  ડબા સિવાયનો સામાન ડિકી અને બસ ઉપર ચઢાવાયો. કંડક્ટરે સામાનનું ભાડુ 100 રૂપિયા માંગ્યું તો તે ભાઇ છેડાઇ ગયા. તેમાં સરદારજીએ ઝુકાવ્યું, "માણસ હોય તો સામાન હોય. આ મારે કશો સામાન નથી અન્ આ ભાઇને વધારે છે  તો સરખું થઇ ગયું ને! " કેટલાક સમયની વ્યવહારિક અને દાર્શનિક તડાફડી પછી મામલો 30 રૂપિયામાં નિપટાવાયો.

બસ એક ઢાબે ઉભી રહી. મોટા ભાગના સહપ્રવાસીઓ ફિક્સ થાળી કે આલુ પરાઠા લઇ જમવા બેઠા. મે શેકેલી મકાઇ લીધી. જમી રહેલી કિશોરી સાથે વાતચીત થઇ. તે હરિદ્વારની હતી અને શ્રીનગર એમ.બી.એ. ભણવા જઈ રહી હતી. નવાઈ લાગી કે મોટા શહેરમાંથી નાના શહેર તરફ?  પણ, યાદ આવ્યું કે શિક્ષણના ખાનગીકરણ પછી નાના સ્થળોએ આવા શૈક્ષણિક હબ ઊભા થયા જ છે.  દરમ્યાન, સરદારજીને ચા પીતા જોઈ મારો ટી-ચર આત્મા સળવળ્યો. ચા બનાવી રહેલ વ્યક્તિને પૂછ્યું :  અદરક હૈ?  હકાર મળતાં તેને સમજાવ્યું કે મારે કેવી ચા જોઈશે.
ચા આવી. મને અનુકુળ રહી. થોડી વધુ ગળી, થોડી વધુ કડક અને દૂધનો જુદો સ્વાદ. આટલો સ્વાદફેર સહન કરી શકાયો એ સારા શકન જેવુ લાગ્યું.ચા બનાવનાર પણ મજેદાર હતા. મને દજાતી જોઇ ચા ઠંડી કરી આપી અને "ઓહો, તમે તો આપણા પી.એમ.ના શહેર(અમદાવાદ)ના છો." એવો હરખ પણ કરી લીધો. ચા પીધી અને બસ આગળ ચાલી. સરદારજીની વાતચીત કરવાની ઉત્સુકતા વ્યક્ત થતી રહેતી હતી. મેં નમતું મુક્યું અને ક્યાંથી, ક્યાં જવાના? વગેરે વાતો થઇ. હું હેમકુંડ જવાની છું તે જાણી તેઓ રાજી થઇ ઉઠ્યા. ચમૌલીથી પાંચેક કિ.મી.ને અંતરે હેમકુંડના યાત્રાળુંઓ માટે લંગર લાગેલું હતું. તેઓ ત્યાં સેવા માટે જઇ રહ્યા હતા અને પૂર્ણ શીખ ગણવેશમાં હતા. મેં કેમેરા કાઢ્યો તો તેઓ ભારતીય વડીલની  મુદ્રામાં આવી ગયા. "આ દ્રશ્ય સરસ છે,  પાડી લે ફોટો." જેવા ફરજભર્યા વિધાન કરવા લાગ્યા, જે મારી વૃત્તિને સંપૂર્ણ પ્રતિકૂળ હોવાથી મેં અવગણ્યા. તે પછી તેઓ પોતાનો મોબાઇલ કાઢી તેમાં ફોટા-વિડીઓ જોવા લાગ્યા.મેં તે પ્રત્યે ય ઉદાસીનતા દાખવી. એટલે કેટલાક સમય સુધી અમારી વચ્ચે સંવાદ ના થયો. તેઓને ઘણી વાત કરવી હતી અને મારે ચુપ રહેવું હતું.

બીજી એક બસ અને ટેક્સી બદલી અમે લગભગ 7:30એ ચમૌલી પહોંચ્યા. અમે એટલે હું અને સરદારજી. અન્ય કોઈ સહપ્રવાસીને આગળ, સ્થાનિક બોલી મુજબ ઉપર, જવાનું ના હતું. બીજી બસ વખતે મેં ધ્યાન રાખીને તેમની સાથેની બેઠક ટાળી હતી.

ચમૌલી પહોંચતા જ મે નક્કી કર્યું કે હું અહીં જ રાતવાસો કરીશ અને મેં હોટલ અંગે તપાસ આરંભી. તેવામાં  એક ટેક્સીવાળો આવ્યો જે જોશીમઠ આવવા ઉત્સુક હતો. તેની પાસે ત્રણ પેસેન્જર હતા. સરદારજીને તો ચમૌલીથી પાંચ કી.મીને અંતરે લાગેલા લંગર પર ઉતરવાનું હતું એટલે પેલા ત્રણ પેસેન્જર અને ડ્રાઇવર મને આગ્રહ કરવા લાગ્યા. તેમના આગ્રહમાં સુરક્ષાનો ઉલ્લેખ પણ નહોતો. મને લાગ્યું કે તેઓ સુરક્ષા, એકમાત્ર સ્ત્રી પ્રવાસીની સુરક્ષા પ્રત્યે એટલા નિશ્ચિંત હતા કે એ વાત તેમને કરવા જેવી જ ના લાગી. કદાચ તેમની તાત્કાલિક જરુરીયાત હાવી થઇ ગઇ હોય અને આ તેઓ આ બાબત જોઈ જ ના શકતા હોય એમ પણ હોઇ શકે. એમ હોય તો પણ તેમના આગ્રહથી સાબિત થતું હતું કે રસ્તો સારો હતો. પેલા ત્રણને નોકરીએ પહોંચવાનું હતું અને તેઓ ઉતાવળ કરતા હતા. મને વિચાર કોંધી ગયો કે સરદારજીને જોશીમઠ આવવાનું હોત તો કેટલું સારું! આ વિચાર જોઇ મને મારા પર હસવું આવ્યું.
મારા સંશોધન મુજબ જોશીમઠમાં હોટલ મળવી મુશ્કેલ ના હતી અને મારે ય પહોંચવું તો ત્યાં જ હતું. રસ્તો સાફ હતો અને ખાસ જોખમ જણાતું ના હતું. પાંચેક મિનિટમાં અમે જોશીમઠ તરફ નીકળ્યા.

હિમાલયના શિખરો વચ્ચે જ્યાં ગોદ જેટલી જગ્યા મળી, માણસે ગામ અને શહેર વસાવ્યાં. અંધારી રાતે એ ગામ-શહેરના ઘર-હોટલમાં એકસાથે થયેલા વિજળીદિવા દુરથી ખુબ સુંદર લાગતા હતા,જાણે આગિયાનો સમુહ કે આકાશગંગાનો એક ભાગ.

થોડી જ વારમાં સરદારજીને ઉતરવાનું સ્થળ,લંગર આવી ગયું.  સહપ્રવાસીઓ જમી લેવાના મતના હતા. વચ્ચે એક ઠેકાણે મેં ચા પીધી હતી અને શ્રીનગરથી ખરીદેલ સફરજન સાથે મારું ડિનર થઇ ગયેલું. પણ, માન રાખવા ખાતર હું ડિશ લઇને બેસી અને બે ચમચી દાળ લીધી. મારું વર્તન એરોગન્સમાં ખપી શકે છે એમ જાણતી હોવાથી હું વિનમ્રતાથી વાત કરતી હતી. લંગર સંભાળનાર એક વડીલ સક્કરપારા જેવી એક મીઠાઇ( મઠરી કદાચ) અને લાડવા લઇ આવ્યા અને ફરીથી આગ્રહ કરવા લાગ્યા કે આ તો ખાવું ગમે તેવું છે.  મોટાભાગે ધાર્મિક સ્થળોએ હું કરી રહી હતી તેવા વર્તનને બોધ વડે ભાંડવામાં આવે. "પ્રસાદ કહેવાય. લેવો જ પડે.અમને સેવાની તક આપો." જેવા દુરાગ્રહ શરું થાય. પણ, અહીં કોઇએ એવું ના કર્યું, લગભગ બધા વડીલ હોવા છતાં. તેમના વર્તનમાં એક જ બાબત પ્રગટતી હતી, જમવાના સમયે મારી હોજરીમાં કંઇક જાય. મિઠાઇનો એક કટકો લીધો અને બે ચમચી દાળ.

ત્યાં પેલા સરદારજી, કે જેમને અન્ય સહપ્રવાસીઓને વાદે મેં ય વિરજી કહેવું શરુ કરી દીધેલ, બોલ્યા :  उसके लिए डबल अदरिक चौथाइ शक्कर चाय बना लाईए।

રાત્રે સાડા આઠ કલાકે દેવભૂમિ(ઉત્તરાખંડનું બીજું નામ)ના રસ્તા ઉપર મેં 'ચાહ' પીધી.