મારું ઘર આણંદના સીમ વિસ્તારમાં છે. હજી કેટલાંક ખેતરો આસપાસ બાકી છે અને કેટલાંક પ્લોટ બની ગયા છે. કેટલાંક પ્લોટમાં ઘર વસી ગયાં છે, ક્યાંક મકાન ઉગી રહ્યાં છે. અમારી આવી ઉગતી સોસાયટીને નાકે એક ઘંટી અને દુકાન છે. તે દુકાને સામાજીક પ્રાણીઓ માટે તાત્કાલિક ઉપચાર જેવા આદું-મરચાં-વટાણા-દૂધ અને પડીકીઓ મળી રહે. પડીકીઓ સિવાયનું બધું મોટે ભાગે વાસી, ‘બગડેલું છે’ એ કેટેગરીમાં દુકાનદાર ના મુકે અને ખરીદદાર મુકે તેવું. તેવામાં તત્કાલે પણ સારું-સસ્તું અને નમતું તેમજ ભાવના તાલ સાથે જીભના સૂર મેળવવામાં રસ ધરાવતી ગૃહિણીઓને શાકની દુકાનની ખોટ સાલે.
એવામાં, મુખ્ય માર્ગને સમાંતર પણ અંદરના ભાગે ફંટાતી, બેય તરફની સોસાયટીઓ વડે ભીંસાતી, અમને આણંદ સાથે જોડતી અને હજી રોડ ના કહી શકાય એવી સવલતવાળી ગલીના એક નાકે શાકનો પથારો નજરે પડ્યો અને મારી આંખના લેન્સ આ ઘટનાની ફિલ્લમ માટે સજ્જ થયા.
પથારાની પેલી કોર બેઠેલા યુવાન કહી શકાય એવા શાક-વાળાને આ ધંધાનો અનુભવ નથી એમ દ્વિચક્રી વાહન પર અવરજવર દરમ્યાન થયેલી અલપઝલપમાં કળાયું. અનુભવ ના હોય પણ ‘શીખી લઈશ’ એવી આશા હોય અને ભીતર પડેલો કોઈ છેતરાયાનો અનુભવ કે વાત ડંખ માર્યા કરતાં હોય તેવો દ્વિધા મિશ્રિત ઉત્સાહવાળો ધ્વનિ જતાં-આવતાં મારા આતુર કાને પહોંચતો. એ તરફ નીકળવા વાહનને કીક મારતા પહેલાં મન એ શાકવાળા અંગે ઉત્સુક થઇ જવા લાગ્યું. એટલું જ નહી, તેની દુકાન જામી જાય એવી , રેશનલ હોવાથી દુવામાં ના માનનારું ચિત્ત, આશા સેવવા લાગ્યું.
એવામાં દીનાનાથે એક દિવસ મને તક આપી. શનિવારની મોડી સાંજે ‘આદું ખૂટી ગયું છે’ના એંધાણ મળ્યાં અને ટી-ચર એવા અમે આદું માટે વાહન પલાણ્યું. જો ગલીને નાકે ના મળે તો ચાહની તલપ સાથે થોડું વધુ આગળ જવું પડે. પણ, એમ થયું નહી. દુકાન તો નાની-નાની પ્લાસ્ટિકની કોથળીઓમાં સમેટાઈ ગયેલી પણ દુકાનના વિસ્તારનો દ્યોતક એવી ખાતરની થેલીઓની સાદડી વળાઈ નહોતી, ત્રાજવું અને ગલ્લો બહાર હતા અને હજી આ દુકાન જામી નહોતી.
એટલે, કોથળીઓ ફંફોસી આદું શોધાવું શરુ થયું. મેં તક ઝડપી. ટી.વી પર સમાચાર જોતી ના હોવાથી માનવસહજ ઉષ્માભર્યા લહેકે પૂછ્યું : કેવી ચાલે દુકાન ? “સારી હો!” (હજી આ વ્યક્તિ ધંધાધારી નથી થયો તેની સાબિતી ‘સારી’.) મેં મારી આશા-બને એટલી નિરપેક્ષતા સાથે વ્યક્ત કરતાં કહ્યું : શું લાગે છે, જામશે ને ? “હા, હો ! વેચાય છે.” ઉમળકાને ખાળી ના શકાતાં મારાથી બોલાઈ ગયું : આટલામાં આની ખુબ જરૂર છે.(તું હિંમત ના હારીશ ભાઈ!)
ખેતરોમાં મકાનો ઉગવા શરુ થયા પછી ખેડૂત જ નહીં, ખેતીકામ સાથે સંકળાયેલા કારીગરો એ પણ રોજીના વિકલ્પો શોધવા રહ્યાં. એવામાં કોકને ઘરને આંગણે આવી દુકાન ‘જડી’ જાય તો જીવને જરા સારું લાગે !
૨૦/૩/૧૬
No comments:
Post a Comment