કોઈ પુરૂષ પિતા તરીકે-દિકરીના- કેવો છે એ જીજ્ઞાષા મારામાં સમાંતર ઊભી રહે. પુત્રીને સાચવી જાણી, થાળે પાડી દીધી કે ખીલવા અને મહેંકવા દીધી- એ હું જોયા કરું. મારા અવલોકનો માત્ર નિરિક્ષણ હોય છે, તેમાં કસોટીનું તત્વ નથી હોતું. એટલે, દીકરીને ડાળે વળગાડી દેનાર બાપ જોડે ય મારે મિત્રતા હોય. હું આવું અવલોકન ક્યારથી કરતી થઇ એ ખ્યાલ નથી પણ કેમ કરતી થઇ એ સમય જતાં સમજાયું.
ચંદ્રકાંત બક્ષીનો એક ખયાલ-જે તેમણે કોઈક ફિલ્મી ગીત પરથી પકડ્યો હતો- પિતા તરીકે હિમાલય, મને વાંચતા ભેળો ગમી ગયેલો. તે પછી ઘણીવાર હિમાલય પાસે ગઈ છું, મને તે બાપીકો ના લાગ્યો. આ અનુભૂતિ અંગે પણ હું ખુબ મોડા સભાન થઇ. હિમાલય બાપ છે કે નહિ તેવો સભાન સવાલ પણ મનમાં નહોતો ઉગ્યો.
અયોધ્યામાં સરયું કાંઠે તેની વિશાળતા એકદમ આંજી ગઈ. ઓહો ! આટલો પહોળો પટ ! સિંધુને સમાંતર વહેતી કારનો વાહક 'દેખો મડમ, દરિયા દેખો' બોલતો રહેતો ત્યારે કેટલાક કલાક પછી ચિત્ત ચમકેલું-લે, આ કાશ્મીરી સિંધુને દરિયા કહે છે ! ત્રિવેણીનો ય પટ તો વિશાળ છે. પણ કદાચ નદીને માં તરીકે જોવાનો સાંસ્કૃતિક વારસો છવાયેલો રહ્યો.
ગૌહાટીમાં બ્રહ્મપૂત્ર અમારા પડાવથી કેટલાક ડગલા દુર. બીચ પર ફરનારાઓ માટે હોય એવી કેટલીક વ્યવસ્થાઓ - બેસવાની-નાસ્તાની તેને કિનારે ઠેક ઠેકાણે હતી. બ્રહ્મપૂત્રના ગૌહાટી તરફી કિનારે ટહેલતા મનમાં પોંડીચેરી સાથે સરખામણી થઇ ગઈ હતી. સરયુંની જેમ બ્રહ્મપૂત્રનો સામો છેડો ક્ષિતિજ બની જાય.
બ્રહ્મપૂત્રનો પરિચય એને પસાર કરવાનું થયું-પૂલ પર થઈને- ત્યારે આવ્યો. શી પહોળાઈ! ભુગોળમાં ભણેલી અને કલ્પનાએ ચણેલી હોય તેવી નદીની બધી વ્યાખ્યાઓ ડૂબી મરે-સંકોચથી. બ્રહ્મપુત્ર નદી નથી, નદ છે. પુત્રી નથી, પુત્ર છે. માઝોલી જવા વહાણમાં બેઠા અને ચોતરફ બ્રહ્મપુત્રની અગાધતા ઘૂંટાઈ ત્યારે મને થયું- બાપ ! બ્રહ્મપુત્રમાં મને પિતા જડ્યો. અને એ અનુભૂતિએ મને આવરી લીધી.
માઝોલીના મુકામ દરમ્યાન તે અનુભૂતિ સતત રહી, ત્યાં સતત ઉપસ્થિત બ્રહ્મપુત્રની જેમ.
માઝોલીના મુકામ દરમ્યાન તે અનુભૂતિ સતત રહી, ત્યાં સતત ઉપસ્થિત બ્રહ્મપુત્રની જેમ.
આ અનુભૂતિએ હિમાલય,સિંધુ,સરયું અને બીજા પ્રાકૃતિક તત્વો સાથેના મારા સંવાદો-સંવેદનો, જેના અંગે હું સભાન નહોતી, ચિત્તની સપાટી પર લાવી આપ્યા. એથી જાણે મને મારા એક અંશનો પરિચય થયો.
બ્રહ્મપુત્રના કિનારે એક જુદી જ સંસ્કૃતી છે ; જેમાં ચંદ્ર મામા નથી(સ્થાનિક ઉપમા ભૂલી ગઈ છું) અને સૂરજ દાદા નથી-માં (સ્મૃતિદોષ બદલ ક્ષમયાચના) છે. તે જ બ્રહ્મપુત્રના ઉદગમ પાસે પરશુરામ કુંડ છે ને તેને જ કિનારે કામાખ્યા શક્તિપીઠ છે! તાળા વગરનું વૈષ્ણવ માઝોલી બ્રહ્મપુત્રને ખોળે રમે છે-અવારનવાર ધમરોળાય છે. હા,બ્રહ્મપુત્ર બાપ છે.
No comments:
Post a Comment