11.9.16

દુકાન ૨

દુકાન -૨
લગભગ અગિયારસ હતી. ટી-બ્રેક દરમ્યાન બજારની ભીડ અંગે વાત ચાલતી હતી. તેવામાં અંત્યજ સમાજની સામાજિક પશ્ચાદભૂવાળા બહેને ઉમેર્યું : અત્યારે નાના-નાના પાથરણાવાળા બહુ હશે બજારમાં. આ પાંચ દિવસ તેઓ ધંધો કરી લે. પોલિસ પણ આંખ-આડા કાન કરી એમને બેસવા દે. સામાન્ય માણસના છોકરાં રાજી થાય એવી ચીજો મળી રહે. વર્ષના બીજા સમયે આવી અને આ ભાવે તે વસ્તુઓ ના મળે. 
ખાસ તો આ વાતની પ્રેરાયી હું બજારના કામ શોધીને નીકળી. આ વાત મારા અનુભવમાં નહોતી કેમકે હું મોટે ભાગે ભીડની ભાગેડું.
ખુરશી રિપેર કરાવવી હતી. હવે એ પ્રકારની, લોખંડનું માળખું અને અંદર પટ્ટીઓ ભરેલી હોય તેવી ખુરશીઓ એન-ડેન્જર કેટેગરીમાં આવી ગઈ છે. એટલે તેના રિપેરર પણ શોધવા પડે. આ રિપેરર દિવાળી આસપાસ જોવાં મળે એટલું મેં જરૂરિયાતના માર્યા ગઈ દિવાળીએ નોધ્યું’તું. તો, એ રિપેરર પાસે પહોંચી. અમારી વાતચીત ચાલતી હતી ત્યાં બાજુમાં રાજસ્થાની પિતા-પુત્રને આઘા-પાછા થતા જોયા. ફૂટપાથના તે હિસ્સામાં એક શાક વેચનાર શાકની ઢગલીઓ પાથરી ત્યાં લગભગ બે વર્ષથી બેસે છે. દિવાળી ટાણે ખુરશી રિપેરર હોય. રીટાયર્ડ પુરુષોએ બે-ત્રણ બેન્ચો નખાવીને પોતાની હદ પાકી કરી લીધેલ છે. જુદા-જુદા પાયાઓમાં ભરાવવાના રબ્બરીયા વેચનારા બે ઢગલીધારકો ય છે. થોડેક આગળ પાણીપુરી,સોડા,પાપડીનો લોટ...આવા સ્થાનિકો વચ્ચે પેલા અ-સ્થાનિક જગ્યા બનાવવા મથતા હતા. દિલમાં એક ધડકાર ઝડપી આવી ગયો : શું થશે ? તે પિતા-પુત્રની આખી કૌટુંબિક સ્થિતિની ફિલ્લમ ચિત્તના બેકગ્રાઉન્ડમાં ફ્લેશ મારી ગઈ’તી. જરૂર પડ્યે દખલ કરવી એમ મનમાં ઉગી ચૂક્યું’તું. પણ, એક આંખના એક ખૂણાને એ પિતા-પુત્ર તરફ ઠેરવેલ રાખી મેં ખુરશીચર્ચામાં ગૂંથાયેલા હોવાનું મન મનાવ્યું. ખુરશી રિપેરર આ પિતા-પુત્રથી થોડો નારાજ જણાતો હતો.(આની પાસે ખુરશી રિપેર કરાવાય ? બાલિશ છે તું ! ગયા ત્રણ વર્ષથી ખુરશીઓ રખડે છે.) નિવૃત્ત પુરૂષમંડળનું એમની તરફ ધ્યાન નહોતું. (હાઆઆઆશ.) પિતા-પુત્ર બે બાય બેનું સફેદ જાડું કપડું ક્યાં પાથરવું એ અંગે મોટેથી બોલ્યે જતા હતા. મોટેથી બોલવાનો હેતુ સ્થાનિકોની મંજુરીની મહોર મેળવવાનો હતો. તેવામાં શાક વેચનાર ભાઈ બોલ્યા : વહી બેસો. અવરજવર હે. તેના અવાજમાં દુધમાં તજના સ્વાદ જેવી તિખાશ હતી જે હું ગટગટાવી ગઈ ને રાજસ્થાની પિતાને તે અડી કે કેમ એ હું પારખી ના શકી. આ ઇનડાયરેકટ રજામંદીથી રાજી થયેલા પિતા એ “યે ઠીક હૈ” કહી ત્યાં પોતાનો સફેદ જાડો બે બાય બેનો કટકો ખુલ્લો કર્યો. મને જે ટાઢક થઇ ! હવે, હિંમત સાથે બંને આંખ લઇ એ પિતા-પુત્ર તરફ હું આખ્ખે આખી ફરી અને તેમનું પાથરણું પથરાય એ ઘટનાના સાક્ષી બનવાનું ઠેરવ્યું. એક બાળક પાથરી શકે એવા તે બે બાય બેના જાડા સફેદ કટકાને પાથરતા પહેલાં પિતા-પુત્રે જગ્યા સાફ કરી અને સલુકાઈથી ચાર હાથે પાથરણું પાથર્યુ. સાથેનું પોટલું હવે ખુલ્યું. તેમાં રંગબેરંગી ચમકદાર કપડાં દેખાયા. ફોટોજેનિક થપ્પો હતો. તેમાંથી એક પેકેટ ખોલી કપડું બહાર લવાયું. જોધપુરી જેકેટ !
દિવાળી પછીના દિવસોમાં આણંદ,વિદ્યાનગરમાં ફૂટપાથ પર આવા જેકેટ વેચનારા ચાર-પાંચ વ્યક્તિઓ જોવાં મળ્યાં. એ જોઈ સુખ અનુભવાતું. પેલા પિતા-પુત્રને તો અવારનવાર જોતી. એક દિવસ તો ભાવ પૂછવાને બહાને વાત કરી જ આવી એમની સાથે. મારા મનમાં શું છે એ તેઓને જણાવવું બિનજરૂરી હતું. લગ્નમાં કૂદતા કેટલાક જાનૈયાઓના ડીલે તેવાં જેકેટ જોઈ લગ્ન લેખે લાગ્યા જેટલો આનંદ થતો.
છેક ફેબ્રુઆરી સુધી તેઓ આ વિસ્તારમાં નજરે ચડતા રહ્યાં. દિવાળી ના સહી, એમના પરિવારોની હોળી અજવાળી રહેશે. સારું છે, રાજસ્થાનમાં હોળીનું મહત્વ વિશેષ છે !


૨૪/૩/૧૬ 

No comments: