27.12.20
(લેખાંક ૭) ર.૩ : જીવનક્ષમ પ્રદેશ તરીકેના સરકતા આશિષ
20.12.20
(લેખાંક ૬) ૨.૨: જીવનક્ષમ પ્રદેશ તરીકેના સરકતા આશિષ
13.12.20
(લેખાંક પ) ૨.૧ : જીવનક્ષમ પ્રદેશ તરીકેના સરકતા આશિષ
બીજી દુનિયાઓએ અવકાશના ઊંડાણ માપવા મોકલી હોય તેવી સ્પેશ શિપ આપણી આકાશગંગામાં હોઈ શકે છે. તે કદાચ એક પછી એક તારા મંડળો તરફ જઈ રહી હોય; જીવન જ્યાં સ્થાયી થયું હોય તેવી દુનિયાઓની શોધમાં. તેમને પણ અંદાજ ના હોય તેવા જીવનના ગુણધર્મોનો નજીકથી અભ્યાસ કરવા.
૪૦૦ કરોડ વર્ષ પહેલાં, તેની બાલ્યાવસ્થામાં પૃથ્વી ખાસ આશાસ્પદ જણાતી ન હતી.
તે વખતે શુક્ર પર મહાસાગરો, જમીન અને કદાચ, જીવન હતાં. શુક્ર પાસે પાંગરવાની, જીવનક્ષમ પ્રદેશ બનવાની તક હતો. કોઈ પણ દુનિયા માટે, પોતાના તારા સાથે એવા સંબંધનો ગાળો જ્યારે ના તો તે અતિશય ગરમ હોય, ના ઝાઝો ટાઢો. દુનિયાના અસ્તિત્વનો એવો સમય જ્યારે તે જીવનને જણી શકે, જીરવી શકે.
પણ, જીવનક્ષમ પ્રદેશ હોવાના આશિષ સરકતી ચીજ છે અને કોઈ પણ દુનિયા માટે તે કાયમી નથી.
આપણે આપણા તારાના જીવનક્ષમ પ્રદેશમાં વસીએ છીએ અને તે પ્રદેશ ત્રણ ફૂટ પ્રતિ વર્ષના દરે વિસ્તરી રહ્યો છે. પૃથ્વીના જીવનક્ષમ સમયનો ૭૦% ભાગ વીતી ચૂક્યો છે. જોકે, ચિંતાનું કોઈ કારણ નથી, પૃથ્વી બહાર વસવાટનું આયોજન કરવા આપણી પાસે હજી હજારો લાખો વર્ષ છે.
સૂર્યના આશિષ આપણા માથેથી ઉઠી જશે પછી, ધરતી જીવન બાગ નહીં રહે ત્યારે આપણે ક્યાં જઈશું? દૂધ ગંગાના દરિયાના સૂદૂર ટાપુઓ તરફ આપણી પ્રજાતિએ પ્રયાણ આદર્યું હશે?
પરિવર્તનથી બચવાની કોઈ જગ્યા બ્રહ્માંડમાં નથી. કેટલાક હજાર લાખ વર્ષ પછી સંતાવા માટે કોઈ સલામત સ્થળ નહીં હોય. એક દિવસ આ બધું, કુદરતના કાનૂન મુજબ જીવન-મૃત્યુ અને પુનઃજન્મના અંતહીન ચક્રને શરણે થશે.
આ બ્રહ્માંડ સુંદર વસ્તુઓ ઉત્ક્રાંત કરે છે, પછી તેમને તોડી ટુકડા કરે છે અને તે ટુકડાઓમાંથી જ કશુક નવું સર્જે છે.
બ્રહ્માંડની કોઈપણ દુનિયાની કોઈપણ પ્રજાતિએ જો લાંબુ ટકી જવું હોય તો સામૂહિક પરિવહન કરવા કામ લાગે તેવા આંતર ગ્રહીય અને છેવટે આંતર તારાકીય ઈજનેરી વિકલ્પો વિકસાવવા રહ્યા.
આ વાતની આપણને કંઈ રીતે ખબર પડી?
બ્રહ્માંડ વિશે આપણે થોડું ઘણું જે કાંઈ જાણીએ છીએ, તેમાં આપણને ભવિષ્યની ઝલક જોવા મળે છે.
આપણી સભ્યતા માટે માણસ જાતે આપમેળે ઉભા કરેલા જોખમ, ક્લાઇમેટ ચેન્જની વાત હું નથી કરી રહ્યો, તે તો ટૂંકાગાળાની વાત છે. જો આપણે હજારો,લાખો, કરોડો વર્ષ ટકવું હોય તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ ઊંડેલવાનું બંધ કરવું પડશે, અત્યારે જ. માણસજાતને બેનિફિટ ઓફ ડાઉટ આપીને લાંબાં ગાળાની વાત કરવા હું જઈ રહ્યો છું.
સૂર્ય વયવૃદ્ધ થઈ રહ્યો છે; આપણી જેમ. એક દિવસ તેના ગર્ભમાંનું હાઇડ્રોજન ઇંધણ ખૂટી પડશે.
500- 600 કરોડ વર્ષ પછી, જ્યાં હાઈડ્રોજન ફ્યુઝન થાય છે તે પટ્ટો બહારની તરફ વિસ્તરશે. તે સાથે જ્યાં થર્મોન્યુકિલયર પ્રક્રિયાઓ થાય છે તે કોચલુંય મોટું થશે- તાપમાન સો લાખ ડિગ્રી જેટલું નીચું જાય ત્યાં સુધી. સૂર્ય યલો ડ્વાર્ફ- પિળીયા વામનમાંથી રેડ જાયન્ટ બનશે.
શુક્ર અને પૃથ્વીને જકડી રાખતું તેનું ગુરુત્વાકર્ષણ નબળું પડશે. તેથી, તે બે ગ્રહ થોડાક સમય માટે સલામત અંતરે સરકશે. લાલમટોળ થયેલો, ફૂલેલો વિરાટ સૂર્ય બુધને આવરી લેશે, ગળી જશે. જીવનક્ષમ પ્રદેશના આશિષ વધુને વધુ ઝડપે દૂર સરકતા જશે.
તે પછી, ફૂલેલા સુર્યના તીવ્ર પ્રકાશ અને ગરમી ગુરુ સુધી પહોંચશે. ગુરુ ફરતેના એમોનિયાના વાદળો અને પાણી તેનામાંથી છટકીને વરાળ સ્વરૂપે અવકાશમાં ફંગોળાઈ જશે. અને પહેલીવાર, ગુરુનું દેખાવડું બાહ્ય વાતાવરણ ખસી જતાં તેની નીચેની ફૂવડ સપાટી દેખા દેશે.
ગુરુના ઠંડાગાર ચંદ્રોમાંના કોઈ એક પર આપણે ઘર બનાવી શકીશું?
અગાઉ કરતા હજારો ગણા તિવ્ર સૂર્યપ્રકાશને કારણે યુરોપા અને કેલિસ્ટો(ગુરુના ચંદ્ર) પરના બરફના ગાઢા સ્તર ઓગળશે અને તેમની નીચેના દરિયા વહેતા થશે. તેના કારણે ખૂબ મોટા પ્રમાણમાં પાણીની વરાળ છૂટી થશે, જે ગ્રીનહાઉસ ઈફેક્ટના ચક્રને ગતિમાં લાવશે. ગૅનમીડ (એક ચંદ્ર) -નું એક વખતનું પાતળું વાતાવરણ ગાઢ અને ઘેરું થશે. જો ત્યાં કોઈ પણ સ્વરૂપે જીવન ધબકતું હશે તો તેના ફૂલવા-ફાલવાની, ઉત્ક્રાંત થવાની તે તબક્કે નવી તક ઊભી થશે. ગૅનમીડ તે જીવોની ધરતીમા બનશે.
આ તો અમસ્તું, કેમકે આપણે નવું ઘર સૂર્યથી સલામત અંતરે ઈચ્છીએ છીએ.
સૌર ઉત્ક્રાંતિ રોકાવાની નથી, જો કે, નવું ઘર શોધવા આપણી પાસે હજારો લાખો વર્ષ છે. બ્રહ્માંડમાં દુનિયા વસાવવાની જગ્યા શોધવા માટે ઘણો બધો સમય છે આપણી પાસે.
શનિના શા હાલ કર્યા હશે પેલા લાલમટોળ રાક્ષસી સૂર્યે? ઓહ! તેની સુંદરતા, તેની સુંદર વિંટીઓ લૂંટાઈ જશે. અને તેના ગ્રહ ટાઈટનનું વાતાવરણ પણ છીનવાઈ જશે.
અરે! આપણે તો શક્ય દુનિયાની સંભાવનાઓના છેડે આવી ગયા. અહીં છે નૅપ્ચ્યુન, જેનું નામ રોમન દેવતા પરથી પાડવામાં આવ્યું છે. ગ્રીક તેને જ પોસેઈડોન- દરિયાના દેવ નામે ઓળખતા હતા.
નેપ્ચ્યુનના ચંદ્ર ટ્રીટોન પરના દરિયાનું કોઈએ નામ પાડ્યું નથી- કારણકે સૂર્ય લાલમટોળ રાક્ષસ બને તે પછી તે ઠરેલા ચાંદા પરના ઍમોનિયા અને પાણીનાં પડ ઓગળશે. ટ્રીટોન પર એક દિવસ ૧૪૪ કલાકનો હશે. અને શિયાળો ભયંકર કાતિલ તથા પચાસ વર્ષ જેટલો લાંબો.
(આપણા પછીની પેઢીઓ નવાં જોડકણાં સાંભળશે.)
છતાં, કેટલાક કરોડ વર્ષ પછી ટ્રીટોન ઘર વસાવવાનું સારું સ્થળ જણાય છે. આપણે જોઈએ તે બધું હશે ત્યારે ત્યાં; વાતાવરણ અને પાણીના દરિયા જે જીવન જન્માવનારા બંધારણીય રસાયણો છે.
ઠીક છે, ટ્રીટોન પર ઠંડી હશે પણ જાન્યુઆરીમાં ન્યુયોર્કમાં હોય છે તેથી ખરાબ નહીં હોય. (તમે આખું વર્ષ સ્કીઈંગ કરી શકશો.)
પણ, એક દિવસ સૂર્યની બધી ઊર્જા ખલાસ થઈ જશે અને જીવનક્ષમ પ્રદેશ તરીકેના આશિષ છેક અહીં ટ્રીટોન પરથી પણ ઊઠી જશે.
જ્યારે સૂર્યનો રેડ જાયન્ટ કાળ સમેટાઈ જશે, તેના બધાં આવરણ ખસી જશે અને દેખાશે વ્હાઈટ ડ્વાર્ફ. એવો તારો, જેનામાં તેના બચેલાં સંતાનોને હૂંફ આપવા જેટલી ઊર્જા હજી બચી હોય.
તો, જો આપણે અમુક હજાર લાખ વર્ષ પછી પણ ઘર જોઈતું હોય તો આપણે સૂર્ય મંડળની સીમા પાર યાત્રા કરવી રહી; આપણે આંતર તારકીય અવકાશના અસીમ ઊંડા દરિયામાં જહાજ લાગરવું રહ્યું.
ભાગ ૪: https://interact-6aya.blogspot.com/2020/12/blog-post.html
6.12.20
૧.૪. સિતારા સુધીની સીડી
29.11.20
૧.૩ સિતારા સુધીની સીડી
28.11.20
વાર્તા કહેવાની કળા _કૃષ્ણ કુમાર
22.11.20
૧.૨. સિતારા સુધીની સીડી
15.11.20
૧.૧. સિતારા સુધીની સીડી
12.4.20
ફેંટી હુઈ કાફી યાની ડાલગાનો
કરોનાના કર્યા સામૂહિક ઘટનાના માણસ
તો, એક માણસને કેટલું જોઈએ, હેં? અને તમને તો ખબર જ છે કે આપણને બગાડ તો જરાય ગમે જ નહીં.
એટલે અડધી ચમચી કૉફી, એટલી જ માત્રામાં ખાંડ, દળેલી અત્યારે ક્યાં લેવા જવી, પડ્યું પાનું નભાવવાનું ત્યારે, અને એટલું જ હૂંફાળું પાણી એકત્ર કરી ફેંટવા બેઠાં. મનમાં ગોઠવી રાખેલું કે ઝાઝો ટાઈમ માંગે તો અડધેથી ઊભા થઈ, દૂધ ઉમેરી, બ્લૅન્ડર ફેરવી નાખવાનું. પણ, અહો, સાડા બાર સેકન્ડમાં તો લખ્ખણ દેખાવા માંડ્યા. પ્રવાહીએ વાયુ ટાઈપ ઘન સ્વરૂપ પકડવા માંડ્યું. ઉત્સાહ ત્રેવડાતાં હાથ બ્લૅન્ડરની સ્પીડે ઘૂમવા લાગ્યો. મસ્ત ફીણ બનવા માંડેલું.
પણ, હાય, ઍન્ડ પ્રોડક્ટે પહોંચ્યાના એંધાણ શું? ફીણ જામી ગયેલું, કલર ઠીકઠીક બદલાયેલો. પણ, વિડીયો કે ફોટામાં હોય છે તેવો લાઈટ નહીં. મારા વાળી કૉફી જ જક્કી. 'રંગ જાય તો પૈસા પાછા' બ્રાંડ. એમાં વળી હમોએ સ્ટાન્ડર્ડ માપ ફોલો નહોતું કર્યું. એટલે ફીણ કેટલુંક થાય ત્યારે હાઉ કરવું એ ગંભીર સમસ્યા થઈ પડી.
પણ, ઉકેલ કોને કહ્યો છે! હાથે કહ્યું, 'હવે હેઠા પાડો.' એટલે હમોએ તુરંત માની લીધું. દરમ્યાન, ડાબા હાથે મોબાઈલ મંત્રણા જારી રાખેલી. મલ્ટી ટાસ્કીંગ. તેમાં આ બલાની જન્મપત્રી શોધી કાઢી. જડ્યું તો ઘણું બળ્યું, કોરિયા ન સૅલીબ્રિટી નેઈમ ન ખોટાહાચા ઉચ્ચાર. પણ, આપણું દિલ ઠર્યુ 'ફેંટી હુઈ કાફી' પઢકર. 'લા, બધી વૈજ્ઞાનિક શોધોની જેમ આ તો આપણી ઈજાદ! અને તે ય કેવી! ખબર પડી જાય કે ભારતીય છે. કઈ રીતે?
વારું, કૉફી બનાવતા પહેલાં જેમ હમોએ દો ચમ્મચના બદલે અડધી ચમચી પ્રમાણમાપ રાખેલું, એ જ વૃત્તિના દોરવાયા વિચારેલું કે ખોટાં વાસણ નહીં બગાડવાના. જે કપમાં ફેંટીએ એમાં જ ઠંડુ દૂધ ઉમેરવાનું અને વિજ્ઞાનને આપણી મદદ કરવા દેવાની. ઠંડું દૂધ તળિયે જશે અને હવાદાર કૉફી વાદળ ઉપર આવી જશે. ફોટો પાડીશું તો કાંઈ ખબર પડવાની દુનિયાને!
અને અદ્દદલ આ જ તો રીત છે શુદ્ધ ભારતીય ફેંટી હુઈ કાફીની! તમારું હનીકૉમ્બ કે ડાલગોના વાસણ વધારે. દુધની ઉપર ફીણ મૂકવાનું. આપણા ભારતીયમાં કૉફી ફીણની ઉપર દૂધ રેડવાનું.
હમો એમ જ કરવાના હતા. પણ, આદતન ભૂલ થઈ ગઈ. ચાના મગમાં કૉફી ફેંટવા બેઠાં. પ્રશ્ન સાઈઝનો ન હતો, પારદર્શિતાનો હતો. ચાના મગમાં ફોટો પાડીએ તો દૂધ-કાફીના પડ નૉ઼ દેખાય.
સદુ:ખ, શરબતનું પવાલું કાઢ્યું. દૂધ ભર્યું અને પ્રાશ્ચાત્ય, સૉરી, અત્રે કોરિયન હોવાથી નોર્ધન સભ્યતા સમક્ષ હાર સ્વિકારી ઉપર કાફીવાદળ ઉમેર્યું.
હજી સમસ્યાઓ પીછો નહોતી છોડતી. આને પીવી કેમ? પોતાની રસોઈ આવડત અંગે જરા પણ શંકા ન હોવાથી હિંમત કરીને પહેલો ઘૂંટ ભર્યો. વિજ્ઞાન! ઠંડા તેમજ પ્રવાહી હોવાથી ભારે એવા દૂધે ઉપરના કાફીવાદળમાંથી માર્ગ કંડારી મુખગુહામાં પ્રવેશ કર્યો અને વાહ! સૌ પ્રથમ તો ગિલાસ મૂકીને પોતાનો જ ખભો થાબડી લીધો. ત્યારબાદ, બીજો ઘૂંટ ભર્યો. આ વખતે વિજ્ઞાનને યાદ આવ્યું કે પોતે તો કુદરત છે! એટલે ફાંટેબાજ બની બેઠું. એકલું દૂધ મોઢામાં આવ્યું. પછી નક્કી કર્યું કે પ્રયોગ આદર્યો જ છે તો પૂરો કરવો. ફિલ્મોના પ્રતાપે, નાજુકાઈથી પ્રવાહી યુક્ત પવાલાને હલાવી શકાય, તે પણ અંદરના પદાર્થોને મિશ્રણ બનવાની તક મળે તે રીતે તે હકીકત હમો જાણતા હતા. સાવચેતીના પગલાં રૂપે, સોફામાંથી ખસી, બેસીન પાસે જઈ પારદર્શક ગિલાસ હલાવ્યો અને તાબડતોબ ઘૂંટ ભર્યો. સપ્રમાણ માત્રામાં મિશ્રણ બનેલ. બસ, પછી તો એમ હલાવી હલાવીને દોઢસો ગ્રામ દૂધ વત્તા એટલી જ જગ્યા રોકેલ ફેંટી હુઈ કાફીને ઉદરસ્થ કરી મહાસુખ પામ્યા.
જેઓ આ કથાને વાંચી પોતાની અનુકૂળતા મુજબ ફેંટી હુઈ કાફી પીસે, એટલે દળવાની નથી, ત્યાં ક્રિયાપદ ગુજરાતીમાં છે, તેને મનવાંછિત સુખ મળવા બાબતે હમો કોઈ ખાતરી આપતા નથી.
8.4.20
वयं रक्षाम:
અત્યારે આ નવલકથા વાંચી રહી છું. કથાની શરૂઆત શૃંગાર અને તેમાં મીઠા જેટલા શૌર્યથી થાય. શરૂઆતથી જ બળકટ ભાષા, વિશેષણોનો ખડકલો અને લાંબા વાક્યો મજા આપવા માંડે. અને પછી શરું થાય માહિતી ધોધ. ભારતીય તરીકે ક્યારેક ને ક્યારેક જે નામ સાંભળ્યા હોય તેવા, દેવ,દાનવ,યક્ષ,ગંધર્વ, રાક્ષસ વગેરે વગેરેના, તે બધાની વંશાવળી. મને એકવાર તો થયું કે ફ્લોચાર્ટ બનાવું બધાનો! સતત "આ તો જાણું છું.- આ નહોતી ખબર.- આ બાબત/સબંધ ખબર હતા પણ આ રીતે નહીં." એમ થયા જ કરે.
મને સૌથી રોમાંચિત કરી પ્રહલાદની વાતે. પ્રહલાદ, ધૃવથી માંડી બિરબલ જેવા લિજેન્ડરી પાત્રોની વાત જ્યાં પુરી થાય, મારા મનમાં પ્રશ્ન ઉભો થાય : પછી શું થયું? ધૃવ તારો બની ગયો પછી શું થયું? પ્રહલાદ રાજા બન્યો પછી...? બિરબલે કોયડો ઉકેલ્યો પછી...?
એમાં પ્રહલાદનું પહેલાં-પછી આ નવલકથામાં આવતું જાય અને મને જે બાળસહજ જલસો પડે! એવી જ મજા નારદ, વશિષ્ઠ-વિશ્વામિત્ર બારામાં આવે.
આ નવલકથા રાવણાયન છે, તેનો ઍવર રોમેન્ટિક (આ વાત મને ખૂબ રમૂજ કરાવે છે વાંચતી વખતે. રાવણને તો આક્રાંતા તરીકે જ કલ્પ્યો હોય એટલે.) હિરો રાવણ અને તેના પરાક્રમો. હજી હું નવલકથાના પૂર્વાર્ધમાં સીતા હરણ સુધી પહોંચી છું એટલે આ નવલકથા સંદર્ભે રાવણના પાત્ર અંગે આગળ કંઈ કહેવાય એમ નથી. છતાં, વિસ્તાર વાદી રાજા તરીકે રાવણની કુનેહ અને કુટુંબ ગૌરવ માનવાં પડે.
આપણે ત્યાં જીવના જન્મના સ્તર અંગેની સભાનતા ખાસી છે. જેમકે, મને બોલચાલમાં આવા શબ્દોનો પરિચય છે : રાક્ષસ યોની, પ્રાણી યોની. 'રાક્ષસ કુળ' જેવા શબ્દો ય ખરા....આ નવલકથા વાંચતા વધુ એક સ્પષ્ટતા ફરી ખુલી તે એ કે દેવ, દૈત્ય, રાક્ષસ એ કુળ અથવા સમૂહ હતા, માણસોની નાત જેવા અને માણસોનાં જ. 'અમારે ત્યાં આવું થાય/ન થાય.' બ્રાંડ રીત રસમ જે-તે સમૂદાયને જુદી ઓળખ આપે છે તેવી પ્રણાલીઓ દેવ,દાનવ, ગંધર્વની ઓળખ અને એક સમૂહને બીજા સમૂહ સાથે જોડતી કે જૂદી પાડતી સીમાઓ. દેવ એટલે વેદ અને યજ્ઞ પરંપરાને માનનાર, એમ.
રાવણનું ધૃવ વાક્ય છે, 'વયં રક્ષામ:'. 'રક્ષણ કરવું' એક પવિત્ર ફરજભાવ તરીકે ચિત્તમાં એવું દ્રઢ કે રાવણ- રક્ષણ કરનાર એક સાથે બેસે જ નહીં. પછી 'રક્ષ'ના અર્થો જાણ્યા ત્યારે કંઈક વેન્ટિલેટર પરની રેખા નૉર્મલ મોડમાં આવી હોય તેવી લાગણી થઈ.
આગળ કહ્યું એમ ભાષા આ નવલકથાનું એક સબળ પાસુ. આપણા પૂર્વજોનો પરિચય આપતી વિગતોનો ખડકલો કર્યા પછી આચાર્ય ચતુરસેન નવલકથાની મૂળ વાર્તા હાથ પર લે ત્યારે પૂરી ફૂરસદથી લખે. અપરિચિત હોવા છતાં, ભારતીય સાંસ્કૃતિક વારસાને કારણે સમજાઈ જાય તેવા શબ્દો ઉપરાંત એક, એક સંવાદ, સ્થળ અને પાત્ર પરિચય, શૃંગારિક વર્ણન અને યુદ્ધ... વળી, ચમત્કાર લાગે એવું ખાસ આવતું નથી. ખાસું દુન્વયી. ક્યારેક બે બળિયા યુદ્ધ કરતા હોય ત્યારે બાકીની સેના તેમને જોવા થંભી જાય એવી વાત આવે અને 'માળુ, એવું ય થાય ખરું, હો!' એમ લાગે. રામાનંદ સાગરના સ્ક્રિપ્ટ રાઈટર્સ અને ઍક્શન ડિરેક્ટરે સો ટકા આ કથા વાંચી હોવી જોઈએ- યુદ્ધુના વર્ણન એવાં મળતાં આવે. લેખકની પોતાની વૈચારિક છાપ બેશક આવે તેના લખાણમાં. એમનો ભારતપ્રેમ ક્યારેક એટલો વધી જાય કે હાસ્યાસ્પદ લાગતા તારણોએ પણ પહોંચી જાય. એવું એક વાક્ય વારંવાર આવે, "કહો, મૈં તુમ્હારા ક્યા પ્રિય કરું?" -જે મને અંગ્રેજીનો નબળો ચાળો લાગે છે.
આર્યન થીયરી સામે ભારતીય મૂળની પોતાની થીયરીઝ છે. દક્ષિણ ભારતનો પૌરાણિક ના સહી, તે પછીનો ઈતિહાસ પણ દબાઈ ગયેલો લાગે જ્યારે જ્યારે તેના વિશે વાંચવામાં આવી જાય. દક્ષિણપૂર્વ એશિયાના દેશોમાં ભારતની સાંસ્કૃતિક છાપ પાછળ દક્ષિણ ભારતના વ્યાપારી તેમજ રાજકીય સાહસો વિશે આપણે જાણીએ તો છીએ, પણ તે આપણા ભારતીય ગૌરવનો સભાન હિસ્સો નથી. ઍટલીસ્ટ, મને મારા માટે તો એમ લાગ્યું છે.
તેવામાં, આ નવલકથા માનવ પ્રજાતિના વિશ્વમાં ફેલાવાના કેન્દ્ર સ્થાને ભારતને મૂકે છે. દિતી- અદિતીના સંતાનો એશિયા જ નહીં, કાસ્પિયન સમુદ્ર અને આફ્રિકા સુધી વ્યાપ્યા. આ વાતની સાબિતી તરીકે આચાર્યશ્રી ઘણી ભાષાકીય તેમજ રીવાજો અને સ્થાપત્ય આધારિત સાબિતીઓ મૂકે છે, જેમાં સ્પષ્ટ અતિરેક અને ક્યારેક ભાવુક દેશપ્રેમ દેખાઈ આવે. પણ, એ સંભાવના જ કેટલી રોચક, રોમાંચક છે!
આ વાંચતા બીજો એક વિચાર સતત સાથે રહે છે અને માત્ર વિચાર તરીકે ય રસતરબોળ કરી દ્યે છે : ગ્રેબીયલ માર્ક્વેઝ પાસે આવો કાચો સામાન હોય તો તે કેવી નવલકથા લખે!
ઑનલાઈન મુક્ત પ્રાપ્ય છે. ઍમેઝોન પર પણ છે.
પૂર્વાર્ધ : https://drive.google.com/file/d/1NKouCcKaT8Lpmo0RGxWBW8lAOJhxVyKi/view
ઉત્તરાર્ધ : https://drive.google.com/file/d/1j6rzgbOcNRWxINhtPiOf3HagCYjlf7nt/view
4.3.20
કૉસ્મોસનું પોતીકું કેન્દ્ર
લીંપણના ઉત્તર ભાગે ગમાણ રહેતી. દિવસ દરમ્યાન ઢોર ત્યાં રહેતું. હવે ત્યાં ગાડીઓ બંધાય છે.
ઓટલીઓ વચ્ચેથી પ્રવેશતાં ચાલીસ બાય દસની પરસાળ આવતી. ડાબી તરફના ભાગે, સીમેન્ટના 'પ્લાસ્ટર' તળિયાના એક ચોકઠામાં 'અમદાવાદ' રમત અંકાવેલી બાપુજીએ. સંતાનો, દીકરા-દીકરી જ નહીં, પુત્રવધુઓને ય ભણાવવાની સૂઝ રાખનારા બાપુજીની સમજનું એ 'અમદાવાદ' ચોકઠું વધું એક ઉદાહરણ બની રહેલું. બંને વૅકેશનમાં બધા ભાડરડાંનો દિવસ તેને ફરતે પસાર થતો.
પરસાળને જમણે છેડે 'ઓય્ડી'. આસપાસના ગામોના સગાં-સબંધીઓના વિદ્યાર્થીબાળનો વિસામો, પરીક્ષા સમયે વાંચન કેન્દ્ર. મામા-માસીઓના મોંઢે તેઓ અને તેમના મિત્રો 'ઓય્ડી'માં કેવું ભણતા અને ઉંમર શકે ઊ આનંદમસ્તી કરતા એ સાંભળીને મનમાં ચોંટી પડેલું કે ભણવું હોય તો 'ઓય્ડી'માં બેસવું. આગળ ભણી ગયેલાઓના તપના તરંગ જાણે ત્યાં ઘૂમરાતા હોય એવી અનુભૂતિ થતી.
ઓરડીની પરસાળ તરફી દિવાલ અને ઘરની મુખ્ય દિવાલનો ખૂણો પડે તેમાં માપસર બેસે એવી પાટ બાપુજીએ બનાવડાવેલી, બાપુજીની છાપ જેવી મજબૂત, પહોળી, ઊંચી. જેમને જોયાની મને સ્મૃતિ નથી એવા બાપુજીના મોટાભાઈ મણીદાદાનું સ્થાન ત્યાં હતું. એટલે, મણીદાદા જોયા ન હોય તેવા મારા પછીના બાળકો માટે પણ એ મણીદાદાની જ પાટ હતી. ત્યાં બેસી બાળકો ગૃહકાર્ય કરતાં, બપોરે કોઈ 'સિએસ્ટા' કરતું અને મહેમાન ઈચ્છે તો ત્યાં જ ગોઠવાતાં. લાઈટ આવ્યા પછી ઈસ્ત્રીશુરા નંદુમામા સાથે એ પાટ એક જ દ્રશ્યનો હિસ્સો બની ગયેલી.
મુખ્ય પ્રવેશદ્વાર, 'બાય્ણું' નવ ઈંચ જાડા લાકડાનું. લાકડાના ચોકઠા પર ફૂલ-પત્તીની ભાત કોતરેલી, બંને બારણા પર પાંચ-છ ઈંચના ચોરસ બનાવી તેમાં ફૂલની ભાત અને દરેક ચોરસના કેન્દ્રમાં પીત્તળનો ખીલો જડેલો. ખીલાની નીચે, ચોરસ અને ફૂલના કેન્દ્રમાં ફૂલ જેવી જ ભાત વાળી પીત્તળની તકતી જડેલી. જમણા બારણામાં ચારેક ફૂટની ઊંચાઈએ એક તકતી બારણાના લાકડા અને ખીલા વચ્ચે ચકરડીની જેમ ફરતી રહે એમ છૂટી પડી ગયેલી. ના તો કોઈએ તે ખીલો ઠીક કરાવ્યો, ના તે ફૂલ આકારની તકતીને ચોંટાડવા પ્રયત્ન કર્યો. કેમકે, ઘર-ફળિયાનું પ્રત્યેક નાનું બાળક રડવા ચઢે ત્યારે તેને તેડીને કોઈ વડીલ પેલી તકતી ફેરવતા અને તેના ફરવા સાથે ઓગળતી ધારોના વિસ્મયમાં પ્રવેશી પ્રત્યેક રડતું બાળક રાજી થઈ જતું.
તે બારણાં કોઈ જાદુથી કમ ન હતાં. અઢાર ઈંચ જાડી દિવાલમાં નવ ઈંચ જાડા બારણાં બંધ થયા પછી ય પહોળાઈ બચતી. બારણાં બંધ કર્યા પછી અંદરના ભાગે સેફ્ટી લૅચ તરીકે 'આડુ' હતું. જમણી દિવાલના પોલાણમાં તે આડુ દિવસભર છુપાયેલું રહેતું. રાત્રે ચાર ચોરસ ઈંચની જાડાઈ- ચારેક ફૂટ લંબાઈનું તે આડુ દિવાલમાંથી બહાર કાઢી ડાબી તરફની દિવાલમાં માપસરના પોલાણમાં ફીટ કરાતું. ફિલ્મોમાં કોટનો દરવાજો તોડવા સૈનિકો, હાથીઓને મથતા દ્રશ્ય બાળપણમાં જોતી ત્યારે તે દરવાજાની મજબુતાઈ પર શંકા ન જતી. તેના પ્રોટોટાઈપ બારણાં મારા અનુભવમાં હતાં. આડા ઉપરાંત એક ઊભા સેફ્ટી લૉકની વ્યવસ્થા પણ હતી. તે લૉક બહારથી પણ ખોલી શકાતું. બારણાં પર બનાવેલી ચૉરસ ભાતના ભાગ તરીકે જ એ ગોઠવણ 'સ્માર્ટ' વ્યવસ્થા હતી. જાણકાર વ્યક્તિ તે લૅચને બે આંગળી વડે ઊંચો કરે ત્યારે અંદરની તરફ ઉંબરાના ખાડામાં ચસોચસ બેસેલું લાકડું ઊંચું થતું અને 'લૉક' ખુલી જતું.
ઉંબરાનો સાડા ત્રણ ફૂટ બાય અઢાર ઈંચનો ખરબચડો પથ્થર નૃસિંહ અવતારની વાર્તા જાણ્યા પછી મારે મન મહત્વનો બની ગયેલો. અનકૉન્સ્યસલી, તે પથ્થર પર મેં નૃસિંહ અવતાર અનેકો વાર 'જોયેલો', કેમકે મારી પંકાયેલી જિજ્ઞાસુ જીગર મને પોતાને પ્રહલાદ સાથે એકરૂપતા આપતી.
પચ્ચીસ બાય પચ્ચીસનો મુખ્ય ઓરડો, કેટકેટલા લાઈફ ઈવેન્ટ્સનો સાક્ષી, ફિઝિક્સ અને ફિલોસોફીના પ્રતિક જેવી એક પાતળી થાંભલીને ટેકે હતો. ઓરડાને જમણે છેડે 'ઍલ' શેઈપમાં પાણીયારું, સીમેન્ટ વડે મોર ચીતરેલું. પાણીયારાના 'ઍલ'ના ટૂંકા છેડે રસોડાનું બારણું. જમણી તરફ, ઈશાન ખૂણે પહેલાં ચૂલા હતા, બે. શિયાળામાં રાત્રે તેની આગળ બેસી જમવું ગમતું. પછી પ્રાયમસ- કૅરોસીન સ્ટવ આવ્યો, ગોબરગેસ આવ્યો અને છેલ્લે બાટલા ગૅસ બદલાયો.
મુખ્ય ઓરડાનો જ એક ભાગ, નાની ઓટલીથી છૂટો પડતી ઉત્તર તરફ વીસ બાય પચ્ચીસની ગમાણ. બે બળદ, ત્રણ ભેંસ હતા ત્યારથી તેની સ્મૃતિ શરૂ થાય છે મારે માટે. તે પહેલાં એક ઘોડી સહિત પંદર ઢોર સમાતાં તેમાં. ગમાણની ઉપરના માળે વર્ષ ભરનું ઘાસ-પૂળા ભરાતા. ભણવાની ઓય્ડીની દિવાલે લાકડાની સીડીથી તે ઉપરના માળે જવાતું. 'હુંને ચંદુ છાનામાના...' ગીતના કાતરિયાની વ્યાખ્યા કરતાં લાંબું-પહોળું. ત્યાં ખાટલામાં ઘાસ પાથરી કેરી પકવવા મૂકાતી. બપોરે વડીલ સમૂહ ચાર પાંખો વાળા ગામના પહેલા પંખા નીચે આડા પડખે થયો હોય ત્યારે કેરી ચૂસવા ત્યાં ચઢવાનો રોમાંચ રહેતો. થ્રીલ મારા નસીબમાં નહોતી. મને, ભાંણીને કોઈ લડતું નહીં.
મુખ્ય ઓરડાની પૂર્વ દિવાલની અડધી લંબાઈને આવરીને છત સાથે ૪૫°ને ખૂણે દેવી-દેવતાઓના ફોટા લગાવેલા. એ તો પાછળથી ખબર પડી કે એ બધી રાજા રવિ વર્માના 'પેઈન્ટીંગ'ની પ્રત હતી. ચકલીઓ તેની પાછળ ઘર બનાવતી અને તે શુભ મનાતું. બાકીની અડધી લંબાઈએ લગાવેલાં પાટીયાં પર તાંબા-પિત્તળ-સ્ટિલનાં ચકચકિત લોટા, ઘડા, બેડાં ગોઠવાયેલા રહેતાં. તે જ દિવાલના પાણીયારા તરફના છેડે, તળિયાથી એક વેંત ઊંચે, દિવાલમાં જ બનાવેલું 'દેવ સેવાનું તાકુ' હતું. 'ભગવાંન ન ભણતર શિવાઆય કશુંય કૉમ ની લાગઅ.' એ સલાહ ટીનેજ સુધી બરાબ્બર અપનાવેલી. પછી ભણતર જ ભગવાન બની ગયું, તે પણ નિષ્કામ.
મુખ્ય ઓરડાની પાછળ કોઠાર વાળો ઓરડો. ઉત્તર-દક્ષિણ બંને તરફની દિવાલોમાં બે-બે એમ કુલ ચાર કોઠાર. સો મણ અનાજ સમાઈ જાય. અનાજ ભરવાનું હોય ત્યારે ઉપરથી વાંસ-કાગળના માવાથી ઘરે જ બનાવાયેલ ટોપલા વડે ઠાલવવાનું. કાઢવાનું થાય ત્યારે, વળી એક જાદુગરી જેવી વ્યવસ્થા. બહારની તરફ દસ બાય દસ ઈંચના પોલાણમાં પતરું એમ ગોઠવેલું કે તેને ઊંચું કરતાં કોઠારમાંનું અનાજ દબાણ વશ ઝડપથી ધસી પડતું. ખપ પૂરતું અનાજ કાઢી પતરું પાછું ફસાવી દેવાનું. તે કોઠારમાં ઘરેણાં ય રખાતાં. પરિવારનાં અને અમારા પર વિશ્વાસ મૂકી પોટલામાં કિંમતી સામાન મૂકી જતા કેટલાક ભરવાડ પરિવારોના પણ. પૉલીશ વગર ચમકતા ભરવાડના સોનાના ઘરેણાં જોયા પછી સોનાની કિંમત અંગે ક્યારેક શંકા નથી થઈ. તે ઓરડાની ભોંય રેડ ઑક્સાઈડથી રંગેલી. જનોઈ માટે માતાજીના જવારા કરવા સમાજના પરિવારો માટેની સૌથી અનુકૂળ જગ્યા. તેના ઈંટ જેવા ઘાઢ 'ક્રિમઝ્ન' લાલને કારણે પવિત્રતાનું પ્રતીક લાગતું. એ જ ઓરડામાં ચોપાટ દોરેલી. પરિવારની કેટલીક ઘટનાઓ અને મહાભારતની ધૃત સભાના સંદર્ભમાં તે ચોપાટ પ્રત્યે મનમાં સૂગ બેસી ગયેલી. જેમની સૂઝ, સમજ, નૈતિકતાની ગાથાઓ પરિવાર, ગામ, સમાજના મોંઢે સતત સાંભળેલી, ફોટામાંના ચહેરા પર પણ જેમની પ્રજ્ઞા સ્પષ્ટ દેખાતી તે બાપુજીએ શા માટે ચોપાટ દોરાવાની 'ભૂલ' કરેલી એ પ્રશ્ને ખૂબ સતાવેલી. કોઈ જવાબ વગર એ સવાલ મોટપણે ખરી પડેલો.
બાપુજી, મમ્મીના પપ્પા, બાપુજી જ હતા. તેમનું એક જ પણ મધુર ચિત્ર મારી સ્મૃતિ પાસે છે, તેમના પેટ પર બેસી દૂધ પીતી વખતે મને દેખાતો તેમનો ખુશહાલ ચહેરો. શક્ય છે કે તે સ્મૃતિ અસલ નહીં, વડિલોની વાતોને કારણે મારા મને બનાવી કાઢી હોય. કેમકે, બાપુજીનો ખોળો તો મારી પોણા બે વર્ષની ઉંમરે છૂટી ગયેલો. બાપુજી. 'નાના' શબ્દ નથી ગમતો. હું તો એ વાતાવરણમાં ઉછરેલી જ્યાં મમ્મીના પપ્પા ય 'દાદા' જ હતા. 'નાના' શબ્દ એક વ્હાલના ઢગલાને નાના બનાવવાનું ષડયંત્ર લાગે છે.
છેલ્લો ઓરડો નળિયાં સજ્જ ત્રાંસી છતનો છેડો હોવાથી નીચો હતો, સાંકડો પણ. તેમાં એક ખૂણે જૂનું રસોડું, બીજી તરફ 'જણ' માટેની જગ્યા. 'જણ' એટલે વાર્ષિક ચૂકવણું આપી ઘર માટે રોકેલ સાથીદાર. તે ઓરડીને ઝાઝી દિવાલ ન હતી, બારણાં પણ નહીં. દિવાલ અને બારણાના નામે જાળી હતી. ચાળીસ બાય છના તે ઓરડામાં ખેતીનાં ઓજાર પડી રહેતા.
તે પછી વાડો. વિશાળ, લગભગ એંસી બાય દોઢસો ફૂટ લાંબો-પહોળો. તેથી વધારે હશે. ચોમાસામાં અડધા વાડામાં ભીંડા, ગુવાર અને ચોળી કરાતાં. વિજ્ઞાન ભણતાં થયાં પછી અમો ધાંણા ઉર્ફે કોથમીર કરાવતાં. શિયાળામાં વાલો'ર', દૂધીના વેલા વાડે આપોઆપ ઉગી નીકળતા. શાક ખરીદવાની ચીજ છે એ સંકલ્પના જીવનમાં મોડેથી પ્રવેશેલી. વાઢણી પછી પરા'ર'ના ઢગલા મંડાતા. જેમાં રમવાની, સૂકું ઘાસ કરડતું છતાં, અથવા એટલે, મજા આવતી. કમોસમી વરસાદ પડે ત્યારે વાડામાંથી અનાજ ઘરમાં લાવવા જે ઊચાટભરી ધમાલ થતી, અમે બાળકો સુધ્ધાં અમારી ટોપલીઓ વડે ખિસકોલી કામમાં લાગી જતાં, એ ફઈડકો આજે ય કમોસમી છાંટા વખતે ધબકી જાય છે.
ઉનાળામાં રાત્રે વાડામાં ખાટલા પથરાતા. શિયાળામાં સવારે ત્યાં ભણવા બેસતાં. સૂર્યને મેં વાડામાં ઊગતો, આંગણામાં આથમતો જોયો હતો. વિજ્ઞાન ભણ્યા પછી ય, ભાભીના પિયરમાં સૂર્યને ઘરની સરખામણીમાં 'જુદી' જગ્યાએ ઊગતો જોવો માનવામાં નહોતો આવ્યો. પોતાના પર હસવું આવેલું કે વરધરીનું ઘર મારા કોસ્મોસનું કેન્દ્ર બની ગયેલું.
વાડાની દક્ષિણ તરફ આઠ બાય દસનું બાથરૂમ, નાવાની ઓય્ડી. બાથરૂમના ઈશાન ખૂણે ચૂલો અને અંદર જ હેન્ડપંપ. શિવજીએ ત્રણ વાર ન્હાવાની આપેલી આજ્ઞાનું પ્રતિક લાગતું અમારૂં બાથરૂમ મને. મે મહિનામાં ય પાણી ગરમ કરીને ન્હાવાના સંસ્કાર અમદાવાદની ગરમીથી ધોવાયા. એમ છતાં, જ્યારે ગરમ પાણીથી સ્નાન કરવાનું હોય ત્યારે તે લાકડા જેવું હોય તો જીવને 'ઠીક' રહે છે.
"ઘરને ય ઉંમર નડે. બદલાતા જમાના, જરૂરિયાત સાથે તેને ય ઍડજસ્ટ થવું પડે. પંચ્યાસી વર્ષનું એ ઘઈડ્યું અને પછી નંદુમામાનું કહેવાતું ઘર હવે સ્મૃતિ શેષ બની ગયું છે.
2.3.20
કુવી
ગામનું પહેલું વહેલું ટી.વી. શનિરવી છોકરાં ટીવી માલિક બચુમામાને થકવી નાખે. હું પણ ત્યાં જોવા જાઉં. મને, મોસાળમાં બધે મળતી એમ, ખાસ સવલત મળે- ટીવીની સામે બેસવાની. 'સફેદ હાથી' ફિલ્મ હતી તે રાત્રે. બચુભાઈનો ટીવીવાળો ઓરડો ખીચોખીચ ભરાઈ ગયેલો. કંટાળેલા ટીવી માલિકે ઘર અંદરથી બંધ કરી દીધેલું. કોઈ કારણસર હું મોડી પડી હતી. મારા મામાએ બારણું ખખડાવી, ખોલાવી, 'નૈતિક' ભાષણ આપી દીધેલું નાનકડું-"ભૉણીન જોવા નથી ખોલતો!" આજે ય એ ફિલ્મના અમુક દ્રશ્ય યાદ છે.
નવરાત્રીએ વેશભૂષા હરિફાઈ. પાંચમામાં ભણતી મેં ભરવાડણ બનવાનું ઠેરવેલું. કેટલાક ભરવાડ સાથે પેઢીગત સંબંધ. તેઓ બીજે સ્થળે જતા ત્યારે તેમનો કિંમતી સામાન અમારા કોઠારમાં સચવાતો. તે દિવસોમાં ભરવાડોએ કેટલાક ડૂંગર વટાવવા પડે એટલે આઘે ડેરા નાખેલા. અમે- હું અને મામા, તે ડૂંગરો વટાવીનેય 'ડ્રેસ' લઈ આવેલા. એટલા ડૂંગર કે આજે વિચારું તો ટ્રેકિંગના અનુભવો પછી પણ નર્યું ગાંડપણ લાગે. નંદુમામા મારે માટે એવાં ગાંડપણ કરતા.
ક્યારેય વહેવાર અને તહેવાર ચૂક્યા નહીંં. હક આવડ્યો નહીં, ફરજ ચૂક્યા નહીં. તેમના યથાશક્તિ તાંદુલ બધાને હંમેશાં મળતા રહ્યા. 'નાનાની મોટાઈ' રૂઢીપ્રયોગ મારા નાનામામા પર ચોટડૂંક બેસતો.
તેમને મેં પરિસ્થિતિવશ ખવાતા ય જોયા.
અને અમારા સંબંધના પરિમાણ બદલાયા. તેમને મારા પર ગજબ ભરોસો રહ્યો. છેલ્લી ઘડી સુધી.
મૃત્યુ ડરાવતું નથી મને. પણ, સ્મૃતિઓના પુલના પીલર એક પછી એક ખરે ત્યારે મૂળિયાં ખળભળી ઊઠે છે. તે સમયના લાંબા-પહોળા અમારા આંગણામાં એક કુવી હતી. પહાડ જેવા પાત્રોથી સભર મારા જીવનમાં નર્મદાશંકર તે કુવી હતા.
16.2.20
કૉસ્મોસ _૨૨
કેટલાક કરોડ વર્ષ સુધી પૃથ્વીને મૃતકોનો ગ્રહ કહેવી પડે તેવી સ્થિતિ રહી.
પેલા મહા વિનાશમાંથી જે કેટલીક પ્રજાતિઓ પોતાને બચાવી શકી, તેમાંથી એકના આપણે વંશજ છીએ.
આપણે આજે માણસ તરીકે જીવીએ છીએ કારણકે જીવનના સૌથી ખતરનાક-દગાબાજ કાળમાં તેઓ પોતાના જનીનને સહનશીલ બનવા સમજાવી શક્યા.
ટૅક્સાસ અને ન્યુ મેક્સિકો વચ્ચેથી પસાર થતી ૪૦૦ માઈલ લાંબી ગુઅડલ્યુપ પર્વતમાળાના એક ભાગને જોઈએ.
તે પર્વત જીવંત સજીવોથી બન્યો હતો.
મહા વિનાશ શરૂ થતાં પહેલાં, પર્મીયન ગાળાના શ્રેષ્ઠ સમયે અહીં જીવનની વસંત પાંગરેલી.
તે છે દુનિયાની સૌથી મોટી અશ્મિ કરાડ (ફોસીલ રીફ).
એક સમયે તે દરિયાની અંદરની તરફ હતી. લાખો વર્ષ સુધી તે કરાડ બનતી ગઈ, પાંગરતી ગઈ, સમૃદ્ધ થતી ગઈ; જે વાદળી (સ્પોન્જ), લીલ અને નરી આંખે ના દેખાય તેવા સંખ્યાબંધ પ્રાણીઓનું ઘર હતી.
જ્યારે તે સજીવો મૃત્યુ પામતા, તેઓ ડૂબીને તળીયે જતા અને દરિયાની ફાટમાં દટાતા.
કરોડો વર્ષ પછી, તેમના અવશેષો ખનીજ તેલ, ખનીજ વાયુ બન્યા.
કોઈ કાળે, તટપ્રદેશ ફસકીને દરિયાની ફાટની અંદર જતો રહ્યો અને પેલી જીવંત કરાડ ખતમ થઈ ગઈ.
ત્યારે, તે દરિયાઈ શહેર, જે મૃતકોનું બનેલું હતું, સપાટીથી લગભગ એકાદ માઈલ નીચે દટાયું.
પાછળથી, ટૅક્ટોનિક બળો તે કરાડના હાડપિંજરને દરિયાઈ સપાટીની ઉપર લઈ આવ્યા. જ્યાં તે સદીઓ સુધી પવન અને વરસાદની છીણી-હથોડી વડે ઘડાતું રહ્યું.
કલ્પના કરો, ૨૭૫૦ લાખ વર્ષ પહેલાં, જીવનથી ધબકતા, એક દરિયાઈ તટવર્તી હૂંફાળા વિસ્તાર તરીકે તે જગ્યા કેવી લાગતી હશે!
ત્યારે ઈંગ્લેન્ડ અને ઉત્તર આફ્રિકા શાખ પાડોશી હતા.
એટલાન્ટિક સમુદ્ર નામની કોઈ ચીજનું અસ્તિત્વ જ ન હતું.
તેને બદલે હતા નાના મોટા સરોવરો.
તે સરોવરો એક વિશાળ ખંડના ખંડ-ખંડ થવાની અને પૃથ્વી પરના જીવન પર મોટી ઘાત આવવાની નિશાની હતા.
લાખો વર્ષ પછી તે સરોવરો લાંબા અખાત બન્યા અને છેવટે વિસ્તરીને ઍટલેન્ટીક મહાસાગર બન્યા.
સપાટી પરના આ તીવ્ર-મોટા ફેરફાર હકીકતે પૃથ્વીના પેટાળમાં થઈ રહેલી ભયંકર ઉથલપાથલના જ લક્ષણો હતો.
પણ, આપણે તેમને જોવા પહોંચીએ તે પહેલાં વૈશ્વિક ઉથલપાથલના તે ચિહ્નો દરિયાના પેટાળમાં દટાઈ ગયા.
પૃથ્વી પરના હિંસક ભૂતકાળથી આપણે સાવ જ કપાઈ ગયા. આપણે બન્યા એક સ્મૃતિભંશ પ્રજાતિ કે જે જાણવા- શોધવા નીકળી હોય કે પોતે જાગી તે પહેલાં પોતાના ઘરમાં શું થયેલું?
ગોલ્ડન એઈજ ઑફ ઍક્સપ્લોરેશનના ૮૦ વર્ષના (૧૪૯૦-૧૫૭૦) સંશોધનોને આધારે અબ્રાહમ ઑર્ટેલિયસે ૧૫૭૦માં દુનિયાનો પહેલો વહેલો આધુનિક નકશો બનાવ્યો.
બીજા કેટલાક ચુનંદા લોકોની જેમ તેના ધ્યાનમાં પણ આવ્યું - પોતાની અદ્વુત રચનાને બે ડગલાં પાછળ ખસીને જોતાં- કે ઍટલાન્ટિકની બંને તરફના ખંડ એકબીજાને ચસોચસ બંધ બેસે છે; કોઈ એક કોયડાના બે ટૂકડાની જેમ.
ઑર્ટેલિયસે જ પાછળથી લખ્યું કે ઘણા બધા ધરતીકંપ અને પુરને કારણે અમેરિકા અને યુરોપ આફ્રિકાથી છૂટા પડ્યા.
પણ, કેટલીક સદીઓ સુધી ઑર્ટેલિયસનું અવલોકન એક અંત: સ્ફુરણા જ બની રહ્યું ; છેક વીસમી સદીની શરૂઆતમાં જ્યાં સુધી એક જર્મન ખગોળ શાસ્ત્રી અને મીટરીઓલૉજીસ્ટે તે ધારણાની સત્યતા પુરવાર કરવા સાબિતીઓનો ખડકલો એકઠો ના કર્યો.
આલ્ફ્રેડ વૅગનર પ્રથમ વિશ્વયુદ્ધમાં ભરતી પામેલ. પણ, વહેલાં ઘાયલ થઈ જતાં તેણે સૈન્ય અસ્પતાલમાં સારવાર લેવાની થઈ અને તે દરમ્યાન તેણે વૈજ્ઞાનિક સાહિત્ય ફેંદીને પૃથ્વીના ભૂતકાળનું પગેરું દબાવ્યું.
તે ઘટનાના વર્ષો પહેલાં, એક વિશિષ્ટ સંશોધન પત્ર વૅગનરને હાથ લાગેલો.
હંસરાજ(ફર્ન)ની એક લુપ્ત પ્રજાતિના અશ્મિ ઍટલાન્ટિકના બંને છેડે મળી આવ્યા છે તે બાબતની વૅગનરને બહું નવાઈ લાગેલી.
તેથી ય વધુ આશ્ચર્ય તો એ વાતનું હતું કે સરખા પ્રકારના ડાયનોસોરના અશ્મિ પણ બંને ખંડોમાં મળી આવેલા.
૨૦મી સદીની શરૂઆતમાં ભૂસ્તર શાસ્ત્રીઓ એક કલ્પના સમજાવતા કે ખંડો વચ્ચે ક્યારેક જમીની પુલ હતો અને તે રીતે જીવન દરિયો વિંધી પેલે પાર પહોંચ્યું.
એવું માનવામાં આવતું કે જમીનનો એ સેતુ સમય જતાં ખવાઈ ગયો, ઘસાઈ, ધોવાઈ ગયો અને દરિયાની થપાટોથી નાશ પામ્યો.
પણ, એક સાબિતીએ વૅગનરને સ્પષ્ટ કરી દીધું કે તે સમયની પૃથ્વી વિશેની સ્વિકૃત માન્યતા સદંતર ખોટી હતી.
કોઈ પર્વત શૃંખલા દરિયો વિંધીને સામે ખંડે શું કામ પહોંચે? બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાના ખડક સ્તરોમાં એકસરખી વિશિષ્ટ ભાત કઈ રીતે હોઈ શકે? ઉષ્ણકટિબંધીય છોડવા આર્કટિકના હેમાળામાં કયા સંજોગોમાં પાંગર્યા હોય? - વૅગનરે સારવ્યું કે આ બધા કોયડાનો એક જ તાર્કિક ઉકેલ છે : પૃથ્વીના બધા ખંડો કોઈક સમયે એક હતા, એક મહાખંડ તરીકે.
વૅગનરે તે મહાખંડને નામ આપ્યું પૅન્ગીઆ.
"અને એમ વૅગનર તે સમયના વૈજ્ઞાનિક સમુદાયમાં હિરો બની ગયો."-એમ લાગ્યું હશે તમને.
ના.
મોટાભાગના ભૂસ્તર શાસ્ત્રીઓએ વૅગનરની પૂર્વધારણા -એક મહાખંડમાંથી ખંડો છૂટા પડવાની-ને હસી કાઢી.
વૅગનરની સાબિતીઓમાંથી પણ તેમણે પોતાના કાલ્પનિક જમીનપુલની ધારણાના બંધ બાંધ્યા.
તેમણે પ્રશ્ન ઉઠાવ્યો : સખત પથરીલા દરિયાઈ તળને ભેદીને ખંડ કેવી રીતે પસાર થઈ શકે?
વૅગનર સંતોષકારક જવાબ આપી ના શક્યો.
વૈજ્ઞાનિક સમારંભોમાં તે અસ્વિકૃત થયો, હાસ્યાસ્પદ ઠર્યો.
એમ છતાં, પોતાના વિચાર માટે વૅગનર ઝઝૂમતો રહ્યો; સાબિતીઓ એકત્ર કરવા જોખમી સંશોધન-સાહસ યાત્રાઓ કરતો રહ્યો.
આવી એક યાત્રાએથી પાછા ફરતી વખતે તે હિમવર્ષા સાથેના વાવાઝોડામાં ફસાયો.
તેની પચાસમી જન્મ તારીખના એક બે દિવસ પછી તે ગૂમ થઈ ગયો. એવું જાણ્યા વગર કે સમય જતાં પોતે સાચો પુરવાર થશે અને ઈતિહાસમાં એક મહાન ભૂસ્તર શાશ્ત્રી તરીકે ખ્યાતિ પામશે.
વૈજ્ઞાનિકોય છેવટે માણસો જ છે.
તેમને ય પૂર્વગ્રહો અને બ્લાઈન્ડ સ્પોટ્સ હોય છે.
વિજ્ઞાન એક એવી યાંત્રિક કાર્ય પદ્ધતિ છે જે તે ખોળી આપે છે.
મુશ્કેલી એ છે કે આપણે વિજ્ઞાનના મૂળભૂત મૂલ્યો પ્રત્યે હંમેશાં નિષ્ઠાવાન રહેતા નથી.
મૅરી થર્પથી વધારે કોણ સમજી શકે આ વાત!
૧૯૫૨માં મૅરી ભૂસ્તર શાસ્ત્ર વિભાગના સાથી સભ્યોની ઉપેક્ષા ખુબ ધીરજથી સહન કરતી હતી.
ભૂસ્તર શાસ્ત્ર અને વિજ્ઞાનમાં તેણે મેળવેલી ઉપાધીઓની સહકર્મીઓને મન કોઈ કિંમત ન હતી.
બ્રુસ હિઝેન, ઈઓવાની એક સ્નાતક કક્ષાની વિદ્યાર્થી સોનાર વડે દરિયાના તળનો નકશો બનાવવાની લાંબી સાહસયાત્રા પરથી તાજો પાછો ફરેલી.
થાકેલી હિઝેને પોતે એકત્ર કરેલ માહિતી જોતાં વિચાર્યું, "જોઈએ આમાંથી કશું નીપજે તો."
બ્રુસે મૅરીને બોલાવી.
અને બધું સ્પષ્ટ થઈ ગયું.
એટલાન્ટિકના તળિયે એક વિશાળ કરાડ ખીણ(રીફ્ટ વૅલી) પથરાયેલી હતી.
અત્યાર સુધી જે વાત બે છોકરીઓ વચ્ચેની ગપશપ હતી, તે હવે ગંભીર મુદ્દો બની ગઈ.
"તારે ઓછી મુશ્કેલીઓ છે તે વળી તું ખંડીય ભંગાણની વાત ઉપાડે છે! તું પણ વૅગનરની જેમ હાસ્યાસ્પદ ઠરવા માંગે છે કે?"
પણ, પીછેહઠ કરે તે મૅરી નહીં.
વર્ષો પછી જ્યારે મૅરી અને બ્રુસે દરિયાઈ તળના પોતે બનાવેલા નકશા ઉપર દરિયાઈ ધરતીકંપના ઍપીસેન્ટર્સનો નકશો મૂક્યો, ધરતીકંપ સાથે રીફ્ટ વૅલી ચસોચસ બેઠી.
સરકતા ખંડોની વૅગનરે ફોડેલી બંદૂકનો તે ધૂમાડો હતો.
હિઝેનને સમજાયું કે મૅરી પહેલેથી સાચી હતી.
બંનેએ સાથે મળીને પૃથ્વીનો પહેલો સાચો નકશો બનાવ્યો, દરિયાઈ તળ સહિતનો.
પૃથ્વીની આત્મકથા વાંચવા માણસજાત છેવટે તૈયાર થઈ.
9.2.20
કૉસ્મોસ _૨૧
આપણું ઘર.
પૃથ્વી.
આજથી ૩૫૦૦ કરોડ વર્ષ પહેલાં, જ્યારે પૃથ્વીની ઉંમર ૪૦ લાખ વર્ષ થયેલી ત્યારે પૃથ્વી સાવ જ જુદી હતી.
એ સમયની પૃથ્વીને વિમાનમાંથી જોઈએ તો એકપણ ખંડ ઓળખી શકીએ નહીં.
વધુ દૂરથી જોઈએ તો પૃથ્વીનું સ્થાન પણ નક્કી કરી શકીએ નહીં.
તેની જગ્યા નક્કી કરવામાં તારા પણ ઉપયોગી નહીં નીવડે.
નક્ષત્રો પણ તે સમયે જુદા હોવાના.
હજી તો ડાયનોસોર આવવાને ૧૦૦૦ કરોડ વર્ષની વાર છે.
પૃથ્વી પર નથી કોઈ પક્ષી કે પુષ્પ.
હવા પણ સાવ જુદી છે.
પૃથ્વી પર ના ભૂતો, ના ભવિષ્યતિ એટલો ઑક્સિજન હતો ત્યારે. પ્રચુર માત્રામાં.
તેને કારણે જીવજંતુઓ વિશાળકાય બની ગયેલા. અત્યારે છે તેના કરતાં ઘણા ઘણા મોટા.
કેવી રીતે? જીવજંતુઓને તો ફેફસાં નથી હોતાં.
જીવનપોષક પ્રાણ વાયુ તેમના શરીરના ખુલ્લા રંધ્રો મારફતે તેમનામાં પ્રવેશીને નલીકાઓના માળખા વડે શરીરમાં વહન પામતો.
જો જંતુ ઘણો મોટો હોય તો તે નળીઓનો બહારનો ભાગ મોટાભાગનો પ્રાણવાયુ શોષી લેતો, અંદરના અંગોમાં વાયુ પહોંચે તે પહેલાં.
પરંતુ, કાર્બનીફિરસ સમયે, વાતાવરણમાં હાલના કરતાં લગભગ બમણો ઑક્સિજન હતો.
એટલે, જીવજંતુઓ વિશાળકાય હોવા છતાં તેમને પુરતો ઑક્સિજન મળી રહેતો.
એટલે જ તે સમયે વાણિયો (ડ્રેગન ફ્લાઈ) ગરૂડ જેટલા મોટા હતા અને કાનખજૂરા જેવા બહુપાદ મગર જેવડા હતા.
પણ, તે સમયે એટલો બધો ઑક્સિજન કેમ હતો?
જીવનનો એક નવો પ્રકાર એટલો પ્રાણવાયુ પેદા કરતો હતો.
એવું તે કયું જીવન જેણે પૃથ્વીના વાતાવરણમાં ખુબ મોટો ફેરફાર લાવી દીધો?
વૃક્ષ.
આકાશ આંબતા.
સૂર્ય પ્રકાશ મેળવવાની હરિફાઈમાં તે ગુરૂત્વાકર્ષણ ઉવેખીને ઊંચા થતા ગયા.
વૃક્ષો પહેલાં ઊંચામાં ઊંચું ઘાસ કમર જેટલી ઊંચાઈનું હતું.
પછી, એક જોરદાર બીના બની.
એક એવો વૃક્ષાણુ ઉત્ક્રાંત થયો જે મજબૂત અને લવચીક હતો. એક એવું તત્વ જે ઘણા બધા વજનને ખમી શકે અને સાથે સાથે તૂટ્યા વગર પવનમાં નમી શકે.
લીગ્નીન-ને કારણે વૃક્ષ બન્યા.
હવે જીવન ઉન્મુખ વિકસી શકવાનું હતું.
લીગ્નીનને કારણે એક નવી જ દિશા ખુલી.
જમીનથી ઘણે ઊંચે ત્રિપરિમાણીય માળખાનો સમુદાય ઊભો થયો.
પૃથ્વી વૃક્ષગ્રહ બની ગઈ.
પણ, લીગ્નીનની એક મર્યાદા હતી.
તેને પચાવવું અઘરું હતું.
કુદરતના શૈવ સમૂહ, ફૂગ, બૅક્ટેરિયા જ્યારે લીગ્નીનયુક્ત કશું પણ આરોગતા, તેમને ભયંકર અપચો થતો.
ઊધઈને ઉત્ક્રાંત થવાને હજી ૧૦૦ કરોડ વર્ષની વાર હતી.
તેવામાં, મરેલા વૃક્ષોનું શું કરવું?
લીગ્નીન સહિત તેમને પચાવતું જૈવિક રસાયણ ઉત્ક્રાંત કરતાં ફૂગ અને બૅક્ટેરિયાને અમુક લાખ વર્ષ થયા.
દરમ્યાન, વૃક્ષ ઉગતા રહ્યા, મરતા રહ્યા, જમીન પર પડી જઈને સદીઓ સુધી માટીમાં દટાતા રહ્યા.
છેવટે, પૃથ્વી પર લાખો કરોડો વૃક્ષોની કબરો બની.
આખી પૃથ્વી પર ચોમેર મૃત વૃક્ષો.
તેનાથી શું નુકસાન થવાનું હતું, ભલા?
નોવા સ્કોટીયાની ભેખડો એક જુદા પ્રકારનું કૅલેન્ડર છે.
તેમાં છે બીજી દુનિયાની વાતો, જે તે જગ્યાએ રચાઈ હતી.
આવો જોઈએ ૩૦૦ કરોડ વર્ષ જૂના વૃક્ષના મૌતનું મહોરું.
તેના મૂળ કાષ્ટ કોષોને એક પછી એક ખસેડીને, તેની જગ્યાએ ગોઠવાઈને કેટલાક ખનીજોએ તે વૃક્ષને એક બીબું બનાવી દીધું છે.
બીજા શબ્દોમાં, અશ્મિ.
તે વૃક્ષે તેના જૈવિક અણુઓ- કાર્બન અને પાણી- કેટલાય સમય પહેલાં વાતાવરણને સોંપી દીધા હતા.
રહ્યો માત્ર તેનો આકાર.
જ્યારે તે વૃક્ષ જીવંત હતું, તેણે સૂર્ય પ્રકાશની મદદથી પોતે શ્વસેલા કાર્બન ડાયોક્સાઈડ અને શોષેલા પાણીને ઊર્જા સમૃદ્ધ જૈવિક દ્રવ્યોમાં ફેરવ્યા હતા.
અપવ્યય તરીકે તેણે ઑક્સિજન મુક્ત કરેલો.
એ જ તો કરી રહ્યા છે વૃક્ષો અને વનસ્પતિઓ હજી સુધી.
જ્યારે વનસ્પતિ મૃત્યુ પામે, તે સડવા માંડે છે અને તેથી વળતી ચૂકવણી શરૂ થાય.
મૃત વનસ્પતિ-વૃક્ષના જૈવિક દ્રવ્યો ઑક્સિજન સાથે ભળીને વિઘટન પામે છે અને એમ પોતે શ્વસેલો કાર્બન ડાયોક્સાઈડ હવામાં પાછો વાળે છે.
આમ, પૃથ્વીના વાતાવરણમાં રસાયણશાસ્ત્રના ચોપડે હિસાબ સરભર થાય છે.
પણ, જો વૃક્ષ સડતાં પહેલાં દટાઈ જાય તો બે બાબત બને : ૧) તેમનો કાર્બન અને તેમાં સચવાયેલી સૂર્ય ઊર્જા તેમની સાથે જ દટાઈ જાય. ૨) તેમણે મુક્ત કરેલો ઑક્સિજન હવામાં જ રહે.
૩૦૦૦ કરોડ વર્ષ પહેલાં બરાબર એવું જ થયું.
ઑક્સિજનનો ભંડાર વધી પડ્યો.
એટલે પેલાં જીવજંતુ એટલા બધા મોટા થયા.
અને પેલા દટાયેલા કાર્બનનું શું થયું?
તે સદીઓ સુધી ત્યાં જ દટાયેલો રહ્યો; પૃથ્વી પરના જીવનને પડેલા સૌથી ખતરનાક ફટકાને ઠેકાણે લગાવતા પહેલાં.
પૃથ્વી પર હજી પણ કેટલીક એવી જગ્યાઓ છે, જ્યાં આપણે સમયયાત્રા કરીને પથ્થરોમાં લખાયેલા ઈતિહાસને વાંચી શકીએ.
નોવા સ્કોટીયાનો દરિયાકિનારો એવી જ એક જગ્યા છે.
અહીંના ખડકોનું દરેક સ્તર કોઈ પુસ્તકનું પાનું છે.
દરેક સ્તર કહે છે પૂરની વાત. એક પછી એક એમ રાખો વર્ષ સુધી આવતા રહેલા પૂરની વાત.
પૂર સાથે તણાઈ આવેલી ચીજોનું પડ દટાઈ ગયું અને તાપ તથા દબાણને કારણે પથ્થર બની ગયું.
પછી, જે બળોએ પર્વતો બનાવ્યા, તેમણે જ તે પથ્થરોને ઉપર ધકેલ્યા, દટાયેલા અશ્મિ સાથે.
સૌથી તાજા સ્તરની નીચે ક્રમશઃ જૂના સ્તર.
દરેક પાનું એકદમ ક્રમબદ્ધ. કરોડો વર્ષ પહેલાં, આ સ્થળે ઘટેલી ઘટનાઓની તવારીખ સાચવીને બેઠેલું.
અહીં સચવાયેલો છે પુરાતન સમય.
અહીં ભરાતું પ્રત્યેક પગલું ૧૦૦૦કરોડ વર્ષનું છે, ૩૦૦૦ કરોડ વર્ષના ભૂતકાળમાંથી વર્તમાન તરફનું.
ત્યારે પર્મીયન ગાળો પૂરો થવાને આરે હતો. જેની સરખામણી પણ ના થઈ શકે તેવા જીવસંહારનો સમય.
જીવન વૃક્ષની તૂટેલી શાખાઓની તવારીખમાં પર્મીયન અંધારો ખૂણો છે, જાણે કે લુપ્ત પ્રજાતિ સંગ્રહાલય.
મૃત્યુના આધિપત્યનો એવો ગાળો ત્યારથી પચીસેક હજાર વર્ષ સુધી પૃથ્વી પર આવ્યો નથી.
અત્યારે જ્યાં સાઇબિરીયા છે ત્યાં ફાટેલા જ્વાળામુખી હજારો હજારો વર્ષ સુધી ધધકતા રહ્યા હતા.
તેના લાવાએ ચૉમેર રેલાઈને લગભગ દસેક લાખ ચોરસ માઈલ વિસ્તાર દાટી દીધો.
ઐતિહાસિક સમયમાં થયેલા જ્વાળામુખીના તાંડવ તો પેલી ધધક આગળ બચ્ચું લાગે.
જ્વાળામુખીની ફાટમાંથી ખુબ મોટા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઈડ પણ ઠલવાયો.
તેને કારણે ગ્રીન હાઉસ વાયુઓએ વાતાવરણ વધુ હુંફાળું કરી દીધું.
અને અહીં અનુસંધાન થાય છે કાર્બોનીફોરસ સમય દરમ્યાન દટાયેલા જંગલોની વાતનું.
વચગાળાના સમયમાં પેલા દટાયેલા વૃક્ષ કોલસાનો વિપુલ ભંડાર બની ગયેલા. એટલે સાઇબિરીયા ખનીજ કોલસા બાબતે પૃથ્વીનો સૌથી સમૃદ્ધ વિસ્તાર છે.
લાવારસની ગરમીએ કોલસાને તપાવીને કઠણ કર્યો. તે સાથે જમીનમાંથી મીથેન અને સલ્ફર યુક્ત વાયુઓ છૂટા પડ્યા.
કોલસાના તે ધૂમાડામાં ઝેરી વાયુઓ અને કિરણોત્સર્ગી તત્વો ઠસોઠસ હતા.
તેને કારણે પૃથ્વીની આબોહવા ભયંકર રીતે અસ્થિર થઈ અને વાતાવરણ પ્રદૂષિત થયું.
સલ્ફ્યુરીક ઍસિડના ધુમ્મસને કારણે સૂર્ય પ્રકાશ રોકાયો અને પૃથ્વી પર અંધારપટ છવાયો.
વૈશ્વિક તાપમાન ઠારણબિંદુથી ખૂબ નીચું ગયું.
જ્યારે-જ્યારે જ્વાળામુખી શાંત થતા ત્યારે ઍસિડીક ધુમ્મસ સપાટી પર આવી જતું.
વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડ વધતો ગયો અને ગ્લોબલ વોર્મિંગનું કારણ બન્યો.
ઠંડાગાર વર્ષો પછી હજારો વર્ષોની ગરમીએ નબળા પડેલા વનસ્પતિ અને પ્રાણી જીવનને કચડી નાખ્યા.
આબોહવાના તીવ્ર બદલાવ સાથે અનુકૂલન સાધવા માટે તેમને તક-સમય જ ન હતો.
ગ્લોબલ વૉર્મિંગ ચાલું રહેતાં સપાટી પરનું અને ભૂગર્ભજળ ધીમે ધીમે ભેગાં થયાં. જેને કારણે દરિયાના તળના ઠંડાગાર ભાગનું તાપમાન ઊચકાયું.
મીથેનયુક્ત બરફ ઓગળવો શરૂ થયો.
એમ મુક્ત થયેલો મીથેન રસ્તો કરીને સપાટી પર પહોંચ્યો અને વાતાવરણમાં ભળ્યો.
કાર્બન ડાયોક્સાઈડ કરતાં પણ મીથેન ઘણો વધારે ઉષ્મા શોષક છે, એટલે આબોહવા વધુ ગરમ થઈ.
વળી, મીથેનને કારણે સ્ટ્રેટોફીયરનું ઓઝોન પડ પણ નાશ પામ્યું.
જીવલેણ પારજાંબલી કિરણો સામે જીવનનું 'સન સ્ક્રીન' પણ ખવાઈ ગયું.
દરિયાઓના આંતરિક પ્રવાહોનું તંત્ર ઠપ થઈ ગયું.
બંધીયાર પાણીમાં પ્રાણવાયુ ખૂટવા લાગ્યો. દરિયાનો મત્સ્ય સમૂહ લગભગ નાશ પામ્યો.
જીવનનો ફક્ત એક પ્રકાર આવા ક્રુર વાતાવરણમાં ફાલ્યો, જીવલેણ હાઈડ્રોજન સલ્ફાઈડને અપવ્યય તરીકે મુક્ત કરનારા બૅક્ટેરિયા.
વિનાશનો છેલ્લો હથોડો તેમણે માર્યો.
તે ઝેરી વાયુએ જમીન પરની રહી સહી સજીવસૃષ્ટિને લગભગ ખતમ કરી દીધી.
તે હતો મહા વિનાશ, ધી ગ્રેટ ડાઈંગ.
પૃથ્વી પર બચેલું જીવન ઉન્મુલનને આરે આવી પહોંચ્યું.
દસે નવના પ્રમાણમાં પ્રજાતિઓ નાશ પામી.
જીવનને ફરી માથું ઊંચકતાં ઘણા ઘણા વર્ષો લાગ્યા.
4.2.20
વાઘ આવ્યો રે વાઘ
શ્વાસ હેઠો બેઠા પછી તેને તરસ લાગી. પણ, અહીં પાણી ક્યાં શોધવું? પાણી યાદ આવતાં તેનો શોષ વધી પડ્યો. હમો.જનેે તત્ક્ષણ પોતાનો યોગાભ્યાસ યાદ આવ્યો. તે સાથે આંખ બંધ કરી તેણે તરસને ટાળી. "આમ કેટલો સમય જીવ બતાવતાં બેસી રહેવું પડશે!" એમ વિચારી તેણે યોગાભ્યાસના પાઠ અમલમાં મૂક્યા. વાઘ ખસી જાય એટલો સમય તો યોગબળે નીકળી જ જશે એમ તેને ખાતરી હતી. એ સાથે તેને ત્રણ વિચાર સમાંતર આવ્યા: ૧)વાહ! યોગાભ્યાસની તક મળી. ૨) યોગ કેટલા ઉપયોગી છે! ૩)આ ઘટના પરથી સરસ પ્રવચનકથા કરી શકાશે.
ત્રીજા વિચારે તેની આંખ ખોલાવી દીધી. હમો.જને મજા પડી ગઈ. તેણે જોયું કે વાઘ તો ટાંપીને જ બેઠો છે. "ભલે બેઠો. હમણાં ગોળીએ દેવાશે." એમ વિચારી તેણે પોતાની બેઠક ગોઠવવાનું ઠેરવ્યું. તે માટે તે આઘોપાછો થયો; વૃક્ષ પર નજર ફેરવી ત્યાં સામેની ડાળે તે દેખાયો.
હમો.જનું રોમેરોમ ભડકી ઉઠ્યું.
"આ અહીં? તેમાં ય મારી આ વેળાએ?" હમો.જને પોતાનો ભડકો વુધુ દઝાડવા લાગ્યો. પણ, તે યોગાભ્યાસી હતો. તેણે શ્વાસની ગતિને ક્રમશઃ ધીમી કરી. એ સાથે તેને ખ્યાલ આવ્યો, "એમ પણ વિચારી શકાય કે 'તે મારા જેવી સ્થિતિમાં કેમ છે?' " તે વિચારે તેને ટાઢો પાડ્યો. એટલો શાંત કે તે પેલાને સ્મિત આપવા પ્રેરાયો. હમો.જને ખાતરી હતી કે સામેથી સ્મિત આવશે જ. "એ જ તેનું ટ્રેડમાર્ક ગામઠી, બોખું સ્મિત. કોણ જાણે ભારતી તેનામાં શું ભાળી ગઈ. બેવકુફ!" જેવા સામાન્ય વિચાર હમો.જના મનમાં દોડી આવ્યા.
સ્મિતની પ્રેરણા અને મળવા દોડતી નજરને તેણે ખાળી. પછી, સમયપસારપ્રવૃત્તિ તરીકે પેલા સાથે વાત કરવાનો વિચાર તેને સ્ફૂર્યો. એટલે તેણે સીધું જ પૂછ્યું, "તું, અહીં?"
"હા. કેમ નહીં?"
"એટલે કે. ઠીક છે. આ તો નવાઈ લાગી."
"સામાન્ય રીતે નવાઈ લાગે તેવું જ છે. હું તારી રાહ જોતો હતો."
"મારી રાહ?"
"હા. તારી રાહ."
હમો.જ. ચૂપ થઈ ગયો. "કહેવા શું માંગે છે એ? હું અહીં આવવાનો એ તેને ખબર હતી, એમ? એ હોય ત્યાં હું શું કામ જાઉં?" જેવા વિચાર ધસી આવતાં હમો.જ. પ્રાણાયામને શરણે ગયો.
આમ પણ, હમો.જના જીવનમાંથી મોહ.નની હાજરી ભૂંસવી અશક્ય હતી; હમો.જની ઈચ્છા વિરુદ્ધ. બેઉં ભારતીના આશક. કહો ને, પૂજારી! મોહ.નના ગામતરે ગયા પછી, બીજા સગાંએ તેને અવગણી, સ્વાર્થી થઈ લૂંટી પછી તક મળતાં હમો.જ. કૂદી પડેલો ભારતીને સાચવવા. તેણે ભારતીને સાચવી, જાળવી ય લીધી હતી. પણ, અવારનવાર ભારતીની આંખના ઊંડાણમાં, બે ધબકાર વચ્ચે તેને મોહ.નની આરત દેખાતી, સંભળાતી. શરૂઆતમાં તેને લાગેલું કે, "હોય! મધુર સ્મૃતિઓને ભૂંસાતાં વાર લાગે." એટલે તે ભારતીને એક-એકથી ચઢીયાતા મનોરંજન કાર્યક્રમોમાં મહાલવા લઈ જતો. ભારતીના મોકળા હાસ્ય અને સુખભર્યો ચહેરો જોઈ તે રાજી થતો. તે ભારતીને વધુ સુખી કરવાના વધુ મોટા ખ્વાબ જોતો અને એ પૂરા કરવા ભરચક મહેનત કરતો. પણ, ભારતીમાં વણાઈ ગયેલો મોહ.ન. ધોવાતો, ઓગળતો, ભૂંસાતો ન હતો. હમો.જને લાગતું અને ખટકતું કે ભારતીના જનીનમાં મોહ.ન. રસાઈ ગયો છે.
થોડી સાતા વળતાં હમો.જે આંખ ખોલી, ખાસી મહેનત કરીને મોહ.ન તરફ જોઈ, વાત માંડી, "તને હતું કે હું અહીં આવવાનો, એમ?"
"બીજો કોઈ વિકલ્પ ક્યાં હતો?"
"તો, આ વાઘ, તારૂં કારનામું, કેમ?"
મોહ.ન. ખડખડાટ હસી પડ્યો. " ભારતીને સર્કસના ખેલમાં ડરાવી-ડરાવી વ્હાલ ઉઘરાવવા જતાં તું ય વાસ્તવિકતાનું ભાન ચૂકવા લાગ્યો છે."
હમો.જ. ક્ષણિક ભોંઠો પડ્યો. પણ, યોગબળે તેણે તુર્ત સ્વસ્થતા કેળવી લીધી. "તો વાઘ આવ્યો ક્યાંથી?"
"એ તો આવવાનો જ હતો, વહેલો કે મોડો."
"મેં પાકી વાડ બાંધી હતી."
"અને વાઘ?"
"વાઘ?"
"એ જ જેના નામે તું 'વાઘ આવ્યો.' કહીં વાડ કરતો રહ્યો તે."
"એ તો ખેલ હતો."
"હે યોગી! યોગના ફળ ચાખે છે. ભૂલી ગયો કે ચમત્કાર પણ થાય."
ખીજ ચઢતાં હમો.જ ચૂપ થઈ ગયો. "આ ડોસો! દર વખતે મને વટી જાય છે." વળી તેણે પોતાના આત્મવિશ્વાસને સાબદો કર્યો. "મેં પણ પ્રેમ આપ્યો છે ભારતીને. ભારતી માટે ફના થવાની ખુમારી રાખી છે. મારા ઉપક્રમ, પરાક્રમ, બધું કોના માટે? ભારતી માટે સ્તો!"
હમો.જના વિચાર વાંચતો હોય તેવી સ્પષ્ટતા સાથે મોહ.ન. બોલ્યો, "એકદમ મરદનું ફાડિયું, કેમ? રક્ષક. પિતા. વાલી. કોને બચાવવા નીકળ્યો છે એ તો જો જરા? જેની સવારી સિંહ છે એને વાઘથી બચાવવા તું વાડ્યું બાંધે છે?"
હમો.જે દલીલ કરી, "ભારતીપણું ઢબૂરાઈ, વિસરાઈ ગયેલું, ખ્યાલ છે કાંઈ? મેં એને બેઠી કરી. તેનામાં નવો ઉત્સાહ પૂર્યો."
"તું ભારતીને ઓળખતો નથી, ભાઈબંધ."
"નખશીખ ઓળખું છું. એટલે જ આજે એ મારે પડખે છે. બાકી હતા ઘણા ઉમેદવાર."
"તારી પડખે કઈ ભારતી છે?"
"કઈ એટલે? એક તો છે."
"છે એક. પણ, તારી અને મારી ભારતી જુદી છે."
"મને ફર્ક નથી પડતો."
"બેશક! તારે પડખે હોય ત્યાં સુધી ના પડે તો ચાલે. પણ, અત્યારે તું વાઘથી બચવા ઝાડ પર ચઢ્યો છે. એ વૃક્ષ પર, જે ભારતી કરતાં ય જૂનું છે. એ વૃક્ષ, જેે સિંધુથી કાવેરી, બ્રહ્મપુત્રથી ગોમતીના જળ-જમીન-પ્રાણથી સિંચાયું છે. ધ્યાનથી જો તારી આસપાસ ફેલાયેલી શાખાઓને. જે ભારતીને તું ચાહે છે, તેનાં મૂળ તને કેટલીક શાખાઓમાં જડશે. પણ, ભારતી માત્ર એટલી નથી. જો, દેખાય તો, તેની બધી શાખાઓને."
"નકામી શાખાઓ કાપવી પડે, ભાઈબંધ."
"એમ હોઈ શકે. પણ, સંભાળજે, આ વટવૃક્ષ ક્યાંક બોન્સાઈ ના બને."
"હું એના રોગનો ઉપચાર કરી રહ્યો છું."
"અંગ કાપીને?"
"સડ્યું હોય એ કાપવું પડે, મિત્ર."
ત્યાં, "આની સાથે શું જીભાજોડી કરવી!" એમ હમો.જ અટકી પડ્યો. પણ, "હું ક્યાં મારા માટે જીવું છું? મારા જીવનનું ધ્યેય તો છે ભારતીની ગૌરવ પ્રતિષ્ઠા." એ ખ્યાલ સાથે ગળું ખંખેરી તેણે કહ્યું, "તને હસવું આવશે. પણ, તને ખબર નથી તારા પછી..."
હમો.જની વાત કાપી એ જ ટીખળી સ્મિત સાથે મોહ.ને કહ્યું, "તું દોસ્ત! સાચે જ વાસ્તવિકતામાંથી ખસી ગયો છે. જે વાઘ ન હતો, તેના આવવાના નગારા પીટ્યા. અને તને પાછું એમ છે કે ભારતીનું ગૌરવ, જે તારા મતે લૂંટાયેલું, હણાયેલું છે, તેને તારે પ્રસ્થાપિત કરવાનું છે."
"તો શું? ભારતીના ગૌરવ પર આક્રમણ નથી થયા શું?"
"ચોક્કસ થયેલા."
"તો?"
"તો?"
"તો તેનું ગૌરવ..."
"ઘૂંટાઈને ગાઢ થયું હતું. કેમ કે એવા હૂમલાઓને તો તે ઘોળીને પી ગયેલી."
"ઝેર પી ગયેલી, એમ કહે."
"તું મીરાંને ગાઈશ, નીલકંઠને પૂજીશ, પણ ભારતીને એ જ ગુણ માટે નબળી કહીશ, કેમ?"
"ભારતીએ ઘણું સહન કર્યું છે."
"એથી તો એ સહિષ્ણુ કહેવાઈ છે."
"હૂહ! 'નાઈટહૂડ' જેવો શરપાવ. યાદ છે ભક્તિ યુગ અને તેના કારણો? આઠમી સદીથી ઝઝૂમતી રહી છે. એટલે જ એણે મને વધાવ્યો. કેમકે, ભારતીને ભરોસો છે કે હું એ સદીઓ જૂના ઘામાં મલમ ભરીશ. દાનવોને અટકાવીએ નહીં તો દૈવત્વ ય નાશ પામે. તને પ્રિય ગીતા પણ ધર્માર્થે યુદ્ધનું આવાહ્ન કરે છે. "
"હા. યુદ્ધ તો એક રીતે હું પણ લડેલો. પણ, આપણી રીત જુદી પડે."
"તને ખબર છે, એમાંથી કેટલાક ખેલ છે. કરવા પડે."
"મારી સમજ કહે છે કે એની જરૂર નથી."
"હશે. પણ, એ ખેલ છે એમ હું સભાન છું."
"હોઈશ. અથવા છો. પણ, તે ખેલથી ભારતી શું શીખી ગઈ એ તને દેખાતું નથી. આવેગ, આવેશ, હિંસા, અસત્ય."
"તું શીખવીને ગયેલોને અગિયાર મહાવ્રત. ક્યાં ગયાં તે? બારમું પેલું સ્વચ્છતા. એ મારે ફરી કરવું પડ્યું. "
"કબુલ. મારો ઈરાદો શિક્ષણનો રહેલો ખરો. મને માણસજાતની સારપમાં શ્રદ્ધા હતી. તું તેની પશુતાને ચારો નાખે છે."
"દાનવતા સામેની લડાઈ છે. શસ્ત્રો તો તેજ જોઈશે જ."
"તને મારાં શસ્ત્ર ખબર છે. જેમને તેજ રાખવા હું મૃત્યુની ક્ષણ સુધી મથતો રહ્યો."
"ઍવરીથીંગ ઈઝ ફૅર ઈન..."
મોહ.ને ખડખડાટ હાસ્ય સાથે વાક્ય કાપી કહ્યું, "નૉટ ફૅર, માય ડિયર. ક્લિશે."
ચર્ચાની ટેવ ઓછી હોવાને કારણે હમો.જને પીછેહઠ કરવી પડતી હતી. "મોહ.નતો જીવનભર ચર્ચાઓ, મુલાકાતો કરતો રહ્યો. એટલે, હોય વાક્ચાતુર્ય."એમ વિચારવું હમો.જને ગમ્યું. જો કે, અહીં કોઈ રૅકોર્ડિંગની ભિતી ન હતી. વળી, ગામતરે ગયેલ મોહ.ન રેકોર્ડ જ ના થાય એમ પણ બને. "તો પછી, અહીં બોલાયેલા ડાયલોગ એક સારું પ્રવચન બની શકે." એટલે, તેણે વાત કરવાનું ચાલું રાખવાનું ઠેરવ્યું.
"તું પણ ઉતર્યો હતોને મેદાનમાં? ત્યારે શું તું એને બચાવવા, તેના ગૌરવને પુન:સ્થાપિત કરવા નહોંતો નીકળ્યો?
"ના." મોહ.ને કહ્યું. "હું તો મારા સત્યની શોધમાં નીકળેલો. ભારતીએ મને ટેકો કર્યો, મેં એને નહીં. ભારતીયતાએ મને જાળવ્યો, ઘડ્યો, માર્ગ બતાવ્યો."
"અને તેં યશ ખાટ્યો."
"એ ભારતીની ઉદારતા. તને પણ એણે સરતાજ બનાવ્યો ને!"
"તો પછી આ વાઘ?"
"ઓહ! તને મારા પર શંકા ગઈ તે તો જાણે સમજાય એવું હતું. પણ, ભારતી પર તને શંકા જાય છે?"
"ભોળી છે. તારા ગયા પછી એનો પનારો સ્વાર્થીઓ સાથે પડેલો. પોતાની ગાદી સાચવવા એમણે જે કરામતો કરી એમાં જ આવા વાઘ દોડતા થયા. પણ, મેં ય એમની કરોડ તોડવામાં કસર નથી રાખી, નથી રાખવાનો."
"તારી વાત સાવ કાઢી નાખવા જેવી નથી. છતાં, પશુતાના અભયારણ્યને વાડ કરાય, ટાંટીયા તોડવા એ હિંસક ઉપાય છે."
"હમણાં થોડી વાર પહેલાં જ તને વાડ સામે વાંધા હતા."
"મુદ્દાઓની ભેળસેળ ના કર, દોસ્ત! ભૂલ નહીં, મેં જીવતેજીવ સરહદો અંકાતી જોઈ છે."
"એ કૂદીને જાનવરો આવે છે. લોહી ચાખી ગયા છે."
મોહ.ન. ઉદાસ ચહેરે હમો.જને જોઈ રહ્યો. ભીના સ્વરે તેણે કહ્યું, "એટલે, તું જાનવર બનીશ?"
"ના. હું મશાલ પેટાવેલી રાખું છું. જાનવર આગથી આઘા રહે."
"તો ય આવા વાઘ વાર્તાઓમાંથી નીકળી તારી પાછળ પડે છે."
"એટલે જ કહું છું. કોઈ નજીકનાનું કારસ્તાન."
"સિઝર જ બ્રુટસનું મૂળ છે."
"દરેક રોમને સિઝર હોય છે."
"અને સૅનેટ. વિરોધ પક્ષ પણ. તું ભારતીના એ ભાગને સાભળતો હોત તો એ જ અંબા વાઘને પાછો વાળત."
"એ ભૂલી કેમ જાય છે કે દીલ ફાડીને ચાહી છે મેં એને."
"તું યાર, ક્લિશે ભાષા ના બોલ. મારી આગળ તો ખાસ. ખેર, તારા પ્રેમ પર, લાગણી પર મને રતીભાર શંકા નથી. મિત્ર, તું ભારતીને પ્રેમ કરે છે. પણ, એ ભારતી તો તારી કલ્પનાની નાયિકા છે. જાગ. 'યોગ'ને 'યોગા' ના બનાવ. તેના સાત પગથિયાં પૂરાં ચાલ. તો તને દેખાશે કે ભારતી શું છે. તને સમજાશે કે તારા-મારા જેવા ફકિર-મહાત્માઓના તપની એ મોહતાજ નથી. "
"મારા વગર..."
"એને સંતોની, ભક્તોની, વીરોની ખોટ પડવાની હતી, એમ માને છે તું?" એમ કહીં મોહ.ન જરા અટક્યો. પછી હસતાં હસતાં ઉમેર્યું, "હા, 'તારા વગર'. તારી એ માન્યતા હું ચૂકી ગયો. તારા નામને સાર્થક કરતો તું પ્રેમાંધ છો, ખુદના."
"તેને આત્મબળ કહેવાય."
"તારી રમૂજવૃત્તિ નબળી છે એમ છાપ હતી મને. અને જો તું ઉક્ત વિધાન ગંભીરતાથી કરી રહ્યો હોય તો, આત્મબળની વ્યાખ્યા તારા રાજમાં બદલાઈ ગઈ હશે એમ ધારું છું."
"હસી કાઢ. તારી મરજી. પણ, હું એકલો નથી, સદીઓથી સંતપ્ત એક સમુહના રઘવાટનું સામુહિક બળ છું."
"એ રઘવાટમાંથી તું આગ પેટાવે છે. હું સ્ટીમ એન્જિનનું વિચારતો."
"એ ધૂંધવાટે કેટલા ભોગ લીધા છે. એમાં એક તો તું જ. તે હોળીમાંથી હેમખેમ બહાર આવી હું જ તેને ઠારીશ."
"સંભાળજે. ઠારવા પાણી કે માટી સારાં. તું તો રોજ નવાં ઈંધણ સાથે નીકળ્યો છો."
"જેમ તને નીકળવું જરૂરી લાગ્યું હતું, એમ. ભારતી માટે.
"ભલા માણસ! પહેલાં તો તું એક વાતે સ્પષ્ટ થઈ જા કે હું મારી શોધમાં નીકળેલો અને મારી ભારતીયતાએ મને ટીપ્યો, ઘડ્યો, જાળવ્યો, તાર્યો."
"હું પણ તેને તેની અસલ ઓળખ અપાવવા જ મેદાને પડ્યો છું."
"તું દોસ્ત, આંજે છે એને, ક્રમિક મોટા પાયે કરાતા ખેલથી. એની દ્રષ્ટિને ઝાંખપ લાગી છે. ફક્ત શારીરિક તાકાત યાદ અપાવવાના તારા ચક્કરમાં એની ખરી શક્તિ વિસારે પડવામાં છે તારા પરાક્રમોથી."
"ના. એમ નથી. એને વિસારે પડેલી શક્તિઓનું ભાન થઈ રહ્યું છે. તારા પછી આ રીતે એ મારી સાથે જોડાઈ છે. ભાવથી."
"તો આ વાઘ?"
"તે તો હમણાં ઠાર દેવાશે."
"પણ એ તો વાર્તામાંથી કૂદ્યો છે."
"તપાસ કર. ક્યાંક તું અને હું કોઈ વાર્તામાંથી નથી આવતા ને!"
"તું તો હવે વાર્તા છો જ. મારી લખાઈ રહી છે."
"આપણી વાર્તાઓ ભેગી થઈ રહી છે."
"ભારતીની ભૂલને કારણે." એમ ટીસ હમો.જના મનમાં ઉઠી પણ તે બોલ્યો નહીં. છતાં, તેના મનમાં વિચાર સળવળ્યો, "આ મોહ.ન ક્યાંક મારું નબળું પ્રતિબિંબ તો નથીને!" પોતાના દેખાવ અંગે સભાન હમો.જ બરાડી ઉઠ્યો,"અશક્ય." કારણકે, તે ઘણા સમયથી અનુભવતો હતો; માત્ર મોહ.નજ નહીં, ભારતવર્ષના 'પુરુષ' માત્ર જાણે તેની ભીતર હતા અને કોઈ દાપુ માંગતા હતા.
એક કંપ સાથે ભારતીના પ્રધાન સેવકે આંખ ખોલી. ગુફા બહાર સંત્રી પહેરા પર હતો.