28.11.17

રંગરસ ૪

કાળો

આપણો કામણગારો છે તે કાળો આફ્રિકી નથી. આપણો શ્યામ કામણગારો અને કાળાનો પયૅાય છે. આપણો શ્યામ ચમકદાર નીલો અથવા ગાઢો કથ્થઇ/બદામી છે.

કાળો બુરાઇ નહી,અગોચર અને ડર રજૂ કરે છે. નજર,મીઠી હોય તો પણ, લાગી શકતી હોય ત્યારે કાળું ટપકું સુરક્શા કવચ છે. કાળી ટીલી જે નામ પર લાગી તે નામ અગાઉ સ્વચ્છ હતું એમ પ્રછન્ન સાબિતી હવામા તરતી રહે છે.

કાળો શોષક છે. તપ પછી, ઊજાૅમુક્તિ પછી તેને રાખ જેવો પ્રમાણમાં ઉજળો વાન મળે છે પણ મલીન આવરણ એમ ઉતરતુ નથી. કોલસો અને કાબૅન છે તે.ઉષ્મા અને ઊર્જાનો કોઠાર છે.
કાળો ગેરહાજરી છે -પ્રકાશની. શુભ્રતામાંથી જન્મેલા તમામ રંગ  એકબીજામાં ભળીને કાળો બની રહે.બ્રહ્માથી વિષ્ણુ થઇ શિવ સુધીની યાત્રા. આપણો શિવ પવિત્ર છે,સત્ય છે,ભોળો છે,તાંડવ છે,યોગી છે. ભારતીય ચિત્તની ચિદાનંદ અવસ્થા 'શિવોહંમ' છે.

બ્રહ્માંડ, જ્યાં કાળ મરડાય છે, ત્યાં કાળાનો વ્યાપ છે. તે સજૅનની પૂવૅશરત છે. તેનું ઇતિ નેતિ છે. પદાથૅમાં ના શોષાયેલ રંગ પદાથૅનો વણૅ બની રહે છે. કાળો અહીં અપવાદ છે. આમ, કાળો પોતે અલગ રંગ નથી. તે તમામ રંગોનું શિવાપૅણ છે.

#6@¥4

25.11.17

મોટામામા

ચૂંટણીમુદ્દા

ચૂંટણીની બેઠકો અમારા આંગણે થતી. મણીદાદાની ખાલી પડેલી પાટ પર ક્યારેક મહાનુભાવ/ઉમેદવાર માટે શેતરંજી પથરાતી. મોટાભાગે લોકો ‘વચ્ચે' રહેવા ઇચ્છતા ઉમેદવાર લાંબ્બી ઓસરીમાં પાથરણા પર બેસતા. તેવામાં ખાલી પડેલી પાટ, હાથીના પગ જેટલા પહોળા પાયાવાળી છ બાય ત્રણની પાટ ,કિશોરો અને બાળકોનું મેદાન બનતી. ઓસરીની બહારની તરફ સળંગ ઓટલી. ગૃહપ્રવેશ માટે સાતેક ફુટ જગ્યા વચ્ચે કપાય એટલે બે ઓટલીઓ બને. એ ઓટલી અમારા સમગ્ર પરિવાર માટે દુનિયાદર્શનની બારી.ત્યાં બેસેલ વ્યક્તિને છેક ગામનુ઼ં કેન્દ્ર અને તેની ચહલપહલ દેખાય. તે બારીની સીધમાં પાડોશીનું બાથરૂમ ચણાઇ ગયું. એટલો દ્રષ્યપટ બંધ થયો. ચૂંટણી બેઠક ટાણે તે બંને ઓટલીઓ, પોણા બાય પચ્ચીસ ફુટ ય ભરાઇ ગઇ હોય.

જે દ્રશ્ય આંખમાં છે તેમાં હું ઓસરી બહાર આંગણામાં આંટા મારતી દેખાઉં છું.  ઓસરી ભરાઇ ગઇ છે અને ઉમેદવાર (નામ યાદ છે પણ અહીં લખવું નથી.) પણ આવી બેઠા છે. પણ, ચર્ચા શરું નથી થઇ. કે.પી.ની, મારા મોટામામાની રાહ જોવાઇ રહી છે.  આઠ-દસવર્ષની એ ઉંમરે  મને મોટામામાના મહાત્મ્યનું અભિમાન થાય છે.


કે.પી. પહોંચવામાં છે એમ સહુને જાણ થાય છે. ૧૯૮૦ની આસપાસના એ શાંત કાળમાં મોટામામા ગામથી ત્રણેક કિ. મી દુર ચપટીયા હનુમાન  કે બીજી તરફ વેડ(નજીકનું ગામ) પહોંચે એટલે તેમના બુલેટ- રૉયલ એનફિલ્ડના અવાજથી અમને જાણ થાય કે ચા ચઢાવવાનો વખત થઇ ગયો. ત્યારથી માંડીને, વાહન બાબતે ઔરંગઝેબ એવી મને એકમાત્ર રોયલ એનફિલ્ડમાં જ રસ પડે છે. ઘરમાં હારબંધ લગાવેલ ઇશ્વર ચિત્રોમાંના ઇશ્વર કોણે જોયા હશે તે પ્રશ્ન ઉઠેલ અને શમી ગયેલ, મોટામામાના કારણેસ્તો. તેમની મ્હોંફાડ અને ચામડીનો રંગ શંકરના ચિત્રને મળતો આવતો હતો.

મોટામામા આવી પહોંચે છે. ખબરઅંતરની પૂર્વભૂમિકા પછી મોટામામા નાની ઓટલીને એક છેડે બેસે છે. કસાયેલા ચહેરા અને શરીરો વચ્ચે તેમનો  સ્નિગ્ધ, નમણો ચહેરો જુદો તરે છે. તેઓ પડછંદ કે ખડતલ નથી. બધા શાનાથી અંજાયેલા છે: લાડના ઉછેરની નમણાશથી કે સ્પષ્ટ બૌદ્ધિકતાથી? બાપુજીની અકબંધ શાખ અને મોટામામાની છાપ વાતાવરણમાં છવાયેલી છે. ચૂંટણી બેઠક શરું થાય છે. ઉમેદવાર ગામલોકોને પુછે છે, “શું અપેક્ષા છે?”  કેટલીક  રજુઆતો થઇ પણ તેની વિગત યાદ નથી આવતી. મને નવાઈ લાગે છે કે ગામને એવી તે કેવી જરુરીયાત હોઇ શકે? બેઠકની એકમાત્ર માદા ઉપસ્થિતિ એવી મને કશું સમજાતું નથી ને ઢગલો સવાલ થાય છે. એમ પણ લાગે છે કે આ વાતો નિરર્થક છે, યાદ છે મને, કેમકે કોઇના અવાજમાં સ્વભાવિકતા નથી ને જાણીતા ચહેરા પણ અજાણ્યા લાગે એટલા સૌમ્ય છે.

મોટામામા એમની ૫૦૧ બીડીના કસ ખેંચે છે અને સાંભળે છે. તેમના ચહેરાની નિરાંત અકબંધ છે. “અત્યંત હેન્ડસમ ચહેરા સાથે સિગરેટ કરતાં બીડી વધુ સુટ થતી હોય છે." એ માન્યતા આવા દ્રશ્યોની નિયમિતતાને કારણે જ મારા ચિત્તે ધરી હશે.  ઉમેદવાર સ્પેસિફિકલી મોટામામાને પુછે છે, “બોલો કે.પી.?”  હું પુરા અસ્તિત્વથી ઉત્સુક થઇ ઉઠી છું.  મોટામામા બોલવું શરું કરે છે.  એમના ઘેઘૂર અને બીડીને કારણે ધુમાડાભેર થયેલા ધીમા અવાજે કહે છે : “આપણા તળાવમાં વિદેશી પક્ષીઓ આવે છે. આસપાસના (જાતીવાચક શબ્દ)ને તેનું મહત્વ ખબર નથી અને તેઓ તેનો શિકાર કરીખાય છે.”  .ઓહ! તળાવમાં વિદેશી પક્ષીઓ આવે છે! એટલે શું એવી કોઇ સમજ નથી પણ પક્ષી આમ બીજે ક્યાંયથી આવે અને તે ય તળાવમાં, તે નવાઈભર્યું લાગે છે.  જો કે, મોટાભાગના ગ્રામજનોના ચહેરા પર કંટાળો પ્રકટી ઓલવાઇ જાય છે. ઉપાય સુચવવો જરુરી નથી એમ મને કળાય છે. પણ, સ્વભાવગત, મોટામામા ઉપાય સુચવશે જ. શું સુચવશે? પરિવેશથી સંસ્કૃત મન વિચારે છે કે મામા કહેશે કે એ લોકોને સીધા કરી દેવા જોઇએ. વળી,મોટામામાને પોલિટીકલી કરેક્ટ રહેવાનું ક્યારેય નથી આવડ્યુ઼ એ મોટપણે જોયું હતું. એક લાંબો કસ ખેંચી મોટામામા આગળ બોલે છે , “તે લોકોને પક્ષીઓ અંગે તાલીમ આપવી જોઇશે. તેનાથી તેઓ શિકાર કરવામાં પાછા તો પડશે જ, એમના માટે ગાઇડ તરીકે વ્યવસાયની તક પણ ઊભી થશે.” મોટાભાગના ગ્રામજનોના ચહેરા પર ઠેકડીસૂચક સ્મિત પસાર થઈ જાય છે. સૌમ્યમૂર્તિ ઉમેદવાર મોટામામાની પ્રશંસા કરે છે અને પોતે તે દિશામાં વિચારશે તેમ જણાવે છે. બધાને ખબર છે, બધા પર વહીને આવેલ હવાની અસર હેઠળ અબુધ એવી મને ય ખબર પડે છે કે કે.પી.ની આ  હવાઇ અપેક્ષા હવામાં જ ભળવાની છે. મનમાં શંકા ઉઠે છે, “શું મોટામામા જાણે છે તેમની રજુઆતની ગતિ શું થશે? “ હા. જાણે છે  અને છતાં તેઓ એ જ નિરાંતવા ચહેરે બીડીનો વધુ એક કસ લે છે.

તે દિવસે પક્ષીજગતમાં મારો પ્રવેશ થાય છે.

30.10.17

રંગરસ ૩

#રંગ ૩

જા-ની-વા

ભૂરો એટલે ? આપણે તો ગોરી ચામડીને ય ભૂરી કહીએ અને ઘઉંવર્ણી ભેંસને ય. આપણું આકાશ વાદળ ના હોય ત્યારે વાદળી રંગાય અને વાદળી વાદળ તો ચિત્રમાં મળે, અસલમાં નઈ. આપણા આકાશની પાર કયો રંગ છે  : કાળો કે નીલ ? નીલ એટલે ગળી. બિહારમાં જેનાં ખેતર હોય, જે સફેદને ય ઉજાસ આપે તે જ. વાદળી એટલે પેલું પોચું પોચું- વાદળ જેવું શોષક ! જાંમલી જાંબુ કે રિંગણ પર ચમકે. નીલો જામલી જેટલો ચમકદાર નહીં અને વાદળી તો સાવેય ચમકહિન. હા, દરિયાના બ્લુ પાણીને સુર્યકિરણ ચમકાવે ખરા.
મૂડ તરીકે બ્લૂ ઉદાસી છે પશ્ચિમી કહેવતમાં. ઝેરનો રંગ ? લીલી ઇર્ષા ઝેર બને ત્યારે ગાઢી વાદળી બની જાય. સાપ પારખુંઓ એમ ઓળખે ઝેરી-બિનઝેરીને. લોહી બગાડ અને ગાંઠ પણ લીલા કે ભૂરા ચકામાથી પરખાય. ગરમ લોહી ઠંડુ પડે ત્યારે ચામડી ભૂરાશ પકડે. ભૂરો ઠંડક- હિમશી કાતિલ ઠંડક સૂચવે છે. એટલે ઠંડા વિસ્તારની પશ્ચિમી સભ્યતામાં feeling blue ઉદાસ છે ?  જીવણને તો હુંફ જોઈએ.

અને શ્યામ એટલે ? ભાષાની રીતે તો કાળો પણ ભાવમાં ? આપણો શ્યામ તો નિલકંઠના કંઠ જેવા રંગનો છે !

#

25.10.17

રંગરસ ૨

#રંગ 2
લીલો 
લીલાની રંગછાયાઓ એટલી વૈવિધ્યભરી છે કે સરગમના શાસ્ત્રીય બંધનમાં બેસે નહીં. એટલે સંગીત ચાહકોએ 'લ'ને 'હ'ની જેમ રમાડ્યો. 'લા...લા...લા...'નો  'લ' લીલાનો છે, લાલનો નહીં.
લીલા પુખ્ત નામ છે, લાલા-લાલી જેવું લાડકું નહીં. તેના નટખટ રમતિયાળપણાને લોક અહોભાવથી સ્વીકારી લે.ક્રિયા તરીકે લીલા અદ્ભુત અને નરી ભારતીય છે. લીલાની રંગછટાઓમાંથી તે તારવ્યું હશે કે ? કુમળા પાનની લીલાશ એકદમ ભોળી,નરવી,નાજુક અને અડવી હોય જયારે વયસ્ક લીલો ખાસો ઘૂંટાયેલો,લથપથ અને ભ્રમણા જેવો. પર્ણ અને લીલો એક સિક્કાની બે બાજુ જેટલા એકરૂપ છે. 'પાન લીલું જોયું ને ...'  ભીનાશ સળવળે. લીલો ભેજ અને ભાવ છે.
લીલો જયારે કચ માંડે ત્યારે ઇર્ષ્યા છે. ઇર્ષ્યામાં ભેજ છે- 'હું' પોતાને છોડી 'તે' હોવાની ઇચ્છા જેટલો પલળે છે. લીલો છમ્મ થાય ત્યારે કિશોરીના પગનું ઝાંઝર, વરસાદની સુગંધ અને વાવણીનું લોકગીત છે.

લીલા કપડાં અને સુધાર્યા પછી ભાજી ધોવાનો જેમને અનુભવ છે તેઓ જાણે છે કે પાણીમાં વારંવાર નીતર્યા પછીય લીલો મૂળ વસ્તુ કે પદાર્થની રોનક ઝાંખી થવા દેતો નથી. જીવંતતાના પ્રતિબિંબ જેવી તેની છાપ જોનારના શરીરમાં તાજગીપ્રદ રસાયણ ચુવાડે છે. સૂરજના કિરણોને ભરી પી જનાર આ રંગ આગળ પાણી તો ભુ પીવે.

પાણીયા લીલાને ઝાંખો કરવા બાળ કલાકાર તેમાં પાણી ઉમેર્યા કરે,ઉમેર્યા કરે. લીલા સમજવું એમ ક્યાં રમત વાત છે! બીજા રંગ ઉમેરતાં એ કે ગાઢો થાય ક્યાં સાવ ફરી જાય. એક સફેદને એ ગાંઠે અને જરીક પોપટિયો થાય.

ભીની મહેંદીની મહેંકમાં મસ્તાન થયેલ સમાજનું ધ્યાન એના રંગ પર ના ગયું એટલે સુકાયેલી છાપના રંગને નામ મળ્યું. સ્થગીતતા અને નિષ્કાળજીની છડી જેવી લીલને જો આ ચોંટડૂક નામ ના મળ્યું હોત તો ગૃહિણીઓ તેના પ્રત્યે વંદા સરીખી સુગ દાખવત.


#withCU

24.10.17

રંગરસ ૧

#રંગ 1

પીળો

લીલા શાકને હળદરનો ઓપ પ્રમાણમાં મળે તો લીલાશ તાજી થઇ જાય. પીળો રંગ ઓછી માત્રામાં બીજા રંગને ખીલાવે  છે, એટલો પોતે એકલો નથી ખીલતો. આછો પીળો કમળાનો આભાસ કરાવે. પોસ્ટકાર્ડ હોય કે દિવાલ, આછા પીળાને અડીને પાછો ફરતો પ્રકાશ માંદલો થઇ જાય. એનામાં સેપિયાની યાદ નથી જડતી. એની ધૂંધમાં ભૂરી શાહી અને ભૂખરો પડછાયો ઉઘડતા નથી.

સરસવનો પીળો થનગનતો અને લીંબુ પીળો રસઝરતો છે. પિત્તળની ઘરેલુ નક્કરતા સામે સોનેરી પીળો નરમ સ્નેહી લાગે. રંગીન સાંજના ઢળ્યા પછી ચમકી જતી સોનેરી ક્ષણ મોહક છે , તો વૈશાખ-જેઠની બપોર પોતાના તાપથી ત્રસ્ત સૂરજનો ઢોળ છે.

એકલો પીળો પંજરાક છેલબટાઉ કે ઉદ્દન્ડ ગણી લેવાયો છે. તેની ભભકને સભ્ય બનાવવા બહુધા લીલા કે વાદળી કે પછી લાલ કે કેસરી સાથે તેની જોડ બનાવાય છે.

પણ, રંગોની આભાને પલટાતા અટકાવવી હોય તો, પશ્ચાદભૂ પીળી, આછી પીળી જોઈએ.
યુરોપના ખાણીયા ધુમ્મસ વચ્ચે વાન ગોગનું સુરજમુખી ખીલ્યું. સુરજથી દૂર વસતા એ પ્રદેશને વાર લાગી અંજાતા. કે પછી આંજેલી મેંશ સાફ કરતાં. સૂર્યથી સંસ્કારિત ભારતવર્ષે તેના પુરૂષોત્તમને પીતાંબર પહેરાવ્યું.

પીળો તાર સપ્તકનો અંતિમ 'સા' છે, વગડાઉ સ્વતંત્રતાનો ઉલ્લાસ છે, નગરની સુંવાળી સભ્યતાનો વિરોધ છે. પાનખરમાં ખખડતા પાન ભૂખરા બનતાં પહેલાં પીળાશ અપનાવે, જાણે દિવાની બુઝાતી જ્યોતનું અંતિમ નૃત્ય.શું પીળો કોઈ અંતિમનો દ્યોતક છે ?

પીળો બોલકો છે, ટોળાનું તરત ધ્યાન ખેંચે. એટલે વાયર કે પાઇપમાં તે અનિવાર્ય ઠર્યો અને ઈમોજીમાં ય ચમક્યો છે. મોજીલી ના હોય તેવી લાગણી વ્યક્ત કરવા લાલલીલાભુરાનો ટેકો લેવો પડે.

'પીળક,સુઘરી અને ફુલસુંઘણીને પીળો શોભાવે છે કે પીળાને તેઓ ?' એમ પૂછી ચિંતનમાં રમવું એ પીળાનો સ્વભાવ નહીં. એ તો પડે કાં પ્રતાડે.


#withCU 

5.10.17

ખુશ રહેના

તબિયતને કારણે પહેલેથી જ નક્કી હતુ્ં કે થશે એટલુ જ કરીશ. શરીર સાથે  ખેંચતાણ નહીં કરું. ખચ્ચરનો સહારો લેવો પડશે તો લઇશ.
પાલખીનો અંદાજ હતો, પીઠ્ઠુનો નહોતો. ચાના બગીચામાં કામ કરતા લોકો જે રીતે પીઠ પર બાસ્કેટ રાખે તેવી રીતે રાખેલા મજબુત બાસ્કેટમાં અક્ષમ વ્યક્તિ બેસે અને તેને ઊંચકીને જે લઇ જાય તે પીઠ્ઠુ. આ નામ ક્રિયાનું છે કે કર્તાનું  તે ખ્યાલ ના આવ્યો અને મેં પૂછવાનું ય ટાળ્યું. રકસેકની જેમ ખભો તો ભાર ઊચકતો હોય જ, એક પટ્ટો કપાળ ઉપર પણ તાણેલો હોય. લોડ ડિવિઝન પ્લસ એડેડ સિક્યોરિટી. આ દ્રશ્ય જોઇને મને વિચાર આવ્યો  કે હું આમાં ના બેસું. તરત જ પોતાની લક્ઝુરીયસ ફિલસૂફી પર હસવું આવ્યું. બેસવાનો વારો ય આવી પડે. આ પણ એક કામ છે, કોઇ માટે રોજી છે.
બદ્રીનાથ પહોંચવા લાંબદગડ ક્રોસ કરવાનો હતો. આ તરફથી પર્વત  ચઢી બીજી તરફ ઉતરવાનું. સવારના દસ સુધી વરસાદ પડેલો. હું નીકળી ત્યારે ઉઘાડ હતો પણ વાતાવરણ એવું જ રહેશે એનું નક્કી થોડું હોય? ગોવિંદઘાટથી શટલ જીપ મળી. લાંબદગડની પાસે જ્યાં ઉતર્યા ત્યાં એક ટી-સ્ટોલ હતો અને તેનો ધંધો ધમધમતો હતો. ત્યાં ત્રીસેક ફૂટ લંબાઇ જેટલા ભાગમાં અલકનંદા એક-બે ફુટ જ ઊંડી હતી. કેટલાક યાત્રાળુ તેમાં સ્નાનની મજા લઇ રહ્યા હતા. અહીં એક કિનારે સીમેન્ટની પાળી કરેલી હતી. ત્રણેક ફુટ ઊચી પાળી પર હું બેસી ગઇ અને દ્રશ્યની મજા માણવા લાગી.
યાત્રાળુઓના જુદા-જુદા જુથ વચ્ચે કેટલાક પીઠ્ઠુ ફરી રહ્યા હતા અને ગ્રાહક મેળવવા પ્રયત્ન કરી રહ્યા હતા. અમુક યુવાન હતા.એક તો કિશોર જણાતો હતો. પણ મારું વિશેષ ધ્યાન ગયું એક પ્રૌઢ લાગતા પીઠ્ઠુ પર. આ ઉંમરે આવું કામ કરી શકવાની શારીરિક ક્ષમતા અને મજબુરી અંગે સમાંતર વિચારો આવી ગયા. થોડા સમય પછી  તે પ્રૌઢ પીઠ્ઠુ  મને પણ પુછવા આવ્યો . કહે, “વાજબી લઇશ.”  લાંબદગડની ઊંચાઈ મારી પહોંચમાં જણાતી હતી. વાતાવરણ ખુલેલું હતું અને “હું ના બેસું.” એ ભાવનાથી મન સમૃદ્ધ હતું.
રસ્તામાં એક માજી પીઠ્ઠુ પર સવાર હતા. તેમનો મારે સંગાથ થઇ ગયેલો. રોટી માટે કેવા કેવા કામ કરવા પડે છે લોકોને ! વેલી ઓફ ફ્લાવરના ત્રણ દિવસમાં ત્યાં ગોઠવાયેલ આર્થિક વ્યવસ્થાનો આછો પાતળો પરિચય થયેલો. ઘાંઘરીયામાં હોટેલ બધી ભ્યુંડાર ગ્રામજનોની પણ કર્મચારી બધા જોશીમઠ કે છેક ચમૌલી સુધીના. ખચ્ચર માલિકોની ય આગવી વ્યવસ્થા. લગભગ બધા  પીઠ્ઠુ નેપાળના. આ રસ્તે પણ પીઠ્ઠુ નેપાળી જ હતા. કામ વહેંચણીની હાઇરારકી સ્પષ્ટ હતી.
આપબળે લાંબદગડ પસાર કરી બદ્રીનાથ પહોંચી. સાંજના છ પછી બદ્રીનાથમાં વરસાદ જામ્યો તે સવારે ય અટક્યો ના હતો. લાંબદગડ આજે ય પગપાળા જ પસાર કરવાનો થશે એમાં કોઇ શંકા ન હતી. ધોધમાર વરસાદ અને ધુમ્મસને કારણે વાહનવ્યવહાર શરું નહોતો થયો.  મેં રિસેપ્શન પરના ચમૌલીના યુવકને કહી રાખ્યું હતું કે કોઇ પણ વાહન જાય, મને જણાવે. એક ડે-પેક અને પાતળી કાઠી, ‘જગ્યા કરી લઇશ’ એમ મનમાં હતું.  હોટેલ પણ નિકાસ માર્ગે જ  પસંદ કરી હતી.
લગભગ નવેક વાગે રિસેપ્શનીસ્ટે બુમ મારી. હુ્ તૈયાર જ હતી. એક જીપ જતી હતી. છ જ પેસેન્જર હતા. આરામથી બેસી શકાય એમ હતું પણ એટલા ધોધમાર વરસાદ અને સાતેક ફુટની વિઝીબલીટી આપતા ધુમ્મસમાં ડ્રાયવર જે ઝડપે જીપ ચલાવતો હતો, ભગવાન પર ભરોસો કરવાનું મન થઇ આવે. પણ, હંમેશની જેમ, ચંદ મિનિટમાં  રોમાંચ મન પર સવાર થઇ ગયો અને હું દ્રશ્ય માણવા સીટમાં આરામથી બેસી.
લાંબદગડની પાસે પહોંચ્યા. વરસાદ જોરમાં જ હતો. આવા સ્થળોએ પતરાં અને પ્લાસ્ટિક વડે ઊભી કરેલી દુકાનો તો હોય જ. દોડીને એક દુકાનમાં પેસી ગઇ અને ખાલી ખુરશીમાં ગોઠવાઇ. લાંબદગડ ક્રોસ કરવાનો હતો. મને એમ કે વરસાદનું જોર ધીમું પડે પછી ટ્રેક શરું કરું. પણ, વરસાદ તો વધ્યો. લગભગ પોણો કલાક હું ત્યાં ટી સ્ટોલ કમ મેગી સ્ટોલ કમ દુકાનમાં બેસી રહી. થયું કે ખોટુ સાહસ કરી દીધું. પણ, બદ્રીનાથ રોકાઇને ય શું અર્થ?   પાછા તો વળવાનું જ હતું. ટ્રેઇન ટિકીટની તારીખ સાચવવાની હતી. અહીં થોડે ઉપર એક ગામ હતું. વિચાર્યું કે પેલી તરફ નહીં જવાય તો તે ગામમાં કોઇના ઘરે રહી પડીશ. વિનંતી કરીશ તો કોઇ ના નહીં પાડે. પણ, એમ કરવું ય સમય બગાડવાનું જ થાય. ટૂંકમાં ,વરસાદને કારણે ભયજનક લાગતી સ્થિતિમાં ય વળતી યાત્રા કરી લેવી હિતાવહ હતી. લાંબદગડ ક્રોસ કરી લેવો રહ્યો.
યાત્રાળુઓનું એક મોટું જુથ આવ્યું. વરસાદમાં તેઓ લાંબદગડ ક્રોસ કરી આ તરફ આવ્યા હતા. બધા થોડા રઘવાયેલા, થોડા અકળાયેલા અને થોડા થાકેલા હતા. સ્ત્રીઓ,બાળકો પણ હતા તેમાં. ગઇકાલે જે પ્રૌઢ પીઠ્ઠુ તરફ ધ્યાન ગયેલું તે એમનો સામાન લઈને આવેલો અને પોતે સામાનને પલળવા નથી દીધો તેની વાત કરવા લાગ્યો. તે પોતે પૂરેપૂરો પલળેલો હતો. તે જુથમાંની  સમવયસ્ક સ્ત્રીને મારામાં રસ પડ્યો એટલે તે મારો ઇન્ટરવ્યૂ લેવા લાગી. તેની સહજતાને કારણે મને ય વાત કરવામાં વાંધો ના આવ્યો.  કર્ણાટકના એ પારિવારિક જૂથના પુરુષો વાહન વ્યવસ્થા,  પોંચો ખરીદ, ચા વગેરેમાં લાગેલા. ચાનો ઓર્ડર અપાયો ત્યારે દુકાનદારે તેમને પુછ્યું કે પીઠ્ઠુની ચા બનાવે કે નહીં?   તેઓએ હા પાડી. બધે જ આ રિવાજ હતો. પીઠ્ઠુ હોય કે ખચ્ચર ચાલક, પ્રવાસી ચા-નાશ્તા માટે જ્યાં અટકે ત્યાં તેને ચા મળે પણ આપણા ડ્રાયવર-કંડક્ટરની જેમ ફ્રી નહીં, તેમની સેવા લેનાર પ્રવાસીએ તે ખર્ચ ભોગવવાનો. વેલી અને હેમકુંડના રસ્તે કે જ્યાં બધી ચીજની કિંમત ડબલ હોય,આ વ્યવસ્થા પ્રવાસીને કઠે અને ચડભડ થાય.
પેલા જુથે ચા પીધી,  પીઠ્ઠુએ પણ. ચા પતાવી તે મારી પાસે આવ્યો અને વિનંતી કરવા લાગ્યો કે હું તેને આજે તો કામ આપુ જ. તેને પણ ગઇકાલે મળેલા તે યાદ હતું.  વરસાદ તેમજ તબિયતને લક્ષ્યમાં લઇને હું થોડી મુંઝાયેલી. પ્રમાણમાં સહેલો લાંબદગડ ટ્રેક અત્યારે ચેલેન્જીંગ ભાસતો હતો. સગવડીયું મન આળસી ગયેલું. પેલા પ્રૌઢ પીઠ્ઠુ માટે કોઇ લાગણી ઊભી થઇ ગયેલી. લાંબદગડ મારે એકલા પસાર કરવું જોઈએ નહીં એ વિચાર ક્યારનોય ઉગી ગયેલો અને વધુ ને વધુ માથે ચઢી રહેલો.
તે પ્રૌઢ પીઠ્ઠુને મેં કહ્યું કે હા, આજે તમારી મદદ લેવી પડશે. તે રાજી થઇ ગયા.  હવે સેવાની કિંમત નક્કી કરવાની હતી. વેલીના તેમજ અન્ય સામાન્ય અનુભવ પ્રમાણે સેવકો તો ચાર-પાંચ ઘણો ભાવ બોલવાના જ હતા. મને પ્રશ્ન હતો કે તેમની સેવાની કિંમત હું કેટલી આંકું છું?  કામના કલાક, ઉપયોગમાં લેવાનાર સાધનમાં કરેલ રોકાણ અને સેવાનો પ્રકાર એમ ગણતરી મુકી મારું મન હિસાબ લગાવવા માંડ્યું. મેં એક આંક કહ્યો, પીઠ્ઠુજીએ તેમાં થોડો ઉમેરો કરી બીજો આંકડો કહ્યો,જેની મેં તૈયારી રાખી જ હતી. એમ ડીલ પાકી થઇ.
હું પીઠ્ઠુ પર બેસવાની નહોતી. અમારી ડીલ સંગાથ અંગે થયેલી. તેમણે મારો સામાન, ત્રણ કિલો વજન ભરેલું ડે-પેક લઇ પીઠ પરના બાસ્કેટમાં મુકી દીધું. એટલું વજન ઘટતાં હળવાશ અનુભવાતી હતી. અમે ચાલવું શરું કર્યું. હું તેમને ચચા કહી સંબોધતી હતી. તેઓએ મને મેડમને બદલે  બેટા કહેવું શરું કર્યું. ચઢાણમાં હું થોડી જ વારમાં થાકી જતી. ચચા કહેતી, “આરામ સે.”  તેમનો સમય ના બગડે એ ગણતરીએ  હું ઉતાવળે ચઢતી કારણકે તેમને જેટલા ફેરા વધુ થાય એટલી  આવક વધે. પણ, ઉતાવળ કરવાથી હું જલ્દી થાકી જતી. તેમણે ટોકી કે પર્વત ચઢવામાં આવું જોર લગાવવું નકામું. જેટલી વાર હું થાક ખાવા ઊભી રહેતી, તેઓ થોડે આગળ જઇ બીડી પીતા. મને થયું કે લાંબદગડના એક રાઉન્ડમાં તેઓ એક જુડી પૂરી કરી દેતા હશે.  પહેલીવાર મને બીડી પીનાર પર ખીજ નહોતી આવી કે ના તેમને સ્વાસ્થ્ય વર્ધક સુચન કહેવાનું મન થયું.
મારી સાવચેતીને ચચા ડર સમજેલા. મારો હાથ પકડી તેમણે મને ચલાવવું શરું કર્યું. મારી પ્રકૃતિથી વિરુદ્ધ, મેં એમ ચાલવું સ્વિકાર્યું.  દરેક વળાંકે તેઓ હાથ બદલતા જેથી તેઓ ખીણ તરફ રહે અને હું સેઇફ સાઇડે રહું. લાંબદગડ એકદમ સહેલો અને સેઇફ ટ્રેક છે. છતાં, હું આ સેવા લઇ રહી હતી. જે મને જ નવાઈ પમાડનારું હતું. કદાચ ગઇકાલથી જ આ વ્યક્તિ પ્રત્યે કોઇ ભાવ થઇ ગયેલો. મેં  રેઇનકોટ ચઢાવેલો હતો. ચચાના શરીર પર જેકેટ તો હતું પણ તેની ચેઇન બંધ નહોતી. તેઓ લથપથ પલળેલા હતા, પલળી રહ્યા હતા અને તે અંગે તદન બેપરવાહ હતા.
ઉતરાણ વખતે એક યુવાન પીઠ્ઠુ સાથે થઇ ગયો. તે બે સમધર્મી વાતો કરવા લાગ્યા.  નેપાળીમાં મને જેટલું પકડાયું તેમાં સમજાયું કે તે લોકોને અહીં પુરતું કામ અને દામ મળી રહ્યા ન હતા. તેઓ ચર્ચતા હતા કે આના કરતાં તો વેલી સારું કેમ કે ત્યાં શ્રદ્ધાળુ નહીં,  ફરવાવાળા આવે છે અને તેઓ પ્રમાણમાં ઉદાર હોય છે. લાંબદગડની બીજી તરફ કેટલા મુસાફર છે અને પીઠ્ઠુની શક્યતાવાળા કેટલા તે માહિતીની પણ પીઠ્ઠુઓમાં લેવડદેવડ થતી. એક પીઠ્ઠુ અમને સામે મળ્યો તો મારા સાથીદાર તેમની સાથે ગઢવાલીમાં વાત કરવા લાગ્યા.
ચચાએ મને મારી ઉંમર પુછી. મેં કહ્યું,  “તમે જ કહો.”  તેમણે કહ્યું: 18 વર્ષ. લોકોને પોતાની પીઠ પર ઊચકી પર્વત પસાર કરાવનાર વ્યક્તિ કોઇની ઉંમરમાં આવડી મોટી થાપ ના જ ખાય. બેશક, તેઓ મને ખુશ કરવા માંગતા હતા. મેં મારી ઉંમર કહી તો તેમને અને મને નવાઈ લાગી. તેઓ મારા કરતાં પાંચ જ વર્ષ મોટા હતા.તેમણે મને આટલી મોટી નહોતી ધારી અને મેં તેમને આટલા નાના નહોંતા ધાર્યા. વગર કહ્યે અમે અમારા જુદા પડતા નસીબ અંગે સભાન થઇ ગયા.વાતાવરણ બોઝીલ થઇ ગયું.  હંમેશની જેમ ,નાના માણસની મોટાઇએ સમો સાચવી લીધો. થોડા સમયની ચુપકીદી તોડી તેમણે કહ્યું,  “ઉમ્ર કે હિસાબસે તો ભાઇ-બહન હો ગયે.”. તે પછીની વાતોમાં  બહેન અને ભાઇસા’બ સંબોધન આવી ગયાં . જો કો, તેઓ ‘બેટા’ સંબોધી જતા અને પછી સંબોધન સુધારતા. ઘર -પરિવાર અંગે વાતો કરી.
તેઓ હજી મને  ડરેલી માનતા હતા. વારેઘડીએ  કહેતા:  ડરના નહીં,  ખુશ રહેના. પેડાગોજીમાં છબછબિયાં કરી આવેલ માસ્તરને લાગ્યું કે, તેમના બોલવામાં ભાષાની ભૂલ થાય છે.  ‘ડરીશ નહીં’ પછી  ‘ખુશ રહે'  એવું થોડું આવે! હા, તેમની લાગણી સમજાતી હતી.
અમે બીજી તરફ પહોંચ્યા. ચાના ગલ્લે બેગ લઈ  મહેનતાણું ચુકવ્યું. તેમને માટે ચાનો ઓર્ડર કહ્યો અને કહ્યું, “ તમારી પસંદગીનું કોઇ પડીકું લઇ લો.”  તેમણે કહ્યું,  “ દાંત નહીં હૈ મુંહમેં, બિસ્કુટ લેતા હું.”
તેટલામાં ગોવિંદઘાટ તરફથી બે જીપ આવી. પહેલીમાંથી પોલીસના બે વ્યક્તિ ઉતર્યા અને ટી- સ્ટોલમાં ધસી આવ્યા. તે બંને આ ભાઇસાબને ઓળખતા હતા. તેમાંથી એકે ભાઇસા’બના હાથમાંથી બિસ્કિટનું પેકેટ લઇ, તોડી,બે બિસ્કિટ લઇ પાછું આપ્યું. મને જરાય ના ગમ્યું. બીજા પોલીસમેનને ભાઇએ સામેથી પેકેટ ધર્યું. તે મેન બોલ્યો,  “અરે, તું ખા.” મારા ચહેરાના ભાવ જોઇ પહેલો પોલીસમેન બોલ્યો, “મૈડમ, હમ દોસ્ત હૈ.” “ ઠીક. તો તમે બિસ્કિટ ખવડાવો ને! “એમ મનમાં આવી ગયું પણ હું બોલી નહીં.
આગળ જવા જીપ આવી ગયેલી. આવજો કરીને હુ્ જીપ તરફ ગઇ.  થોડી આગળ ગઇ ત્યારે ભાઇસા’બ દોડીને આવ્યા,  “આપ અચ્છી હૈ. પૈસે ભી પુરે દીયે.(બીજા નકકી કરેલ ભાવ આપવામાં ય તાલ કરતા હશે?)  ડરના નહીં,  ખુશ રહેના.”  માનેલી માનતા જેવા ભાવથી મારાથી બોલી જવાયું, “આપ ભી, ખુશ રહેના ભાઇસા’બ.” ત્યારે મારા મનમાં સ્કુલમાં રોજ ગવાતો શ્લોક ગુંજતો હતો, “ સર્વદા સૌ …”

23.9.17

માણસાઇ

ગોવિંદઘાટ પર જાણ થઇ કે બદ્રીનાથ ના રસ્તે લાંબાગઢ પાસે લેન્ડ સ્લાઇડિંગ હોવાથી રસ્તો બંધ છે. અહીં વરસાદ પણ જામેલો. કરવું શું? મેં અલકનંદાને કિનારે ટહેલવું શરું કર્યું. કેટલોક સમય એમ પસાર કરી ફરી બદ્રીનાથ અંગે તપાસ કરી. જાણવા મળ્યું કે કુલ ત્રણેક કિ.મી.નો ટ્રેક કરીને પહોંચી શકાય એમ છે. તો ચલ પડે. શટલ મળતા નહોંતા. પસાર થતી દરેક સુમો પાસે જઇ પુછવાનું. વરસાદની ટપટપ ચાલું. એક શટલ ઊભી રહી. થોડેક આગળ જતાં એક આધેડ યુગલ જોડાયું. તેઓ એમ.પી.ના હતા. સ્ત્રીએ ગુજરાતી ઢબની સાડી પહેરેલ. આપણે ત્યાં સાડીના બે પ્રકાર પાડેલ છે : ગુજરાતી અને દક્ષિણી અથવા બંગાળી. ભૂગોળ ભણવી શરું થાય ત્યારે પ્રશ્ન થાય કે પૂર્વના બંગાળ સાથે દક્ષિણ શબ્દ કઇ રીતે જોડીયો હશે ગુજરાતી જનમાનસમાં? બંગાળ, અસમમાં પાલવ ડાબે ખભે ટેકવાય છે. સોનુ નિગમનું ‘ગુજરીયા' ગીત ખુબ ઉઠ્યું હતું પોપ આલ્બમના કાળમાં. ત્યારે થયું કે ગુજરાત બહાર પણ ગુજરીયા છે ખરી. હિમાલયના ટ્રેક્સ દરમ્યાન ગુર્જર જાતિની જાણ થઇ.  સલમાન રશદીની ઓછી વિખ્યાત નવલકથા Shalimar, the clownમાં એક કાશ્મીરી ગુજરીયાનું પાત્ર છે. તેના વર્ણનમાં તેણે ગુર્જર જાતિની સરસ કથા મુકી છે :  જ્યોર્જિયા, ગુજરાનવાલા, ગુજરાલ, ગુજરાત.
યુગલ માયાળુ હતું. વાતો મંડાઇ. લાંબદગડ (લંબ+દગડ?) પાસે પહેલાં ચઢાણ શરું થાય છે ત્યાં હું ધીમી પડી. મને ધીમી પડેલી જોઇ ભાઇ,સ્વાભાવિકપણે મદદ કરવા પ્રેરાયા. તેમની લાકડીનો એક છેડો ધરી તેને ટેકે ચાલવાનું ઇજન કર્યું.  મને તો હાથ છુટા જોઇએ એટલે તે પ્રસ્તાવ સ્વિકારવાનો પ્રશ્ન જ ના હતો. પણ,ભાઇનો તે પ્રસ્તાવ ભાભીને ના ગમ્યો, સ્વાભાવિકપણે.મને ખ્યાલ આવી ગયો કે અત્યાર સુધી મારા સાહચર્યને સંગાથ માનનાર આ યુગલમાંનું સ્ત્રૈણ તત્વ હવે પુરુષને દોડાવશે. હું મારી ગતિએ આ તરફથી ચઢી બીજી તરફ ઊતરી.
હવે વાહનશોધ. એક ઓમ્ની આવી. તેની સીટ આરામદેહ જણાતી હતી. પણ, એક પરિવાર તેમાં ગોઠવાઈ ગયેલો. તે પરિવારની નાનકી સાથે આ દરમ્યાન દોસ્તી થયેલી તેથી તે બોલાવતી હતી. તેવામાં બીજી સુમો આવી અને તે પરિવાર વહેલા પહોંચવાની અપેક્ષાએ ઓમ્ની છોડી સુમોમાં ગોઠવાયો. ઓમ્નીવાળાનું ભાડુ લગભગ બમણું હતું,એ પણ એક કારણ. તેવામાં એક મીનીબસ આવી. પ્રવાસીઓ તેના તરફ ધસ્યા. એક સ્થાનિક પછી હું ચઢી અને મારી પાછળ પેલો પરિવાર. ઓમ્નીવાળાએ વિરોધ કર્યો એટલે મીનીબસનો ચાલક બધાને ઉતરવા કહેવા લાગ્યો. બીજા પાંચેક પ્રવાસી બે ડ્રાઇવરની રકઝક વચ્ચે દરવાજે ધસારો કરી રહ્યા હતા. છેવટે પેલો પરિવાર ઉતરી પડ્યો અને પાંચ યુવાન ધસીને સીટમાં ગોઠવાઈ જઇ ચાલકને સાંત્વન વત્તા પ્રોત્સાહન આપવા લાગ્યા. આખરે અમને સાતને લઇ મીનીબસ ઉપડી.
હિમાલયની હવાનો સ્પર્શ અને સુગંધ વિશિષ્ટ હોય છે. પણ, વેલી ઓફ ફ્લાવરમાં ય આ વખતે તે ખાસ સ્પર્શગંધ મળ્યા ના હતા.  કદાચ સતત વરસાદમાં ધોવાઇ જતા હશે. તે સ્પર્શ હવે શરું થયો. વરસાદ અટકી ગયેલો. હિમાલય આખરે ઉઘડવા લાગેલો .
પેલા પાંચ યુવાનમાંનો એક બસમાં બેસતાં ભેળો મારા પ્રત્યે ઉત્સુક થઇ ગયેલો. બહેનજી કહી ના શકે એટલે બીબીજી કહી વાક્યો બોલતો હતો. તેના દરેક વાક્યને મેં ના સાંભળ્યું કર્યે રાખ્યુ.  પાંચેયના પ્રથમદર્શી વ્યક્તિત્વમાં એટલી ભિન્નતા હતી કે તેઓ એક જુથના ના લાગે. પણ, એ જ તો દોસ્તી છે!
દ્રશ્ય ખુલી રહ્યા હતા અને મારે ફોટા પાડવા હતા. હું બેસી હતી તે સિંગલ સીટની બારીનો કાચ ખુલી ના શકે તે પ્રકારનો હતો. તેને ખોલવા મને મથતી જોઇ પેલો ઉત્સાહી યુવાન અગાઉ બે-ત્રણ વાક્યો બોલી ચૂકેલો. કેટલીક ક્ષણના વિચાર પછી મારી પાછળના યુવાનને સંબોધી હું પહેલું વાકય બોલી : હું તમારી જગ્યાએ બેસું?
“અરે, ચોક્ક્સ.” બે યુવાન તરફથી જવાબ મળ્યો. સીટ બદલીને ફરીથી હું હિમાલયમાં મશગુલ થઇ ગઇ.
મારા એકમાત્ર પ્રશ્ન પછી પેલા ઉત્સાહી યુવાનને કદાચ પાનો ચઢ્યો હતો. તે હિમાલય, બદ્રીનાથ અને માના ગામ અંગેનું પોતાનું જ્ઞાન વગર પૂછ્યે સાર્વજનિક કરી રહ્યો હતો. કાને પડતા વાક્યો માહિતીના હેતુથી હું સાંભળતી હતી. તે પણ કદાચ તેવી આશાએ જ આમ કરી રહ્યો હતો.
બદ્રીનાથના એંધાણ શરું થતાં તે યુવકજુથના આયોજન પ્રત્યે હું ઉત્સુક બની. સાડાબાર થઇ ગયેલા એટલે બદ્રીનાથના કમાડ બંધ થઈ ગયેલા અને હવે ત્રણ વાગ્યે ખુલવાના. બસને સીધી માના લઇ જવા યુવકજુથ ચાલકને જુદા-જુદા વિકલ્પ સુચવવા લાગ્યું. મારે પણ સ્વાર્થ હતો. મેં કહ્યું:  જે તમે નક્કી કરશો તેમાં હું જોડાઇ જઇશ. યુવકોનો ઉત્સાહ બેવડાઇ ગયો. ચાલકને કહે, “દેખ, ‘આન્ટીજી’ પણ કહે છે!”
લાલચમાં પડેલ બસચાલક સાથે ગોઠવાયું નહીં અને તેઓએ બીજી સુમો કરી. તેમાં હું જોડાઇ અને અમે માના ઉપડ્યા. ઉત્સાહી યુવક સ્વાભાવિક રીતે મારી બાજુમાં બેઠો, શાલિનતાથી. પરસ્પર પરિચય કર્યો. લાલચ આપવાના લયમાં તેમની તરફથી વિધાન આવ્યું કે તેઓમાંના બે કોર્બેટના કર્મચારી છે. મેં પ્રશંસા ભાવ વ્યક્ત કર્યો. દરમ્યાન એક યુવક બોલ્યો કે તેને તબીયત ઠીક નથી લાગતી. તેનો થાક ચહેરા તેમજ આંખમાં અને કફ અવાજમાં દેખાઇ આવતા હતા. મારી પાસે દવા પર્સવગી હતી. તેને લેવડાવી. ઇલાજ મળ્યાથી તે સારું મહેસુસ કરવા લાગ્યો .
માના ફરવું શરું થયું. તેઓનું સેલ્ફીચરણ પણ. મને થયું કે સ્વસ્થ મિત્રતા બંધાઇ છે. એટલે મારો ‘મોટો' કેમેરા કાઢી કહ્યું, “આવો તમારો બધાનો ફોટો લઇ દઉં.” તેઓ ધન્યતામાં પ્રવેશી ગયા. મને કેટલીક ક્ષણ પછી ચમકારો થયો  કે હવે તેઓ મારી સાથે ફોટો પડાવવાના હતા, સામુહિક,વ્યક્તિગત. ત્રણ ચાર ફોટા પછી લાગ્યું કે તેમનો ઉત્સાહ હદ ઓળંગવાની તૈયારીમાં છે. મારું મોં બગડી ગયું. મારો ભાવ ફોટો પાડનારના ચહેરા પર પડઘાઇ જુથ પર ફરી વળ્યો અને તેઓ ‘ટુ ડુ નોટ ટુ ડુ'ની મૂંઝવણમાં મુકાયા. ક્ષણ માટે મારામાં ડર કોંધી ગયો. લાગ્યું, હું બેવકુફી કરી બેસી છું. મેં સંવાદ ચાલુ રાખ્યો અને સલામતીના વિકલ્પ વિચારવા-શોધવા લાગી. ભીમપુલ તરફનો એટલો પટ્ટો સુમસામ હતો. સ્થાનિક કે પ્રવાસી, કોઇ દેખાતું ન હતું.
તેઓના ફોટોશુટ અને ઝોલા ખાતી માણસાઇ વચ્ચેથી સિફતથી સરકીને હું ભીમપુલ તરફ આગળ વધી. સરસ્વતી મંદિરે પાછા સાથે થયા. ત્યારે તેમના વર્તનમાં દોષભાવના વત્તા ક્ષોભ સંતાડતી નફ્ફટાઇ દેખાતી હતી. ‘હિંદુસ્તાન કી આખરી દુકાન' નામવાળી બે દુકાન હતી. હું સરસ્વતી મંદિરવાળી આખરી દુકાન છોડી સામેની આખરી દુકાને ગઇ. તંગદીલી હળવી કરવા મે તેમને કહ્યું કે , “આ તરફ પણ સારા ફોટા આવશે.” પણ તેઓ વચ્ચેનો નાનો પુલ ઓળંગી બીજી તરફ ના આવ્યા.તેમનું ફોટો-સેલ્ફીશુટ સતત હતું. હું દ્રૌપદી મંદિર તરફ ગઇ અને અમે છુટા પડી ગયા. મંદિરથી થોડે દૂર, કદાચ કોઇ જવાને, પથ્થરોના ટેકે તિરંગો ગોઠવ્યો હતો. તે થોડો નમી ગયેલો. ઉમંગથી તેને સરખો કર્યો અને લાકડી સીધી રહે તે રીતે પથ્થર ગોઠવ્યા. સેલ્ફી લીધી.
વ્યાસગુફાના માર્ગે યુવકો ક્યાંક ના દેખાયા ત્યારે મને ખ્યાલ આવ્યો કે મારાથી વધુ સમય લેવાઇ ગયો છે. મારે તેમની સાથે, તે જ સુમોમાં પાછા ફરવાનું હતું. જો કે માના બદ્રીનાથથી હાથવગું છે અને આર્મીનું કેન્દ્ર છે એટલે હું નિશ્ચિંત હતી.
માનાના પ્રવેશદ્વારે પાછી પહોંચી તો એક અન્ય ચાલકે જણાવ્યું કે મારા સહપ્રવાસી રાહ જોઈને હમણાં જ નીકળી ગયા. હું આગળ વિચાર કરું તે પહેલાં આગળથી બુમ સંભળાઈ,  “મેડમ, જલ્દી કરો.” દોડીને હું ગાડીમાં ગોઠવાઈ. પાંચેય યુવકોના ચહેરા પર પોતાની ભૂલ(મારી રાહ ના જોવાની)ની ક્ષમાયાચના હતી. મેં મનમાં હસી લીધું અને કહ્યું,  “સોરી,સમયનો અંદાજ...”  મને વાક્ય પુરું બોલવા દીધા વગર તેઓ,  “અરે, કોઇ નઇ.” કહેવા લાગ્યા.
આ તબક્કે તેઓ તદન માણસ બની ગયા હતા. તેમના ઉંચકાયેલા ભાવથી આશ્વસ્થ તેમજ રાજી થઇ હું ઉમળકાભેર વાતે વળગી. ઘડીમાં બદ્રીનાથ આવ્યું. યુવકોએ મને ભાડુ ના આપવા દીધું. તેઓ દર્શન કરી તરત જ પાછા ફરવાના હતા. લાંબદગડ પાસેનો રસ્તો ખુલી ગયેલો. મારે એક તરફ ઉતાવળ કરવી ના હતી અને બીજી તરફ ખુલેલો રસ્તો બંધ થાય તે સંભાવના હતી. વળી, વળતો પ્રવાસ અંધારામાં કરવાનો થવાનો હતો. હું બદ્રીનાથ રોકાઇ ગઇ. જાગેલી માણસાઇને પુરુષાતનમાં પડવા દેવા નહોંતી માંગતી.

17.9.17

ઉતરાણ

વેલી ઓફ ફ્લાવરની ચેકપોસ્ટ પર મેં પૂછ્યું કે અહીં ભૂલા તો નહીં પડી જવાય ને? મને હતું કે ક્યાંક સુંદર પતંગિયા કે સુગંધનો પીછો કરવામાં હું ભાન ભૂલી બેસું અને જોખમ નોતરી બેસું! સાથ ના દેતી તબિયતને કારણે હું વધારે પડતી ચોકસાઇ રાખતી હતી.  મારા પ્રશ્નને ડર સમજી ચેકપોસ્ટ પરના વડિલે મારી ટિકીટની પાછળ નકશો બનાવી આપ્યો અને મને વિગતે સમજાવ્યું કે એક જ રસ્તો છે અને ખોવાવાની શક્યતા જ નથી.  અરેરે, ખોવાઈ જવાનું ગમે ત્યાં આટલી કંટાળાજનક એકસુત્રતા ! પછી મેં મને ઠપકારી કે આવી એકસુત્રતાના પ્રતાપે સામાન્ય માણસ માટે અનુકુળતાઓ ઊભી થાય તો ટુરિઝમ ચાલે અને પૈસો ફરે અને...  ઇકોનોમિક્સના 'ઇ' પાસે ચિત્ત વિરમ્યું અને "હું મારી પ્રતિકુળતા શોધી જ લેતી હોઉ છું ને! " એવા ઉમંગ વડે મન મનાવ્યું. એક લીટીમાં આવતા વિરોધી વિચાર , “હાવ ફૂલીશ!” ફૂલો કી ઘાટીને દરવાજે.

ભાઇ-બહેનનું એક અમેરિકન ટીનએજ જોડુ જોશીમઠથી સાથે હતું. મે તેમના પ્રત્યે ઉદાસીનતા વ્યક્ત કરવાનું વલણ રાખ્યું હતું. ભાઇ મોટો હતો અને બહેનને સાચવતો હતો તેમજ ભૂગોળ અને ઉત્ક્રાંતિની વાતો કરતો હતો. બંને સરસ મજાક કરી લેતા હતા-એડલ્ટ ‘વિષય’ ઉપર પણ. આ ભાઇ-બહેન ચેકપોસ્ટ પર ફરી ભટકાયા. ભાઇથી ના રહેવાયું એટલે "હાય અગેઇન." કર્યું જેને  સ્મિતથી ન્યાય આપી હું વેલીની દિશામાં વધી. સસ્તામાં ટિકીટ મેળવવા  ચેકપોસ્ટ પર જુગાડુ ભાઇ બોલવા મંડેલો, "ઇન્ડિયન ટિકીટ. વી કેમ ટુ સપોર્ટ ઇન્ડિયન ક્રિકેટ ટીમ. હાઉ અબાઉટ અમેરિકન સ્ટુડન્ટ્સ?" ચાલતાં ચાલતાં કાને પડેલા આ વાક્યો પર હસીને હું આગળ વધી.

વેલી પહોંચતાં પહેલાંનું ચઢાણ તકલીફદેહ હતું. પણ, મુડ બની ગયેલો અને એકલતા હતી. હું ગાતી ગાતી જઇ રહી હતી અને જે ગીતો જીભ પર ચઢતા હતા તેના પર હસતી હતી.તમરાં જેવાં જીવડાંનું તારસપ્તક મારા કોસ્મિક સંગીત સમારોહમાં સિતારનું કામ કરી રહ્યું હતું.

આગળ જતાં ચાર બંગાળી યુવાન મળ્યા. થોડે આગળ ગાઇડ સાથે લઇને ફરી રહેલી બે મરાઠી સાહેલીઓ મળી. વાતચીત કરતાં  ખબર પડી કે તેઓ મા-દિકરી છે. કોણે ગર્વ કરવો, કોણે શરમાવું એવી વાતો કરી,ખડખડાટ હસી લઇ હું આગળ વધી. થોડા થોડા અંતરે પ્રવાસીઓ મળતા રહેતા. એક પીઠ્ઠુવાળો મારી પાછળ લાગેલો અને અંતે પોતાના દળદરના વર્ણન પર આવી ગયેલો. પણ, વેલી મારે જાતે ખુંદવી હતી.

વેલી શરું થતાં જ દ્રશ્ય બદલાઇ ગયું. વૃક્ષોને બદલે ક્ષિતિજ સુધી ફેલાયેલાં છોડવાને કારણે આકાશ ખુલી ગયેલું. વળી, આજે વાદળ પણ છંટાયેલા હતા. બસ, ધીમે ધીમે ચાલવાનું, ફુલ જોવાના, મુગ્ધ થવાનું અને ભાનમાં આવી ફોટા પાડવાના. આ ઉપક્રમ કલાકો સુધી ચાલતો રહ્યો. વચ્ચે કોઇ પ્રવાસી મળી જાય તો હાય-હેલોવાળુ સ્મિત,ઝરણું આવે ત્યાં પાણી પીવું અને તેના અવાજને નસોમાં ભરી લેવા બેસી પડવું, ચોતરફના શિખરો અને આકાશમાં વાદળની સંતાકૂકડી  જોવી અને સુખડીનો કટકો બટકી વધું મીઠા થવું. “આ જીવનને બસ આટલું કામ.”; ધૂમકેતુએ ‘જુમો ભિસ્તી'માં લખ્યું છે.

વળી પાછા અમેરિકન ભાઇ -બહેન મળ્યા. ભાઈ કહે, "કોઇ મોરલ ઓબ્લિગેશન ના હોય તો જ્હોન માર્ગારેટ લેવની ગ્રેવ જવાનું ખાસ કારણ નથી અને વળતાં ચઢાણ છે. " એટલે, ચઢાણથી બિધેલી હું એ છોડી પગદંડી પર આગળ વધતી રહી.

પાંચ વાગ્યે ચેકપોસ્ટ પર પાછા પહોંચવાની હિદાયત હતી. મેં વિચાર્યું હતું કે બે વાગ્યા સુધી આગળ વધવું, અડધો કલાક બેસી રહેવું અને પછી વળતાં થવું. લગભગ દોઢ વાગ્યે થયું કે પાછા ફરવું જોઇએ. પણ, હું પ્રકૃતિના કેફમાં જતી રહેલી, શરીરને સાંભળ્યા વગર ચાલતી રહી.

લગભગ ત્રણેક વાગ્યે પાછા ફરવું શરું કર્યું. અડધા કલાકમાં શરીરનો અવાજ મોટો થતો લાગ્યો. પણ, વેલી પુરી થઇ ત્યાં લગી મારો કેફ અકબંધ રહ્યો. જેવું ઉતરાણ શરું થયું, પંદર-વીસ ડગલે બેસી જવું પડતું. લગભગ બધા પ્રવાસી પાછા ફરી ગયેલા. અમેરિકન ભાઇ-બહેન બાકી હતા અને મારી પાછળ હતા. પણ, તેઓ મારો સંગાથ કરવા ધીમા પડે એમ લાગતું ના હતું. અંધારું થતાં પહેલાં ચેકપોસ્ટ પર પહોંચવું હિતાવહ હતું. રસ્તો અઘરો ના હતો, થાકેલા શરીર સાથે સમયનો તાલમેલ કઠીન હતો.

ખુદને ધકેલતી હું દસ દસ ડગલાં ઉતરી રહી હતી. ત્યાં  ફોટા પાડી રહેલ બે યુવાન નજરે પડ્યા. હશે 20 -22ના. તેમને વટાવી  થોડેક આગળ જઇ  હું બેસી પડી. મારી આગળથી પસાર થતી વેળા  તેમાંના  એક યુવાને પૂછ્યું, "ઓકે?" હું થાકેલું સ્મિત કરી શકી. તે યુવાન આગળ ઊતરી પડ્યા. મેં ય તેમના સંગાથની આશા સેવી નહોતી.

દસ દસ ડગલાંનાં બીજા રાઉન્ડે મેં જોયું કે તે બે યુવાન ત્યાં બેસેલા હતા અને તેઓની મુખમુદ્રા પરથી સ્પષ્ટ હતું કે તેઓ મારા માટે જ ધીમા પડ્યા હતા. મને ખુબ સારું લાગ્યું, મારા માટે અને યુવાનના ભાવ માટે પણ. એક ચહેરા પર નિરામય શાંતિ હતી, બીજા પર કંટાળો.

વાતચીત કરવાનો તો સવાલ જ નહોતો, ઊર્જા વેડફવી પોસાય તેમ જ ના હતું. થોડેક આગળ જતાં બીજો યુવાન થોડો અકળાયો અને બોલી ઉઠ્યો, "તમારા માટે જ અમે  ધીમે જઇએ છીએ." પહેલા યુવાનની જબાન પર કે વર્તનમાં આ હકિકત જરાય પ્રકટી નહોતી. તેણે મારી પાછળ રહેવાનું શરું કર્યું . આગળવાળો યુવાન તેની સામે જુએ તો યુવાન નંબર એક તેને આગળ વધતા રહેવા કહેતો.
પહેલા યુવાનને કદાચ પોતાના હાથનો ટેકો આપવાનો વિચાર આવ્યો હશે. પણ, હું ગેરસમજ  કરી બેસીશ એવી ધારણાથી તે પાછો પડતો હશે. તેણે મને તેની પાસેની લાકડી ધરી. પણ મને ખુલ્લા હાથે જ ફાવતું હોવાથી તેની મેં ના પાડી. “તમે નીકળો, હું આવી જઇશ.”એવું કહેવાનો વિચાર એક વાર ચમકી ગયો પણ એમ કહીં પહેલા યુવાનના ભાવનુ અપમાન કરવાનું યોગ્ય ના લાગ્યું. આમ, મંથર ગતિએ અમારું ઉતરાણ થતું રહ્યું.
પોણા છ થયા હતા.ચેકપોસ્ટથી 200મીટરને અંતરે ટિકીટબારી પરના કર્મચારીઓ સામા મળ્યા. તેમની પાસેના લીસ્ટમાંથી અમારા નામ છેક્યા અને પૂછ્યું કે કોઇ બાકી છે?  મને આશંકા હતી કે અમેરિકન્સ બાકી હતા. કર્મચારીઓએ પણ કહ્યું કે," હા,તે બે બાકી છે." મને ચિંતા થઇ કેમકે તે બે ચાલવામાં પાવરધા હોવા છતાં હજી પહોંચ્યા ના હતા. છેક હવે તે બંને યુવાન પોતાના થાકની વાત કરવા લાગ્યા. તેઓ આજે 20-22કિ.મી. ચાલ્યા-ચઢ્યા હતા, ગોવિંદઘાટથી ઘાંઘરીયા અને વેલી!

પેલા બે યુવાનનો સામાન ચેકપોસ્ટ પર જ હતો. યુવાન નંબર એકે મીઠાઇના બોક્સ કાઢ્યા, “મમ્મીએ જન્માષ્ટમી પર બનેલી મીઠાઇ ભરી આપી છે.”  મેં ય સુખડી વહેંચી.  ચેકપોસ્ટના કર્મચારીઓ સાથે ગપશપ જામી અને અમારી ય પરિચયવિધી થઇ. મેરઠથી બાઇક લઇ બદ્રીનાથ થઇ તેઓ અહીં આવ્યા હતા. ફોરેસ્ટ કર્મચારીઓ બોર્ડર પરની તેમની મુલાકાત અને આર્મી સબંધી વાતો કરવા લાગ્યા અને વિડિયો઼ઝ બતાવ્યા. તેવામાં અમેરિકન ભાઇ -બહેન પણ આવી પહોંચ્યા. બહેનને જમણે પગે મચકોડ આવી ગઇ હતી.
ચેકપોસ્ટથી ડેરા સંકેલી અમે ઘાંઘરીયા એક રેસ્ટોરાંમાં ગોઠવાયા. યુવાન નંબર બે તો ખુરશીમાં જ ઊંઘી ગયો. મારી ગોઠડી જામી નંબર એક યુવાન સાથે- ગુજરાતનો  ઉલ્લેખ થયા પછી જે વાતો થાય તે અને બીજી પણ. તેણે મને મેરઠના ધાર્મિક પાસા અંગે, પૂર્વ-પશ્ર્ચિમ યુ.પીના તફાવત અંગે, પોતાના શિક્ષણ અંગે વાતો કહી.
છુટા પડતી વખતે અમે એકબીજાના નામ જાણ્યા. યુવાન નંબર એક એટલો સૌમ્ય હતો કે સંપર્ક જાળવવાનો વિકલ્પ પણ ના માંગે. મેં સામેથી મારો નંબર આપ્યો જે તેણે ત્વરાથી નોંધી લીધો.
બીજે દિવસે હેમકુંડ પર યુવાન નંબર એક ફરી મળી જતાં બંનેથી હરખાઇ જવાયું.
વાર્તા સાંભળેલ કે યહુદી ધર્મમાં  ‘મદદ કરવી' એ દુર્ગુણ લેખાય. બીજાની પીડા પોતીકી બની જાય પછી જે વર્તન આવે તે મદદ ના કહેવાય. મદદ કરવામાં દેનાર-લેનાર વચ્ચે અંતર છે, ઉચનીચતા છે. વિગતદોષ હોઇ શકે આ વાર્તા બાબતે. પણ, મને આ વિચાર ગમી ગયેલ. “હું મમ્મીને ઘરકામમાં મદદ કરું છું.” -આ વિચાર અને/અથવા વાક્ય વાહિયાત છે મારી દ્રષ્ટીએ.
ના એક નંબરી યુવાને મદદની ભાવના વ્યક્ત કરી, ના મેં આભારની.

11.9.17

ચાહ

સવારના 8થી રિષીકેષના ટેક્સી સ્ટેન્ડ પર જોશીમઠ માટે સુમો તૈયાર હતી.  પણ, 10:30 સુધી બીજું કોઈ પેસેન્જર જ ન આવ્યું. પાંચથી શરુ્ં કરી ડ્રાઇવર અઢી હજાર પર આવી ગયો મને એકલીને ચમૌલી સુધી પહોંચાડવા. પણ, બધું બજેટ પહેલે જ ધડાકે મોકળું કરી દેવાનો મારો મુડ ના હતો. હું બસ સ્ટેન્ડ પહોંચી. ત્યાં શ્રીનગર માટેની બસ તૈયાર હતી.  હા, ઉત્તરાખંડમાં ય શ્રીનગર છે.  હવે ડાયરેક્ટ બસ નહીં જ મળે અને જેમ મોડુ થશે એમ જોશીમઠ આઘુ થતું જશે એ ખ્યાલ આવી જતાં તે બસમાં ગોઠવાઈ.

સમયસર જમવું એ મારી જરુરીયાત હતી કેમકે સ્વાસ્થ્ય લથડે તે આ તબક્કે ના ગમે. રકસેક ડીકીમાં મુકવા કંડક્ટરે પુછ્યું તો મેં કહ્યું કે બસ ઉપડવાની તૈયારીમાં હોય ત્યારે લઇ જજો કેમકે મારે નાશ્તો કરવાનો છે. પેક્ડ જ્યુસ સાથે મે ઘરનો નાશ્તો કર્યો. દરમ્યાન બસમાં બેઠેલા અને ઉમેરાઇ રહેલા પેસેન્જર્સ તરફ સ્વાભાવિક ધ્યાન ગયેલું. મેં જોયું કે મારી બાજુની ટ્વીનસીટ પર બેઠેલ પૌઢ સરદારજી ઉતરી ગયા હતા અને થોડાક સમય પછી ત્યાં બે છોકરીઓ ગોઠવાઈ ગયેલી. મારી સીટમાં એક બેઠક હજી ખાલી હતી, કદાચ મારો ડે પેક ત્યાં મુકેલો હતો તેથી.

બરાબર બસ ઉપડવાને ટાણે પેલા સરદારજી બસમાં ચઢ્યા અને મને પુછ્યું કે કોઇ આવે છે? મેં બેગ લઈ લીધી અને તેઓ બેઠા.પણ, એ ક્ષણે મને લાગ્યું કે તેઓએ પ્લાન કરીને મારી બાજુની બેઠક મેળવી. અને મારા મનમાં સહેજ તુરાશ આવી ગઇ.

હું ઘણું  ફરી છુ્ં અને બીજાઓને દુ:સાહસ લાગે એવું ય અવારનવાર કરી બેસી છું. મને શંકાઓ સતાવતી નથી. મારું બગાડવામાં કોઇને ખાસ રસ હોય તો તે શું કરે તે પ્રકારના વિચાર જ મને નથી આવતા. આવું લખવા માટેના વિચાર પણ ઘણીબધી ટિપ્પણીઓ પછી આવે. એટલે આવી તુરાશ ઉઠવી મારા માટે નવાઈની બાબત છે.

સરદારજીના જમણા હાથના અંગુઠાનો નખનો ભાગ ના હતો. એટલો અંગુઠો કપાયેલો હતો. જુગુપ્સા ઉઠી અને તુરાશ વધી ગઇ. મારી નવાઈ પણ. હું વળી ક્યારથી આવી આશંકિત થઇ! પ્રચાર માધ્યમો અને શુભેચ્છકોની મહેરબાની. મારી અંદર ડર ઊભો થઇ ગયેલો. કડવા થઇ ગયેલા મોં સાથે મેં વિચાર્યું કે મારા હાલહવાલ જોઈ તેમને જિજ્ઞાસા થઇ હોય અને એટલે તેઓ એમ કરવા પ્રેરાયા હોય એમ ના બને? મારા મોંની તુરાશ જતી રહી. મને કોઇ શીખનો વ્યક્તિગત અનુભવ નથી. પણ, શીખ સમાજની સામાન્ય છાપ આ તબક્કે મનને આશ્વસ્થ કરવા ખપ લાગી. બારીને ટેકે મેં ઝોકાસન આરંભ્યું.

બસ ઠેકઠેકાણે ઊભી રહેતી હતી. એક ભાઇ ગેલ્વેનાઇઝ પાઇપ્સ, બે મોટા થેલા અને તેલનો ડબો લઇ ચઢ્યા.  ડબા સિવાયનો સામાન ડિકી અને બસ ઉપર ચઢાવાયો. કંડક્ટરે સામાનનું ભાડુ 100 રૂપિયા માંગ્યું તો તે ભાઇ છેડાઇ ગયા. તેમાં સરદારજીએ ઝુકાવ્યું, "માણસ હોય તો સામાન હોય. આ મારે કશો સામાન નથી અન્ આ ભાઇને વધારે છે  તો સરખું થઇ ગયું ને! " કેટલાક સમયની વ્યવહારિક અને દાર્શનિક તડાફડી પછી મામલો 30 રૂપિયામાં નિપટાવાયો.

બસ એક ઢાબે ઉભી રહી. મોટા ભાગના સહપ્રવાસીઓ ફિક્સ થાળી કે આલુ પરાઠા લઇ જમવા બેઠા. મે શેકેલી મકાઇ લીધી. જમી રહેલી કિશોરી સાથે વાતચીત થઇ. તે હરિદ્વારની હતી અને શ્રીનગર એમ.બી.એ. ભણવા જઈ રહી હતી. નવાઈ લાગી કે મોટા શહેરમાંથી નાના શહેર તરફ?  પણ, યાદ આવ્યું કે શિક્ષણના ખાનગીકરણ પછી નાના સ્થળોએ આવા શૈક્ષણિક હબ ઊભા થયા જ છે.  દરમ્યાન, સરદારજીને ચા પીતા જોઈ મારો ટી-ચર આત્મા સળવળ્યો. ચા બનાવી રહેલ વ્યક્તિને પૂછ્યું :  અદરક હૈ?  હકાર મળતાં તેને સમજાવ્યું કે મારે કેવી ચા જોઈશે.
ચા આવી. મને અનુકુળ રહી. થોડી વધુ ગળી, થોડી વધુ કડક અને દૂધનો જુદો સ્વાદ. આટલો સ્વાદફેર સહન કરી શકાયો એ સારા શકન જેવુ લાગ્યું.ચા બનાવનાર પણ મજેદાર હતા. મને દજાતી જોઇ ચા ઠંડી કરી આપી અને "ઓહો, તમે તો આપણા પી.એમ.ના શહેર(અમદાવાદ)ના છો." એવો હરખ પણ કરી લીધો. ચા પીધી અને બસ આગળ ચાલી. સરદારજીની વાતચીત કરવાની ઉત્સુકતા વ્યક્ત થતી રહેતી હતી. મેં નમતું મુક્યું અને ક્યાંથી, ક્યાં જવાના? વગેરે વાતો થઇ. હું હેમકુંડ જવાની છું તે જાણી તેઓ રાજી થઇ ઉઠ્યા. ચમૌલીથી પાંચેક કિ.મી.ને અંતરે હેમકુંડના યાત્રાળુંઓ માટે લંગર લાગેલું હતું. તેઓ ત્યાં સેવા માટે જઇ રહ્યા હતા અને પૂર્ણ શીખ ગણવેશમાં હતા. મેં કેમેરા કાઢ્યો તો તેઓ ભારતીય વડીલની  મુદ્રામાં આવી ગયા. "આ દ્રશ્ય સરસ છે,  પાડી લે ફોટો." જેવા ફરજભર્યા વિધાન કરવા લાગ્યા, જે મારી વૃત્તિને સંપૂર્ણ પ્રતિકૂળ હોવાથી મેં અવગણ્યા. તે પછી તેઓ પોતાનો મોબાઇલ કાઢી તેમાં ફોટા-વિડીઓ જોવા લાગ્યા.મેં તે પ્રત્યે ય ઉદાસીનતા દાખવી. એટલે કેટલાક સમય સુધી અમારી વચ્ચે સંવાદ ના થયો. તેઓને ઘણી વાત કરવી હતી અને મારે ચુપ રહેવું હતું.

બીજી એક બસ અને ટેક્સી બદલી અમે લગભગ 7:30એ ચમૌલી પહોંચ્યા. અમે એટલે હું અને સરદારજી. અન્ય કોઈ સહપ્રવાસીને આગળ, સ્થાનિક બોલી મુજબ ઉપર, જવાનું ના હતું. બીજી બસ વખતે મેં ધ્યાન રાખીને તેમની સાથેની બેઠક ટાળી હતી.

ચમૌલી પહોંચતા જ મે નક્કી કર્યું કે હું અહીં જ રાતવાસો કરીશ અને મેં હોટલ અંગે તપાસ આરંભી. તેવામાં  એક ટેક્સીવાળો આવ્યો જે જોશીમઠ આવવા ઉત્સુક હતો. તેની પાસે ત્રણ પેસેન્જર હતા. સરદારજીને તો ચમૌલીથી પાંચ કી.મીને અંતરે લાગેલા લંગર પર ઉતરવાનું હતું એટલે પેલા ત્રણ પેસેન્જર અને ડ્રાઇવર મને આગ્રહ કરવા લાગ્યા. તેમના આગ્રહમાં સુરક્ષાનો ઉલ્લેખ પણ નહોતો. મને લાગ્યું કે તેઓ સુરક્ષા, એકમાત્ર સ્ત્રી પ્રવાસીની સુરક્ષા પ્રત્યે એટલા નિશ્ચિંત હતા કે એ વાત તેમને કરવા જેવી જ ના લાગી. કદાચ તેમની તાત્કાલિક જરુરીયાત હાવી થઇ ગઇ હોય અને આ તેઓ આ બાબત જોઈ જ ના શકતા હોય એમ પણ હોઇ શકે. એમ હોય તો પણ તેમના આગ્રહથી સાબિત થતું હતું કે રસ્તો સારો હતો. પેલા ત્રણને નોકરીએ પહોંચવાનું હતું અને તેઓ ઉતાવળ કરતા હતા. મને વિચાર કોંધી ગયો કે સરદારજીને જોશીમઠ આવવાનું હોત તો કેટલું સારું! આ વિચાર જોઇ મને મારા પર હસવું આવ્યું.
મારા સંશોધન મુજબ જોશીમઠમાં હોટલ મળવી મુશ્કેલ ના હતી અને મારે ય પહોંચવું તો ત્યાં જ હતું. રસ્તો સાફ હતો અને ખાસ જોખમ જણાતું ના હતું. પાંચેક મિનિટમાં અમે જોશીમઠ તરફ નીકળ્યા.

હિમાલયના શિખરો વચ્ચે જ્યાં ગોદ જેટલી જગ્યા મળી, માણસે ગામ અને શહેર વસાવ્યાં. અંધારી રાતે એ ગામ-શહેરના ઘર-હોટલમાં એકસાથે થયેલા વિજળીદિવા દુરથી ખુબ સુંદર લાગતા હતા,જાણે આગિયાનો સમુહ કે આકાશગંગાનો એક ભાગ.

થોડી જ વારમાં સરદારજીને ઉતરવાનું સ્થળ,લંગર આવી ગયું.  સહપ્રવાસીઓ જમી લેવાના મતના હતા. વચ્ચે એક ઠેકાણે મેં ચા પીધી હતી અને શ્રીનગરથી ખરીદેલ સફરજન સાથે મારું ડિનર થઇ ગયેલું. પણ, માન રાખવા ખાતર હું ડિશ લઇને બેસી અને બે ચમચી દાળ લીધી. મારું વર્તન એરોગન્સમાં ખપી શકે છે એમ જાણતી હોવાથી હું વિનમ્રતાથી વાત કરતી હતી. લંગર સંભાળનાર એક વડીલ સક્કરપારા જેવી એક મીઠાઇ( મઠરી કદાચ) અને લાડવા લઇ આવ્યા અને ફરીથી આગ્રહ કરવા લાગ્યા કે આ તો ખાવું ગમે તેવું છે.  મોટાભાગે ધાર્મિક સ્થળોએ હું કરી રહી હતી તેવા વર્તનને બોધ વડે ભાંડવામાં આવે. "પ્રસાદ કહેવાય. લેવો જ પડે.અમને સેવાની તક આપો." જેવા દુરાગ્રહ શરું થાય. પણ, અહીં કોઇએ એવું ના કર્યું, લગભગ બધા વડીલ હોવા છતાં. તેમના વર્તનમાં એક જ બાબત પ્રગટતી હતી, જમવાના સમયે મારી હોજરીમાં કંઇક જાય. મિઠાઇનો એક કટકો લીધો અને બે ચમચી દાળ.

ત્યાં પેલા સરદારજી, કે જેમને અન્ય સહપ્રવાસીઓને વાદે મેં ય વિરજી કહેવું શરુ કરી દીધેલ, બોલ્યા :  उसके लिए डबल अदरिक चौथाइ शक्कर चाय बना लाईए।

રાત્રે સાડા આઠ કલાકે દેવભૂમિ(ઉત્તરાખંડનું બીજું નામ)ના રસ્તા ઉપર મેં 'ચાહ' પીધી. 

26.8.17

ડેરેકા જુઠા સૌદા

મારી વિચારમાળા સ્વકેન્દ્રી છે.  પંચકુલા બળે છે એટલે હું મારા હાથ તપાસુ છું.
કેટલીક ધાર્મિક સંસ્થાઓ, સંપ્રદાયોનો આંટો મારવાનો અનુભવ છે. મોટે ભાગે ત્રીજી મુલાકાત નથી થઇ. પહેલી મુલાકાત ઉત્કંઠા, ઉત્સાહ અને ખુલ્લા મનથી કરું. બીજી મુલાકાતમાં બેનીફીટ ઓવ ડાઉટ. ત્રીજી પહેલાં ત્યાગ. સાંઇ મકરંદ દવેએ હસીને કહ્યું હતું, “જોઇ આવવાનું.”

બધે એક પેટર્ન જોવા મળે :  સ્કુલની જેમ યુનિફૉર્મ હોય, એક ધૃવ વાક્ય -જેને મંત્ર કહેવામાં આવે તે હોય-જે અનુયાયીની પ્રત્યેક વાતનું ત્રીજું વાક્ય હોય. ઓળખ બનાવવાના -ટકાવવાના ધંધા. ધર્મ  પ્રચાર. માર્કેટિંગની આ મફત તક મલ્ટીનેશનલ્સને નસીબ નથી. પછી દિનવિશેષ અને ઉજવણીઓ. સામાજિક -આર્થિક સંબંધ કેળવવા-વધારવાના માધ્યમ. છેલ્લા દસકામાં મારા નજીકના વર્તુળમાં લોકોને ચોક્ક્સ સંપ્રદાયમાં વટલાતા જોયા છે -ધંધાના વિકાસ માટે. તે સંપ્રદાયના ચુસ્ત અનુયાયી વાહિયાત માતાપિતા હોય છે એ મારું તારણ છે.

લગભગ તમામ સંપ્રદાય ભૌતિક સફળતા આપવાની વાતો કરે છે. આધ્યાત્મિકતા હવે આપણી જરુરિયાત નથી રહી. એ રોજના વોટ્સેપ સુવિચાર સાથે ઉગે-આથમે છે. આપણે દિકરાને એન્જિનિયર બનાવવા સ્કુલ સિલેક્ટ કરીએ એ રીતે પહેલું સંતાન દિકરી હોય તો બાબા સિલેક્ટ કરીએ છીએ. રાઇટ ટુ પ્રાયવસી?આપણા બાબાઓ લવ મેકિંગનો ટાઇમ અને ફોરપ્લેની વિધી નક્કી કરે છે. એ પછી બાબાઓ જ બાળકોની કરિયર, જીવનસાથી બધુ સેટ કરી આપે છે.  ખાલીપીલી ભૌતિક વિટંબણાઓ શા માટે કરવી? આપણે બાબાભજન કરો ને બાબા આપણા કામ કરશે. બાબા વાદળ પણ વરસાવસે અને પાણીયારું ય ભરશે. આપણને ગીતાની ય ગાઇડ જોઇએ છે.

વિવેકાનંદે આ મતલબનું કહ્યાનું યાદ છે:  પહેલાં રોટી આપો પછી…  અમુલ તેના સભાસદોનો સર્વે કરાવતી રહે છે.  કેટલાક દસકા પહેલાના સર્વેમાં ડિમાન્ડ આવતી પશુ સારવારની સવલતોની,વાસણોની.પછી શાળાની, આધુનિકતાના માર્ગદર્શનની, પછી નોકરીની. લાજમી છે.
પણ, ‘વિકાસ'ની સંકલ્પનાએ જુદા પ્રકારની જરુરિયાતો ઊભી કરી છે.  દેહધાર્મિક, સામાજિક વર્તુળમાં સમેટાયેલી જરુરિયાતો હવે વિસ્તરીને પાવરગેઇમ બની છે. આપણે કેટલી સરળતાથી વાઇ-ફાઇને પ્રાથમિક જરુરિયાતના પિરામિડના પાયામાં મુકી દીધી? જરુરિયાત અને સગવડ, need and facility and luxury,  ભેદરેખાઓ ભૂંસાતી રહી અને આપણે એ ભેદભૂંસુ ફાકતા રહ્યા. વળી, આપણે સાધનશુદ્ધિને અવગણી. એટલે આપણે એવા નેતાને વધાવી લઇએ છે જે જીતતો હોય-ગમે તે રીતે. એવા બાવાને નમીએ છીએ જે 'ડિલીવર' કરે. વોર તો ઠીક, આપણે લવમાં ય એવરીથીંગ ફેઅર સ્વિકારી લીધું છે. તો ડેરા સૌદાના ઇંસા પિતાપ્રેમને તો વશ છે !  જેમ કેટલાક દેશપ્રેમને વશ હોય છે.

ડેરાના ટોળાને ભાંડતા પહેલાં પોતાની ભિતર જોવું મને જરુરી લાગે છે. મને લેટેસ્ટ ફોન જોઇએ તો મારી હેલ્પરને ય એનું મન હોય. કેમ, આપણે  મોટા સપનાં સેવવાનું નથી  શિખવતાં? આજે હેલ્પરની પહોંચ નથી તો તે નો-કોસ્ટ ઇ.એમ.આઈ. લેશે, સંતાન વેચશે. બીજી શું કરી શકે એ સંભાવના કવિની કલ્પના જેટલી સમૃદ્ધ છે. વળી, બધું આપણે ઉતાવળે જોઇએ છે.  ઇનસ્ટંટ. રેડી ટુ કુક. બાબતને કેળવવાનો , પચવવાનો સમય કાઢવાની ધિરજ નથી. ધિરજ એ સમયના પ્રમાણમાપમાં સમાય એવી રાશિ નથી.
 કોઇ નવું ટી.વી ના લે, ગાડી ના વસાવે તો તે કંજૂસ, ચોખલિયું, ગાંધીવાદી,અસામાજિક છે. વાસણની ય ફેશન નિકળે. આપણને સતત કસ્ટમર બનાવવાના નુસખા હવે સૌને વિદિત છે. “આટલું કમાઉ છું તો વાપરું નહીં?”  તો એ પ્રમાણે  બાવો ય એક બ્રાંડ તરીકે પોતાને સ્થાપિત કરે છે અને આપણે આપણા વિકાસની જરુરિયાતો અનુસાર એમને જીવનમાં વસાવીએ છીએ. સુવા માટે ચોક્કસ ઓશિકું જોઇએ એમ એ બાવાને આપણું કુશન બનાવી લઇએ છીએ. ધર્મ જેવી ઇરેશનલ ઘટનાને પ્રગતિશીલ, વૈજ્ઞાનિક ઠેરવવા મનઘડંત-મનપસંદ દલીલ  કરીએ છીએ. સારે જહાં સે અચ્છા, મેરા કમીઝ તેરે સે સફેદના આલાપમાં મેરા બાબા તેરે સે બેટર.

વિકાસ પામવાની આપણી હોડને સૌ પહેલાં બાબાઓએ અને પછી શિક્ષણના વ્યવસાયિકોએ એનકેશ કરી. રાજકારણ આ બાબતે ય પાછળથી જોડાયું. ટોળુ બન્યા પછી નીમાતા ચરાવનારની જેમ. સર્વાંગી શિક્ષણ? મુક્તિ અપાવે તે વિદ્યા?  શું ગાંડા કાઢો છો, બેન! જ્યાં કોમ્પ્યૂટર માટે રમત અને ચિત્રના તાસ રદ કરાતા હોય, જ્યાં મા-બાપ કહેતા હોય:  “ભાષા-સામાજિક છોડ, ગણિત-વિજ્ઞાન પર જોર કર.” ત્યાં કયા નાગરિક શાસ્ત્રની વાત કરવાની?
આપણે કોને સફળ બનાવી રહ્યા છીએ?  જે શબ્દ જાહેરમાં બોલાતો નહીં તે શબ્દો દુકાન-હોટેલ-ગીતમાં છુટથી વપરાય છે. Anything can be great and awesome. You just need to be mediocre and consistent, and yes, a thing.
શ્રદ્ધા. દિશાઓ ફેરવી નાખતી શ્રદ્ધા ઇશ્વરની મોહતાજ નથી. આ બાવાબ્રાંડ કેફ બીજું કઇ હશે, શ્રદ્ધા નહીં.  શ્રદ્ધા ઠારક છે, દાહક નહીં.
આપણે શબ્દોના અર્થ ફ્લિપ કરી લીધા છે.

4.8.17

રામરાજ્ય

ટિકિટ નક્કી કરતાં વેંત ફ્રેન્ડે કહ્યું હતું કે થાઈલેન્ડ વેશ્યાઓ માટે વિખ્યાત છે. છતાં મારા ચિત્તમાં એ વિગત બેઠી નહોતી. જાણે કે ‘એવી’ વિગત પર ધ્યાન આપવાની આડોડાઈ પર તે ઉતર્યું’તું. એક વાત એમ પણ ખરી કે ભલે એમ હોય, અમારે ક્યાં એ વાતોમાં પડવું છે! અમારી પડીકાબંધ પ્રવાસ આયોજનમાં એવાં સ્થળોનું સ્થાન થોડું હોય ! પણ એ ખાધેલી થાપ ઠરી. પતાયા જગવિખ્યાત છે એની વોકિંગ સ્ટ્રીટ માટે. અમે ભલે એ નામધારી ગલીમાં પગલાં ના માંડ્યા પણ પતાયાની કઈ ગલી ગણિકાના પગલાથી અછૂતું છે !
બીજી એક ગણતરી એ ચુકાઈ કે અમારી યાત્રા પડીકાબંધ હતી. વિદેશગમન અથવા ફરવા જવુંની શુદ્ધ ભારતીય વિભાવાનાવાળા ગુજ્જુ,મરાઠી,પંજાબી અને દીલ્લીબંધુનો પરિચય હતો એમાં આ વખતે મદ્રાસી ય ઉમેરાયા. નિરુદ્દેશ ભ્રમણને પચાવી બેઠેલા દેશી બાંધવબહેનો દરેક નીરસ પ્રવૃત્તી અને સમયની ફેફડાફાડ મજા લેતાં હતાં. તેમના મનોરંજન માટે દરિયો,બિકની ઓઢેલી ગોરી ચામડી,મફત સાબુ-શેમ્પૂ, તાજા ખરીદેલા મોંઘાં ઘમછો પહેરેલ પત્ની/પતિનો મોટી ફ્રેમના ચશ્માં મઢ્યો ચહેરો અને પોતે કેટલાંક હજાર ખર્ચી શક્યા છે તે ખયાલ પૂરતા હતા. મમ્મી માટે વિમાનનું ઉડાન અને દરિયામાં ચણિયા સમકક્ષ સ્કર્ટ ભીંજાય એમ ચાલવું આધ્યાત્મિક સંતોષ હતા. હું નિરપેક્ષ હતી.

ફ્રેન્ડે એ વોકિંગ સ્ટ્રીટની માહિતી મેળવી લીધી હતી અને તે અંગે તેને વ્યક્ત કરેલ ઉદાસીનતાનું સ્થાન નર્યા વિસ્મયે લીધું હતું. પડીકાબંધ યાત્રાના કંટાળાને એ મદિરમાં વહાવવા મથતી હતી અને કશુંક રસપ્રદ ખોજી કાઢવાની તીવ્ર ભૂખ એને ઉશ્કેરતી હતી. કેટલાંક સો બાટ ખર્ચીને પશ્ચિમી સભ્યતા જેને ‘બીના’ ગણે એવી પ્રવૃત્તિઓ જોવાનો મને ઉમંગ જ ઉઠતો ના હતો. હા, એક સવાલિયા વિસ્મયની છાંટ ચિત્તમાં હતી. અને ફ્રેન્ડના કંટાળેલા જીવને રાજી કરવાનો હેતુ. પણ મારા એ મનને કળી ગયેલ ફ્રેન્ડ મારી ઈચ્છાની ઉપરવટ મને ઢસડવા તૈયાર ના થઇ. એ તેની અમેરિકન વ્યક્તિ સ્વાતંત્ર્યની કદરની વૃત્તિ હતી. મારા સવાલિયા વિસ્મયને પતાયાના બીચ રોડ પર જવાબો મળવા માંડ્યા હતા. જયારે નિયોન પ્રકાશ પૃથ્વીને અજવાળતો હોય ત્યારે પતાયાની કઈ ગલી વોકિંગ સ્ટ્રીટ બનવાથી બાકાત હતી !
આછા છાંટણાથી શરુ થયેલ વરસાદ એકધારી મધ્યમ ધારે મંડાયો ત્યારે અમારે બીચ પગરસ્તા પર ક્રમિક ઉભેલા વૃક્ષોમાંથી એકને આશરે જવું પડ્યું. ત્યાં ત્રણ યુવાનો અને એક મહિલા પણ આશ્રિત હતા. તે સ્ત્રી વસ્ત્રો પરથી ગણિકા જણાઈ. મારા મોઢામાં કડવોતૂરો સ્વાદ ધસી આવ્યો. મારી અને ફ્રેન્ડની અંતરંગ ટીખળ ચાલુ જ હતી. ત્રણ યુવાનોમાં સૌથી મોટા જણાતા યુવાને પેલી ગણિકા સાથે વાતચીત શરુ કરી. દરમ્યાન ફ્રેન્ડની નજર આઈરિશ પબ પર પડી અને તે પોતાના આઈરિશપણાને આગળ કરી પબ તરફ ધસી. એક થાઈ પુરુષ આવ્યો અને હોર્ડિંગ જેવું જણાતું એક પાટિયું પેલી ગણિકાને આપી ગયો. તેની પાસે તેવાં બીજા પાટિયા પણ હતા અને તે કેમ હતા તે સમજી શકાય એમ હતું. બધાંના મનમાં પાટિયાનું છત્ર મેળવવાની લાલસા સળવળી તે સૌના પગના સળવળાટથી સ્પષ્ટ હતું. પેલા ત્રણ યુવાનોમાંના સૌથી નાના યુવાને મારી સાથે વાત કરવું શરુ કર્યું. તે ત્રણ મદ્રાસી હતા અને પતાયા માટે જ થાઈલેન્ડ આવ્યા હતા. મે બોલાવેલી ટેક્ષીની રાહ જોતી હું ત્યાં અટકી ઊભી. મારા મોઢામાં અટકી ગયેલો કડવોતૂરો સ્વાદ મગજની દલીલો વડે ધોવાઈ રહ્યો હતો. ગણિકા સાથે વાત કરી રહેલ યુવાનનું વર્તન પેલી ગણિકાને અકળાવતું હતું એમ લાગ્યું કેમકે તે તેને ટાળતી હતી. વરસાદ નહી અટકતાં આખરે યુવાનો ચાલ્યા ગયાં. પેલા હોર્ડીંગના છાપરા હેઠળ અમે ત્રણ રહ્યાં ; ગણિકા, હું અને મમ્મી. મમ્મીની હાજરીમાં ભજવાઈ રહેલ આ જીવનનાટ્ય માણી શકાય એવું તો ના જ હતું. મેં પેલી મહિલાને પુછ્યું,’ ક્યાં સુધી અહીં ઉભા રહેશો?’ ‘સવારના ચાર કે પાંચ સુધી.’  પોતાના પાકીટમાંથી પ્લાસ્ટીકની કોથળી કાઢી. મને કહે, ‘ બાથરૂમ જઈને આવું.’ અને એ રસ્તો ક્રોસ કરતી સામે તરફ દોડી ગઈ. ડી આવી. પવનનું  જોર વધ્યું હતું. ઠુંઠવાતા અમે બીજી ટેક્ષી શોધી હોટેલ પર પહોંચ્યા.
ચોપાસ વેરાયેલી સ્વચ્છતા, દરેક મકાન એર કન્ડીશન્ડ, બેફિક્ર ગુમતા દુનિયાભરના ચહેરા...મારા ચિત્તમાં સવાલોનું તુમુલ જામ્યું હતું : જે દેશની આવક ‘આ’ ધંધા પર નભતી હોય તેને આવા વિકસિત દેખાવું કઈ રીતે પોસાતું હશે?  કે આ દેખાવ પણ મેઇક અપની જેમ જરૂરી છે? શું આ સ્ત્રીઓને કોઈ હીન ભાવ થતો હશે કે સાંસ્કૃતિક ઢબના એક ભાગ રૂપે આ વ્યવસાય તેમણે સ્વીકારી લીધો હશે? એ પુરુષોના ચિત્તમાં શું રમતું હશે જેઓ સેક્સ ખરીદતા હશે? ભાવતાલ કર્યા પછી કરાતો સ્નેહ તેમને કયા પ્રકારનો સંતોષ આપતો હશે?
થાઈલેન્ડ જોઈ મને લાગ્યું કે અમેરિકા આ કરે છે દુનિયા સાથે. ગગનચુંબી મકાનો, વિજળીપેટ્રોલનો ઉપભોગ કરવો જ પડે તેવી વ્યવસ્થા, સસ્તા ભાવે મળતાં વસ્ત્રોવસ્તુઓ, શક્ય તેટલાં ટૂંકા અને પારદર્શક વસ્ત્રોમાં ફરતી કિશોરીઓયુવતીઓસ્ત્રીઓ. ફ્રેન્ડ જેવી અમેરિકી વ્યક્તિને પણ લાગ્યું, અહીં સ્ત્રીઓ જે રીતના કપડાં પહેરે છે તે જોઈ ખબર નથી પડતી કે કોણ ગણિકા છે અને કોણ નથી. કોલોનાઈઝેશનનો એક ચહેરો. જ્યાં રાજા અને પ્રધાનમંત્રી અમેરિકાના શબ્દકોશ પ્રમાણેના વિકાસની દિશામાં લઇ જતાં હતા. જ્યાં પૂર્વીય સંસ્કૃતિ રાજાના રામ નામમાં, નમસ્કારની મુદ્રામાં, વાનગીઓમાં અને મંદિરોમાં સમેટાઈ જતી જણાઈ. એક શોપિંગ મોલ(ઇન્દ્ર માર્કેટ) આગળ બ્રહ્મા જેવાં લાગતી બુદ્ધની મૂર્તિ આગળ પસાર થતાં થતાં ઝડપથી નમન કરતી ટૂંકોત્તર વસ્ત્રોવાળી કિશોરીને જોઈને મારું લાગણીતંત્ર સન્ન થઇ ગયું.
પર્યટન સ્થળોએ સ્થાનિક લોકોનું વર્તન વિદેશીઓ અને દેશીઓ સાથે જુદું હોવાનું હમેશાં અનુભવ્યું છે. કેટલીક ‘સગવડો’ સાથે સમાધાન કરી લેતા દેશીઓ ના જોયેલી કેટલીક સગવડોનો દુરુપયોગ કરે છે; જયારે વિદેશીઓ એકવાર પ્રાપ્ય સગવડ અંગે સ્પષ્ટતા કરી લીધાં પછી કસ કાઢી લેવામાં પડતાં નથી. અમારા બાથરૂમ સ્લીપર વપરાયેલા જણાતા અને ડેસ્ક પર કોઈ બાળકે દોરેલ ચિત્રવાળું કાગળ મળતાં રૂમ બરાબર સાફ નથી એમ ઠેરવી અમેરિકન ફ્રેન્ડે રૂમ બદલાવેલો.
પતાયામાં ભારતીય રેસ્તોરાની તલાશમાં અમે જઈ પહોંચ્યા એક સુરતીના ફાસ્ટ ફૂડ સેન્ટર પર. ત્યાં અમને આવકાર આપ્યો પોતાને પંજાબી કહેવડાવતા રાવલપિંડીના શખ્શએ, અમારા માટે મસાલેદાર ચા બનાવી ઉત્તરાખંડના વિજયે અને મંચુરિયન બનાવ્યાં બર્મિઝ બહેને. બેકગ્રાઉન્ડમાં એ તમામની આર્થિક મજબુરીની સિતાર વાગતી રહી છતાં દિલ બાગ બાગ થઇ ગયું.
આ પ્રવાસ માટે મેં મગજને તાળું મારીને આંધળુકીયું જ કર્યું હતું, કદાચ ઓવર કોન્ફીડન્સમાં. એટલે કોઈ માહિતી મેળવવાનો પ્રયત્ન પણ નહોતો કર્યો. એક કારણ એ પણ ખરું કે મમ્મીને વિદેશ બતાવવાનો વિચાર એટલો હાવી હતો કે બીજું કઈ ના કરાય-જોવાય તો ય વાંધો નહી એમ મનમાં બેસી ગયું હતું.
એ ભૂલ હતી. એમ ના જ કરાય.
મમ્મીને તો સંતોષ જ છે કેમકે એને બીજા વિકલ્પોની જાણ નથી. મારા મનને પટાવવા એ ચીન્ગમ ચાલે એવી છે.
બાય ધ વે, ત્યાંના રાજકુંવરનું નામ જે હોય તે, તે રાજા બને એટલે રામ કહેવાય. અત્યારે રામ-૯નુ રાજ્ય તપે છે તે એ.સી. મઢ્યા ઉષ્ણ કટીબંધીય દેશમાં.

2.8.17

સંધ્યા

ઢળી
પડી
કાલ ઉગશે
થનગનતી
ચેતનવંતી, ઉષ્માવાન
બળબળશે,તાપસી
વળી ઢળશે
ગોધૂલીની સોનેરી માટી સમેટી
even-લી
ઇંગ-it કરીને

10.7.17

ઇવા

 ઇવાબેન જાગે રે
ટૂથબ્રશને તાકે રે

માં મિનીટ ગણતી
ઈવા દૂધ ચણતી

માં સરકારી માસ્તર
ઈવાને ખીજની ફિકર

ફિકરની તો ફાકી ભરાય
ઝપ્પી સામે ખીજ હરાય

આવા નુસખા હસ્તગત
ઈવા જન્મજાત તથાગત

આખરે બેનબા તૈયાર થયાં
નિશાળ ભણી રમતાં થયાં

2
ઈવાબેન ઊંઘે રે
સપનું એને સૂંઘે રે

સપનામાં દોડમદોડા રે
વરરાજા પડ્યા મોડા રે

મોડા પડે તે નાચે રે
વાદળાં સંગાથે રે

વાદળિયું ખૂબ દોટે રે
છાયાવાર્તા લપેટે રે

વાર્તા લાંબી ચાલી રે
નિંદર લાગે વ્હાલી રે

ઘટના

એક કિશોરની વાત છે.

હું તેના પરિચયમાં આવી ત્યારે તે છઠ્ઠાનો વિદ્યાથીૅ હતો. ઉંમર જો કે વધુ, ચોદેક હશે. ત્યારે મારી શાળાને કમ્પાઉન્ડ વૉલ નહી. ફરિયાદ મળેલી કે તે છોકરીઓને હેરાન કરે છે. તે દિવસે રમતના તાસમાં ખો-ખો રમતી છોકરીઓની વચ્ચે તેને સાયકલના આંટા મારતો જોઇ હું  ધસી, સ્ટીયરીંગ પકડી અટકાવ્યો અને  માસ્તરની ઑથોરીટીથી ધમકાવ્યો. હમેંશની જેમ મારી અંદર સવાલોનો ફૂવારો ઉછળતો હતો. મારા ઑથોરીટેટીવ વતૅનની અસરમાં તે ત્યાંથી જતો તો રહ્યો પણ,મારી ધારણા મુજબ તક મળતાં જ તે પાછો આવ્યો.

તેના પર ગુસ્સો તો આવ્યો જ, પણ દયા ય આવતી હતી અને પ્રિય વિધાન ચિત્તના ઉંબરે ટકટક કરતું હતું : પ્રભુ, તેને માફ કર કેમકે તેને ખબર નથી કે તે શું કરી રહ્યો છે. નજર સામે એક જીવન જાણે પોતાને વેડફવાની નેટ-પ્રેક્ટીશ કરતું હતું.

તોફાની બાળક માટે મને વિશેષ ભાવ. એમ લાગે કે તેને 'બચાવવું' મારી નૈતિક ફરજ છે. એવું નથી કે હું આવા બાળકો પર અકળાતી નથી. પણ, એ અકળામણ મારી મયૉદા છે એમ મનમાં જાપ કરતી હોઉ છું.

તો, આ છોકરાનું શું કરવું એ સવાલ ચિત્તની સિતાર બની ગયો, બૅકગ્રાઉન્ડમાં વાગ્યા કરે.તે મારી શાળાનો વિદ્યાથીૅ ય નહીં

મારી વિદ્યાથૅીના વાલી સંપકૅ દરમ્યાન તેને તેના ઘરમાં જોયો. એક ઓરડા અને નાની પરસાળ વાળા ઘરમાંથી મને જોઇ તે થથરી ગયો. તેની મમ્મી જોડે તેની માથાકુટ ચાલતી હતી અને હું પહોંચી હતી. ભાજી સમારી રહેલ તે  મા આગળ જઇ હું બોલી : કેમ 'લા,નિશાળે નથી ગયો ? તે સાથે જ તેની મમ્મીએ કથા માંડી. તેની હાલત કફોડી હતી અને તે, આ સ્થિતીમાં મુકાયેલ બીજા કોઇપણ 'વ્યક્તિ'ની જેમ જાણતો હતો કે તેને સબક શીખવવાની મને મળેલી તક હું ગુમાવીશ નહી.

હું આવી સોનેરી તક જવા દઉં ?

મે તેના વખાણ આદયૉ.

" મજબુત છોકરો છે. "

આદયૉ ભેગા મને તેનામાં વખાણવા લાયક લક્શણો- સંભાવનાઓ દેખાવા લાગી. આ નવા સ્ફોટથી ચકિ્ત હોવા છતાં હું જ્યોતિષ જેવા વાક્યો બોલતી રહી. : " આ કોઇની શેહમાં નહી રહે. પથ્થરને લાત મારી કમાઇ લેશે..."  નિ:શંક તે પણ ચકિ્ત થયો હશે પણ મારા ભાવને સંતાડી રહેલી હું તેના ભાવ કળવાની સુધમાં ના હતી. કઇં ચુકાઇ ના જાય એની લાહ્યમાં હું ઘણું બોલી.

તેની મા તો માતૃત્વને વશ કાચી ક્શણે મારા બોલ સાથે ધામિૅકતાથી સહમત થઇ ગઇ.

હું બોલતાં અટકી ત્યારે પોતાના પર આવતા હસવા ઉપરાંત હાશ પણ અનુભવી રહી.

ખરી કસોટી હવે હતી. મને ખબર હતી કે પોતાની સારપની સાબિતી મેળવવા તે અવારનવાર મારી પાસે આવશે. મને ડર લાગતો હતો, ક્યાંક તેના માટેનો ગુસ્સો હાવી થઇ જશે તો !

તે અવારનવાર પ્રત્યક્શ થવા લાગ્યો. મારી નબળી ક્શણોને સ્મિતથી ઢાંકી અને સબળ સમયે,  "કેમ છે? શું કરે મમ્મી?"  એમ ચાલ્યું.

તે હાઇસ્કુલમાં ગયો તો ખરો પણ ટૂંકા ગાળામાં અભ્યાસ છોડી દીધો. મે તેના એ નિણૅયને ય  "બરાબર કયુૅં"થી જ બિરદાવેલો. હવે તેણે કમાવું શરું કરી દીધું હતું.

મારી શાળાના પ્રસંગોએ તે કામ આવવા લાગ્યો, વગર બોલાવ્યે. શાળાનો સામાન ખસેડવાનો થયો, બે વાર, કેમકે શાળાનું નવું મકાન બન્યું, ત્યારે તે ખડે પગે. અને હવે તેને મારા પ્રમાણપત્રની જરુર નહોતી પડતી. સાથી શિક્શકો આ ઘટના જાણે નહીં. એટલે તેમને સવાલ થાય કે આ કિશોર કેમ આપણા કામમાં સાથ આપે. મિત્રોએ તેને ઉચિત મહેનતાણું ચૂકવ્યું અને જવાબ ગોઠવ્યો કે તે મહેનતાણા માટે આમ કરતો હશે. બેશક, મહેનતાણું ચાલકબળ હતું, પ્રેરકબળ તેની જાગૃત સારપ હતી.

વચ્ચે તેને કહ્યું કે દસમાનું સટીૅ કમાઇ લે તો કેટલેક ઠેકાણે કામ આવે. પણ, એ કામ તેને હવે માફક આવે તેવું નથી. તે ઘણા પ્રકારના કામ શીખી ગયો છે અને તક મુજબ કામ કરી કમાઇ લે છે.

લાંબા ફલક પર પથરાયેલા અમારા સંબંધને સમય કેટલો મળ્યો ? શરુઆતમાં ત્રણ-ચાર દિવસે એક મિનીટ,પછી અઠવાડિયે/ પખવાડિયે એક/અડધી મિનીટ. સ્કુલે આવતાં-જતાં ચાલુ સ્કુટરે વાત થાય.

આ-જો


દોડો પટ્ટીઓ એનો ગજ માપો
ના વાગે ગજ તો સૈયારું  ગાજો

ના સમાયુ ગાજે એને વેલક્રોથી વાસો
કંઠ ના સહી કરાઓકે ગાજો

ગજવે રોકડી એબીસીડી ખખડે
"બેટા,ગ્રેની માટે ટ્વિન્કલ ગા,જો!"

ગજરાજ બહેક્યા ઝમતા મદે
એની ગાંઠે ના અફિણ ના ગાંજો

વસ્તરમાં પાડીને તૈડ દોર સામે
ભજન ધર્યું, 'બટુનિયાંને ગાજો'

સાંભળ

બેશુમાર ચાહતા હો એ શખ્શ
સાવ,
છેક સાવ જ રસાતાળ જાય.

ત્યારે

રસથાળ જેવા શબ્દો
જીભની ટોચે ટટળે.
ના કહેવાયેલી વાત
પંક્તિબધ્ધ ફફડે
વ્હાલ બધું ડુમો થઇ આથડે

એને નફરત કેમ કરાય?
જે બીકમાં ઢબુરાયું છે.
મૂળ માગેૅથી ફંટાયું છે.
બુધ્ધિના ભારથી અંજાયું-
દબાયું છે.
સ્નેહ જેનામાં સુકાયું છે

બુધ્ધિના બળથી એ પ્રેમ છોલે છે
વસ્તુને કાટલે પોતાને ય તોલે છે
અપેક્શાના હિંચકે ઝૂલાવે-ઝૂલે છે
એને હવે બાથમાં કેમ લવાય?

સ્નેહનો ભાગાકાર,શેષ વધ્યો એનો 'હું'
નથી ભળાતો એને સ્નેહનો ' તુ હી તું'
એને કહેવું કેમ : પાપ એટલે પ્રેમ ગાળીને જીવવુ ?
કે કરુણા ઉભી થાય એટલા ભુવા પ્રેમમાં પડ્યા છે.

રુ-બ-રું કહેવાતું એ અહીં દિવાલે ચિપકાવવું પડ્યું
બે જણનું અંતર ના ઉઘડ્યું તો વધી પડ્યું.

હુંફાળી ચાદર

મનમાં ફફડાટ છે. હ્રદય ઝડપથી ધમધમે છે. જ્યાં પહોંચવું હતું તે રસ્તા માટે પનો ટૂંકો પડ્યો છે. પણ, મારે આટલી ચાદરમાં જીવન નથી ખૂંટાડવું.થીગડાં મારીશ, અને એ દેખાય એનો ય વાંધો નથી. બસ, ચાદર થોડી લાંબી,પહોળી અને હુંફાળી કરવી છે.
આ નોકરી શબ્દશ: નોકરી છે. કામ અઘરું નથી, રીત અઘરી લાગે છે. નવી રીત અને નવી ભાત છે એટલે. મારામાં ખરબચડાપણું છે, ના હોય તો નવાઇ. અહીં લીસ્સા માણસો સાથે લીસ્સી સફાઇથી પેશ આવવાનું છે. કરોડરજ્જુ છે એટલે સાવ ઢળી પડવું ફાવતું નથી. કરોડ ઉપરના ગોળાને ફીણી મધ્યમમાગૅ નિતારું છું.
ટૂંકી ચાદરમાં થોડી હૂંફ ઉમેરાય એટલો પગાર છે. આ પગથીયું પહેલું. લપસ્યા વગર લીસ્સા બનવાનું. તાલીમ આપનાર ખુશ છે મારા પર. ઝડપથી શીખું છું : સ્માઇલ આપવાનું, ખાનાર અંજાય એ રીતે પીરસવાનું, ગ્રાહકની ઉદ્દંડતાને ભોળપણ તરીકે ગ્રાહકને ગળે ઉતારવાનું, ગુલામની જેમ ગ્રાહકના બાળકોને વચ્ચે- વચ્ચે રમાડી લેવાનું, શૂન્ય આંખે ચહેરાને ભાવભયોૅ રંગવાનું, "થૅન્ક યુ મદામ", "ગુડ ડે સર"  કહેવાનું. તાલીમ આપનાર ટીપ અંગે કઇ બોલતા નથી. પણ, મેં મારી મેળે તેની રીત શીખી લીધી છે.
ટૂંકી ચાદરની આસપાસ બોલાશ ઘણી છે.  ઘોંઘાટ જેવા તે અવાજ બૅરાની નોકરી લીધા પછી ગમવા લાગ્યા છે. ઊંઘતી વેળાએ તો તે જાણે મધુર પશ્ચાદભુ સંગીત છે. ઉતાવળા અવાજો, ખખડાટ ને ખડખડાટ, બધું હવે મધુરું લાગે છે.

ઇટરીના વાતાનુકુલીત ખંડમાં સતત ધીમું સંગીત વાગે છે. દર કલાકે પુનરાવતિૅત થતા નિશ્ચિત ધ્વનિ તરંગો માથાના ચોક્કસ ભાગ પર નિયત સમયે ટપકતી પાણીની બુંદ જેવાં વાગે છે. એકધારાપણું સંગીતની રંગત ખાઈ ગયુ છે આ ઇટરીમાં.

ગાહકો ય એકધારા ઘાટનાં આવે છે, બિંબાઢાળ. ઢંડાગાર. રુઆબદાર. માલદાર. પણ, આ જોડી જુદી છે. હુંફાળી. જ્યારે આવે, વાતો સાથે આવે. પાડોશના અકડુ-અજાણ્યા ટેબલને ય બોલાવે. મૅનેજર જવાબદેહીથી ધૂંધવાય અને છતાં એમના સવાલો પર હસી પડે. જ્યાં આંખ ફેરવે, વાતો ઠાલવી દે. નવાઇ લાગે, કોઈ ઇલેક્ટ્રિક કામળાવાળાને બધાની ચાદર હેમખેમ છે એમ જોવાનો અને એથી રાજી થવાનો રસ આટલો એકધારો ય હોઇ શકે !

તેઓ કદી ટીપ નથી આપતા. એટલે, એમને સેવા પૂરી પાડવાની તક મને આસાનીથી મળી રહે છે. મને ખબર છે, એક દિવસ હું પણ એમના જેવી ટીપ આપનાર થનાર છું.

સોકરી કે સે

વેંછી બળ્યે ઑશ્યુથી ખેંશી
સોકરી છકડે નૈ ન જૉણ મનગમતે સરનામે બૅઠી

હૉમું જુવ ક જરી ઑખ્યુ મલ તો કૅવા મલ ક મંઇ રેલાયો ચેવો સૈ સોકરો
માથેથી પગ લગ કિડીનાં ઝાંઝરાંની રમઝટ લઇ ફેલાયો એવો સૈ સોકરો

લટ્ટ ના જુવ, લટ્ટકા ના જુવ, બેઠો મુન્ઢામાં ભરી મૅથી
વૅછી મુએ આંશ્યુથી ખેંશી

બળી ઍની લટ્ય ન બળ્યુ તીખુ નાક ન ઉગતી તે મુંછ સૈ સોકરો પરસેબાની એની બળી રે સુગંધ મુન ઘેલી કરવા શુટ્ટી મેલે સૈ સોકરો

માંખણ બયુૅ, જી અ બયુૅ, આ છકડે વહાવું જીવતર આૅશ્યું મૅચી
મીઠ્ઠે તે ડંખે મુન ખૅંશી

3*5

I know I am smart and that smartness begged me this highly salaried job. Aah, owning a motorcycle and a home loan were few dreams fulfilled with this job.

There's no window in 3*5. One 3*1 table, two chairs, each at the opposite side of the table, one for me. Six switches. Two of them were for cameras. No one for me.  My swich is my bank statement. I shouldn't smile, I have been groomed so. I have to stay objective. I believe they expect me to behave as accurately as the machine, a computer and a biomatrix scanner, on the table and the cameras on both of the doors.

Let the system download, the sophisticated up-to-the-date, highly sensitive system. It captures biomatric data. Let the system do it task and I shouldn't corrupt the system with my human uploading.

The front door will open and a human will enter with a lot of dreams and aspirations. That human may be a young one with good command on language or a native lady who will see everything in the 3*5  with a mixture of fear and curiosity. Someone, overwhelmed one, will try to do things fast to prove one's smartness. But I shouldn't appreciate their proficiency or curiosity or speed. I am here to instruct the human and the machine on the table with utmost objectivity.

"It isn't a call center job.",  I was told. One cannot decore this 3*5 space as personal one. It should be as objective as an object, as the machine on the table and in the chair. So, no sticker or perfume of personal choice. The company will decide the aroma and feel of all the objects and the space they occupy. And it has to be an aloof one.

I enjoyed this job for first few hours. But, very soon I started to feel an urge to talk. And this feeling made me feel sick with fear. My bike. The home loan. The lower middle class dreams and that lower middle classy fear. I was instructed to instruct, most politely though,but not to talk. I shouldn't tell the person before me , " Relax, it's gonna be alright." Or " So, well, you know those tactics of how to look great in a photo." I wish I could read their finger prints, like astrologers. But, I can't because I was groomed not to do so. Eventually, I found a way to talk. A middle class corruption.

When a human enter into my 3*5, as instructed, I won't give a smile or look at it. But, the moment its image appear on the computer screen, I would let my astrologers' self take the charge. I would make eye contect with the image, I would check how healthy the skin looks behind the foundation,if it is applied. I would count the fine lines near the eyes and lips and guess how light or heavily hearted it is. I would look closely the colour of the pupils and the light they capture. And I would think about the personality of the image. A stubborn person,tight skin but fine lines near lips and eyes. An easy go lucky, fluffy face. A caring mother with wrinkles on neck . An aspiring young lad with sparkling eyes. A rebel one, tightly closed lips. A madame, playing with the table, mischievous one . A government officer, who rerecites each instruction as a question. A middle level politician, keeps his head a little up. There's no way I could check my assumptions. But, I kind of enjoying doing it. This play make me feel human in this robotic job. Rarely, very rarely, I come across  someone brave enough human soul who would look at me closely while following my instructions ,"Look up at the camera for ten seconds,please." ; but, not brave enough to reach me out.

But that human was one of those brave soul.  It tryed to look at me very closely without getting closer. The 3*1 table is between those two chairs and beings. Even though, I noticed that it was trying to communicate ,without words. And I was overwhelmed to see my side face in its brown pupils. That soul too was equally smart and sensitive enough to catch me blushed. We exchanged smiles, me with my tightly closed lips, the soul with its brodended two. The fear stepped in the next moment and reflected from my eyes. This robotic job which has gave me first bike and a home loan.It evoparated the beauty that was right there the previous moment. I was shattered. I was broken. But, the smile in the next chair, it was still there. I gathered myself to finish the task. The smile was obeying my robotic instructions with smile. It kept on knocking myself . It get up from the chair, went to the door and turned, "Thanks. All the best."  And I realized, there isn't any fear in this moment !

I know, there are negligible chances that the human being entering my 3*5 will enter again. Most people, fearful or over confident or practical or egoistic or simple will enter this 3*5 and will fail to notice the warm heart behind the table, human sound behind the robotic instructions and non smiling fellowship behind the thin lips. I have experienced a moment of fearlessness. I can wait right hear in this 3*5 to find someone, anyone who could pass on one more does of much needed fearlessness, to me.

વિદ્યાનગર

આણંદથી પરવારી
સમીસાંજે
વિદ્યાનગર વહો ત્યારે
ડામર પર કેસર વેરતો સૂરજ સામો જડે.

ટાઉનહોલને નાકે
શાકભર્યા સંસારને થેલે ભરી
કપડાં,રેસ્ટોરાં અને ચંપલની હોસ્ટેલમાં પગ મૂકવાનો

જૂનવાણી મંશા ફૂટ કાઢે ત્યાં
ઝૂમઝૂમાટ બાઈક મંછાબાની હવા ઉડાવી લે
એવામાંય કેટલાક ગનાની ધજા લઇ ઉડે
ને ફકીરા રામકૃપાએ ફાકી મારે

એપ્રિલનું જાગરણ વટાવવા વિદ્યાનગર મેમાં ઊંઘે છે
ચોમાસાના વર્તારા વગર જૂનમાં ચૂવે છે.

રણકો

મંકોડાનો મણકો
મંછા છેડ્યો છણકો

સાંજ સમો રણકો
સાવજ કે'તા ડણકો

ફરી ફરી એ સણકો
સ્મૃતિ તારો રણકો

વારસાઇનો મણકો
વારસાઇમાં છણકો

30.6.17

તડ-કો


વરસાદે નાહીને આવ્યો રે તડકો
કાચ જેવો આંખમાં વાગ્યો એ તડકો

પાનખરે પાંદડાંઓ ગણતો'તો તડકો
શરદમાં સ્નેહભીનું ઢળતો'તો તડકો

શિયાળે મોઘું મલકતો જે તડકો
ઉનાળે ભારે બળબળતો તે તડકો

માટી પર કેસરીયા મરતો સૈ તડકો
લીલાને સોનેરી કરતો ભૈ તડકો

સુરજના સંગથી છટકતો જે તડકો
છાયાને આવરી અટકતો તે તડકો

બે બોધકથા

1 : પ્રકૃતિ એવી કે અમુક વિચાર આવે જ નહી. જેમ કે રાત્રિભ્રમણ દરમ્યાન અશુભ થવાની સંભાવના. આવો વિચાર પણ કોઇ કરીને ધરે ત્યારે વિચાર તરીકે દેખાય.
દલહૌજીનું આયોજન. ભાણિયાઓને બારમાની પરીક્ષા પૂરી થઇ હતી અને બહેનોને એટલી શ્રદ્ધા હતી કે તેમના કિશોરોને હેમખેમ તો પાછા લાવીશ. બે બહેનપણીઓ પણ જોડાઇ હતી. જેમાં એકની રસમ કઇંક આવી : " તુ તારે ઍવરેસ્ટ ચઢ.હું હૅલીકૉપ્ટરમાં બેસી ઍવરેસ્ટ ફરતે આંટો મારી તારા સ્વાગત માટે ગરમાગરમ ચા સાથે બેઝકૅમ્પ પર  ઉભી રહીશ."  મમ્મી, બે ભાણીયા , એક ભાણી સહિતનો આ પ્રવાસ પ્રમાણમાં પ્લાન્ડ અને સગવડભયોૅ રહેવાનો હતો.

અત્યારે ભાણીયાના ઘેર ભાણીયા છે એટલી જુની આ ઘટનામાં સમયચૂક થવાની સંભાવના છે.
અમારી ટ્રેન 6-7 કલાક મોડી થઇ એટલે કેન્ટ સ્ટેશને મધરાતે પહોંચ્યા. રાત ત્યાં જ ગાળવી કે ટૅક્સી લઇ ઠેકાણે પહોંચવું તેની ચચૉ ય 6-7 કલાકથી મંડાયેલ હતી. અમારી બથૅની બાજુની બથૅ પર આમીૅ પસૅન હતા. એમણે સૂચવ્યું કે રેલ્વે પોલીસની સલાહ લેવી. પુલીસ તેમજ આમીૅ-બંને પસૅન્સનુ કહેવું હતું કે રસ્તો સેઇફ છે, પાંખો વાહનવ્યવહાર પણ ચાલુ હશે અને અંતર પણ વધુ નથી.  સાત વ્યક્તિના હૉટેલ રોકાણનો ખચૅ નકામો શું કરવા કરવો !

વાત તો વાજબી અને અનુસરવા યોગ્ય છે, એમ મને લાગતું હતું. પણ, બૅનપણીને એ જોખમી જણાતું હતું : "સાથે કોઇ પુરુષ નથી !" (બે કિશોર હતા સાથે) છેલ્લુ સ્ટેશન હોવાથી પોલીસ મૅન મારી સાથે આવ્યા અને ટૅક્સી કરવામાં મદદ કરી. ટૅક્સી બુકીંગનું તંત્ર સરસ લાગ્યુ મને. ટૅક્સી, માલીક અને ડ્રાયવરની વિગત તે ઑફિસે નોંધાયેલ હોય અને તેમાથી આપણે ટૅક્સી પસંદ કરવાની. એકદમ સેઇફ. પણ, બેનપણીને એમ નહોતું લાગતું. ટૅક્સી ઍસોશિએશનની મિલીભગત હોય તો ! મને લાગતું કે અમે એટલા ગણમાન્ય નહોતા કે કોઇ અમારું એટલું બધું ધ્યાન રાખે.

છેવટે ,ટૅક્સી-ક્વૉલીસમાં બૅઠા. "તું આગળ બૅસ." ઍમ રીસમાં હુકમ કરવામાં આવ્યો. ડ્રાયવર 20-22 વષૅનો યુવાન હતો. હૅન્ડસમ હતો. ડ્રાયવરની બાજુની સીટ પર હું ગોઠવાઇ.વચ્ચેની સીટમાં સ્ત્રીવગૅ અને પાછળ સામાન સાથે કિશોરો. "જાગતી રહેજે." ફરમાન આવ્યું.  ટૅક્સીને ટાઉનમાં લેતા ડ્રાયવર વદ્યા : ઘર હોકર નીકલના હૈ. ઠીક ભાઇ. ગલીને નાકે ક્વૉલીસ ઊભી રાખી તે અંદરની તરફ ગયો. મજુર સમુદાય રહેતો હોય તેવો વિસ્તાર જોઇ મને વિચાર આવ્યો કે સહપ્રવાસીઓ ડ્રાયવરને ગુંડો માનવા ના પ્રેરાય તો સારું.    ડ્રાયવરની સીટ તરફનો દરવાજો ખોલી કોઇ બીજો જ જણ સીટમાં ગોઠવાયો અને મને ફાળ પડી. ફાળ એ પડી કે હવે સહપ્રવાસીઓ મારો વારો કાઢશે-ફરીથી. બૅનપણી એ રાગ ટૉણા આલાપ્યો.પણ, બૅનપણી, કોણ ગણકારે !
નવો ડ્રાયવર પડછંદ પ્રૌઢ શીખ ! અમારા જુથના વ્યક્તિત્વને જાણી "પિતા એ વિચાયુૅ હશે કે યુવાન દિકરાને બદલે પોતે ,અનુભવી વ્યક્તિ જાય તે યોગ્ય રહેશે." મારા આવા મંતવ્યોના જવાબમાં મારી કલ્પનાનો સામો છેડો પુરો થાય તે પછીની સંભાવનાઓનું ચાક્ષુશ વણૅન કરવામાં આવતું હતું. અને આ વાતૉલાપ  ભદ્રંભદ્રની ભાષામાં કરવામાં આવતો જેથી ચારચક્રીવાહનચાલક સમક્ષ અમારું સખ્ય તેમજ શંકાઓ ઉઘાડી ન પડે. તદ્ભવ શબ્દોની ભારતવ્યાપી સમાનતા અંગે અમે તે કાળે ગ્નાનાંંધારગ્રસ્ત હતાં.

શહેર છોડી ગાડી આગળ વધી અને હિમાલયની ઠંડી હવાનો સ્પશૅ થતાં છેલ્લા નવેક કલાકથી તણાયેલ ચિત્ત નિવિૅચાર થઇ શવાસન પ્રતિ નમવા લાગ્યું. સહપ્રવાસીઓની વધુ એક આશંકા સાચી પડી. "તું પાછળ આવી જા." અને આમ આગળ-પાછળ કરતાં અમે દલહૌજી પહોંચ્યા. ટૂંકમાં, એવું કઇં જ ન થયું જેની ચિંતા સેવવામાં આવી હતી. સામાન્ય માનવજીવનની જેમ જનમ્યા, ઍન્જિનીયર થયા~પરણ્યા, પત્યા એવો ઘાટ થયો.
બોધ : ચિંતા કંટાળાજનક ઉપક્રમ છે.

2 : આ જ પ્રવાસ દરમ્યાન ધમૅશાલાથી કરેલ ટૅક્સી ડ્રાયવર જોડે બધાને ફાવી  ગયું. એટલું કે અમારા લીસ્ટમાં ના હોય તેવી મજેદાર જગ્યાઓ એ તે અમને લઇ ગયો, અમારા ખચેૅસ્તો ! અને વાતો તો ધમાધમ. એમાં એ ઉત્સાહી જીવે પોતાની પ્રેમકહાની ય કહી દીધી, હૅપી ઍન્ડિંગવાળી. પ્રેમ ખાતર એણે પ્રેમિકા અને હવે પત્નિના ભાઇઓનો માર ખાધાનું ય કહી દઈ એણે ઉમેયુૅ :" મેરે ઘરમેં કીસીકો-ભાઇઓ કો ઈસ બાત કી ખબર નહીં. વર્ના બખેડા બઢ જાતા. "  અને આગળ એ જ થયું જેની વાચકે ધારણા કરી લીધી.ડ્રાયવર એને ઘેર લઇ ગયો પત્નિને મળાવવા. ડ્રાય'વર'ના કુટુંબીજનોની હાજરીમાં ડ્રાયવરભાયૉ જેવી ટ્રે લઇને પ્રવેશી, અમારા જુથના સૌથી ઓછું બોલતા સભ્ય શુદ્ધ હિન્દીમાં બોલ્યા : ઇનકે લીયે આપને માર ખાયા, લાઝમી હૈ !

બોધ : હાસ્ય તેમજ રુદનના આંસુંનું સ્ત્રોત એક છે.