9.6.20

અંક રાક્ષસ _૪૪

બારમી રાત _૪

રાજુ સવારે જોકે, પોતાની પથારીમાં જ હતો અને તેની મમ્મી તેને ઢંઢોળતી હતી, "બહું મોડું થઈ ગયું, રાજુ. હમણાં જ ઊભો થઈ જા નહીં તો જોવા જેવી થશે."

'રોજની રામાયણ.' રાજુએ પોતાને કહ્યું, 'સપનામાં ભલે ને બંદા કોઈ મહેલમાં મહાન ગણિતશાસ્ત્રીઓ સાથે બેસીને પાઈ ઝાપટતા હો, અરે પંચકોણીય તારાવાળી સોનાની ચેઈન ગળામાં આરોપાઈ હોય; પણ, જેવી આંખ ખૂલી કે ઠેરના ઠેર.'

પણ,  અધખૂલી આંખે તે જ્યારે દાંત પર બ્રશ ઘસી રહ્યો હતો, તેણે બંડીની નીચે ઠંડો, નક્કર સ્પર્શ અનુભવ્યો. તેણે હાથ નાખી જોયું તો એ જ પેલી પંચકોણીય તારાવાળી સોનાની ચેઈન. પણ, સપનાં કરતાં તારો નાનો અને ચેઈન હલકી હતી. તેણે તે હાથમાં લીધાં તો એકવાર તો તેના માનવામાં ના આવ્યું. આ વખતે સપનું સાચું પડેલું!

તેણે ચેઈન ખીસામાં મૂકી દીધી. જો મમ્મી જૂએ તો, "ક્યાંથી લાવ્યો? કોણે આપી? કેમ આપી? તારાવાળી કેમ છે?" -એવા પ્રશ્નો પુછી માથું ખાઈ જાય.

'હવે મમ્મીને, કે બીજા કોઈને કેમ કરી સમજાવવું કે આ તો એક ખાનગી અને પ્રતિષ્ઠિત સંસ્થાના વિદ્યાર્થી હોવાનું ગૌરવપ્રદ પ્રતિક છે!'

નિશાળે બધું સામાન્ય હતું, સિવાય કે ગણોત્રા સર રોજ કરતાં થોડા વધારે થાકેલા લાગતા હતા. આજે પણ તેમણે છાપા પાછળ મોં સંતાડી ઉતાવળે બે બિસ્કીટ મોઢામાં ઠાંસી દીધાં. જોકે, તે પહેલાં તેમણે એક અઘરો દાખલો બાળકોને ગણવા આપ્યો જે તેમની ગણતરી પ્રમાણે વિદ્યાર્થીઓને ગણતાં પોણો કલાક તો થાય જ.

"વર્ગમાં આજે કેટલા હાજર છે?" તેમણે પુછ્યું. હંમેશની લપલપીયણ ડૉલીએ ફટાક કરતાંક હાથ ઊંચો કર્યો અને કહ્યું, "આડત્રીસ, સર."

"શાબ્બાશ ડૉલી. હવે તમે બધા અહી બરાબર ધ્યાન આપો. જો પહેલી બેંચ પર પહેલા બેઠેલા, શું નામ તારું? હા, અક્ષત. તો અક્ષતને જો એક બિસ્કીટ મળે, બીજા નંબરની બિંદુને બે બિસ્કીટ મળે, ત્રીજા બેઠેલા ચંદ્રેશને ત્રણ, ડૉલીને ચાર, ઈવાને પાંચ, ફેનિલને છ અને આડત્રીસમી ઝીલને આડત્રીસ એમ તમને બધાને બિસ્કીટ મળે તો તમને બધાને એ રીતે આપવા મારે કેટલા બિસ્કીટ ખરીદવા પડે?"

રાજુ જરા અકળાયો. 'ગણોત્રા સર અને તેમના બિસ્કીટ દાખલા! હવે અમારે ગધેડાની જેમ ઊંધું નાખી ગણ્યા કરવાનું અને તેમને શાંતિ.'

રાજુએ પોતાની ચીઢ વ્યક્ત તો ના કરી. પણ, જ્યારે આખો વર્ગ નૉટ-પેન લઈ દાખલો ગણવામાં પડ્યો હતો ત્યારે રાજુ હવામાં તાકી રહેલો.

"શું વાત છે રાજુ? " ગણોત્રા સરે પુછ્યું, "સપનું જુએ છે કે?"

'એટલેકે તેઓની એક આંખ તો અમારા પર જ. હોય છે!' રાજુને થયું. 
"ના.ના. સર. દાખલાની રીત વિશે વિચારતો હતો." તેણે કહ્યું અને નોટમાં લખવું શરૂં કર્યું...

1 + 2 + 3 + 4 + 5 + 6 ...

'એવો તો કંટાળો આવે છે ને! આ શું ડોબા જેવું.' લ
આમ લખતાં લખતાં અગિયારે પહોંચતા ત્યાં સુધીમાં રાજુ ગૂંચવાઈ ગયો. 
'હું, ભલે પાંચમા ધોરણનો પણ વિદ્યાર્થી તો પાયથાગોરીઅન સંસ્થાનો કે નહીં!' એમ ભાન થતાં તેને યાદ આવ્યું કે તેણે પેલી તારાવાળી સોનાની ચેઈન ગળામાં પહેરી નથી.

કોઈનું ધ્યાન ના ખેંચાય તે રીતે, સીફતથી તેણે ખીસ્સામાંથી ચેઈન કાઢી, પહેરી, શર્ટ અને કૉલર નીચે સંતાડી દીધી. પળભરમાં તો તેને ચમકારો થયો, 'ત્રિકોણ અંક!'

'અચ્છા! આટલા માટે જ તો હું શીખ્યો હતો! કેવી રીતે કામ કરે તે?'

અને તેણે લખ્યું :

   1    2      3   4    5    6
12   11   10   9    8    7
----------------------------------
13  13   13  13  13  13

6 × 13 = 78

'જો 1-થી 12 અંક માટે આમ ગણતરી કરી શકાય તો આડત્રીસ માટે પણ થઈ શકે.' રાજુને સૂઝ્યું.


    1       2      3   ...   18     19
 38     37     36  ...    21    20
-------------------------------------------- 
39      39    39  ...     39    39

 19 × 39 =


રાજુએ હળવેથી કૅલ્ક્યુલેટર ખોળામાં લીધું અને ગણી કાઢ્યું:

19 × 39 = 741

"ગણી કાઢ્યો, સર." રાજુએ મોટેથી કહ્યું, "સાવ સહેલો હતો."

"એટલામાં?" છાપુ એકબાજુ મૂકી ગણોત્રા સરે પુછ્યું, "શું જવાબ આવ્યો?"

" 741 " , રાજુએ ધીમેથી કહ્યું.

વર્ગમાં ટાંકણી પડે તો પણ સંભળાય એવી શાંતિ છવાઈ ગઈ.

"કેવી રીતે?" ગણોત્રા સરે પુછ્યું.

"સહેલું છે." રાજુએ બટન સરખું કરવાનો ચાળો કરતાં પાઈથાગોરીઅન તારાને સ્પર્શી લેતાં કહ્યું, "તેની અંદર જ જવાબ છે."

તેણે મનોમન અંક રાક્ષસને વંદન કર્યા.


8.6.20

અંક રાક્ષસ _૪૩

બારમી રાત _૩

જે વિશાળ ખંડમાં તેઓ પ્રવેશ્યા, તે અત્યંત વિશાળ હતો. રાજુએ આટલો વિશાળ ખંડ ક્યારેય જોયો ન હતો. તે કોઈ અખાડા કે જીમ કરતાં, કોઈ દેવળ, મસ્જિદ કે મંદિર કરતાં અનેકગણો વિશાળ અને ખુબ ખુબ ખુબ સુંદર હતો. તેની દિવાલો અવનવી ડિઝાઈનની મોઝેઈકથી શણગારેલી હતી. એક રાજાશાહી ઠાઠની સીડી એટલે ઊંચે જતી હતી કે તે ક્યાં પહોંચતી હશે તે કળવું અશક્ય હતું. તે દાદરના પહેલા પગથિયા પાસે સોનાનું ભવ્ય સિંહાસન હતું.

રાજુના માન્યામાં આવતું જ ન હતું કે અંક રાક્ષસો આટલી શાનદાર જીવનશૈલી ભોગવતા હશે.

"અંક નર્ક? શું કહેતા હતા તમે? આ તો દેવતાઓના સ્વર્ગ જેવું છે."
"ઉતાવળે કશું નક્કી ના કરીશ. ઠીક, ફરિયાદ નથી કરતો પણ કેટલીક વખત જ્યારે કોયડો ઉકલે નહીં અને મને એમ લાગવા માંડે કે હું ગાંડો થઈ જઈશ ત્યારે... એમ લાગે કે ઉકેલ હાથવગો છે તેવામાં કોઈ દિવાલ જાણે કે વચ્ચે ઊગી નીકળે. તે છે નર્ક."

રાજુએ પોતાની જીભ પર તાળું મારીને ચોમેર જોવાનું ઠેરવ્યું. છેક ત્યારે તેની નજર હૉલની વચ્ચોવચ્ચ રહેલા દૂર દૂર સુધી લંબાયેલા ટેબલ અને દિવાલોએ ગોઠવાઈને ઊભેલા પીરસણીયાઓ ઉપર પડી.

એકાએક પ્રવેશ દ્વાર પાસેથી ઉજાણીના આયોજકોમાંના એકે પોતાની જાદુઈ લાકડી લંબાવી અને છેક દૂર લટકાવેલા ઘંટને તેના વડે ખખડાવ્યો. આખા મહેલમાં ઘંટના પડઘા વાગતા રહ્યા.

"આવી મારી પાછળ." ટૅપ્લોટૅક્ષલે કહ્યું, "આપણી ખુરશીઓ ટેબલના આ છેડે છે."

ખુરશી પર ગોઠવાયા પછી રાજુ તે વિશાળ ખંડમાં પ્રવેશી રહેલા અંક રાક્ષસો અને અંક શાશ્ત્રીઓને જોતો રહ્યો. રાજુએ ઑવ્લ અને પ્રોફેસર હોરર્સને ઓળખી કાઢ્યા; બોનાકીને પણ -તેમના ખભા પરના સસલા પરથી. પણ, બાકીના કોઈને તે ઓળખતો ન હતો. ત્યાં હતા ધીર ગંભીર ઈજિપ્શીયન્સ, કપાળે તિલક કરેલા ભારતીય, બુરનૂસ પહેરેલા આરબ,આફ્રિકન્સ, ઈન્ડીયન-અમેરિકન્સ, વાંકી તલવારવાળા તુર્ક અને જીન્સ પહેરેલા અમેરિકન્સ.  તે બધા હજારોની સંખ્યામાં હતા.

આટલી મોટી સંખ્યામાં અંક પ્રેમીઓ જોઈ રાજુને જેટલી નવાઈ લાગી તેટલી જ નવાઈ તેમાં સ્ત્રીઓની નહીંવત્ સંખ્યા જોઈને લાગી. આટલા મોટા સમૂહમાં માંડ છ કે સાત મહિલાઓ હતી અને તેમને પણ જાણે બાકીના ગંભીરતાથી લેતા ન હતા.

"અહીં સ્ત્રીઓ કેમ આટલી બધી ઓછી છે?" રાજુએ પુછ્યું, "તેમને રોકવાનો કોઈ નિયમ છે કે શું?"

"સ્ત્રીઓ માટે સમય કઠીન રહ્યો છે. આ મહેલનો નિયમ સ્પષ્ટ હતો : ગણિત એ પુરૂષનું કામ છે. જોકે, હવે સમય બદલાઈ રહ્યો છે."

જ્યારે બધા મહેમાન ગોઠવાઈ ગયા અને એકબીજાની ખબરઅંતર પુછી ચૂક્યા પછી પેલા આયોજકે ફરીથી ઘંટ વગાડ્યો અને તે સાથે જ ખંડમાં શાંતી પ્રસરી ગઈ. શ્રેષ્ઠ રેશમના શાનદાર વસ્ત્રો પહેરેલી એક વ્યક્તિ પેલો ભવ્ય દાદર ઉતર્યા અને સિંહાસન પર બિરાજમાન થયા.

"કોણ છે તેઓ?" રાજુએ પુછ્યું.
"કદાચ, જેમણે એક શોધ્યો હતો તે."
"શું તે તમારા બધાથી મહાન છે?"
"બીજા નંબરના મહાન. " ટૅપ્લોટૅક્ષલે કહ્યું, "જે સૌથી મહાન છે તેઓ તો આ સીડી લઈ જાય ત્યાં, વાદળોમાં રહે છે."
"શું આ વ્યક્તિ ચાઈનીઝ છે?"
"કોઈને ખબર નથી. અમારામાંથી કોઈ તેમને રૂબરૂ મળ્યું નથી. તેઓ બધા અંક રાક્ષસોના વડા છે અને અમે બધા તેમનો ખુબ આદર કરીએ છીએ. જોકે, અમને બધાને એમ છે કે તેઓ કદાચ પુરુષ નહીં, સ્ત્રી છે."

આખી વાતથી રાજુ એટલો અચંબિત થઈ ગયેલો કે કાંઈ બોલી જ ના શક્યો.
દરમ્યાન, પિરસણીયાઓએ પિરસવું શરૂ કરી દીધું હતું.

"અરે! આ લોકો તો મિઠાઈથી શરૂઆત કરે છે." તેની થાળીમાં પિરસણીયાઓએ પાઈનો કટકો મૂક્યો તે જોઈ રાજુએ કહ્યું.

"શશ્શ્શ્શ. ધી.મે.થી. અમે પાઈ સિવાય બીજું કાંઈ ખાતા જ નથી. કારણકે પાઈ એક વર્તુળ છે અને વર્તુળ એક સંપૂર્ણ આકાર છે. આ ખાઈ જો."

રાજુએ આટલી સ્વાદિષ્ટ પાઈ ક્યારેય ચાખી ન હતી.

"ધાર કે તારે આ પાઈ કેટલી મોટી છે તે શોધવું હોય તો...?" અંક રાક્ષસે કહ્યું, "કેવી રીતે શોધીશ?"

"નથી ખબર.  તમે મને શીખવ્યું નથી અને નિશાળમાં તો હજી બિસ્કીટ- લંબચોરસ ભણાવાય છે."

"અસંમેય સંખ્યા જોઈએ, સૌથી અગત્યના અંક. આ ટેબલને પેલા છેડે બેસેલા તેમને શોધ્યા હતા, બે હજાર વર્ષ પહેલાં. ગ્રીક. તેમના વગર આપણે ક્યારેય જાણી ના શકત કે આપણી આ પાઈ કે પૈડાં કે તેલનો ટાંકો કે કોઈ વીંટી કેટલી મોટા છે. બીજા શબ્દોમાં, દરેક વર્તુળ વસ્તુ.  આપણા ચંદ્ર અને પૃથ્વી સુદ્ધાં.  પાઈ વગર આપણે ક્યાંય પછાત રહી જાત."
 
તે સમયે અંક રાક્ષસોની મોજીલી રીતભાતથી  ઓરડો ભરાઈ ગયેલો. રાજુએ જોયું કે એક રાક્ષસ અવકાશમાં તાકી રહેલો તો બીજો પાઈના માવામાંથી દડા બનાવી રહેલો. આમ તો, મોટાભાગના રાક્ષસો મોજથી ખાણીપીણી માણી રહેલા. તેમના પવાલા પંચકોણ હતા.

મીજબાની પૂરી થઈ એટલે પેલા વ્યવસ્થાપકે ફરીથી ઘંટ રણકાવ્યો. સિંહાસન પર બેઠેલા મહાન પુરુષ, કે મહાન મહિલા, કે જેમણે કદાચ એકની શોધ કરી હતી, ઊભા થયા અને દાદર ચઢીને અદ્રશ્ય થઈ ગયા. 

ધીમે ધીમે બીજા અંક રાક્ષસ પણ ઊભા થયા. સૌથી પહેલાં ગણમાન્ય અંક શાસ્ત્રીઓ અને તેમની પાછળ બીજા બધા, પોતપોતાના ઓરડા તરફ ચાલી નીકળ્યા. છેલ્લે માત્ર રાજુ અને તેના મિત્ર જ રહ્યા.

તેઓ ત્યાંથી જવાની તૈયારીમાં હતા, ત્યારે ભવ્ય પોષાકમાં સજ્જ એક મહાનુભાવ તેમની પાસે આવ્યા.

રાજુને લાગ્યું કે આ તે જ હોવા જોઈએ, જેમની આમંત્રણ પત્રમાં સહી હતી.

"તો આ છે તારો સહાયક." એકદમ ધીમા પણ સ્પષ્ટ અવાજે તેમણે કહ્યું, "ઉંમરમાં નાનો પડે એમ નથી લાગતું? અને હજી તો તેણે આપમેળે કશું ઘડ્યું, વિચાર્યું પણ નથી, કેમ બરાબરને?"

"જી, એમ જ." રાજુના મિત્રે જવાબ આપ્યો, "પણ, જે ઝડપે તેણે પ્રગતિ સાધી છે, તેને ઝાઝી વાર નહીં લાગે."

"પ્રાઈમા ડોનામાં તેની સમજ કેવી છે? તેને ખબર છે તે કેટલા હોય?"

"એકદમ એટલા જેટલા સામાન્ય અંક હોય છે, અથવા એકી અંક હોય છે અથવા કૂદકા અંક..." રાજુ ફટાફટ બોલી પડ્યો.

"ખુબ સરસ. તેણે હવે પરીક્ષા આપવાની જરૂર નથી. શું નામ છે તેનું?"
"રાજુ."
"રાજુ, સાવધાન થા. અહીંના પ્રમુખ તરીકે મને અપાયેલી સત્તાની રૂએ હું તારો સૌથી નીચેના વર્ગમાં સહાયક તરીકે સ્વાગત કરું છું અને તે બદલ તને પાયથાગોરસ ચંદ્રક, વર્ગ પાંચ એનાયત કરું છું."

આમ કહીને તેઓએ તારાના પેંડલ સહિતની, સોનાની એક વજનદાર ચેઈન વિધીવત રાજુના ગળામાં પહેરાવી.

હાથ જોડી, માથું નમાવી રાજુએ તેમને પ્રણામ કર્યા.

"કહેવાની જરૂર ખરી કે આ ચંદ્રક ખાનગી રાખવાનો છે." પ્રમુખશ્રીએ કહ્યું. આગળ કશી વાત કર્યા વગર તેઓ ઊંધા ફર્યા અને અદ્રશ્ય થઈ ગયા.

"હા,તો, બસ. આટલું." રાજુના ગુરુ અને મિત્રે કહ્યું, "હવે હું રજા લઉં. અહીંથી હવે તારે તારી જાતે આગળ વધવાનું છે."

"શું?" રાજુ મોટેથી પુછી બેઠો, "તમારે મારી જોડે જ રહેવાનું છે."

"સૉરી." ટૅપ્લોટૅક્ષલે કહ્યું, "મારે પણ મારા કામ હોય ને!"

રાજુએ જોયું કે ટૅપ્લોટૅક્ષલ ભાવુક થઈ ગયા છે. રાજુ પણ રડી પડવાની અણીએ હતો. તેને આ ક્ષણે સમજાતું હતું કે અંક રાક્ષસ તેના જીવનનો કેટલો અંતરંગ ભાગ બની ગયેલો. પણ, બંનેમાંથી કોઈએ લાગણી વ્યક્ત કરી નહીં. ટૅપ્લોટૅક્ષલે કહ્યું, "આવજે, રાજુ." 
રાજુએ કહ્યું, "આવજો."

બીજી પળે તેનો મિત્ર અદ્રશ્ય થઈ ગયો.

તે વિશાળ ખંડમાં હવે રાજુ એકલો જ હતો. 'હવે ઘરે કેમ પહોંચવું?" ગળાની પેલી ચેઈન એક તો ભારેને ભારે થતી જતી હતી અને દબાવીને ખાધેલી પાઈ હોજરીને ભારે પડી રહી હતી. તેનું મગજ ધીમે ધીમે તંદ્રામાં સરક્યું ને પછી રાજુ ઘસઘસાટ ઊંઘી ગયો. એવો ઘસઘસાટ જાણે કે તે અંક રાક્ષસના ખભે બેસીને ક્યારેય પોતાના ઓરડાની બહાર નીકળ્યો જ ના હોય.