23.9.17

માણસાઇ

ગોવિંદઘાટ પર જાણ થઇ કે બદ્રીનાથ ના રસ્તે લાંબાગઢ પાસે લેન્ડ સ્લાઇડિંગ હોવાથી રસ્તો બંધ છે. અહીં વરસાદ પણ જામેલો. કરવું શું? મેં અલકનંદાને કિનારે ટહેલવું શરું કર્યું. કેટલોક સમય એમ પસાર કરી ફરી બદ્રીનાથ અંગે તપાસ કરી. જાણવા મળ્યું કે કુલ ત્રણેક કિ.મી.નો ટ્રેક કરીને પહોંચી શકાય એમ છે. તો ચલ પડે. શટલ મળતા નહોંતા. પસાર થતી દરેક સુમો પાસે જઇ પુછવાનું. વરસાદની ટપટપ ચાલું. એક શટલ ઊભી રહી. થોડેક આગળ જતાં એક આધેડ યુગલ જોડાયું. તેઓ એમ.પી.ના હતા. સ્ત્રીએ ગુજરાતી ઢબની સાડી પહેરેલ. આપણે ત્યાં સાડીના બે પ્રકાર પાડેલ છે : ગુજરાતી અને દક્ષિણી અથવા બંગાળી. ભૂગોળ ભણવી શરું થાય ત્યારે પ્રશ્ન થાય કે પૂર્વના બંગાળ સાથે દક્ષિણ શબ્દ કઇ રીતે જોડીયો હશે ગુજરાતી જનમાનસમાં? બંગાળ, અસમમાં પાલવ ડાબે ખભે ટેકવાય છે. સોનુ નિગમનું ‘ગુજરીયા' ગીત ખુબ ઉઠ્યું હતું પોપ આલ્બમના કાળમાં. ત્યારે થયું કે ગુજરાત બહાર પણ ગુજરીયા છે ખરી. હિમાલયના ટ્રેક્સ દરમ્યાન ગુર્જર જાતિની જાણ થઇ.  સલમાન રશદીની ઓછી વિખ્યાત નવલકથા Shalimar, the clownમાં એક કાશ્મીરી ગુજરીયાનું પાત્ર છે. તેના વર્ણનમાં તેણે ગુર્જર જાતિની સરસ કથા મુકી છે :  જ્યોર્જિયા, ગુજરાનવાલા, ગુજરાલ, ગુજરાત.
યુગલ માયાળુ હતું. વાતો મંડાઇ. લાંબદગડ (લંબ+દગડ?) પાસે પહેલાં ચઢાણ શરું થાય છે ત્યાં હું ધીમી પડી. મને ધીમી પડેલી જોઇ ભાઇ,સ્વાભાવિકપણે મદદ કરવા પ્રેરાયા. તેમની લાકડીનો એક છેડો ધરી તેને ટેકે ચાલવાનું ઇજન કર્યું.  મને તો હાથ છુટા જોઇએ એટલે તે પ્રસ્તાવ સ્વિકારવાનો પ્રશ્ન જ ના હતો. પણ,ભાઇનો તે પ્રસ્તાવ ભાભીને ના ગમ્યો, સ્વાભાવિકપણે.મને ખ્યાલ આવી ગયો કે અત્યાર સુધી મારા સાહચર્યને સંગાથ માનનાર આ યુગલમાંનું સ્ત્રૈણ તત્વ હવે પુરુષને દોડાવશે. હું મારી ગતિએ આ તરફથી ચઢી બીજી તરફ ઊતરી.
હવે વાહનશોધ. એક ઓમ્ની આવી. તેની સીટ આરામદેહ જણાતી હતી. પણ, એક પરિવાર તેમાં ગોઠવાઈ ગયેલો. તે પરિવારની નાનકી સાથે આ દરમ્યાન દોસ્તી થયેલી તેથી તે બોલાવતી હતી. તેવામાં બીજી સુમો આવી અને તે પરિવાર વહેલા પહોંચવાની અપેક્ષાએ ઓમ્ની છોડી સુમોમાં ગોઠવાયો. ઓમ્નીવાળાનું ભાડુ લગભગ બમણું હતું,એ પણ એક કારણ. તેવામાં એક મીનીબસ આવી. પ્રવાસીઓ તેના તરફ ધસ્યા. એક સ્થાનિક પછી હું ચઢી અને મારી પાછળ પેલો પરિવાર. ઓમ્નીવાળાએ વિરોધ કર્યો એટલે મીનીબસનો ચાલક બધાને ઉતરવા કહેવા લાગ્યો. બીજા પાંચેક પ્રવાસી બે ડ્રાઇવરની રકઝક વચ્ચે દરવાજે ધસારો કરી રહ્યા હતા. છેવટે પેલો પરિવાર ઉતરી પડ્યો અને પાંચ યુવાન ધસીને સીટમાં ગોઠવાઈ જઇ ચાલકને સાંત્વન વત્તા પ્રોત્સાહન આપવા લાગ્યા. આખરે અમને સાતને લઇ મીનીબસ ઉપડી.
હિમાલયની હવાનો સ્પર્શ અને સુગંધ વિશિષ્ટ હોય છે. પણ, વેલી ઓફ ફ્લાવરમાં ય આ વખતે તે ખાસ સ્પર્શગંધ મળ્યા ના હતા.  કદાચ સતત વરસાદમાં ધોવાઇ જતા હશે. તે સ્પર્શ હવે શરું થયો. વરસાદ અટકી ગયેલો. હિમાલય આખરે ઉઘડવા લાગેલો .
પેલા પાંચ યુવાનમાંનો એક બસમાં બેસતાં ભેળો મારા પ્રત્યે ઉત્સુક થઇ ગયેલો. બહેનજી કહી ના શકે એટલે બીબીજી કહી વાક્યો બોલતો હતો. તેના દરેક વાક્યને મેં ના સાંભળ્યું કર્યે રાખ્યુ.  પાંચેયના પ્રથમદર્શી વ્યક્તિત્વમાં એટલી ભિન્નતા હતી કે તેઓ એક જુથના ના લાગે. પણ, એ જ તો દોસ્તી છે!
દ્રશ્ય ખુલી રહ્યા હતા અને મારે ફોટા પાડવા હતા. હું બેસી હતી તે સિંગલ સીટની બારીનો કાચ ખુલી ના શકે તે પ્રકારનો હતો. તેને ખોલવા મને મથતી જોઇ પેલો ઉત્સાહી યુવાન અગાઉ બે-ત્રણ વાક્યો બોલી ચૂકેલો. કેટલીક ક્ષણના વિચાર પછી મારી પાછળના યુવાનને સંબોધી હું પહેલું વાકય બોલી : હું તમારી જગ્યાએ બેસું?
“અરે, ચોક્ક્સ.” બે યુવાન તરફથી જવાબ મળ્યો. સીટ બદલીને ફરીથી હું હિમાલયમાં મશગુલ થઇ ગઇ.
મારા એકમાત્ર પ્રશ્ન પછી પેલા ઉત્સાહી યુવાનને કદાચ પાનો ચઢ્યો હતો. તે હિમાલય, બદ્રીનાથ અને માના ગામ અંગેનું પોતાનું જ્ઞાન વગર પૂછ્યે સાર્વજનિક કરી રહ્યો હતો. કાને પડતા વાક્યો માહિતીના હેતુથી હું સાંભળતી હતી. તે પણ કદાચ તેવી આશાએ જ આમ કરી રહ્યો હતો.
બદ્રીનાથના એંધાણ શરું થતાં તે યુવકજુથના આયોજન પ્રત્યે હું ઉત્સુક બની. સાડાબાર થઇ ગયેલા એટલે બદ્રીનાથના કમાડ બંધ થઈ ગયેલા અને હવે ત્રણ વાગ્યે ખુલવાના. બસને સીધી માના લઇ જવા યુવકજુથ ચાલકને જુદા-જુદા વિકલ્પ સુચવવા લાગ્યું. મારે પણ સ્વાર્થ હતો. મેં કહ્યું:  જે તમે નક્કી કરશો તેમાં હું જોડાઇ જઇશ. યુવકોનો ઉત્સાહ બેવડાઇ ગયો. ચાલકને કહે, “દેખ, ‘આન્ટીજી’ પણ કહે છે!”
લાલચમાં પડેલ બસચાલક સાથે ગોઠવાયું નહીં અને તેઓએ બીજી સુમો કરી. તેમાં હું જોડાઇ અને અમે માના ઉપડ્યા. ઉત્સાહી યુવક સ્વાભાવિક રીતે મારી બાજુમાં બેઠો, શાલિનતાથી. પરસ્પર પરિચય કર્યો. લાલચ આપવાના લયમાં તેમની તરફથી વિધાન આવ્યું કે તેઓમાંના બે કોર્બેટના કર્મચારી છે. મેં પ્રશંસા ભાવ વ્યક્ત કર્યો. દરમ્યાન એક યુવક બોલ્યો કે તેને તબીયત ઠીક નથી લાગતી. તેનો થાક ચહેરા તેમજ આંખમાં અને કફ અવાજમાં દેખાઇ આવતા હતા. મારી પાસે દવા પર્સવગી હતી. તેને લેવડાવી. ઇલાજ મળ્યાથી તે સારું મહેસુસ કરવા લાગ્યો .
માના ફરવું શરું થયું. તેઓનું સેલ્ફીચરણ પણ. મને થયું કે સ્વસ્થ મિત્રતા બંધાઇ છે. એટલે મારો ‘મોટો' કેમેરા કાઢી કહ્યું, “આવો તમારો બધાનો ફોટો લઇ દઉં.” તેઓ ધન્યતામાં પ્રવેશી ગયા. મને કેટલીક ક્ષણ પછી ચમકારો થયો  કે હવે તેઓ મારી સાથે ફોટો પડાવવાના હતા, સામુહિક,વ્યક્તિગત. ત્રણ ચાર ફોટા પછી લાગ્યું કે તેમનો ઉત્સાહ હદ ઓળંગવાની તૈયારીમાં છે. મારું મોં બગડી ગયું. મારો ભાવ ફોટો પાડનારના ચહેરા પર પડઘાઇ જુથ પર ફરી વળ્યો અને તેઓ ‘ટુ ડુ નોટ ટુ ડુ'ની મૂંઝવણમાં મુકાયા. ક્ષણ માટે મારામાં ડર કોંધી ગયો. લાગ્યું, હું બેવકુફી કરી બેસી છું. મેં સંવાદ ચાલુ રાખ્યો અને સલામતીના વિકલ્પ વિચારવા-શોધવા લાગી. ભીમપુલ તરફનો એટલો પટ્ટો સુમસામ હતો. સ્થાનિક કે પ્રવાસી, કોઇ દેખાતું ન હતું.
તેઓના ફોટોશુટ અને ઝોલા ખાતી માણસાઇ વચ્ચેથી સિફતથી સરકીને હું ભીમપુલ તરફ આગળ વધી. સરસ્વતી મંદિરે પાછા સાથે થયા. ત્યારે તેમના વર્તનમાં દોષભાવના વત્તા ક્ષોભ સંતાડતી નફ્ફટાઇ દેખાતી હતી. ‘હિંદુસ્તાન કી આખરી દુકાન' નામવાળી બે દુકાન હતી. હું સરસ્વતી મંદિરવાળી આખરી દુકાન છોડી સામેની આખરી દુકાને ગઇ. તંગદીલી હળવી કરવા મે તેમને કહ્યું કે , “આ તરફ પણ સારા ફોટા આવશે.” પણ તેઓ વચ્ચેનો નાનો પુલ ઓળંગી બીજી તરફ ના આવ્યા.તેમનું ફોટો-સેલ્ફીશુટ સતત હતું. હું દ્રૌપદી મંદિર તરફ ગઇ અને અમે છુટા પડી ગયા. મંદિરથી થોડે દૂર, કદાચ કોઇ જવાને, પથ્થરોના ટેકે તિરંગો ગોઠવ્યો હતો. તે થોડો નમી ગયેલો. ઉમંગથી તેને સરખો કર્યો અને લાકડી સીધી રહે તે રીતે પથ્થર ગોઠવ્યા. સેલ્ફી લીધી.
વ્યાસગુફાના માર્ગે યુવકો ક્યાંક ના દેખાયા ત્યારે મને ખ્યાલ આવ્યો કે મારાથી વધુ સમય લેવાઇ ગયો છે. મારે તેમની સાથે, તે જ સુમોમાં પાછા ફરવાનું હતું. જો કે માના બદ્રીનાથથી હાથવગું છે અને આર્મીનું કેન્દ્ર છે એટલે હું નિશ્ચિંત હતી.
માનાના પ્રવેશદ્વારે પાછી પહોંચી તો એક અન્ય ચાલકે જણાવ્યું કે મારા સહપ્રવાસી રાહ જોઈને હમણાં જ નીકળી ગયા. હું આગળ વિચાર કરું તે પહેલાં આગળથી બુમ સંભળાઈ,  “મેડમ, જલ્દી કરો.” દોડીને હું ગાડીમાં ગોઠવાઈ. પાંચેય યુવકોના ચહેરા પર પોતાની ભૂલ(મારી રાહ ના જોવાની)ની ક્ષમાયાચના હતી. મેં મનમાં હસી લીધું અને કહ્યું,  “સોરી,સમયનો અંદાજ...”  મને વાક્ય પુરું બોલવા દીધા વગર તેઓ,  “અરે, કોઇ નઇ.” કહેવા લાગ્યા.
આ તબક્કે તેઓ તદન માણસ બની ગયા હતા. તેમના ઉંચકાયેલા ભાવથી આશ્વસ્થ તેમજ રાજી થઇ હું ઉમળકાભેર વાતે વળગી. ઘડીમાં બદ્રીનાથ આવ્યું. યુવકોએ મને ભાડુ ના આપવા દીધું. તેઓ દર્શન કરી તરત જ પાછા ફરવાના હતા. લાંબદગડ પાસેનો રસ્તો ખુલી ગયેલો. મારે એક તરફ ઉતાવળ કરવી ના હતી અને બીજી તરફ ખુલેલો રસ્તો બંધ થાય તે સંભાવના હતી. વળી, વળતો પ્રવાસ અંધારામાં કરવાનો થવાનો હતો. હું બદ્રીનાથ રોકાઇ ગઇ. જાગેલી માણસાઇને પુરુષાતનમાં પડવા દેવા નહોંતી માંગતી.

17.9.17

ઉતરાણ

વેલી ઓફ ફ્લાવરની ચેકપોસ્ટ પર મેં પૂછ્યું કે અહીં ભૂલા તો નહીં પડી જવાય ને? મને હતું કે ક્યાંક સુંદર પતંગિયા કે સુગંધનો પીછો કરવામાં હું ભાન ભૂલી બેસું અને જોખમ નોતરી બેસું! સાથ ના દેતી તબિયતને કારણે હું વધારે પડતી ચોકસાઇ રાખતી હતી.  મારા પ્રશ્નને ડર સમજી ચેકપોસ્ટ પરના વડિલે મારી ટિકીટની પાછળ નકશો બનાવી આપ્યો અને મને વિગતે સમજાવ્યું કે એક જ રસ્તો છે અને ખોવાવાની શક્યતા જ નથી.  અરેરે, ખોવાઈ જવાનું ગમે ત્યાં આટલી કંટાળાજનક એકસુત્રતા ! પછી મેં મને ઠપકારી કે આવી એકસુત્રતાના પ્રતાપે સામાન્ય માણસ માટે અનુકુળતાઓ ઊભી થાય તો ટુરિઝમ ચાલે અને પૈસો ફરે અને...  ઇકોનોમિક્સના 'ઇ' પાસે ચિત્ત વિરમ્યું અને "હું મારી પ્રતિકુળતા શોધી જ લેતી હોઉ છું ને! " એવા ઉમંગ વડે મન મનાવ્યું. એક લીટીમાં આવતા વિરોધી વિચાર , “હાવ ફૂલીશ!” ફૂલો કી ઘાટીને દરવાજે.

ભાઇ-બહેનનું એક અમેરિકન ટીનએજ જોડુ જોશીમઠથી સાથે હતું. મે તેમના પ્રત્યે ઉદાસીનતા વ્યક્ત કરવાનું વલણ રાખ્યું હતું. ભાઇ મોટો હતો અને બહેનને સાચવતો હતો તેમજ ભૂગોળ અને ઉત્ક્રાંતિની વાતો કરતો હતો. બંને સરસ મજાક કરી લેતા હતા-એડલ્ટ ‘વિષય’ ઉપર પણ. આ ભાઇ-બહેન ચેકપોસ્ટ પર ફરી ભટકાયા. ભાઇથી ના રહેવાયું એટલે "હાય અગેઇન." કર્યું જેને  સ્મિતથી ન્યાય આપી હું વેલીની દિશામાં વધી. સસ્તામાં ટિકીટ મેળવવા  ચેકપોસ્ટ પર જુગાડુ ભાઇ બોલવા મંડેલો, "ઇન્ડિયન ટિકીટ. વી કેમ ટુ સપોર્ટ ઇન્ડિયન ક્રિકેટ ટીમ. હાઉ અબાઉટ અમેરિકન સ્ટુડન્ટ્સ?" ચાલતાં ચાલતાં કાને પડેલા આ વાક્યો પર હસીને હું આગળ વધી.

વેલી પહોંચતાં પહેલાંનું ચઢાણ તકલીફદેહ હતું. પણ, મુડ બની ગયેલો અને એકલતા હતી. હું ગાતી ગાતી જઇ રહી હતી અને જે ગીતો જીભ પર ચઢતા હતા તેના પર હસતી હતી.તમરાં જેવાં જીવડાંનું તારસપ્તક મારા કોસ્મિક સંગીત સમારોહમાં સિતારનું કામ કરી રહ્યું હતું.

આગળ જતાં ચાર બંગાળી યુવાન મળ્યા. થોડે આગળ ગાઇડ સાથે લઇને ફરી રહેલી બે મરાઠી સાહેલીઓ મળી. વાતચીત કરતાં  ખબર પડી કે તેઓ મા-દિકરી છે. કોણે ગર્વ કરવો, કોણે શરમાવું એવી વાતો કરી,ખડખડાટ હસી લઇ હું આગળ વધી. થોડા થોડા અંતરે પ્રવાસીઓ મળતા રહેતા. એક પીઠ્ઠુવાળો મારી પાછળ લાગેલો અને અંતે પોતાના દળદરના વર્ણન પર આવી ગયેલો. પણ, વેલી મારે જાતે ખુંદવી હતી.

વેલી શરું થતાં જ દ્રશ્ય બદલાઇ ગયું. વૃક્ષોને બદલે ક્ષિતિજ સુધી ફેલાયેલાં છોડવાને કારણે આકાશ ખુલી ગયેલું. વળી, આજે વાદળ પણ છંટાયેલા હતા. બસ, ધીમે ધીમે ચાલવાનું, ફુલ જોવાના, મુગ્ધ થવાનું અને ભાનમાં આવી ફોટા પાડવાના. આ ઉપક્રમ કલાકો સુધી ચાલતો રહ્યો. વચ્ચે કોઇ પ્રવાસી મળી જાય તો હાય-હેલોવાળુ સ્મિત,ઝરણું આવે ત્યાં પાણી પીવું અને તેના અવાજને નસોમાં ભરી લેવા બેસી પડવું, ચોતરફના શિખરો અને આકાશમાં વાદળની સંતાકૂકડી  જોવી અને સુખડીનો કટકો બટકી વધું મીઠા થવું. “આ જીવનને બસ આટલું કામ.”; ધૂમકેતુએ ‘જુમો ભિસ્તી'માં લખ્યું છે.

વળી પાછા અમેરિકન ભાઇ -બહેન મળ્યા. ભાઈ કહે, "કોઇ મોરલ ઓબ્લિગેશન ના હોય તો જ્હોન માર્ગારેટ લેવની ગ્રેવ જવાનું ખાસ કારણ નથી અને વળતાં ચઢાણ છે. " એટલે, ચઢાણથી બિધેલી હું એ છોડી પગદંડી પર આગળ વધતી રહી.

પાંચ વાગ્યે ચેકપોસ્ટ પર પાછા પહોંચવાની હિદાયત હતી. મેં વિચાર્યું હતું કે બે વાગ્યા સુધી આગળ વધવું, અડધો કલાક બેસી રહેવું અને પછી વળતાં થવું. લગભગ દોઢ વાગ્યે થયું કે પાછા ફરવું જોઇએ. પણ, હું પ્રકૃતિના કેફમાં જતી રહેલી, શરીરને સાંભળ્યા વગર ચાલતી રહી.

લગભગ ત્રણેક વાગ્યે પાછા ફરવું શરું કર્યું. અડધા કલાકમાં શરીરનો અવાજ મોટો થતો લાગ્યો. પણ, વેલી પુરી થઇ ત્યાં લગી મારો કેફ અકબંધ રહ્યો. જેવું ઉતરાણ શરું થયું, પંદર-વીસ ડગલે બેસી જવું પડતું. લગભગ બધા પ્રવાસી પાછા ફરી ગયેલા. અમેરિકન ભાઇ-બહેન બાકી હતા અને મારી પાછળ હતા. પણ, તેઓ મારો સંગાથ કરવા ધીમા પડે એમ લાગતું ના હતું. અંધારું થતાં પહેલાં ચેકપોસ્ટ પર પહોંચવું હિતાવહ હતું. રસ્તો અઘરો ના હતો, થાકેલા શરીર સાથે સમયનો તાલમેલ કઠીન હતો.

ખુદને ધકેલતી હું દસ દસ ડગલાં ઉતરી રહી હતી. ત્યાં  ફોટા પાડી રહેલ બે યુવાન નજરે પડ્યા. હશે 20 -22ના. તેમને વટાવી  થોડેક આગળ જઇ  હું બેસી પડી. મારી આગળથી પસાર થતી વેળા  તેમાંના  એક યુવાને પૂછ્યું, "ઓકે?" હું થાકેલું સ્મિત કરી શકી. તે યુવાન આગળ ઊતરી પડ્યા. મેં ય તેમના સંગાથની આશા સેવી નહોતી.

દસ દસ ડગલાંનાં બીજા રાઉન્ડે મેં જોયું કે તે બે યુવાન ત્યાં બેસેલા હતા અને તેઓની મુખમુદ્રા પરથી સ્પષ્ટ હતું કે તેઓ મારા માટે જ ધીમા પડ્યા હતા. મને ખુબ સારું લાગ્યું, મારા માટે અને યુવાનના ભાવ માટે પણ. એક ચહેરા પર નિરામય શાંતિ હતી, બીજા પર કંટાળો.

વાતચીત કરવાનો તો સવાલ જ નહોતો, ઊર્જા વેડફવી પોસાય તેમ જ ના હતું. થોડેક આગળ જતાં બીજો યુવાન થોડો અકળાયો અને બોલી ઉઠ્યો, "તમારા માટે જ અમે  ધીમે જઇએ છીએ." પહેલા યુવાનની જબાન પર કે વર્તનમાં આ હકિકત જરાય પ્રકટી નહોતી. તેણે મારી પાછળ રહેવાનું શરું કર્યું . આગળવાળો યુવાન તેની સામે જુએ તો યુવાન નંબર એક તેને આગળ વધતા રહેવા કહેતો.
પહેલા યુવાનને કદાચ પોતાના હાથનો ટેકો આપવાનો વિચાર આવ્યો હશે. પણ, હું ગેરસમજ  કરી બેસીશ એવી ધારણાથી તે પાછો પડતો હશે. તેણે મને તેની પાસેની લાકડી ધરી. પણ મને ખુલ્લા હાથે જ ફાવતું હોવાથી તેની મેં ના પાડી. “તમે નીકળો, હું આવી જઇશ.”એવું કહેવાનો વિચાર એક વાર ચમકી ગયો પણ એમ કહીં પહેલા યુવાનના ભાવનુ અપમાન કરવાનું યોગ્ય ના લાગ્યું. આમ, મંથર ગતિએ અમારું ઉતરાણ થતું રહ્યું.
પોણા છ થયા હતા.ચેકપોસ્ટથી 200મીટરને અંતરે ટિકીટબારી પરના કર્મચારીઓ સામા મળ્યા. તેમની પાસેના લીસ્ટમાંથી અમારા નામ છેક્યા અને પૂછ્યું કે કોઇ બાકી છે?  મને આશંકા હતી કે અમેરિકન્સ બાકી હતા. કર્મચારીઓએ પણ કહ્યું કે," હા,તે બે બાકી છે." મને ચિંતા થઇ કેમકે તે બે ચાલવામાં પાવરધા હોવા છતાં હજી પહોંચ્યા ના હતા. છેક હવે તે બંને યુવાન પોતાના થાકની વાત કરવા લાગ્યા. તેઓ આજે 20-22કિ.મી. ચાલ્યા-ચઢ્યા હતા, ગોવિંદઘાટથી ઘાંઘરીયા અને વેલી!

પેલા બે યુવાનનો સામાન ચેકપોસ્ટ પર જ હતો. યુવાન નંબર એકે મીઠાઇના બોક્સ કાઢ્યા, “મમ્મીએ જન્માષ્ટમી પર બનેલી મીઠાઇ ભરી આપી છે.”  મેં ય સુખડી વહેંચી.  ચેકપોસ્ટના કર્મચારીઓ સાથે ગપશપ જામી અને અમારી ય પરિચયવિધી થઇ. મેરઠથી બાઇક લઇ બદ્રીનાથ થઇ તેઓ અહીં આવ્યા હતા. ફોરેસ્ટ કર્મચારીઓ બોર્ડર પરની તેમની મુલાકાત અને આર્મી સબંધી વાતો કરવા લાગ્યા અને વિડિયો઼ઝ બતાવ્યા. તેવામાં અમેરિકન ભાઇ -બહેન પણ આવી પહોંચ્યા. બહેનને જમણે પગે મચકોડ આવી ગઇ હતી.
ચેકપોસ્ટથી ડેરા સંકેલી અમે ઘાંઘરીયા એક રેસ્ટોરાંમાં ગોઠવાયા. યુવાન નંબર બે તો ખુરશીમાં જ ઊંઘી ગયો. મારી ગોઠડી જામી નંબર એક યુવાન સાથે- ગુજરાતનો  ઉલ્લેખ થયા પછી જે વાતો થાય તે અને બીજી પણ. તેણે મને મેરઠના ધાર્મિક પાસા અંગે, પૂર્વ-પશ્ર્ચિમ યુ.પીના તફાવત અંગે, પોતાના શિક્ષણ અંગે વાતો કહી.
છુટા પડતી વખતે અમે એકબીજાના નામ જાણ્યા. યુવાન નંબર એક એટલો સૌમ્ય હતો કે સંપર્ક જાળવવાનો વિકલ્પ પણ ના માંગે. મેં સામેથી મારો નંબર આપ્યો જે તેણે ત્વરાથી નોંધી લીધો.
બીજે દિવસે હેમકુંડ પર યુવાન નંબર એક ફરી મળી જતાં બંનેથી હરખાઇ જવાયું.
વાર્તા સાંભળેલ કે યહુદી ધર્મમાં  ‘મદદ કરવી' એ દુર્ગુણ લેખાય. બીજાની પીડા પોતીકી બની જાય પછી જે વર્તન આવે તે મદદ ના કહેવાય. મદદ કરવામાં દેનાર-લેનાર વચ્ચે અંતર છે, ઉચનીચતા છે. વિગતદોષ હોઇ શકે આ વાર્તા બાબતે. પણ, મને આ વિચાર ગમી ગયેલ. “હું મમ્મીને ઘરકામમાં મદદ કરું છું.” -આ વિચાર અને/અથવા વાક્ય વાહિયાત છે મારી દ્રષ્ટીએ.
ના એક નંબરી યુવાને મદદની ભાવના વ્યક્ત કરી, ના મેં આભારની.

11.9.17

ચાહ

સવારના 8થી રિષીકેષના ટેક્સી સ્ટેન્ડ પર જોશીમઠ માટે સુમો તૈયાર હતી.  પણ, 10:30 સુધી બીજું કોઈ પેસેન્જર જ ન આવ્યું. પાંચથી શરુ્ં કરી ડ્રાઇવર અઢી હજાર પર આવી ગયો મને એકલીને ચમૌલી સુધી પહોંચાડવા. પણ, બધું બજેટ પહેલે જ ધડાકે મોકળું કરી દેવાનો મારો મુડ ના હતો. હું બસ સ્ટેન્ડ પહોંચી. ત્યાં શ્રીનગર માટેની બસ તૈયાર હતી.  હા, ઉત્તરાખંડમાં ય શ્રીનગર છે.  હવે ડાયરેક્ટ બસ નહીં જ મળે અને જેમ મોડુ થશે એમ જોશીમઠ આઘુ થતું જશે એ ખ્યાલ આવી જતાં તે બસમાં ગોઠવાઈ.

સમયસર જમવું એ મારી જરુરીયાત હતી કેમકે સ્વાસ્થ્ય લથડે તે આ તબક્કે ના ગમે. રકસેક ડીકીમાં મુકવા કંડક્ટરે પુછ્યું તો મેં કહ્યું કે બસ ઉપડવાની તૈયારીમાં હોય ત્યારે લઇ જજો કેમકે મારે નાશ્તો કરવાનો છે. પેક્ડ જ્યુસ સાથે મે ઘરનો નાશ્તો કર્યો. દરમ્યાન બસમાં બેઠેલા અને ઉમેરાઇ રહેલા પેસેન્જર્સ તરફ સ્વાભાવિક ધ્યાન ગયેલું. મેં જોયું કે મારી બાજુની ટ્વીનસીટ પર બેઠેલ પૌઢ સરદારજી ઉતરી ગયા હતા અને થોડાક સમય પછી ત્યાં બે છોકરીઓ ગોઠવાઈ ગયેલી. મારી સીટમાં એક બેઠક હજી ખાલી હતી, કદાચ મારો ડે પેક ત્યાં મુકેલો હતો તેથી.

બરાબર બસ ઉપડવાને ટાણે પેલા સરદારજી બસમાં ચઢ્યા અને મને પુછ્યું કે કોઇ આવે છે? મેં બેગ લઈ લીધી અને તેઓ બેઠા.પણ, એ ક્ષણે મને લાગ્યું કે તેઓએ પ્લાન કરીને મારી બાજુની બેઠક મેળવી. અને મારા મનમાં સહેજ તુરાશ આવી ગઇ.

હું ઘણું  ફરી છુ્ં અને બીજાઓને દુ:સાહસ લાગે એવું ય અવારનવાર કરી બેસી છું. મને શંકાઓ સતાવતી નથી. મારું બગાડવામાં કોઇને ખાસ રસ હોય તો તે શું કરે તે પ્રકારના વિચાર જ મને નથી આવતા. આવું લખવા માટેના વિચાર પણ ઘણીબધી ટિપ્પણીઓ પછી આવે. એટલે આવી તુરાશ ઉઠવી મારા માટે નવાઈની બાબત છે.

સરદારજીના જમણા હાથના અંગુઠાનો નખનો ભાગ ના હતો. એટલો અંગુઠો કપાયેલો હતો. જુગુપ્સા ઉઠી અને તુરાશ વધી ગઇ. મારી નવાઈ પણ. હું વળી ક્યારથી આવી આશંકિત થઇ! પ્રચાર માધ્યમો અને શુભેચ્છકોની મહેરબાની. મારી અંદર ડર ઊભો થઇ ગયેલો. કડવા થઇ ગયેલા મોં સાથે મેં વિચાર્યું કે મારા હાલહવાલ જોઈ તેમને જિજ્ઞાસા થઇ હોય અને એટલે તેઓ એમ કરવા પ્રેરાયા હોય એમ ના બને? મારા મોંની તુરાશ જતી રહી. મને કોઇ શીખનો વ્યક્તિગત અનુભવ નથી. પણ, શીખ સમાજની સામાન્ય છાપ આ તબક્કે મનને આશ્વસ્થ કરવા ખપ લાગી. બારીને ટેકે મેં ઝોકાસન આરંભ્યું.

બસ ઠેકઠેકાણે ઊભી રહેતી હતી. એક ભાઇ ગેલ્વેનાઇઝ પાઇપ્સ, બે મોટા થેલા અને તેલનો ડબો લઇ ચઢ્યા.  ડબા સિવાયનો સામાન ડિકી અને બસ ઉપર ચઢાવાયો. કંડક્ટરે સામાનનું ભાડુ 100 રૂપિયા માંગ્યું તો તે ભાઇ છેડાઇ ગયા. તેમાં સરદારજીએ ઝુકાવ્યું, "માણસ હોય તો સામાન હોય. આ મારે કશો સામાન નથી અન્ આ ભાઇને વધારે છે  તો સરખું થઇ ગયું ને! " કેટલાક સમયની વ્યવહારિક અને દાર્શનિક તડાફડી પછી મામલો 30 રૂપિયામાં નિપટાવાયો.

બસ એક ઢાબે ઉભી રહી. મોટા ભાગના સહપ્રવાસીઓ ફિક્સ થાળી કે આલુ પરાઠા લઇ જમવા બેઠા. મે શેકેલી મકાઇ લીધી. જમી રહેલી કિશોરી સાથે વાતચીત થઇ. તે હરિદ્વારની હતી અને શ્રીનગર એમ.બી.એ. ભણવા જઈ રહી હતી. નવાઈ લાગી કે મોટા શહેરમાંથી નાના શહેર તરફ?  પણ, યાદ આવ્યું કે શિક્ષણના ખાનગીકરણ પછી નાના સ્થળોએ આવા શૈક્ષણિક હબ ઊભા થયા જ છે.  દરમ્યાન, સરદારજીને ચા પીતા જોઈ મારો ટી-ચર આત્મા સળવળ્યો. ચા બનાવી રહેલ વ્યક્તિને પૂછ્યું :  અદરક હૈ?  હકાર મળતાં તેને સમજાવ્યું કે મારે કેવી ચા જોઈશે.
ચા આવી. મને અનુકુળ રહી. થોડી વધુ ગળી, થોડી વધુ કડક અને દૂધનો જુદો સ્વાદ. આટલો સ્વાદફેર સહન કરી શકાયો એ સારા શકન જેવુ લાગ્યું.ચા બનાવનાર પણ મજેદાર હતા. મને દજાતી જોઇ ચા ઠંડી કરી આપી અને "ઓહો, તમે તો આપણા પી.એમ.ના શહેર(અમદાવાદ)ના છો." એવો હરખ પણ કરી લીધો. ચા પીધી અને બસ આગળ ચાલી. સરદારજીની વાતચીત કરવાની ઉત્સુકતા વ્યક્ત થતી રહેતી હતી. મેં નમતું મુક્યું અને ક્યાંથી, ક્યાં જવાના? વગેરે વાતો થઇ. હું હેમકુંડ જવાની છું તે જાણી તેઓ રાજી થઇ ઉઠ્યા. ચમૌલીથી પાંચેક કિ.મી.ને અંતરે હેમકુંડના યાત્રાળુંઓ માટે લંગર લાગેલું હતું. તેઓ ત્યાં સેવા માટે જઇ રહ્યા હતા અને પૂર્ણ શીખ ગણવેશમાં હતા. મેં કેમેરા કાઢ્યો તો તેઓ ભારતીય વડીલની  મુદ્રામાં આવી ગયા. "આ દ્રશ્ય સરસ છે,  પાડી લે ફોટો." જેવા ફરજભર્યા વિધાન કરવા લાગ્યા, જે મારી વૃત્તિને સંપૂર્ણ પ્રતિકૂળ હોવાથી મેં અવગણ્યા. તે પછી તેઓ પોતાનો મોબાઇલ કાઢી તેમાં ફોટા-વિડીઓ જોવા લાગ્યા.મેં તે પ્રત્યે ય ઉદાસીનતા દાખવી. એટલે કેટલાક સમય સુધી અમારી વચ્ચે સંવાદ ના થયો. તેઓને ઘણી વાત કરવી હતી અને મારે ચુપ રહેવું હતું.

બીજી એક બસ અને ટેક્સી બદલી અમે લગભગ 7:30એ ચમૌલી પહોંચ્યા. અમે એટલે હું અને સરદારજી. અન્ય કોઈ સહપ્રવાસીને આગળ, સ્થાનિક બોલી મુજબ ઉપર, જવાનું ના હતું. બીજી બસ વખતે મેં ધ્યાન રાખીને તેમની સાથેની બેઠક ટાળી હતી.

ચમૌલી પહોંચતા જ મે નક્કી કર્યું કે હું અહીં જ રાતવાસો કરીશ અને મેં હોટલ અંગે તપાસ આરંભી. તેવામાં  એક ટેક્સીવાળો આવ્યો જે જોશીમઠ આવવા ઉત્સુક હતો. તેની પાસે ત્રણ પેસેન્જર હતા. સરદારજીને તો ચમૌલીથી પાંચ કી.મીને અંતરે લાગેલા લંગર પર ઉતરવાનું હતું એટલે પેલા ત્રણ પેસેન્જર અને ડ્રાઇવર મને આગ્રહ કરવા લાગ્યા. તેમના આગ્રહમાં સુરક્ષાનો ઉલ્લેખ પણ નહોતો. મને લાગ્યું કે તેઓ સુરક્ષા, એકમાત્ર સ્ત્રી પ્રવાસીની સુરક્ષા પ્રત્યે એટલા નિશ્ચિંત હતા કે એ વાત તેમને કરવા જેવી જ ના લાગી. કદાચ તેમની તાત્કાલિક જરુરીયાત હાવી થઇ ગઇ હોય અને આ તેઓ આ બાબત જોઈ જ ના શકતા હોય એમ પણ હોઇ શકે. એમ હોય તો પણ તેમના આગ્રહથી સાબિત થતું હતું કે રસ્તો સારો હતો. પેલા ત્રણને નોકરીએ પહોંચવાનું હતું અને તેઓ ઉતાવળ કરતા હતા. મને વિચાર કોંધી ગયો કે સરદારજીને જોશીમઠ આવવાનું હોત તો કેટલું સારું! આ વિચાર જોઇ મને મારા પર હસવું આવ્યું.
મારા સંશોધન મુજબ જોશીમઠમાં હોટલ મળવી મુશ્કેલ ના હતી અને મારે ય પહોંચવું તો ત્યાં જ હતું. રસ્તો સાફ હતો અને ખાસ જોખમ જણાતું ના હતું. પાંચેક મિનિટમાં અમે જોશીમઠ તરફ નીકળ્યા.

હિમાલયના શિખરો વચ્ચે જ્યાં ગોદ જેટલી જગ્યા મળી, માણસે ગામ અને શહેર વસાવ્યાં. અંધારી રાતે એ ગામ-શહેરના ઘર-હોટલમાં એકસાથે થયેલા વિજળીદિવા દુરથી ખુબ સુંદર લાગતા હતા,જાણે આગિયાનો સમુહ કે આકાશગંગાનો એક ભાગ.

થોડી જ વારમાં સરદારજીને ઉતરવાનું સ્થળ,લંગર આવી ગયું.  સહપ્રવાસીઓ જમી લેવાના મતના હતા. વચ્ચે એક ઠેકાણે મેં ચા પીધી હતી અને શ્રીનગરથી ખરીદેલ સફરજન સાથે મારું ડિનર થઇ ગયેલું. પણ, માન રાખવા ખાતર હું ડિશ લઇને બેસી અને બે ચમચી દાળ લીધી. મારું વર્તન એરોગન્સમાં ખપી શકે છે એમ જાણતી હોવાથી હું વિનમ્રતાથી વાત કરતી હતી. લંગર સંભાળનાર એક વડીલ સક્કરપારા જેવી એક મીઠાઇ( મઠરી કદાચ) અને લાડવા લઇ આવ્યા અને ફરીથી આગ્રહ કરવા લાગ્યા કે આ તો ખાવું ગમે તેવું છે.  મોટાભાગે ધાર્મિક સ્થળોએ હું કરી રહી હતી તેવા વર્તનને બોધ વડે ભાંડવામાં આવે. "પ્રસાદ કહેવાય. લેવો જ પડે.અમને સેવાની તક આપો." જેવા દુરાગ્રહ શરું થાય. પણ, અહીં કોઇએ એવું ના કર્યું, લગભગ બધા વડીલ હોવા છતાં. તેમના વર્તનમાં એક જ બાબત પ્રગટતી હતી, જમવાના સમયે મારી હોજરીમાં કંઇક જાય. મિઠાઇનો એક કટકો લીધો અને બે ચમચી દાળ.

ત્યાં પેલા સરદારજી, કે જેમને અન્ય સહપ્રવાસીઓને વાદે મેં ય વિરજી કહેવું શરુ કરી દીધેલ, બોલ્યા :  उसके लिए डबल अदरिक चौथाइ शक्कर चाय बना लाईए।

રાત્રે સાડા આઠ કલાકે દેવભૂમિ(ઉત્તરાખંડનું બીજું નામ)ના રસ્તા ઉપર મેં 'ચાહ' પીધી.