11.9.17

ચાહ

સવારના 8થી રિષીકેષના ટેક્સી સ્ટેન્ડ પર જોશીમઠ માટે સુમો તૈયાર હતી.  પણ, 10:30 સુધી બીજું કોઈ પેસેન્જર જ ન આવ્યું. પાંચથી શરુ્ં કરી ડ્રાઇવર અઢી હજાર પર આવી ગયો મને એકલીને ચમૌલી સુધી પહોંચાડવા. પણ, બધું બજેટ પહેલે જ ધડાકે મોકળું કરી દેવાનો મારો મુડ ના હતો. હું બસ સ્ટેન્ડ પહોંચી. ત્યાં શ્રીનગર માટેની બસ તૈયાર હતી.  હા, ઉત્તરાખંડમાં ય શ્રીનગર છે.  હવે ડાયરેક્ટ બસ નહીં જ મળે અને જેમ મોડુ થશે એમ જોશીમઠ આઘુ થતું જશે એ ખ્યાલ આવી જતાં તે બસમાં ગોઠવાઈ.

સમયસર જમવું એ મારી જરુરીયાત હતી કેમકે સ્વાસ્થ્ય લથડે તે આ તબક્કે ના ગમે. રકસેક ડીકીમાં મુકવા કંડક્ટરે પુછ્યું તો મેં કહ્યું કે બસ ઉપડવાની તૈયારીમાં હોય ત્યારે લઇ જજો કેમકે મારે નાશ્તો કરવાનો છે. પેક્ડ જ્યુસ સાથે મે ઘરનો નાશ્તો કર્યો. દરમ્યાન બસમાં બેઠેલા અને ઉમેરાઇ રહેલા પેસેન્જર્સ તરફ સ્વાભાવિક ધ્યાન ગયેલું. મેં જોયું કે મારી બાજુની ટ્વીનસીટ પર બેઠેલ પૌઢ સરદારજી ઉતરી ગયા હતા અને થોડાક સમય પછી ત્યાં બે છોકરીઓ ગોઠવાઈ ગયેલી. મારી સીટમાં એક બેઠક હજી ખાલી હતી, કદાચ મારો ડે પેક ત્યાં મુકેલો હતો તેથી.

બરાબર બસ ઉપડવાને ટાણે પેલા સરદારજી બસમાં ચઢ્યા અને મને પુછ્યું કે કોઇ આવે છે? મેં બેગ લઈ લીધી અને તેઓ બેઠા.પણ, એ ક્ષણે મને લાગ્યું કે તેઓએ પ્લાન કરીને મારી બાજુની બેઠક મેળવી. અને મારા મનમાં સહેજ તુરાશ આવી ગઇ.

હું ઘણું  ફરી છુ્ં અને બીજાઓને દુ:સાહસ લાગે એવું ય અવારનવાર કરી બેસી છું. મને શંકાઓ સતાવતી નથી. મારું બગાડવામાં કોઇને ખાસ રસ હોય તો તે શું કરે તે પ્રકારના વિચાર જ મને નથી આવતા. આવું લખવા માટેના વિચાર પણ ઘણીબધી ટિપ્પણીઓ પછી આવે. એટલે આવી તુરાશ ઉઠવી મારા માટે નવાઈની બાબત છે.

સરદારજીના જમણા હાથના અંગુઠાનો નખનો ભાગ ના હતો. એટલો અંગુઠો કપાયેલો હતો. જુગુપ્સા ઉઠી અને તુરાશ વધી ગઇ. મારી નવાઈ પણ. હું વળી ક્યારથી આવી આશંકિત થઇ! પ્રચાર માધ્યમો અને શુભેચ્છકોની મહેરબાની. મારી અંદર ડર ઊભો થઇ ગયેલો. કડવા થઇ ગયેલા મોં સાથે મેં વિચાર્યું કે મારા હાલહવાલ જોઈ તેમને જિજ્ઞાસા થઇ હોય અને એટલે તેઓ એમ કરવા પ્રેરાયા હોય એમ ના બને? મારા મોંની તુરાશ જતી રહી. મને કોઇ શીખનો વ્યક્તિગત અનુભવ નથી. પણ, શીખ સમાજની સામાન્ય છાપ આ તબક્કે મનને આશ્વસ્થ કરવા ખપ લાગી. બારીને ટેકે મેં ઝોકાસન આરંભ્યું.

બસ ઠેકઠેકાણે ઊભી રહેતી હતી. એક ભાઇ ગેલ્વેનાઇઝ પાઇપ્સ, બે મોટા થેલા અને તેલનો ડબો લઇ ચઢ્યા.  ડબા સિવાયનો સામાન ડિકી અને બસ ઉપર ચઢાવાયો. કંડક્ટરે સામાનનું ભાડુ 100 રૂપિયા માંગ્યું તો તે ભાઇ છેડાઇ ગયા. તેમાં સરદારજીએ ઝુકાવ્યું, "માણસ હોય તો સામાન હોય. આ મારે કશો સામાન નથી અન્ આ ભાઇને વધારે છે  તો સરખું થઇ ગયું ને! " કેટલાક સમયની વ્યવહારિક અને દાર્શનિક તડાફડી પછી મામલો 30 રૂપિયામાં નિપટાવાયો.

બસ એક ઢાબે ઉભી રહી. મોટા ભાગના સહપ્રવાસીઓ ફિક્સ થાળી કે આલુ પરાઠા લઇ જમવા બેઠા. મે શેકેલી મકાઇ લીધી. જમી રહેલી કિશોરી સાથે વાતચીત થઇ. તે હરિદ્વારની હતી અને શ્રીનગર એમ.બી.એ. ભણવા જઈ રહી હતી. નવાઈ લાગી કે મોટા શહેરમાંથી નાના શહેર તરફ?  પણ, યાદ આવ્યું કે શિક્ષણના ખાનગીકરણ પછી નાના સ્થળોએ આવા શૈક્ષણિક હબ ઊભા થયા જ છે.  દરમ્યાન, સરદારજીને ચા પીતા જોઈ મારો ટી-ચર આત્મા સળવળ્યો. ચા બનાવી રહેલ વ્યક્તિને પૂછ્યું :  અદરક હૈ?  હકાર મળતાં તેને સમજાવ્યું કે મારે કેવી ચા જોઈશે.
ચા આવી. મને અનુકુળ રહી. થોડી વધુ ગળી, થોડી વધુ કડક અને દૂધનો જુદો સ્વાદ. આટલો સ્વાદફેર સહન કરી શકાયો એ સારા શકન જેવુ લાગ્યું.ચા બનાવનાર પણ મજેદાર હતા. મને દજાતી જોઇ ચા ઠંડી કરી આપી અને "ઓહો, તમે તો આપણા પી.એમ.ના શહેર(અમદાવાદ)ના છો." એવો હરખ પણ કરી લીધો. ચા પીધી અને બસ આગળ ચાલી. સરદારજીની વાતચીત કરવાની ઉત્સુકતા વ્યક્ત થતી રહેતી હતી. મેં નમતું મુક્યું અને ક્યાંથી, ક્યાં જવાના? વગેરે વાતો થઇ. હું હેમકુંડ જવાની છું તે જાણી તેઓ રાજી થઇ ઉઠ્યા. ચમૌલીથી પાંચેક કિ.મી.ને અંતરે હેમકુંડના યાત્રાળુંઓ માટે લંગર લાગેલું હતું. તેઓ ત્યાં સેવા માટે જઇ રહ્યા હતા અને પૂર્ણ શીખ ગણવેશમાં હતા. મેં કેમેરા કાઢ્યો તો તેઓ ભારતીય વડીલની  મુદ્રામાં આવી ગયા. "આ દ્રશ્ય સરસ છે,  પાડી લે ફોટો." જેવા ફરજભર્યા વિધાન કરવા લાગ્યા, જે મારી વૃત્તિને સંપૂર્ણ પ્રતિકૂળ હોવાથી મેં અવગણ્યા. તે પછી તેઓ પોતાનો મોબાઇલ કાઢી તેમાં ફોટા-વિડીઓ જોવા લાગ્યા.મેં તે પ્રત્યે ય ઉદાસીનતા દાખવી. એટલે કેટલાક સમય સુધી અમારી વચ્ચે સંવાદ ના થયો. તેઓને ઘણી વાત કરવી હતી અને મારે ચુપ રહેવું હતું.

બીજી એક બસ અને ટેક્સી બદલી અમે લગભગ 7:30એ ચમૌલી પહોંચ્યા. અમે એટલે હું અને સરદારજી. અન્ય કોઈ સહપ્રવાસીને આગળ, સ્થાનિક બોલી મુજબ ઉપર, જવાનું ના હતું. બીજી બસ વખતે મેં ધ્યાન રાખીને તેમની સાથેની બેઠક ટાળી હતી.

ચમૌલી પહોંચતા જ મે નક્કી કર્યું કે હું અહીં જ રાતવાસો કરીશ અને મેં હોટલ અંગે તપાસ આરંભી. તેવામાં  એક ટેક્સીવાળો આવ્યો જે જોશીમઠ આવવા ઉત્સુક હતો. તેની પાસે ત્રણ પેસેન્જર હતા. સરદારજીને તો ચમૌલીથી પાંચ કી.મીને અંતરે લાગેલા લંગર પર ઉતરવાનું હતું એટલે પેલા ત્રણ પેસેન્જર અને ડ્રાઇવર મને આગ્રહ કરવા લાગ્યા. તેમના આગ્રહમાં સુરક્ષાનો ઉલ્લેખ પણ નહોતો. મને લાગ્યું કે તેઓ સુરક્ષા, એકમાત્ર સ્ત્રી પ્રવાસીની સુરક્ષા પ્રત્યે એટલા નિશ્ચિંત હતા કે એ વાત તેમને કરવા જેવી જ ના લાગી. કદાચ તેમની તાત્કાલિક જરુરીયાત હાવી થઇ ગઇ હોય અને આ તેઓ આ બાબત જોઈ જ ના શકતા હોય એમ પણ હોઇ શકે. એમ હોય તો પણ તેમના આગ્રહથી સાબિત થતું હતું કે રસ્તો સારો હતો. પેલા ત્રણને નોકરીએ પહોંચવાનું હતું અને તેઓ ઉતાવળ કરતા હતા. મને વિચાર કોંધી ગયો કે સરદારજીને જોશીમઠ આવવાનું હોત તો કેટલું સારું! આ વિચાર જોઇ મને મારા પર હસવું આવ્યું.
મારા સંશોધન મુજબ જોશીમઠમાં હોટલ મળવી મુશ્કેલ ના હતી અને મારે ય પહોંચવું તો ત્યાં જ હતું. રસ્તો સાફ હતો અને ખાસ જોખમ જણાતું ના હતું. પાંચેક મિનિટમાં અમે જોશીમઠ તરફ નીકળ્યા.

હિમાલયના શિખરો વચ્ચે જ્યાં ગોદ જેટલી જગ્યા મળી, માણસે ગામ અને શહેર વસાવ્યાં. અંધારી રાતે એ ગામ-શહેરના ઘર-હોટલમાં એકસાથે થયેલા વિજળીદિવા દુરથી ખુબ સુંદર લાગતા હતા,જાણે આગિયાનો સમુહ કે આકાશગંગાનો એક ભાગ.

થોડી જ વારમાં સરદારજીને ઉતરવાનું સ્થળ,લંગર આવી ગયું.  સહપ્રવાસીઓ જમી લેવાના મતના હતા. વચ્ચે એક ઠેકાણે મેં ચા પીધી હતી અને શ્રીનગરથી ખરીદેલ સફરજન સાથે મારું ડિનર થઇ ગયેલું. પણ, માન રાખવા ખાતર હું ડિશ લઇને બેસી અને બે ચમચી દાળ લીધી. મારું વર્તન એરોગન્સમાં ખપી શકે છે એમ જાણતી હોવાથી હું વિનમ્રતાથી વાત કરતી હતી. લંગર સંભાળનાર એક વડીલ સક્કરપારા જેવી એક મીઠાઇ( મઠરી કદાચ) અને લાડવા લઇ આવ્યા અને ફરીથી આગ્રહ કરવા લાગ્યા કે આ તો ખાવું ગમે તેવું છે.  મોટાભાગે ધાર્મિક સ્થળોએ હું કરી રહી હતી તેવા વર્તનને બોધ વડે ભાંડવામાં આવે. "પ્રસાદ કહેવાય. લેવો જ પડે.અમને સેવાની તક આપો." જેવા દુરાગ્રહ શરું થાય. પણ, અહીં કોઇએ એવું ના કર્યું, લગભગ બધા વડીલ હોવા છતાં. તેમના વર્તનમાં એક જ બાબત પ્રગટતી હતી, જમવાના સમયે મારી હોજરીમાં કંઇક જાય. મિઠાઇનો એક કટકો લીધો અને બે ચમચી દાળ.

ત્યાં પેલા સરદારજી, કે જેમને અન્ય સહપ્રવાસીઓને વાદે મેં ય વિરજી કહેવું શરુ કરી દીધેલ, બોલ્યા :  उसके लिए डबल अदरिक चौथाइ शक्कर चाय बना लाईए।

રાત્રે સાડા આઠ કલાકે દેવભૂમિ(ઉત્તરાખંડનું બીજું નામ)ના રસ્તા ઉપર મેં 'ચાહ' પીધી. 

No comments: