Showing posts with label I see. Show all posts
Showing posts with label I see. Show all posts

12.4.20

ફેંટી હુઈ કાફી યાની ડાલગાનો

હમો નથી ચૅલેન્જ કે ટ્રેન્ડ્યુના  માણસ
કરોનાના કર્યા સામૂહિક ઘટનાના માણસ

તો, એક માણસને કેટલું જોઈએ, હેં? અને તમને તો ખબર જ છે કે આપણને બગાડ તો જરાય ગમે જ નહીં.
એટલે અડધી ચમચી કૉફી, એટલી જ માત્રામાં ખાંડ, દળેલી અત્યારે ક્યાં લેવા જવી, પડ્યું પાનું નભાવવાનું ત્યારે, અને એટલું જ હૂંફાળું પાણી એકત્ર કરી ફેંટવા બેઠાં. મનમાં ગોઠવી રાખેલું કે ઝાઝો ટાઈમ માંગે તો અડધેથી ઊભા થઈ, દૂધ ઉમેરી, બ્લૅન્ડર ફેરવી નાખવાનું. પણ, અહો, સાડા બાર સેકન્ડમાં તો લખ્ખણ દેખાવા માંડ્યા. પ્રવાહીએ વાયુ ટાઈપ ઘન સ્વરૂપ પકડવા માંડ્યું. ઉત્સાહ ત્રેવડાતાં હાથ બ્લૅન્ડરની સ્પીડે ઘૂમવા લાગ્યો. મસ્ત ફીણ બનવા માંડેલું.

પણ, હાય, ઍન્ડ પ્રોડક્ટે પહોંચ્યાના એંધાણ શું? ફીણ જામી ગયેલું, કલર ઠીકઠીક બદલાયેલો. પણ, વિડીયો કે ફોટામાં હોય છે તેવો લાઈટ નહીં. મારા વાળી કૉફી જ જક્કી. 'રંગ જાય તો પૈસા પાછા' બ્રાંડ. એમાં વળી હમોએ સ્ટાન્ડર્ડ માપ ફોલો નહોતું કર્યું. એટલે ફીણ કેટલુંક થાય ત્યારે હાઉ કરવું એ ગંભીર સમસ્યા થઈ પડી.

પણ, ઉકેલ કોને કહ્યો છે! હાથે કહ્યું, 'હવે હેઠા પાડો.' એટલે હમોએ તુરંત માની લીધું.‌ દરમ્યાન, ડાબા હાથે મોબાઈલ મંત્રણા જારી રાખેલી. મલ્ટી ટાસ્કીંગ. તેમાં આ બલાની જન્મપત્રી શોધી કાઢી. જડ્યું તો ઘણું બળ્યું, કોરિયા ન સૅલીબ્રિટી નેઈમ ન ખોટાહાચા ઉચ્ચાર. પણ, આપણું દિલ ઠર્યુ 'ફેંટી હુઈ કાફી' પઢકર. 'લા, બધી વૈજ્ઞાનિક શોધોની જેમ આ તો આપણી ઈજાદ! અને તે ય કેવી! ખબર પડી જાય કે ભારતીય છે. કઈ રીતે?

વારું, કૉફી બનાવતા પહેલાં જેમ હમોએ દો ચમ્મચના બદલે અડધી ચમચી પ્રમાણમાપ રાખેલું, એ જ વૃત્તિના દોરવાયા વિચારેલું કે ખોટાં વાસણ નહીં બગાડવાના. જે કપમાં ફેંટીએ એમાં જ ઠંડુ દૂધ ઉમેરવાનું અને વિજ્ઞાનને આપણી મદદ કરવા દેવાની. ઠંડું દૂધ તળિયે જશે અને હવાદાર કૉફી વાદળ ઉપર આવી જશે. ફોટો પાડીશું તો કાંઈ ખબર પડવાની દુનિયાને!

અને અદ્દદલ આ જ તો રીત છે શુદ્ધ ભારતીય ફેંટી હુઈ કાફીની! તમારું હનીકૉમ્બ કે ડાલગોના વાસણ વધારે. દુધની ઉપર ફીણ મૂકવાનું. આપણા ભારતીયમાં કૉફી ફીણની ઉપર દૂધ રેડવાનું.

હમો એમ જ કરવાના હતા. પણ, આદતન ભૂલ થઈ ગઈ. ચાના મગમાં કૉફી ફેંટવા બેઠાં. પ્રશ્ન સાઈઝનો ન હતો, પારદર્શિતાનો હતો. ચાના મગમાં ફોટો પાડીએ તો દૂધ-કાફીના પડ નૉ઼ દેખાય.

સદુ:ખ, શરબતનું પવાલું કાઢ્યું. દૂધ ભર્યું અને પ્રાશ્ચાત્ય, સૉરી, અત્રે કોરિયન હોવાથી નોર્ધન સભ્યતા સમક્ષ હાર સ્વિકારી ઉપર કાફીવાદળ ઉમેર્યું.

હજી સમસ્યાઓ પીછો નહોતી છોડતી. આને પીવી કેમ? પોતાની રસોઈ આવડત અંગે જરા પણ શંકા ન હોવાથી હિંમત કરીને પહેલો ઘૂંટ ભર્યો. વિજ્ઞાન! ઠંડા તેમજ પ્રવાહી હોવાથી ભારે એવા દૂધે ઉપરના કાફીવાદળમાંથી માર્ગ કંડારી મુખગુહામાં પ્રવેશ કર્યો અને વાહ! સૌ પ્રથમ તો ગિલાસ મૂકીને પોતાનો જ ખભો થાબડી લીધો.‌ ત્યારબાદ, બીજો ઘૂંટ ભર્યો. આ વખતે વિજ્ઞાનને યાદ આવ્યું કે પોતે તો કુદરત છે! એટલે ફાંટેબાજ બની બેઠું. એકલું દૂધ મોઢામાં આવ્યું. પછી નક્કી કર્યું કે પ્રયોગ આદર્યો જ છે તો પૂરો કરવો. ફિલ્મોના પ્રતાપે, નાજુકાઈથી પ્રવાહી યુક્ત પવાલાને હલાવી શકાય, તે પણ અંદરના પદાર્થોને મિશ્રણ બનવાની તક મળે તે રીતે તે હકીકત હમો જાણતા હતા. સાવચેતીના પગલાં રૂપે, સોફામાંથી ખસી, બેસીન પાસે જઈ પારદર્શક ગિલાસ હલાવ્યો અને તાબડતોબ ઘૂંટ ભર્યો. સપ્રમાણ માત્રામાં મિશ્રણ બનેલ. બસ, પછી તો એમ હલાવી હલાવીને દોઢસો ગ્રામ દૂધ વત્તા એટલી જ જગ્યા રોકેલ ફેંટી હુઈ કાફીને ઉદરસ્થ કરી મહાસુખ પામ્યા.

જેઓ આ કથાને વાંચી પોતાની અનુકૂળતા મુજબ ફેંટી હુઈ કાફી પીસે, એટલે દળવાની નથી, ત્યાં ક્રિયાપદ ગુજરાતીમાં છે, તેને મનવાંછિત સુખ મળવા બાબતે હમો કોઈ ખાતરી આપતા નથી.

8.4.20

वयं रक्षाम:

वयं रक्षाम:

અત્યારે આ નવલકથા વાંચી રહી છું.  કથાની શરૂઆત શૃંગાર અને તેમાં મીઠા જેટલા શૌર્યથી થાય. શરૂઆતથી જ બળકટ ભાષા, વિશેષણોનો ખડકલો અને લાંબા વાક્યો મજા આપવા માંડે. અને પછી શરું થાય માહિતી ધોધ. ભારતીય તરીકે ક્યારેક ને ક્યારેક જે નામ સાંભળ્યા હોય તેવા, દેવ,દાનવ,યક્ષ,ગંધર્વ, રાક્ષસ વગેરે વગેરેના, તે બધાની વંશાવળી. મને એકવાર તો થયું કે ફ્લોચાર્ટ બનાવું બધાનો! સતત "આ તો જાણું છું.- આ નહોતી ખબર.- આ બાબત/સબંધ ખબર હતા પણ‌ આ રીતે નહીં." એમ થયા જ કરે.

મને સૌથી રોમાંચિત કરી પ્રહલાદની વાતે. પ્રહલાદ, ધૃવથી માંડી બિરબલ જેવા લિજેન્ડરી પાત્રોની વાત જ્યાં પુરી થાય, મારા મનમાં પ્રશ્ન ઉભો થાય : પછી શું થયું? ધૃવ તારો બની ગયો પછી શું થયું? પ્રહલાદ રાજા બન્યો પછી...? બિરબલે કોયડો ઉકેલ્યો પછી...?

એમાં પ્રહલાદનું પહેલાં-પછી આ નવલકથામાં આવતું જાય અને મને જે બાળસહજ જલસો પડે! એવી જ મજા નારદ, વશિષ્ઠ-વિશ્વામિત્ર બારામાં આવે.

આ નવલકથા રાવણાયન છે, તેનો ઍવર રોમેન્ટિક (આ વાત મને ખૂબ રમૂજ કરાવે છે વાંચતી વખતે. રાવણને તો આક્રાંતા તરીકે જ કલ્પ્યો હોય એટલે.) હિરો રાવણ અને તેના પરાક્રમો. હજી હું નવલકથાના પૂર્વાર્ધમાં સીતા હરણ સુધી પહોંચી છું એટલે આ નવલકથા સંદર્ભે રાવણના પાત્ર અંગે આગળ કંઈ કહેવાય એમ નથી. છતાં, વિસ્તાર વાદી રાજા તરીકે રાવણની કુનેહ અને કુટુંબ ગૌરવ માનવાં પડે.

આપણે ત્યાં જીવના જન્મના સ્તર અંગેની સભાનતા ખાસી છે. જેમકે, મને બોલચાલમાં આવા શબ્દોનો પરિચય છે : રાક્ષસ યોની, પ્રાણી યોની. 'રાક્ષસ કુળ' જેવા શબ્દો ય ખરા....આ નવલકથા વાંચતા વધુ એક સ્પષ્ટતા ફરી ખુલી તે એ કે દેવ, દૈત્ય, રાક્ષસ એ કુળ અથવા સમૂહ હતા, માણસોની નાત જેવા અને માણસોનાં જ. 'અમારે ત્યાં આવું થાય/ન થાય.' બ્રાંડ રીત રસમ જે-તે સમૂદાયને જુદી ઓળખ આપે છે તેવી પ્રણાલીઓ દેવ,દાનવ, ગંધર્વની ઓળખ અને એક સમૂહને બીજા સમૂહ સાથે જોડતી કે જૂદી પાડતી સીમાઓ. દેવ એટલે વેદ અને યજ્ઞ પરંપરાને માનનાર, એમ.

રાવણનું ધૃવ વાક્ય છે, 'વયં રક્ષામ:'. 'રક્ષણ કરવું' એક પવિત્ર ફરજભાવ તરીકે ચિત્તમાં એવું દ્રઢ કે રાવણ- રક્ષણ કરનાર એક સાથે બેસે જ નહીં. પછી 'રક્ષ'ના અર્થો જાણ્યા ત્યારે કંઈક વેન્ટિલેટર પરની રેખા નૉર્મલ મોડમાં આવી હોય તેવી લાગણી થઈ.

આગળ કહ્યું એમ ભાષા આ નવલકથાનું એક સબળ પાસુ. આપણા પૂર્વજોનો પરિચય આપતી વિગતોનો ખડકલો કર્યા પછી આચાર્ય ચતુરસેન નવલકથાની મૂળ વાર્તા હાથ પર લે ત્યારે પૂરી ફૂરસદથી લખે. અપરિચિત હોવા છતાં, ભારતીય સાંસ્કૃતિક વારસાને કારણે સમજાઈ જાય તેવા  શબ્દો ઉપરાંત એક, એક સંવાદ, સ્થળ અને પાત્ર પરિચય, શૃંગારિક વર્ણન અને યુદ્ધ... વળી,  ચમત્કાર લાગે એવું ખાસ આવતું નથી. ખાસું દુન્વયી. ક્યારેક બે બળિયા યુદ્ધ કરતા હોય ત્યારે બાકીની સેના તેમને જોવા થંભી જાય એવી વાત આવે અને 'માળુ, એવું ય થાય ખરું, હો!' એમ લાગે. રામાનંદ સાગરના સ્ક્રિપ્ટ રાઈટર્સ અને ઍક્શન ડિરેક્ટરે સો ટકા આ કથા વાંચી હોવી જોઈએ- યુદ્ધુના વર્ણન એવાં મળતાં આવે. લેખકની પોતાની વૈચારિક છાપ બેશક આવે તેના લખાણમાં. એમનો ભારતપ્રેમ ક્યારેક એટલો વધી જાય કે હાસ્યાસ્પદ લાગતા તારણોએ પણ પહોંચી જાય. એવું એક વાક્ય વારંવાર આવે, "કહો, મૈં તુમ્હારા ક્યા પ્રિય કરું?" -જે મને અંગ્રેજીનો નબળો ચાળો લાગે છે.

આર્યન થીયરી સામે ભારતીય મૂળની પોતાની થીયરીઝ છે. દક્ષિણ ભારતનો પૌરાણિક ના સહી, તે પછીનો ઈતિહાસ પણ દબાઈ ગયેલો લાગે જ્યારે જ્યારે તેના વિશે વાંચવામાં આવી જાય. દક્ષિણપૂર્વ એશિયાના દેશોમાં ભારતની સાંસ્કૃતિક છાપ પાછળ દક્ષિણ ભારતના વ્યાપારી તેમજ રાજકીય સાહસો વિશે આપણે જાણીએ તો છીએ, પણ તે આપણા ભારતીય ગૌરવનો સભાન હિસ્સો નથી. ઍટલીસ્ટ, મને મારા માટે તો એમ લાગ્યું છે.

તેવામાં, આ નવલકથા માનવ પ્રજાતિના વિશ્વમાં ફેલાવાના કેન્દ્ર સ્થાને ભારતને મૂકે છે. દિતી- અદિતીના સંતાનો એશિયા જ નહીં, કાસ્પિયન સમુદ્ર અને આફ્રિકા સુધી વ્યાપ્યા. આ વાતની સાબિતી તરીકે આચાર્યશ્રી ઘણી ભાષાકીય તેમજ રીવાજો અને સ્થાપત્ય આધારિત સાબિતીઓ મૂકે છે, જેમાં સ્પષ્ટ અતિરેક અને ક્યારેક ભાવુક દેશપ્રેમ દેખાઈ આવે. પણ, એ સંભાવના જ કેટલી રોચક, રોમાંચક છે!

આ વાંચતા બીજો એક વિચાર સતત સાથે રહે છે અને માત્ર વિચાર તરીકે ય રસતરબોળ કરી દ્યે છે : ગ્રેબીયલ માર્ક્વેઝ પાસે આવો કાચો સામાન હોય તો તે કેવી નવલકથા લખે!

ઑનલાઈન મુક્ત પ્રાપ્ય છે. ઍમેઝોન પર પણ છે.

પૂર્વાર્ધ : https://drive.google.com/file/d/1NKouCcKaT8Lpmo0RGxWBW8lAOJhxVyKi/view

ઉત્તરાર્ધ : https://drive.google.com/file/d/1j6rzgbOcNRWxINhtPiOf3HagCYjlf7nt/view

11.11.19

પ્રોમિસ્ડ લૅન્ડ

અયોધ્યા મંદિર-મસ્જીદને વધાવવા-વખોડવા પર તરત કુદી શકું એવું મનોમેદાન મારી પાસે નથી. એ બાબતે ક્યાંય પણ ઊભા રહેવા મારા પગ તળે જમીન નથી. ધાર્મિક સંસ્કાર કે નાગરિક તરીકેના ઘડતર વચ્ચે ઝૂલતું મારું ત્રાજવું કોઈ બાટ શોધે છે. માણસાઈ શું છે? આવા સવાલ લઈ હું ઈતિહાસ પાસે જાઉં છું. ચિત્તમાંથી એક યાદ ઝમે છે, 'પ્રોમિસ્ડ લૅન્ડ.' શું છે તે?

પાકિસ્તાન કે આતંકવાદની સમસ્યા ઉઠે એટલી વાર ઈઝરાયેલનું ઉદાહરણ આમેય ભારતીય ચિત્તને પ્રસાર માધ્યમોએ ધવડાવ્યું છે.

માણસજાત સમૂહમાં રહેતી થઈ, કબીલા વસાવ્યા અને પોતાને નડતી બાબતો માટે, પોતાને ગુનેગાર ઠેરવવામાં ટેકો કરે તેવા કોઈ તત્વને મનમાં સ્થાન આપ્યું. "શિકાર ના મળ્યો/ વરસાદ ના પડ્યો/ પુર આવ્યું/ ધૂમકેતુ દેખાયો ; મારાથી અથવા મારાનાઓથી કંઈક ભૂલ-ચૂંક / પાપ થયું." ભૂલ થઈ એટલે માફી-સજા આવ્યાં. પાપનું પ્રાયશ્ચિત આવ્યું. અને ભૂલ હોય તો તેની વિરુદ્ધની સ્થિતિ, સારું કામ અથવા પુણ્ય હોવા સ્વાભાવિક હતાં.

યહુદી પ્રજા ઈઝરાયેલ કહેવાયેલા વિસ્તારના છૂટાછવાયા દસેક કબીલાઓમાંના બે કબીલાની બનેલી જાતિ હતી જેને મોઝેસ મળ્યા. એમ તો ઈઝરાયેલની હદ ઈજીપ્ત સુધી લંબાય છે. ભારત કંદહાર સુધી જાય એવું કંઈક. જ્યારે ઈજીપ્ત પોતે રાજ્ય તરીકે વિકસ્યું ત્યારે તેનો વિસ્તાર ઈઝરાયેલ સુધી પહોંચ્યો. તે દરમ્યાન, સોલોમનનું મંદિર તોડી પડાયું અને યહુદીઓ વિસ્થાપિત થયા, તેમણે વેરાઈ જવું પડ્યું, ફેરોઆહની સેવામાં લાગવું પડ્યું. ઈશ્વરે મદદે આવીને ઈજીપ્શીયન્સ પર શ્રાપ લગાવવા શરૂ કર્યા, જે ઈજીપ્તના દેવતાઓની ય પહોંચ બહાર હતા. દસમો અને છેલ્લો શ્રાપ હતો : ઈજીપ્તના દરેક સજીવનો,પછી તે ફેરોઆહ હોય કે ગરીબ સ્ત્રી કે બકરી, પહેલો પુત્ર મૃત્યુ પામશે.

યહુદીને ઈઝરાયેલ મળ્યું, ફરીથી વીખરાવા માટે. મંદિર બંધાયું, ફરી તૂટવા માટે.

બીજી વાર, નવું બનાવાયેલું મંદિર તૂટ્યું, બીજી વાર યહૂદીઓએ વેરાઈ જવું પડ્યું.

ઈશ્વરે યહુદીને સરસ જમીન આપેલી અને બીજા ઈર્ષ્યા પામે તેવી સગવડો સહિત આપેલી. પણ, ઈશ્વરે નિયમો પણ બનાવેલા, શર્ત મૂકેલી.‌ જેમાંની એક હતી : કોઈ તત્વને પ્રતિક નહીં બનાવવાનું. બળવાખોર(આ વિશેષણ જ આપેલ છે સંબંધિત સાહિત્યમાં) યહુદી ઈશ્વરની શર્તને આધીન રહી ના શક્યા અને શ્રાપનો ભોગ બન્યા : " જા! દુનિયાભરમાં ફેલાઈ જા!"

અને, દયાળુ ઈશ્વરે એક આશિર્વાદ પણ આપેલો. પ્રોમિસ્ડ લૅન્ડ! "તને ઘર મળશે."

આજે એમ લાગે કે તેને શ્રાપ ગણવો કે આશિર્વાદ? ગુજ્જુ માઈબાપનું એક સંતાન અમેરિકા અને બીજું ઑસ્ટ્રેલિયા હોય એ સદ્ભાગ્ય ગણાય! ખુદ યહુદી માટે પણ. કેમકે, જેટલા યહુદી ઈઝરાયેલમાં છે તેનાથી કેટલાક જ હજાર ઓછા યહુદી અમેરિકામાં છે. પણ, કબીલાઈ માનસિકતાના એ કાળમાં શ્રાપ તરીકે ઉદ્ગારાયેલ વચનને બે હજાર વર્ષ સુધી યહુદી શ્રાપ તરીકે માથે ઓઢીને ફર્યો અને દરેક ધાર્મિક ગાન પછી ગાતો રહ્યો, " 'લ પન્ના હબા, બૅ યૅરુશલાઈમ",  "આવતા વર્ષે જેરુસલેમ!"

યહુદીએ 'પ્રોમિસ્ડ લૅન્ડ' સંપાદન કરી. પણ, જેરુસલેમમાં ત્રીજી વાર સોલોમનનું મંદિર નથી બંધાયું. યહુદી બે હજાર વર્ષ જૂની એ કડી હજી ગાય છે. હવે મંદિર બાંધવા નહીં, વધુને વધુ નવા ઈઝરાયેલને ઘડવા, "ૐ ધ્યૌ શાંતિ:"ના અર્થમાં.

Joseph Fielding Smith:
The descendants of Abraham, the tribes of Israel, became the chosen people of the Lord according to the promise. The Lord honored them, nourished them, watched over them with a jealous care, until they became a great nation in the land the Lord had given to their fathers. Notwithstanding this tender care and the instructions and warnings this people received from time to time through their prophets, they failed to comprehend the goodness of the Lord and departed from him. Because of their rebellion they were driven out of their land and eventually were scattered among the nations. Their priesthood was lost and they were left in spiritual darkness. (Doctrines of Salvation, 1:164-165)

૧: https://en.m.wikipedia.org/wiki/L%27Shana_Haba%27ah#

૨: https://en.m.wikipedia.org/wiki/Temple_in_Jerusalem

૩ : https://en.m.wikipedia.org/wiki/Jewish_diaspora

૪ : https://www.vox.com/2014/8/5/18002022/what-are-the-ten-plagues

15.1.19

કોન મરી?

કપડાંને ગડી કરતાં આવડે છે?
કપડાંને હાથમાં લેતાં જ ખબર પડી જાય છે કે તે કોનું છે?
જો તમારો જવાબ 'હા' છે, તો તમે કરોડપતિ બનવાથી કેટલાક ડગલાં જ દૂર છો.
કેટલાં ડગલાં?_યુ ટ્યુબ ચૅનલ માટે જોઈએ એટલાં.
.
.
.
આમેય ગરવી ગુજરાતણને જશ નસીબમાં નથી. એક ટચુકડી જાપાનીસ મહિલા દુનિયામાં ધૂમ મચાવે છે અને આપણી ઘરકી મુલગી.

બહેન નામે મરી કોન્ડે લોકોને કપડાં કેમ વાળવા તે શિખવે છે. મૂળ પદ્ધતિ જાળવી રાખી, કપડાં ગોઠવવાની પદ્ધતિ તેમણે 'નવી' વિકસાવી છે. એ પદ્ધતિનું નામ પાડ્યું છે, 'કોનમરી'. પોતાના ઘરનું કબાટ કે ઑફિસનું કૅબિનેટ ગોઠવવા આ બાનુને પોતાને ત્યાં બોલાવવા છ-છ મહિનાનું વેઈટીગ ચાલે છે!

નેટફ્લિક્સ થકી અમેરિકાને હિલોળે ચઢાવનાર આ સન્નારી કેટલીક ચીજો રદ કરાવે છે. અમેરિકાની દાનની હાટડીઓમાં એકાએક ઉછાળો આવ્યો છે. મરીબેન બતાવે ત્યારે લોકને ખબર પડે, "આયહાય, આ સાડી તો એક જ વાર પહેરી'તી."(લગ્નવાળી સ્તો!) મરીબેન ખુબ બધા પ્રેમ સાથે કહે,'તો એને જવા દ્યો!' અમેરિકનો અને જાપાનીસ જવા દે. આપણે તો સંઘર્યો સાપ કામનો. નીતાભાભીની લગ્નની સાડી ઈશાની સાડી ટુંકી પડતા કામ લાગી કે નહીં! હઈશે! જાપાનીસ તો બધું બોન્સાઈ કરવામાં પોતે ય હોમો સેપીયનનું બોન્સાઈ વર્ઝન બની બેઠા છે. બેન 'મરી' એનું 'જીવંત' ઉદાહરણ. એટલે, ઓછું એટલું સારું એમ માની કબાટ ખાલી કરે. પણ,અમેરિકન! નવી નવાઈના આ 'ફગાવો'ને ત્યાં ફુગ્ગામાંનો પદાર્થ જડ્યો છે. મંડ્યા છે અમેરિકન ભાઈયુબેનું કબાટુ ખાલી કરવા. અને એ બધું જાય છે દાનમાં.

મરીબેને ત્રણ પુસ્તકો લખ્યાં છે. ચાલો, એ તો ગુજરાતી માટે નામ કે નાણાં કમાવામાં ખપનું નથી. પણ, મને લાગે છે કે આપણી મહિલાઓ મરીબેન મરી પડે એવા એવા ગૃહ સફાઈના કસબ જાણે છે. એકાદ દિવાળીએ એમને તેડાવીએ? શું ક્યો છો? આ મરીબેનને જોઈને જ આપણે ત્યાં 'મગનું નામ મરી' કહેવત આવી જણાય છે. જે વ્યક્તિ " 'મગ' જેવી સુપાચ્ય વ્યક્તિ" ને " 'મરી' જેવી સુઘડ સન્નારી" એમ ઉપમા આપી ન શકે એ બીજું કરી શું શકે જીવનમાં, હૅય! કમાણી કરવા નામ પણ ના બદલે એ ગુજ્જુ કુંભમેળે જ શોભે.

આ મરીબેનને કપડાં વાળતાં જોવો એક લ્હાવો છે! જે કામ તદ્દન રિફ્લેક્ટીવ ઍક્ટની જેમ પ્રત્યેક ગુજરાતી નારને શબ્દશઃ હસ્તગત છે, તે કામ આ બહેન પુરી ફૂરસદ અને ઢગલોએક સ્મિત સાથે કરે. એટલી વારમાં આપણી મમ્મીઓ ઘરના બધા કપડાં વાળી દયે અને દરમ્યાન ચા ય બનાવી કાઢી હોય! એ જ ફર્ક છે બહેનો! મરીબેન અબજો લઈને કપડાં વાળે અને તમે વાળો તેમાં! અને એટલે જ તમારી કદર નથી.

તો, યુટ્યુબ ઝીંદાબાદ ને!

https://m.youtube.com/watch?v=TfoP7-LVgHs

https://youtu.be/KdUAUQT8E9g


28.1.18

શબ્દ

શબ્દ જડે જો :
પાડું પીડાનું નામ.
સ્નેહને આપું સરનામું.
અકથ્યને વાચા પહેરાવું.
ખરલમાં માત્ર ઘૂંટાઉ નહીં,
લેપાઉ.
ચંદન થઇ વહેંચાઉં.
કહું મારા સ્વરમાં,
વાત.
વ્યંજન જડે જો.
ઊર્મિ
પરપોટો થઇ ઉંચકાય.
પલાળે કાન.ફૂટીને
સામી આંખમાં પડઘાય.
શબ્દ અડે જો;
અર્થ ઊગે.
કારણ જાગે.
વહેવાર વધે, તહેવાર વહે.
શબ્દ નડે, જો!
વધેરું શ્રીફળ.
શબ્દ ફળે તો!
વળી અવકાશ મળે તો!
કહું.
મારા સ્વરમાં
વાત.
વિસ્ફોટ પહેલાની.
શૂન્યપળમાં
શબ્દ ભળે, જો ?

26.1.18

વિનાના

બન્યા ના કંઈક તો ના કોઈ બનાવી શક્યું
અમે રહ્યા 'આ', બનાવટ વિનાના

ના આંજી આંખ,ના ટપકું ભાલે
નજર રહી સાફ, સજાવટ વિનાના

દાવ વિનાના દાન,વગ વગરના લાગ
ભિલ્લુ ભેળા રમીએ,મિલાવટ વિનાના

ટેરવે બારાખડી,ખિસ્સામાં કોશ
જોડકણાં લઇ ઉતર્યા,જમાવટ વિનાના


28.11.17

રંગરસ ૪

કાળો

આપણો કામણગારો છે તે કાળો આફ્રિકી નથી. આપણો શ્યામ કામણગારો અને કાળાનો પયૅાય છે. આપણો શ્યામ ચમકદાર નીલો અથવા ગાઢો કથ્થઇ/બદામી છે.

કાળો બુરાઇ નહી,અગોચર અને ડર રજૂ કરે છે. નજર,મીઠી હોય તો પણ, લાગી શકતી હોય ત્યારે કાળું ટપકું સુરક્શા કવચ છે. કાળી ટીલી જે નામ પર લાગી તે નામ અગાઉ સ્વચ્છ હતું એમ પ્રછન્ન સાબિતી હવામા તરતી રહે છે.

કાળો શોષક છે. તપ પછી, ઊજાૅમુક્તિ પછી તેને રાખ જેવો પ્રમાણમાં ઉજળો વાન મળે છે પણ મલીન આવરણ એમ ઉતરતુ નથી. કોલસો અને કાબૅન છે તે.ઉષ્મા અને ઊર્જાનો કોઠાર છે.
કાળો ગેરહાજરી છે -પ્રકાશની. શુભ્રતામાંથી જન્મેલા તમામ રંગ  એકબીજામાં ભળીને કાળો બની રહે.બ્રહ્માથી વિષ્ણુ થઇ શિવ સુધીની યાત્રા. આપણો શિવ પવિત્ર છે,સત્ય છે,ભોળો છે,તાંડવ છે,યોગી છે. ભારતીય ચિત્તની ચિદાનંદ અવસ્થા 'શિવોહંમ' છે.

બ્રહ્માંડ, જ્યાં કાળ મરડાય છે, ત્યાં કાળાનો વ્યાપ છે. તે સજૅનની પૂવૅશરત છે. તેનું ઇતિ નેતિ છે. પદાથૅમાં ના શોષાયેલ રંગ પદાથૅનો વણૅ બની રહે છે. કાળો અહીં અપવાદ છે. આમ, કાળો પોતે અલગ રંગ નથી. તે તમામ રંગોનું શિવાપૅણ છે.

#6@¥4

25.11.17

મોટામામા

ચૂંટણીમુદ્દા

ચૂંટણીની બેઠકો અમારા આંગણે થતી. મણીદાદાની ખાલી પડેલી પાટ પર ક્યારેક મહાનુભાવ/ઉમેદવાર માટે શેતરંજી પથરાતી. મોટાભાગે લોકો ‘વચ્ચે' રહેવા ઇચ્છતા ઉમેદવાર લાંબ્બી ઓસરીમાં પાથરણા પર બેસતા. તેવામાં ખાલી પડેલી પાટ, હાથીના પગ જેટલા પહોળા પાયાવાળી છ બાય ત્રણની પાટ ,કિશોરો અને બાળકોનું મેદાન બનતી. ઓસરીની બહારની તરફ સળંગ ઓટલી. ગૃહપ્રવેશ માટે સાતેક ફુટ જગ્યા વચ્ચે કપાય એટલે બે ઓટલીઓ બને. એ ઓટલી અમારા સમગ્ર પરિવાર માટે દુનિયાદર્શનની બારી.ત્યાં બેસેલ વ્યક્તિને છેક ગામનુ઼ં કેન્દ્ર અને તેની ચહલપહલ દેખાય. તે બારીની સીધમાં પાડોશીનું બાથરૂમ ચણાઇ ગયું. એટલો દ્રષ્યપટ બંધ થયો. ચૂંટણી બેઠક ટાણે તે બંને ઓટલીઓ, પોણા બાય પચ્ચીસ ફુટ ય ભરાઇ ગઇ હોય.

જે દ્રશ્ય આંખમાં છે તેમાં હું ઓસરી બહાર આંગણામાં આંટા મારતી દેખાઉં છું.  ઓસરી ભરાઇ ગઇ છે અને ઉમેદવાર (નામ યાદ છે પણ અહીં લખવું નથી.) પણ આવી બેઠા છે. પણ, ચર્ચા શરું નથી થઇ. કે.પી.ની, મારા મોટામામાની રાહ જોવાઇ રહી છે.  આઠ-દસવર્ષની એ ઉંમરે  મને મોટામામાના મહાત્મ્યનું અભિમાન થાય છે.


કે.પી. પહોંચવામાં છે એમ સહુને જાણ થાય છે. ૧૯૮૦ની આસપાસના એ શાંત કાળમાં મોટામામા ગામથી ત્રણેક કિ. મી દુર ચપટીયા હનુમાન  કે બીજી તરફ વેડ(નજીકનું ગામ) પહોંચે એટલે તેમના બુલેટ- રૉયલ એનફિલ્ડના અવાજથી અમને જાણ થાય કે ચા ચઢાવવાનો વખત થઇ ગયો. ત્યારથી માંડીને, વાહન બાબતે ઔરંગઝેબ એવી મને એકમાત્ર રોયલ એનફિલ્ડમાં જ રસ પડે છે. ઘરમાં હારબંધ લગાવેલ ઇશ્વર ચિત્રોમાંના ઇશ્વર કોણે જોયા હશે તે પ્રશ્ન ઉઠેલ અને શમી ગયેલ, મોટામામાના કારણેસ્તો. તેમની મ્હોંફાડ અને ચામડીનો રંગ શંકરના ચિત્રને મળતો આવતો હતો.

મોટામામા આવી પહોંચે છે. ખબરઅંતરની પૂર્વભૂમિકા પછી મોટામામા નાની ઓટલીને એક છેડે બેસે છે. કસાયેલા ચહેરા અને શરીરો વચ્ચે તેમનો  સ્નિગ્ધ, નમણો ચહેરો જુદો તરે છે. તેઓ પડછંદ કે ખડતલ નથી. બધા શાનાથી અંજાયેલા છે: લાડના ઉછેરની નમણાશથી કે સ્પષ્ટ બૌદ્ધિકતાથી? બાપુજીની અકબંધ શાખ અને મોટામામાની છાપ વાતાવરણમાં છવાયેલી છે. ચૂંટણી બેઠક શરું થાય છે. ઉમેદવાર ગામલોકોને પુછે છે, “શું અપેક્ષા છે?”  કેટલીક  રજુઆતો થઇ પણ તેની વિગત યાદ નથી આવતી. મને નવાઈ લાગે છે કે ગામને એવી તે કેવી જરુરીયાત હોઇ શકે? બેઠકની એકમાત્ર માદા ઉપસ્થિતિ એવી મને કશું સમજાતું નથી ને ઢગલો સવાલ થાય છે. એમ પણ લાગે છે કે આ વાતો નિરર્થક છે, યાદ છે મને, કેમકે કોઇના અવાજમાં સ્વભાવિકતા નથી ને જાણીતા ચહેરા પણ અજાણ્યા લાગે એટલા સૌમ્ય છે.

મોટામામા એમની ૫૦૧ બીડીના કસ ખેંચે છે અને સાંભળે છે. તેમના ચહેરાની નિરાંત અકબંધ છે. “અત્યંત હેન્ડસમ ચહેરા સાથે સિગરેટ કરતાં બીડી વધુ સુટ થતી હોય છે." એ માન્યતા આવા દ્રશ્યોની નિયમિતતાને કારણે જ મારા ચિત્તે ધરી હશે.  ઉમેદવાર સ્પેસિફિકલી મોટામામાને પુછે છે, “બોલો કે.પી.?”  હું પુરા અસ્તિત્વથી ઉત્સુક થઇ ઉઠી છું.  મોટામામા બોલવું શરું કરે છે.  એમના ઘેઘૂર અને બીડીને કારણે ધુમાડાભેર થયેલા ધીમા અવાજે કહે છે : “આપણા તળાવમાં વિદેશી પક્ષીઓ આવે છે. આસપાસના (જાતીવાચક શબ્દ)ને તેનું મહત્વ ખબર નથી અને તેઓ તેનો શિકાર કરીખાય છે.”  .ઓહ! તળાવમાં વિદેશી પક્ષીઓ આવે છે! એટલે શું એવી કોઇ સમજ નથી પણ પક્ષી આમ બીજે ક્યાંયથી આવે અને તે ય તળાવમાં, તે નવાઈભર્યું લાગે છે.  જો કે, મોટાભાગના ગ્રામજનોના ચહેરા પર કંટાળો પ્રકટી ઓલવાઇ જાય છે. ઉપાય સુચવવો જરુરી નથી એમ મને કળાય છે. પણ, સ્વભાવગત, મોટામામા ઉપાય સુચવશે જ. શું સુચવશે? પરિવેશથી સંસ્કૃત મન વિચારે છે કે મામા કહેશે કે એ લોકોને સીધા કરી દેવા જોઇએ. વળી,મોટામામાને પોલિટીકલી કરેક્ટ રહેવાનું ક્યારેય નથી આવડ્યુ઼ એ મોટપણે જોયું હતું. એક લાંબો કસ ખેંચી મોટામામા આગળ બોલે છે , “તે લોકોને પક્ષીઓ અંગે તાલીમ આપવી જોઇશે. તેનાથી તેઓ શિકાર કરવામાં પાછા તો પડશે જ, એમના માટે ગાઇડ તરીકે વ્યવસાયની તક પણ ઊભી થશે.” મોટાભાગના ગ્રામજનોના ચહેરા પર ઠેકડીસૂચક સ્મિત પસાર થઈ જાય છે. સૌમ્યમૂર્તિ ઉમેદવાર મોટામામાની પ્રશંસા કરે છે અને પોતે તે દિશામાં વિચારશે તેમ જણાવે છે. બધાને ખબર છે, બધા પર વહીને આવેલ હવાની અસર હેઠળ અબુધ એવી મને ય ખબર પડે છે કે કે.પી.ની આ  હવાઇ અપેક્ષા હવામાં જ ભળવાની છે. મનમાં શંકા ઉઠે છે, “શું મોટામામા જાણે છે તેમની રજુઆતની ગતિ શું થશે? “ હા. જાણે છે  અને છતાં તેઓ એ જ નિરાંતવા ચહેરે બીડીનો વધુ એક કસ લે છે.

તે દિવસે પક્ષીજગતમાં મારો પ્રવેશ થાય છે.

30.10.17

રંગરસ ૩

#રંગ ૩

જા-ની-વા

ભૂરો એટલે ? આપણે તો ગોરી ચામડીને ય ભૂરી કહીએ અને ઘઉંવર્ણી ભેંસને ય. આપણું આકાશ વાદળ ના હોય ત્યારે વાદળી રંગાય અને વાદળી વાદળ તો ચિત્રમાં મળે, અસલમાં નઈ. આપણા આકાશની પાર કયો રંગ છે  : કાળો કે નીલ ? નીલ એટલે ગળી. બિહારમાં જેનાં ખેતર હોય, જે સફેદને ય ઉજાસ આપે તે જ. વાદળી એટલે પેલું પોચું પોચું- વાદળ જેવું શોષક ! જાંમલી જાંબુ કે રિંગણ પર ચમકે. નીલો જામલી જેટલો ચમકદાર નહીં અને વાદળી તો સાવેય ચમકહિન. હા, દરિયાના બ્લુ પાણીને સુર્યકિરણ ચમકાવે ખરા.
મૂડ તરીકે બ્લૂ ઉદાસી છે પશ્ચિમી કહેવતમાં. ઝેરનો રંગ ? લીલી ઇર્ષા ઝેર બને ત્યારે ગાઢી વાદળી બની જાય. સાપ પારખુંઓ એમ ઓળખે ઝેરી-બિનઝેરીને. લોહી બગાડ અને ગાંઠ પણ લીલા કે ભૂરા ચકામાથી પરખાય. ગરમ લોહી ઠંડુ પડે ત્યારે ચામડી ભૂરાશ પકડે. ભૂરો ઠંડક- હિમશી કાતિલ ઠંડક સૂચવે છે. એટલે ઠંડા વિસ્તારની પશ્ચિમી સભ્યતામાં feeling blue ઉદાસ છે ?  જીવણને તો હુંફ જોઈએ.

અને શ્યામ એટલે ? ભાષાની રીતે તો કાળો પણ ભાવમાં ? આપણો શ્યામ તો નિલકંઠના કંઠ જેવા રંગનો છે !

#

25.10.17

રંગરસ ૨

#રંગ 2
લીલો 
લીલાની રંગછાયાઓ એટલી વૈવિધ્યભરી છે કે સરગમના શાસ્ત્રીય બંધનમાં બેસે નહીં. એટલે સંગીત ચાહકોએ 'લ'ને 'હ'ની જેમ રમાડ્યો. 'લા...લા...લા...'નો  'લ' લીલાનો છે, લાલનો નહીં.
લીલા પુખ્ત નામ છે, લાલા-લાલી જેવું લાડકું નહીં. તેના નટખટ રમતિયાળપણાને લોક અહોભાવથી સ્વીકારી લે.ક્રિયા તરીકે લીલા અદ્ભુત અને નરી ભારતીય છે. લીલાની રંગછટાઓમાંથી તે તારવ્યું હશે કે ? કુમળા પાનની લીલાશ એકદમ ભોળી,નરવી,નાજુક અને અડવી હોય જયારે વયસ્ક લીલો ખાસો ઘૂંટાયેલો,લથપથ અને ભ્રમણા જેવો. પર્ણ અને લીલો એક સિક્કાની બે બાજુ જેટલા એકરૂપ છે. 'પાન લીલું જોયું ને ...'  ભીનાશ સળવળે. લીલો ભેજ અને ભાવ છે.
લીલો જયારે કચ માંડે ત્યારે ઇર્ષ્યા છે. ઇર્ષ્યામાં ભેજ છે- 'હું' પોતાને છોડી 'તે' હોવાની ઇચ્છા જેટલો પલળે છે. લીલો છમ્મ થાય ત્યારે કિશોરીના પગનું ઝાંઝર, વરસાદની સુગંધ અને વાવણીનું લોકગીત છે.

લીલા કપડાં અને સુધાર્યા પછી ભાજી ધોવાનો જેમને અનુભવ છે તેઓ જાણે છે કે પાણીમાં વારંવાર નીતર્યા પછીય લીલો મૂળ વસ્તુ કે પદાર્થની રોનક ઝાંખી થવા દેતો નથી. જીવંતતાના પ્રતિબિંબ જેવી તેની છાપ જોનારના શરીરમાં તાજગીપ્રદ રસાયણ ચુવાડે છે. સૂરજના કિરણોને ભરી પી જનાર આ રંગ આગળ પાણી તો ભુ પીવે.

પાણીયા લીલાને ઝાંખો કરવા બાળ કલાકાર તેમાં પાણી ઉમેર્યા કરે,ઉમેર્યા કરે. લીલા સમજવું એમ ક્યાં રમત વાત છે! બીજા રંગ ઉમેરતાં એ કે ગાઢો થાય ક્યાં સાવ ફરી જાય. એક સફેદને એ ગાંઠે અને જરીક પોપટિયો થાય.

ભીની મહેંદીની મહેંકમાં મસ્તાન થયેલ સમાજનું ધ્યાન એના રંગ પર ના ગયું એટલે સુકાયેલી છાપના રંગને નામ મળ્યું. સ્થગીતતા અને નિષ્કાળજીની છડી જેવી લીલને જો આ ચોંટડૂક નામ ના મળ્યું હોત તો ગૃહિણીઓ તેના પ્રત્યે વંદા સરીખી સુગ દાખવત.


#withCU

24.10.17

રંગરસ ૧

#રંગ 1

પીળો

લીલા શાકને હળદરનો ઓપ પ્રમાણમાં મળે તો લીલાશ તાજી થઇ જાય. પીળો રંગ ઓછી માત્રામાં બીજા રંગને ખીલાવે  છે, એટલો પોતે એકલો નથી ખીલતો. આછો પીળો કમળાનો આભાસ કરાવે. પોસ્ટકાર્ડ હોય કે દિવાલ, આછા પીળાને અડીને પાછો ફરતો પ્રકાશ માંદલો થઇ જાય. એનામાં સેપિયાની યાદ નથી જડતી. એની ધૂંધમાં ભૂરી શાહી અને ભૂખરો પડછાયો ઉઘડતા નથી.

સરસવનો પીળો થનગનતો અને લીંબુ પીળો રસઝરતો છે. પિત્તળની ઘરેલુ નક્કરતા સામે સોનેરી પીળો નરમ સ્નેહી લાગે. રંગીન સાંજના ઢળ્યા પછી ચમકી જતી સોનેરી ક્ષણ મોહક છે , તો વૈશાખ-જેઠની બપોર પોતાના તાપથી ત્રસ્ત સૂરજનો ઢોળ છે.

એકલો પીળો પંજરાક છેલબટાઉ કે ઉદ્દન્ડ ગણી લેવાયો છે. તેની ભભકને સભ્ય બનાવવા બહુધા લીલા કે વાદળી કે પછી લાલ કે કેસરી સાથે તેની જોડ બનાવાય છે.

પણ, રંગોની આભાને પલટાતા અટકાવવી હોય તો, પશ્ચાદભૂ પીળી, આછી પીળી જોઈએ.
યુરોપના ખાણીયા ધુમ્મસ વચ્ચે વાન ગોગનું સુરજમુખી ખીલ્યું. સુરજથી દૂર વસતા એ પ્રદેશને વાર લાગી અંજાતા. કે પછી આંજેલી મેંશ સાફ કરતાં. સૂર્યથી સંસ્કારિત ભારતવર્ષે તેના પુરૂષોત્તમને પીતાંબર પહેરાવ્યું.

પીળો તાર સપ્તકનો અંતિમ 'સા' છે, વગડાઉ સ્વતંત્રતાનો ઉલ્લાસ છે, નગરની સુંવાળી સભ્યતાનો વિરોધ છે. પાનખરમાં ખખડતા પાન ભૂખરા બનતાં પહેલાં પીળાશ અપનાવે, જાણે દિવાની બુઝાતી જ્યોતનું અંતિમ નૃત્ય.શું પીળો કોઈ અંતિમનો દ્યોતક છે ?

પીળો બોલકો છે, ટોળાનું તરત ધ્યાન ખેંચે. એટલે વાયર કે પાઇપમાં તે અનિવાર્ય ઠર્યો અને ઈમોજીમાં ય ચમક્યો છે. મોજીલી ના હોય તેવી લાગણી વ્યક્ત કરવા લાલલીલાભુરાનો ટેકો લેવો પડે.

'પીળક,સુઘરી અને ફુલસુંઘણીને પીળો શોભાવે છે કે પીળાને તેઓ ?' એમ પૂછી ચિંતનમાં રમવું એ પીળાનો સ્વભાવ નહીં. એ તો પડે કાં પ્રતાડે.


#withCU 

23.9.17

માણસાઇ

ગોવિંદઘાટ પર જાણ થઇ કે બદ્રીનાથ ના રસ્તે લાંબાગઢ પાસે લેન્ડ સ્લાઇડિંગ હોવાથી રસ્તો બંધ છે. અહીં વરસાદ પણ જામેલો. કરવું શું? મેં અલકનંદાને કિનારે ટહેલવું શરું કર્યું. કેટલોક સમય એમ પસાર કરી ફરી બદ્રીનાથ અંગે તપાસ કરી. જાણવા મળ્યું કે કુલ ત્રણેક કિ.મી.નો ટ્રેક કરીને પહોંચી શકાય એમ છે. તો ચલ પડે. શટલ મળતા નહોંતા. પસાર થતી દરેક સુમો પાસે જઇ પુછવાનું. વરસાદની ટપટપ ચાલું. એક શટલ ઊભી રહી. થોડેક આગળ જતાં એક આધેડ યુગલ જોડાયું. તેઓ એમ.પી.ના હતા. સ્ત્રીએ ગુજરાતી ઢબની સાડી પહેરેલ. આપણે ત્યાં સાડીના બે પ્રકાર પાડેલ છે : ગુજરાતી અને દક્ષિણી અથવા બંગાળી. ભૂગોળ ભણવી શરું થાય ત્યારે પ્રશ્ન થાય કે પૂર્વના બંગાળ સાથે દક્ષિણ શબ્દ કઇ રીતે જોડીયો હશે ગુજરાતી જનમાનસમાં? બંગાળ, અસમમાં પાલવ ડાબે ખભે ટેકવાય છે. સોનુ નિગમનું ‘ગુજરીયા' ગીત ખુબ ઉઠ્યું હતું પોપ આલ્બમના કાળમાં. ત્યારે થયું કે ગુજરાત બહાર પણ ગુજરીયા છે ખરી. હિમાલયના ટ્રેક્સ દરમ્યાન ગુર્જર જાતિની જાણ થઇ.  સલમાન રશદીની ઓછી વિખ્યાત નવલકથા Shalimar, the clownમાં એક કાશ્મીરી ગુજરીયાનું પાત્ર છે. તેના વર્ણનમાં તેણે ગુર્જર જાતિની સરસ કથા મુકી છે :  જ્યોર્જિયા, ગુજરાનવાલા, ગુજરાલ, ગુજરાત.
યુગલ માયાળુ હતું. વાતો મંડાઇ. લાંબદગડ (લંબ+દગડ?) પાસે પહેલાં ચઢાણ શરું થાય છે ત્યાં હું ધીમી પડી. મને ધીમી પડેલી જોઇ ભાઇ,સ્વાભાવિકપણે મદદ કરવા પ્રેરાયા. તેમની લાકડીનો એક છેડો ધરી તેને ટેકે ચાલવાનું ઇજન કર્યું.  મને તો હાથ છુટા જોઇએ એટલે તે પ્રસ્તાવ સ્વિકારવાનો પ્રશ્ન જ ના હતો. પણ,ભાઇનો તે પ્રસ્તાવ ભાભીને ના ગમ્યો, સ્વાભાવિકપણે.મને ખ્યાલ આવી ગયો કે અત્યાર સુધી મારા સાહચર્યને સંગાથ માનનાર આ યુગલમાંનું સ્ત્રૈણ તત્વ હવે પુરુષને દોડાવશે. હું મારી ગતિએ આ તરફથી ચઢી બીજી તરફ ઊતરી.
હવે વાહનશોધ. એક ઓમ્ની આવી. તેની સીટ આરામદેહ જણાતી હતી. પણ, એક પરિવાર તેમાં ગોઠવાઈ ગયેલો. તે પરિવારની નાનકી સાથે આ દરમ્યાન દોસ્તી થયેલી તેથી તે બોલાવતી હતી. તેવામાં બીજી સુમો આવી અને તે પરિવાર વહેલા પહોંચવાની અપેક્ષાએ ઓમ્ની છોડી સુમોમાં ગોઠવાયો. ઓમ્નીવાળાનું ભાડુ લગભગ બમણું હતું,એ પણ એક કારણ. તેવામાં એક મીનીબસ આવી. પ્રવાસીઓ તેના તરફ ધસ્યા. એક સ્થાનિક પછી હું ચઢી અને મારી પાછળ પેલો પરિવાર. ઓમ્નીવાળાએ વિરોધ કર્યો એટલે મીનીબસનો ચાલક બધાને ઉતરવા કહેવા લાગ્યો. બીજા પાંચેક પ્રવાસી બે ડ્રાઇવરની રકઝક વચ્ચે દરવાજે ધસારો કરી રહ્યા હતા. છેવટે પેલો પરિવાર ઉતરી પડ્યો અને પાંચ યુવાન ધસીને સીટમાં ગોઠવાઈ જઇ ચાલકને સાંત્વન વત્તા પ્રોત્સાહન આપવા લાગ્યા. આખરે અમને સાતને લઇ મીનીબસ ઉપડી.
હિમાલયની હવાનો સ્પર્શ અને સુગંધ વિશિષ્ટ હોય છે. પણ, વેલી ઓફ ફ્લાવરમાં ય આ વખતે તે ખાસ સ્પર્શગંધ મળ્યા ના હતા.  કદાચ સતત વરસાદમાં ધોવાઇ જતા હશે. તે સ્પર્શ હવે શરું થયો. વરસાદ અટકી ગયેલો. હિમાલય આખરે ઉઘડવા લાગેલો .
પેલા પાંચ યુવાનમાંનો એક બસમાં બેસતાં ભેળો મારા પ્રત્યે ઉત્સુક થઇ ગયેલો. બહેનજી કહી ના શકે એટલે બીબીજી કહી વાક્યો બોલતો હતો. તેના દરેક વાક્યને મેં ના સાંભળ્યું કર્યે રાખ્યુ.  પાંચેયના પ્રથમદર્શી વ્યક્તિત્વમાં એટલી ભિન્નતા હતી કે તેઓ એક જુથના ના લાગે. પણ, એ જ તો દોસ્તી છે!
દ્રશ્ય ખુલી રહ્યા હતા અને મારે ફોટા પાડવા હતા. હું બેસી હતી તે સિંગલ સીટની બારીનો કાચ ખુલી ના શકે તે પ્રકારનો હતો. તેને ખોલવા મને મથતી જોઇ પેલો ઉત્સાહી યુવાન અગાઉ બે-ત્રણ વાક્યો બોલી ચૂકેલો. કેટલીક ક્ષણના વિચાર પછી મારી પાછળના યુવાનને સંબોધી હું પહેલું વાકય બોલી : હું તમારી જગ્યાએ બેસું?
“અરે, ચોક્ક્સ.” બે યુવાન તરફથી જવાબ મળ્યો. સીટ બદલીને ફરીથી હું હિમાલયમાં મશગુલ થઇ ગઇ.
મારા એકમાત્ર પ્રશ્ન પછી પેલા ઉત્સાહી યુવાનને કદાચ પાનો ચઢ્યો હતો. તે હિમાલય, બદ્રીનાથ અને માના ગામ અંગેનું પોતાનું જ્ઞાન વગર પૂછ્યે સાર્વજનિક કરી રહ્યો હતો. કાને પડતા વાક્યો માહિતીના હેતુથી હું સાંભળતી હતી. તે પણ કદાચ તેવી આશાએ જ આમ કરી રહ્યો હતો.
બદ્રીનાથના એંધાણ શરું થતાં તે યુવકજુથના આયોજન પ્રત્યે હું ઉત્સુક બની. સાડાબાર થઇ ગયેલા એટલે બદ્રીનાથના કમાડ બંધ થઈ ગયેલા અને હવે ત્રણ વાગ્યે ખુલવાના. બસને સીધી માના લઇ જવા યુવકજુથ ચાલકને જુદા-જુદા વિકલ્પ સુચવવા લાગ્યું. મારે પણ સ્વાર્થ હતો. મેં કહ્યું:  જે તમે નક્કી કરશો તેમાં હું જોડાઇ જઇશ. યુવકોનો ઉત્સાહ બેવડાઇ ગયો. ચાલકને કહે, “દેખ, ‘આન્ટીજી’ પણ કહે છે!”
લાલચમાં પડેલ બસચાલક સાથે ગોઠવાયું નહીં અને તેઓએ બીજી સુમો કરી. તેમાં હું જોડાઇ અને અમે માના ઉપડ્યા. ઉત્સાહી યુવક સ્વાભાવિક રીતે મારી બાજુમાં બેઠો, શાલિનતાથી. પરસ્પર પરિચય કર્યો. લાલચ આપવાના લયમાં તેમની તરફથી વિધાન આવ્યું કે તેઓમાંના બે કોર્બેટના કર્મચારી છે. મેં પ્રશંસા ભાવ વ્યક્ત કર્યો. દરમ્યાન એક યુવક બોલ્યો કે તેને તબીયત ઠીક નથી લાગતી. તેનો થાક ચહેરા તેમજ આંખમાં અને કફ અવાજમાં દેખાઇ આવતા હતા. મારી પાસે દવા પર્સવગી હતી. તેને લેવડાવી. ઇલાજ મળ્યાથી તે સારું મહેસુસ કરવા લાગ્યો .
માના ફરવું શરું થયું. તેઓનું સેલ્ફીચરણ પણ. મને થયું કે સ્વસ્થ મિત્રતા બંધાઇ છે. એટલે મારો ‘મોટો' કેમેરા કાઢી કહ્યું, “આવો તમારો બધાનો ફોટો લઇ દઉં.” તેઓ ધન્યતામાં પ્રવેશી ગયા. મને કેટલીક ક્ષણ પછી ચમકારો થયો  કે હવે તેઓ મારી સાથે ફોટો પડાવવાના હતા, સામુહિક,વ્યક્તિગત. ત્રણ ચાર ફોટા પછી લાગ્યું કે તેમનો ઉત્સાહ હદ ઓળંગવાની તૈયારીમાં છે. મારું મોં બગડી ગયું. મારો ભાવ ફોટો પાડનારના ચહેરા પર પડઘાઇ જુથ પર ફરી વળ્યો અને તેઓ ‘ટુ ડુ નોટ ટુ ડુ'ની મૂંઝવણમાં મુકાયા. ક્ષણ માટે મારામાં ડર કોંધી ગયો. લાગ્યું, હું બેવકુફી કરી બેસી છું. મેં સંવાદ ચાલુ રાખ્યો અને સલામતીના વિકલ્પ વિચારવા-શોધવા લાગી. ભીમપુલ તરફનો એટલો પટ્ટો સુમસામ હતો. સ્થાનિક કે પ્રવાસી, કોઇ દેખાતું ન હતું.
તેઓના ફોટોશુટ અને ઝોલા ખાતી માણસાઇ વચ્ચેથી સિફતથી સરકીને હું ભીમપુલ તરફ આગળ વધી. સરસ્વતી મંદિરે પાછા સાથે થયા. ત્યારે તેમના વર્તનમાં દોષભાવના વત્તા ક્ષોભ સંતાડતી નફ્ફટાઇ દેખાતી હતી. ‘હિંદુસ્તાન કી આખરી દુકાન' નામવાળી બે દુકાન હતી. હું સરસ્વતી મંદિરવાળી આખરી દુકાન છોડી સામેની આખરી દુકાને ગઇ. તંગદીલી હળવી કરવા મે તેમને કહ્યું કે , “આ તરફ પણ સારા ફોટા આવશે.” પણ તેઓ વચ્ચેનો નાનો પુલ ઓળંગી બીજી તરફ ના આવ્યા.તેમનું ફોટો-સેલ્ફીશુટ સતત હતું. હું દ્રૌપદી મંદિર તરફ ગઇ અને અમે છુટા પડી ગયા. મંદિરથી થોડે દૂર, કદાચ કોઇ જવાને, પથ્થરોના ટેકે તિરંગો ગોઠવ્યો હતો. તે થોડો નમી ગયેલો. ઉમંગથી તેને સરખો કર્યો અને લાકડી સીધી રહે તે રીતે પથ્થર ગોઠવ્યા. સેલ્ફી લીધી.
વ્યાસગુફાના માર્ગે યુવકો ક્યાંક ના દેખાયા ત્યારે મને ખ્યાલ આવ્યો કે મારાથી વધુ સમય લેવાઇ ગયો છે. મારે તેમની સાથે, તે જ સુમોમાં પાછા ફરવાનું હતું. જો કે માના બદ્રીનાથથી હાથવગું છે અને આર્મીનું કેન્દ્ર છે એટલે હું નિશ્ચિંત હતી.
માનાના પ્રવેશદ્વારે પાછી પહોંચી તો એક અન્ય ચાલકે જણાવ્યું કે મારા સહપ્રવાસી રાહ જોઈને હમણાં જ નીકળી ગયા. હું આગળ વિચાર કરું તે પહેલાં આગળથી બુમ સંભળાઈ,  “મેડમ, જલ્દી કરો.” દોડીને હું ગાડીમાં ગોઠવાઈ. પાંચેય યુવકોના ચહેરા પર પોતાની ભૂલ(મારી રાહ ના જોવાની)ની ક્ષમાયાચના હતી. મેં મનમાં હસી લીધું અને કહ્યું,  “સોરી,સમયનો અંદાજ...”  મને વાક્ય પુરું બોલવા દીધા વગર તેઓ,  “અરે, કોઇ નઇ.” કહેવા લાગ્યા.
આ તબક્કે તેઓ તદન માણસ બની ગયા હતા. તેમના ઉંચકાયેલા ભાવથી આશ્વસ્થ તેમજ રાજી થઇ હું ઉમળકાભેર વાતે વળગી. ઘડીમાં બદ્રીનાથ આવ્યું. યુવકોએ મને ભાડુ ના આપવા દીધું. તેઓ દર્શન કરી તરત જ પાછા ફરવાના હતા. લાંબદગડ પાસેનો રસ્તો ખુલી ગયેલો. મારે એક તરફ ઉતાવળ કરવી ના હતી અને બીજી તરફ ખુલેલો રસ્તો બંધ થાય તે સંભાવના હતી. વળી, વળતો પ્રવાસ અંધારામાં કરવાનો થવાનો હતો. હું બદ્રીનાથ રોકાઇ ગઇ. જાગેલી માણસાઇને પુરુષાતનમાં પડવા દેવા નહોંતી માંગતી.

17.9.17

ઉતરાણ

વેલી ઓફ ફ્લાવરની ચેકપોસ્ટ પર મેં પૂછ્યું કે અહીં ભૂલા તો નહીં પડી જવાય ને? મને હતું કે ક્યાંક સુંદર પતંગિયા કે સુગંધનો પીછો કરવામાં હું ભાન ભૂલી બેસું અને જોખમ નોતરી બેસું! સાથ ના દેતી તબિયતને કારણે હું વધારે પડતી ચોકસાઇ રાખતી હતી.  મારા પ્રશ્નને ડર સમજી ચેકપોસ્ટ પરના વડિલે મારી ટિકીટની પાછળ નકશો બનાવી આપ્યો અને મને વિગતે સમજાવ્યું કે એક જ રસ્તો છે અને ખોવાવાની શક્યતા જ નથી.  અરેરે, ખોવાઈ જવાનું ગમે ત્યાં આટલી કંટાળાજનક એકસુત્રતા ! પછી મેં મને ઠપકારી કે આવી એકસુત્રતાના પ્રતાપે સામાન્ય માણસ માટે અનુકુળતાઓ ઊભી થાય તો ટુરિઝમ ચાલે અને પૈસો ફરે અને...  ઇકોનોમિક્સના 'ઇ' પાસે ચિત્ત વિરમ્યું અને "હું મારી પ્રતિકુળતા શોધી જ લેતી હોઉ છું ને! " એવા ઉમંગ વડે મન મનાવ્યું. એક લીટીમાં આવતા વિરોધી વિચાર , “હાવ ફૂલીશ!” ફૂલો કી ઘાટીને દરવાજે.

ભાઇ-બહેનનું એક અમેરિકન ટીનએજ જોડુ જોશીમઠથી સાથે હતું. મે તેમના પ્રત્યે ઉદાસીનતા વ્યક્ત કરવાનું વલણ રાખ્યું હતું. ભાઇ મોટો હતો અને બહેનને સાચવતો હતો તેમજ ભૂગોળ અને ઉત્ક્રાંતિની વાતો કરતો હતો. બંને સરસ મજાક કરી લેતા હતા-એડલ્ટ ‘વિષય’ ઉપર પણ. આ ભાઇ-બહેન ચેકપોસ્ટ પર ફરી ભટકાયા. ભાઇથી ના રહેવાયું એટલે "હાય અગેઇન." કર્યું જેને  સ્મિતથી ન્યાય આપી હું વેલીની દિશામાં વધી. સસ્તામાં ટિકીટ મેળવવા  ચેકપોસ્ટ પર જુગાડુ ભાઇ બોલવા મંડેલો, "ઇન્ડિયન ટિકીટ. વી કેમ ટુ સપોર્ટ ઇન્ડિયન ક્રિકેટ ટીમ. હાઉ અબાઉટ અમેરિકન સ્ટુડન્ટ્સ?" ચાલતાં ચાલતાં કાને પડેલા આ વાક્યો પર હસીને હું આગળ વધી.

વેલી પહોંચતાં પહેલાંનું ચઢાણ તકલીફદેહ હતું. પણ, મુડ બની ગયેલો અને એકલતા હતી. હું ગાતી ગાતી જઇ રહી હતી અને જે ગીતો જીભ પર ચઢતા હતા તેના પર હસતી હતી.તમરાં જેવાં જીવડાંનું તારસપ્તક મારા કોસ્મિક સંગીત સમારોહમાં સિતારનું કામ કરી રહ્યું હતું.

આગળ જતાં ચાર બંગાળી યુવાન મળ્યા. થોડે આગળ ગાઇડ સાથે લઇને ફરી રહેલી બે મરાઠી સાહેલીઓ મળી. વાતચીત કરતાં  ખબર પડી કે તેઓ મા-દિકરી છે. કોણે ગર્વ કરવો, કોણે શરમાવું એવી વાતો કરી,ખડખડાટ હસી લઇ હું આગળ વધી. થોડા થોડા અંતરે પ્રવાસીઓ મળતા રહેતા. એક પીઠ્ઠુવાળો મારી પાછળ લાગેલો અને અંતે પોતાના દળદરના વર્ણન પર આવી ગયેલો. પણ, વેલી મારે જાતે ખુંદવી હતી.

વેલી શરું થતાં જ દ્રશ્ય બદલાઇ ગયું. વૃક્ષોને બદલે ક્ષિતિજ સુધી ફેલાયેલાં છોડવાને કારણે આકાશ ખુલી ગયેલું. વળી, આજે વાદળ પણ છંટાયેલા હતા. બસ, ધીમે ધીમે ચાલવાનું, ફુલ જોવાના, મુગ્ધ થવાનું અને ભાનમાં આવી ફોટા પાડવાના. આ ઉપક્રમ કલાકો સુધી ચાલતો રહ્યો. વચ્ચે કોઇ પ્રવાસી મળી જાય તો હાય-હેલોવાળુ સ્મિત,ઝરણું આવે ત્યાં પાણી પીવું અને તેના અવાજને નસોમાં ભરી લેવા બેસી પડવું, ચોતરફના શિખરો અને આકાશમાં વાદળની સંતાકૂકડી  જોવી અને સુખડીનો કટકો બટકી વધું મીઠા થવું. “આ જીવનને બસ આટલું કામ.”; ધૂમકેતુએ ‘જુમો ભિસ્તી'માં લખ્યું છે.

વળી પાછા અમેરિકન ભાઇ -બહેન મળ્યા. ભાઈ કહે, "કોઇ મોરલ ઓબ્લિગેશન ના હોય તો જ્હોન માર્ગારેટ લેવની ગ્રેવ જવાનું ખાસ કારણ નથી અને વળતાં ચઢાણ છે. " એટલે, ચઢાણથી બિધેલી હું એ છોડી પગદંડી પર આગળ વધતી રહી.

પાંચ વાગ્યે ચેકપોસ્ટ પર પાછા પહોંચવાની હિદાયત હતી. મેં વિચાર્યું હતું કે બે વાગ્યા સુધી આગળ વધવું, અડધો કલાક બેસી રહેવું અને પછી વળતાં થવું. લગભગ દોઢ વાગ્યે થયું કે પાછા ફરવું જોઇએ. પણ, હું પ્રકૃતિના કેફમાં જતી રહેલી, શરીરને સાંભળ્યા વગર ચાલતી રહી.

લગભગ ત્રણેક વાગ્યે પાછા ફરવું શરું કર્યું. અડધા કલાકમાં શરીરનો અવાજ મોટો થતો લાગ્યો. પણ, વેલી પુરી થઇ ત્યાં લગી મારો કેફ અકબંધ રહ્યો. જેવું ઉતરાણ શરું થયું, પંદર-વીસ ડગલે બેસી જવું પડતું. લગભગ બધા પ્રવાસી પાછા ફરી ગયેલા. અમેરિકન ભાઇ-બહેન બાકી હતા અને મારી પાછળ હતા. પણ, તેઓ મારો સંગાથ કરવા ધીમા પડે એમ લાગતું ના હતું. અંધારું થતાં પહેલાં ચેકપોસ્ટ પર પહોંચવું હિતાવહ હતું. રસ્તો અઘરો ના હતો, થાકેલા શરીર સાથે સમયનો તાલમેલ કઠીન હતો.

ખુદને ધકેલતી હું દસ દસ ડગલાં ઉતરી રહી હતી. ત્યાં  ફોટા પાડી રહેલ બે યુવાન નજરે પડ્યા. હશે 20 -22ના. તેમને વટાવી  થોડેક આગળ જઇ  હું બેસી પડી. મારી આગળથી પસાર થતી વેળા  તેમાંના  એક યુવાને પૂછ્યું, "ઓકે?" હું થાકેલું સ્મિત કરી શકી. તે યુવાન આગળ ઊતરી પડ્યા. મેં ય તેમના સંગાથની આશા સેવી નહોતી.

દસ દસ ડગલાંનાં બીજા રાઉન્ડે મેં જોયું કે તે બે યુવાન ત્યાં બેસેલા હતા અને તેઓની મુખમુદ્રા પરથી સ્પષ્ટ હતું કે તેઓ મારા માટે જ ધીમા પડ્યા હતા. મને ખુબ સારું લાગ્યું, મારા માટે અને યુવાનના ભાવ માટે પણ. એક ચહેરા પર નિરામય શાંતિ હતી, બીજા પર કંટાળો.

વાતચીત કરવાનો તો સવાલ જ નહોતો, ઊર્જા વેડફવી પોસાય તેમ જ ના હતું. થોડેક આગળ જતાં બીજો યુવાન થોડો અકળાયો અને બોલી ઉઠ્યો, "તમારા માટે જ અમે  ધીમે જઇએ છીએ." પહેલા યુવાનની જબાન પર કે વર્તનમાં આ હકિકત જરાય પ્રકટી નહોતી. તેણે મારી પાછળ રહેવાનું શરું કર્યું . આગળવાળો યુવાન તેની સામે જુએ તો યુવાન નંબર એક તેને આગળ વધતા રહેવા કહેતો.
પહેલા યુવાનને કદાચ પોતાના હાથનો ટેકો આપવાનો વિચાર આવ્યો હશે. પણ, હું ગેરસમજ  કરી બેસીશ એવી ધારણાથી તે પાછો પડતો હશે. તેણે મને તેની પાસેની લાકડી ધરી. પણ મને ખુલ્લા હાથે જ ફાવતું હોવાથી તેની મેં ના પાડી. “તમે નીકળો, હું આવી જઇશ.”એવું કહેવાનો વિચાર એક વાર ચમકી ગયો પણ એમ કહીં પહેલા યુવાનના ભાવનુ અપમાન કરવાનું યોગ્ય ના લાગ્યું. આમ, મંથર ગતિએ અમારું ઉતરાણ થતું રહ્યું.
પોણા છ થયા હતા.ચેકપોસ્ટથી 200મીટરને અંતરે ટિકીટબારી પરના કર્મચારીઓ સામા મળ્યા. તેમની પાસેના લીસ્ટમાંથી અમારા નામ છેક્યા અને પૂછ્યું કે કોઇ બાકી છે?  મને આશંકા હતી કે અમેરિકન્સ બાકી હતા. કર્મચારીઓએ પણ કહ્યું કે," હા,તે બે બાકી છે." મને ચિંતા થઇ કેમકે તે બે ચાલવામાં પાવરધા હોવા છતાં હજી પહોંચ્યા ના હતા. છેક હવે તે બંને યુવાન પોતાના થાકની વાત કરવા લાગ્યા. તેઓ આજે 20-22કિ.મી. ચાલ્યા-ચઢ્યા હતા, ગોવિંદઘાટથી ઘાંઘરીયા અને વેલી!

પેલા બે યુવાનનો સામાન ચેકપોસ્ટ પર જ હતો. યુવાન નંબર એકે મીઠાઇના બોક્સ કાઢ્યા, “મમ્મીએ જન્માષ્ટમી પર બનેલી મીઠાઇ ભરી આપી છે.”  મેં ય સુખડી વહેંચી.  ચેકપોસ્ટના કર્મચારીઓ સાથે ગપશપ જામી અને અમારી ય પરિચયવિધી થઇ. મેરઠથી બાઇક લઇ બદ્રીનાથ થઇ તેઓ અહીં આવ્યા હતા. ફોરેસ્ટ કર્મચારીઓ બોર્ડર પરની તેમની મુલાકાત અને આર્મી સબંધી વાતો કરવા લાગ્યા અને વિડિયો઼ઝ બતાવ્યા. તેવામાં અમેરિકન ભાઇ -બહેન પણ આવી પહોંચ્યા. બહેનને જમણે પગે મચકોડ આવી ગઇ હતી.
ચેકપોસ્ટથી ડેરા સંકેલી અમે ઘાંઘરીયા એક રેસ્ટોરાંમાં ગોઠવાયા. યુવાન નંબર બે તો ખુરશીમાં જ ઊંઘી ગયો. મારી ગોઠડી જામી નંબર એક યુવાન સાથે- ગુજરાતનો  ઉલ્લેખ થયા પછી જે વાતો થાય તે અને બીજી પણ. તેણે મને મેરઠના ધાર્મિક પાસા અંગે, પૂર્વ-પશ્ર્ચિમ યુ.પીના તફાવત અંગે, પોતાના શિક્ષણ અંગે વાતો કહી.
છુટા પડતી વખતે અમે એકબીજાના નામ જાણ્યા. યુવાન નંબર એક એટલો સૌમ્ય હતો કે સંપર્ક જાળવવાનો વિકલ્પ પણ ના માંગે. મેં સામેથી મારો નંબર આપ્યો જે તેણે ત્વરાથી નોંધી લીધો.
બીજે દિવસે હેમકુંડ પર યુવાન નંબર એક ફરી મળી જતાં બંનેથી હરખાઇ જવાયું.
વાર્તા સાંભળેલ કે યહુદી ધર્મમાં  ‘મદદ કરવી' એ દુર્ગુણ લેખાય. બીજાની પીડા પોતીકી બની જાય પછી જે વર્તન આવે તે મદદ ના કહેવાય. મદદ કરવામાં દેનાર-લેનાર વચ્ચે અંતર છે, ઉચનીચતા છે. વિગતદોષ હોઇ શકે આ વાર્તા બાબતે. પણ, મને આ વિચાર ગમી ગયેલ. “હું મમ્મીને ઘરકામમાં મદદ કરું છું.” -આ વિચાર અને/અથવા વાક્ય વાહિયાત છે મારી દ્રષ્ટીએ.
ના એક નંબરી યુવાને મદદની ભાવના વ્યક્ત કરી, ના મેં આભારની.

11.9.17

ચાહ

સવારના 8થી રિષીકેષના ટેક્સી સ્ટેન્ડ પર જોશીમઠ માટે સુમો તૈયાર હતી.  પણ, 10:30 સુધી બીજું કોઈ પેસેન્જર જ ન આવ્યું. પાંચથી શરુ્ં કરી ડ્રાઇવર અઢી હજાર પર આવી ગયો મને એકલીને ચમૌલી સુધી પહોંચાડવા. પણ, બધું બજેટ પહેલે જ ધડાકે મોકળું કરી દેવાનો મારો મુડ ના હતો. હું બસ સ્ટેન્ડ પહોંચી. ત્યાં શ્રીનગર માટેની બસ તૈયાર હતી.  હા, ઉત્તરાખંડમાં ય શ્રીનગર છે.  હવે ડાયરેક્ટ બસ નહીં જ મળે અને જેમ મોડુ થશે એમ જોશીમઠ આઘુ થતું જશે એ ખ્યાલ આવી જતાં તે બસમાં ગોઠવાઈ.

સમયસર જમવું એ મારી જરુરીયાત હતી કેમકે સ્વાસ્થ્ય લથડે તે આ તબક્કે ના ગમે. રકસેક ડીકીમાં મુકવા કંડક્ટરે પુછ્યું તો મેં કહ્યું કે બસ ઉપડવાની તૈયારીમાં હોય ત્યારે લઇ જજો કેમકે મારે નાશ્તો કરવાનો છે. પેક્ડ જ્યુસ સાથે મે ઘરનો નાશ્તો કર્યો. દરમ્યાન બસમાં બેઠેલા અને ઉમેરાઇ રહેલા પેસેન્જર્સ તરફ સ્વાભાવિક ધ્યાન ગયેલું. મેં જોયું કે મારી બાજુની ટ્વીનસીટ પર બેઠેલ પૌઢ સરદારજી ઉતરી ગયા હતા અને થોડાક સમય પછી ત્યાં બે છોકરીઓ ગોઠવાઈ ગયેલી. મારી સીટમાં એક બેઠક હજી ખાલી હતી, કદાચ મારો ડે પેક ત્યાં મુકેલો હતો તેથી.

બરાબર બસ ઉપડવાને ટાણે પેલા સરદારજી બસમાં ચઢ્યા અને મને પુછ્યું કે કોઇ આવે છે? મેં બેગ લઈ લીધી અને તેઓ બેઠા.પણ, એ ક્ષણે મને લાગ્યું કે તેઓએ પ્લાન કરીને મારી બાજુની બેઠક મેળવી. અને મારા મનમાં સહેજ તુરાશ આવી ગઇ.

હું ઘણું  ફરી છુ્ં અને બીજાઓને દુ:સાહસ લાગે એવું ય અવારનવાર કરી બેસી છું. મને શંકાઓ સતાવતી નથી. મારું બગાડવામાં કોઇને ખાસ રસ હોય તો તે શું કરે તે પ્રકારના વિચાર જ મને નથી આવતા. આવું લખવા માટેના વિચાર પણ ઘણીબધી ટિપ્પણીઓ પછી આવે. એટલે આવી તુરાશ ઉઠવી મારા માટે નવાઈની બાબત છે.

સરદારજીના જમણા હાથના અંગુઠાનો નખનો ભાગ ના હતો. એટલો અંગુઠો કપાયેલો હતો. જુગુપ્સા ઉઠી અને તુરાશ વધી ગઇ. મારી નવાઈ પણ. હું વળી ક્યારથી આવી આશંકિત થઇ! પ્રચાર માધ્યમો અને શુભેચ્છકોની મહેરબાની. મારી અંદર ડર ઊભો થઇ ગયેલો. કડવા થઇ ગયેલા મોં સાથે મેં વિચાર્યું કે મારા હાલહવાલ જોઈ તેમને જિજ્ઞાસા થઇ હોય અને એટલે તેઓ એમ કરવા પ્રેરાયા હોય એમ ના બને? મારા મોંની તુરાશ જતી રહી. મને કોઇ શીખનો વ્યક્તિગત અનુભવ નથી. પણ, શીખ સમાજની સામાન્ય છાપ આ તબક્કે મનને આશ્વસ્થ કરવા ખપ લાગી. બારીને ટેકે મેં ઝોકાસન આરંભ્યું.

બસ ઠેકઠેકાણે ઊભી રહેતી હતી. એક ભાઇ ગેલ્વેનાઇઝ પાઇપ્સ, બે મોટા થેલા અને તેલનો ડબો લઇ ચઢ્યા.  ડબા સિવાયનો સામાન ડિકી અને બસ ઉપર ચઢાવાયો. કંડક્ટરે સામાનનું ભાડુ 100 રૂપિયા માંગ્યું તો તે ભાઇ છેડાઇ ગયા. તેમાં સરદારજીએ ઝુકાવ્યું, "માણસ હોય તો સામાન હોય. આ મારે કશો સામાન નથી અન્ આ ભાઇને વધારે છે  તો સરખું થઇ ગયું ને! " કેટલાક સમયની વ્યવહારિક અને દાર્શનિક તડાફડી પછી મામલો 30 રૂપિયામાં નિપટાવાયો.

બસ એક ઢાબે ઉભી રહી. મોટા ભાગના સહપ્રવાસીઓ ફિક્સ થાળી કે આલુ પરાઠા લઇ જમવા બેઠા. મે શેકેલી મકાઇ લીધી. જમી રહેલી કિશોરી સાથે વાતચીત થઇ. તે હરિદ્વારની હતી અને શ્રીનગર એમ.બી.એ. ભણવા જઈ રહી હતી. નવાઈ લાગી કે મોટા શહેરમાંથી નાના શહેર તરફ?  પણ, યાદ આવ્યું કે શિક્ષણના ખાનગીકરણ પછી નાના સ્થળોએ આવા શૈક્ષણિક હબ ઊભા થયા જ છે.  દરમ્યાન, સરદારજીને ચા પીતા જોઈ મારો ટી-ચર આત્મા સળવળ્યો. ચા બનાવી રહેલ વ્યક્તિને પૂછ્યું :  અદરક હૈ?  હકાર મળતાં તેને સમજાવ્યું કે મારે કેવી ચા જોઈશે.
ચા આવી. મને અનુકુળ રહી. થોડી વધુ ગળી, થોડી વધુ કડક અને દૂધનો જુદો સ્વાદ. આટલો સ્વાદફેર સહન કરી શકાયો એ સારા શકન જેવુ લાગ્યું.ચા બનાવનાર પણ મજેદાર હતા. મને દજાતી જોઇ ચા ઠંડી કરી આપી અને "ઓહો, તમે તો આપણા પી.એમ.ના શહેર(અમદાવાદ)ના છો." એવો હરખ પણ કરી લીધો. ચા પીધી અને બસ આગળ ચાલી. સરદારજીની વાતચીત કરવાની ઉત્સુકતા વ્યક્ત થતી રહેતી હતી. મેં નમતું મુક્યું અને ક્યાંથી, ક્યાં જવાના? વગેરે વાતો થઇ. હું હેમકુંડ જવાની છું તે જાણી તેઓ રાજી થઇ ઉઠ્યા. ચમૌલીથી પાંચેક કિ.મી.ને અંતરે હેમકુંડના યાત્રાળુંઓ માટે લંગર લાગેલું હતું. તેઓ ત્યાં સેવા માટે જઇ રહ્યા હતા અને પૂર્ણ શીખ ગણવેશમાં હતા. મેં કેમેરા કાઢ્યો તો તેઓ ભારતીય વડીલની  મુદ્રામાં આવી ગયા. "આ દ્રશ્ય સરસ છે,  પાડી લે ફોટો." જેવા ફરજભર્યા વિધાન કરવા લાગ્યા, જે મારી વૃત્તિને સંપૂર્ણ પ્રતિકૂળ હોવાથી મેં અવગણ્યા. તે પછી તેઓ પોતાનો મોબાઇલ કાઢી તેમાં ફોટા-વિડીઓ જોવા લાગ્યા.મેં તે પ્રત્યે ય ઉદાસીનતા દાખવી. એટલે કેટલાક સમય સુધી અમારી વચ્ચે સંવાદ ના થયો. તેઓને ઘણી વાત કરવી હતી અને મારે ચુપ રહેવું હતું.

બીજી એક બસ અને ટેક્સી બદલી અમે લગભગ 7:30એ ચમૌલી પહોંચ્યા. અમે એટલે હું અને સરદારજી. અન્ય કોઈ સહપ્રવાસીને આગળ, સ્થાનિક બોલી મુજબ ઉપર, જવાનું ના હતું. બીજી બસ વખતે મેં ધ્યાન રાખીને તેમની સાથેની બેઠક ટાળી હતી.

ચમૌલી પહોંચતા જ મે નક્કી કર્યું કે હું અહીં જ રાતવાસો કરીશ અને મેં હોટલ અંગે તપાસ આરંભી. તેવામાં  એક ટેક્સીવાળો આવ્યો જે જોશીમઠ આવવા ઉત્સુક હતો. તેની પાસે ત્રણ પેસેન્જર હતા. સરદારજીને તો ચમૌલીથી પાંચ કી.મીને અંતરે લાગેલા લંગર પર ઉતરવાનું હતું એટલે પેલા ત્રણ પેસેન્જર અને ડ્રાઇવર મને આગ્રહ કરવા લાગ્યા. તેમના આગ્રહમાં સુરક્ષાનો ઉલ્લેખ પણ નહોતો. મને લાગ્યું કે તેઓ સુરક્ષા, એકમાત્ર સ્ત્રી પ્રવાસીની સુરક્ષા પ્રત્યે એટલા નિશ્ચિંત હતા કે એ વાત તેમને કરવા જેવી જ ના લાગી. કદાચ તેમની તાત્કાલિક જરુરીયાત હાવી થઇ ગઇ હોય અને આ તેઓ આ બાબત જોઈ જ ના શકતા હોય એમ પણ હોઇ શકે. એમ હોય તો પણ તેમના આગ્રહથી સાબિત થતું હતું કે રસ્તો સારો હતો. પેલા ત્રણને નોકરીએ પહોંચવાનું હતું અને તેઓ ઉતાવળ કરતા હતા. મને વિચાર કોંધી ગયો કે સરદારજીને જોશીમઠ આવવાનું હોત તો કેટલું સારું! આ વિચાર જોઇ મને મારા પર હસવું આવ્યું.
મારા સંશોધન મુજબ જોશીમઠમાં હોટલ મળવી મુશ્કેલ ના હતી અને મારે ય પહોંચવું તો ત્યાં જ હતું. રસ્તો સાફ હતો અને ખાસ જોખમ જણાતું ના હતું. પાંચેક મિનિટમાં અમે જોશીમઠ તરફ નીકળ્યા.

હિમાલયના શિખરો વચ્ચે જ્યાં ગોદ જેટલી જગ્યા મળી, માણસે ગામ અને શહેર વસાવ્યાં. અંધારી રાતે એ ગામ-શહેરના ઘર-હોટલમાં એકસાથે થયેલા વિજળીદિવા દુરથી ખુબ સુંદર લાગતા હતા,જાણે આગિયાનો સમુહ કે આકાશગંગાનો એક ભાગ.

થોડી જ વારમાં સરદારજીને ઉતરવાનું સ્થળ,લંગર આવી ગયું.  સહપ્રવાસીઓ જમી લેવાના મતના હતા. વચ્ચે એક ઠેકાણે મેં ચા પીધી હતી અને શ્રીનગરથી ખરીદેલ સફરજન સાથે મારું ડિનર થઇ ગયેલું. પણ, માન રાખવા ખાતર હું ડિશ લઇને બેસી અને બે ચમચી દાળ લીધી. મારું વર્તન એરોગન્સમાં ખપી શકે છે એમ જાણતી હોવાથી હું વિનમ્રતાથી વાત કરતી હતી. લંગર સંભાળનાર એક વડીલ સક્કરપારા જેવી એક મીઠાઇ( મઠરી કદાચ) અને લાડવા લઇ આવ્યા અને ફરીથી આગ્રહ કરવા લાગ્યા કે આ તો ખાવું ગમે તેવું છે.  મોટાભાગે ધાર્મિક સ્થળોએ હું કરી રહી હતી તેવા વર્તનને બોધ વડે ભાંડવામાં આવે. "પ્રસાદ કહેવાય. લેવો જ પડે.અમને સેવાની તક આપો." જેવા દુરાગ્રહ શરું થાય. પણ, અહીં કોઇએ એવું ના કર્યું, લગભગ બધા વડીલ હોવા છતાં. તેમના વર્તનમાં એક જ બાબત પ્રગટતી હતી, જમવાના સમયે મારી હોજરીમાં કંઇક જાય. મિઠાઇનો એક કટકો લીધો અને બે ચમચી દાળ.

ત્યાં પેલા સરદારજી, કે જેમને અન્ય સહપ્રવાસીઓને વાદે મેં ય વિરજી કહેવું શરુ કરી દીધેલ, બોલ્યા :  उसके लिए डबल अदरिक चौथाइ शक्कर चाय बना लाईए।

રાત્રે સાડા આઠ કલાકે દેવભૂમિ(ઉત્તરાખંડનું બીજું નામ)ના રસ્તા ઉપર મેં 'ચાહ' પીધી. 

11.9.16

દુકાન ૩


મારું ઘર આણંદના સીમ વિસ્તારમાં છે. હજી કેટલાંક ખેતરો આસપાસ બાકી છે અને કેટલાંક પ્લોટ બની ગયા છે. કેટલાંક પ્લોટમાં ઘર વસી ગયાં છે, ક્યાંક મકાન ઉગી રહ્યાં છે. અમારી આવી ઉગતી સોસાયટીને નાકે એક ઘંટી અને દુકાન છે. તે દુકાને સામાજીક પ્રાણીઓ માટે તાત્કાલિક ઉપચાર જેવા આદું-મરચાં-વટાણા-દૂધ અને પડીકીઓ મળી રહે. પડીકીઓ સિવાયનું બધું મોટે ભાગે વાસી, ‘બગડેલું છે’ એ કેટેગરીમાં દુકાનદાર ના મુકે અને ખરીદદાર મુકે તેવું. તેવામાં તત્કાલે પણ સારું-સસ્તું અને નમતું તેમજ ભાવના તાલ સાથે જીભના સૂર મેળવવામાં રસ ધરાવતી ગૃહિણીઓને શાકની દુકાનની ખોટ સાલે.
એવામાં, મુખ્ય માર્ગને સમાંતર પણ અંદરના ભાગે ફંટાતી, બેય તરફની સોસાયટીઓ વડે ભીંસાતી, અમને આણંદ સાથે જોડતી અને હજી રોડ ના કહી શકાય એવી સવલતવાળી ગલીના એક નાકે શાકનો પથારો નજરે પડ્યો અને મારી આંખના લેન્સ આ ઘટનાની ફિલ્લમ માટે સજ્જ થયા.
પથારાની પેલી કોર બેઠેલા યુવાન કહી શકાય એવા શાક-વાળાને આ ધંધાનો અનુભવ નથી એમ દ્વિચક્રી વાહન પર અવરજવર દરમ્યાન થયેલી અલપઝલપમાં કળાયું. અનુભવ ના હોય પણ ‘શીખી લઈશ’ એવી આશા હોય અને ભીતર પડેલો કોઈ છેતરાયાનો અનુભવ કે વાત ડંખ માર્યા કરતાં હોય તેવો દ્વિધા મિશ્રિત ઉત્સાહવાળો ધ્વનિ જતાં-આવતાં મારા આતુર કાને પહોંચતો. એ તરફ નીકળવા વાહનને કીક મારતા પહેલાં મન એ શાકવાળા અંગે ઉત્સુક થઇ જવા લાગ્યું. એટલું જ નહી, તેની દુકાન જામી જાય એવી , રેશનલ હોવાથી દુવામાં ના માનનારું ચિત્ત, આશા સેવવા લાગ્યું.
એવામાં દીનાનાથે એક દિવસ મને તક આપી. શનિવારની મોડી સાંજે ‘આદું ખૂટી ગયું છે’ના એંધાણ મળ્યાં અને ટી-ચર એવા અમે આદું માટે વાહન પલાણ્યું. જો ગલીને નાકે ના મળે તો ચાહની તલપ સાથે થોડું વધુ આગળ જવું પડે. પણ, એમ થયું નહી. દુકાન તો નાની-નાની પ્લાસ્ટિકની કોથળીઓમાં સમેટાઈ ગયેલી પણ દુકાનના વિસ્તારનો દ્યોતક એવી ખાતરની થેલીઓની સાદડી વળાઈ નહોતી, ત્રાજવું અને ગલ્લો બહાર હતા અને હજી આ દુકાન જામી નહોતી.
એટલે, કોથળીઓ ફંફોસી આદું શોધાવું શરુ થયું. મેં તક ઝડપી. ટી.વી પર સમાચાર જોતી ના હોવાથી માનવસહજ ઉષ્માભર્યા લહેકે પૂછ્યું : કેવી ચાલે દુકાન ? “સારી હો!” (હજી આ વ્યક્તિ ધંધાધારી નથી થયો તેની સાબિતી ‘સારી’.) મેં મારી આશા-બને એટલી નિરપેક્ષતા સાથે વ્યક્ત કરતાં કહ્યું : શું લાગે છે, જામશે ને ? “હા, હો ! વેચાય છે.” ઉમળકાને ખાળી ના શકાતાં મારાથી બોલાઈ ગયું : આટલામાં આની ખુબ જરૂર છે.(તું હિંમત ના હારીશ ભાઈ!)
ખેતરોમાં મકાનો ઉગવા શરુ થયા પછી ખેડૂત જ નહીં, ખેતીકામ સાથે સંકળાયેલા કારીગરો એ પણ રોજીના વિકલ્પો શોધવા રહ્યાં. એવામાં કોકને ઘરને આંગણે આવી દુકાન ‘જડી’ જાય તો જીવને જરા સારું લાગે !
૨૦/૩/૧૬ 

દુકાન ૨

દુકાન -૨
લગભગ અગિયારસ હતી. ટી-બ્રેક દરમ્યાન બજારની ભીડ અંગે વાત ચાલતી હતી. તેવામાં અંત્યજ સમાજની સામાજિક પશ્ચાદભૂવાળા બહેને ઉમેર્યું : અત્યારે નાના-નાના પાથરણાવાળા બહુ હશે બજારમાં. આ પાંચ દિવસ તેઓ ધંધો કરી લે. પોલિસ પણ આંખ-આડા કાન કરી એમને બેસવા દે. સામાન્ય માણસના છોકરાં રાજી થાય એવી ચીજો મળી રહે. વર્ષના બીજા સમયે આવી અને આ ભાવે તે વસ્તુઓ ના મળે. 
ખાસ તો આ વાતની પ્રેરાયી હું બજારના કામ શોધીને નીકળી. આ વાત મારા અનુભવમાં નહોતી કેમકે હું મોટે ભાગે ભીડની ભાગેડું.
ખુરશી રિપેર કરાવવી હતી. હવે એ પ્રકારની, લોખંડનું માળખું અને અંદર પટ્ટીઓ ભરેલી હોય તેવી ખુરશીઓ એન-ડેન્જર કેટેગરીમાં આવી ગઈ છે. એટલે તેના રિપેરર પણ શોધવા પડે. આ રિપેરર દિવાળી આસપાસ જોવાં મળે એટલું મેં જરૂરિયાતના માર્યા ગઈ દિવાળીએ નોધ્યું’તું. તો, એ રિપેરર પાસે પહોંચી. અમારી વાતચીત ચાલતી હતી ત્યાં બાજુમાં રાજસ્થાની પિતા-પુત્રને આઘા-પાછા થતા જોયા. ફૂટપાથના તે હિસ્સામાં એક શાક વેચનાર શાકની ઢગલીઓ પાથરી ત્યાં લગભગ બે વર્ષથી બેસે છે. દિવાળી ટાણે ખુરશી રિપેરર હોય. રીટાયર્ડ પુરુષોએ બે-ત્રણ બેન્ચો નખાવીને પોતાની હદ પાકી કરી લીધેલ છે. જુદા-જુદા પાયાઓમાં ભરાવવાના રબ્બરીયા વેચનારા બે ઢગલીધારકો ય છે. થોડેક આગળ પાણીપુરી,સોડા,પાપડીનો લોટ...આવા સ્થાનિકો વચ્ચે પેલા અ-સ્થાનિક જગ્યા બનાવવા મથતા હતા. દિલમાં એક ધડકાર ઝડપી આવી ગયો : શું થશે ? તે પિતા-પુત્રની આખી કૌટુંબિક સ્થિતિની ફિલ્લમ ચિત્તના બેકગ્રાઉન્ડમાં ફ્લેશ મારી ગઈ’તી. જરૂર પડ્યે દખલ કરવી એમ મનમાં ઉગી ચૂક્યું’તું. પણ, એક આંખના એક ખૂણાને એ પિતા-પુત્ર તરફ ઠેરવેલ રાખી મેં ખુરશીચર્ચામાં ગૂંથાયેલા હોવાનું મન મનાવ્યું. ખુરશી રિપેરર આ પિતા-પુત્રથી થોડો નારાજ જણાતો હતો.(આની પાસે ખુરશી રિપેર કરાવાય ? બાલિશ છે તું ! ગયા ત્રણ વર્ષથી ખુરશીઓ રખડે છે.) નિવૃત્ત પુરૂષમંડળનું એમની તરફ ધ્યાન નહોતું. (હાઆઆઆશ.) પિતા-પુત્ર બે બાય બેનું સફેદ જાડું કપડું ક્યાં પાથરવું એ અંગે મોટેથી બોલ્યે જતા હતા. મોટેથી બોલવાનો હેતુ સ્થાનિકોની મંજુરીની મહોર મેળવવાનો હતો. તેવામાં શાક વેચનાર ભાઈ બોલ્યા : વહી બેસો. અવરજવર હે. તેના અવાજમાં દુધમાં તજના સ્વાદ જેવી તિખાશ હતી જે હું ગટગટાવી ગઈ ને રાજસ્થાની પિતાને તે અડી કે કેમ એ હું પારખી ના શકી. આ ઇનડાયરેકટ રજામંદીથી રાજી થયેલા પિતા એ “યે ઠીક હૈ” કહી ત્યાં પોતાનો સફેદ જાડો બે બાય બેનો કટકો ખુલ્લો કર્યો. મને જે ટાઢક થઇ ! હવે, હિંમત સાથે બંને આંખ લઇ એ પિતા-પુત્ર તરફ હું આખ્ખે આખી ફરી અને તેમનું પાથરણું પથરાય એ ઘટનાના સાક્ષી બનવાનું ઠેરવ્યું. એક બાળક પાથરી શકે એવા તે બે બાય બેના જાડા સફેદ કટકાને પાથરતા પહેલાં પિતા-પુત્રે જગ્યા સાફ કરી અને સલુકાઈથી ચાર હાથે પાથરણું પાથર્યુ. સાથેનું પોટલું હવે ખુલ્યું. તેમાં રંગબેરંગી ચમકદાર કપડાં દેખાયા. ફોટોજેનિક થપ્પો હતો. તેમાંથી એક પેકેટ ખોલી કપડું બહાર લવાયું. જોધપુરી જેકેટ !
દિવાળી પછીના દિવસોમાં આણંદ,વિદ્યાનગરમાં ફૂટપાથ પર આવા જેકેટ વેચનારા ચાર-પાંચ વ્યક્તિઓ જોવાં મળ્યાં. એ જોઈ સુખ અનુભવાતું. પેલા પિતા-પુત્રને તો અવારનવાર જોતી. એક દિવસ તો ભાવ પૂછવાને બહાને વાત કરી જ આવી એમની સાથે. મારા મનમાં શું છે એ તેઓને જણાવવું બિનજરૂરી હતું. લગ્નમાં કૂદતા કેટલાક જાનૈયાઓના ડીલે તેવાં જેકેટ જોઈ લગ્ન લેખે લાગ્યા જેટલો આનંદ થતો.
છેક ફેબ્રુઆરી સુધી તેઓ આ વિસ્તારમાં નજરે ચડતા રહ્યાં. દિવાળી ના સહી, એમના પરિવારોની હોળી અજવાળી રહેશે. સારું છે, રાજસ્થાનમાં હોળીનું મહત્વ વિશેષ છે !


૨૪/૩/૧૬ 

મોનોલોગ

સાવ ખોટી વાત!
ના,વાત ખોટી નથી. તને મારા વર્તનમાં એ વણાયેલી દેખાતી નથી એમ કહે.
સારું, એમ કહું કે, 'તું ખોટી છો' તો તારાથી સહન થશે?
સહનની વાત હાલ પૂરતી બાજુ પર રાખી કહું તો હું ખોટી હોઈ શકું,પણ એ મારો ઈરાદો નથી.
તું ઝૂઠ્ઠી છો.
બિલકુલ નહીં. હા, તું મને ડરપોક કહી શકે.
ડરપોક અને તું?
કેમ?
તારાથી ભલભલા ફફડે છે ને તું ડરપોક ? તારી આક્રમકતા વિશે તું અજાણ જણાય છે.
ના. હું જાણું છું કે હું આક્રમક છું અને ડરામણી પણ. એટલે હું ડરપોક નથી એમ કરતાં ડરપોક છું એમ સાબિત થાય. ન્યુટનની ગતિનો નિયમ પ્રમાણે.
હશે,તેનાથી પેલી વાત સાચી સાબિત નથી થતી.
તું એ વાતમાંથી મને, મારી છાપને ભૂસીને જુએ તો પણ ?
પણ, મેં એ વાત તારી પાસેથી તો જાણી.
હા,એ ખરું. પણ, એ વાત,વાક્યના શબ્દને તું છુટા પાડી દે અને શબ્દકોશમાં તેના અર્થ તપાસ. શું એ પછી પણ તે વાત ખોટી છે તેમ કહીશ?
શબ્દકોશમાં તો શબ્દના ઘણા અર્થ મળે, એકબીજાને આવરતી અર્ધપારદર્શક અર્થછાયાઓ મળે ને પરસ્પર વિરોધી ભાસતા અર્થો ય મળે.
છતાં, વાત-વાક્યના દરેક શબ્દના અર્થ શબ્દકોશમાં જો. તારી પસંદગીના અર્થથી શરૂઆત કર. દરેક શબ્દનો સમાનાર્થ એમ મૂક કે જેથી સાર્થક પદ, વાક્ય બને. ઉપરની વાતના આવા શક્ય તેટલા અર્થો શબ્દકોશનો ઉપયોગ કરીને લખ અને પછી કહે કે તે વાત ખોટી છે.
ઠીક. ... તું એમ કહે છે કે વાતમાંથી કર્તા કાઢી નાખું અને માત્ર ભાવ પકડુ?
તે સરસ પકડ્યું. હું એમ પણ કહેવા માંગું છું કે કર્તાને સ્થાને તું તને મુકીને પણ જો.
... કોઈ બાવો કે રાજકારણી કે લેખક કે વક્તા આવી વાતોથી લોકોને છેતરે તો પણ તું તારું આ મંતવ્ય પકડી રાખે ?
હા અને ના. ઈરાદાપૂર્વક બોલાયેલ-લખાયેલ વાત ગમે તેટલી સારી હોય તો ય એ ખોટું છે : એ કાર્ય ખોટું છે. વાત, વાતનો અર્થ ખોટા નથી.
લાગે છે આ બાબત એ લોકો અંદરખાને સમજે છે અને એટલે આવું બક્યા કરે છે.
કદાચ. સત્તા, કોઈ પણ પ્રકારની, નાની કે મોટી, સત્તા માટે ઈચ્છુક લોકો આ સત્ય સમજતા હોઈ પણ શકે. એ લોકોમાં લોકલાગણી અને લોકભાવના પારખવાની ગજબ આવડત હોય છે.
શાણા !
હા, એવું જ. એ લોકો આપણા કરતાં વધુ હકારાત્મક પણ હોય છે એમ મને લાગે છે. તેમને જાણે કે ખાતરી હોય છે કે કેટલાક માણસો કોઈ પણ સંજોગોમાં ભલાઈના કામ કરવાના.
એટલે ?
જો, તું એક સારી વાતને ખોટી કહેતી હતી કેમકે તેમાં તને કાર્ય કે વર્તનની નક્કરતા ના દેખાઈ. એમ છતાં, તું જ રાતે સુતા પહેલાં એવું કાંઈક કરવાની જેને સારું કે ભલું કહી શકાય. તું અત્યારે પણ સારપ અને ભલાઈના ઈરાદાથી વાત કરી રહી છો. ઈરાદો ય જવા દે, તું વગર વિચાર્યે આવું જ કરે. બસ, એ સત્તાપ્રેમીઓને આ વાતની ખબર છે.
આ બાબત સારી લાગે છે પણ, તેઓ પોતે જે કરે છે તે ખોટું છે અને એ ચલાવી લેવું મને ગમતું નથી.
શું નથી ગમતું ?
હંમ... શબ્દોનો દુરુપયોગ, લોકોની છેતરામણી, જુઠ.
ના ગમાડવા ઉપરાંત બીજું કઈ કરવા ધારે છે ?
વિરોધ !
તને યાદ દેવડાવું કે તું શબ્દોના ખેલાડીઓ સામે શબ્દોથી વિરોધ કરવાની વાત...
ભલે.પણ, એ કરવું મને જરૂરી લાગે છે.
બિલકુલ. હું તો માત્ર તને હકિકતનું ભાન કરાવું છું.
હંમ...
તને યાદ દેવડાવું કે જુઠાણાં સત્ય તરીકે ચાલી ગયાના ઐતિહાસિક દાખલા ય છે.
હા. પણ, જય સત્યનો થાય છે.
સાચે જ ?
તો વળી ? મોડો થાય પણ સત્યનો જ જય થાય.
તું વ્યાખ્યાઓ બોલે છે, તારી અનુભૂતિ નહીં. તેને જુઠ કહેવાય કે નહીં ?
...હું અજાણતાં બોલી.
તો ? તારી વાત મારે સાચી માનવી એમ ?
સત્ય એટલે શું?
તું કહે !
Conviction?
કદાચ !
જો એમ હોય તો તો પેલા સત્તાખોરોના સત્યનો ય જય થાય.
એમનું સત્ય શું ?
... સત્ય તરીકે પ્રચલિત વિધાનો બોલતા રહેવા. અથવા કેટલાક નરવા શબ્દો જેમ કે 'પ્રેમ', 'સહકાર' વગેરે વાપરી નવાં જુઠ ઘડી કાઢવાં. અને એ બધા વડે લોકોને ભોળવી સત્તા મેળવવી, ટકાવવી,વધારવી.
એમ જોતાં તો જુઠનો જય થયો જણાય છે. કેમકે, તે લોકો પાસે સત્તા 'છે'.
પણ, તેઓ એ વાપરેલા શબ્દો...
તટસ્થ હતા, નિર્જીવ યંત્ર જેવા.
તો શું કઈ પણ બોલવું, લખવું એ ખેલ છે માત્ર?
અને જેઓ પોતાની અનુભૂતિ કે દર્શન વ્યક્ત કરવા તેનો ઉપયોગ કરે તેમને માટે...?
અભિવ્યક્તિ !
અને તેનું માધ્યમ, બંન્ને.
આ તો કળાના દરેક માધ્યમને લાગુ પડે.
દરેક અભિવ્યક્તિ કળા જ તો છે !
અને બધે જુઠનો અવકાશ અને ક્યારેક જય પણ છે.
જુઠ એટલે?
કોઈ નૃત્યાંગી બરાબર નૃત્ય ના કરે, ચિત્રકાર બરાબર ના ચિતરે?
બરાબર એટલે ?
નિયમ પ્રમાણે.
પણ, ફેડરર બે પગ વચ્ચેથી ટેનિસના દડાને ફટકારે એ નિયમભંગ કહેવાય કે નહીં?
નિયમ પ્રમાણે નહીં, ઈરાદાની નેકીથી કરે તે કામ બરાબર. નિયમો તો તુટતા,બનતા રહે છે.
બરાબર. અને નેક ઈરાદો એટલે ?
એટલે, પોતાની આવડત મુજબ, કોઈને છેતર્યા વગર.
લેખક-વક્તા એમની આવડતથી જ લખે-બોલે છે જે તને હમણાં જૂઠ લાગતું હતું.
પણ એમનો ઈરાદો છેતરવાનો હતો ને!
એટલે ઈરાદો સત્ય-જૂઠ નક્કી કરે, એમ?
હા.
એટલેકે વાતની સચ્ચાઈ કે જુઠતા તેના બોલનાર/લખનાર પર આધારિત છે.
હા!
એટલેકે કર્તા પર.
હા.
તો સાચ-જૂઠ નક્કી કરવામાં વાચક/શ્રોતા, ભાવકની ભૂમિકા અવગણી શકાય ?
ના!
એટલે કે સત્ય...
વ્યક્તિનિષ્ઠ છે. તો...?
સત્યની સનાતનતા, જયનું શું , એમ ને ?
હંમ.
અને સારપ, ભલાઈ ?
સત્તાખોરોને ય એના પર ભરોસો છે.
એકદમ! અને સનાતન સત્યોની લોકઅસર પર પણ.
એટલે કે જૂઠ જીતે છે પણ સત્ય-સારપના ઓઠે.
બીલકુલ ! તો, જીતનું લક્ષ્ય તાકનાર કોણ ?
જુઠ.
અને હાર-જીતના દાયરા બહાર, માત્ર હોવા માટે હોય તે શું ?
વાહ! સત્ય,સારપ,ભલાઈ.
એટલે...?
સત્ય-સારપને હાર-જીતથી ફેર પડતો નથી.
એટલે કે તે અકારણ હોય છે.
એટલે કે સનાતન !
તો સત્યની જીત કરાવવા મથવાની જરૂર ખરી?
એ મથામણ કરવા કારણની જરૂર ખરી ?
સાચી વાત છે !
૩૦/૫/૧૬ 

પડછાયા

તારા લગી લંબાવેલ તાર પર
સપનાં સુકવું
યાદ તપાવું
હિંચુ
ચોટલો ગૂંથું 
એક ગીત રણઝણાવું
વહેતી મુકુ એક વાત
ચાહું તે કરું
લંબાવેલા તાર પર
તારા સુધી
હે સૂર્ય!
#6@¥4
૮/૮/૧૬ 

રત

યાદની આ આવડત સરસ છે,
ચાહતાંવેંત આવી મળે તરત તે !
કબીરાની ચાદરમાં મીરાંનું ભરત છે,
જાત જોઈ,જાતિ જોઈ, ભારત, પરત દે?
ભલે! આ વાત શબ્દની રમત છે.
દાવ લઈને રમવી, રાખી સરત, લે !
#6@¥4
11Aug-16

8.8.15

એક નજર :દ્રશ્યમ

ભારત ભાવનાઓનો દેશ છે.’ આ પહેલી વાર વાક્ય વાંચ્યું-સાંભળ્યું ત્યારથી તેને સમજવાનો પ્રયત્ન રહ્યો છે. મારો દ્રષ્ટિકોણ મોટે ભાગે કાર્ય-કારણ શૃંખલા આધારિત રહે છે અને એવી ક્ષણો પણ માણી શકું છું જ્યાં તેનો અભાવ હોય. પણ, ભાવુકતા મારા ચિત્તની વૃત્તિ નથી. એટલે, વિનોબાના અર્થઘટનોવાળી  ભારતની(ભાવમાં રત) વ્યાખ્યા ખુબ ગમતી હોવા છતાં તેના અર્થની શોધ જારી છે.
ફિલ્મોમાં ભારતીયતા ગમે છે અને મારા વર્તુળમાં તેના પર જેમની નજર જાય એવા ચંદ તત્વો પણ છે. ફિલ્મોની ભારતીયતા એટલે ‘મેરે પાસ માં હૈ.’ પ્રકારની નહી, પણ  વિરાસતમાં પરિવર્તન પછીના અનિલ કપુર અને તેને કોમ્પ્લીમેન્ટ કરતો ફિલ્મી સેટ. બાકી આપણી ફિલ્મો અંગ્રેજી માધ્યમ જેવી જ હોય છે, અંજાઈને કરાયેલ ઉઠાંતરી. વિરાસત ગોડ ફાધરની રિ-મેઇક હતી, અંજાયેલ નકલ નહી. ‘જોર લગાકે હઈસા’ના પીક્સલે પીક્સલમા ભારતરસની છોળો ઉછાળતી હતી.
અને તબુ, બિનભારતીય દેહ શૌષ્ઠવ ધરાવતી નખશિખ ભારતીય કળાકાર. આજે જેના કેફમાં આ લખાઈ રહ્યું છે તે ફિલ્મી જોડીની બીજી આવી જ અફલાતુન અદાકારીવાળી ફિલ્મ હતી તક્ષક. ભારતીય ગંધ જેમાં મંદ અગરબત્તીની જેમ હતી . દ્રશ્યમની વાત સવાલ-જવાબની રીતે માંડું.
પ્રશ્નયાદી :૧) ફિલ્મનું નામ સંસ્કૃત છાયાવાળું કેમ ? ૨) પોલીસની ભૂમિકામાં સ્ત્રી પાત્ર કેમ ? ૩) અજય દેવગનનું ચોક્કસ સામાજીક-શૈક્ષણિક સ્તર કેમ છે વાર્તામાં ?
જવાબો. જરૂરી નથી કે મારા જવાબો સાથે દિગ્દર્શક કે વાર્તાકાર સહમત હોય.
સ્ત્રી સમાનતાના વંટોળમાં સ્ત્રી-પુરુષના કુદરતી તફાવતને ઠેબે ચઢાવાય છે અને સ્ત્રીને પુરુષનું ચિત્ત  અને વૃત્તિઓ પહેરાવવામાં આવે છે. સમાનતા એટલે જેની જે આવડત છે તેને સારી-નરસી-ઉચ્ચ-નીચના ત્રાજવે તોલ્યા વગર તેની તે શૈલીને સ્વીકારી લેવી. સામાન્યત: કુટુંબ વ્યવસ્થામાં આવું સચવાઈ જતું હોય છે અને પતિ-પત્ની કે સ્ત્રી-પુરુષ અંગેના જોકમાં આ સ્વીકારનું પ્રતિબિંબ જોવાં મળે છે. આ વિધાનો વડે હું એમ જરાય કહેવા નથી માંગતી કે એક સ્ત્રી પોલીસ તરીકે યોગ્ય ફરજ ના બજાવી શકે. હું ઇંગિત કરવા ચાહું છું કે સ્ત્રી પૌરુષી વૃત્તિમાંથી વર્તતી હોય ત્યારે શું થાય. એમ પણ મનાય છે કે એક વ્યક્તિમાં પુરુષ-સ્ત્રી બંનેની છાંટ હોય છે, બસ, તેનું પ્રમાણ અલગ અલગ હોય. આ તબક્કે, તબુના પતિનું પાત્ર જે રીતે ઉપસાવ્યું છે તે નોંધવું રહ્યું. આ થયો પ્રશ્ન બેનો જવાબ.
ભણેલા સમુદાયમાં ‘ગામડિયા’ શબ્દનો અર્થ ‘ગામડાનો વતની’ એવો નથી કરાતો. કારીગરીમાં ગામડાની પશ્ચાદભુવાળા હાથ બેજોડ હોય છે. મારા ગામમાં ટેલીફોન યુગ પહેલાં, એક ઈલેક્ટ્રીશીયને બેંક મેનેજરના ટીવી રિમોટને સા.બુ.ને સહારે જીવતું કરી દેતાં બેંકનો સ્ટાફ અવાચક થઇ ગયો હતો. આવા પાસા વગરના હીરલાઓના તમે પણ સાક્ષી હશો. આ લીટીઓમાં સવાલ ત્રણના ઉત્તરના અંકોડા છે.
બાકી, જે મુખડાથી આ લખવું શરુ કર્યું તેમાં છે પ્રશ્ન એકનો જવાબ. કુટુંબ અને કુટુંબ વ્યવસ્થા ભારતીય સંસ્કૃતિનું અંગ ગણાય છે. માત્ર પિતા ના હોય તેને આપણે અનાથ નથી કહેતાં. નોંધપાત્ર સંખ્યામાં મેં એવા વિદ્યાર્થીઓને ભણાવ્યા છે, જેમના મા કે બાપ કે ક્યારેક બંને ના હોવા છતાં તેઓ અનાથ નથી બની ગયા.
ઉપરાંત, એક સુક્ષ્મ તાંતણો છે અંતિમ ભેદને દર્શકો આગળ રજુ કરવાની રીતનો. કથાકારે તે ભેદ બખૂબી, સુક્ષ્મ સ્તર જાળવીને રજુ કર્યો છે પણ કદાચ દર્શકોની ક્ષમતા પર વિશ્વાસ ના આવતાં, રોકડી અટકી ના જાય તે હેતુથી, કોન્ટ્રાક્ટરવાળું દ્રશ્ય ફરીથી બતાવીને તેને સ્થૂળતાથી દોહરાવ્યો.


આ તો મને આમ દેખાયું !