24.10.17

રંગરસ ૧

#રંગ 1

પીળો

લીલા શાકને હળદરનો ઓપ પ્રમાણમાં મળે તો લીલાશ તાજી થઇ જાય. પીળો રંગ ઓછી માત્રામાં બીજા રંગને ખીલાવે  છે, એટલો પોતે એકલો નથી ખીલતો. આછો પીળો કમળાનો આભાસ કરાવે. પોસ્ટકાર્ડ હોય કે દિવાલ, આછા પીળાને અડીને પાછો ફરતો પ્રકાશ માંદલો થઇ જાય. એનામાં સેપિયાની યાદ નથી જડતી. એની ધૂંધમાં ભૂરી શાહી અને ભૂખરો પડછાયો ઉઘડતા નથી.

સરસવનો પીળો થનગનતો અને લીંબુ પીળો રસઝરતો છે. પિત્તળની ઘરેલુ નક્કરતા સામે સોનેરી પીળો નરમ સ્નેહી લાગે. રંગીન સાંજના ઢળ્યા પછી ચમકી જતી સોનેરી ક્ષણ મોહક છે , તો વૈશાખ-જેઠની બપોર પોતાના તાપથી ત્રસ્ત સૂરજનો ઢોળ છે.

એકલો પીળો પંજરાક છેલબટાઉ કે ઉદ્દન્ડ ગણી લેવાયો છે. તેની ભભકને સભ્ય બનાવવા બહુધા લીલા કે વાદળી કે પછી લાલ કે કેસરી સાથે તેની જોડ બનાવાય છે.

પણ, રંગોની આભાને પલટાતા અટકાવવી હોય તો, પશ્ચાદભૂ પીળી, આછી પીળી જોઈએ.
યુરોપના ખાણીયા ધુમ્મસ વચ્ચે વાન ગોગનું સુરજમુખી ખીલ્યું. સુરજથી દૂર વસતા એ પ્રદેશને વાર લાગી અંજાતા. કે પછી આંજેલી મેંશ સાફ કરતાં. સૂર્યથી સંસ્કારિત ભારતવર્ષે તેના પુરૂષોત્તમને પીતાંબર પહેરાવ્યું.

પીળો તાર સપ્તકનો અંતિમ 'સા' છે, વગડાઉ સ્વતંત્રતાનો ઉલ્લાસ છે, નગરની સુંવાળી સભ્યતાનો વિરોધ છે. પાનખરમાં ખખડતા પાન ભૂખરા બનતાં પહેલાં પીળાશ અપનાવે, જાણે દિવાની બુઝાતી જ્યોતનું અંતિમ નૃત્ય.શું પીળો કોઈ અંતિમનો દ્યોતક છે ?

પીળો બોલકો છે, ટોળાનું તરત ધ્યાન ખેંચે. એટલે વાયર કે પાઇપમાં તે અનિવાર્ય ઠર્યો અને ઈમોજીમાં ય ચમક્યો છે. મોજીલી ના હોય તેવી લાગણી વ્યક્ત કરવા લાલલીલાભુરાનો ટેકો લેવો પડે.

'પીળક,સુઘરી અને ફુલસુંઘણીને પીળો શોભાવે છે કે પીળાને તેઓ ?' એમ પૂછી ચિંતનમાં રમવું એ પીળાનો સ્વભાવ નહીં. એ તો પડે કાં પ્રતાડે.


#withCU 

No comments: