29.11.20

૧.૩ સિતારા સુધીની સીડી

ચૅલકોલિથીક- ઍન્ટોલિયન મેદાની પ્રદેશની આ વસાહતમાં તમારું સ્વાગત છે.
લગભગ નવ હજાર વર્ષ પહેલાંના આ પહેલા વહેલા શહેરમાં એટલા માણસો એક સાથે હતા, જેટલા એક વખતે આખા આફ્રિકામાં હતા.
ત્યારે 'શહેર રચના' એટલો તો નવો વિચાર હતો કે ના તેમાં કોઈ ગલી હતી કે ના બારી. 
ઘરમાં પ્રવેશ ધાબેથી થતો.
બારી, ગલી કે પ્રવેશદ્વારો કરતાંય મહત્વની એક બાબત ચૅલકોલિથીકમાં ન હતી.
મહેલ.
ખેતીની શોધે માનવ સભ્યતાને માથે જે દેવું ચઢાવ્યું હતું, તે ચૂકવવું હજી બાકી હતું.
મોટાભાગના લોકો પર મુઠ્ઠીભર લોકો શાશન કરે તેવી વ્યવસ્થા હજી અહીં સ્થપાઈ ન હતી.
બાકીના બધા રઝળતા હોય અને એક ટકા લોકો સંપતિની છોળમાં નહાતા હોય એવું હજી શરું થયું ન હતું.
અહીં જીવેલા સ્ત્રીઓ, પુરુષો અને બાળકોના ફોરેન્સિક એનાલિસિસથી ખબર પડી છે કે તે બધાનો ખોરાક એકસરખો હતો.
વહેંચીને ખાવાની શિકારી-વિણનારાઓની રીતભાત હજી તેમના જીવનનો હિસ્સો હતી.
ચૅલકોલિથીક સમતાવાદી હતા.

છટ્, એકધારાપણું!

અહીં બધા એકસરખા ઘરમાં રહેતા હતા.
બેડરૂમ, મુખ્ય ઓરડો અને રસોડું.
ઑબ્સિડીઅન કહેવાતો કાચ, જ્વાળામુખીની પેદાશ.
ઑરોક્સ*નું માથું.
ચૅલકોલિથીકના રહેવાસી શણગારના શૉખીન હતા.
તેમનાં ઘર પ્રાણીઓનાં દાંત, હાડકાં અને ચામડીથી શોભાયમાન હતાં.
૧,૦૦,૦૦૦ વર્ષ પહેલાં આપણા પૂર્વજોએ જેને આફ્રિકામાંથી ઉપાડેલો તે ઑરોક્સ હવે ચૅલકોલિથીક ઘરોમાં પ્રચલિત આર્ટ પીસ હતો.
અને પેલા ગેરુ રંગનું અહીં વિશેષ ઉપયોજન હતું.
તેમણે તેનો ઉપયોગ એક સાવ જ નવા કળા સ્વરૂપ માટે કર્યો : નકશો.
માણસજાતે પહેલીવાર તેમની સ્થળ-કાળની સ્થિતિની દ્વિપરિમાણીય પ્રતિકૃતિ બનાવી.
"પેલા જ્વાળામુખીના સંદર્ભે મારુ ઘર અહિયાં છે."
તેમાં ઉમેરાઈ કેટલી જાદુઈ લીટીઓ અને તે કલાકારે 9000 વર્ષ દૂર સંદેશો મોકલ્યો : 'જ્યારે જવાળામુખી ફાટ્યો ત્યારે હું અહીંયા હતો.'
ચૅલકોલિથીકના પ્રયોગો સફળ રહ્યા અને થોડાક હજાર વર્ષના ગાળામાં જ બધે શહેરો થઈ ગયા.

એક જગ્યાએ જુદા જુદા પ્રકારના લોકો ભેગા થાય ત્યારે વિચારોનું આદાન-પ્રદાન થાય અને નવી શક્યતાઓ સર્જાય.
શહેર એક જાતનું મગજ છે, નવા વિચારો સર્જનાર અને તેના પર પ્રક્રિયા કરનાર.
સત્તરમી સદીના એમ્સ્ટરડેમમાં જૂની અને નવી દુનિયાના લોકો એવી રીતે ભળ્યા, જે રીતે તેઓ અગાઉ ક્યારેય નહોતા મળ્યા. અને ત્યાં અગાઉ ક્યારેય ન હોય તેવી વૈચારિક સ્વતંત્રતા હતી.
આ પરિસ્થિતિએ વિજ્ઞાન અને કલા માટે સુવર્ણયુગ સર્જ્યો.
ઈટાલીમાં જિઓર્ડાનો બ્રુનોએ બીજી દુનિયાઓના અસ્તિત્વની જાહેરાત કરેલી. તે બદલ તેને સજા થયેલી.
ફક્ત 50 વર્ષ પછી, હોલેન્ડમાં ક્રિશ્ચયાન હ્યુજેને તેવી જ ધારણાઓ રજૂ કરી, તો તેના પર સન્માનોનો વરસાદ કરવામાં આવ્યો.

તે યુગનો કેન્દ્રવર્તી વિષય હતો પ્રકાશ.
માનવજાતની જિજ્ઞાસાને છુટ્ટો દોર મળ્યો અને તેથી પ્રાપ્ત થયેલ જ્ઞાનના પ્રકાશથી યુરોપના લોકોએ યુરોપ જ નહીં, પૃથ્વીના અજાણ્યા વિસ્તાર ઉપર નજર માંડી.
તે સમયના, ખાસ કરીને વેરમિરના ચિત્રોમાં પ્રકાશની રંગત જોવા મળે છે.

વૈજ્ઞાનિક જીજ્ઞાસાના વિષય તરીકે પણ 'પ્રકાશ' છવાઈ રહેલો.
તંતોતંત વણાયેલા વસ્ત્રના તાર ગણવા માટે કાપડના વેપારીઓ પેઢીઓથી લેન્સ વાપરતા હતા.
તે સમયે ઍમ્સ્ટરડૅમમાં રહેતા ત્રણ માણસોને પ્રકાશ માટેનું તેમનું ઝનૂન પેલા પ્રાચીન સાધનને તદ્દન નવા રસ્તે વાપરવા દોરી ગયું.
કાપડના વેપારીઓના લેન્સને તેમણે એવા પદાર્થની ઝીણવટથી તપાસ કરવામાં વાપર્યો, જે અગાઉ કોઈએ વિચાર્યું નહોતું.
નવી દુનિયા શોધવાની અને તેમાં ઊંડા ઊતરવાની તે એક બારી, નાનું મોટું થઈ શકે તેવું બાકોરું બની ગયો.

ઍન્ટોની વૅલ લેઈવનહૉકે એક સાદા લેન્સનો ઉપયોગ કરી પાણીના એક ટીપામાં ધબકતી સૂક્ષ્મ જીવ સૃષ્ટિ ઉજાગર કરી.
તેના મિત્ર,ક્રિશ્ચયાન હ્યુજેને બે સાદા લેન્સનો ઉપયોગ કરીને તારાઓ ગ્રહો અને ચંદ્રને એટલા નજીક લાવી દીધા કે તેમના લક્ષણો જોઈ શકાય.
તેણે જ ચંદ્રના સૌથી મોટા ગ્રહ, ટાઈટનની શોધ કરી.
બ્રુનોની જેમ હ્યુજેન માનતો હતો કે તારાઓ એ સૂર્ય છે અને તેમની ફરતે ગ્રહો અને ચંદ્રનાં બનેલાં આગવાં મંડળ છે.
તો પછી, પવિત્ર ગ્રંથોમાં બીજી દુનિયાઓ અને ત્યાં જીવતા જીવોનો કોઈ ઉલ્લેખ કેમ નથી?
નવજાગૃતિના નેતાઓના હૃદય અને મગજમાં આવા પ્રશ્નોએ જે ઉથલપાથલ મચાવી, તેનો ફક્ત એક માણસે જ માથું ઉચકીને સામનો કર્યો.
તે વળી પ્રકાશનો એક નવો જાદુગર હતો.

બૅરૉક સ્પિનોઝા તેના કિશોર કાળમાં એમ્સ્ટરડેમની જ્યુઈશ સમિતિનો સભ્ય હતો.
પણ, વીસીમાં પ્રવેશતાં તેણે ઈશ્વરની નવી ઝાંખી વિશે જાહેરમાં બોલવું શરૂ કર્યું.
સ્પિનોઝાના ઈશ્વર હતા બ્રહ્માંડના ભૌતિક નિયમો.
અને તેનો પવિત્ર ગ્રંથ હતો કુદરત.
એમ્સ્ટરડેમના મોટાભાગના જ્યુ સ્પેન અને પોર્ટુગલથી આવેલા વિસ્થાપિતો હતા; જ્યાં તેઓ પર ત્રાસ થયેલો અને તેમના સગાં- વહાલાઓની હત્યા થયેલી. એમ્સ્ટર્ડમમાં જ્યુને આશરો મળેલો અને તેઓને લાગ્યું કે સ્પિનોઝાના આત્યંતિક વિચારો તેમને માંડ મળેલી સુરક્ષા સામે ખતરો ઉભો કરશે.
તેમણે આ યુવાન ક્રાંતિકારીને નાત બહાર કર્યો, કાયમ માટે.
સ્પિનોઝાએ તેમની સજાનો આદરથી, પણ જરા સરખી શરણાગતિ વગર સ્વીકાર કર્યો.
તે નજીકના ડૅન હૅખ (The Hague) શહેરમાં જતો રહ્યો.
જ્યાં તેણે પોતાના સાહસને આગળ ધપાવ્યું. તેણે લખ્યું કે બાઈબલ કોઈ ઈશ્વરે નથી લખાવ્યું, તે માણસોનું લખાણ છે.
તેણે લખ્યું, "ચમત્કારોમાં ઈશ્વરને ના શોધો. ચમત્કાર કુદરતના કાનૂનનું ઉલ્લંઘન છે. તે નિયમોના અભ્યાસથી ઈશ્વરને પામી શકાય છે."

સ્પિનોઝાને ખબર હતી કે હૉલેન્ડનાય વિચાર સ્વાતંત્ર્યની સીમાઓ તે વટોળી રહ્યો છે.
તેને લાગતું કે રાજ્યનો કોઈ ધર્મ હોય એ તો વ્યક્તિગત જબરજસ્તી કરતાંય ખતરનાક છે. ધર્મોમાં સ્વિકારાયેલી ચમત્કારિક ઘટનાઓને તે સુગઠિત અંધશ્રદ્ધા માનતો. તે કહેતો કે આવી જાદુઈ વિચારસરણી ભવિષ્યના મુક્ત, તાર્કિક સમાજ માટે જોખમ છે. રાજ્ય વ્યવસ્થા અને ચર્ચ છૂટા ના પડે ત્યાં સુધી લોકશાહી શક્ય નથી.

તેણે લખેલ પુસ્તકમાંના વિચાર અમેરિકન અને બીજી કેટલીક ક્રાંતિના બીજ બન્યા.
ત્યારે પણ, આજની જેમ જ એવા લોકો હતા જેઓ સ્પિનોઝાએ બતાવેલા ઈશ્વરની ઝલકથી કાંપતા હતા.
સ્પિનોઝા ઈશ્વર વિશેના તેના ક્રાંતિકારી વિચારો લખતો જ રહ્યો, તેની તિરછી ટોપીને સન્માનની જેમ પહેરીને.
44મે વર્ષે તે મૃત્યુ પામ્યો; આર્થિક ઉપાર્જન માટે સૂક્ષ્મ દર્શક યંત્ર અને ટૅલિસ્કોપના કાચ બનાવતાં તેના ઝીણા રેણું શ્વાસમાં લીધા કરવાના કારણે.

સ્પિનોઝાના દર્શનની અસરોના આદર તરીકે તેની કાચ ઘસવાની ઓરડી સાચવી રાખવામાં આવી છે.  250 વર્ષ પછી, પ્રકાશ માટે સ્પિનોઝા જેવી જ ઝનૂન ધરાવતી એક વ્યક્તિ તે ઓરડીના દર્શનાર્થે પહોંચી.
આલ્બર્ટ આઈન્સ્ટાઈને કહ્યું, "હું સ્પિનોઝાના ઈશ્વરને માનું છું, જે અસ્તિત્વના અંશોમાં ઐક્ય તરીકે વ્યક્ત થાય છે."

કુદરતના કાનૂન વિશેની આપણી સમજ સ્પિનોઝા કરતાં, આઈન્સ્ટાઈનની કલ્પના કરતાંય અનેકગણી વધી છે.
પણ, કુદરતનો એક નિયમ છે જે આપણી પકડમાં આવતો નથી.
###

*ઑરોક્સ -સૌથી પહેલાં પાળવા શરું થયેલા પ્રાણીઓમાંનો, યુરેશિયન બળદ

ભાગ ર : https://interact-6aya.blogspot.com/2020/11/blog-post_22.html

28.11.20

વાર્તા કહેવાની કળા _કૃષ્ણ કુમાર


બાળકોને વાર્તા કહેવી  સાચે જ એક કળા છે. આવો, તેના પાસાં ઝીણવટથી જોઈએ

ઘણા દુઃખની વાત છે કે આપણી પ્રાથમિક શાળાઓના પહેલા બે ધોરણમાં વાર્તા કહેવા માટે દરરોજ અલગથી ઘંટ વાગતો નથી. આવી વ્યવસ્થા હોત તો બાળકોને શાળામાં ટકાવી રાખવાની સમસ્યા અમુક હદ સુધી તો ઉકલી જાત. ઘણા લોકોને લાગશે કે બાળકોની ગેરહાજરીની સમસ્યા કેટલી ગંભીર છે તે હું સમજતો નથી. મારું ઉક્ત સુચન સાંભળી ઉચ્ચ અધિકારીઓ કટાક્ષ ભર્યુંસ્મિત કરે તેની સંભાવનાય ઘણી વધારે છે. તેમના બહોળા અનુભવ અને વહીવટી જ્ઞાને તેમના મગજમાંથી એ સમજ ધોઈ નાખી છે, જે મારી સમજ મુજબ તેમની પાસે એક વખતે હશે, તે એ કે વાર્તા સાંભળવાની બાળકો પર જાદુઈ અસર થાય છે.

દુઃખની વાત એ પણ છે કે આપણી શિક્ષક તાલીમ સંસ્થાઓ વાર્તા કહેવાની વાતને ગંભીરતાથી લેતી નથી. જોકે, તેમાંથી કેટલીક પોતાના પાઠ્યક્રમમાં વાર્તા સંભળાવવાના મહત્વનો ઉલ્લેખ જરૂર કરે છે. 

નાના બાળકોને ભણાવવાવાળા દરેક શિક્ષક પાસે એવી અપેક્ષા રાખવામાં આવે કે તેમના અધિકારમાં ઓછામાં ઓછી ૩૦ પારંપરિક વાર્તાઓ હોય -એવા એક દિવસની કલ્પના મારા મનમાં રમે છે. 'અધિકાર' શબ્દ દ્વારા હું એમ કહેવા માગું છું કે કે વાર્તાઓ શિક્ષકને એટલી સારી રીતે યાદ હોય કે તેઓ પૂરા આત્મવિશ્વાસ અને નિરાંતથી વાર્તાઓ કહી શકે. હજારો વાર્તાઓની પુરાતન પરંપરા ધરાવતા સમાજ માટે આ કઈ બહુ મોટી વાત નથી. 30 વાર્તા, જે શિક્ષક જ્યારે ઈચ્છે ત્યારે કહી શકે, પ્રાથમિક શાળાના પહેલા બે ધોરણનું વાતાવરણ બદલી નાખશે. શરત એટલી કે રોજિંદા પાઠ્યક્રમ-સમયપત્રકમાં વાર્તા કહેવાની વાતને એક સન્માન પૂર્ણ સ્થાન આપવામાં આવે. તે એટલા માટે કે વાર્તા કહેવી એ બાબત જ તેની રીતે અત્યંત મહત્વની છે.

વાર્તાઓ લાવવી ક્યાંથી?
પાછલા ફકરામાં મેં એક વિશેષણ વાપર્યુ હતું, આગળ વધતા પહેલાં, તેના વિશે સ્પષ્ટતા કરવા માંગુ છું. મેં લખ્યું કે હું પરંપરાગત વાર્તાઓના પક્ષમાં છું. યુવાન શિક્ષકોને વાર્તા કહેવાની તાલીમ આપવાનો મારો અનુભવ કહે છે કે તેઓને વાર્તા શોધી લાવવાનું સૂચન કરવામાં આવે ત્યારે તેઓ મોટેભાગે વર્તમાન પત્રોમાં કે બાળ સામયિકોમાં છપાયેલી વાર્તાઓ લઈને આવે છે. કેટલાક વળી કોમિક્સ, લાંબા જોક્સ કે પછી વાસ્તવિક ઘટનાઓના વર્ણનને ગોખી કાઢે છે. એ સાચું કે આ પ્રકારની સામગ્રીને 'વાર્તા' ગણવામાં આવે છે. પરંતુ, આ પ્રકારની વાર્તાઓ પ્રાથમિક શાળામાં ભણતા છ કે સાત વર્ષના બાળકો પર જાદુઈ અસર કરે તેવી આશા આપણે રાખી શકીએ નહીં.

પરંપરાએ આપેલી વાર્તાઓમાં કેટલીક એવી વિશેષતાઓ હોય છે, જે સમકાલીન વાર્તાઓમાં -જે આપણે જુદા જુદા માધ્યમમાં જુદા જુદા સ્વરૂપે જોઈએ છીએ- સકારણ નથી હોતી. તે વિશેષતાઓની આપણે ચર્ચા કરવાના જ છીએ. પણ, તે પહેલાં હું પરંપરાગત વાર્તાઓના કેટલાક સ્ત્રોતોનો ઉલ્લેખ કરવા ઈચ્છું છું. સૌથી પહેલાં પંચતંત્ર, જાતક, મહાભારત, સહસ્ત્ર રજની ચરિત્ર, વિક્રમાદિત્યની વાર્તાઓ અને જુદા જુદા પ્રદેશોની લોકકથાઓને સહજ અને સમૃદ્ધ સ્ત્રોત ગણી શકાય. તે પછી કથાસરિતસાગર, ગુલિસ્તાં અને બોસ્તાની વાર્તાઓ અને દુનિયાભરની લોકકથાઓને સ્થાન આપી શકાય. આ સ્ત્રોતો સરળતાથી ઉપલબ્ધ નથી. આથી, જે કોઈ વાર્તા કથનને રોજના પાઠ્યક્રમમાં નિયમિત તાસ બનાવવા ઈચ્છતું હોય, તેણે આ તમામ સ્ત્રોતોમાંથી પસંદ કરેલી વાર્તાઓનું એક સંકલિત પુસ્તક બનાવવું પડે.

કહેવા લાયક વાર્તા :
એક સારી વાર્તામાં કઈ વિશેષતાઓ હોય છે તે જાણવાનો સૌથી સહેલો રસ્તો છે- જેને એક પછી એક ઘણી પેઢીના બાળકોએ આનંદપૂર્વક સાંભળી હોય એક તેવી એક વાર્તાનું વિશ્લેષણ કરવું. પંચતંત્રની સિંહ અને સસલાની વાર્તા આવું જ એક ઉદાહરણ છે. આપણે તેનાથી એટલા બધા પરિચિત છીએ કે આપણને તેનું કથાનક સહેલું લાગે છે. આવો, પહેલાં આપણે તે વાર્તાનો એક વળાંક યાદ કરીએ.

વાર્તામાં એક દિવસ એવો આવે છે જ્યારે નાનકડા સસલાએ ઘરડા સિંહ આગળ હાજર થવાનું થાય છે. સિંહના દરવાજા સુધી પહોંચવામાં સસલો એટલું બધું મોડું કર્યું છે કે ભૂખનો માર્યો સિંહ ભારે અકળાયેલો છે. આ ક્ષણ મહત્વની છે અને તે સમયે સિંહ સાથે કોઈ પણ પ્રકારની વાટાઘાટ શક્ય નથી; કેમકે સિંહ ભયંકર ગુસ્સામાં છે. છતાં, આવી તદ્દન અયોગ્ય પળે પણ સસલું પોતાને કેમ મોડું થયું તે વાત મૂકે છે. રસ્તામાં બીજો એક સિંહ મળ્યો તે વાત તદ્દન ખોટી છે. તેમ છતાં, ભૂખ્યા, ચિઢાયેલા સિંહના રાજાશાહી મગજમાં એ વાત બેસી જાય છે. હવે પહેલાં તો તે પોતાના હરીફને ઠેકાણે પાડવા ઈચ્છે છે અને એટલા માટે તે સસલા સાથે કૂવે જવા નીકળી પડે છે. આ બીજી નિર્ણાયક પળ છે. ત્યારે સસલું પોતાના જુઠ અને સિંહના અભિમાન અને ઈર્ષ્યા- કે જે તેણે જ જગાડ્યા છે- પર વિશ્વાસ રાખી આગળ વધે છે. કૂવામાં પોતાનું પ્રતિબિંબ જોઈ સિંહ ભાન ભૂલે છે અને કૂદીને મરી જાય છે. 

આવો, આ જુની, પરિચિત વાર્તાને વધારે ઝીણવટથી જોઈએ. પહેલી વાત તો એ કે આ વાર્તાના વિષયવસ્તુમાં કોઈ ઉપદેશ નથી. તેને બદલે આ વાર્તા સ્પષ્ટ રીતે કેટલાક ગંભીર પ્રશ્નો સામે ઝઝૂમે છે: જેમકે, કોઈ પાશવી તાકાતની સામે કે મોત સામે હોય તેવી સ્થિતિમાં પોતાને કેવી રીતે બચાવવું. બાળકો સાથે વાત કરતી વખતે, મોટેભાગે આપણે આવા પ્રશ્નોની વાત કરતા નથી. જો કે બાળકોને આવા પ્રશ્નોમાં ઊંડો રસ હોય છે. આપણને સવાલ થાય કે બાળકોના આ રસનું કારણ શું? પણ, તે બાબતે હું પાછળથી વાત કરીશ. દરમ્યાન, હું આ વાર્તાની બીજી એક મોટી વિશેષતા પર ધ્યાન દોરવા માંગું છું - આ વાર્તા એક એવા નાનકડા પ્રાણીની છે, જે એક મોટા, શક્તિશાળી પ્રાણીએ ઊભી કરેલી મુશ્કેલી સામે ઝઝૂમી રહ્યું છે. તે મુશ્કેલીમાંથી રસ્તો કાઢવા તે નાનકડું પ્રાણી એક એવી રીત અપનાવે છે, જેને સામાન્ય રીતે આપણે અનૈતિક ગણીએ.

તે રીત આચરી રહેલું સસલું, સારા વ્યક્તિત્વના કેટલાક ઉમદા ગુણોનું ઉદાહરણ રજૂ કરે છે. તે ગુણો છે : સાહસ, મુશ્કેલીની ઘડીએ આત્મવિશ્વાસ, કોઈ ઘટનાની અંતિમ પળ સુધી પોતાનું મગજ ઠંડુ રાખવાની ક્ષમતા અને પોતાનાથી વધારે તાકાત અને ઉંમર વાળી વ્યક્તિ સામે યોગ્ય વર્તન કરવું.

આ વાર્તા કેટલી ઝડપથી આગળ વધે છે તે પણ આપણે નોંધવું જોઈએ. શરૂઆતમાં એક વિચિત્ર નિયમનો અમલ જોવા મળે છે, જેમાં રોજ એક પ્રાણી સ્વેચ્છાએ ઘરડા રાજાનો શિકાર થાય. આ પ્રકારની દૈનિક વ્યવસ્થા ગોઠવાયાના થોડાક જ સમયમાં સસલાનો વારો આવે છે અને વાર્તાનો મુખ્ય ભાગ પ્રગટ થાય છે. તે પછીની ઘટના ખૂબ જ ઝડપથી ઘટે છે, કારણ કે પોતાને બચાવવાની એક ખતરનાક રણનીતિ નક્કી કરી લીધા પછી સસલાને એક પણ ક્ષણ બગાડવી પોસાય નહીં. વાર્તા સાંભળનાર, સંવાદો દ્વારા એક પછી બીજી સ્થિતિમાં ધક્કો ખાતાં ખાતાં આગળ વધે છે. અહીં, સાંભળનાર પાસે આખી ઘટના સસલાની દ્રષ્ટિએ જોવા સિવાયનો વિકલ્પ રહેતો નથી. 

ટૂંકમાં કરેલું આ વિશ્લેષણ તે કારણોને ઓળખવા માટે પૂરતું છે, જે કારણે આ વાર્તા બાળકોમાં અત્યંત લોકપ્રિય બની છે. સૌથી પહેલી વાત તો એ કે આ વાર્તા તેમને એક એવો નાયક- હીરો આપે છે, જેની સાથે તેઓ તાદાત્મ્ય અનુભવી શકે છે. તે હીરો છે સસલું. વાર્તામાં સસલું એવા પડકાર અને મુશ્કેલીઓમાંથી પસાર થાય છે, જેવી બાળકો પોતાના દૈનિક જીવનમાં અવારનવાર અનુભવતા હોય છે. સસલું નાનું અને અશક્ત છે, તેણે એક એવું ભારે કામ કરવાનું છે, જે તે કરવા માગતું નથી. તેને એક એવા પ્રાણીનો શિકાર થવાનો ડર છે, જેની પાસે સંપૂર્ણ સત્તા અને શારીરિક તાકાત પણ છે. સસલાની પરિસ્થિતિના આ પાસાઓ દરેક બાળકની જિંદગીના પાસાઓ સાથે મળતા આવે છે. જોકે, માતા-પિતા કે શિક્ષકની ભૂમિકા ભજવવામાં ખોવાયેલા આપણે આ બધું જોઈ શકતાં નથી. ઉદાહરણ તરીકે, ઘણા ઓછા લોકો જાણે છે કે બાળકોમાં ચિંતા ઉભી કરનારા મુખ્ય કારણોમાંનું એક છે અચાનક થનારા મૃત્યુનો ડર.

શરૂ થતાની સાથે જ આ વાર્તા બાળકોનું ધ્યાન એટલા માટે આકર્ષિત કરે છે, કે બાળકો પોતાને તે વાર્તામાં જોઈ શકે છે. તે પછી વાર્તામાં આવતી ઘટનાઓને કારણે તેનું આકર્ષણ ઘૂંટાતું જાય છે. નાનકડું સસલું એક રણનીતિ ઘડે છે અને તે સફળ પણ નિવડે છે. સસલાની ચતુરાઈ ફક્ત તેના પોતાના માટે જ નહીં, પણ બધાની એક સમસ્યાનો કાયમી ઉકેલ લાવી દે છે. નાના બાળકોને આવા જ ઉકેલ ગમતા હોય છે. સસલાની રણનીતિ પ્રત્યે બાળકોના આકર્ષણનું એક કારણ છે કે બાળકોમાં જોવા મળતી નિર્દોષ, ભોળી ઈચ્છા -બહાનું કાઢવાની ઈચ્છા -તે રણનીતિમાં પડઘાય છે; મોડું પહોંચવા બદલ સસલું બહાનું બનાવી કાઢે છે. બીજું એક આકર્ષણ એ પણ છે કે તેનો હેતું ફક્ત પોતાનો જીવ બચાવવાનો જ નહીં, સિંહને મારવાનો પણ છે. હકીકતમાં, સસલાની દુવિધા એટલા માટે આકરી છે કે એક અન્યાયીને મારી નાખ્યા વગર તે પોતાને બચાવી શકવાનું નથી. આમ, મુશ્કેલીમાંથી પાર ઉતરવાનું જબરજસ્ત નાટયતત્વ રજુ કરવા માટે આ વાર્તા બહાદુરીપૂર્વક કરેલા નાશનો ઉપયોગ કરે છે. આમાં જો કોઈ નૈતિકતા છે, તો તે એ કે આત્મરક્ષા જ નૈતિકતા છે. આ વાત પણ આપણે ત્યારે જ જોઈ શકીએ જ્યારે આ વાર્તા બાળકોની નજરે જોઈએ. આપણે જો વડીલોની નજરે આ વાર્તા જોવાની જીદ રાખીશું, તો એવા તારણ પર પહોંચીશું કે આ એક અનૈતિક વાર્તા છે, જેવી તે ખરેખર છે પણ ખરી.

જરૂર શું છે? :
અત્યાર સુધીમાં તમને એટલું તો સ્પષ્ટ થયું હશે કે, એક સારી વાર્તા સાંભળતી વખતે બાળકોને નૈતિક-અનૈતિક શિક્ષણ સાથે સંબંધ હોતો નથી અથવા સીધો સંબંધ હોતો નથી. વધુ ઊંડાણપૂર્વક જોઈએ તો સસલુ અને સિંહની વાર્તા એક પ્રેરક વાત પણ છે. આ વાર્તા જણાવે છે કે મુશ્કેલીના સમયે મગજ ઠંડુ રાખવાથી શું ફાયદો થાય. આ વાર્તા એમ પણ દર્શાવે છે કે વિચાર, બુદ્ધિ અને કલ્પનાનો ઉપયોગ કેટલો મહત્વનો છે. પણ, આ વાતો પારંપરિક અર્થમાં નૈતિક શિક્ષણ કહી શકાય નહીં. હકીકતમાં, મહાન પરંપરાગત વાર્તાઓ રૂઢિગત અર્થમાં ભાગ્યે જ નૈતિક શિક્ષણ આપતી હશે. આપણે એ વાત ધ્યાનમાં લેવી જરૂરી છે કે વાર્તા સંભળાવવાનો હેતુ બાળકોનો નૈતિક વિકાસ કરવો એ નથી. વાર્તા સાંભળવાથી થતા લાભ જરા જુદા પ્રકારના છે અને તે આમ છે :

વાર્તાઓ સારી રીતે સાંભળવાની ક્ષમતાનો વિકાસ કરે છે : 
સારો શ્રોતા કોણ? તે, જે છેલ્લે સુધી સાંભળે. મોટાભાગના લોકો વિશે આપણે આવું કહી શકીએ એમ નથી. ત્યાં સુધી કે, ઔપચારિક દલીલો દરમ્યાન પણ લોકો એકબીજાને ટોકતા રહે છે. તેનું કારણ એ, કે ટોકનારાને એમ માનવાની ટેવ હોય છે કે સામેવાળી વ્યક્તિ શું બોલશે તે તેમને પહેલેથી ખબર છે. બીજું એક કારણ એ કે તેમનામાં સાંભળવાની ધીરજ હોતી નથી. નવાઈ ના લાગવી જોઈએ, કે સાંભળવું એ હવે કૌશલ જ નહીં, એક વલણ માનવામાં આવે છે; જેને પ્રોત્સાહિત કરવા માટે ઉચ્ચ સ્તરીય મેનેજરીયલ અને વહીવટને લગતા કોર્ષ શરૂ થઈ ગયા છે. વાર્તા સાંભળતાં જતાં જ્યારે સાંભળવું અને તેને લગતાં વલણ આપણી ટેવ બની જાય, ત્યારે જિંદગીના નિર્ણાયક તબક્કે ધીરજપૂર્વક સાંભળવાની ક્ષમતા વિકસિત થાય છે.

આ વાત થોડી વિચિત્ર છે કે આપણા દેશમાં, જ્યાં સક્ષમ મૌખિક પરંપરા ઘણો લાંબો સમય ચાલી, ચાલતી રહી; સારા શ્રોતા દુર્લભ થતા જાય છે. મારું માનવું છે કે આ પરિસ્થિતિનો સંબંધ બાળપણમાં થયેલી વાર્તાની ઉપેક્ષા સાથે છે. એમ લાગે છે કે આધુનિક ભારત પાસે બાળકોને નિયમિતપણે વાર્તા કહેવાનો સમય નથી. તે ચૂકનું પરિણામ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

વાર્તા સાંભળવાથી અનુમાન લગાવવાની કેળવણી મળે છે :
બાળકો પોતાને ગમતી વાર્તા વારંવાર સાંભળવા ઈચ્છે છે. કારણકે, એકવાર વાર્તાનો પરિચય થઈ જાય તે પછી ધ્યાનપૂર્વક વાર્તા સાંભળવાની પોતાની વધી રહેલી ક્ષમતાની ચકાસણી કરવા બાળકો તે પરિચયનો ઉપયોગ કરે છે. સ્વાભાવિક છે કે આ ચકાસણી અજાણતા થાય છે. વાર્તા બીજી કે ત્રીજી વાર સાંભળતી વખતે આગળ શું થશે તે વિશે પોતે સાચો અંદાજ લગાવી શકે છે તે જોવાથી બાળકોને આનંદ થાય છે. પોતાનો અંદાજ સાચો પડ્યાનો આનંદ જ એ ઈનામ છે, જે વાર્તા સાંભળતી વખતે એક અનુભવી શ્રોતા મેળવે છે. અને તે ફક્ત આનંદ જ નથી, તેનાથી વાર્તા સાંભળનાર બાળકનો પોતાની અંદાજ લગાવવાની ક્ષમતા પર વિશ્વાસ વધે છે. બાળકના સર્વાંગીણ વિકાસમાં આવા વિશ્વાસની ઘણી મોટી ભૂમિકા છે, ખાસ તો વાંચન ક્ષમતાના વિકાસ માટે. વાંચન ક્ષમતા એ શાળાના પહેલા બે ધોરણો માટેનો સૌથી મોટો પડકાર છે. સાક્ષરતા અને વાંચન વિકાસમાં અંદાજ લગાવવાની ક્ષમતાના ફાળાની વિસ્તૃત ચર્ચા મેં મારા પુસ્તક 'બચ્ચે કી ભાષા ઔર અધ્યાપક' -માં કરેલી છે

અંદાજ લગાવવાની ક્ષમતાનું મહત્વ બીજા વિષયો, ખાસ તો ગણિત અને વિજ્ઞાનમાં પણ છે. નિયમનો ઉપયોગ કરી સમસ્યાનો ઉકેલ કાઢવાનું ગણિતમાં સૈદ્ધાંતિક મહત્વ છે. વાર્તાઓમાં પણ નિયમ હોય છે, ફેર એટલો જ કે તે નિયમો રૂપકો તરીકે હોય છે ઉદાહરણ તરીકે, નાનું પ્રાણી ચાલાકી કરીને, મોટા પ્રાણીને છેતરીને વિજય પ્રાપ્ત કરે તે નિયમ ઘણી વાર્તાઓમાં જોવા મળે છે. સસલું અને સિંહની વાર્તામાં પણ એમ જ થાય છે. વાર્તાઓ સાંભળતા સાંભળતા બાળકો તેમાં રહેલા નિયમ પકડી પાડે છે અને આ પકડ જ તેમની અંદાજ લગાવવાની ક્ષમતાની ધાર કાઢે છે.

વાર્તા આપણી દુનિયા વિસ્તારે છે :
હું એ દુનિયાની વાત કરું છું જે આપણે આપણા માથા અથવા દિમાગમાં લઈને ચાલીએ છીએ. વાર્તા તે દુનિયાને એ અર્થમાં વિસ્તાર છે કે તેમના દ્વારા આપણે એવા લોકો અને પરિસ્થિતિઓને ઓળખી શકીએ છીએ, જેમની સાથે આપણે ક્યારેય જોડાવાનું થવાનું નથી. 

પ્રશ્ન એ છે, કે આવા લોકો અને સ્થિતિઓને જાણવાનો ફાયદો શું? ફાયદો એ કે તે જીવનના અંગ છે. તે બધું ભલે આપણે વ્યક્તિગત રૂપે જાણતા ન હોઈએ, પણ તે આપણને માનસિકરૂપે હેરાન કરે જ છે -ખાસ કરીને બાળપણમાં- અને આ હેરાનગતિ એક રીતે જીવનભર ચાલે છે. ઉદાહરણ તરીકે, નાના બાળકો ખરાબ લોકો વિશે ઘણી ચિંતા કરતા હોય છે. ભલેને તેમની આજુબાજુ કોઈ બહુ ખરાબ વ્યક્તિ ના હોય! આમ, તેઓ અંદરખાને એવી આશા રાખતા હોય છે કે તેમને કોઈ ખૂબ હોશિયાર, સુંદર અને સારા વ્યક્તિને મળવાની તક મળે. કલ્પના અને ભયંકર મુશ્કેલીનો ડર, આ બંને આદર્શ રીતે બાળ મનોવિજ્ઞાનનો હિસ્સો છે. પારંપરિક વાર્તાઓ આ મનોવિજ્ઞાનને જ વ્યક્ત કરે છે અને તેથી જ એવી વાર્તાઓ બાળકોને સરળતાથી આકર્ષે છે. વાર્તા સાંભળવાથી નાનું બાળક, જે હજી સાક્ષર પણ નથી બન્યું, પોતાની વાસ્તવિક દુનિયા કરતાં ઘણી મોટી દુનિયાનો કાલ્પનિક અનુભવ લઈ શકે છે.

વાર્તાના સંદર્ભમાં ઉપર લખેલી ચારેય વાત વાંચનને પણ લાગુ પડે છે. ભાષામાં રહેલા નિયમો અને ભાષાની સંરચનાઓ સાથે બાળકોનો પરિચય વાંચન કરાવે છે. સારું વાંચન એ હોશિયારી પૂર્વક અંદાજ લગાવવાની આદત પર આધારિત છે. ભાષાના નિયમોથી પરિચિત થયા પછી બાળકો અંદાજ લગાવી લે છે કે વાક્ય અથવા સંવાદમાં આગળ શું થશે. આ દ્રષ્ટિએ, વાર્તા સંભળાવવી બાળકોને સાક્ષર બનાવવા માટે ઉપયોગી છે.

વાર્તા કહેવાની આવડત : 
વાર્તા કહેવાની કળા પર અધિકાર મેળવવા ઈચ્છુક વ્યક્તિ માટે જરૂરી છે કે તે પોતાની સ્મૃતિને ગંભીરતાથી લે. કહેવાવાળાને જો વાર્તા બરાબર યાદ નહીં હોય, તો તે સારામાં સારી વાર્તાની પણ વાટ લગાડી શકે છે. યાદ રાખી લેવાથી આત્મવિશ્વાસ વધે છે અને વાર્તા કહેવાવાળી વ્યક્તિ નિરાંત અનુભવે છે. શ્રોતાઓ સાથે સંબંધ બનાવવા માટે નિરાંત અથવા શાંતિ ખૂબ જરૂરી છે. બીજી વાત એ કે જ્યારે વાર્તા બરાબર યાદ હોય ત્યારે કહેનાર તેનો ઉપયોગ એક માળખા અથવા નકશા તરીકે કરી શકે છે.

આ માળખાનો ઉપયોગ શ્રોતાઓના મૂડ પ્રમાણે વાર્તામાં રંગ ભરવા થઈ શકે છે. વાર્તાને લાંબી કે ટૂંકી કરવી તે પણ અગત્યનો મુદ્દો છે. કોઈ દિવસ તમે ઈચ્છો કે સસલું સિંહ સામે ઊભું છે તે મુદ્દા પર તમે ખૂબ જ ઝડપથી પહોંચી જાવ. બીજા કોઈ દિવસે તમારી ઈચ્છા હોય કે વાર્તાના પહેલા ભાગને લંબાવો અને ભૂખ્યા સિંહના મનમાં કેવા- કેવા વિચાર આવી રહ્યા હશે, સિંહની ગુફા તરફ જઈ રહેલ સસલું કેવી -કેવી યોજના બનાવી રહ્યું હશે, વગેરે વિશે વિસ્તૃત ચર્ચા કરો. 

વાર્તામાં આવતા સંવાદમાં ઘણા વિકલ્પ રહેલા છે. તમે ઈચ્છો તો નાટકીય રીતે બે પ્રકારના અવાજમાં બોલીને ઈશારા અથવા મુદ્રાઓ દ્વારા સંવાદ રજૂ કરી શકો. સંવાદને જીવંત બનાવવા માટે તમે કઠપુતળીનો ઉપયોગ કરી શકો. વર્ગના એક ખૂણેથી બીજા એક ખૂણે ચાલીને તમે બંને પાત્રોને ભૂમિકા નિભાવી શકો. આ બધી શક્યતાઓ રોમાંચક છે અને તે આપણને પડકાર ફેંકે છે કે આપણે એક જ વાર્તાને દર વર્ષે અથવા એક જ વર્ષમાં ઘણી બધી વાર નવી નવી રીતે કહીને પોતાનું સામર્થ્ય વધારતા જઈએ.

જે શિક્ષકની જિંદગીમાં વાર્તાકથન સામેલ છે, તેનું જીવન ક્યારેય કંટાળાજનક હોઈ ન શકે. વાર્તાને રોજની ઘટના બનાવવા માટે પ્રાથમિક શાળાઓના પાઠ્યક્રમ વિશેની આપણી ધારણાઓને ગંભીરતાપૂર્વક બદલીએ.

_ કૃષ્ણકુમાર : પ્રસિદ્ધ શિક્ષણવિદ્ અને લેખક, શિક્ષણના મુદ્દા ઉપર સતત ચિંતન અને લેખન, 'રાજ, સમાજ ઔર શિક્ષા', 'બચ્ચે કી ભાષા ઔર અધ્યાપક' વગેરે તેમની પ્રસિદ્ધ રચનાઓ છે.

22.11.20

૧.૨. સિતારા સુધીની સીડી

સમયનો વ્યાપ સમજવાનો કોઈ રસ્તો ખરો?
બ્રહ્માંડના જન્મ થી શરૂ કરીને આ ક્ષણ સુધીના સમયગાળાને સંકોરીને આપણે એક વર્ષનું કલેન્ડર બનાવી કાઢ્યું છે.

તેના પ્રમાણ માપ મુજબ દરેક મહિનો એટલે લગભગ સો કરોડ કરતાં થોડાક વધારે વર્ષ.
દરેક દિવસ એટલે લગભગ ૪૦૦ લાખ વર્ષ.

આપણી વાર્તા આપણી આ નાનકડી દુનિયાના બીજા સજીવો સાથે જ શરૂ થાય છે.
પૃથ્વી પરના પ્રત્યેક સજીવની મા એક છે.
લગભગ ૪૦૦ કરોડ વર્ષ પહેલાં, 15મી સપ્ટેમ્બરે મહાસાગરના ઉંડાણના અંધારામાં તે ઘટના ઘટી.
આજનું નાનકડા એક કોષી જીવતંત્રમાં એક જાતનો રાસાયણિક દાદર હતો, ડબલ હૅલિક્સ, DNA.

તારકરજ.
ઓક્સિજન, કાર્બન, નાઇટ્રોજન...

સુદૂર પ્રાચીનતમ તારાઓના ગર્ભમાં તત્વો રંધાયા, બિગ બેંગ વખતના હાઈડ્રોજન સહિત, આપણી આ નાનકડી દુનિયા ધબકાવવા.

આકસ્મિક ફેરફારો અને સંકરિત થતાં જનીનો જેવી ઘટનાઓમાંથી કેટલીક ઘટનાઓ જીવ સ્વરૂપો નિપજાવવામાં સફળ રહી, જેને આપણે કુદરતની પસંદગી આધારિત ઉત્ક્રાંતિ કહીએ છીએ.

સીડી લંબાતી ગઈ, વધુને વધુ પગથિયાં ઉમેરતી ગઈ.

આજે આપણે નરી આંખે જોઈ શકીએ છીએ તેવા પ્રાણીઓ અને વનસ્પતિ જેટલા સંકુલ જીવ સ્વરૂપો ઉત્ક્રાંત કરવામાં જીવનને બીજા 300 કરોડ વર્ષ થયાં.

આપણા કોસ્મિક કેલેન્ડરમાં રજા રાખીએ તો 26મી ડિસેમ્બર તેમાંનો એક દિવસ થાય.
લગભગ 2000 લાખ વર્ષ પહેલાં પહેલો સ્તનધારી ઉત્ક્રાંત થયો.
તેમની સાથે પૃથ્વી પરના જીવનને મળ્યું એક નવું લક્ષણ- નીઓકૉર્ટેક્સ.
ટ્રિઆસીક* સમયગાળા દરમિયાન આ પ્રકારની પ્રજાતિ માટે ટકવાની તકો ઘણી ઓછી હતી. પરંતુ, પાછળથી પૃથ્વીની બીજી પ્રજાતિઓના કાળ એવા ડાયનોસોર લુપ્ત થયા.
નાનકડા, સંતાતા ફરતા સજીવોમાં ઉત્ક્રાંત થયેલા નીઓકૉર્ટેક્સને કારણે જ તેમના વંશજો વાનસ્પતિક જીવન રીત છોડી આગળ વધી શક્યા.

સ્તનધારીઓ બીજુ એક લક્ષણ પણ લાવ્યા જેનાથી આપણે સૌ પરિચિત છીએ.
તેમણે તેમના બાળકોને ધવડાવ્યા.
તેમણે બાળકોને પોષ્યા.
અને પ્રેમ કેળવાયો.
કોસ્મિક કેલેન્ડરનો મધર્સ ડે.

કુદરતી પસંદગી દ્વારા ઉત્ક્રાંતિ એટલે જે સજીવો વાતાવરણ સાથે સારું અનુકૂલન સાધી શકે તેઓ અને તેમના બાળકોની ટકી જવાની શક્યતા વધારે.
કુદરતની પસંદગીમાં બુદ્ધિ એક મોટો વિશેષાધિકાર બની, ખાસ ફાયદો.

ફક્ત ૧૩ પરમાણુ વડે ઘટેલી એક ઘટનાને કારણે વનસ્પતિનું નસીબ કાયમ માટે પલટાઈ ગયું.
13 પરમાણુ કેટલા નાના હોય?
મીઠાના એક કણના 1,00,00,00,00,00,00,000મા ભાગ જેટલા.

આપણા કોઈ એક જ પૂર્વજના જનીનમાં સંકરણ- મ્યુટેશન થયું.
આપણા આત્મવિશ્વાસનો દરેક સ્ત્રોત, આપણે જે કંઈ શીખ્યા, જે કંઈ રચ્યું તે બધાનું મૂળ અહીં છે.
એક જનીનની સંરચનાત્મક જોડ.
તેના કારણે નીઓકૉર્ટેક્સ વધુને વધુ મોટું થતું જાય અને પોતાનામાં જ વળ ખાતું જાય તેવું પ્રોગ્રામિંગ શક્ય બન્યું.
કદાચ બ્રહ્માંડિય વિકિરણોની એક ચિનગારી અથવા વિભાજન પછી જૂના કોષની નવા કોષને જનીન આપતી વખતે થયેલી સામાન્ય ચૂક.
તે જે હોય તે, તેના કારણે આપણી પ્રજાતિમાં એક એવો ફેરફાર થયો જેની અસર આપણા પર જ નહીં, પૃથ્વી પરના તમામ સજીવો પર થઈ.

આ ઘટના બની આપણા કોસ્મિક કેલેન્ડરના નવા વર્ષની સંધ્યાએ.

સારું કે નરસું, તે બાજુએ રાખીએ તો, મોટા સમૂહો સાથે જોડાવાની અને તેમના પ્રત્યે વફાદાર રહેવાની, ચોક્કસ વિચાર ધારા પ્રત્યે આપણી ઘેલછા, ભવિષ્યની કલ્પના કરવાની આપણી શક્તિ, દુનિયાને બદલી નાખવાની આપણી તાકાત અને આપણી જિજ્ઞાસાના જવાબો શોધવા બ્રહ્માંડમાં ખાંખાખોળા કરવાની આપણી જીદ. . .
અને જેનો લેટિન અર્થ થાય 'સમજુ માણસ' થાય એવું આપણે આપણી પ્રજાતિને આપેલું વૈજ્ઞાનિક નામ -હોમો સેપિયન, તે બધું આપણી ઝીણકડી જનીન સીડીના એક પગથિયા પરથી ઉંચકાયું છે.

કોસ્મિક કૅલેન્ડરના છેલ્લા કલાકની છેલ્લ મિનીટે આપણા પૂર્વજો નાનકડા જૂથમાં રહેતા શિકારી અને વીણનારા હતા.

'માનવી માનવ થાય તોય ઘણું.' એમ લોકો બોલે છે ત્યારે મને જરાક નવાઈ લાગે છે.
સામાન્ય રીતે, તેઓ આપણી લાલસા, ઉપેક્ષા અને હિંસાની વાત કરતા હોય છે.
પણ, આપણને માણસ થયે તો માંડ અમુક સો હજાર વર્ષ થયાં.
વળી, આ સમયગાળા દરમિયાન આપણે એવા ન હતા.
આ વાત કઈ રીતે ખબર પડી?

હજી પણ ટકી ગયેલા શિકારી- ભટકતા જૂથોની જીવનશૈલી વિશે પુરાતત્વવિદો અને સંશોધકોએ એકઠી કરેલી માહિતી પરથી.
બેશક તેમાં અપવાદ છે, ખાસ કરીને આત્યંતિક દુષ્કાળના સંજોગોમાં.
પણ, તે સિવાયની માહિતીનો ખડકલો એક એવા માણસનું ચિત્ર રજૂ કરે છે જે બીજા માણસો સાથે અને પર્યાવરણ સાથે સંવાદિતામાં જીવ્યો હતો.
આપણી પાસે થોડું ઘણું જે કાંઈ હતું તે આપણે અંદરોઅંદર વહેંચ્યું, કારણકે આપણું ટકવું આપણા સામુહિક જોડાણ પર ટકેલું હતું.
આપણી જરૂરિયાતો કરતાં વધારે આપણે ભેગું કરતા ન હતા. કારણકે સતત ભટકતા જીવનમાં તે બોજ બનતું.
પ્રભાવ સ્થાપવા દાદાગીરી કરતા આલ્ફા મેલ- આક્રમક પુરુષની પરંપરાવાળા આપણા ચોપગા પૂર્વજોથી આપણે ખાસ અલગ ન હતા.

અને ઈશ્વર ક્યાં હતો?
બધે જ.

કાંકરા અને નદીઓમાં, વૃક્ષોમાં, પક્ષીઓમાં, બધા સજીવ સ્વરૂપમાં.
આવો હતો માણસનો સ્વભાવ, શરૂઆતના અમુક સો હજાર વર્ષ સુધી.

આફ્રિકાના દક્ષિણ છેડે ઊભો રહી હું વિચારું છું કે, તે સો હજાર વર્ષ દરમ્યાન અહીં બધું કેવું હશે?

ત્યારે પૃથ્વી પરના તમામ હોમોસેપિયન્સનું ઘર હતું આફ્રિકા.
તમામ 10, 000 જણનું.
તે સમયે જો તમે એલીયન તરીકે પૃથ્વીની મુલાકાતે આવો તો તમને લાગે કે માણસ લુપ્ત થવાને આરે આવેલી પ્રજાતિ છે.
થોડાક સમયમાં આપણે સો લાખ થઈ ગયા.

શું થયું?
આપણે કેવી રીતે પૃથ્વીની મજ્જા, અવકાશ યાત્રા કરતી પ્રજાતિ બન્યા?

પૃથ્વીની સૌથી પહેલી પ્રયોગશાળામાં તમારુ સ્વાગત છે.
આપણા પૂર્વજો અહીં લોખંડ અને ગેરુથી સમૃદ્ધ ખનિજ તત્ત્વો સાથે રાસાયણિક પ્રયોગો કરી રહેલા.
તેમણે પોતાની વસ્તુઓ લાલ રંગથી સજાવી. બને કે તેમણે ગેરુના બીજા ઉપયોગો પણ કર્યા હોય. જેમકે, પ્રાણી માંસ સાચવવા, દવા તરીકે, હથિયારોની અણી કાઢવા કે પછી જીવાત ભગાડવા.
તેમણે કેટલાક પ્રતીકો સ્વરૂપે ગેરુ અંકિત કર્યો.

પૃથ્વી પર તદ્દન નવી બાબત આવી- કળા.
ના ખોરાક.
ના રહેઠાણ.
પણ કશુંક સંજ્ઞિત કરનાર.
અથવા એમ જ.
તે ચિત્ર કોઈ સીડી અથવા અંદરો અંદર ગૂંથાયેલી બે સીડી- ડબલ હેલિક્સ જેવું લાગે છે. 
તે જે હોય તે, તે માનવ સભ્યતાની સૌથી જૂની કલાકૃતિ છે.

બ્લોમ્બોસ ગુફામાં આપણે મેળવી એક મહાન શક્તિની સાબિતી પડી છે.લગભગ ૧૦,૦૦૦ થી ૧૨,૦૦૦ વર્ષ પહેલા માણસોએ એક ભવ્ય તાકાત શોધી.
ખોરાક માટે ભટકવાનું છોડી આપણે ખેતી કરવાનું શીખ્યા.
તેને કારણે બધું જ બદલાઈ ગયું.
અગાઉ ક્યારેય ના કર્યું હોય તેવું કશુંક આપણા પૂર્વજોએ કર્યું.
છોડ રોપવા, વાઢવા, જમીનમાંથી ખેંચી કાઢવા આપણા પૂર્વજોએ નવા સાધનો અને તકનીકો શોધ્યાં.
તેઓ સ્થિર અને 'ઘર'વાળા થયા.
તે સાથે કુદરત અને એકબીજા સાથેનો આપણો સંબંધ અગાઉ જેવો નહોતો રહેવાનો.
પ્રાણીઓ અને વનસ્પતિઓને પાળવાં, તે બધી જ ક્રાંતિઓની જનેતા છે, કારણકે બધાં મૂળ અહીં રોપાયા.
તેની અસરો ખૂબ લાંબા સમય સુધી, છેક આપણા સમય સુધી વર્તાવાની હતી.
મોટાભાગની ક્રાંતિઓની જેમ આ ક્રાંતિ પણ ફેરફારો લાવી -ખૂબ મોટા અને ડરામણા.
દુનિયામાં એક નવી સંકલ્પના જન્મી- ઘર.
આ ગ્રહ પરનો જમીનનો એક ચોક્કસ ટુકડો, જેના પર આપણો કોઈ પૂર્વજ અને પછી આપણે જન્મ્યા અને જીવ્યા.
લગભગ 7000 વર્ષ પહેલાં આ વસાહતો ઘણી મોટી થઈ.
ચૅલકોલિથીક* - ઍન્ટોલિયન મેદાની પ્રદેશની આ વસાહતમાં તમારું સ્વાગત છે.

###

*2510 લાખથી 1990લાખ વર્ષ પહેલાંનો સમયગાળો. જેના અંત ભાગમાં ડાયનોસોરનું સામુહિક નિકંદન નીકળી ગયું.

*ચૅલકોલિથીક- પથ્થરયુગ અને ધાતુ યુગ વચ્ચેનો સંક્રાંત ગાળો, તેને લગતા પુરાતત્વીય અવશેષો મળી આવેલ છે તે સ્થળ

*ઍન્ટોલિયન પ્રદેશ- હાલના તુર્કનો વિસ્તાર


ભાગ-૧: https://interact-6aya.blogspot.com/2020/11/blog-post.html

15.11.20

૧.૧. સિતારા સુધીની સીડી

આપણે શિકારી, પશુપાલક હતા.
ચારે બાજુ વાડ હતી.
આપણે ફક્ત જમીન, મહાસાગરો અને આકાશથી બંધાયેલા હતા.
ખુલ્લો રસ્તો હજીય આપણને વિસરાયેલા બાળગીતની જેમ બોલાવે છે. પછડાટ અને હાર, બધી મર્યાદાઓ અને અણઆવડતો છતાં આપણે મહાનતાને લાયક છીએ.
એક વારની રખડું આપણી પ્રજાતિ આવતી સદીના અંત સુધીમાં કેટલે દૂર પહોંચશે?
અને આવનારા હજાર વર્ષમાં?
બ્રહ્માંડ દરિયાના કિનારે તમારું ફરીથી સ્વાગત છે.

જેની મોટાભાગની હજી ખેડાયા વગરની છે, તે સ્થળ-કાળની વિશાળતા ગહન છે. 
વિજ્ઞાને ભાળેલી દુનિયાઓની ઝાંખી કરવા આપણે જઈ રહ્યા છીએ.
ધરતીની નીચે પથરાયેલી સબંધોની ગોઠવણની આપણે મુલાકાત લઈશું, જેના અસ્તિત્વ વિષે કોઈને ખબર ન હતી.

હું તમને પહેલાં મિલનની વાર્તા કહેવા જઈ રહ્યો છું.
આપણે ભયંકર સાહસી માણસોને મળીશું.

તારાઓમાં ઘર બનાવી બેઠેલા આપણા ઘણા દૂરના સગાને મળવા આપણે ઉપલબ્ધ ભવિષ્યમાં યાત્રા કરીશું, .

વિજ્ઞાન આપણને વિશાળતાનીયે પાર લઈ જઈ શકે છે.
પણ, કલ્પના વગર આપણે ક્યાંય ના જઈ શકીએ.
આપણી કલ્પના શીપ બે ઈંધણથી પેટાયેલી છે, શંકા અને આશ્ચર્ય.
વિજ્ઞાને નક્કી કરેલા સાવ સાદા નિયમોથી તે સંચાલિત છે, જે તેને શક્તિશાળી બનાવે છે.
પ્રયોગો અને નિરીક્ષણ વડે વિચારોને તપાસો.
તેમાં ખરા ઉતરે તે વિચારોને લઈ આગળ વધો.
કસોટીમાં નાપાસ થાય તે વિચાર છોડી દો.
સાબિતીઓ જ્યાં લઈ જાય ત્યાં જાઓ.
અને બધ્ધે પ્રશ્ન પૂછો.
આટલા નિયમ હ્રદયમાં કોતરી લો અને બ્રહ્માંડ તમારું છે.
ચાલો, મારી સાથે.

આજની યાત્રામાં આપણે ખૂબ દૂરની આકાશગંગાએ જઈ રહ્યા છીએ.
અને આપણે જાણીશું કે એક પ્રજાતિ તરીકે આપણે બ્રહ્માંડના ખોજી કઈ રીતે બન્યા.
નાસાનું વોયેજર વન.
૧૯૭૭માં છોડાયેલું, માનવ હાથોએ બનાવેલું, સૌથી દૂર પહોંચેલું સાધન.
છેલ્લે આપણે તેને મળ્યા તે પછી તેણે લાંબી મજલ કાપી છે, લગભગ ૨૪ કરોડ કિલોમીટર.
વૉયેજર આપણી દૂધ ગંગાના બીજા ભાગ તરફ જઈ રહ્યું છે, આપણી મંઝીલ તેથી અલગ, વધારે દુર છે.

બ્રહ્માંડનો દરિયો સમયસ્થળનો બનેલો છે.
સમય બદલ્યા વગર આપણે જગ્યા બદલી શકતા નથી.
આપણે સો કરોડ પ્રકાશવર્ષથીય વધારે દૂર જવાનું છે.

તેથી, આપણે સો કરોડ વર્ષ જેટલા ભૂતકાળમાં પણ યાત્રા કરવાની થશે. એક એવી ભયાવહ ઘટનામાં જેણે સમયને પણ રગદોળી નાખેલો.

મંઝીલની નજીક પહોંચી ગયા આપણે : બે મહાકાય તારાઓ પોતાનામાં જ ફસડાઈ પડતાં બે શ્યામ વિવર જનમ્યા.
તે ઘડીથી, લગભગ સો કરોડ વર્ષથી, તેઓ એકબીજા ફરતે ગુરુત્વાકર્ષી નૃત્ય કરી રહ્યા છે.
આપણે તેનું અંતિમ દ્રશ્ય જોવા આવ્યા છીએ.
જ્યારે તે બંને અથડાશે ત્યારે તેઓ સ્થળ-કાળની સુનામી ઊભી કરશે જે બધી દિશાઓના અવકાશને ખેંચશે અને દાબશે.
અને, સમયની ઝડપ વધારતાં પહેલાં તે તેને ધીમો પાડશે.
તે સમયને વધુ ધીમો પાડશે.
સો કરોડ પ્રકાશ વર્ષ દૂરના અવકાશને તે બધી દિશામાં ખેંચશે અને દાબશે. ગુરુત્વાકર્ષણ અને ધીમો પડતો સમય, સ્થળકાળની સુનામી સર્જાશે.
સો કરોડ પ્રકાશવર્ષ સુધીના અવકાશને તે બધી દિશાએથી ખેંચશે અને દાબશે.

સો કરોડ પ્રકાશવર્ષ દૂર બનતી ઘટના સાથે આપણી સાથે શું લેવાદેવા?

સ્થળકાળ ભેદીને દ્રવ્ય તરંગો પ્રસરાવી શકે છે તેવું સમજનારા આલ્બર્ટ આઈન્સ્ટાઈન પહેલા હતા.
તેમણે ધારણા કરી હતી કે દ્રવ્યમાં થતા ભયાવહ ધડાકા સામાન્ય તરંગ નહીં, ખૂબ મોટાં મોજાં, ગુરુત્વાકર્ષી તરંગ સર્જી શકે છે.

તમે મને તમારા ડિવાઈસ પર સાંભળી-વાંચી શકો છો કારણ કે આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગપટને અનુકૂળ રીતે કાબુમાં રાખવાનું શીખી ગયા છીએ.
ઈલેક્ટ્રોમેગ્નેટિક તરંગોની જેમ જ જો આપણે ગુરુત્વાકર્ષી તરંગો પર સવારી કરતા શીખી જઈએ તો. . . ?
અત્યારે આ વાત એટલી જ અશક્ય લાગે છે, જેટલી 19મી સદીમાં ઈલેક્ટ્રિસિટી પર કામ કરી રહેલા વૈજ્ઞાનિકોને વિદ્યુતચુંબકિય તરંગો પર લગામ લગાવવાની વાત લાગતી હતી.

કોસ્મોલોજીસ્ટ્સ શ્યામ વિવરની હાજરીની ઘોષણા કરી ચૂકેલા.
ગુરુત્વાકર્ષી તરંગો એ બ્લેક હોલના અસ્તિત્વની પહેલી, સીધી સાબિતી છે.
બને કે તે તરંગો બ્રહ્માંડને જાણવા અને ખોજવાના નવા વિકલ્પો પણ આપે.

મહાન અંધારિયા મહાસાગરની ભીતર ઉતરવા વિજ્ઞાને ઘડી કાઢેલી બીજી ઈન્દ્રિયો સાથે પણ તેને જોડી શકાય : જાતભાતનો પ્રકાશ- ગામ કિરણો, એક્સ રે, અધોરક્ત, પારજાંબલી, રેડિયો તરંગો અને દ્રશ્ય પ્રકાશ.
બ્રહ્માંડ જોવાની અવનવી રીતો કદાચ આપણને પેલા શ્યામ વિવર અને જેમના વિશે આપણે હજી સુધી અંધારામાં છીએ તેવા આપણા બ્રહ્માંડના ભાગોની અંદર શું થઈ રહ્યું છે, તે જોવામાં મદદરૂપ થઈ શકે.

સર્જનની પહેલી પળ, બ્રહ્માંડના જન્મ વખતે ઉઠેલા ગુરુત્વાકર્ષી તરંગોને જો આપણે પકડી શકીએ, તો કેવું?

આપણે આટલા બધા હુંશિયાર કેવી રીતે બન્યા?
આપણે માણસની ઉત્ક્રાંતિ વિશે તો કંઈક જાણીએ છીએ, પણ માણસનું મગજ કેવી રીતે ઉત્ક્રાંત થયું?
સિતારાઓ સુધી લઈ જતી સીડીની મહેચ્છા ક્યાંથી આવી?
બ્રહ્માંડનો પોતાને ઓળખવાનો માર્ગ આપણે કઈ રીતે બન્યા?