28.11.20

વાર્તા કહેવાની કળા _કૃષ્ણ કુમાર


બાળકોને વાર્તા કહેવી  સાચે જ એક કળા છે. આવો, તેના પાસાં ઝીણવટથી જોઈએ

ઘણા દુઃખની વાત છે કે આપણી પ્રાથમિક શાળાઓના પહેલા બે ધોરણમાં વાર્તા કહેવા માટે દરરોજ અલગથી ઘંટ વાગતો નથી. આવી વ્યવસ્થા હોત તો બાળકોને શાળામાં ટકાવી રાખવાની સમસ્યા અમુક હદ સુધી તો ઉકલી જાત. ઘણા લોકોને લાગશે કે બાળકોની ગેરહાજરીની સમસ્યા કેટલી ગંભીર છે તે હું સમજતો નથી. મારું ઉક્ત સુચન સાંભળી ઉચ્ચ અધિકારીઓ કટાક્ષ ભર્યુંસ્મિત કરે તેની સંભાવનાય ઘણી વધારે છે. તેમના બહોળા અનુભવ અને વહીવટી જ્ઞાને તેમના મગજમાંથી એ સમજ ધોઈ નાખી છે, જે મારી સમજ મુજબ તેમની પાસે એક વખતે હશે, તે એ કે વાર્તા સાંભળવાની બાળકો પર જાદુઈ અસર થાય છે.

દુઃખની વાત એ પણ છે કે આપણી શિક્ષક તાલીમ સંસ્થાઓ વાર્તા કહેવાની વાતને ગંભીરતાથી લેતી નથી. જોકે, તેમાંથી કેટલીક પોતાના પાઠ્યક્રમમાં વાર્તા સંભળાવવાના મહત્વનો ઉલ્લેખ જરૂર કરે છે. 

નાના બાળકોને ભણાવવાવાળા દરેક શિક્ષક પાસે એવી અપેક્ષા રાખવામાં આવે કે તેમના અધિકારમાં ઓછામાં ઓછી ૩૦ પારંપરિક વાર્તાઓ હોય -એવા એક દિવસની કલ્પના મારા મનમાં રમે છે. 'અધિકાર' શબ્દ દ્વારા હું એમ કહેવા માગું છું કે કે વાર્તાઓ શિક્ષકને એટલી સારી રીતે યાદ હોય કે તેઓ પૂરા આત્મવિશ્વાસ અને નિરાંતથી વાર્તાઓ કહી શકે. હજારો વાર્તાઓની પુરાતન પરંપરા ધરાવતા સમાજ માટે આ કઈ બહુ મોટી વાત નથી. 30 વાર્તા, જે શિક્ષક જ્યારે ઈચ્છે ત્યારે કહી શકે, પ્રાથમિક શાળાના પહેલા બે ધોરણનું વાતાવરણ બદલી નાખશે. શરત એટલી કે રોજિંદા પાઠ્યક્રમ-સમયપત્રકમાં વાર્તા કહેવાની વાતને એક સન્માન પૂર્ણ સ્થાન આપવામાં આવે. તે એટલા માટે કે વાર્તા કહેવી એ બાબત જ તેની રીતે અત્યંત મહત્વની છે.

વાર્તાઓ લાવવી ક્યાંથી?
પાછલા ફકરામાં મેં એક વિશેષણ વાપર્યુ હતું, આગળ વધતા પહેલાં, તેના વિશે સ્પષ્ટતા કરવા માંગુ છું. મેં લખ્યું કે હું પરંપરાગત વાર્તાઓના પક્ષમાં છું. યુવાન શિક્ષકોને વાર્તા કહેવાની તાલીમ આપવાનો મારો અનુભવ કહે છે કે તેઓને વાર્તા શોધી લાવવાનું સૂચન કરવામાં આવે ત્યારે તેઓ મોટેભાગે વર્તમાન પત્રોમાં કે બાળ સામયિકોમાં છપાયેલી વાર્તાઓ લઈને આવે છે. કેટલાક વળી કોમિક્સ, લાંબા જોક્સ કે પછી વાસ્તવિક ઘટનાઓના વર્ણનને ગોખી કાઢે છે. એ સાચું કે આ પ્રકારની સામગ્રીને 'વાર્તા' ગણવામાં આવે છે. પરંતુ, આ પ્રકારની વાર્તાઓ પ્રાથમિક શાળામાં ભણતા છ કે સાત વર્ષના બાળકો પર જાદુઈ અસર કરે તેવી આશા આપણે રાખી શકીએ નહીં.

પરંપરાએ આપેલી વાર્તાઓમાં કેટલીક એવી વિશેષતાઓ હોય છે, જે સમકાલીન વાર્તાઓમાં -જે આપણે જુદા જુદા માધ્યમમાં જુદા જુદા સ્વરૂપે જોઈએ છીએ- સકારણ નથી હોતી. તે વિશેષતાઓની આપણે ચર્ચા કરવાના જ છીએ. પણ, તે પહેલાં હું પરંપરાગત વાર્તાઓના કેટલાક સ્ત્રોતોનો ઉલ્લેખ કરવા ઈચ્છું છું. સૌથી પહેલાં પંચતંત્ર, જાતક, મહાભારત, સહસ્ત્ર રજની ચરિત્ર, વિક્રમાદિત્યની વાર્તાઓ અને જુદા જુદા પ્રદેશોની લોકકથાઓને સહજ અને સમૃદ્ધ સ્ત્રોત ગણી શકાય. તે પછી કથાસરિતસાગર, ગુલિસ્તાં અને બોસ્તાની વાર્તાઓ અને દુનિયાભરની લોકકથાઓને સ્થાન આપી શકાય. આ સ્ત્રોતો સરળતાથી ઉપલબ્ધ નથી. આથી, જે કોઈ વાર્તા કથનને રોજના પાઠ્યક્રમમાં નિયમિત તાસ બનાવવા ઈચ્છતું હોય, તેણે આ તમામ સ્ત્રોતોમાંથી પસંદ કરેલી વાર્તાઓનું એક સંકલિત પુસ્તક બનાવવું પડે.

કહેવા લાયક વાર્તા :
એક સારી વાર્તામાં કઈ વિશેષતાઓ હોય છે તે જાણવાનો સૌથી સહેલો રસ્તો છે- જેને એક પછી એક ઘણી પેઢીના બાળકોએ આનંદપૂર્વક સાંભળી હોય એક તેવી એક વાર્તાનું વિશ્લેષણ કરવું. પંચતંત્રની સિંહ અને સસલાની વાર્તા આવું જ એક ઉદાહરણ છે. આપણે તેનાથી એટલા બધા પરિચિત છીએ કે આપણને તેનું કથાનક સહેલું લાગે છે. આવો, પહેલાં આપણે તે વાર્તાનો એક વળાંક યાદ કરીએ.

વાર્તામાં એક દિવસ એવો આવે છે જ્યારે નાનકડા સસલાએ ઘરડા સિંહ આગળ હાજર થવાનું થાય છે. સિંહના દરવાજા સુધી પહોંચવામાં સસલો એટલું બધું મોડું કર્યું છે કે ભૂખનો માર્યો સિંહ ભારે અકળાયેલો છે. આ ક્ષણ મહત્વની છે અને તે સમયે સિંહ સાથે કોઈ પણ પ્રકારની વાટાઘાટ શક્ય નથી; કેમકે સિંહ ભયંકર ગુસ્સામાં છે. છતાં, આવી તદ્દન અયોગ્ય પળે પણ સસલું પોતાને કેમ મોડું થયું તે વાત મૂકે છે. રસ્તામાં બીજો એક સિંહ મળ્યો તે વાત તદ્દન ખોટી છે. તેમ છતાં, ભૂખ્યા, ચિઢાયેલા સિંહના રાજાશાહી મગજમાં એ વાત બેસી જાય છે. હવે પહેલાં તો તે પોતાના હરીફને ઠેકાણે પાડવા ઈચ્છે છે અને એટલા માટે તે સસલા સાથે કૂવે જવા નીકળી પડે છે. આ બીજી નિર્ણાયક પળ છે. ત્યારે સસલું પોતાના જુઠ અને સિંહના અભિમાન અને ઈર્ષ્યા- કે જે તેણે જ જગાડ્યા છે- પર વિશ્વાસ રાખી આગળ વધે છે. કૂવામાં પોતાનું પ્રતિબિંબ જોઈ સિંહ ભાન ભૂલે છે અને કૂદીને મરી જાય છે. 

આવો, આ જુની, પરિચિત વાર્તાને વધારે ઝીણવટથી જોઈએ. પહેલી વાત તો એ કે આ વાર્તાના વિષયવસ્તુમાં કોઈ ઉપદેશ નથી. તેને બદલે આ વાર્તા સ્પષ્ટ રીતે કેટલાક ગંભીર પ્રશ્નો સામે ઝઝૂમે છે: જેમકે, કોઈ પાશવી તાકાતની સામે કે મોત સામે હોય તેવી સ્થિતિમાં પોતાને કેવી રીતે બચાવવું. બાળકો સાથે વાત કરતી વખતે, મોટેભાગે આપણે આવા પ્રશ્નોની વાત કરતા નથી. જો કે બાળકોને આવા પ્રશ્નોમાં ઊંડો રસ હોય છે. આપણને સવાલ થાય કે બાળકોના આ રસનું કારણ શું? પણ, તે બાબતે હું પાછળથી વાત કરીશ. દરમ્યાન, હું આ વાર્તાની બીજી એક મોટી વિશેષતા પર ધ્યાન દોરવા માંગું છું - આ વાર્તા એક એવા નાનકડા પ્રાણીની છે, જે એક મોટા, શક્તિશાળી પ્રાણીએ ઊભી કરેલી મુશ્કેલી સામે ઝઝૂમી રહ્યું છે. તે મુશ્કેલીમાંથી રસ્તો કાઢવા તે નાનકડું પ્રાણી એક એવી રીત અપનાવે છે, જેને સામાન્ય રીતે આપણે અનૈતિક ગણીએ.

તે રીત આચરી રહેલું સસલું, સારા વ્યક્તિત્વના કેટલાક ઉમદા ગુણોનું ઉદાહરણ રજૂ કરે છે. તે ગુણો છે : સાહસ, મુશ્કેલીની ઘડીએ આત્મવિશ્વાસ, કોઈ ઘટનાની અંતિમ પળ સુધી પોતાનું મગજ ઠંડુ રાખવાની ક્ષમતા અને પોતાનાથી વધારે તાકાત અને ઉંમર વાળી વ્યક્તિ સામે યોગ્ય વર્તન કરવું.

આ વાર્તા કેટલી ઝડપથી આગળ વધે છે તે પણ આપણે નોંધવું જોઈએ. શરૂઆતમાં એક વિચિત્ર નિયમનો અમલ જોવા મળે છે, જેમાં રોજ એક પ્રાણી સ્વેચ્છાએ ઘરડા રાજાનો શિકાર થાય. આ પ્રકારની દૈનિક વ્યવસ્થા ગોઠવાયાના થોડાક જ સમયમાં સસલાનો વારો આવે છે અને વાર્તાનો મુખ્ય ભાગ પ્રગટ થાય છે. તે પછીની ઘટના ખૂબ જ ઝડપથી ઘટે છે, કારણ કે પોતાને બચાવવાની એક ખતરનાક રણનીતિ નક્કી કરી લીધા પછી સસલાને એક પણ ક્ષણ બગાડવી પોસાય નહીં. વાર્તા સાંભળનાર, સંવાદો દ્વારા એક પછી બીજી સ્થિતિમાં ધક્કો ખાતાં ખાતાં આગળ વધે છે. અહીં, સાંભળનાર પાસે આખી ઘટના સસલાની દ્રષ્ટિએ જોવા સિવાયનો વિકલ્પ રહેતો નથી. 

ટૂંકમાં કરેલું આ વિશ્લેષણ તે કારણોને ઓળખવા માટે પૂરતું છે, જે કારણે આ વાર્તા બાળકોમાં અત્યંત લોકપ્રિય બની છે. સૌથી પહેલી વાત તો એ કે આ વાર્તા તેમને એક એવો નાયક- હીરો આપે છે, જેની સાથે તેઓ તાદાત્મ્ય અનુભવી શકે છે. તે હીરો છે સસલું. વાર્તામાં સસલું એવા પડકાર અને મુશ્કેલીઓમાંથી પસાર થાય છે, જેવી બાળકો પોતાના દૈનિક જીવનમાં અવારનવાર અનુભવતા હોય છે. સસલું નાનું અને અશક્ત છે, તેણે એક એવું ભારે કામ કરવાનું છે, જે તે કરવા માગતું નથી. તેને એક એવા પ્રાણીનો શિકાર થવાનો ડર છે, જેની પાસે સંપૂર્ણ સત્તા અને શારીરિક તાકાત પણ છે. સસલાની પરિસ્થિતિના આ પાસાઓ દરેક બાળકની જિંદગીના પાસાઓ સાથે મળતા આવે છે. જોકે, માતા-પિતા કે શિક્ષકની ભૂમિકા ભજવવામાં ખોવાયેલા આપણે આ બધું જોઈ શકતાં નથી. ઉદાહરણ તરીકે, ઘણા ઓછા લોકો જાણે છે કે બાળકોમાં ચિંતા ઉભી કરનારા મુખ્ય કારણોમાંનું એક છે અચાનક થનારા મૃત્યુનો ડર.

શરૂ થતાની સાથે જ આ વાર્તા બાળકોનું ધ્યાન એટલા માટે આકર્ષિત કરે છે, કે બાળકો પોતાને તે વાર્તામાં જોઈ શકે છે. તે પછી વાર્તામાં આવતી ઘટનાઓને કારણે તેનું આકર્ષણ ઘૂંટાતું જાય છે. નાનકડું સસલું એક રણનીતિ ઘડે છે અને તે સફળ પણ નિવડે છે. સસલાની ચતુરાઈ ફક્ત તેના પોતાના માટે જ નહીં, પણ બધાની એક સમસ્યાનો કાયમી ઉકેલ લાવી દે છે. નાના બાળકોને આવા જ ઉકેલ ગમતા હોય છે. સસલાની રણનીતિ પ્રત્યે બાળકોના આકર્ષણનું એક કારણ છે કે બાળકોમાં જોવા મળતી નિર્દોષ, ભોળી ઈચ્છા -બહાનું કાઢવાની ઈચ્છા -તે રણનીતિમાં પડઘાય છે; મોડું પહોંચવા બદલ સસલું બહાનું બનાવી કાઢે છે. બીજું એક આકર્ષણ એ પણ છે કે તેનો હેતું ફક્ત પોતાનો જીવ બચાવવાનો જ નહીં, સિંહને મારવાનો પણ છે. હકીકતમાં, સસલાની દુવિધા એટલા માટે આકરી છે કે એક અન્યાયીને મારી નાખ્યા વગર તે પોતાને બચાવી શકવાનું નથી. આમ, મુશ્કેલીમાંથી પાર ઉતરવાનું જબરજસ્ત નાટયતત્વ રજુ કરવા માટે આ વાર્તા બહાદુરીપૂર્વક કરેલા નાશનો ઉપયોગ કરે છે. આમાં જો કોઈ નૈતિકતા છે, તો તે એ કે આત્મરક્ષા જ નૈતિકતા છે. આ વાત પણ આપણે ત્યારે જ જોઈ શકીએ જ્યારે આ વાર્તા બાળકોની નજરે જોઈએ. આપણે જો વડીલોની નજરે આ વાર્તા જોવાની જીદ રાખીશું, તો એવા તારણ પર પહોંચીશું કે આ એક અનૈતિક વાર્તા છે, જેવી તે ખરેખર છે પણ ખરી.

જરૂર શું છે? :
અત્યાર સુધીમાં તમને એટલું તો સ્પષ્ટ થયું હશે કે, એક સારી વાર્તા સાંભળતી વખતે બાળકોને નૈતિક-અનૈતિક શિક્ષણ સાથે સંબંધ હોતો નથી અથવા સીધો સંબંધ હોતો નથી. વધુ ઊંડાણપૂર્વક જોઈએ તો સસલુ અને સિંહની વાર્તા એક પ્રેરક વાત પણ છે. આ વાર્તા જણાવે છે કે મુશ્કેલીના સમયે મગજ ઠંડુ રાખવાથી શું ફાયદો થાય. આ વાર્તા એમ પણ દર્શાવે છે કે વિચાર, બુદ્ધિ અને કલ્પનાનો ઉપયોગ કેટલો મહત્વનો છે. પણ, આ વાતો પારંપરિક અર્થમાં નૈતિક શિક્ષણ કહી શકાય નહીં. હકીકતમાં, મહાન પરંપરાગત વાર્તાઓ રૂઢિગત અર્થમાં ભાગ્યે જ નૈતિક શિક્ષણ આપતી હશે. આપણે એ વાત ધ્યાનમાં લેવી જરૂરી છે કે વાર્તા સંભળાવવાનો હેતુ બાળકોનો નૈતિક વિકાસ કરવો એ નથી. વાર્તા સાંભળવાથી થતા લાભ જરા જુદા પ્રકારના છે અને તે આમ છે :

વાર્તાઓ સારી રીતે સાંભળવાની ક્ષમતાનો વિકાસ કરે છે : 
સારો શ્રોતા કોણ? તે, જે છેલ્લે સુધી સાંભળે. મોટાભાગના લોકો વિશે આપણે આવું કહી શકીએ એમ નથી. ત્યાં સુધી કે, ઔપચારિક દલીલો દરમ્યાન પણ લોકો એકબીજાને ટોકતા રહે છે. તેનું કારણ એ, કે ટોકનારાને એમ માનવાની ટેવ હોય છે કે સામેવાળી વ્યક્તિ શું બોલશે તે તેમને પહેલેથી ખબર છે. બીજું એક કારણ એ કે તેમનામાં સાંભળવાની ધીરજ હોતી નથી. નવાઈ ના લાગવી જોઈએ, કે સાંભળવું એ હવે કૌશલ જ નહીં, એક વલણ માનવામાં આવે છે; જેને પ્રોત્સાહિત કરવા માટે ઉચ્ચ સ્તરીય મેનેજરીયલ અને વહીવટને લગતા કોર્ષ શરૂ થઈ ગયા છે. વાર્તા સાંભળતાં જતાં જ્યારે સાંભળવું અને તેને લગતાં વલણ આપણી ટેવ બની જાય, ત્યારે જિંદગીના નિર્ણાયક તબક્કે ધીરજપૂર્વક સાંભળવાની ક્ષમતા વિકસિત થાય છે.

આ વાત થોડી વિચિત્ર છે કે આપણા દેશમાં, જ્યાં સક્ષમ મૌખિક પરંપરા ઘણો લાંબો સમય ચાલી, ચાલતી રહી; સારા શ્રોતા દુર્લભ થતા જાય છે. મારું માનવું છે કે આ પરિસ્થિતિનો સંબંધ બાળપણમાં થયેલી વાર્તાની ઉપેક્ષા સાથે છે. એમ લાગે છે કે આધુનિક ભારત પાસે બાળકોને નિયમિતપણે વાર્તા કહેવાનો સમય નથી. તે ચૂકનું પરિણામ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

વાર્તા સાંભળવાથી અનુમાન લગાવવાની કેળવણી મળે છે :
બાળકો પોતાને ગમતી વાર્તા વારંવાર સાંભળવા ઈચ્છે છે. કારણકે, એકવાર વાર્તાનો પરિચય થઈ જાય તે પછી ધ્યાનપૂર્વક વાર્તા સાંભળવાની પોતાની વધી રહેલી ક્ષમતાની ચકાસણી કરવા બાળકો તે પરિચયનો ઉપયોગ કરે છે. સ્વાભાવિક છે કે આ ચકાસણી અજાણતા થાય છે. વાર્તા બીજી કે ત્રીજી વાર સાંભળતી વખતે આગળ શું થશે તે વિશે પોતે સાચો અંદાજ લગાવી શકે છે તે જોવાથી બાળકોને આનંદ થાય છે. પોતાનો અંદાજ સાચો પડ્યાનો આનંદ જ એ ઈનામ છે, જે વાર્તા સાંભળતી વખતે એક અનુભવી શ્રોતા મેળવે છે. અને તે ફક્ત આનંદ જ નથી, તેનાથી વાર્તા સાંભળનાર બાળકનો પોતાની અંદાજ લગાવવાની ક્ષમતા પર વિશ્વાસ વધે છે. બાળકના સર્વાંગીણ વિકાસમાં આવા વિશ્વાસની ઘણી મોટી ભૂમિકા છે, ખાસ તો વાંચન ક્ષમતાના વિકાસ માટે. વાંચન ક્ષમતા એ શાળાના પહેલા બે ધોરણો માટેનો સૌથી મોટો પડકાર છે. સાક્ષરતા અને વાંચન વિકાસમાં અંદાજ લગાવવાની ક્ષમતાના ફાળાની વિસ્તૃત ચર્ચા મેં મારા પુસ્તક 'બચ્ચે કી ભાષા ઔર અધ્યાપક' -માં કરેલી છે

અંદાજ લગાવવાની ક્ષમતાનું મહત્વ બીજા વિષયો, ખાસ તો ગણિત અને વિજ્ઞાનમાં પણ છે. નિયમનો ઉપયોગ કરી સમસ્યાનો ઉકેલ કાઢવાનું ગણિતમાં સૈદ્ધાંતિક મહત્વ છે. વાર્તાઓમાં પણ નિયમ હોય છે, ફેર એટલો જ કે તે નિયમો રૂપકો તરીકે હોય છે ઉદાહરણ તરીકે, નાનું પ્રાણી ચાલાકી કરીને, મોટા પ્રાણીને છેતરીને વિજય પ્રાપ્ત કરે તે નિયમ ઘણી વાર્તાઓમાં જોવા મળે છે. સસલું અને સિંહની વાર્તામાં પણ એમ જ થાય છે. વાર્તાઓ સાંભળતા સાંભળતા બાળકો તેમાં રહેલા નિયમ પકડી પાડે છે અને આ પકડ જ તેમની અંદાજ લગાવવાની ક્ષમતાની ધાર કાઢે છે.

વાર્તા આપણી દુનિયા વિસ્તારે છે :
હું એ દુનિયાની વાત કરું છું જે આપણે આપણા માથા અથવા દિમાગમાં લઈને ચાલીએ છીએ. વાર્તા તે દુનિયાને એ અર્થમાં વિસ્તાર છે કે તેમના દ્વારા આપણે એવા લોકો અને પરિસ્થિતિઓને ઓળખી શકીએ છીએ, જેમની સાથે આપણે ક્યારેય જોડાવાનું થવાનું નથી. 

પ્રશ્ન એ છે, કે આવા લોકો અને સ્થિતિઓને જાણવાનો ફાયદો શું? ફાયદો એ કે તે જીવનના અંગ છે. તે બધું ભલે આપણે વ્યક્તિગત રૂપે જાણતા ન હોઈએ, પણ તે આપણને માનસિકરૂપે હેરાન કરે જ છે -ખાસ કરીને બાળપણમાં- અને આ હેરાનગતિ એક રીતે જીવનભર ચાલે છે. ઉદાહરણ તરીકે, નાના બાળકો ખરાબ લોકો વિશે ઘણી ચિંતા કરતા હોય છે. ભલેને તેમની આજુબાજુ કોઈ બહુ ખરાબ વ્યક્તિ ના હોય! આમ, તેઓ અંદરખાને એવી આશા રાખતા હોય છે કે તેમને કોઈ ખૂબ હોશિયાર, સુંદર અને સારા વ્યક્તિને મળવાની તક મળે. કલ્પના અને ભયંકર મુશ્કેલીનો ડર, આ બંને આદર્શ રીતે બાળ મનોવિજ્ઞાનનો હિસ્સો છે. પારંપરિક વાર્તાઓ આ મનોવિજ્ઞાનને જ વ્યક્ત કરે છે અને તેથી જ એવી વાર્તાઓ બાળકોને સરળતાથી આકર્ષે છે. વાર્તા સાંભળવાથી નાનું બાળક, જે હજી સાક્ષર પણ નથી બન્યું, પોતાની વાસ્તવિક દુનિયા કરતાં ઘણી મોટી દુનિયાનો કાલ્પનિક અનુભવ લઈ શકે છે.

વાર્તાના સંદર્ભમાં ઉપર લખેલી ચારેય વાત વાંચનને પણ લાગુ પડે છે. ભાષામાં રહેલા નિયમો અને ભાષાની સંરચનાઓ સાથે બાળકોનો પરિચય વાંચન કરાવે છે. સારું વાંચન એ હોશિયારી પૂર્વક અંદાજ લગાવવાની આદત પર આધારિત છે. ભાષાના નિયમોથી પરિચિત થયા પછી બાળકો અંદાજ લગાવી લે છે કે વાક્ય અથવા સંવાદમાં આગળ શું થશે. આ દ્રષ્ટિએ, વાર્તા સંભળાવવી બાળકોને સાક્ષર બનાવવા માટે ઉપયોગી છે.

વાર્તા કહેવાની આવડત : 
વાર્તા કહેવાની કળા પર અધિકાર મેળવવા ઈચ્છુક વ્યક્તિ માટે જરૂરી છે કે તે પોતાની સ્મૃતિને ગંભીરતાથી લે. કહેવાવાળાને જો વાર્તા બરાબર યાદ નહીં હોય, તો તે સારામાં સારી વાર્તાની પણ વાટ લગાડી શકે છે. યાદ રાખી લેવાથી આત્મવિશ્વાસ વધે છે અને વાર્તા કહેવાવાળી વ્યક્તિ નિરાંત અનુભવે છે. શ્રોતાઓ સાથે સંબંધ બનાવવા માટે નિરાંત અથવા શાંતિ ખૂબ જરૂરી છે. બીજી વાત એ કે જ્યારે વાર્તા બરાબર યાદ હોય ત્યારે કહેનાર તેનો ઉપયોગ એક માળખા અથવા નકશા તરીકે કરી શકે છે.

આ માળખાનો ઉપયોગ શ્રોતાઓના મૂડ પ્રમાણે વાર્તામાં રંગ ભરવા થઈ શકે છે. વાર્તાને લાંબી કે ટૂંકી કરવી તે પણ અગત્યનો મુદ્દો છે. કોઈ દિવસ તમે ઈચ્છો કે સસલું સિંહ સામે ઊભું છે તે મુદ્દા પર તમે ખૂબ જ ઝડપથી પહોંચી જાવ. બીજા કોઈ દિવસે તમારી ઈચ્છા હોય કે વાર્તાના પહેલા ભાગને લંબાવો અને ભૂખ્યા સિંહના મનમાં કેવા- કેવા વિચાર આવી રહ્યા હશે, સિંહની ગુફા તરફ જઈ રહેલ સસલું કેવી -કેવી યોજના બનાવી રહ્યું હશે, વગેરે વિશે વિસ્તૃત ચર્ચા કરો. 

વાર્તામાં આવતા સંવાદમાં ઘણા વિકલ્પ રહેલા છે. તમે ઈચ્છો તો નાટકીય રીતે બે પ્રકારના અવાજમાં બોલીને ઈશારા અથવા મુદ્રાઓ દ્વારા સંવાદ રજૂ કરી શકો. સંવાદને જીવંત બનાવવા માટે તમે કઠપુતળીનો ઉપયોગ કરી શકો. વર્ગના એક ખૂણેથી બીજા એક ખૂણે ચાલીને તમે બંને પાત્રોને ભૂમિકા નિભાવી શકો. આ બધી શક્યતાઓ રોમાંચક છે અને તે આપણને પડકાર ફેંકે છે કે આપણે એક જ વાર્તાને દર વર્ષે અથવા એક જ વર્ષમાં ઘણી બધી વાર નવી નવી રીતે કહીને પોતાનું સામર્થ્ય વધારતા જઈએ.

જે શિક્ષકની જિંદગીમાં વાર્તાકથન સામેલ છે, તેનું જીવન ક્યારેય કંટાળાજનક હોઈ ન શકે. વાર્તાને રોજની ઘટના બનાવવા માટે પ્રાથમિક શાળાઓના પાઠ્યક્રમ વિશેની આપણી ધારણાઓને ગંભીરતાપૂર્વક બદલીએ.

_ કૃષ્ણકુમાર : પ્રસિદ્ધ શિક્ષણવિદ્ અને લેખક, શિક્ષણના મુદ્દા ઉપર સતત ચિંતન અને લેખન, 'રાજ, સમાજ ઔર શિક્ષા', 'બચ્ચે કી ભાષા ઔર અધ્યાપક' વગેરે તેમની પ્રસિદ્ધ રચનાઓ છે.

6 comments:

Kishore Patel said...

સરસ ચિંતન અને સરસ વિશ્લેષણ. એક શિક્ષક અને એક વાલીએ વાર્તા કહેવાની કળા શા માટે આત્મસાત કરવી જોઈએ એ વાત સરસ રીતે સમજાવી છે. વાહ!

Neha raval said...

બાળકોને વાર્તા સાંભળવાની કમી ને કારણે જે દૂરદર્શી પરિણામો કહ્યા છે, તે યોગ્ય જ છે.બાળપણમાં સાંભળેલી કે વાંચેલી બાળવાર્તાઓ ખરેખર એટલી અસરદાર હોય છે કે એ તમારા સ્વભાવ કે ચારિત્ર ઘડતરમા નોંધપાત્ર યોગદાન આપતી જ હોય છે.ખેદની વાત છે કે એ વાતની નોંધ પ્રાથમિક શિક્ષણ વિભાગ પૂરતી ગંભીરતાથી લઈ પણ નથી રહ્યું.
એ સિવાય આ પોસ્ટમાં વાર્તા કહેવા વિશે જે મુદ્દાઓ કહ્યા, એ પણ સરસ!👍

sonal kothari said...

વાર્તાઓ યાદ આવી ગઇ

chhaya said...

વૅલ,આભાર.

આ લેખ શિક્ષણ વિભાગનો છે.

chhaya said...

😊

chhaya said...

😊🙏🏼