31.1.21

૩.૪ : (૧૨) જીવનનું ખોવાઈ ગયેલું નગર

પૃથ્વી પર બધે જ જીવન છે એમ પહેલી જ નજરે જાણી લેવા ઍસ્ટ્રોબાયોલૉજીસ્ટ હોવું જરૂરી નથી.

આ જગ્યાનો પ્રત્યેક ચૉરસ ઈંચ જીવને બદલી નાખ્યો છે. પરગ્રહવાસીની નજરે જોઈએ તો પૃથ્વીને આંતર ગ્રહીય નિયમો પ્રમાણે પાંચમા- પ્રતિબંધિત પ્રકારમાં આવે. 

ઍનસિલાડસે તેનાં રહસ્ય ઊંડે સંતાડી રાખ્યા છે. બરફ અને પાણી- વરાળના ફુવારા કલાકના ૧૨૮૮કિલોમીટરની ઝડપે તેના પરથી ઉડી રહ્યા છે. શનિની સૌથી બહારની વિંટી- 'ઈ' રીંગ તેના કારણે છે.જો કે, તે ઉપરાંત પણ તેની પાસે બીજું ઘણું છે- નાઈટ્રોજન, ઍમોનિયા, મિથેન.

અને જ્યાં મિથેન ત્યાં ઑલીવાઈન. 

ઍનસિલાડસ આ કામ ૧૦૦૦૦ લાખ વર્ષથી કરી રહ્યો છે અને હજી બીજા ૯૦૦ કરોડ વર્ષ એમ કરતો રહેવાનો છે. આટલું બધું પાણી તેની પાસે આવે છે ક્યાંથી?

ભૂરો બરફકણ કલાકના ૧૬૦૯ કિલોમીટરની ઝડપે નીચે (ગુરુત્વાકર્ષણના કેન્દ્ર તરફ) ખાબકે છે.

દક્ષિણધૃવ પર બરફની સપાટી સૌથી પાતળી છે. અમુક કિલોમીટર જેટલી જાડી. એટલે, મહાસાગરના તળિયાં ફંફોસવા તે જગ્યા એકદમ યોગ્ય છે. આવો, ઍનસિલાડના દક્ષિણ ધૃવને જોઈએ.

એક ચેતવણી: હવે આપણે જે જોવાના છીએ તે સંપૂર્ણત: સાબિતીઓ પર આધારિત છે. 

તેનો મહાસાગર, તેના ઉકળતા પાણીના ફુવારા, સપાટી પર પેલો વિચિત્ર બરફ, તે બધું વાસ્તવિક છે.

કૅસિનિ મિશન દરમ્યાન કરેલાં ઘણા બધા અવલોકનો આ દ્રશ્ય બતાવે છે. જો કે, આપણે માહિતી આધારિત ધારણાના ક્ષેત્રમાં તો હજી પ્રવેશવાના છીએ.

ઍનસિલાડસ પરનું પાણી અવકાશના ખાલીપામાં બરફ બની જાય છે. તેના પર જામેલી રજ- જૈવિક પરમાણુ, જીવનનું પારણું છે.

પૃથ્વીના ઊંડા મહાસાગર કરતાં અહીંનો મહાસાગર લગભગ દસ ઘણો ઊંડો છે. મતલબ કે, જીવનની શક્યતાથી સભર.

અહીં છે કાર્બન અને હાઈડ્રોજન અને અહીંના પાણીનું ph સ્તર પૃથ્વી પરના શરૂઆતના મહાસાગર જેવું છે.

પૃથ્વી કરતાં ઍનસિલાડસ પરનું જીવનનું નગર આટલું બધું મોટું કેમ?

કારણકે, અહીં ગુરુત્વાકર્ષણ પૃથ્વી કરતાં ખુબ નબળું છે. ગુરુત્વાકર્ષણ ઓછું, ટાવરનું વજન ઓછું એટલે તે વધું ઊંચા થઈ શકે.

જોકે, મહાસાગરના ભારે પ્રવાહોએ કેટલાક ટાવર પાડી નાખ્યા હશે.

અહીં છે વિક્ટર ગોલ્ડસ્મ્ટિ્થનો ઓલીવાઈન. જીવનને પાંગરતું કરવામાં જે પથ્થરનો ફાળો રહ્યો છે. પણ શું, અહીં પગ જમાવવા જીવન પાસે પૂરતો સમય છે?

નથી ખબર. પણ, ભાગેડું કલાકારનો ઓછો આંકશો નહીં.

આપણા વિશે મજેદાર વાત શું છે, ખબર છે?

આપણને લાગે છે કે આપણે જ વાર્તા છીએ.

આપણે જ બ્રહ્માંડનો છેડો, અંતિમ હેતુ છીએ.

અને છતાં, આપણે એટલું જાણીએ છીએ કે આપણે તો ભૂરાષાયણિક તાકાતની આડપેદાશ છીએ - એવી જે બ્રહ્માંડને ખૂણે ખાંચરે માથું ઊંચકી રહી છે.

આકાશગંગા તારા બનાવે.

તારા બનાવે ગ્રહ- દુનિયા.

અને આપણે જાણીએ છીએ ત્યાં સુધી, ગ્રહો અને ચંદ્રો જીવન ઘડે છે.

શું તેથી જીવન રસપ્રદ, રોમાંચક નથી?

કે તેથી જીવન વધારે રસપ્રદ, રોમાંચક છે?


ભાગ ૧૧: https://interact-6aya.blogspot.com/2021/01/blog-post_24.html

24.1.21

૩.૩ : (૧૧) જીવનનું ખોવાઈ ગયેલું નગર

બ્રહ્માંડ આકાશગંગાઓ બનાવે.
આકાશગંગા તારા.
અને તારા બનાવે ગ્રહ...
તારા બનાવે દુનિયા.

બ્રહ્માંડમાં જીવનના એવાં નગર ખરાં જે ખોવાઈ ગયા હોય?

બ્રહ્માંડના નાગરિક બનવા વેરો ચૂકવવાનો છે.

અવકાશભીરું પ્રજાતિ તરીકે આપણે જે ગ્રહોની મુલાકાત લેવાના છીએ, તે દુનિયાઓને ચેપ લગાડવા બાબતે અને પાછા ફરીએ ત્યારે આપણી દુનિયા માટે પણ ચેપ ફેલાવનાર બનીશું કે કેમ તે ચિંતા કરવી રહી.

આંતરગ્રહીય સુરક્ષા માટે પ્રોટોકોલ બનાવી કાઢ્યા છે આપણે.  નાસાએ બ્રહ્માંડની દુનિયાઓના પાંચ પ્રકાર નક્કી કર્યા છે. પૃથ્વીનો ચંદ્ર, ઉદાહરણ તરીકે, પહેલા પ્રકારની દુનિયા: જીવનહીન જગ્યા- જ્યાં ના તો આપણા માટે કોઈ ખતરો છે, ના આપણે તે જગ્યા માટે જોખમ છીએ.
સૌથી વધારે જોખમી પ્રકાર છે પાંચ નંબરનો -પ્રતિબંધિત /restricted,  જેમકે મંગળ. ત્યાંના મૂળવાસીઓ -ભૂતકાળના અથવા તો વર્તમાનના- સપાટીએથી સંતાઈને અથવા આપણી દ્રષ્ટિ નથી પહોંચી એવી જગ્યાઓએ હોય તેવી શક્યતા નકારી શકાય નહીં.

આપણે ખૂબ સાવધાન રહેવું પડે, આપણા પોતાના માટે અને મંગળ પર હોઈ શકનારા જીવન માટે.

પ્રતિબંધિત પ્રકારની દુનિયાઓ હોવાનું સ્વિકારવું એટલે જીવનની છટકી જવાની પ્રતિભા સ્વિકારવી. 
જ્યાં જીવને ધબકવાની શરૂઆત કરેલી, એવી દુનિયાઓ કે જ્યાં જીવન હોઈ શકે અથવા હતું તેવી, પોતાના મહાસાગરો તળે જીવનના નગરો દાટી બેઠેલી દુનિયાઓથી પાછા ફરનારા પ્રત્યેક પ્રાયોગિક મિશનના નમૂનાઓને ઉક્ત વાત લાગુ પડે.

પણ, એક રીતે આપણા રૉબૉટીક દૂતો પોતે જ- આપણા લૅન્ડર્સ, રોવર્સ અને ઑરબીટર્સ- પાળ ઓળંગી શોધવાની, નવો વિસ્તાર સર કરવાની માનવીય વૃત્તિ પડઘાવે છે.  તેનો અર્થ એમ કે જેવું તેમનું કામ પુરું થાય, આપણે તેમને પૂરા કરી નાખવા પડે.
બિચારા જૂનોની જેમ.

વર્ષો સુધી ગુરુની જાસુસી કર્યા પછી નાસા તેને કબરમાં મોકલી રહ્યું છે. એટલા માટે નહીં કે ગુરુની ચિંતા છે. તે વિશાળકાય વાયુ ગોળાને લગતા આપણા આવનારા સંશોધનો પર એક સ્પેશક્રાફ્ટને કારણે કોઈ અવળી અસર પડે તેવી શક્યતા નહિવત્ છે. કોઈ 'લગભગ' માઈક્રોબ સૂર્યના તાપથી શેકાઈ જવાને બદલે સ્પેશક્રાફ્ટના ઊંચા તાપમાન હેઠળ બળી મરે, એટલું જ. એટલે તો ગુરુનો ક્રમાંક બે છે, દુનિયાઓના નાસાએ પાડેલા પ્રકાર મુજબ.

પણ, ગુરુનો એક ચંદ્ર પાંચમા - પ્રતિબંધિત પ્રકારનો છે. કોઈ શરતચૂકથી જૂનો તે ચંદ્ર પર તૂટી પડે તે નાસાને પોસાય નહીં. 

આપણા સૂર્ય મંડળમાં પ્રતિબંધિત પ્રકારની દુનિયાઓ માત્ર ત્રણ છે, જેમાંની એક છે ગુરુના ૮૦ (અને હજી ગણવામાં રહી ગયા હોય તેવા બીજા) ચંદ્રોમાંની એક- યુરોપા.

માઈકલ ફેરાડેએ પૃથ્વીનું ગુરુત્વિય ક્ષેત્ર શોધ્યું હતું, જેવું ગુરુ ફરતે પણ છે. આપણે જો દ્રશ્ય પ્રકાશને બદલે રેડિયો તરંગોની આંખે ગુરુને જોઈએ તો આપણને પણ તે દેખાય છે. ગુરુનું એ
ગુરુત્વિય ક્ષેત્ર ઘણું શક્તિશાળી છે, ૧૮,૦૦૦ ઘણું મોટું પણ ખરું. 
સોલર વિન્ડ કહેવાતા વીજભારીત પરમાણુઓ માટે તે એક મોટ્ટી જાળ છે. તેના કારણે ગુરુના ઉત્તર- દક્ષિણ ભાગ ફરતે ઑરોરા (સુમેરુ જ્યોતિ) દેખાય છે- જેવી પૃથ્વીના ધૃવીય ભાગે દેખાય છે.

કલ્પના કરો, ગ્રહોના મહારાજાની સાવ નજીક રહેવું - નાનકડી યુરોપા અને તેની બહેનો માટે કેવું હશે!
ગુરુની જબરજસ્ત ગુરુત્વિય પકડ યુરોપાને એટલી ગાઢ રીતે લપેટે છે કે આવનારા ૪૦૦ કરોડ વર્ષ સુધી તો તેનો છૂટકારો શક્ય નથી. ગુરુએ તેને એવી તાણી રાખી છે કે તેની ચામડી ઉતરડાઈ રહી છે. તેની ત્વચાનું ફાટવું આપણે જોઈ -સાંભળી શકીએ છીએ. ગુરુત્વાકર્ષણથી પ્રતાડિત દુનિયાનો અવાજ.  તેને ટાઈડલ ફ્લૅક્સિંગ કહે છે. યુરોપા પર ફક્ત ગુરુ જ નહીં, તેની બહેનોય જોર મારે છે. 

સૂર્યની ઉષ્માથી ૮૦૪૬૭૨૦૦૦  કિલોમીટર આઘે, પૃથ્વી કરતાં પાંચ ગણા અંતરે હોવા છતાં યુરોપાને ટાઈડલ ફ્લૅક્સિંગ હૂંફાળી રાખે છે. તેની વેરવિખેર સપાટી નીચે, પૃથ્વીના સૌથી ઊંડા મહાસાગર કરતાં દસ ગણો ઊંડો મહાસાગર છે. 
શનિ ગ્રહોના પ્રકારમાં બીજા ક્રમાંકનો છે. તેના વાયુ પટ્ટાઓમાંથી પસાર થનાર જીવનનું બચવું અસંભવ છે. તે પટ્ટાઓ ઝાઝું કરીને ઍમોનિયાથી બનેલા છે. તે પટ્ટા- વિંટીઓની નીચે પાણીની વરાળ છે. શનિનો ચંદ્ર ટાઈટન પણ બીજા પ્રકારની દુનિયા છે. શનિની માફક ત્યાં પણ આપણને જીવનનો સામનો થવાની શક્યતા નહિવત્ છે. સિવાય કે જીવનની જે આપણી ધારણા છે, કલ્પના છે, તેના કરતાં ત્યાંનું જીવન સાવ જ જુદું હોય. તે સંજોગોમાં પૃથ્વી પરના જીવનનું કોઈ પણ સ્વરૂપ ત્યાંના જીવનને નુકસાન પહોંચાડી શકે તેની સંભાવના ય શૂન્ય છે.

હવે જોઈએ પ્રતિબંધિત પ્રકારની વધુ એક દુનિયા. 
વિલિયમ હર્ષલે અવકાશી મહાસાગરમાં ઘણે ઘણે ઊંડે જઈ જોયું હતું, તેના પહેલાં એટલે ઊંડે કોઈ નહોતું ગયું.
તેનો પુત્ર જ્હૉન પણ એવો જ પ્રતિષ્ઠિત ખગોળ શાસ્ત્રી બનવાનો હતો. -(આપણે તેને કૉસ્મોસના પહેલા ભાગમાં મળ્યા છીએ.)

વિલિયમ હર્ષલની બહેન કૅરોલીન પણ તેની આગવી રીતે વિશ્વ પ્રસિદ્ધ ખગોળ શાસ્ત્રી હતી. વૈજ્ઞાનિક તરીકે વેતન મેળવનાર તે પહેલી સ્ત્રી હતી. તેની ઊંચાઈ ચાર ફૂટ ત્રણ ઈંચ હતી. દસ વર્ષની ઉંમરે તેને ટાઈફસ (એક ચેપી રોગ) થયો હતો. તેને કારણે તેની ડાબી આંખની દ્રષ્ટિ ક્ષમતા ઓછી થઈ ગયેલી અને તેની શારીરિક વૃદ્ધિ અટકી ગયેલી. અને છતાં તેણે પોતાના સમયની સીમાઓ વિસ્તારી હતી.
કૅરોલીને એક શોધપત્ર પ્રસિદ્ધ કર્યું હતું - 'નિહારિકાઓની સૂચિ અને તારાઓનાં ઝૂમખાં'‌ - ભાઈ વિલિયમના નામે. આખરે તે વર્ષ ૧૮૦૨ હતું.

તેનો ભત્રીજો, જ્હોન, ફોઈના કામને આગળ વધારી 'નવી સામાન્ય સૂચિ- New General Catalogue ' રચવાનો હતો. આજે પણ ઘણા ખગોળીય પિંડ NGC ક્રમાંકથી ઓળખાય છે.

પિતા સાથે જ્હોન ટૅલિસ્કોપમાંથી તાક્યા કરતો. "જરાક પૂર્વમાં અને એક અંશ ઉત્તરે ગોઠવ, દિકરા."
"ઓહ! આ તો મેં અગાઉ ક્યારેય નથી જોયું. તે શું નવો તારો છે, પિતાજી?"
"ના, નવો ચંદ્ર. મેં તેનું નામ શનિ-ર પાડ્યું છે."
"ના, પિતાજી. આ નામ બરાબર નથી."
"તો તું નામ પાડ."

જ્હૉને તે ચંદ્રનું નામ પાડ્યું ઍનસિલાડસ- ગ્રીક દંતકથા પ્રમાણે પૃથ્વી અને આકાશનો વિશાળકાય પુત્ર.
ઍનસિલાડસે બ્રહ્માંડ પર સત્તા મેળવવાના મહાભારતમાં દેવી ઍથેના સામે યુદ્ધ કરેલું.


ભાગ :૧૦: https://interact-6aya.blogspot.com/2021/01/blog-post_17.html

18.1.21

સમય: ભૌતિકી અને દર્શન

પદાર્થનું દળ તેની ગતિ પર અસર કરે છે, પ્રકાશની ઝડપ મર્યાદિત છે અને સમય સાપેક્ષ છે એમ આઈન્સ્ટાઈન દાદુને કહ્યે સો વર્ષ થઈ ગયાં.

આ વાત પચાવતાં દુનિયાના દાદુ ભેજાંને એટલાં જ વર્ષ ગયાં.

એ વાત સમજવા આપણે પ્રયત્ન કરીએ. Let's see.


આપણા પૂર્વજો કરતાં આપણે- ઘડિયાળના કાંટા સાથે તાલ મિલાવનારા- સમયને જુદી રીતે જોઈએ છીએ અને 3G પછીની પેઢી, ડિજીટલ ઘડિયાળ 'જોતી' પેઢી સમયને જુદી રીતે જૂએ છે.


ઘડિયાળ સમયને કઈ રીતે બતાવે છે?

૧) કે બધાનો સમય એકસમાન હોય. જો તમારી ઘડિયાળ મારી ઘડિયાળ કરતાં જુદો સમય બતાવે તો કાં તો તમારી, કાં મારી કે પછી આપણા બંનેની ઘડિયાળ બગડેલી છે. 

૨) કે સમયરેખા પર આપણે 'ક્યાં' છીએ.


જો ઘડિયાળના ચંદા ફરતે દોરી વીંટાળી તેને સીધી ગોઠવી દઈએ તો આપણને સમયરેખા મળે. જેના પર આપણે સમય આંકી શકીએ, સંખ્યા રેખાની જેમ. અત્યારે કેટલા વાગ્યા તે આપણો વર્તમાન. તેની એક તરફ ભૂતકાળ, બીજી તરફ ભવિષ્ય. ઘડિયાળ આપણને બતાવે છે કે કેટલો ભૂતકાળ આપણે પાછળ મૂક્યો.


ઘડિયાળ એ સતત વહેતા સમયનું પ્રતિક છે. આપણી અથવા તો બ્રહ્માંડના કોઈ પણ પદાર્થથી દખલ પામ્યા વગર સમય સતત વહેતો રહે છે. ફિલોસોફિકલ લાગતું આ વિધાન ન્યુટનનું છે. ન્યુટન માનતા કે સમય અવકાશમાં વહેતો પ્રવાહ છે. ન્યુટનનું અવકાશ ખાલી હતું, શૂન્ય. આઈન્સ્ટાઈનનું નહીં. આઈન્સ્ટાઈનનું કહેવું હતું કે સમય અવકાશમાં સતત વહે છે ત્યાં સુધી વડિલ સાથે સંમત, પણ અવકાશ પોતે તો ગુરુત્વાકર્ષિય ક્ષેત્ર છે, એટલે કે તે ખાલી નથી. આઈન્સ્ટાઈન અવકાશ-સમયને સ્પેસ+ટાઈમ તરીકે જોતા હતા.


તો, સમય એટલે શું? 

આપણા પૂર્વજોએ તારવેલું કે સમય એટલે ઘટેલી ઘટનાનો ક્રમ. એકમ, બીજ-ચંદ્ર કળાઓ. ભૂતકાળથી અહીં સુધીનું અંતર સૂચવતો અંક. 3G પેઢી પણ સમયને એક અંક, ડિજીટલ કૂદકા તરીકે જૂએ છે- 1:59થી 2:00, એમ.


સમયને તેના ગુણધર્મો વડે પણ ઓળખી શકાય. સમયનો એક ગુણધર્મ છે કે તેમાં ભૂતકાળ અને ભવિષ્ય જૂદા છે. પેલી સમયરેખા પર આપણે વર્તમાન ક્ષણે ઊભા હોઈએ તો આપણી પાછળ છૂટેલો ભૂતકાળ છે- એક કલાક પહેલાંનો, એક દિવસ/મહિનો/ વર્ષ...છેક બિગ બેંગ સુધીનો. આપણી આગળ છે ભવિષ્ય- નજીકનું, થોડે દૂરનું, ખૂબ દૂરનું.


ભૂતકાળ અને ભવિષ્યને આપણે આ રીતે ઓળખીએ છીએ: ભૂતકાળ તેની નિશાની છોડી જાય છે- ચંદ્ર પરના ખાડા, ચહેરા પરની રેખાઓ, આપણી યાદો, સ્મૃતિ વગેરે.‌ ભવિષ્ય અજાણ છે, કોઈ નિશાની કે સંકેત વગરનું.


બાળક તરીકે મને એક પ્રશ્ન થતો અને જે મારા અભ્યાસ તેમજ કામનો એક ભાગ છે, તે છે, ભૂતકાળ (,વર્તમાન) અને ભવિષ્ય ઍક્ઝેટલી ક્યાં છૂટા પડે? 


મિકેનિક્સ, થર્મો ડાયનેમિક્સ, સ્ટાન્ડર્ડ મૉડલ ઑફ ફિઝીક્સ, જનરલ રિલેટીવિટી, ક્વૉન્ટમ ફિઝીક્સના નિયમોમાં ક્યાંય આનો જવાબ નથી. 


ભૌતિકશાસ્ત્રની તમામ પાયાની થિયરીઝમાં એ ભેદ સૂચવે તેવું કશું જડતું નથી.


એક જગ્યાએ છે :થર્મોડાયનેમિક્સ. તેનો એક નિયમ ઍન્ટ્રોપી - અવ્યવસ્થાનું પ્રમાણ.

થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ છે : ઍન્ટ્રોપી ભવિષ્યમાં વધે છે.


આપણો અનુભવ છે કે ભૂતકાળમાં અમુક વ્યવ્સ્થા હતી અને તેમાં ક્રમશઃ વધુને વધુ અવ્યવસ્થા આવતી ગઈ અહીં સુધી પહોંચવામાં અને ભવિષ્યમાં તે વધશે. બિગ બેંગ વખતે બ્રહ્માંડ અમુક રીતે ગોઠવાયેલું હતું, જે ગોઠવણ ખોરવાતી ગઈ અને બ્રહ્માંડ 'વિકસ્યું' અને ભવિષ્યમાં તેની અવ્યવસ્થા વધવાની છે.


એવું કેમ?

ભૂતકાળ કેમ વ્યવસ્થિત હતું?

કોણે તેને વ્યવસ્થિત ગોઠવ્યું?


વ્યવસ્થા એટલે શું?

ધારોકે, એક ખોખામાં એક બાજુ કેટલાક લાલ અને બીજી બાજુ  કેટલાક લીલા દડા ગોઠવેલા છે. તે વખતે તે ઘટનાની ઍન્ટ્રોપી શૂન્ય હશે. તે ખોખાને હલાવીએ તો દડા ભેગા થઈ જશે, અવ્યવસ્થા સર્જાશે, ઍન્ટ્રોપી વધશે.


પણ, આપણો એક મિત્ર રંગ અંધ છે. તો? લાલ -લીલા રંગનો ભેદ પારખવા અક્ષમ તેની નજર કઈ સ્થિતિને વ્યવસ્થા-અવ્યવસ્થા કહેશે?


ધારોકે, આપણા તે મિત્રની આંખ કદ પારખવામાં અતિશય કુશળ છે; કદનો સૂક્ષ્મ તફાવત તે પકડી પાડે છે. હવે, જો આપણા લાલ-લીલા દડાના કદમાં સૂક્ષ્મ તફાવત છે, તો એક તરફ લાલ અને બીજી તરફ લીલા એવી 'વ્યવસ્થા' તેની દ્રષ્ટિએ અવ્યવસ્થા ઠરશે ને!


થર્મોડાયનેમિક્સના બીજા નિયમને બૉલ્ટ્ઝમૅ બરાબર સમજ્યા. તેમણે કહ્યું કે "આ નિયમ સ્થિતિસૂચક અંક -statestical છે, તેની ગણતરી કરી શકાય." તેમના કહેવા પ્રમાણે ઍન્ટ્રોપી એટલે યાંત્રિક પદાર્થો કઈ રીતે અવ્યવસ્થિત છે તેનું માપન, તે મૂળભૂત સ્થિતિ કે પ્રમાણ નથી. 


એટલે કે, ઍન્ટ્રોપી ઉપર ઘણા બધાં પરિબળો અસર કરે છે.


ટેબલ પર એક કૂકરીને ધક્કો મારતાં તે આગળ ખસે છે અને એક હદ પછી અટકી જાય છે અને તે આપોઆપ મૂળ જગ્યા તરફ પાછી જતી નથી. આ ઉલટાવી ના શકાય તેવો ફેરફાર છે.

કૂકરીની ગતિ, તેથી ઊભું થયેલું ઘર્ષણ કુકરી અને ટેબલના અણુઓને ઉષ્મા આપે છે. જેથી તે અણુ કંપે છે અને તેમની વ્યવસ્થા ખોરવાય છે. અમુક પ્રકારની વ્યવસ્થામાં રહેલા કુકરી અને ટેબલના અણુઓમાં અવ્યવસ્થા ઊભી થાય છે.

અણુઓનું નવું ઉષ્ણતામાન જ ભૂત -ભવિષ્ય નક્કી કરે છે.

જો ઉષ્મા નથી, ઉષ્ણતામાન નથી, તો સમય માપી પણ શકાતો નથી.

કૂકરીને ટેબલ પર ધકેલી જુઓ, ઘર્ષણ વગર તે ખસસે જ નહીં.


આપણે આગળ જોયું કે સમય એટલે બદલાયેલી ઘટનાનો ક્રમાંક, ઘટના કે સ્થિતિમાં થયેલો ફેરફાર. અને બ્રહ્માંડમાં તો બધું બદલાતું રહે છે.


ભૌતિક શાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતોમાં, તેમના સૂત્રાત્મક વર્ણનમાં ચલ તરીકે સમય હોતો જ નથી. તમે જો ક્વૉન્ટમ ગ્રેવિટી(ક્વૉન્ટમ મિકેનિક્સ + જનરલ રીલેટીવીટી) માં કામ કરતા હો તો ડેલ્ટા t તેમાં હોતો જ નથી. કારણકે, તેમાં જેટલા પરિબળો છે, તે બધા પરિવર્તન પામે છે અને એટલે તે બધા જ ઘડિયાળ છે.


પણ, આપણા માટે તો સમય છે, એક સમય રેખા જેવો. આપણી પાસે તો ભૂતકાળ છે- તેની નિશાનીઓ, યાદો સહિત- અને ભવિષ્ય આવવાનું છે, આપણી આકાંક્ષાઓ સહિત. 


ન્યુરો સાયન્સમાં થયેલા સંશોધનો કહે છે કે અસલી  ટાઈમ મશીન આપણું મગજ છે.

કેવી રીતે?

આપણી આસપાસની ગૂંચવાડાભરી ઘટનાઓમાંથી કેટલીક ઘટનાઓ મગજ નિરંતર ગ્રહણ કરતું રહે છે. આપણે ભૂતકાળની નિશાનીઓ, સ્મૃતિઓ દ્વારા તે ઘટનાઓ સાથે જોડાયેલા રહીએ છીએ અને ધારણાઓ દ્વારા બીજી દિશા- ભવિષ્ય સાથે જોડાઈએ છીએ. આથી, સમય રેખા પર સ્મૃતિ અને ધારણા વચ્ચે મોકળો અવકાશ (સંખ્યા રેખા પર બે સંખ્યા વચ્ચે હોય તેવી) ઊભો થાય છે.


આપણે ભૂતકાળ કે ભવિષ્ય વિશે વિચારીએ છીએ ત્યારે આપણે કાંઈ ભૌતિક ભૂત-ભવિષ્ય વિશે નથી વિચારતા; આપણે ભૂતકાળની યાદો અને ભવિષ્યની ધારણાઓ વિશે વિચારીએ છીએ. એક વખત ખવાઈ ગયેલી કડવી કાકડીનો સ્વાદ આ પળે જીભ પર રમે છે ત્યારે જીભ પર કાકડી કે તેનો સ્વાદ ભૌતિક સ્વરૂપે છે જ નહીં, તેની સ્મૃતિ છે. પ્રેમીકા મને મળવા આવવાની છે તે પળની ધારણા પ્રેમિકાની ભૌતિક અનુપસ્થિતિમાંય મારા કાનની બૂટ લાલ કરી દે છે. 


આવામાં, વાસ્તવિકતા કોને કહીશું?


થોડું ફંટાઈને એક-બે રોમાંચક વાતો કરીએ.

આઈન્સ્ટાઈન કહી ગયા કે પદાર્થનું દળ તેની ગતિ પર અસર કરે છે અને આપણે જોયું કે સમય એટલે ફેરફાર એટલે કે ગતિ, તાપમાનને કારણે આવેલો બદલાવ.


તો, જોડિયા ભાઈઓમાં એક જાડો છે અને એક પાતળો, તેમની ઉંમર સરખી ગણવી કે કેમ?

વળી, અવકાશમાં આપણી સ્થિતિ બદલાય તેની પણ સમય પર અસર થાય છે. જેમકે, એક ઘડિયાળને હાથમાં પકડી ઊંચે રાખું, બીજી ઘડિયાળ જમીન પર મૂકું અને જો તે બે ઘડિયાળ સારી ક્વૉલિટીની હશે, તો તે જુદો સમય બતાવશે. આપણે એવી ઍટોમિક ઘડીયાળ બનાવી ચૂક્યા છીએ જેમની ઊંચાઈમાં ૪૦-૫૦ સે.મી.નો ફેર પડે તો તે જુદો સમય બતાવે. આ સંજોગોમાં, જોડિયા બહેનોમાંથી એક ધંધાર્થે વિમાન યાત્રાઓ કરતી હોય અને બીજી ગામમાં જ બેસી પેઢી સંભાળતી હોય તો તે બંનેની ઉંમર સરખી ગણવી કે? આપણું માથું આપણા પગ કરતાં વયવૃદ્ધ ગણવું કે?


જીપીએસ ગોઠવતી વખતે ફિઝીસીસ્ટ્સે કહ્યું કે અવકાશમાં ફરતા ઉપગ્રહ પર મૂકવાની ઘડિયાળ અને પૃથ્વી પરની ઘડિયાળનો સમય તેમજ સંરચના જુદાં રાખવાં પડશે. અવકાશમાંની ઘડિયાળ ધીમી ચાલશે. અમેરિકન સૈન્ય અધિકારી માન્યા નહીં, જીપીએસ ધાર્યું પરિણામ આપી ના શક્યું. 


અને એકસરખો સમય બતાવતી ઘડિયાળ થકી સમય સાથે તાલ મિલાવનારા આપણે જ્યારે 'અત્યારે' કહીએ છીએ ત્યારે? ધારોકે, તમે અને હું સામસામે બેસી વાત કરી રહ્યા છીએ; હું કહું છું, 'અત્યારે…' , તમે મારો 'અત્યારે' તમારા 'અત્યારે 'તરીકે સ્વીકારી લો છો;  પણ આપણે જાણીએ છીએ કે પ્રકાશ ચોક્કસ ઝડપે ગતિ કરે છે. એટલે કે, પ્રકાશના એક કિરણને અમુક અંતર કાપતાં અમુક સમય લાગે. એટલે કે, તમારા ચહેરા પરથી આવતા પ્રકાશ કિરણને મારી આંખ સુધી પહોંચવામાં કેટલીક નૅનો સૅકન્ડ થશે. એટલેકે, હું તમને અને તમે મને અમૂક નૅનો સૅકન્ડ જૂના જોઈએ છીએ, એટલે કે તમારો અને મારો 'અત્યારે' એક નથી.


ધારોકે, તમે ગુરુ પર છો. તો તમને હું ચાર કલાક જૂનો દેખાઈશ. પણ, તમે મને ચાહો છો એટલે તમે કોઈ ટૅકનોલૉજીની મદદથી ગુરુના સમય કરતાં ચાર કલાક ભવિષ્યમાં રહો છો જેથી મને તમે મારા 'અત્યારે'માં દેખાવ. પણ, તે સંજોગોમાંય તમને જોનાર હું તો મારા ભવિષ્યમાં પહોંચી ગયો. 


અને ધારો કે તમે બીજી આકાશગંગામાં છો, તો?

ગૂંચવાડાભર્યું છે ને! આઈન્સ્ટાઈન તમારી સાથે સહમત થતાં હતા. તેમના મતે 'સ્ટાન્ડર્ડ ટાઈમ' શક્ય નથી.


તો પછી, આપણે આપણી ઘડિયાળો ફગાવી દેવી?

ના.

કારણકે, આપણે એક એવા પરપોટામાં છીએ જેમાં એકંદરે સમય એકસરખો રહે છે. વળી, ઘડિયાળો આપણા દુન્વયી જીવનને જીવવામાં કામ પણ લાગે છે.


પેલો પરપોટો કયો?

આપણું મગજ સેકન્ડના દસમા ભાગના સમયને સમજી શકે છે; સંગીતકારનું મગજ એથીય ટૂંકા ગાળાને સમજવા સક્ષમ હોય છે. સેકન્ડના દસમા ભાગ જેટલા સમયના માપને ત્રિજ્યા ગણી તેનું વર્તુળ દોરીએ તો જે પરપોટો બને તે આપણી પૃથ્વી કરતાં ઘણો મોટો થાય; કારણકે સેકન્ડના દસમા ભાગ જેટલી પ્રકાશ લંબાઈ ઘણું મોટું માપ થાય. { ( 29 979 2458 m/s)/10= 29 979 245.8 m= 29979.246 km;  પૃથ્વીની ત્રિજ્યા 6371km}


આટલા પરપોટાના સમયને સ્થાનિક સમય કહી શકાય અને એકંદરે તે એકસરખો છે તેમ માની લેવાય.

જોકે, ભવિષ્યમાં આપણે સ્પેસ ટ્રાવેલ કરીશું ત્યારે પાછું આપણે ઘડિયાળ ગોઠવવું પડશે.


તો પછી આપણને, ન્યુટનની જેમ સમય એકધારો, કાંટાવાળી ઘડિયાળ બતાવે તેવો કેમ લાગે છે?

સમયનો ક્વૉન્ટમ એટલો નાનો* છે (10-44 ) કે તેના બે બિંદુ આપણે જુદા પાડી શકતા નથી અને એટલે તે આપણને સળંગ પ્રવાહ જેવો લાગે છે.

વળી, આપણે એકબીજાની સરખામણીમાં તિવ્ર ગતિ કરતા નથી. એટલે આપણે પ્રકાશની સૂક્ષ્મ આવનજાવન ગણકારતા નથી ( આપણો 'અત્યારે' એક માનીએ છીએ.) અને એટલે આપણે સમયને નિશ્ચિત માપનો ગણવાને બદલે અમાપ, નિ:સીમ, સળંગ માની બેસીએ છીએ.


વળી, પૃથ્વી પર ગુરૂત્વાકર્ષણ (સરખામણીમાં) અત્યંત નબળું છે. તેથી આપણે ત્યાં આઈન્સ્ટાઈનનો સ્પેસ-ટાઈમ સીધી રેખામાં છે, ચઢ-ઉતર(શૃંગ-ગર્ત) નથી. તેમજ,  આપણે એક પરપોટામાં છીએ, એટલે આપણે એક સમય વિશે વાત કરી શકીએ છીએ. 


આપણે આપણા પરપોટામાં 'અત્યારે' કહી શકીએ. બ્રહ્માંડની ઘટનાઓમાં કેટલીક ઉષ્મીય સમાનતા હોય છે, પણ તેમનામાં ના તો કોઈ ક્રમિકતા(પહેલાં-પછી) હોય છે, ના તો કોઈ સામાન્ય 'અત્યારે'.

બ્રહ્માંડના સ્તરે કોઈ 'અત્યારે' નથી.

ગાણિતીક સંકલ્પનાઓમાં અત્યારે કે પહેલાં-પછી નથી.


પાછા જઈએ મૂળ વાત પર, "વાસ્તવિકતા એટલે શું?"

ફિલોસૉફર્સ આ જ પ્રશ્ન પર સદીઓથી ચિંતન-મનન કરતા આવ્યા છે. 


વાસ્તવિક સમય એટલે શું? હું બાળપણથી જે કાંઈ ભણ્યો, રાજાએ વિશે, ફિઝિકસ વિશે તે બધું મારા મગજમાં સ્મૃતિ રૂપે સચવાયેલું છે. તે બધું અત્યારે પણ મારી પાસે છે. તેમને વાસ્તવિક ગણવું કે?


અવકાશ, સ્થળ વગેરે ભૌતિક બાબતો વગર આપણે વાસ્તવિકતા વિશે વિચારી શકીએ છીએ. પણ, સમય વગર તેનો વિચાર કરવો મુશ્કેલ છે. આપણને ખબર જ નથી કે સમય વગર વાસ્તવિકતા વિશે વિચારવું કઈ રીતે શરું કરવું. એવું નથી કે સમય વગર વાસ્તવિકતાનો વિચાર કરી શકાતો નથી. ( ક્વૉન્ટમ ગ્રેવિટીમાં સમય ચલ નથી.) આપણે સમય વગર વાસ્તવિકતા વિચારી શકતા નથી. 


આપણે સમયનું પસાર થવું, સમયનો પ્રવાહ મહેસુસ કરીએ છીએ આપણા મગજને કારણે. ઍન્ટ્રોપીના સરંજામ એવી ક્રિયાઓ અને તેની અસરનો ઉપયોગ આપણું મગજ સ્મૃતિઓ બનાવવામાં અને તે પરથી ગણતરી માંડીને  ભવિષ્ય અને ભવિષ્યની ધારણા કરવા કરે છે.


આપણે, આપણું મગજ ભૂતકાળની વાર્તા કહેનારા અને ભવિષ્ય માટે કાંઈક યોજના ઘડનારા મશીન તરીકે ઉત્ક્રાંત થયાં છે. છલકતી પ્રેરણાઓ, ભૂખ, તરસ, મહેચ્છાઓ, જિજ્ઞાસા, પ્રેમ, નફરત… તાર્કિક અસ્તિત્વ બનતાં પહેલાં આપણે એ બધું છીએ. આ વૃત્તિઓ જ આપણને ટકી જવા અને જીવનમાં આગળ વધવાનું જોમ પુરું પાડે છે, કારણકે ઉત્ક્રાંતિ ઈચ્છે છે કે આપણે એવા બનીએ.


ભવિષ્ય ઊઘડતું હોય ત્યારે આપણે જે બાબતો ઈચ્છીએ છીએ તે સમય લાવી આપે છે. વળી, તે આપણને ઘણું છોડવાની ફરજ પાડે છે. આથી, સમય લાગણીથી રંગાયેલો છે. સમય લાગણી નિરપેક્ષ નથી


ભૂતકાળમાં ઍન્ટ્રોપી નહિવત્ હતી તેનો અર્થ એમ નથી કે બ્રહ્માંડ સુવ્યવસ્થિત હતું. એ તો આપણે એક ભૌતિક તંત્ર તરીકે, આપણા વિશિષ્ટ દ્રષ્ટિકોણથી બ્રહ્માંડને એ રીતે જોઈએ છીએ, તેની સાથે એવી રીતે આંતરક્રિયા કરીએ છીએ (કે આપણને ભૂતકાળ પ્રમાણમાં વ્યવસ્થિત લાગે છે).


ધારો કે તમારા હાથમાં પત્તાં છે. તમે તે જોયાં અને તેની ગોઠવણ યાદ રાખી. હવે તે પત્તાં ચીપી દઈએ તો પેલી ગોઠવણ રહેતી નથી. પણ, તમે જે યાદ રાખેલી તે ગોઠવણ તમારા માટે ખાસ છે. કેમકે, તે તમે નક્કી કરેલી.

ટૂંકમાં, આપણે બ્રહ્માંડના એવા અંશ છીએ જે બ્રહ્માંડ સાથે એ રીતે આંતરક્રિયા કરે છે કે ભૂતકાળ આપણને વ્યવસ્થિત ગોઠવાયેલો લાગે છે. 


વ્યવસ્થા જોનારની આંખમાં છે, વસ્તુમાં (અને સ્થિતિ માં) તે નિહિત નથી.  (લાલ-લીલા દડા)


અહીં બ્રહ્માંડ ખાસ નથી, બ્રહ્માંડના અંશો, આપણે ખાસ છીએ. મને લાગે છે કે ભૂત-ભવિષ્યને છૂટાં પાડનાર એક તત્ત્વ આ હોઈ શકે છે.


હું, મારા કેટલાક સાથી ફિઝીસીસ્ટ અને કેટલાક દાર્શનિક એવા તારણ પર પહોંચ્યા છીએ કે સમય પસાર થવાની, સમય વહ્યાની આપણને જે સ્પષ્ટ અનુભૂતિ છે તેનું કારણ ક્વૉન્ટમ ગ્રેવીટી, જનરલ રીલેટીવીટી, ક્વૉન્ટમ મિકેનીક્સ, થર્મોડાયનેમિક્સમાં નહીં પણ જે રીતે, આપણું મગજ કામ કરે છે તેમાં રહેલું છે.


સમયને જાણવા બ્રહ્માંડના ઉષ્મિય બંધારણ કરતાં આપણા મગજને જોવું વધારે જરૂરી છે.


બુદ્ધિઝમ મુજબ, ૧) જીવન દુઃખમય છે અને ૨) આપણે અનિત્યને સંભાળી,સમજી શકતા નથી એટલે દુઃખી થઈએ છીએ. દુઃખનું મૂળ સમય વિશેની આપણી સમજમાં રહેલું છે. 

સમયનું આ લાગણીભીનું પાસું ઝાકળનું એવું આવરણ છે જે આપણને સમયનો અસલ સ્વભાવ જોવા દેતું નથી. આપણે પોતાને ગૂંચવી રહ્યા છીએ કારણકે, આ લાગણી મઢ્યો સમય જ આપણા માટે સમય છે.


આપણા માટે સમય એટલે જગતની ઘટનાઓ સાથેનું આપણું લાગણીભર્યું જોડાણ, જે પસાર થઈ જાય છે, વહી જાય છે, જે આપણે ગુમાવીએ છીએ, જે ગુમાવવાની ધારણા આપણને સતાવે છે. સમયને આપણે આમ સંવેદીએ છીએ.


આપણા માટે સમય એક પરિમાણીય બિંદુ નથી; થર્મોડાયનેમિક્સ, દુનિયા સાથેનો આપણો ખાસ સંબંધ, ભવિષ્ય માટેની આપણી ધારણાઓ, લાગણીઓથી સિંચાયેલું આપણું મગજ અને આ બધા સ્તરોની સાગમટી સંકુલ સ્થિતિને આપણે સમય તરીકે અનુભવીએ છીએ. આપણી બહાર, મગજને ગણતરીમાં લીધા વગર બ્રહ્માંડની ભૌતિકીના અભ્યાસમાં જેમ આગળ વધતા જઈએ, સમય સંબંધી મુદ્દા ખરતા જાય છે, ઉષ્ણતામાન નબળું પડતું જાય છે, સમયની સમજમાં કશી ચૂક રહી જાય છે.


સમય વિશેની લાગણી એ આપણા માટે સમય છે.


_કાર્લો રોવેલી (ફિઝીસિસ્ટ, 'ઑર્ડર ઓફ ટાઈમ'ના લેખક)



*ન્યુટનના ગુરુત્વાકર્ષણ g, પ્લાનકના અચળાક h અને પ્રકાશની ઝડપ c પરથી સમયનું સાર્થક લઘુત્તમ મૂલ્ય નક્કી કરવામાં આવ્યું છે. તેના વધુ નાના ટૂકડા શક્ય નથી, જેમ મૂળભૂત પરમાણુના ટૂકડા શક્ય નથી.



17.1.21

૩.૨ : (૧૦) જીવનનું ખોવાઈ ગયેલું નગર

જીવને પૃથ્વીને બદલી એમ કહીએ ત્યારે આપણા મનમાં આવે છે ધરતી પર વ્યાપેલા જંગલો અને શહેરો. પણ, તેનાથી ઘણા ઘણા સમય પહેલાં જીવને પૃથ્વીને પલોટવવાનું શરૂ કરી દીધેલું.

મહાસાગરને તળીયે પેલા અતિ અતિ સૂક્ષ્મ તણખા પછી જીવન વિશ્વવ્યાપી બન્યું- હજી સુધી હાર્યો નથી તેવા એક ચૅમ્પિયનને કારણે.
પેશ એ ખિદમત છે સાયનોબૅક્ટેરીયા.

૨૭૦૦૦ કરોડ વર્ષથી જે જીવનના વેપારમાં છે તેવા સાયનોબૅક્ટેરીયા કોઈ પણ, કોઈ પણ સ્થળે ઘર વસાવી લે. તાજુ પાણી, ખારું પાણી, ગરમ પાણીના ઝરા, મીઠાની ખાણ- તેમને કોઈ ફેર પડતો નથી.

પેદા થયાના ૪૦૦૦ લાખ વર્ષ સુધી સાયનોબૅક્ટેરિયાએ શ્વાસમાં કાર્બન ડાયોક્સાઈડ લઈને, હવામાં ઑક્સિજન મુક્ત કરીને પૃથ્વીના આકાશને ભૂરું કર્યું.

તેમણે ફક્ત આકાશ બદલ્યું એટલું જ નહીં, સાયનોબૅક્ટેરીયા તો પથ્થરની અંદર સુધી પહોંચ્યા અને તેમને સુદ્ધાં બદલી નાંખ્યા.

ઑક્સિજનને કારણે લોખંડને કાટ લાગવો શરૂ થયો, જેને કારણે ખનિજો બાબતે જાદુ થવો શરું થયો.
પૃથ્વી પર ૫૦૦૦ પ્રકારના ખનિજ છે. જેમાંથી ૩૫૦૦ જેટલા જીવને બનાવેલા ઑક્સિજનની પેદાશ છે. 

અને હવે આવે છે તે દિવસ...
સાયનોબૅક્ટેરીયા પૃથ્વી પરના બધા સજીવો પર રાજ કરવા માંડેલા, જ્યાં જાય ત્યાં ઉધમ મચાવતા, પૃથ્વીના જમીન, પાણી, આકાશને બદલી નાખતાં જઈને.

...કૉસ્મિક કૅલેન્ડરના ઑક્ટોબરના પાછલા ભાગે, ૨૩૦૦ કરોડ વર્ષ પહેલાંના એક દિવસે...

ઍનેરોબ્સ, એક જીવ સ્વરૂપ કે જે સાયનોબૅક્ટેરીયા પહેલાં  વયસ્ક થઈ ગયેલું, તેણે ઑક્સિજનથી પૃથ્વી પ્રદૂષિત કરવા માંડેલી. ઍનેરોબ્સ માટે ઑક્સિજન ઝેર છે, પણ, ફાલેલા સાયનોબૅક્ટેરીયા એમ કાંઈ વાતાવરણને ઑક્સિજનથી ભરવાનું બંધ નહોંતા કરવાના. ઍનેરોબ્સ અને પૃથ્વી પરના તે વખતના લગભગ તમામ સજીવો માટે, તે બાબત ઑક્સિજન આપદા હતી.ઍનેરોબ્સ પ્રજાતિના બચેલા વંશજ એ હતા જેમણે મહાસાગરોના ઊંડાણમાં આશરો લીધો, છેક તળિયેના ઠરેલા કંડલા/નિક્ષેપણમાં જ્યાં ઑક્સિજન પહોંચી શકતો નહીં. 
સાયનોબૅક્ટેરીયા ઑક્સિજન પમ્પિંગ મશીન બની ગયેલા. અતિરેક કરી નાખેલો તેમણે. ૪૦૦૦ લાખ વર્ષ પછી તેમને કારણે પૃથ્વી પર વધુ એક જબરદસ્ત ફેરફાર થયો.
પેલા સર્પિલ પથ્થર યાદ છે ને- જેમણે દરિયાને તળિયે હાઈડ્રોજન અને મિથેન મથેલા?
મિથેન એક જબરદસ્ત ગ્રીન હાઉસ ગૅસ છે-ગરમી પકડી રાખનાર. અને તે વખતે તો પૃથ્વીને હૂંફાળી રાખનાર મુખ્ય ઘટક હતો તે.

પણ, ઑક્સિજન થકી નીપજેલી જીવ સૃષ્ટિએ બધું ઉથલપાથલ કરી દીધું.

પૃથ્વીના તાપમાનમાં ઉછાળો આવ્યો.

જીવન- ભાગેડું કલાકાર, બર્ફીલી મૌતના પંજામાંથી છટક્યું અને પૃથ્વી પર છવાઈ ગયું.
મૃત બૅક્ટેરીયાના હાડપિંજરે પૃથ્વી પટ પર કાર્બન ડાયોક્સાઈડના ભંડાર બનાવી દીધા. જ્વાળામુખીઓએ વાતાવરણમાં મોટા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઈડ ઠાલવ્યો, પૃથ્વીને ગરમ કરતાં જઈને, બરફ ઓગાળતાં જઈને.
તે પછીના કેટલાક કરોડ વર્ષ, જીવન અને પથ્થર વચ્ચે કલામય નૃત્ય ચાલ્યું, પૃથ્વીને હિમ અને ટાઢ વચ્ચેથી કાઢનારું.

પછી, ૫૪૦૦૦ કરોડ વર્ષ પહેલાં, વળી એક જબરદસ્ત બીના ઘટી.

જીવન, કે જે અત્યાર લગી માત્ર માઈક્રોબ્સ અને સાદા બહુકોશીય જીવ પુરતું હતું, તેણે એકાએક માથું ઊંચક્યું- જેને કૅમ્બ્રિઅન વિસ્ફોટ કહે છે.

જીવનને પગ, આંખ, ચૂઈ, દાંત ફૂટ્યા અને તે અત્યંત ઝડપથી વિવિધ સ્વરૂપો ઉત્ક્રાંત કરવા માંડ્યું.

આપણને હજી ખબર નથી કે જીવન આટલું નાટ્યાત્મક ઢબે વિવિધતાભર્યુ શાના લીધે થયું, પણ આપણી પાસે કેટલીક ગળે ઉતરે તેવી થીયરીઝ છે.

કદાચ, જ્વાળામુખીને કારણે દરીયાઈ પાણીમાં ભળેલા કૅલ્શિયમ ખનિજોને કારણે જીવનને વાંસો મળ્યો અને તેણે કવચ-શૅલ/કોચલું ઓઢ્યું. પથ્થર સાથે સહયોગ કરીને તેણે પોતાની ઢાલ બનાવી લીધી. 
હવે જીવન કદ વિસ્તારી શકવાનું હતું, પોતાના ક્ષેત્રોની બહાર જઈ શકવાનું હતું.

અથવા કદાચ, સાયનોબૅક્ટેરીયાએ બક્ષેલા સુરક્ષા તંત્ર હેઠળનું તે પોસાણ હતું. વાતાવરણના ઑક્સિજનેશનને કારણે ઑઝોન સ્તર રચાયું. જેના કારણે દરીયાઈ સલામતી છોડીને, સૂર્યના પારજાંબલી કિરણોના ભોગ બન્યા વગર જમીન પર વસવું શક્ય બન્યું.

કરોડો વર્ષ સુધી જીવનનું કામ હતું ધીમી ધારે ઝમવું.
હવે તેણે તરવું, દોડવું, કુદવું, ઉડવું શરું કર્યું.

જીવન- ભાગેડું કલાકાર- બંધિયારપણામાથી આઘાપાછા થઈને બહાર નીકળવામાં એટલું ઉસ્તાદ બની ગયું કે પૃથ્વીની કોઈ જેલ તેને બાંધી ના શકે.

જીવન બંધાવાનું ન હતું.
જીવનના મહાભારતની શરૂઆતની ઘડીઓ તાજી કરવા નવા જ પ્રકારના વિજ્ઞાનની જરૂર ઊભી થઈ- જે એક કરતાં વધારે વિદ્યાશાખાનું સંકલન હોય.
જે વ્યક્તિએ તે શાખા ઊભી કરી તે પોતે એક ભાગેડું કલાકાર હતો. 

ઈતિહાસના ભયંકર કાતિલોથી તે છટકી ગયો, અહીં જંગલમાં, ડગલે ને પગલે તેના દુશ્મનોની ઠેકડી ઉડાડતો.
આ છે રૉયલ ઈન્ટિટ્યુટ, લંડન; માઈકલ ફેરાડેએ જ્યાં આખું જીવન ગાળ્યું. તેના સમયે, ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં, જીવન અને પથ્થરની નીકટતા શોધાઈ ન હતી. 

જીવનનાં મૂળ શોધતાં પહેલાં વિજ્ઞાને બદલાવાનું હતું.

તે બદલાવ વિશે વૈજ્ઞાનિકોએ અગમવાણી ઉચ્ચરી હતી, જેનું મૂલ્ય, જેના અર્થ ભેળસેળિયા હતા.

ક્રિશ્ચીયન ફ્રેડરિક શૉઅનબાઈ (Schönbein) એક જર્મન-સ્વિસ રસાયણ શાસ્ત્રી હતો, જે વિજળીની મદદથી પાણીને તેના બે બંધારણીય રસાયણ- ઑક્સિજન અને કાર્બન ડાયોક્સાઈડમાં છૂટા પાડવા માટે પ્રયોગો કરી રહેલો. શૉઅનબાઈને લાગ્યું કે તેણે કશીક પરિચિત ગંધ અનુભવી, વિજળીના કડાકા વખતે હવામાં હોય છે તેવી. 

શૉઅનબાઈએ ઑઝોન શોધેલો.

યાદ છે ને પેલું વાતાવરણનું પેલું પડ જેના પ્રતાપે આપણા ખૂબ ખૂબ જૂના પૂર્વજો દરીયામાંથી નીકળી જમીન પર આવી શક્યા, જે આજેય આપણને પારજાંબલી કિરણોથી રક્ષે છે?

શૉઅનબાઈને પ્રયોગો કરવાનું ખુબ ગમતું.
એટલું બધું કે તેની પત્નીએ તેની પાસે વચન લીધું હતું, "તું રસોડાનો ઉપયોગ પ્રયોગશાળા તરીકે નહીં કરે, હોં નેં વ્હાલા?"

એક ધડાકો...શૉઅનબાઈએ સામુહિક નિકંદનનું એક શશ્ત્ર શોધ્યું. ગન પાવડર કરતાં ઘણું શક્તિશાળી વિસ્ફોટક રસાયણ. સુધારાવધારા પછી જે યુદ્ધને ધંધો બનાવનારી ખતરનાક હદે પહોંચવાનું હતું.

પણ, તે શૉઅનબાઈ જ હતો જેને વિજ્ઞાનની એક નવી શાખાનું આર્ષદર્શન થયેલું. ૧૮૩૮માં તેણે લખેલું : આપણી દુનિયાના સર્જન અને અજૈવિક પદાર્થોનાં રહસ્ય ઉકેલતાં પહેલાં જીઓકૅમેસ્ટ્રી- ભૂરસાયણનું તુલનાત્મક વિજ્ઞાન આદરવું, શરું કરવું જોઈએ.

શૉઅનબાઈના સ્વપ્નને સાકાર કરનાર વ્યક્તિ પચાસ વર્ષ પછી જન્મી.
તે પણ જર્મન-સ્વિસ હતી.
ર૧ વર્ષનો વિક્ટર ગોલ્ડસ્મ્ટિ્થ એટલો તેજસ્વી હતો કે કોઈ પ્રવેશ પરીક્ષા કે ડિગ્રી વગર ઑસ્લો યુનિવર્સિટીએ તેને પદ ધર્યું હતું. ત્રણ વર્ષ પછી તેને નૉર્વેના પ્રથમ ક્રમાંકિત વિજ્ઞાન ખિતાબથી નવાજાયેલો.

વિક્ટર ગોલ્ડસ્મ્ટિ્થ પૃથ્વીને એક સમગ્ર તંત્ર તરીકે જોતો હતો. તે જાણતો હતો કે આખું દ્રશ્ય જોવા ભૌતિકી, રસાયણ શાસ્ત્ર કે ભૂગોળનો છૂટો અભ્યાસ કામ નહીં લાગે...તે બધું ભેગું કરવું પડશે.
મૂળભૂત તત્ત્વોના અભ્યાસના તે શરૂઆતના દિવસો હતા. ગોલ્ડસ્મ્ટિ્થે આવર્ત કોષ્ટકનું પોતાનું આગવું વર્ઝન બનાવવા પેલા નવા જ્ઞાનને ખપમાં લીધું, તે કોષ્ટક આજેય વપરાશમાં છે.
તેનાથી ઉજાગર થયું કે મૂળભૂત તત્ત્વોમાંથી સ્ફટિક અને સંકુલ ખનિજો કઈ રીતે રચાય છે.

તત્ત્વો કઈ રીતે પર્વતો, કરાડો/ભેખડો, ખીણો બનાવે છે તેના પર તે સંશોધન કરી રહેલો. 

૧૯૨૮માં તેણે ગુટીંગન યુનિવર્સિટી, જર્મનીમાં પદ સ્વિકારવાનો જુગાર ખેલ્યો, જ્યાં ફક્ત તેના માટે આખી સંસ્થા ઊભી કરાઈ હતી. તેના સાથીદારોને લાગતું હતું કે તે સૌથી સુખી દિવસો હતા...૧૯૩૩ સુધી. ઍડોલ્ફ હિટલર સત્તામાં આવ્યો ત્યાં સુધી.

ગોલ્ડસ્મ્ટિ્થ જ્યુ હતો, પણ ધાર્મિક રીતે અનુસરતો નહોંતો. 
હિટલરને કારણે તે સ્થિતિ બદલાઈ.
ગોલ્ડસ્મ્ટિ્થે મુખર રીતે સ્થાનિક યહુદી સમૂહ સાથે જોડાવા માંડ્યો. 
પોતાના જ્યુ મૂળ, પેઢીઓ-સદીઓ જૂનાં, જાહેર કરવાનું હિટલરે ફરમાન કાઢેલું. કેટલાય હતા, જેઓ પોતાના જીવનને સાટે દાદાને કૉન્સનટ્રેશન કૅમ્પમાં મોકલી રહેલા. પણ ગોલ્ડસ્મ્ટિ્થે જાહેર કર્યું કે તેનાં તમામ વડવા યહુદી છે.

હિટલર અને હૅરમન ગોરીંગ- ગેસ્ટાપોનો સ્થાપક, તેથી નાખુશ થયા. તેમણે ગોલ્ડસ્મ્ટિ્થને વ્યક્તિગત પત્ર લખી જણાવ્યું કે તેને યુનિવર્સિટીએથી પદચ્યુત કરવામાં આવ્યો છે.
ખભે એકલાં લૂગડાં લઈ તે નૉર્વે ભાગી છૂટયો.
ગોલ્ડસ્મ્ટિ્થ ઑલીવાઈન- સૂર્ય મંડળના રચના કાળથી બચેલા ખનિજ-ને લગતા સંશોધનમાં ડૂબી ગયો. અત્યંત ઊંચા તાપમાનને સહન કરવાની તેની ક્ષમતાથી તે અભિભૂત હતો. જીવનનું પારણું બંધાવવામાં ઑલીવાઈનની ભૂમિકા હોઈ શકે છે એમ કહેનાર તે પહેલો હતો. દરમ્યાન, બ્રહ્માંડમાં ઑલીવાઈનની હાજરી બાબતે તે નવાઈમાં હતો. તે કૉસ્મોકૅમેસ્ટ્રીની શરૂઆત હતી.

૧૯૪૦માં જર્મનીએ નૉર્વે પર કબજો કર્યો, ગોલ્ડસ્મ્ટિ્થે ખીસામાં સાઈનાઈડની કૅપસ્યુલ રાખવું શરૂ કર્યું- ગૅસ્ટાપો ગમે ત્યારે આવી પહોંચે તો તે પોતાને તત્ક્ષણ ખતમ કરી શકે તે માટે.

બીજા વૈજ્ઞાનિક મીત્રે પુછ્યું, "મને પણ એક ગોળી મળી શકે?"
ગોલ્ડસ્મ્ટિ્થ ઉવાચઃ, "આ ઝેર ફક્ત રસાયણ શાસ્ત્રી માટે છે. ભૌતિક શાસ્ત્રી તરીકે તારે દોરડાથી નભાવવું પડશે."

હૅર ગોલ્ડસ્મ્ટિ્થ!

પણ, જ્યારે ગૅસ્ટાપો આવ્યા, ગોલ્ડસ્મ્ટિ્થે ગોળી વાપરી નહીં.
ઑશવીક/ઑઝવીચ મોકલતાં પહેલાં તેમણે તેને બર્ગ કૉન્સન્ટ્રૈશન કૅમ્પમાં મોકલ્યો. એવી જગ્યાએ જેને તે 'ત્યાં જવાની કોઈને સલાહ ના અપાય' તેવી કહેતો.

નાઝીઓને પણ ગોલ્ડસ્મ્ટિ્થ કામનો હતો.

તે જો રાઈશ (જર્મન રાષ્ટ્રવાદ)ની સેવામાં તેનું વિજ્ઞાન વાપરે તો જીવતદાન.
ગોલ્ડસ્મ્ટિ્થે તેના જુલમગારો સામે ખેલ પાડ્યો. તેણે નાઝીઓને ઝાંઝવા પાછળ દોડાવ્યા. તેણે તેમને અસ્તિત્વમાં જ ના હોય તેવા ખનિજ શોધવા મોકલ્યા, તેમને એમ ગળે ઉતારીને કે યુદ્ધમાં અત્યંત મહત્વની ભૂમિકા ભજવી શકે તેવાં તે બેશકિમતી છે. તેની છેતરપિંડી કોઈ પણ ક્ષણે પકડી શકાય તેમ હતી, જેનો અર્થ ક્રુરતમ મોત થાય.

૧૯૪૨ સુધીમાં નૉર્વેજીયન વિપ્લવકારીઓને ખ્યાલ આવી ગયેલો કે ગોલ્ડસ્મ્ટિ્થ મહાશયનો ખતરનાક ખેલ ઝાઝું ખેંચે તેમ નથી. તેમણે તેને સ્વિડીશ સરહદેથી ભગાડી લેવાની ગોઠવણ કરી.

ગોલ્ડસ્મ્ટિ્થે યુદ્ધનો બાકીનો સમય સ્વિડનમાં અને પછી ઈન્ગ્લેન્ડમાં પસાર કર્યો, મિત્ર રાષ્ટ્રોને તેનો જ્ઞાનલાભ આપતાં રહીને, યુદ્ધની તકલીફોએ ખોરવી નાખેલા સ્વાસ્થ્ય સાથે.

દ્વિતીય વિશ્વયુદ્ધ પુરું થયાના દોઢ વર્ષ પછી વિક્ટર ગોલ્ડસ્મ્ટિ્થ મૃત્યુ પામ્યો.
તે દરમ્યાન તેણે સંકુલ જૈવિક અણુઓ વિશે એક સંશોધન પત્ર લખ્યો, જે તેના મતે પૃથ્વી પર જીવનની શરૂઆત તરફ દોરી શકનાર હોઈ શકતો હતો.

તે સંશોધન પત્રના વિચાર આજે પણ જીવનના પ્રાગટ્ય બાબતે કેન્દ્રિય છે.
ગોલ્ડસ્મ્ટિ્થને ખબર નહોતી પડવાની કે તેના પછીની જીઓકૅમીસ્ટ્સની પેઢી તેને તે ક્ષેત્રનો પિતામહ માનવાની હતી.

તેની છેલ્લી ઈચ્છામાં એક હતી સાદી વિનંતી : તેનાં અસ્થિ તેણે બનાવેલા ચોક્કસ ઘડામાં રાખવા  -જીવન જેના કારણે પાંગર્યું મનાય છે તે તત્ત્વ, તેના પ્રિય ખનિજ ઑલીવાઈનથી બનાવેલા ઘડામાં.


ભાગ ૯: https://interact-6aya.blogspot.com/2021/01/blog-post_10.html


10.1.21

૩.૧ : (૯) જીવનનું ખોવાઈ ગયેલું નગર

આપણે અહીં આપણા ઘર અને સમયથી ઘણા પાછળ છીએ.
આપણી આકાશગંગા એક સમયે યુવાન અને ખુબ ફળદ્રુપ હતી; આજે જેટલા તારાને જન્મ આપે છે  તેના કરતાં ત્રીસ ઘણા તારા ત્યારે પેદા કરતી હતી. તારાઓની ભઠ્ઠી.

૧૧૦૦૦ કરોડ વર્ષ પહેલાંની એક ઉનાળું રાત-
આપણો તારો તો આકાશ ગંગાનું પાછળનું સંતાન છે. અને આપણા અસ્તિત્વના ઘણા બધા કારણોમાંનું તે એક છે.
ટૂંકા આયુષ્યના, વિશાળકાય તારાઓ નાશ પામ્યા પછી એક સમય આવ્યો, બીજા પ૦૦ કરોડ વર્ષ પછી, તે મૃત તારાઓને તેમના ભારે તત્ત્વો આપણને દાન કર્યા. તે તત્વોના કારણે આપણા સૂર્ય મંડળના ગ્રહો અને ચંદ્રો પોષ્યા, સમૃદ્ધ કર્યા.
અને આપણે તે તારકીય તત્ત્વોના બનેલા છીએ.

ગુરુત્વાકર્ષણની ઝપ્પીએ વાતાવરણના વાયુ અને રજને બદલીને આપણે જેને ઘર કહીએ તે આકાશગંગા બનાવી.
આપણા સૂર્યનો જન્મ થયો. 
તારા તેના ફરતેની દુનિયાઓને કિંમતી ખનિજ, હિરા અને ઑલિવીયનોથી નવરાવે છે, જે આપણી વાર્તામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
તારાઓ ગ્રહો, ચંદ્રો, ધૂમકેતુઓ બનાવે છે.

ગુરુ, આપણા સૂર્ય મંગળનું પહેલું સંતાન.
ભવિષ્યના ગ્રહો અને ચંદ્રો ઑર્ગેનીક અણુઓ- અત્યારે જીવન ઘડનારા મૂળભૂત રસાયણોથી છલકાય છે. તે બીજા તારાઓના મૃત્યુમાંથી તેમને મળેલ વારસો છે.

બ્રહ્માંડ જે સહજતાથી તારાઓ અને દુનિયાઓ બનાવે છે તેવી જ રીતે જીવનને જન્મ આપે છે કે શું?
આવો, તે રહસ્યના દિલ સુધી પહોંચીએ.

ખૂબ ખૂબ સમય પહેલાં, જ્યારે આપણી દુનિયા હજી યુવાન હતી, પૃથ્વીને આવરતા મહાસાગરના તળિયે એક નગર હતું. તે નગરને બાંધવામાં હજારો, લાખો વર્ષ લાગ્યા, જો કે, ત્યારે પૃથ્વી પર જીવન ન હતું.
તો પછી, તે સબમરીન સ્કાયસ્ક્રેપર્સ બાંધ્યા કોણે?

કુદરતે.

કાર્બન ડાયોક્સાઈડ અને શંખ, છીપ, મોતી બનાવવા તે જે ખનીજ વાપરે છે- કેલ્સિયમ કાર્બોનેટ- તેનો ઉપયોગ કરીને તેણે બાંધકામ કર્યું. તે ઊંચા ટાવર તો તેમની નીચે જે થયું તેની સામે કશું જ નથી. તે જોવા આપણે એક હજાર ઘણા નાના થવું પડે.

આપણી ખંતીલી ધરતી મા ફાટી અને તેના ઉકળતા પથરાળ ગર્ભમાં દરિયાનું ઠંડું પાણી પેઠું, તેને ઑર્ગેનીક તત્ત્વો, ખનિજોથી વધુ સમૃદ્ધ કરતું; જેમાં સામેલ હતો લીલો કિંમતી નંગ- ઑલિવીયન. ખનીજો અને પાણીનું આ મિશ્રણ એટલું ઉકળતું હતું કે તે પૃથ્વીના પેટાળમાંથી ભારે આવેગથી બહાર ફેંકાયું. તે મિશ્રણ પેલા કાર્બોનેટ પથ્થરોના પોલાણમાં ફસાયું, જે પાછળથી ઊંચા ટાવર બન્યા. તે પોલાણો બન્યા ઈનક્યુબરેટર્સ, ઑર્ગેનીક અણુઓ સલામતી પૂર્વક એકત્ર થઈ શકે તેવી સલામત જગ્યા.

આ રીતે જીવને જીવ માટે પારણું બાંધ્યું.

બ્રહ્માંડના આપણા આ નાનકડા ભાગ માટે તો તે હજી શરૂઆત હતી, પૃથ્વીના ખનિજ, પથ્થર અને જીવનના ટકાઉ સહકર્મની. 
તે પ્રક્રિયાને સર્પેન્ટિનાઈઝેશન કહે છે : કારણકે સાપની ત્વચા જેવા પડ તેમાં ગોઠવાય છે.
પાણી અને કાર્બન ડાયોક્સાઈડનું હાઈડ્રોજન અને મિથેન- પેલા જબરજસ્ત બનાવને ઈંધણ પુરું પાડનારા ઑર્ગેનીક તત્ત્વો- બન્યાની તે સાબિતી છે.

બીજી દુનિયાઓમાં જીવન શોધવા મથતા વૈજ્ઞાનિકોમાં એક રૂઢિપ્રયોગ ચલણી છે : પાણીને અનુસરો. કેમકે, જીવનની મૂળભૂત જરૂરિયાત પાણી છે.

હવે તેઓ એમ પણ કહે છે, 'પથ્થરને અનુસરો.' કારણકે જીવનને શક્ય બનાવતી પ્રક્રિયાઓ સાથે સર્પેન્ટિનાઈઝેશન તંતોતંત સંકળાયેલું છે.
મુખ્ય ઘટના જોવા આપણે હજી પણ વધુ નાના થવું પડે. તે કદના હોઈએ ત્યારે તો પેલા પથ્થરના પરપોટાથી નાના પોલાણ ગુફાથીય મોટા દેખાય, જે અસલમાં પેલા ટાવરના નાનાં બારાં છે.
 
ઝવેરાત જેવા લાગતા ઑર્ગેનીક તત્ત્વો- મારા, તમારા, આપણા બધાની જેમ અણુઓના બનેલા છે. તે નિર્જીવ નંગોને ઘરેણાંમાં પલટવા માટે ઊર્જા જોઈએ. જે આવી પેલા ટાવરમાં ફસાયેલા આલ્કલાઈન, ઍસિડિક દરિયાઈ પાણીમાંથી.

તે પૂરાણો મજૂસ ભરાયો બેશકિંમતી વિંટીઓ, બાજુબંધ, હાર, વધુને વધુ લાંબા, સંકુલ પરમાણુઓથી, અને છેવટે સૌથી મૂલ્યવાન ભેંટથી-

જીવ.

અમને લાગે છે કે પેલી પાણી,પથ્થરની રાસાયણિક પ્રક્રિયાએ પહેલા કોષને જન્મ આપવા જરૂરી શક્તિ આપી. તે એ ચિનગારી હતી જેણે જીવનના બંધારણીય એકમોને ઈલેક્ટ્રિફાઈ કરીને કશુંક જીવંત પેટાવ્યું. 

સમય સાથે પેલા ટાવર ઘસાયા, એથી રુંવાટી ફડફડાવતા જીવને ત્યાંથી નીકળીને ઉત્ક્રાંત થવાની તક મળી.

જીવનના જન્મની આ બહુસ્વિકૃત દંતકથા છે.
આ ધારણા ચાર જુદી વૈજ્ઞાનિક શાખાઓના સંકલન પર આધારિત છે : જીવ શાસ્ત્ર, રસાયણ શાસ્ત્ર, ભૌતિક શાસ્ત્ર અને ભૂસ્તર શાશ્ત્ર.

અમને લાગે છે કે જીવને પહેલો ડગ પથ્થર પર માંડેલો.

અને પહેલી જ પળથી તે એક ભાગેડુ કલાકાર છે, હંમેશાં બંધન ફગાવવા ઈચ્છતો, નવી દુનિયાઓ સર કરવા ઈચ્છતો.
એવડો બધો મહામહાસાગર તેને ભરી શક્યો નહીં.

જીવનના જન્મની આ વાર્તા સાચી હોય તો, તે એટલી જૂની છે જ્યારે આકાશ ભૂરું નહોતું, આપણો ચંદ્ર આજે છે તેથી દૂર હતો.

પણ, જીવન હંમેશાં પોતાને ફાયદો જ થાય એમ વર્તતું નથી.
એક દિવસ એવો પણ આવેલો જ્યારે જીવન પોતાનો જ નાશ કરવાની અણી પર હતું.
 
###
બ્રહ્માંડનો ઈતિહાસ આપણે સમજી શકીએ તે માટે આપણે એક કૅલેન્ડર બનાવી કાઢ્યું છે : પૃથ્વીના જન્મથી આજ સુધીનો સમય એક વર્ષ તરીકે.
તેનો એક દિવસ એટલે ૪૦૦ લાખ વર્ષ.
પહેલો દિવસ એટલે ૧૪૦૦૦ કરોડ વર્ષ પહેલાં બીગ બેંગ થયો તે દિવસ. 
શરૂઆતના લગભગ ૩૦૦ કરોડ વર્ષ સુધી કશું નોંધપાત્ર બન્યું નહીં.
માર્ચની ૧૫મીએ આપણી આકાશગંગા બનવી શરૂ થઈ.
તે પછી ૬૦૦ કરોડ વર્ષ બાદ આપણો તારો, સૂર્ય જન્મ્યો.
૩૧ ઑગસ્ટ પછી ગુરુ અને બીજા ગ્રહના પિંડ બંધાયા.
કૉસ્મિક કૅલેન્ડરની ૨૧મી સપ્ટેમ્બરે, અમારું માનવું છે કે જીવન જન્મ્યું.

ત્યારે વાતાવરણ એટલે હાઇડ્રોકાર્બનની ધૂંધ.
શ્વસવા ના કોઈ પ્રાણવાયુ કે ના કોઈ પ્રાણ. 

હમણાં હમણાં જ આપણે સમજતાં, કદર કરતાં થયા છીએ કે જીવને આ ગ્રહને કેવી ઊર્જાથી પલોટ્યો.

3.1.21

(લેખાંક ૮) ર.૪ : જીવનક્ષમ પ્રદેશ તરીકેના સરકતા આશિષ

સામાન્ય રીતે રેડ જાયન્ટ પથરીલા, બર્ફીલા ગ્રહોથી વિંટળાયેલો હોય છે. તેમાં એવા કેટલાક છે જેને આપણે ઘર કહેવાના છીએ. ૧૦૦ પ્રકાશ વર્ષ ત્રિજ્યાના વિસ્તારમાં આપણા બ્રહ્માંડિય ટૅલીસ્કોપ વડે તાકતાં દેખાય છે કે...
તે સાત ગ્રહો સૂર્ય ફરતેના બુધની જેમ તેના તારાની નજીક છે.
હઉમીયા એ હોકુ તારાના જીવનક્ષમ પ્રદેશના પાદરે છે. ત્યાં દેખાતી લીલી ઝાંય આકર્ષક છે. પણ, તે કાંઈ જંગલનું ઉપલું સ્તર નથી.
પેલો લીલો રંગ મીથેન અને ઍમોનિયાના કારણે છે.
43452288 કિલોમીટર આઘેથી હોકુ તેના ગ્રહને હૂંફાળો રાખી શકતો નથી.

હોકુના જીવનક્ષમ પ્રદેશમાં ટૅનગારોઆ ગ્રહ આવેલો છે, જ્યાં આપણી પ્રજાતિની નવીનતમ કથા ભજવાઈ રહી છે.
આ જીવનહીન દુનિયાને પૃથ્વી જેવી બનાવવામાં માણસજાતને કેટલાક સો વર્ષ થયાં. અને હવે તો હવા પણ ઘર જેવી મીઠી છે.

પણ, આ તો ઈન્ડોનેશિયા છે.

આકાશગંગામાં આપણી શરૂઆતના રઝળપાટ વખતના પહેલા વહેલા સ્ટોપેજમાંનું એક. આવા તો ઘણા ટાપુ આવવાના રસ્તામાં. આપણા આ ભવિષ્યના સ્વપ્નમાં, પ્રકાશ કરતાં ઝડપી વાહન સાથે...

એક સમય એવો આવશે જ્યારે આપણે કૉસ્મિક ટૅલિસ્કોપને એટલે દૂર તકાવી શકીશું કે અજાણ્યા દરીયા લાંઘવા નીકળેલા આપણા ગુમનામ પૂર્વજોને આંખ સામે જોઈ શકાય.

આપણે અવકાશમાં આઘે ને આઘે જવાના?દુનિયાઓ ખળભળાવી, ગ્રહો વસાવી, પાડોશી સૂર્ય મંડળ પર ફેલાતા જઈ?
આપણે, જે પોતાના ઘરે વ્યવસ્થા સ્થાપી શક્યા નથી, દુશ્મનાવટ અને નફરતનો તોડ કાઢી શક્યા નથી, તે? જેણે પ્રકૃતિનો ઘાણ વાળ્યો છે, જે ચીઢ અને મૂઢતાને  વશ થઈ એકબીજાને કતલ કરે છે, તે?
ઉપરાંત, બ્રહ્માંડનું નિર્માણ તેના માટે થયું છે એમ હજી હમણાં સુધી માનતી, ખતરનાક હેતુથી દોરવાયેલી પ્રજાતિ?

હું નથી માનતો કે 'આપણે' ફક્ત એવા જ છીએ.

હાલના રિવાજો અને સામાજિક ઝૂકાવ સાથે, ત્યાં અવકાશમાં જશે કોણ?
આપણે જો તાકાત ભેગી કરતા રહીશું, ડહાપણ નહીં, તો આપણું આત્મનિકંદન અવશ્યંભાવી છે.
દૂરના ભવિષ્ય સુધી આપણું અસ્તિત્વ ટકાવવાની શરત એ છે કે આપણે પોતાને, આપણી સંસ્થાઓને બદલવી પડે.

સુદૂર ભવિષ્યના મનુષ્ય વિશે અનુમાન લગાવનારો હું કોણ?

મને લાગે છે, તે ફક્ત પ્રાકૃતિક પસંદગીનો મામલો છે.
આપણે જો જરાક વધારે હિંસક, ટૂંકી દૃષ્ટિના, અણસમજુ, સ્વાર્થી બનીએ તો બેશક, આપણું કોઈ ભવિષ્ય નથી.
તમે અત્યારે યુવાન હો તો શક્ય છે કે તમારા જીવનકાળમાં આપણે પૃથ્વી નજીકના ઍસ્ટ્રોઈડ્સ અને મંગળ પર પહોંચીએ.
નજીકના ગ્રહ પર પહોંચતા સુધીમાં આપણે ઘણા બદલાઈ ગયા હોઈશું. બદલાતી પેઢીઓનો સાદો ક્રમ આપણને બદલી નાખશે. બદલાયેલી પરિસ્થિતિઓ આપણને બદલશે.

આપણે છીએ આખરે અનુકુલન સાધનાર પ્રજાતિ.
આલ્ફા સૅન્ચ્યુરી અને નજીકના તારાઓ સુધી પહોંચનારા આજના આપણે નહીં હોઈએ. તે પ્રજા આપણા જેવી હશે, પણ તેનામાં આપણી કમજોરીઓ ધોવાઈ હશે, આપણી શક્તિ ઘૂંટાઈ હશે.
એવી પરિસ્થિતિને શરણે જનારી પ્રજાતિ, જેના માટે મૂળે તે ઉત્ક્રાંત થયેલી.
વધુ આત્મવિશ્વાસુ, વધુ દૂરદર્શી, વધુ શક્તિશાળી અને વિવેકી.

બ્રહ્માંડમાં જેમને આપણે આપણા પ્રતિનિધિ તરીકે મૂકવા ઈચ્છીએ છીએ, તે આપણે જાણીએ છીએ ત્યાં સુધી વધુ પ્રૌઢ, વધુ તાકાતવાન અને ઘણા જુદા છે.

તારાઓ વચ્ચેનું અંતર કોઈ સારી તક જેવું છે.
જીવ અને જગત બીજા જીવજગતોથી ક્વૉરેન્ટાઈન્ડ છે.
આ આભડછેટ તેમના માટે છૂટશે જેઓ પાસે તારાઓ વચ્ચે સુરક્ષિત યાત્રા કરવા પુરતું આત્મજ્ઞાન અને નિર્ણય શક્તિ હશે.

આપણા સૂર્ય મંડળ અને તેની પારની દુનિયાઓમાં સુરક્ષિત રીતે નિશાન દાગી ચૂકેલા આપણા સંતાન પોતાની સમાન સંસ્કૃતિ, ધરતી માટેના તેમના આદર અને એ જ્ઞાન -કે બ્રહ્માંડમાં ભલે વિવિધ પ્રકારના જીવ હોય, માણસ જાત તો પૃથ્વી પરથી જ વ્યાપી હતી- વડે એકાત્મતા અનુભવશે.

माता भूमि पुत्रोहं पृथिव्या।
ધરતી માતા છે, હું પૃથ્વીનો પુત્ર છું.

यस्यां पूर्वे पूर्वजना विचक्रिरे यस्यां देवा असुरानभ्यवर्तयन् ।गवामश्वानां वयसश्च विष्ठा भगं वर्चः पृथिवी नो दधातु ॥४॥(અથર્વવેદ)

(જ્યાં આપણા પૂર્વજોએ વિચરણ કર્યું, જ્યાં તામસિક શક્તિઓને  સાત્વિક શક્તિઓએ જીતી, જ્યાં બીજા જીવ જંતુ વૃદ્ધિ પામ્યા, તેવી પૃથ્વી અમને સમૃદ્ધિ અને ઐશ્વર્ય આપો.)


લેખાંક ૭: https://interact-6aya.blogspot.com/2020/12/blog-post_27.html