11.9.16

દુકાન ૩


મારું ઘર આણંદના સીમ વિસ્તારમાં છે. હજી કેટલાંક ખેતરો આસપાસ બાકી છે અને કેટલાંક પ્લોટ બની ગયા છે. કેટલાંક પ્લોટમાં ઘર વસી ગયાં છે, ક્યાંક મકાન ઉગી રહ્યાં છે. અમારી આવી ઉગતી સોસાયટીને નાકે એક ઘંટી અને દુકાન છે. તે દુકાને સામાજીક પ્રાણીઓ માટે તાત્કાલિક ઉપચાર જેવા આદું-મરચાં-વટાણા-દૂધ અને પડીકીઓ મળી રહે. પડીકીઓ સિવાયનું બધું મોટે ભાગે વાસી, ‘બગડેલું છે’ એ કેટેગરીમાં દુકાનદાર ના મુકે અને ખરીદદાર મુકે તેવું. તેવામાં તત્કાલે પણ સારું-સસ્તું અને નમતું તેમજ ભાવના તાલ સાથે જીભના સૂર મેળવવામાં રસ ધરાવતી ગૃહિણીઓને શાકની દુકાનની ખોટ સાલે.
એવામાં, મુખ્ય માર્ગને સમાંતર પણ અંદરના ભાગે ફંટાતી, બેય તરફની સોસાયટીઓ વડે ભીંસાતી, અમને આણંદ સાથે જોડતી અને હજી રોડ ના કહી શકાય એવી સવલતવાળી ગલીના એક નાકે શાકનો પથારો નજરે પડ્યો અને મારી આંખના લેન્સ આ ઘટનાની ફિલ્લમ માટે સજ્જ થયા.
પથારાની પેલી કોર બેઠેલા યુવાન કહી શકાય એવા શાક-વાળાને આ ધંધાનો અનુભવ નથી એમ દ્વિચક્રી વાહન પર અવરજવર દરમ્યાન થયેલી અલપઝલપમાં કળાયું. અનુભવ ના હોય પણ ‘શીખી લઈશ’ એવી આશા હોય અને ભીતર પડેલો કોઈ છેતરાયાનો અનુભવ કે વાત ડંખ માર્યા કરતાં હોય તેવો દ્વિધા મિશ્રિત ઉત્સાહવાળો ધ્વનિ જતાં-આવતાં મારા આતુર કાને પહોંચતો. એ તરફ નીકળવા વાહનને કીક મારતા પહેલાં મન એ શાકવાળા અંગે ઉત્સુક થઇ જવા લાગ્યું. એટલું જ નહી, તેની દુકાન જામી જાય એવી , રેશનલ હોવાથી દુવામાં ના માનનારું ચિત્ત, આશા સેવવા લાગ્યું.
એવામાં દીનાનાથે એક દિવસ મને તક આપી. શનિવારની મોડી સાંજે ‘આદું ખૂટી ગયું છે’ના એંધાણ મળ્યાં અને ટી-ચર એવા અમે આદું માટે વાહન પલાણ્યું. જો ગલીને નાકે ના મળે તો ચાહની તલપ સાથે થોડું વધુ આગળ જવું પડે. પણ, એમ થયું નહી. દુકાન તો નાની-નાની પ્લાસ્ટિકની કોથળીઓમાં સમેટાઈ ગયેલી પણ દુકાનના વિસ્તારનો દ્યોતક એવી ખાતરની થેલીઓની સાદડી વળાઈ નહોતી, ત્રાજવું અને ગલ્લો બહાર હતા અને હજી આ દુકાન જામી નહોતી.
એટલે, કોથળીઓ ફંફોસી આદું શોધાવું શરુ થયું. મેં તક ઝડપી. ટી.વી પર સમાચાર જોતી ના હોવાથી માનવસહજ ઉષ્માભર્યા લહેકે પૂછ્યું : કેવી ચાલે દુકાન ? “સારી હો!” (હજી આ વ્યક્તિ ધંધાધારી નથી થયો તેની સાબિતી ‘સારી’.) મેં મારી આશા-બને એટલી નિરપેક્ષતા સાથે વ્યક્ત કરતાં કહ્યું : શું લાગે છે, જામશે ને ? “હા, હો ! વેચાય છે.” ઉમળકાને ખાળી ના શકાતાં મારાથી બોલાઈ ગયું : આટલામાં આની ખુબ જરૂર છે.(તું હિંમત ના હારીશ ભાઈ!)
ખેતરોમાં મકાનો ઉગવા શરુ થયા પછી ખેડૂત જ નહીં, ખેતીકામ સાથે સંકળાયેલા કારીગરો એ પણ રોજીના વિકલ્પો શોધવા રહ્યાં. એવામાં કોકને ઘરને આંગણે આવી દુકાન ‘જડી’ જાય તો જીવને જરા સારું લાગે !
૨૦/૩/૧૬ 

દુકાન ૨

દુકાન -૨
લગભગ અગિયારસ હતી. ટી-બ્રેક દરમ્યાન બજારની ભીડ અંગે વાત ચાલતી હતી. તેવામાં અંત્યજ સમાજની સામાજિક પશ્ચાદભૂવાળા બહેને ઉમેર્યું : અત્યારે નાના-નાના પાથરણાવાળા બહુ હશે બજારમાં. આ પાંચ દિવસ તેઓ ધંધો કરી લે. પોલિસ પણ આંખ-આડા કાન કરી એમને બેસવા દે. સામાન્ય માણસના છોકરાં રાજી થાય એવી ચીજો મળી રહે. વર્ષના બીજા સમયે આવી અને આ ભાવે તે વસ્તુઓ ના મળે. 
ખાસ તો આ વાતની પ્રેરાયી હું બજારના કામ શોધીને નીકળી. આ વાત મારા અનુભવમાં નહોતી કેમકે હું મોટે ભાગે ભીડની ભાગેડું.
ખુરશી રિપેર કરાવવી હતી. હવે એ પ્રકારની, લોખંડનું માળખું અને અંદર પટ્ટીઓ ભરેલી હોય તેવી ખુરશીઓ એન-ડેન્જર કેટેગરીમાં આવી ગઈ છે. એટલે તેના રિપેરર પણ શોધવા પડે. આ રિપેરર દિવાળી આસપાસ જોવાં મળે એટલું મેં જરૂરિયાતના માર્યા ગઈ દિવાળીએ નોધ્યું’તું. તો, એ રિપેરર પાસે પહોંચી. અમારી વાતચીત ચાલતી હતી ત્યાં બાજુમાં રાજસ્થાની પિતા-પુત્રને આઘા-પાછા થતા જોયા. ફૂટપાથના તે હિસ્સામાં એક શાક વેચનાર શાકની ઢગલીઓ પાથરી ત્યાં લગભગ બે વર્ષથી બેસે છે. દિવાળી ટાણે ખુરશી રિપેરર હોય. રીટાયર્ડ પુરુષોએ બે-ત્રણ બેન્ચો નખાવીને પોતાની હદ પાકી કરી લીધેલ છે. જુદા-જુદા પાયાઓમાં ભરાવવાના રબ્બરીયા વેચનારા બે ઢગલીધારકો ય છે. થોડેક આગળ પાણીપુરી,સોડા,પાપડીનો લોટ...આવા સ્થાનિકો વચ્ચે પેલા અ-સ્થાનિક જગ્યા બનાવવા મથતા હતા. દિલમાં એક ધડકાર ઝડપી આવી ગયો : શું થશે ? તે પિતા-પુત્રની આખી કૌટુંબિક સ્થિતિની ફિલ્લમ ચિત્તના બેકગ્રાઉન્ડમાં ફ્લેશ મારી ગઈ’તી. જરૂર પડ્યે દખલ કરવી એમ મનમાં ઉગી ચૂક્યું’તું. પણ, એક આંખના એક ખૂણાને એ પિતા-પુત્ર તરફ ઠેરવેલ રાખી મેં ખુરશીચર્ચામાં ગૂંથાયેલા હોવાનું મન મનાવ્યું. ખુરશી રિપેરર આ પિતા-પુત્રથી થોડો નારાજ જણાતો હતો.(આની પાસે ખુરશી રિપેર કરાવાય ? બાલિશ છે તું ! ગયા ત્રણ વર્ષથી ખુરશીઓ રખડે છે.) નિવૃત્ત પુરૂષમંડળનું એમની તરફ ધ્યાન નહોતું. (હાઆઆઆશ.) પિતા-પુત્ર બે બાય બેનું સફેદ જાડું કપડું ક્યાં પાથરવું એ અંગે મોટેથી બોલ્યે જતા હતા. મોટેથી બોલવાનો હેતુ સ્થાનિકોની મંજુરીની મહોર મેળવવાનો હતો. તેવામાં શાક વેચનાર ભાઈ બોલ્યા : વહી બેસો. અવરજવર હે. તેના અવાજમાં દુધમાં તજના સ્વાદ જેવી તિખાશ હતી જે હું ગટગટાવી ગઈ ને રાજસ્થાની પિતાને તે અડી કે કેમ એ હું પારખી ના શકી. આ ઇનડાયરેકટ રજામંદીથી રાજી થયેલા પિતા એ “યે ઠીક હૈ” કહી ત્યાં પોતાનો સફેદ જાડો બે બાય બેનો કટકો ખુલ્લો કર્યો. મને જે ટાઢક થઇ ! હવે, હિંમત સાથે બંને આંખ લઇ એ પિતા-પુત્ર તરફ હું આખ્ખે આખી ફરી અને તેમનું પાથરણું પથરાય એ ઘટનાના સાક્ષી બનવાનું ઠેરવ્યું. એક બાળક પાથરી શકે એવા તે બે બાય બેના જાડા સફેદ કટકાને પાથરતા પહેલાં પિતા-પુત્રે જગ્યા સાફ કરી અને સલુકાઈથી ચાર હાથે પાથરણું પાથર્યુ. સાથેનું પોટલું હવે ખુલ્યું. તેમાં રંગબેરંગી ચમકદાર કપડાં દેખાયા. ફોટોજેનિક થપ્પો હતો. તેમાંથી એક પેકેટ ખોલી કપડું બહાર લવાયું. જોધપુરી જેકેટ !
દિવાળી પછીના દિવસોમાં આણંદ,વિદ્યાનગરમાં ફૂટપાથ પર આવા જેકેટ વેચનારા ચાર-પાંચ વ્યક્તિઓ જોવાં મળ્યાં. એ જોઈ સુખ અનુભવાતું. પેલા પિતા-પુત્રને તો અવારનવાર જોતી. એક દિવસ તો ભાવ પૂછવાને બહાને વાત કરી જ આવી એમની સાથે. મારા મનમાં શું છે એ તેઓને જણાવવું બિનજરૂરી હતું. લગ્નમાં કૂદતા કેટલાક જાનૈયાઓના ડીલે તેવાં જેકેટ જોઈ લગ્ન લેખે લાગ્યા જેટલો આનંદ થતો.
છેક ફેબ્રુઆરી સુધી તેઓ આ વિસ્તારમાં નજરે ચડતા રહ્યાં. દિવાળી ના સહી, એમના પરિવારોની હોળી અજવાળી રહેશે. સારું છે, રાજસ્થાનમાં હોળીનું મહત્વ વિશેષ છે !


૨૪/૩/૧૬ 

visit

Was visiting a historical monument with friends.Being familiar with the system at smaller ASI sites, I checked and cross checked the whereabouts and when of the place. Even though, when we reached at the place,it was locked !
Three boys, around 19 years old were sitting at the otta of a nearby house. My initial feeling was of a disgust. I hate boys-youth sitting like this without any productive task and I believed (still do) that they chatter about things which require anything but intelligence and sensibility.
And my friends were foreigners! I was suspicious of the boys taking unwanted photos and expressing their suppressed wishes/dreams/desires. Their expressions can be anything between innocence and ugliness. I wished them to stay away. I wanted them to vacate the area.
But the place was locked. We were observing the outside carvings. One of the boys spoke up that the caretaker lives in a particular street. Surpassing the bitter taste of disgust in my throat, I asked : Can you call him?
All the three started passing the task to each other and one of them even declared, now, that he doesn't know the caretaker. If you are an Indian, you can precisely visualise the scene with the body language and the facial expressions of the boys.
Well, my talk with them continued with myself moving from one pole of emotion to another.I needed to contact the ASI caretaker and these boys COULD be the medium. This need helped me to view them with a sympathy of a teacher. Now, I started seeing things which might be reasons for their idleness and unattended emotions. Certainly, after the age of 18, they should be considered responsible for themselves. But, my need forced me to be kind, literary.
One of the boys was soft. The other two were playing hard on him and he was as unprotective as someone soft natured could be. I, too, gambled on him. Finally, he went to visit the caretaker and returned with sensible information. He brought the number of the person.
I talked with the caretaker on phone and he said, finally, that it will take him two hours to reach us. This talk was also of different kind ; soft yet forceful and convincing. Well! we couldn't wait for so long. Here again, the boys suggested that there is one more monument next to this ASI site and it is a private property. So, I approached at the gate of that piece of history which is a private property, obviously with the boys. We have had a great time inside that monument.
Meantime my bitterness towards the boys have gone away and we have already started talking about their education and family and for how long they sit at the otta and so on. I could see the goodness in the boys, hidden beneath the rough(not unpolished), ugly and loud physical expressions. My parental feeling has also started to bubble up demanding me to advice the boys. The kind teacher has prevented me by not doing that.
The selfish host inside me wanted good treat to my friends. And my, now empathic eldersisterhood has emerged, too, playing her part through wishing humanistic future for the boys.
I asked the soft hearted one, if we can come to his place for a cup of tea (for each one of course. We were six plus three boys as a team now.). And he happily agreed. Even though,I asked him to talk at home. His mother, too agreed happily. Who, in India would deny a cup of tea to guests? His humble mother has welcomed us wholeheartedly and we had truly lovely time over a sweet cup of tea. This thought of visiting his home was out of a sense of belongingness with the boys.
Meanwhile, the ASI caretaker has arrived (before the time, breaking our tradition.). And we could see the ASI site.
The soft hearted one is a fb friend now.
I, now, see the boys at any Otta with a different perspective.
#6@¥4
૨૭/૩/16

દુકાન ૧

દુકાન ૧
માર્ચ ૨૦૧૫. હિમાચલના એક ગામડામાં હું અને ઈવા અટવાઈ પડ્યા’તા. ટ્રેકને રસ્તે મળેલ સ્થાનિકના ઘરે રાતવાસો કરવો પડ્યો’તો. ગામથી ત્રણેક કિમી દુર આવેલ બસ પોઈન્ટ પર બસની રાહ જોવાની હતી. બસનો સમય બપોરના અઢી વાગ્યાનો હતો અને અમે ત્યાં એક વાગે પહોંચી ગયા’તા.પૂરી ફૂરસદ હતી.
કોઈ પણ અંતરિયાળ ગામમાં હોય તેવું બસ-સ્ટેશન હતું.પ્રમાણમાં સાફ. દીવાલ ફરતે,અંદરની તરફ સિમેન્ટની બેઠક. પ્રમાણમાં પહોળી. અમે તેમાંથી ચારેક ફૂટ લંબાઈ રોકી હતી. રક્સેક, શુઝ,અને વર્તમાનપત્ર ઉપર ટોવેલ ઉપર પલોઠી જમાવી હું બેઠી’તી. ઈવા તો હમેશની જેમ આજુબાજુ ઉડાઉડ કરતી હતી.
આ સ્થળે ‘ગામ’ નહોતું. માત્ર કેટલીક દુકાનો અને બસ સ્ટેશન. ત્રણ રસ્તાના પાંખીયાઓએ આગળ વધીએ, ટેકરી ચઢીએ એટલે ગામ આવતા જાય. રસ્તા પરથી તો ખ્યાલ પણ ના આવે કે આ ટેકરી પર દસ-બાર પરિવારો વસી ગયા હશે,ખેતી કરતાં હશે,શાળા હશે. આવા જ એક ગામેથી આવીને અમે ત્રિભેટે આવેલા બસ સ્ટેન્ડમાં બેઠાં હતા. બસ સ્ટેન્ડથી દક્ષિણ તરફને રસ્તે જતાં, અમે રોકાયા તે ગામ આવતું અને તે રસ્તાનો નીચે જતો ફાંટો બંધ/ડેમની સાઈટ તરફ જતો.
આ ત્રિભેટ એટલે આસપાસના ગામનું બઝાર. કરીયાણાની દુકાનો એની શાખ પૂરતી હતી. એક-બે ચા-નાશ્તાની દુકાનો. કેમકે આગળ પ્રવાસીઓને યોગ્ય ટ્રેક હતો અને ટ્રેક પહેલાનું આ છેલ્લું બઝાર. જો કે, ટ્રેક માટેના સામાનની કોઈ દુકાન નહોતી. હા, સોફ્ટ ડ્રીન્કસ,વેફર્સના પડીકાં, બિસ્કીટ્સ,ચોકલેટ્સ વગેરે મળતાં હતાં. બસ, ત્રણ-ચાર કરીયાણા, નાસ્તાની દુકાનો અને એક દુકાન શાકભાજીની. પાસે જ, નીચેના ભાગે, બિયાસ પર બંધ બંધાઈ રહ્યો હતો. આસપાસના યુવાનો માટે રોજગારીની તક. સવારે જ ગામમાં બે-ત્રણ સ્થાનિકો જોડે તે વિશે વાત થઇ હતી.
બંધ માટે કામ કરતી કંપનીમાં ઊંચા હોદ્દા પર હોય તેવાં એક સાહેબની ગાડી આવી. ફોલ્ડીગ ખુરશી-ટેબલ પથરાયા અને સાહેબ અમારા તત્કાલીન થાનક-બસ સ્ટેશનની લગભગ સામે, રસ્તાની સામેની તરફ ગોઠવાયા. બસ સ્ટેન્ડના પગથીયા પાસે લોખંડના સળિયા અને બીજો સામાન પડેલો હતો. બે કામદાર આવીને સળિયા કાપવામાં-વાળવામાં લાગ્યા.
સામાન લઇ જતાં નાના વાહનો (છોટા હાથી ટાઈપ)ની પાંખી અવરજવર તો હતી જ. તેવામાં એક બસ આવી અને બસમાંથી વેલ ડ્રેસ્ડ સ્થાનિક ચહેરો ઉતર્યો. તે યુવક હતો આ જ વિસ્તારનો. તેનું પરિધાન નોંધપાત્ર રીતે સ્થાનિક નહોતું. એકદમ સાફ, ઇસ્ત્રીદાર અને અમદાવાદ કે દિલ્હીનો કર્મચારી પહેરે તેવી લાઈનીંગવાળું શર્ટ અને અનુરૂપ પેન્ટ. વાળ પણ આ ઢબછબને મેચ થાય તેવાં. નાક-નકશો અને બોલી સ્થાનિક.
બસમાંથી તે એક મોટા થેલા સાથે ઉતર્યો હતો. તે પછી તેણે એક ખુરસી ઉતારી અને એક બાય દોઢની કોઈક નાજુક ચીજ, જે કાગળમાં વીંટાળેલી,બાંધેલી હતી, કાળજીથી ઉતારી. બસ તો જતી રહી. ધૂળ બેસવાની રાહ જોયા વગર તે યુવાન પેલી નાજુક ચીજ લઇ અમારી તરફ-બસ સ્ટેન્ડ તરફ વળ્યો. અમારો પથારો તો અંદરની તરફ હતો. યુવાને બસસ્ટેન્ડની ધાર પાસેની બેઠક પર પેલી નાજુક વસ્તુ ટેકવી. બીજે ધક્કે થેલો લઇ આવ્યો અને આગળના થાંભલા પાસે મુક્યો. દરમ્યાન સાહેબની ઠાઠભરી ખુરસી પાસે તેની લાકડાની ઊંચી ખુરશી સરસ કોન્ટ્રાસ્ટ ઉભો કરતી રહી.
આસપાસના લોકો અને અમારામાં પૂરતું કુતુહલ જન્મી ચૂક્યું હતું. યુવાન પેલી ખુરશી પણ લઇ આવ્યો અને બસ સ્ટેન્ડની અંદર તેને ગોઠવવા લાગ્યો. ગોઠવવું તો શું, ખુરસી માટે તે વધુ અનુકુળ જગ્યા નક્કી કરતો હતો. પગથીયા આગળ બેસી સળિયા કાપી રહેલ બે વ્યક્તિઓ જોડે તેની વાત શરુ થઇ. નામ-ઠામ ઈત્યાદી. ખુરશી ગોઠવાઈ ગઈ. હવે વારો પેલા પડીકામાં સંતાયેલી નાજુક ચીજનો આવ્યો. કાગળના આવરણ ઉતારાડાયા અને પ્રગટ્યો અરિસો ! ઓહ ! આ ભાઈ કેશકર્તનકાર છે! પછી તો થેલામાં સલુકાઈથી ગોઠવાયેલા પડીકાઓમાંથી ચીજો નીકળવા માડી. કાંસકાઓના રેપર તૂટ્યા. નવી નક્કોર સ્પ્રે બોટલ બહાર આવી જેનું પેકિંગ ખોલવામાં આવ્યું અને પાસેના ટેન્કરમાંથી તેમાં પાણી ભરી ટેસ્ટીંગ પણ કરી લેવામાં આવ્યું. ક્રીમની હોય તેવી કેટલીક ડાબલીઓ નીકળીને બસ સ્ટેન્ડની બેઠક પર સ્થાન પામી. કુત્રિમ મહેંક ઉમેરાતાં, હિમાલયના આ ટુકડાએ અચાનક ગણવેશ પહેર્યો હોય તેમ, વાતાવારણ ખુબ પરીચિત અને કુત્રિમ પણ રસપ્રદ બની ગયું.
કેશકર્તનકાર પાકકો વ્યવસાયિક છે તેમ તેના આવેશ કે આનંદ વિનાના ચહેરા પર છપાયેલું વંચાતું’તું. દુકાન ગોઠવવાના કામમાં, માત્ર ચપટી સામાન હોવા છતાં, તે ખુબ મશરૂફ જણાતો હતો. કોઈ પૂછે તો તે જવાબ આપતો,વાત કરતો,પોતાની ગોઠવણ પ્રવૃત્તિ ચાલુ રાખીને. એક ગ્રામીણ કારીગર એક-બે વાર આ રસ્તેથી આવ-જા કરી ગયો હતો.આખરે ત્રીજી વેળા તે કેશકર્તનકાર પાસે આવી જ ગયો અને વાળ કપાવવા બેઠો. તેનું કહેવું હતું : કિસીકો તો શુરુઆત કરાની થી તો હમસે સહી. તે પ્રથમ ગ્રાહકના ચહેરા પર પુણ્ય કર્યાનો ભાવ હતો. જો કે, કેશકર્તનકાર આ ભાવને ઝીલી શકવા જેટલો માયાળું માનવી ના લાગ્યો. પાતળી પણ તિક્ષ્ણ ધારવાળી કાતરોની કચકચથી વા તાવરણમા નવા સૂર ઉમેરાયા, જે હવે અહીં વેરાતા રહેવાના હતા.
પ્રથમ ગ્રાહકે રકમ ચૂકવી જેને કેશકર્તનકારે અદબથી સ્વીકારી. એની અદબમાં કૃતજ્ઞતા નહોતી. શક્ય છે, દુકાન જામવા-ના જામવા અંગેની શંકાઓ તળે એની કુમાશ દબાઈ ગઈ હોય. બીજો ગ્રાહક ઊભો જ હતો, જે દાઢી માટે બેઠો. તે બીજો ગ્રાહક અમારો પરીચિત યુવાન હતો. તેણે આજે સવારે જ ઇવાને કેટલાંક લીલા સફરજન આપ્યાં હતા. ઋતુ વિના લીલા સફરજન અંગે મેં તેને પૂછ્યું તો કહે : પિછલી મૌસમ કે હૈ. ક્યાં સાચવ્યા’તા?કેવી રીતે? કોલ્ડ સ્ટોરેજ બહેનજી! સ્ટોર કરનેકી જગા ચાહીએ બસ, કોલ્ડ તો યહાં હૈ હિ. આ યુવાન નવી હવાને અડી ચુકેલો. તેનામાં પહેલા ગ્રાહક જેવી કૂણી પુણ્યભાવના નહોતી. બસ,નવું અજમાવી જોવાની પેશનફેશન હતી.
બીજા ગ્રાહક સાથે લાગતું’તું કે આ દુકાન જામી જશે. આજે બસ સ્ટેશન પર. વર્ષે દહાડે લાકડાની કોઈ નાની ખોલીમાં અને જો આ વિસ્તારનો ‘વિકાસ’ વધ્યો તો તેને અનુરૂપ સલુન તરીકે. તેનાથી પ્રેરાઈ ‘કેવલ મહિલાઓ કે લીયે’ બ્યુટી પાર્લર ખુલશે.
આ વિસ્તારમાં આ કાર્ય આજ સુધી કદાચ વ્યવસાય નહોતું. કદાચ દરેક ગામમાં એક કર્તનકાર કુટુંબ હશે જે ગામના પુરુષોને રાજા રવિ વર્મા ટાઈપ હિંદુ દેવ જેવા ‘સાફ’ રાખતો હશે. મારા માતૃક ગામમાં એવી વ્યવસ્થા હતી. તે કુટુંબો ધાર્મિક-સામાજીક વિધિઓમાં પણ ચોક્કસ પ્રકારનાં કાર્ય કરવા નિયુક્ત થયેલાં રહેતાં. મારા ગામમા તો એ પરંપરાને લુણો લાગ્યે એટલો સમય થયો કે મારા કુટુંબના બાળકોને આવી કોઈ પરંપરા હોય તે પણ ખબર નથી. તેવો લુણો હિમાચલની એક ત્રિભેટે લાગવો શરુ થયાની હું સાક્ષી બની. અહીં લુણો શબ્દ એટલે વાપર્યો કે તે વિસ્તારમાં ‘મીઠાં’ માટે ‘લુણ’ (અને મહેમાન કે અતિથિ માટે ‘પરોણો’) શબ્દ ચલણમાં છે.
અમારી બસ આવી ગઈ.
#6@¥4
૮/૪/૧૬ 

Annual Exam

Each year, we count on few lives. We wish, desperately, to be a medium to make some developmental changes in their lives. Nirali starts crying with smaller incident, to generate pressure. Yashvi is misbehaving cz she has serious trouble at home. Bhoomi-the brilliant, craving for love, tastes our limits. Bhoomi (std-6) , being differently abled, needs care. Diya misses her grandfather and we can never fill up that space. Krishna has running nose but she's not working on it-as on her handwriting and hair. Menka, it took a lot to bring her to school and she is a regular student now and we should make her regularity worth. Bhumika, no parent, living with grandmother who is earning as a maid, should go from here with useful lessons for life.
Wish, Nemat would be allowed for college. Wish Kajal wouldn't be send to her in-laws so early. Wish we could show right path to Sangeeta.
Mittal has improved health and education wise. Menka's performance is so very satisfying. Indu is shining brightly so we should include her in more tasks. Nisha and Neha too displayed development and wish they continue it.
This is what we 'talk' at school , while we check answer sheets and 'grade' our work. This is what we think aloud and plan our actions accordingly, together.
Each year, preparing annual mark sheet becomes as emotional as exhausting for us. We read answer sheets as if we read lives. We, with our limitations, get angry, frustrated, often feel helpless. Yet, discuss new plans for next academic session and for specific girl.
We, quite very aware that we are not doing enough, that we are trying to stitch the torned sky, yet, we, reliving our frustration and burden of non-action through gossip-like chat, move forward.
Yes, we are paid for what we are doing and are quite decently paid. We are not into any charity. But, it hurts when we see 'our' girl living at below human standards. And we are aiding that.

ત્રાજવું

ત્રાજવું.
ઓરડાની હવા તંગ અને ખાટી થઇ ગઈ. મારા ચિત્તમાંથી ઝમતા સત્તાના મદની આ અસર મને ગમતી પણ હતી અને અણગમતી પણ. ગમા-અણગમાનું ત્રાજવું સંતુલિત હતું પણ મારી સમજણનું પલ્લું અહં સામે ઉંચે ચઢેલું.
જો કે, કોઈ પણ સારો અધિકારી કરે તેવું કાર્ય મારા પલડે જમા કર્યું'તું. મેં સુચના આપી'તી : ફર ફર ના કર. બોલ-બોલ ના કર. સ્થળ-સમયનું ભાન રાખ.
પણ, તે કશા કેફમાં હતી. કદાચ છેલ્લા સમયને દાંત વડે ખેંચીને લંબાવી લેવા માંગતી હતી.
'હું મારી જવાબ-દારીમાં બંધાયેલી હતી' એ દલીલ બીજા બધાને ગળે તરત ઉતરી જાય તેવી સ્વાભાવિક હતી પણ એ મને ખટકતી હતી. તેની સ્થિતીથી હું વાકેફ છું ને ! ખુશ રહેવાનો, પોતાની ક્ષમતાઓ પ્ર-દર્શિત કરવાનો મોકો તેને માત્ર અહી જ તો મળતો હતો ! અને તે તેનો વટ્ટ મારા પર કેટલો ચાલે છે એમ પણ ગાઈવગાડી જતાવવા ઈચ્છતી હતી.
અને મેં જાહેરમાં સાબિત કરી દીધું કે તેના સ્નેહને વશ થાઉં એટલી દ્રવ્ય હું નથી.
હું તેને વઢી,તેના મિત્રો સમક્ષ.
હંમેશની જેમ, પસ્તાવો પ્રગટ્યો, પાછળથી.
મન રમતું રહ્યું : સોરી કહેવું જોઈએ.
પણ,હવે તે ક્યાં મળવાની હતી? હવે તેને અહી આવવા ક્યાં મળવાનું હતું?
આ માહિતીથી મેં અજંપો અને નિરાંત અનુભવ્યા. સમપ્રમાણમાં. આ સમતા નથી, બિમારી છે એમ જાણવા છતાં હું અજંપાવાળા પલડાનું દળ વધારતી રહી.
વચ્ચે એક દિવસ તે આવી ને જતી રહી. મને મળવા ના આવી.
તે ય મારું પ્રતિબિબ પડઘાવતી હતી. એક શિક્ષક તરીકે હું ખોટો આદર્શ પેશ કરી રહી છું તેવું જ્ઞાન મારી પાસે હતું, કોઈ પાઠ્યપુસ્તક જેવું. બસ, તે બાબત સમજણ નોતી બની.
છેલ્લા પેપરમાં મારું સુપર-વિઝન તેના ખંડમાં હતું. પેપર વહેલાં લખી રહ્યા પછી તેણે વાતો કરવાનું , બીજી બેંચ પર જઈ રમવાનું , કેરીના કટકા ખાવાનું-વહેંચવાનું શરુ કર્યું. મેં તેને ટોકી, કેટલીક વાર ટોકી પણ બે-અસર. પછી શું ! મેં સત્તાધારી અવાજે હૂકમ કર્યો પરીક્ષાને અનુરૂપ વર્તન કરવાનો. અને ઓરડાની હવા તંગ અને ખાટી થઇ ગઈ.
સાથી શિક્ષકે આ વાત જાણી મને ટોકી: શું કામ છેલ્લે દિવસે બિચારીને વઢયા! બીજા શિક્ષકે મારા વર્તનને વાજબી ઠેરવ્યું. પલડું સંતુલિત.
તેનું પરિણામપત્રક લખતી વખતે ભાવુક થઇ જવાયું. 'ઠાલી ભાવુકતા',મેં મને પીડી.
પરીણામ લેવા તે આવી. એકદમ મારી સમક્ષ ધસી અને પોતાની નોટ ધરી : "જો મેં કેટલીક ગઝલો લખી છે. આ એક દિકરીના જીવન વિશેની છે." તેના અવાજમાં ભેજભરી ધ્રુજારી હતી. હું તો પાછલા અઠવાડિયાથી એ ભેજને ખાળી ખાળીને અભિવ્યક્તિને કોરી રાખવામાં સક્ષમ બની ગઈ'તી. મારી પાસે ય તેને આપવા એક નોટ હતી : જો, આમાં લખજે. તારા વિશે,તારી લાગણીઓ વિશે. કવિતા કે વાર્તા કે ડાયરીરૂપે. લખજે.
નોટની લેવડદેવડ સાથે પલડું ફરી સંતુલિત થઇ ગયું, અમારા સંબંધનું.
#6@¥4
૧/૫/૧૬ 

મોનોલોગ

સાવ ખોટી વાત!
ના,વાત ખોટી નથી. તને મારા વર્તનમાં એ વણાયેલી દેખાતી નથી એમ કહે.
સારું, એમ કહું કે, 'તું ખોટી છો' તો તારાથી સહન થશે?
સહનની વાત હાલ પૂરતી બાજુ પર રાખી કહું તો હું ખોટી હોઈ શકું,પણ એ મારો ઈરાદો નથી.
તું ઝૂઠ્ઠી છો.
બિલકુલ નહીં. હા, તું મને ડરપોક કહી શકે.
ડરપોક અને તું?
કેમ?
તારાથી ભલભલા ફફડે છે ને તું ડરપોક ? તારી આક્રમકતા વિશે તું અજાણ જણાય છે.
ના. હું જાણું છું કે હું આક્રમક છું અને ડરામણી પણ. એટલે હું ડરપોક નથી એમ કરતાં ડરપોક છું એમ સાબિત થાય. ન્યુટનની ગતિનો નિયમ પ્રમાણે.
હશે,તેનાથી પેલી વાત સાચી સાબિત નથી થતી.
તું એ વાતમાંથી મને, મારી છાપને ભૂસીને જુએ તો પણ ?
પણ, મેં એ વાત તારી પાસેથી તો જાણી.
હા,એ ખરું. પણ, એ વાત,વાક્યના શબ્દને તું છુટા પાડી દે અને શબ્દકોશમાં તેના અર્થ તપાસ. શું એ પછી પણ તે વાત ખોટી છે તેમ કહીશ?
શબ્દકોશમાં તો શબ્દના ઘણા અર્થ મળે, એકબીજાને આવરતી અર્ધપારદર્શક અર્થછાયાઓ મળે ને પરસ્પર વિરોધી ભાસતા અર્થો ય મળે.
છતાં, વાત-વાક્યના દરેક શબ્દના અર્થ શબ્દકોશમાં જો. તારી પસંદગીના અર્થથી શરૂઆત કર. દરેક શબ્દનો સમાનાર્થ એમ મૂક કે જેથી સાર્થક પદ, વાક્ય બને. ઉપરની વાતના આવા શક્ય તેટલા અર્થો શબ્દકોશનો ઉપયોગ કરીને લખ અને પછી કહે કે તે વાત ખોટી છે.
ઠીક. ... તું એમ કહે છે કે વાતમાંથી કર્તા કાઢી નાખું અને માત્ર ભાવ પકડુ?
તે સરસ પકડ્યું. હું એમ પણ કહેવા માંગું છું કે કર્તાને સ્થાને તું તને મુકીને પણ જો.
... કોઈ બાવો કે રાજકારણી કે લેખક કે વક્તા આવી વાતોથી લોકોને છેતરે તો પણ તું તારું આ મંતવ્ય પકડી રાખે ?
હા અને ના. ઈરાદાપૂર્વક બોલાયેલ-લખાયેલ વાત ગમે તેટલી સારી હોય તો ય એ ખોટું છે : એ કાર્ય ખોટું છે. વાત, વાતનો અર્થ ખોટા નથી.
લાગે છે આ બાબત એ લોકો અંદરખાને સમજે છે અને એટલે આવું બક્યા કરે છે.
કદાચ. સત્તા, કોઈ પણ પ્રકારની, નાની કે મોટી, સત્તા માટે ઈચ્છુક લોકો આ સત્ય સમજતા હોઈ પણ શકે. એ લોકોમાં લોકલાગણી અને લોકભાવના પારખવાની ગજબ આવડત હોય છે.
શાણા !
હા, એવું જ. એ લોકો આપણા કરતાં વધુ હકારાત્મક પણ હોય છે એમ મને લાગે છે. તેમને જાણે કે ખાતરી હોય છે કે કેટલાક માણસો કોઈ પણ સંજોગોમાં ભલાઈના કામ કરવાના.
એટલે ?
જો, તું એક સારી વાતને ખોટી કહેતી હતી કેમકે તેમાં તને કાર્ય કે વર્તનની નક્કરતા ના દેખાઈ. એમ છતાં, તું જ રાતે સુતા પહેલાં એવું કાંઈક કરવાની જેને સારું કે ભલું કહી શકાય. તું અત્યારે પણ સારપ અને ભલાઈના ઈરાદાથી વાત કરી રહી છો. ઈરાદો ય જવા દે, તું વગર વિચાર્યે આવું જ કરે. બસ, એ સત્તાપ્રેમીઓને આ વાતની ખબર છે.
આ બાબત સારી લાગે છે પણ, તેઓ પોતે જે કરે છે તે ખોટું છે અને એ ચલાવી લેવું મને ગમતું નથી.
શું નથી ગમતું ?
હંમ... શબ્દોનો દુરુપયોગ, લોકોની છેતરામણી, જુઠ.
ના ગમાડવા ઉપરાંત બીજું કઈ કરવા ધારે છે ?
વિરોધ !
તને યાદ દેવડાવું કે તું શબ્દોના ખેલાડીઓ સામે શબ્દોથી વિરોધ કરવાની વાત...
ભલે.પણ, એ કરવું મને જરૂરી લાગે છે.
બિલકુલ. હું તો માત્ર તને હકિકતનું ભાન કરાવું છું.
હંમ...
તને યાદ દેવડાવું કે જુઠાણાં સત્ય તરીકે ચાલી ગયાના ઐતિહાસિક દાખલા ય છે.
હા. પણ, જય સત્યનો થાય છે.
સાચે જ ?
તો વળી ? મોડો થાય પણ સત્યનો જ જય થાય.
તું વ્યાખ્યાઓ બોલે છે, તારી અનુભૂતિ નહીં. તેને જુઠ કહેવાય કે નહીં ?
...હું અજાણતાં બોલી.
તો ? તારી વાત મારે સાચી માનવી એમ ?
સત્ય એટલે શું?
તું કહે !
Conviction?
કદાચ !
જો એમ હોય તો તો પેલા સત્તાખોરોના સત્યનો ય જય થાય.
એમનું સત્ય શું ?
... સત્ય તરીકે પ્રચલિત વિધાનો બોલતા રહેવા. અથવા કેટલાક નરવા શબ્દો જેમ કે 'પ્રેમ', 'સહકાર' વગેરે વાપરી નવાં જુઠ ઘડી કાઢવાં. અને એ બધા વડે લોકોને ભોળવી સત્તા મેળવવી, ટકાવવી,વધારવી.
એમ જોતાં તો જુઠનો જય થયો જણાય છે. કેમકે, તે લોકો પાસે સત્તા 'છે'.
પણ, તેઓ એ વાપરેલા શબ્દો...
તટસ્થ હતા, નિર્જીવ યંત્ર જેવા.
તો શું કઈ પણ બોલવું, લખવું એ ખેલ છે માત્ર?
અને જેઓ પોતાની અનુભૂતિ કે દર્શન વ્યક્ત કરવા તેનો ઉપયોગ કરે તેમને માટે...?
અભિવ્યક્તિ !
અને તેનું માધ્યમ, બંન્ને.
આ તો કળાના દરેક માધ્યમને લાગુ પડે.
દરેક અભિવ્યક્તિ કળા જ તો છે !
અને બધે જુઠનો અવકાશ અને ક્યારેક જય પણ છે.
જુઠ એટલે?
કોઈ નૃત્યાંગી બરાબર નૃત્ય ના કરે, ચિત્રકાર બરાબર ના ચિતરે?
બરાબર એટલે ?
નિયમ પ્રમાણે.
પણ, ફેડરર બે પગ વચ્ચેથી ટેનિસના દડાને ફટકારે એ નિયમભંગ કહેવાય કે નહીં?
નિયમ પ્રમાણે નહીં, ઈરાદાની નેકીથી કરે તે કામ બરાબર. નિયમો તો તુટતા,બનતા રહે છે.
બરાબર. અને નેક ઈરાદો એટલે ?
એટલે, પોતાની આવડત મુજબ, કોઈને છેતર્યા વગર.
લેખક-વક્તા એમની આવડતથી જ લખે-બોલે છે જે તને હમણાં જૂઠ લાગતું હતું.
પણ એમનો ઈરાદો છેતરવાનો હતો ને!
એટલે ઈરાદો સત્ય-જૂઠ નક્કી કરે, એમ?
હા.
એટલેકે વાતની સચ્ચાઈ કે જુઠતા તેના બોલનાર/લખનાર પર આધારિત છે.
હા!
એટલેકે કર્તા પર.
હા.
તો સાચ-જૂઠ નક્કી કરવામાં વાચક/શ્રોતા, ભાવકની ભૂમિકા અવગણી શકાય ?
ના!
એટલે કે સત્ય...
વ્યક્તિનિષ્ઠ છે. તો...?
સત્યની સનાતનતા, જયનું શું , એમ ને ?
હંમ.
અને સારપ, ભલાઈ ?
સત્તાખોરોને ય એના પર ભરોસો છે.
એકદમ! અને સનાતન સત્યોની લોકઅસર પર પણ.
એટલે કે જૂઠ જીતે છે પણ સત્ય-સારપના ઓઠે.
બીલકુલ ! તો, જીતનું લક્ષ્ય તાકનાર કોણ ?
જુઠ.
અને હાર-જીતના દાયરા બહાર, માત્ર હોવા માટે હોય તે શું ?
વાહ! સત્ય,સારપ,ભલાઈ.
એટલે...?
સત્ય-સારપને હાર-જીતથી ફેર પડતો નથી.
એટલે કે તે અકારણ હોય છે.
એટલે કે સનાતન !
તો સત્યની જીત કરાવવા મથવાની જરૂર ખરી?
એ મથામણ કરવા કારણની જરૂર ખરી ?
સાચી વાત છે !
૩૦/૫/૧૬ 

મીઠ્ઠી

મીઠ્ઠી મારી દેશી ગોળનું દબડું
જ્યાં અડે ત્યાં ચોંટી પડતું
પ્રવાહ ભેળું પલળતું
મીઠ્ઠીની વાતો, પ્હાડ ને ખીણ
કાં તો ઉછળતો દરિયો ને ફીણ
ચઢવું,પડવું કે ડૂબતા રહેવું
કે પૂનમ જેવું હસવું

૪/૬/16

બ્રહ્મપુત્ર

કોઈ પુરૂષ પિતા તરીકે-દિકરીના- કેવો છે એ જીજ્ઞાષા મારામાં સમાંતર ઊભી રહે. પુત્રીને સાચવી જાણી, થાળે પાડી દીધી કે ખીલવા અને મહેંકવા દીધી- એ હું જોયા કરું. મારા અવલોકનો માત્ર નિરિક્ષણ હોય છે, તેમાં કસોટીનું તત્વ નથી હોતું. એટલે, દીકરીને ડાળે વળગાડી દેનાર બાપ જોડે ય મારે મિત્રતા હોય. હું આવું અવલોકન ક્યારથી કરતી થઇ એ ખ્યાલ નથી પણ કેમ કરતી થઇ એ સમય જતાં સમજાયું.
ચંદ્રકાંત બક્ષીનો એક ખયાલ-જે તેમણે કોઈક ફિલ્મી ગીત પરથી પકડ્યો હતો- પિતા તરીકે હિમાલય, મને વાંચતા ભેળો ગમી ગયેલો. તે પછી ઘણીવાર હિમાલય પાસે ગઈ છું, મને તે બાપીકો ના લાગ્યો. આ અનુભૂતિ અંગે પણ હું ખુબ મોડા સભાન થઇ. હિમાલય બાપ છે કે નહિ તેવો સભાન સવાલ પણ મનમાં નહોતો ઉગ્યો.
અયોધ્યામાં સરયું કાંઠે તેની વિશાળતા એકદમ આંજી ગઈ. ઓહો ! આટલો પહોળો પટ ! સિંધુને સમાંતર વહેતી કારનો વાહક 'દેખો મડમ, દરિયા દેખો' બોલતો રહેતો ત્યારે કેટલાક કલાક પછી ચિત્ત ચમકેલું-લે, આ કાશ્મીરી સિંધુને દરિયા કહે છે ! ત્રિવેણીનો ય પટ તો વિશાળ છે. પણ કદાચ નદીને માં તરીકે જોવાનો સાંસ્કૃતિક વારસો છવાયેલો રહ્યો.
ગૌહાટીમાં બ્રહ્મપૂત્ર અમારા પડાવથી કેટલાક ડગલા દુર. બીચ પર ફરનારાઓ માટે હોય એવી કેટલીક વ્યવસ્થાઓ - બેસવાની-નાસ્તાની તેને કિનારે ઠેક ઠેકાણે હતી. બ્રહ્મપૂત્રના ગૌહાટી તરફી કિનારે ટહેલતા મનમાં પોંડીચેરી સાથે સરખામણી થઇ ગઈ હતી. સરયુંની જેમ બ્રહ્મપૂત્રનો સામો છેડો ક્ષિતિજ બની જાય.
બ્રહ્મપૂત્રનો પરિચય એને પસાર કરવાનું થયું-પૂલ પર થઈને- ત્યારે આવ્યો. શી પહોળાઈ! ભુગોળમાં ભણેલી અને કલ્પનાએ ચણેલી હોય તેવી નદીની બધી વ્યાખ્યાઓ ડૂબી મરે-સંકોચથી. બ્રહ્મપુત્ર નદી નથી, નદ છે. પુત્રી નથી, પુત્ર છે. માઝોલી જવા વહાણમાં બેઠા અને ચોતરફ બ્રહ્મપુત્રની અગાધતા ઘૂંટાઈ ત્યારે મને થયું- બાપ ! બ્રહ્મપુત્રમાં મને પિતા જડ્યો. અને એ અનુભૂતિએ મને આવરી લીધી.
માઝોલીના મુકામ દરમ્યાન તે અનુભૂતિ સતત રહી, ત્યાં સતત ઉપસ્થિત બ્રહ્મપુત્રની જેમ.
આ અનુભૂતિએ હિમાલય,સિંધુ,સરયું અને બીજા પ્રાકૃતિક તત્વો સાથેના મારા સંવાદો-સંવેદનો, જેના અંગે હું સભાન નહોતી, ચિત્તની સપાટી પર લાવી આપ્યા. એથી જાણે મને મારા એક અંશનો પરિચય થયો.
બ્રહ્મપુત્રના કિનારે એક જુદી જ સંસ્કૃતી છે ; જેમાં ચંદ્ર મામા નથી(સ્થાનિક ઉપમા ભૂલી ગઈ છું) અને સૂરજ દાદા નથી-માં (સ્મૃતિદોષ બદલ ક્ષમયાચના) છે. તે જ બ્રહ્મપુત્રના ઉદગમ પાસે પરશુરામ કુંડ છે ને તેને જ કિનારે કામાખ્યા શક્તિપીઠ છે! તાળા વગરનું વૈષ્ણવ માઝોલી બ્રહ્મપુત્રને ખોળે રમે છે-અવારનવાર ધમરોળાય છે. હા,બ્રહ્મપુત્ર બાપ છે.

સમ-જણ

*સમ-જણ.
આ વિગતો હું તેર-ચૌદની થઇ ત્યાં લગીની છે. તે સમયગાળાના સંવેદનોને શબ્દો આજે મળ્યા.
ગામડામાં મોટી થઇ. ઘરે ખેતી. રોજિંદા કામમાં મદદ કરવા નજીકના નાના ગામમાંથી પુરુષોને વર્ષભરનું મહેનતાણું ઠેરવી કામે રાખવાનો રિવાજ. આવા પુરુષને 'જણ' કહે. આ પ્રક્રિયાને 'જણ રાખ્યો' કહેતા અને પછી તો એ આખેઆખો 'જણ' ફલાણાં મામાનો બની જતો. (મોસાળમાં ઉછરતી હોવાને કારણે મારી પાસે 'કાકા' સંબંધ નથી. )
ત્યારે 'જણ' શબ્દનો અર્થ ખબર નહોતી. તે શબ્દ સર્વનામ હોવા છતાં નામ તરીકે વપરાતો. અમારા 'જણ'નું નામ 'ભાથી'. 'ભાથ્યા' કહી તે(મ)ને બોલાવતા. હું પણ 'ભાથ્યા' કહેતી હોઈશ એમ લાગે છે. કેમકે, 'ભાથીમામા' કહેવું શરું કર્યું તે ક્ષણની અનુભૂતિ યાદ છે.
"ફલાણાને ત્યાં જણને સાચવે નહીં, ફલાણી જ્ઞાતિ જણનો કસ કાઢી લે. આપણે ત્યાં તો આપણા ઘરનો માણસ." આવી વાતો થતી રહેતી. હા, અમારા ત્યાં જે વ્યક્તિ જણ થઇ આવતી તે વૃદ્ધ થાય ત્યારે તેના દીકરાને અમારે ત્યાં 'મૂકી' જતી એ પરંપરા હતી. આ વાત જયારે ઘરમાં થતી, મને ગમતી અને ખટકતી. સારા-નરસા પ્રસંગે એકબીજાને ઘેર જવાની પરંપરા ય હતી, પરસ્પર મોસાળા ય થાય, એટલું અણીશુદ્ધ ગમતું.
ભાથીમામાથી અમારી સવાર ઉગતી અને રાત ઢળતી. સવારે ગમાણમાંથી તે ઢોર કાઢતા અને રાતે અમારા ખાટલા પાથરતા. તેઓનો ખાટલો,પથારી,જમવાના વાસણ જુદા રહેતાં. તે હંમેશા રાતે સૂતાં પહેલાં નહાતા, સવારે નહીં. માટલાં મામી વિછળતાં, એમાં પાણી ભરવાનું ભાથીએ. પણ, ભાથી માટલાને અડી ના શકે. કોઈ કારણસર ભાથીમામા પોતાને ગામ ગયા હોય તો ઘર આખું ઘાંઘવાઈ જતું. એકવાર આગામી વર્ષ માટે ભાથીનો 'ભાવ' અને શરતો નક્કી થઇ રહ્યાની ઘટના પાસે જઈ ચઢી'તી. કમકમીને ભાગી છૂટી'તી. 'ભાથીજી મહારાજ' ફિલ્મ આ પછી આવી'તી. એ ફિલ્મ જોયા પછી મને સમજાયું નહોતું કે તે સંદર્ભે અમારા ભાથી માટે રાજી થવું કે નહીં .
ભાથીનું કામ છોરાંથી ઢોરાં સુધીનું. ખુબ વ્હાલ કર્યું છે મને અને મારા ભાંડુઓને એમણે. અને ખુબ ખુબ કામ.
એક વર્ષે ભાથીનું સ્થાન બાબુએ લીધું. એમને હું બાબુભાઈ કહું. એ જ લાગણી,સ્નેહ અને મહેનત ! મનમાં કેટલાક ડંખ ચચર્યા કરે પણ એની તરફ ના જોવાની આવડત કેળવાઈ ગઈ હતી. હા, વહાલ વેળા જીવને મલમ લાગતો. ઘરનું કોઈ વડિલ એમના પર ખિજાય તો ભીતર રડી પડતું.
જીવન આગળ વધીને ગામથી દૂર થઇ ગયું. જીવને એક જાતની નિરાંત : દેખવું ય નહીં ને દાઝવું ય નહીં. પણ, રજાઓમાં ઘરે જઈએ એટલે બાબભૈ હાજરા-હજૂર. ખોંખારો કરીને હાજરી પુરાવે. બંધ મકાન ચકાચક મળે.બાબભૈ પર હવે ઉંમર વર્તાય છે. હવે જણની જરૂરિયાત નથી રહી. પણ, અમારા ઘરના પ્રસંગોમાં તેઓ જાણે કે અનિવાર્ય છે. બાબભૈની હાજરીથી સૌ કામ અને સલામતી બાબતે આશ્વસ્ત થઇ જાય.
શહેરમાં જાણ્યું કે કેટલાક વિસ્તારોમાં આ 'જણ'ને 'સાથી' કહે છે. (મને 'ભાથી' સંભળાય.) અને આ પ્રથા બધે જ છે એ જાણી ભાર ખંખેરવા તત્પર થયેલું મન એ જ ભાર તળે કચડાયુ'તુ. પણ, કચડાવું જોયુ ના જોયું કરવાની આવડત કેળવાયેલી હતી એટલે હાથ ખંખેરી ઊભી થઇ ગઈ.
શહેરમાં હવે રાજસ્થાની રામ છે. ઈંગ્લીશ મીડિયમની અસરમાં રામા ય કહે.(બહુવચન તરીકે નથી વાપરતા આ શબ્દ શહેરી જન ) તે હોળી કરવા જાય ત્યારે સોસાયટીમાં રામકથા થાય છે. અમારે ત્યાં દિનેશ, દિનેશભાઇ છે, વર્ષોથી. એમને કિશોરમાંથી યુવાન થતા જોયા. જોઈશું આગળ.
#6@¥4
૯/૮/16

પડછાયા

તારા લગી લંબાવેલ તાર પર
સપનાં સુકવું
યાદ તપાવું
હિંચુ
ચોટલો ગૂંથું 
એક ગીત રણઝણાવું
વહેતી મુકુ એક વાત
ચાહું તે કરું
લંબાવેલા તાર પર
તારા સુધી
હે સૂર્ય!
#6@¥4
૮/૮/૧૬ 

રત

યાદની આ આવડત સરસ છે,
ચાહતાંવેંત આવી મળે તરત તે !
કબીરાની ચાદરમાં મીરાંનું ભરત છે,
જાત જોઈ,જાતિ જોઈ, ભારત, પરત દે?
ભલે! આ વાત શબ્દની રમત છે.
દાવ લઈને રમવી, રાખી સરત, લે !
#6@¥4
11Aug-16