10.1.21

૩.૧ : (૯) જીવનનું ખોવાઈ ગયેલું નગર

આપણે અહીં આપણા ઘર અને સમયથી ઘણા પાછળ છીએ.
આપણી આકાશગંગા એક સમયે યુવાન અને ખુબ ફળદ્રુપ હતી; આજે જેટલા તારાને જન્મ આપે છે  તેના કરતાં ત્રીસ ઘણા તારા ત્યારે પેદા કરતી હતી. તારાઓની ભઠ્ઠી.

૧૧૦૦૦ કરોડ વર્ષ પહેલાંની એક ઉનાળું રાત-
આપણો તારો તો આકાશ ગંગાનું પાછળનું સંતાન છે. અને આપણા અસ્તિત્વના ઘણા બધા કારણોમાંનું તે એક છે.
ટૂંકા આયુષ્યના, વિશાળકાય તારાઓ નાશ પામ્યા પછી એક સમય આવ્યો, બીજા પ૦૦ કરોડ વર્ષ પછી, તે મૃત તારાઓને તેમના ભારે તત્ત્વો આપણને દાન કર્યા. તે તત્વોના કારણે આપણા સૂર્ય મંડળના ગ્રહો અને ચંદ્રો પોષ્યા, સમૃદ્ધ કર્યા.
અને આપણે તે તારકીય તત્ત્વોના બનેલા છીએ.

ગુરુત્વાકર્ષણની ઝપ્પીએ વાતાવરણના વાયુ અને રજને બદલીને આપણે જેને ઘર કહીએ તે આકાશગંગા બનાવી.
આપણા સૂર્યનો જન્મ થયો. 
તારા તેના ફરતેની દુનિયાઓને કિંમતી ખનિજ, હિરા અને ઑલિવીયનોથી નવરાવે છે, જે આપણી વાર્તામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
તારાઓ ગ્રહો, ચંદ્રો, ધૂમકેતુઓ બનાવે છે.

ગુરુ, આપણા સૂર્ય મંગળનું પહેલું સંતાન.
ભવિષ્યના ગ્રહો અને ચંદ્રો ઑર્ગેનીક અણુઓ- અત્યારે જીવન ઘડનારા મૂળભૂત રસાયણોથી છલકાય છે. તે બીજા તારાઓના મૃત્યુમાંથી તેમને મળેલ વારસો છે.

બ્રહ્માંડ જે સહજતાથી તારાઓ અને દુનિયાઓ બનાવે છે તેવી જ રીતે જીવનને જન્મ આપે છે કે શું?
આવો, તે રહસ્યના દિલ સુધી પહોંચીએ.

ખૂબ ખૂબ સમય પહેલાં, જ્યારે આપણી દુનિયા હજી યુવાન હતી, પૃથ્વીને આવરતા મહાસાગરના તળિયે એક નગર હતું. તે નગરને બાંધવામાં હજારો, લાખો વર્ષ લાગ્યા, જો કે, ત્યારે પૃથ્વી પર જીવન ન હતું.
તો પછી, તે સબમરીન સ્કાયસ્ક્રેપર્સ બાંધ્યા કોણે?

કુદરતે.

કાર્બન ડાયોક્સાઈડ અને શંખ, છીપ, મોતી બનાવવા તે જે ખનીજ વાપરે છે- કેલ્સિયમ કાર્બોનેટ- તેનો ઉપયોગ કરીને તેણે બાંધકામ કર્યું. તે ઊંચા ટાવર તો તેમની નીચે જે થયું તેની સામે કશું જ નથી. તે જોવા આપણે એક હજાર ઘણા નાના થવું પડે.

આપણી ખંતીલી ધરતી મા ફાટી અને તેના ઉકળતા પથરાળ ગર્ભમાં દરિયાનું ઠંડું પાણી પેઠું, તેને ઑર્ગેનીક તત્ત્વો, ખનિજોથી વધુ સમૃદ્ધ કરતું; જેમાં સામેલ હતો લીલો કિંમતી નંગ- ઑલિવીયન. ખનીજો અને પાણીનું આ મિશ્રણ એટલું ઉકળતું હતું કે તે પૃથ્વીના પેટાળમાંથી ભારે આવેગથી બહાર ફેંકાયું. તે મિશ્રણ પેલા કાર્બોનેટ પથ્થરોના પોલાણમાં ફસાયું, જે પાછળથી ઊંચા ટાવર બન્યા. તે પોલાણો બન્યા ઈનક્યુબરેટર્સ, ઑર્ગેનીક અણુઓ સલામતી પૂર્વક એકત્ર થઈ શકે તેવી સલામત જગ્યા.

આ રીતે જીવને જીવ માટે પારણું બાંધ્યું.

બ્રહ્માંડના આપણા આ નાનકડા ભાગ માટે તો તે હજી શરૂઆત હતી, પૃથ્વીના ખનિજ, પથ્થર અને જીવનના ટકાઉ સહકર્મની. 
તે પ્રક્રિયાને સર્પેન્ટિનાઈઝેશન કહે છે : કારણકે સાપની ત્વચા જેવા પડ તેમાં ગોઠવાય છે.
પાણી અને કાર્બન ડાયોક્સાઈડનું હાઈડ્રોજન અને મિથેન- પેલા જબરજસ્ત બનાવને ઈંધણ પુરું પાડનારા ઑર્ગેનીક તત્ત્વો- બન્યાની તે સાબિતી છે.

બીજી દુનિયાઓમાં જીવન શોધવા મથતા વૈજ્ઞાનિકોમાં એક રૂઢિપ્રયોગ ચલણી છે : પાણીને અનુસરો. કેમકે, જીવનની મૂળભૂત જરૂરિયાત પાણી છે.

હવે તેઓ એમ પણ કહે છે, 'પથ્થરને અનુસરો.' કારણકે જીવનને શક્ય બનાવતી પ્રક્રિયાઓ સાથે સર્પેન્ટિનાઈઝેશન તંતોતંત સંકળાયેલું છે.
મુખ્ય ઘટના જોવા આપણે હજી પણ વધુ નાના થવું પડે. તે કદના હોઈએ ત્યારે તો પેલા પથ્થરના પરપોટાથી નાના પોલાણ ગુફાથીય મોટા દેખાય, જે અસલમાં પેલા ટાવરના નાનાં બારાં છે.
 
ઝવેરાત જેવા લાગતા ઑર્ગેનીક તત્ત્વો- મારા, તમારા, આપણા બધાની જેમ અણુઓના બનેલા છે. તે નિર્જીવ નંગોને ઘરેણાંમાં પલટવા માટે ઊર્જા જોઈએ. જે આવી પેલા ટાવરમાં ફસાયેલા આલ્કલાઈન, ઍસિડિક દરિયાઈ પાણીમાંથી.

તે પૂરાણો મજૂસ ભરાયો બેશકિંમતી વિંટીઓ, બાજુબંધ, હાર, વધુને વધુ લાંબા, સંકુલ પરમાણુઓથી, અને છેવટે સૌથી મૂલ્યવાન ભેંટથી-

જીવ.

અમને લાગે છે કે પેલી પાણી,પથ્થરની રાસાયણિક પ્રક્રિયાએ પહેલા કોષને જન્મ આપવા જરૂરી શક્તિ આપી. તે એ ચિનગારી હતી જેણે જીવનના બંધારણીય એકમોને ઈલેક્ટ્રિફાઈ કરીને કશુંક જીવંત પેટાવ્યું. 

સમય સાથે પેલા ટાવર ઘસાયા, એથી રુંવાટી ફડફડાવતા જીવને ત્યાંથી નીકળીને ઉત્ક્રાંત થવાની તક મળી.

જીવનના જન્મની આ બહુસ્વિકૃત દંતકથા છે.
આ ધારણા ચાર જુદી વૈજ્ઞાનિક શાખાઓના સંકલન પર આધારિત છે : જીવ શાસ્ત્ર, રસાયણ શાસ્ત્ર, ભૌતિક શાસ્ત્ર અને ભૂસ્તર શાશ્ત્ર.

અમને લાગે છે કે જીવને પહેલો ડગ પથ્થર પર માંડેલો.

અને પહેલી જ પળથી તે એક ભાગેડુ કલાકાર છે, હંમેશાં બંધન ફગાવવા ઈચ્છતો, નવી દુનિયાઓ સર કરવા ઈચ્છતો.
એવડો બધો મહામહાસાગર તેને ભરી શક્યો નહીં.

જીવનના જન્મની આ વાર્તા સાચી હોય તો, તે એટલી જૂની છે જ્યારે આકાશ ભૂરું નહોતું, આપણો ચંદ્ર આજે છે તેથી દૂર હતો.

પણ, જીવન હંમેશાં પોતાને ફાયદો જ થાય એમ વર્તતું નથી.
એક દિવસ એવો પણ આવેલો જ્યારે જીવન પોતાનો જ નાશ કરવાની અણી પર હતું.
 
###
બ્રહ્માંડનો ઈતિહાસ આપણે સમજી શકીએ તે માટે આપણે એક કૅલેન્ડર બનાવી કાઢ્યું છે : પૃથ્વીના જન્મથી આજ સુધીનો સમય એક વર્ષ તરીકે.
તેનો એક દિવસ એટલે ૪૦૦ લાખ વર્ષ.
પહેલો દિવસ એટલે ૧૪૦૦૦ કરોડ વર્ષ પહેલાં બીગ બેંગ થયો તે દિવસ. 
શરૂઆતના લગભગ ૩૦૦ કરોડ વર્ષ સુધી કશું નોંધપાત્ર બન્યું નહીં.
માર્ચની ૧૫મીએ આપણી આકાશગંગા બનવી શરૂ થઈ.
તે પછી ૬૦૦ કરોડ વર્ષ બાદ આપણો તારો, સૂર્ય જન્મ્યો.
૩૧ ઑગસ્ટ પછી ગુરુ અને બીજા ગ્રહના પિંડ બંધાયા.
કૉસ્મિક કૅલેન્ડરની ૨૧મી સપ્ટેમ્બરે, અમારું માનવું છે કે જીવન જન્મ્યું.

ત્યારે વાતાવરણ એટલે હાઇડ્રોકાર્બનની ધૂંધ.
શ્વસવા ના કોઈ પ્રાણવાયુ કે ના કોઈ પ્રાણ. 

હમણાં હમણાં જ આપણે સમજતાં, કદર કરતાં થયા છીએ કે જીવને આ ગ્રહને કેવી ઊર્જાથી પલોટ્યો.

No comments: