29.11.20

૧.૩ સિતારા સુધીની સીડી

ચૅલકોલિથીક- ઍન્ટોલિયન મેદાની પ્રદેશની આ વસાહતમાં તમારું સ્વાગત છે.
લગભગ નવ હજાર વર્ષ પહેલાંના આ પહેલા વહેલા શહેરમાં એટલા માણસો એક સાથે હતા, જેટલા એક વખતે આખા આફ્રિકામાં હતા.
ત્યારે 'શહેર રચના' એટલો તો નવો વિચાર હતો કે ના તેમાં કોઈ ગલી હતી કે ના બારી. 
ઘરમાં પ્રવેશ ધાબેથી થતો.
બારી, ગલી કે પ્રવેશદ્વારો કરતાંય મહત્વની એક બાબત ચૅલકોલિથીકમાં ન હતી.
મહેલ.
ખેતીની શોધે માનવ સભ્યતાને માથે જે દેવું ચઢાવ્યું હતું, તે ચૂકવવું હજી બાકી હતું.
મોટાભાગના લોકો પર મુઠ્ઠીભર લોકો શાશન કરે તેવી વ્યવસ્થા હજી અહીં સ્થપાઈ ન હતી.
બાકીના બધા રઝળતા હોય અને એક ટકા લોકો સંપતિની છોળમાં નહાતા હોય એવું હજી શરું થયું ન હતું.
અહીં જીવેલા સ્ત્રીઓ, પુરુષો અને બાળકોના ફોરેન્સિક એનાલિસિસથી ખબર પડી છે કે તે બધાનો ખોરાક એકસરખો હતો.
વહેંચીને ખાવાની શિકારી-વિણનારાઓની રીતભાત હજી તેમના જીવનનો હિસ્સો હતી.
ચૅલકોલિથીક સમતાવાદી હતા.

છટ્, એકધારાપણું!

અહીં બધા એકસરખા ઘરમાં રહેતા હતા.
બેડરૂમ, મુખ્ય ઓરડો અને રસોડું.
ઑબ્સિડીઅન કહેવાતો કાચ, જ્વાળામુખીની પેદાશ.
ઑરોક્સ*નું માથું.
ચૅલકોલિથીકના રહેવાસી શણગારના શૉખીન હતા.
તેમનાં ઘર પ્રાણીઓનાં દાંત, હાડકાં અને ચામડીથી શોભાયમાન હતાં.
૧,૦૦,૦૦૦ વર્ષ પહેલાં આપણા પૂર્વજોએ જેને આફ્રિકામાંથી ઉપાડેલો તે ઑરોક્સ હવે ચૅલકોલિથીક ઘરોમાં પ્રચલિત આર્ટ પીસ હતો.
અને પેલા ગેરુ રંગનું અહીં વિશેષ ઉપયોજન હતું.
તેમણે તેનો ઉપયોગ એક સાવ જ નવા કળા સ્વરૂપ માટે કર્યો : નકશો.
માણસજાતે પહેલીવાર તેમની સ્થળ-કાળની સ્થિતિની દ્વિપરિમાણીય પ્રતિકૃતિ બનાવી.
"પેલા જ્વાળામુખીના સંદર્ભે મારુ ઘર અહિયાં છે."
તેમાં ઉમેરાઈ કેટલી જાદુઈ લીટીઓ અને તે કલાકારે 9000 વર્ષ દૂર સંદેશો મોકલ્યો : 'જ્યારે જવાળામુખી ફાટ્યો ત્યારે હું અહીંયા હતો.'
ચૅલકોલિથીકના પ્રયોગો સફળ રહ્યા અને થોડાક હજાર વર્ષના ગાળામાં જ બધે શહેરો થઈ ગયા.

એક જગ્યાએ જુદા જુદા પ્રકારના લોકો ભેગા થાય ત્યારે વિચારોનું આદાન-પ્રદાન થાય અને નવી શક્યતાઓ સર્જાય.
શહેર એક જાતનું મગજ છે, નવા વિચારો સર્જનાર અને તેના પર પ્રક્રિયા કરનાર.
સત્તરમી સદીના એમ્સ્ટરડેમમાં જૂની અને નવી દુનિયાના લોકો એવી રીતે ભળ્યા, જે રીતે તેઓ અગાઉ ક્યારેય નહોતા મળ્યા. અને ત્યાં અગાઉ ક્યારેય ન હોય તેવી વૈચારિક સ્વતંત્રતા હતી.
આ પરિસ્થિતિએ વિજ્ઞાન અને કલા માટે સુવર્ણયુગ સર્જ્યો.
ઈટાલીમાં જિઓર્ડાનો બ્રુનોએ બીજી દુનિયાઓના અસ્તિત્વની જાહેરાત કરેલી. તે બદલ તેને સજા થયેલી.
ફક્ત 50 વર્ષ પછી, હોલેન્ડમાં ક્રિશ્ચયાન હ્યુજેને તેવી જ ધારણાઓ રજૂ કરી, તો તેના પર સન્માનોનો વરસાદ કરવામાં આવ્યો.

તે યુગનો કેન્દ્રવર્તી વિષય હતો પ્રકાશ.
માનવજાતની જિજ્ઞાસાને છુટ્ટો દોર મળ્યો અને તેથી પ્રાપ્ત થયેલ જ્ઞાનના પ્રકાશથી યુરોપના લોકોએ યુરોપ જ નહીં, પૃથ્વીના અજાણ્યા વિસ્તાર ઉપર નજર માંડી.
તે સમયના, ખાસ કરીને વેરમિરના ચિત્રોમાં પ્રકાશની રંગત જોવા મળે છે.

વૈજ્ઞાનિક જીજ્ઞાસાના વિષય તરીકે પણ 'પ્રકાશ' છવાઈ રહેલો.
તંતોતંત વણાયેલા વસ્ત્રના તાર ગણવા માટે કાપડના વેપારીઓ પેઢીઓથી લેન્સ વાપરતા હતા.
તે સમયે ઍમ્સ્ટરડૅમમાં રહેતા ત્રણ માણસોને પ્રકાશ માટેનું તેમનું ઝનૂન પેલા પ્રાચીન સાધનને તદ્દન નવા રસ્તે વાપરવા દોરી ગયું.
કાપડના વેપારીઓના લેન્સને તેમણે એવા પદાર્થની ઝીણવટથી તપાસ કરવામાં વાપર્યો, જે અગાઉ કોઈએ વિચાર્યું નહોતું.
નવી દુનિયા શોધવાની અને તેમાં ઊંડા ઊતરવાની તે એક બારી, નાનું મોટું થઈ શકે તેવું બાકોરું બની ગયો.

ઍન્ટોની વૅલ લેઈવનહૉકે એક સાદા લેન્સનો ઉપયોગ કરી પાણીના એક ટીપામાં ધબકતી સૂક્ષ્મ જીવ સૃષ્ટિ ઉજાગર કરી.
તેના મિત્ર,ક્રિશ્ચયાન હ્યુજેને બે સાદા લેન્સનો ઉપયોગ કરીને તારાઓ ગ્રહો અને ચંદ્રને એટલા નજીક લાવી દીધા કે તેમના લક્ષણો જોઈ શકાય.
તેણે જ ચંદ્રના સૌથી મોટા ગ્રહ, ટાઈટનની શોધ કરી.
બ્રુનોની જેમ હ્યુજેન માનતો હતો કે તારાઓ એ સૂર્ય છે અને તેમની ફરતે ગ્રહો અને ચંદ્રનાં બનેલાં આગવાં મંડળ છે.
તો પછી, પવિત્ર ગ્રંથોમાં બીજી દુનિયાઓ અને ત્યાં જીવતા જીવોનો કોઈ ઉલ્લેખ કેમ નથી?
નવજાગૃતિના નેતાઓના હૃદય અને મગજમાં આવા પ્રશ્નોએ જે ઉથલપાથલ મચાવી, તેનો ફક્ત એક માણસે જ માથું ઉચકીને સામનો કર્યો.
તે વળી પ્રકાશનો એક નવો જાદુગર હતો.

બૅરૉક સ્પિનોઝા તેના કિશોર કાળમાં એમ્સ્ટરડેમની જ્યુઈશ સમિતિનો સભ્ય હતો.
પણ, વીસીમાં પ્રવેશતાં તેણે ઈશ્વરની નવી ઝાંખી વિશે જાહેરમાં બોલવું શરૂ કર્યું.
સ્પિનોઝાના ઈશ્વર હતા બ્રહ્માંડના ભૌતિક નિયમો.
અને તેનો પવિત્ર ગ્રંથ હતો કુદરત.
એમ્સ્ટરડેમના મોટાભાગના જ્યુ સ્પેન અને પોર્ટુગલથી આવેલા વિસ્થાપિતો હતા; જ્યાં તેઓ પર ત્રાસ થયેલો અને તેમના સગાં- વહાલાઓની હત્યા થયેલી. એમ્સ્ટર્ડમમાં જ્યુને આશરો મળેલો અને તેઓને લાગ્યું કે સ્પિનોઝાના આત્યંતિક વિચારો તેમને માંડ મળેલી સુરક્ષા સામે ખતરો ઉભો કરશે.
તેમણે આ યુવાન ક્રાંતિકારીને નાત બહાર કર્યો, કાયમ માટે.
સ્પિનોઝાએ તેમની સજાનો આદરથી, પણ જરા સરખી શરણાગતિ વગર સ્વીકાર કર્યો.
તે નજીકના ડૅન હૅખ (The Hague) શહેરમાં જતો રહ્યો.
જ્યાં તેણે પોતાના સાહસને આગળ ધપાવ્યું. તેણે લખ્યું કે બાઈબલ કોઈ ઈશ્વરે નથી લખાવ્યું, તે માણસોનું લખાણ છે.
તેણે લખ્યું, "ચમત્કારોમાં ઈશ્વરને ના શોધો. ચમત્કાર કુદરતના કાનૂનનું ઉલ્લંઘન છે. તે નિયમોના અભ્યાસથી ઈશ્વરને પામી શકાય છે."

સ્પિનોઝાને ખબર હતી કે હૉલેન્ડનાય વિચાર સ્વાતંત્ર્યની સીમાઓ તે વટોળી રહ્યો છે.
તેને લાગતું કે રાજ્યનો કોઈ ધર્મ હોય એ તો વ્યક્તિગત જબરજસ્તી કરતાંય ખતરનાક છે. ધર્મોમાં સ્વિકારાયેલી ચમત્કારિક ઘટનાઓને તે સુગઠિત અંધશ્રદ્ધા માનતો. તે કહેતો કે આવી જાદુઈ વિચારસરણી ભવિષ્યના મુક્ત, તાર્કિક સમાજ માટે જોખમ છે. રાજ્ય વ્યવસ્થા અને ચર્ચ છૂટા ના પડે ત્યાં સુધી લોકશાહી શક્ય નથી.

તેણે લખેલ પુસ્તકમાંના વિચાર અમેરિકન અને બીજી કેટલીક ક્રાંતિના બીજ બન્યા.
ત્યારે પણ, આજની જેમ જ એવા લોકો હતા જેઓ સ્પિનોઝાએ બતાવેલા ઈશ્વરની ઝલકથી કાંપતા હતા.
સ્પિનોઝા ઈશ્વર વિશેના તેના ક્રાંતિકારી વિચારો લખતો જ રહ્યો, તેની તિરછી ટોપીને સન્માનની જેમ પહેરીને.
44મે વર્ષે તે મૃત્યુ પામ્યો; આર્થિક ઉપાર્જન માટે સૂક્ષ્મ દર્શક યંત્ર અને ટૅલિસ્કોપના કાચ બનાવતાં તેના ઝીણા રેણું શ્વાસમાં લીધા કરવાના કારણે.

સ્પિનોઝાના દર્શનની અસરોના આદર તરીકે તેની કાચ ઘસવાની ઓરડી સાચવી રાખવામાં આવી છે.  250 વર્ષ પછી, પ્રકાશ માટે સ્પિનોઝા જેવી જ ઝનૂન ધરાવતી એક વ્યક્તિ તે ઓરડીના દર્શનાર્થે પહોંચી.
આલ્બર્ટ આઈન્સ્ટાઈને કહ્યું, "હું સ્પિનોઝાના ઈશ્વરને માનું છું, જે અસ્તિત્વના અંશોમાં ઐક્ય તરીકે વ્યક્ત થાય છે."

કુદરતના કાનૂન વિશેની આપણી સમજ સ્પિનોઝા કરતાં, આઈન્સ્ટાઈનની કલ્પના કરતાંય અનેકગણી વધી છે.
પણ, કુદરતનો એક નિયમ છે જે આપણી પકડમાં આવતો નથી.
###

*ઑરોક્સ -સૌથી પહેલાં પાળવા શરું થયેલા પ્રાણીઓમાંનો, યુરેશિયન બળદ

ભાગ ર : https://interact-6aya.blogspot.com/2020/11/blog-post_22.html

No comments: