8.4.20

वयं रक्षाम:

वयं रक्षाम:

અત્યારે આ નવલકથા વાંચી રહી છું.  કથાની શરૂઆત શૃંગાર અને તેમાં મીઠા જેટલા શૌર્યથી થાય. શરૂઆતથી જ બળકટ ભાષા, વિશેષણોનો ખડકલો અને લાંબા વાક્યો મજા આપવા માંડે. અને પછી શરું થાય માહિતી ધોધ. ભારતીય તરીકે ક્યારેક ને ક્યારેક જે નામ સાંભળ્યા હોય તેવા, દેવ,દાનવ,યક્ષ,ગંધર્વ, રાક્ષસ વગેરે વગેરેના, તે બધાની વંશાવળી. મને એકવાર તો થયું કે ફ્લોચાર્ટ બનાવું બધાનો! સતત "આ તો જાણું છું.- આ નહોતી ખબર.- આ બાબત/સબંધ ખબર હતા પણ‌ આ રીતે નહીં." એમ થયા જ કરે.

મને સૌથી રોમાંચિત કરી પ્રહલાદની વાતે. પ્રહલાદ, ધૃવથી માંડી બિરબલ જેવા લિજેન્ડરી પાત્રોની વાત જ્યાં પુરી થાય, મારા મનમાં પ્રશ્ન ઉભો થાય : પછી શું થયું? ધૃવ તારો બની ગયો પછી શું થયું? પ્રહલાદ રાજા બન્યો પછી...? બિરબલે કોયડો ઉકેલ્યો પછી...?

એમાં પ્રહલાદનું પહેલાં-પછી આ નવલકથામાં આવતું જાય અને મને જે બાળસહજ જલસો પડે! એવી જ મજા નારદ, વશિષ્ઠ-વિશ્વામિત્ર બારામાં આવે.

આ નવલકથા રાવણાયન છે, તેનો ઍવર રોમેન્ટિક (આ વાત મને ખૂબ રમૂજ કરાવે છે વાંચતી વખતે. રાવણને તો આક્રાંતા તરીકે જ કલ્પ્યો હોય એટલે.) હિરો રાવણ અને તેના પરાક્રમો. હજી હું નવલકથાના પૂર્વાર્ધમાં સીતા હરણ સુધી પહોંચી છું એટલે આ નવલકથા સંદર્ભે રાવણના પાત્ર અંગે આગળ કંઈ કહેવાય એમ નથી. છતાં, વિસ્તાર વાદી રાજા તરીકે રાવણની કુનેહ અને કુટુંબ ગૌરવ માનવાં પડે.

આપણે ત્યાં જીવના જન્મના સ્તર અંગેની સભાનતા ખાસી છે. જેમકે, મને બોલચાલમાં આવા શબ્દોનો પરિચય છે : રાક્ષસ યોની, પ્રાણી યોની. 'રાક્ષસ કુળ' જેવા શબ્દો ય ખરા....આ નવલકથા વાંચતા વધુ એક સ્પષ્ટતા ફરી ખુલી તે એ કે દેવ, દૈત્ય, રાક્ષસ એ કુળ અથવા સમૂહ હતા, માણસોની નાત જેવા અને માણસોનાં જ. 'અમારે ત્યાં આવું થાય/ન થાય.' બ્રાંડ રીત રસમ જે-તે સમૂદાયને જુદી ઓળખ આપે છે તેવી પ્રણાલીઓ દેવ,દાનવ, ગંધર્વની ઓળખ અને એક સમૂહને બીજા સમૂહ સાથે જોડતી કે જૂદી પાડતી સીમાઓ. દેવ એટલે વેદ અને યજ્ઞ પરંપરાને માનનાર, એમ.

રાવણનું ધૃવ વાક્ય છે, 'વયં રક્ષામ:'. 'રક્ષણ કરવું' એક પવિત્ર ફરજભાવ તરીકે ચિત્તમાં એવું દ્રઢ કે રાવણ- રક્ષણ કરનાર એક સાથે બેસે જ નહીં. પછી 'રક્ષ'ના અર્થો જાણ્યા ત્યારે કંઈક વેન્ટિલેટર પરની રેખા નૉર્મલ મોડમાં આવી હોય તેવી લાગણી થઈ.

આગળ કહ્યું એમ ભાષા આ નવલકથાનું એક સબળ પાસુ. આપણા પૂર્વજોનો પરિચય આપતી વિગતોનો ખડકલો કર્યા પછી આચાર્ય ચતુરસેન નવલકથાની મૂળ વાર્તા હાથ પર લે ત્યારે પૂરી ફૂરસદથી લખે. અપરિચિત હોવા છતાં, ભારતીય સાંસ્કૃતિક વારસાને કારણે સમજાઈ જાય તેવા  શબ્દો ઉપરાંત એક, એક સંવાદ, સ્થળ અને પાત્ર પરિચય, શૃંગારિક વર્ણન અને યુદ્ધ... વળી,  ચમત્કાર લાગે એવું ખાસ આવતું નથી. ખાસું દુન્વયી. ક્યારેક બે બળિયા યુદ્ધ કરતા હોય ત્યારે બાકીની સેના તેમને જોવા થંભી જાય એવી વાત આવે અને 'માળુ, એવું ય થાય ખરું, હો!' એમ લાગે. રામાનંદ સાગરના સ્ક્રિપ્ટ રાઈટર્સ અને ઍક્શન ડિરેક્ટરે સો ટકા આ કથા વાંચી હોવી જોઈએ- યુદ્ધુના વર્ણન એવાં મળતાં આવે. લેખકની પોતાની વૈચારિક છાપ બેશક આવે તેના લખાણમાં. એમનો ભારતપ્રેમ ક્યારેક એટલો વધી જાય કે હાસ્યાસ્પદ લાગતા તારણોએ પણ પહોંચી જાય. એવું એક વાક્ય વારંવાર આવે, "કહો, મૈં તુમ્હારા ક્યા પ્રિય કરું?" -જે મને અંગ્રેજીનો નબળો ચાળો લાગે છે.

આર્યન થીયરી સામે ભારતીય મૂળની પોતાની થીયરીઝ છે. દક્ષિણ ભારતનો પૌરાણિક ના સહી, તે પછીનો ઈતિહાસ પણ દબાઈ ગયેલો લાગે જ્યારે જ્યારે તેના વિશે વાંચવામાં આવી જાય. દક્ષિણપૂર્વ એશિયાના દેશોમાં ભારતની સાંસ્કૃતિક છાપ પાછળ દક્ષિણ ભારતના વ્યાપારી તેમજ રાજકીય સાહસો વિશે આપણે જાણીએ તો છીએ, પણ તે આપણા ભારતીય ગૌરવનો સભાન હિસ્સો નથી. ઍટલીસ્ટ, મને મારા માટે તો એમ લાગ્યું છે.

તેવામાં, આ નવલકથા માનવ પ્રજાતિના વિશ્વમાં ફેલાવાના કેન્દ્ર સ્થાને ભારતને મૂકે છે. દિતી- અદિતીના સંતાનો એશિયા જ નહીં, કાસ્પિયન સમુદ્ર અને આફ્રિકા સુધી વ્યાપ્યા. આ વાતની સાબિતી તરીકે આચાર્યશ્રી ઘણી ભાષાકીય તેમજ રીવાજો અને સ્થાપત્ય આધારિત સાબિતીઓ મૂકે છે, જેમાં સ્પષ્ટ અતિરેક અને ક્યારેક ભાવુક દેશપ્રેમ દેખાઈ આવે. પણ, એ સંભાવના જ કેટલી રોચક, રોમાંચક છે!

આ વાંચતા બીજો એક વિચાર સતત સાથે રહે છે અને માત્ર વિચાર તરીકે ય રસતરબોળ કરી દ્યે છે : ગ્રેબીયલ માર્ક્વેઝ પાસે આવો કાચો સામાન હોય તો તે કેવી નવલકથા લખે!

ઑનલાઈન મુક્ત પ્રાપ્ય છે. ઍમેઝોન પર પણ છે.

પૂર્વાર્ધ : https://drive.google.com/file/d/1NKouCcKaT8Lpmo0RGxWBW8lAOJhxVyKi/view

ઉત્તરાર્ધ : https://drive.google.com/file/d/1j6rzgbOcNRWxINhtPiOf3HagCYjlf7nt/view

No comments: