15.4.15

હદ છે !

ચૈત્રી બપોરે ત્રણના સૂરજને ઝીલવાનું ઠેરવ્યું આજે. અને મઝા પડી ગઈ ! આવું આદરણ માગશર-પોષની શનિવારી સવારે ય ક્યારેક. અતિ-સ્ત્રાવશીલ શ્વાસનલિકાઓ અને ઉણપભરી કીકી આવી સવલત લઇ બેસીએ ત્યાંરે તિવ્રતાથી પોતાની હાજરી નોંધાવે. એટલે આદર્યા અધૂરાં ભલે ના રહે ,ઈચ્છિત માત્રામાં પૂરાં પણ ના થાય.આ અધુરપની ખણખણતી મધુરપ રાહ જૂએ પોષ-ચૈત્રની. આ ટાઢ-તડકો ઝીલીએ ત્યારે લાગે કે સુખ-દુઃખ ઝીલનારને એની ત્રેવડ જેટલાં મળે છે એ લોકોક્તિ સાવ એમ નથી આવી. એક હદ પછી ત્વચા અને ચિત્ત માટે કશું વધું-ઓછું નથી રહેતું. દર્દકા હદસે બઢના હૈ દવા હો જાના યાદ આવે.દવા બને કે નહિ ,એ હદ પછી દર્દ નથી ઉઠતું.એ હદ જોવાનો રોમાંચ એ હદ સુધી દર્દની સંકલ્પના બંધાવા નથી દેતો. અસુરક્ષિતતાનો સ્વિકાર પુરાણી પાળ પાર કરાવે છે. ઝીલવાની હોંશ ઝીલણને ઝીલનારનું ચૈતસિક અંગ બનાવી દે છે.ચામડીને ચચરતી ટાઢી તડ કે ઊની ડામ,પેલી હદને ઓવારે જ પોબાર ગણી જાય છે. એ પછી શરું થાય છે સંસ્પર્શનો દેશ.પ્રકાશનો કે પવનનો રેણું ત્વચાના કોષરસ સાથે પાડોશી સ્ત્રીઓની જેમ. સહરાના દિન-રાત ઝીલવાનો કોઈ પરપોટો નથી આ. એ અપવાદો ઉપરોક્ત સામાન્યીકરણના પરીઘ બહાર છે .ટાઢ-તાપ ઝીલનારા સામાન્ય વ્યક્તિની ત્રિજ્યા સામાન્યરીતે કેટલી લંબાઈ શકે એના અંકનનો છે આ ઉપક્રમ.

No comments: