20.12.20

(લેખાંક ૬) ૨.૨: જીવનક્ષમ પ્રદેશ તરીકેના સરકતા આશિષ

તમે વિચારતા હશો, 'આપણે દૂરના તારાઓ સુધી જવાની વાત કરીએ છીએ કે શું?'
કેટલાક સમય પહેલાં આપણે ચંદ્ર પર પા પા પગલી કરી આવેલા અને પછી પારોઠા ભણી આપણી ધરતીમાની ગોદમાં બેસી પડ્યા. આંતરતારકીય યાત્રાઓ દરમ્યાન આપણે ટકી જઈશું તેની ખાતરી શું? આપણો સૌથી નજીકનો તારો તો ચંદ્ર કરતા ૧૦૦૦૦ કરોડ ગણે દૂર છે. આપણા નાનકડા જહાજોને અસીમ, અજાણ્યા, અંધારા ગળી નહીં જાય?
મને લાગે છે આપણે પહોંચી વળીશું.
કેમ?
કેમકે, આપણે અગાઉ આ કામ કરી ચૂક્યા છીએ.
આપણે સપનું જોઈએ છીએ આપણી દૂધ ગંગાના સૂદૂર ટાપુઓ સુધી પહોંચવાનું, યાત્રા દરમ્યાન પ્રકાશકણ પકડતાં જઈને, પાછા વળવાની શક્યતા પર ચોકડી મૂકી, બે-લગામ.
એ રસ્તે આપણે એકવાર અગાઉ પણ ચાલી ચૂક્યા છીએ.
એકવાર, કેટલાક લોકોએ અજાણ્યો રસ્તો માપેલો, કાપેલો. અજાણ્યા દરીયાઓ તરવા તેમણે પોતાનું સર્વસ્વ દાવ પર લગાવેલું, અને તેમનું સાહસ સ-ફળ રહ્યું. 
તેમને જડ્યું સ્વર્ગ.

બેસો, તેમની વાર્તા કહું છું.
આપણે તે લોકોને 'લાપિતા' નામે ઓળખીએ છીએ. જોકે, તે તેમનું નામ ક્યારેય નહોતું.  અમુક દશક અગાઉ, આપણને જ્યારે તેમના માટીના વાસણોના ટુકડા મળ્યા ત્યારે આપણે ભૂલભૂલમાં તેમને તે નામ આપી દીધું.
મને તો તેમને 'યાત્રાળુ' કહેવું ગમે છે. 
દસ હજાર વર્ષ પહેલાં જ્યારે દક્ષિણ ચીનમાં વસાહતો વધવા માંડી ત્યારે ત્યાંથી કેટલાક અગ્રજોએ સીમા લાંગવાનું વિચાર્યું, આજે જ્યાં તાઈવાન છે તે તરફ, વધુ દક્ષિણે જવાનું. તેઓ ત્યાં પહોંચ્યા, ઠરીઠામ થયા, હજારો વર્ષ ટક્યા, પછી ત્યાં પણ વસ્તી વધી. જેમ, આપણે આ ગ્રહ પર એક પ્રકારના બ્રહ્માંડીય ક્વૉરેન્ટાઈન કાળમાં છીએ; બીજી દુનિયાની વાતોથી અજાણ, તેમના સુધી પહોંચવાથી દૂર, તેમ આપણા પૂર્વજો જમીનથી બંધાયેલા હતા. તેમણે જો ક્યાંય પહોંચવું હોય તો એટલું ચાલવું રહ્યું. અને ચાલતાં ચાલતાં તેઓ એ છેડે પહોંચતા જ્યાં જમીન દરિયા તળે ગરકાવ હોય.

દરિયો ખૂંદનારી સભ્યતા પાંગરી તેના ઘણા ઘણા સમય પહેલાંની આ વાત છે.
મધ્યપૂર્વના ફિનીશીયન્સ અને ક્રેટ(ગ્રીસનો એક ટાપુ)ના મીનૌન્સ. તેમના ઈતિહાસનો મોટાભાગ દરિયાને ભેંટવાનો રહ્યો છે. તેમની માછીમારી અને વેપારયાત્રા મોટેભાગે એક આંખ જમીન પર રાખીને થયેલી. 

આપણને ખબર નથી કે તે યાત્રાળુઓમાં અશક્યને આંબવાની પ્રેરણા ક્યાંથી ઊગી. 
તેમનો જમીન પરનો વિશ્વાસ ડગી ગયેલો? તેઓ જમીનના એ ભાગે રહેતા હતા જ્યાં ધરતીકંપ અને જ્વાળામુખી થતા રહેતા.
કે કોઈ દુષ્ટ પાડોશી અસહ્ય થઈ પડેલા?
વાતાવરણમાં થયેલા કોઈ પલટાએ તેમને પેટાવેલા?
કે પછી વસ્તી ગીચ થઈ ગયેલી?
વધારે પડતાં શિકાર કે માછીમારીથી ત્યાં સંશાધન ખૂટવા માંડેલા કે શું?
કે પછી એવી કોઈ સંપૂર્ણ માનવીય વૃત્તિએ તેમને 'પણે શું છે?' જાણવા દોરેલા?
હેતુ તેમનો જે કાંઈ હોય, સમય જતાં તેઓ તેમના ડરને અતિક્રમી શક્યા અને અગાઉ કોઈ ગયું ના હોય ત્યાં જવા તેમણે તૈયારી કરી. તે યાત્રાળુઓએ તેમના પૂર્વજોએ પેઢી દર પેઢી કરેલા અવલોકન ઝીણવટથી જોયા અને દરિયાઈ ખેડાણની એવી તકનીકો વિકસાવી જેમાંની કેટલીક આજેય કામ લાગે છે. પક્ષીઓની ઋતુગત ઉડાન વિધિ એ તેમનું જીપીએસ હતું. તેઓ તેમની સાથે ડરામણા, ઊંચે ઊડી શકતા પક્ષીઓ રાખતા,જેમને ગણતરીપૂર્વક ચોક્કસ સમયે  ઉડાડીને તેઓ નજીકની જમીન સુધી પહોંચવાનો ટૂંકામાં ટૂંકો રસ્તો નક્કી કરતા. તેઓ પાણી વાંચતા, દરિયાના પ્રવાહ આંગળીની ટોચે અનુભવતા અને વાદળોના સંદેશ સાંભળતા.

આ યાત્રાળુઓ વૈજ્ઞાનિક હતા અને સમગ્ર સૃષ્ટિ તેમની પ્રયોગશાળા હતી.
તેઓ સૌથી પહેલાં ફિલીપીન્સ ટાપુઓ પર જઈ વસ્યા. ત્યાં લગભગ હજારેક વર્ષ રહ્યા પછી તેઓ આગળની યાત્રા માટે તૈયાર થયા.
યાત્રાળુઓની નવી પેઢી, પોલીશીયન્સ ઈન્ડોનેશિયા- મૅલનેશિયન આઈલેન્ડ, વનૌતુ, ફિજી, સામોઆ, માર્કેસસ સુધી સફળ યાત્રા કરતી થઈ.
અને પછી પૃથ્વી પરના સૌથી એકલપંડા ટાપુ સમુહ સુધી, હવાઈ ટાપુઓ; તાહિતી, ટોંગા, ન્યુઝીલેન્ડ, પીટક્રેઈન, ઈસ્ટર ટાપુઓ સુધી. જે બધાની દરિયાઈ હદ ૨૦૦ લાખ કિલોમીટર જેટલી થાય.
તેઓએ આ બધું એક પણ ખીલી કે ધાતુના સાધન વગર કર્યું.

ટાપુઓ પર રહેનારા માટે બીજા લોકો સાથેના સંપર્ક ઘટતા ગયા તેમ તેમ પૉલેનેશિયન જે ભાષા લઈને આવેલા તે ભાષા જુદીજુદી બોલાશમાં ફંટાવા લાગી. ઘણા શબ્દ બદલાયા, પણ પ્રશાંતના પટ્ટાની બધી ભાષાઓમાં એક શબ્દ એમનો એમ રહ્યો : 'લ્યાર.' તેનો અર્થ છે 'દરિયાઈ ખેડ.'

હવે આપણે ક્યાં જઈશું?
એવા સ્થળે જ્યાં તમે દુનિયાઓનું પુસ્તક વાંચી શકો.
આપણો ઉદ્દેશ કોઈ ચોક્કસ જગ્યા નહીં, આંતરતારકિય દરિયા વચ્ચેનો શૂન્ય અવકાશ છે.
ત્યાં કેમ?
આવો.

આપણા સૂર્યથી ૮૦૪૬ કરોડ કિલોમીટર દૂર જઈ રહ્યા છીએ આપણે. હું તમને યાત્રાળુઓની હજારો પેઢીઓએ આપેલી એક સોગાદ બતાવવાનો છું.
આપણે હજારેક વર્ષથી પ્રકાશનો અને અમુક સદીઓથી ગુરુત્વાકર્ષણનો અભ્યાસ કરી રહ્યા છીએ. આઈન્સ્ટાઈનની સૂઝનો એક કમાલ એ પણ કે પ્રકાશ અને ગુરુત્વાકર્ષણ પરસ્પર શું અસર કરે છે તે સમજવા તે પ્રેરાયા. ગુરુત્વાકર્ષણ જે રીતે પ્રકાશને વાળે છે, તે રીતે આપણા સૂર્ય સહિત કોઈ પણ તારાને વાળીને તેને કોઈ બ્રહ્માંડીય ટૅલિસ્કોપનો લૅન્સ બનાવી શકાય, ૮૦૪૬ કરોડ કિલોમીટર લાંબો લૅન્સ.

હાલ આપણી પાસે જે ટૅલિસ્કોપ છે તેનાથી તો બીજા સૂર્યોની દુનિયાઓ એક ટપકા જેવડી દેખાય છે. ઉપર મુજબનું બ્રહ્માંડીય ટૅલિસ્કોપ તે દુનિયાઓના પર્વત, દરીયા, હિમ નદીઓ અને કોણ જાણે બીજું કેટલુંય બતાવી શકે. કદાચ, ત્યાંના શહેર પણ.

પણ, સૂર્ય કે જેની આરપાર જોઈ શકાતું નથી, તેને કાચ કઈ રીતે બનાવી શકાય?
જ્યારે ખૂબ દૂરના કોઈ ગ્રહ પરથી આવતા પ્રકાશના કિરણો સૂર્યની નજીકથી પસાર થાય ત્યારે સૂર્ય તે કિરણોને કાયમ માટે જરાક વાળે છે. તે કિરણો અવકાશમાં જ્યાં વળે તે જગ્યાને ફોકલ પોઈન્ટ કહે છે. કારણકે જે પદાર્થ આપણે જોઈ રહ્યા છીએ તે પદાર્થ તે બિંદુએ ફોકસ- માં આવે છે.

તો, ૮૦૪૬ કરોડ કિલોમીટર લાંબા લૅન્સવાળા ટૅલિસ્કોપ વડે શું જોઈ શકાય? તમારે જે જોવું હોય તે બધું જ, લગભગ બધું.

ગૅલિલીયોનું શ્રેષ્ઠ ટૅલિસ્કોપ કોઈ ચિત્ર ત્રીસ ગણું મોટું કરી બતાવતું. એટલાથી ગુરુ ત્રીસ ગણો નજીક દેખાતો. આપણું બ્રહ્માંડીય ટૅલિસ્કોપ વસ્તુઓને ૧૦૦૦૦ કરોડ ગણી નજીક લાવી આપશે. અને આપણે તેને બ્રહ્માંડની કોઈપણ દિશામાં ફેરવી શકીએ. તેનો ડિટેક્ટર ઍરે સૂર્ય ફરતે ૩૬૦ અંશે ફરી શકશે. 

આપણા બ્રહ્માંડનો માત્ર એક ભાગ આપણી પહોંચથી છટકી રહ્યો છે અને તે છે આપણી પોતાની દૂધ ગંગાનું કેન્દ્ર, કેમકે તે અત્યંત પ્રકાશિત છે. ત્યાંથી આવતો પ્રકાશ આંધળા કરી નાખે છે.

પણ, આ બ્રહ્માંડીય ટૅલિસ્કોપ વડે આપણે તે બધું જોઈ શકીશું જે નહોતું જોઈ શકાતું.
કદાચ, આપણા માટે સંભાવના ધરાવતી કોઈ બીજી દુનિયા પણ.
જે-તે દુનિયાના વાતાવરણમાં રહેલા વાયુઓ આપણને કહેશે કે ત્યાં જીવન છે કે નહીં.

પરમાણુઓની સહીં ચોક્કસ રંગની હોય છે.
આપણે જો પેલા વાતાવરણમાં સ્પેક્ટ્રોસ્કોપ- પ્રકાશને તેના મૂળ રંગોમાં વિભાજિત કરી આપતા સાધન વડે જોઈએ તો આપણે તે વાતાવરણ રચનારા પરમાણુ ઓળખી શકીએ.

ઑક્સિજન અને મિથેનની હાજરી એટલે જીવનની નિશાની, તે દુનિયા જીવંત હોવાની ખાતરી. અને આપણું બ્રહ્માંડીય ટૅલિસ્કોપ તેની સપાટીનું સ્પષ્ટ ચિત્ર આપણને બતાવી શકે.

તે દ્રશ્ય પ્રકાશ જોતું દ્રશ્ય ટૅલિસ્કોપ માત્ર નથી. તે રેડિયો ટેલિસ્કોપ પણ છે. જેમ તે પ્રકાશની જેમ રેડિયો તરંગોને પણ ૧૦૦૦૦ કરોડ ગણા નજીક લાવી આપશે.

ઍસ્ટ્રોનોમર્સ જેને 'વૉટર હોલ' કહે છે,  જ્યાં સિંહ અને ભેંસ પાણી પીવા, ન્હાવા આવે તેવી જગ્યા પરથી જેનું નામ પડ્યું, રેડિયો તરંગપટનો એક એવો વિસ્તાર જ્યાં દખલ ઓછામાં ઓછી હોય છે અને આપણે દૂર સૂદુરની સભ્યતાઓ વચ્ચેની ગપશપ પણ સ્પષ્ટ સાંભળી શકીએ. 
ત્યાંથી આવતા સ્વરોના પ્રચંડ મારામાંથી સંકેત શોધવા આપણે આપણી તમામ સંગણનાત્મક-કૉમ્પ્યુટેશનલ આવડત કામે લગાડવી પડશે.
1-4 1-5-9-2-

અને તે વિશાળ ટૅલિસ્કોપ ભૂતકાળમાં ઝાંકવાનો રસ્તોય છે. કારણકે, પ્રકાશની ઝડપ મર્યાદિત છે. 
સવારે આપણે સૂર્ય જે સૂર્ય જોઈએ છીએ તે આઠ મિનિટ વીસ સૅકન્ડ અગાઉનો હોય છે. જોવાની બીજી કોઈ રીત શક્ય જ નથી.  ૧૫૦૦૦  કરોડ કિલોમીટર દૂરના પ્રકાશને પૃથ્વી સુધી પહોંચતાં એટલી વાર લાગે જ. 
એ જ રીતે, આપણે કોઈ પણ દુનિયા તરફ આપણા ટૅલિસ્કોપને તાકીએ, આપણે તેના ભૂતકાળને જ જોઈ શકવાના. 

હવે, ધારોકે બીજી કોઈ સભ્યતા, પૃથ્વીથી ૫૦૦૦ પ્રકાશવર્ષ દૂરની કોઈ સભ્યતા પાસે આવું કૉસ્મિક કૅલેન્ડર છે. તે દુનિયાના ખગોળ વિદ્ આપણા પિરામિડને બંધાતા કે પછી પોલીનેશિયનની પ્રશાંત મધ્યેની યાત્રાઓ જોઈ શકે.

જોકે, કૉસ્મિક ટૅલિસ્કોપ પાસેથી સૌથી અગત્યનું કામ તો આપણા માટે બીજી પૃથ્વી શોધાવવાનું લેવાનું છે.

મને એ સમજાતું નથી કે આપણે આવું ટૅલિસ્કોપ બનાવ્યું કેમ નથી.


લેખાંક પણ: https://interact-6aya.blogspot.com/2020/12/blog-post_13.html




No comments: