24.6.13

વાર્તા રે વાર્તા

આ વાત નથી બહુ જુની કે નથી ખાસ નવી.એક છોકરી હતી. તેને એમ કે જીવન ટકાવવા આજીવિકા જોઈએ અને આજીવિકા મેળવવા નોકરી.અને નોકરી માટે ચોક્કસ રીતનું ભણવું પડે. એટલે એ તો ભણી છપાયેલી રીતો મુજબનું.અને એમ કરતાં કરતાં એક દિવસ એ તો શિક્ષક બનવાનું ભણવા ગઈ. ત્યાં એક પાઠ તે એ ભણી કે શિક્ષકને વાર્તા કહેતાં આવડવું જોઈએ. હવે આપણી વાર્તાની આ છોકરીને તો વાર્તા કે’તા આવડે જ નહીં. એટલે એણે તો શીખવું શરુ કર્યું. પછી એને શિક્ષકની નોકરી મળી. ત્યાં એણે વિદ્યાર્થીઓને વાર્તા કહેવાનું શરુ કર્યું.
આપની વાર્તાની છોકરીને તો ખબર ખબર પડી ગઈ. હજી એને વાર્તા કહેતાં આવડતું નહોતું. વાર્તાઓ મોઢે કરીને કહે એમાં શું ભલીવાર આવે? છોકરાં કંટાળે પણ બેન ને કહે કઈ રીતે? જો કે બેનને પોતાને ખબર પડતી હતી કે છોકરાં કંટાળે છે. પણ તે ય શું કરે? કશું પણ આવડી જાય એ માટેની દવા હોત તો એ દવા ગમે તેટલી ગળી હોત તો પણ એ પી જાત. પણ એમ કઈ આવી દવાઓ બઝારમાં થોડી મળે! આપણી વાર્તાની આ છોકરી કે જે હવે બેન બની ગઈ હતી તે જો કે ધીરજવાળી હતી.
એમ કરતાં કરતાં એને વાર્તા બનાવવાનું આવડવા લાગ્યું.બેન પાછી શિક્ષક એટલે એને મનમાં થાય કે છોકરાં કૈક ભણવાનું શીખે એવું બધું ય વાર્તામાં ભેળવી દેવું. એટલે એની વાર્તાઓમાં ગણિત ને ભૂગોળ ને લોકજીવન ને શબ્દાર્થ ને એવું બધું ચોખ્ખે ચોખ્ખું આવે. એવું આવે એટલે છોકરાં વધારે કંટાળે. પણ, બેનને કે કોણ ? બેનને પોતાને ખબર પડતી હતી કે છોકરાં કંટાળે છે. પણ તે ય કરે શું? કશું પણ આવડી જાય એ માટેની દવા હોત તો એ દવા ગમે તેટલી ગળી હોત તો પણ એ પી જાત. પણ એમ કઈ આવી દવાઓ બઝારમાં થોડી મળે!
એમ કરતાં કરતાં આપની વાર્તાની છોકરી જે બેન બની ગઈ હતી તે હવે છોકરાઓની દોસ્ત બની ગઈ.  બસ પછી તો જોવું જ શું ! છોકરાં મોફાટ થઇ ગયાં ને મોઢે જ સુણાવી દેવા માંડ્યા : વાર્તા એટલે વાર્તા. એમાં ગણિત-ફણીત ક ગુસેડો! પણ દોસ્ત પાછી શિક્ષક તો ખરી જ . એના ચિત્તમાં તો વિષયોની દોડાદોડ રમે. કેટલીક વાર તો વાર્તાની એક લીટી બોલાય ને છોકરાં દોસ્તને ‘ચુપ’ કહી દે! પણ આપણી વાર્તાની બેનમાંથી દોસ્ત બનેલી છોકરી કરે ય શું કરે? કશું પણ આવડી જાય એ માટેની દવા હોત તો એ દવા ગમે તેટલી ગળી હોત તો પણ એ પી જાત. પણ એમ કઈ આવી દવાઓ બઝારમાં થોડી મળે! આપણી વાર્તાની બેનમાંથી દોસ્ત બનેલી છોકરી જો કે ધીરજવાળી હતી.
એ તો વાર્તા કહેતી રહી. જેવી આવડે એવી. અને છોકરાં જે શીખવાડે એમાંથી શીખતી ગઈ. એમ કરતાં કરતાં હવે એને ભણવાનું ભેળવેલી વાર્તાઓ કહેતાં આવડવા માંડ્યું.

એમ કરતાં કરતાં એક દિવસ આપણી વાર્તાની બેનમાંથી દોસ્ત બનેલી છોકરી મમ્મી બની ગઈ. અને એને વાર્તા કહેતાં આવડી ગયું.

1 comment:

Unknown said...

sundar...
joke comment karnar chokri cum teacher ne pan varta kehta avdti nathi ....