8.2.21

૪. ૧ (૧૩) : વાવીલોવ (૨૦૨૦)

માણસ હોવું એટલે ભૂખની પીડા જાણવી.

એક વખતે એક માણસ હતો જેણે કલ્પના કરેલી કે વિજ્ઞાન થકી એવી દુનિયા શક્ય બનશે જ્યાં કોઈએ ભૂખનું દુઃખ વેઠવું નહીં પડે.
દુષ્કાળ તો આવશે જ નહીં.
પોતાનું કૉલ નિભાવવા તેણે આપણને ખજાનો ભેંટ કર્યો. પણ, અણીના સમયે તેણે વિકલ્પ પસંદ કરવાનો થયો : વિજ્ઞાન વિશે ખોટું બોલવું અને જીવ બચાવવો અથવા સાચું બોલીને મોત ઓઢવું.


માણસ બન્યાના શરૂઆતના કેટલાક સો હજાર વર્ષ સુધી આપણે તારા મઢ્યા આકાશ નીચે રખડનારા હતા.
આપણે વનસ્પતિના ભાગ વીણતાં, પશુઓનો શિકાર કરતા.
છેક દસથી બાર હજાર વર્ષ પહેલાં સુધી, જ્યારે આપણા વડવાઓએ જીવવાની નવી રીત ઘડી કાઢી.

તે બુદ્ધિશાળીઓ વિશે વિચારી જુઓ, જેમને પહેલી વહેલી વખત ભાન થયું કે જે દાણાં તેઓ ભારે મહેનતથી વીણીને ભેગાં કરે છે, તેમાં જ છોડ ઉગાડવાની ક્ષમતા રહેલી છે.

બીજ.

આ શોધને કારણે આપણી પ્રજાતિએ નસીબના સૌથી મહત્વના ખેલમાં ચાલ પસંદ કરવાનું થયું : નાની ટોળકીમાં શિકારી-વીણનારાનું જીવન ચાલું રાખવું કે ક્યાંક સ્થાયી થઈ પોતાનું અનાજ ઉગાડવું. 

તે માટે જે બલિદાન આપવાનું હતું તેનું ફળ ઘણું મોડું મળવાનું હતું.
પહેલીવાર આપણે ભવિષ્ય વિશે વિચારવું પડેલું.
તે નિર્ણય કાંઈ ઘડીભરમાં નહોતાં લેવાયા.
તે તો એક પછી એક પેઢીઓ સમક્ષ ખુલતા ગયા.

માણસ માટે તે એક ખૂબ ખૂબ લાબો સમય લાગે. જો કે, બ્રહ્માંડીય કૅલેન્ડરના સંદર્ભમાં તો તે ફક્ત અડધી મિનિટ પહેલાંની વાત છે. બ્રહ્માંડિય કૅલેન્ડર એટલે ૧૩૮૦૦ કરોડ વર્ષ પહેલાં બીગ બેંગથી માંડીને અત્યાર લગીના સમયને એક વર્ષના સંદર્ભમાં ગોઠવેલું તારીખીયું. તેમાં ૩૧ ડિસેમ્બરની મધરાત એટલે આ ક્ષણ. મહિનો એટલે ૧૦૦ કરોડ વર્ષ કરતાં થોડો વધારે સમય.‌ દિવસ એટલે લગભગ ૪૦૦ લાખ વર્ષ. 

અને માણસજાતના તમામ ગૌરવવંતા ઉપક્રમો તે કૅલેન્ડરની છેલ્લી કેટલીક મિનિટોમાં આવી જાય. બ્રહ્માંડ માટે આપણે એટલા નવા છીએ.

બ્રહ્માંડિય કૅલેન્ડરની છેલ્લી ૩૦ સૅકન્ડ દરમ્યાન આપણા પૂર્વજોએ પ્રાણી અને વનસ્પતિ પાળવા શરૂ કર્યું. પહેલીવાર, આપણે ભટકતા લોકો સ્થિર થયા અને એક ઋતુ કરતાં લાંબું ચાલે તેવી વસ્તુઓ બનાવવા લાગ્યા.

તેમણે ભવિષ્યને અડવાની હિંમત કરી.
તેમણે બનાવેલા જેરિકોના ટાવર* હજી ઊભાં છે. તે શું આક્રમણખોરો પર નજર રાખવા માટે હતા કે પછી તારાઓની વધુ નજીક જવા માટે?
તેમને બનાવતાં ૧૧,૦૦૦ દિવસ લાગે. આવું કામ ત્યારે જ શક્ય બને જ્યારે તે કામ કરનારાઓ માટે પૂરતો અન્ન જથ્થો હોય; જે વળી ખેતી વગર શક્ય નથી.

જેરિકોના ટાવરમાં વિશ્વનો સૌથી જૂનો દાદર છે. ઈજિપ્તના પિરામિડ બન્યાનાય પાંચ હજાર વર્ષ પહેલાંનો, ત્રણસો પેઢી જૂનો.

જે લોકો હજી હમણાં ભટકતું જીવન છોડી સ્થિર થયેલા, તે લોકો આટલું ટકાઉ બાંધકામ બનાવે તે બાબત જબરજસ્ત નથી!
શિકારી-ભટકતું જીવવાવાળાઓનો, વનસ્પતિ, પ્રાણી, પક્ષી, જીવજંતુઓની વિવિધતા વાળો સમૃદ્ધ ખોરાક હવે બદલાઈ ગયેલો. 

શહેરી લોકો તો હવે મોટાભાગે થોડાક કાર્બોહાઈડ્રેટ પાક પર નભે છે. અને જ્યારે જોઈતો વરસાદ ના થાય કે અનાજને ફૂગ લાગી જાય ત્યારે મોટા પ્રમાણમાં ભૂખમરો ફેલાય છે.
દૂષ્કાળ.

બ્રિટિશ શાસન દરમ્યાન ભારતમાં આવેલો દુકાળ સો લાખ માણસો ભરખી ગયેલો, છેક ૧૯મી સદીમાં. ચીનમાં આવેલો દૂકાળ એક હજાર લાખ માણસો ખાઈ ગયેલો. બ્રિટિશ સામ્રાજ્યના જ નિયમોને કારણે આયર્લેન્ડમાં દસ લાખ લોકો ભૂખથી મરેલા અને વીસ લાખ જેટલા લોકો ખોરાકની શોધમાં દેશ છોડવા મજબૂર થયેલા.
૧૮૭૭માં બ્રાઝિલમાં દુકાળ અને રોગચાળો ફાટી નીકળેલા. ફક્ત એક વિસ્તારના અડધા લોકોનો સફાયો થઈ ગયેલો. આફ્રિકાના ઈથીયોપીયા, રવાન્ડા અને સેહલમાં દૂકાળથી મરેલાઓની ગણતરી નથી કરી શકાઈ.
પૃથ્વીના એક યા બીજા ભાગે મોટી સંખ્યામાં લોકો ભૂખથી મરતા રહ્યા છે, કેટલાક હજાર વર્ષ પહેલાંના જે દિવસથી પૃથ્વી પર નોંધ રાખવાની શરૂઆત થઈ તે દિવસથી માંડીને.

શું ગુરુત્વાકર્ષણની જેમ ખેતી એક વિજ્ઞાન અને અનુમાન લગાવી શકાય તેવો સિદ્ધાંત બની શકે?દુકાળ અને રોગચાળા સામે સતત ટકી શકે તેવું કશું શું નીપજાવી શકાય?

ખેડૂત અને ગોવાળો પારખી જાણતા હતા- મજબૂત નમૂનાઓ તારવી, પસંદ કરી, તેમનું સંકરણ કરાવી નવા પ્રકારના, સંકર નમૂના બનાવવાના ફાયદા.
આ બાબત કૃત્રિમ પસંદગી તરીકે ઓળખાય છે.
પણ, એક પેઢીમાંથી બીજી પેઢીમાં ગુણધર્મો કઈ રીતે જાય છે તેની યાંત્રિકી એક રહસ્ય હતું.

આવો, ડાઉન હાઉસમાં, ચાર્લ્સ ડાર્વિનનું ઘર, જ્યાં તે પત્ની ઍમા અને દસ બાળકો સાથે રહેતો હતો. ત્યાં તેણે એક બગીચો પણ બનાવેલો. માણસજાતના વૈચારિક ઈતિહાસમાં આ જગ્યાનું અનોખું સ્થાન છે. આજેય એવા માણસો છે, જેઓ ડાર્વિનના વિચારથી ડરે છે.

ચાર્લ્સ ડાર્વિને શોધેલું કે પ્રજાતિઓ, માણસ સહિત, કુદરતી પસંદગીની પ્રક્રિયા દ્વારા સમય સાથે ઉત્ક્રાંત થાય છે. વાતાવરણના ફેરફારો સાથે જે સૌથી સારું અનુકુલન સાધે છે, તે ટકી જાય છે અને તેની જ પેઢી આગળ જાય છે.

જીવનના રહસ્યનું બહારનું આવરણ ડાર્વિને હટાવ્યું. પણ, હજી ઉત્ક્રાંતિનું આંતરિક કારણ સમજી શકાયું નહોતું.

બરાબર તે વખતે, આજના ચૅક રિપબ્લિકની એક મૉનેસ્ટ્રીમાં એક યુવાન પાદરી વિજ્ઞાનનો પ્રૉફેસર બનવા મથી રહેલો. જ્યૉર્જ મૅન્ડેલે પ્રવેશ પરીક્ષામાં બે વખત નિષ્ફળ ગયો. છેવટે તેણે મદદનીશ શિક્ષક બનવું સ્વીકાર્યું. તેથી મળતા સમયમાં તેણે વટાણાના છોડનો અભ્યાસ શરૂ કર્યો.
તેણે વટાણાના હજારો છોડ ઉછેર્યા, પાંદડા, બીજ અને ફૂલના રંગ, કદ અને આકારનું ઝીણવટભર્યું અવલોકન નોંધતાં રહીને. 

મૅન્ડેલ નિશ્ચિત ધારણા કરી શકાય તેવો પ્રજનનનો સિદ્ધાંત શોધતો હતો. જેથી, આપણે અગાઉથી ખબર રહે કે જ્યારે કોઈ લાંબા છોડ સાથે ટૂંકાનું, લીલા વટાણા સાથે પીળા વટાણાના છોડનું સંકરણ કરો ત્યારે શું પરિણામ મળે.
મૅન્ડેલે શોધ્યું કે આપણને દર વખતે પીળો વટાણો જ મળશે.
લીલા પર પીળાની આ આણ માટે આપણી પાસે કોઈ શબ્દ નહોતો, મૅન્ડેલે નવો શબ્દ રચ્યો - ચઢીયાતો/ dominant.
અને પોતાના આનંદ વચ્ચે તે નિશ્ચિત ધારણા કરી શક્યો કે નવી પેઢીના વટાણા કેવા હશે.
નવી પેઢીના છોડમાં અપ્રકટ રહેલા ગુણને મંડેલે નામ આપ્યું- સુષુપ્ત/ recessive.
તેણે એક એવી બાબત ચિંધી જેને તે કારક/ factor નામ આપ્યું- છોડમાં રહેલી એવી આંતરિક બાબત છે તેને ચોક્કસ ગુણધર્મ આપતી હતી. અને તે કોઈ સૂત્રમાં ઢાળી શકાય તેવો ચોક્કસ નિયમ અનુસરતી હતી.

ચાર્લ્સ ડાર્વિન અને મૅન્ડેલ એકબીજાથી અજાણ હતા. તે બંને વૈજ્ઞાનિક, સમયના એક ગાળામાં, પોતપોતાની રીતે જીવન રચનારા રહસ્યો ઉકેલવામાં લાગેલા હતા.


* https://en.m.wikipedia.org/wiki/Tower_of_Jericho


અંક ૧૩ : https://interact-6aya.blogspot.com/2021/01/blog-post_31.html

No comments: