14.2.21

૪. ૨ (૧૪) : વાવીલોવ (૨૦૨૦)

ડાર્વિને બધા જીવોના ઐક્યની સાબિતી આપી.

કોઈ ગૂઢ દૈવી આશિર્વાદથી જન્મેલી માણસ જાત બધા સજીવો કરતાં ઉચ્ચ છે એવા આડંબરમાં રાચનારા આપણે આખરે તો જાનવરો અને વનસ્પતિઓના સગાં છીએ. બીજા કોઈ પણ સંજીવ જેટલા પ્રાકૃતિક.

મૅંડેલેએ શોધ્યું કે જીવનના સંદેશ અને તે સંદેશને આગળ મોકલવા માટે ચોક્કસ નિયમો છે.

તે મદદનીશ શિક્ષકે વિજ્ઞાનની એક નવી જ શાખા શોધી કાઢેલી.

પણ, ૩૫ વર્ષ સુધી કોઈએ તેની નોંધ ના લીધી. આ દુનિયાના વિજ્ઞાનના ઈતિહાસમાં પોતે મહાન વ્યક્તિ તરીકે નોંધાવાનો છે તેમ જાણ્યા વગર તે મૃત્યુ પામ્યો. વીસમી સદીની શરૂઆતમાં મૅંડેલેનું કામ જાણીતું થયું. બ્રિટિશ ઝૂઓલૉજીસ્ટ વિલિયમ બૅટ્સન તેના પ્રખર પુરસ્કર્તા રહ્યા. મૅંડેલે સૂચવેલા કારકોના અભ્યાસ માટે બૅટ્સને નવી શાખા ઊભી કરી જેને તેમણે નામ આપ્યું જીનેટીક્સ- જનીન શાશ્ત્ર.

બૅટ્સન અને તેના સાથીદારોએ વનસ્પતિ અને પ્રાણીઓની નવી પ્રજાતિ સર્જવાની દિશામાં કામ કર્યું. બૅટ્સન માનતો કે વિજ્ઞાન અને સ્વાતંત્ર્ય એક સિક્કાની બે બાજુ છે અને તે પોતાની પ્રયોગશાળા એ રીતે જ ચલાવતો.

નીકોલાઈ ઇવાનોવિચ વાવીલોવ નામનો રશિયન બૉટનીસ્ટ, જે બૅટ્સનની પ્રયોગશાળામાં મુલાકાતી સાથીદાર હતો તેણે બૅટ્સનના ધ્યેય મંત્રને ગંભીરતાથી અપનાવી લીધો. વિજ્ઞાનની નવી શાખા જીનેટીક્સની મદદથી તે આખી દુનિયાને બે ટંકનું ભાણું પહોચાડવાનું શીખવા માંગતો હતો. ત્યારે તે હનીમૂન પર હતો પણ તેનો જીવ તો વિજ્ઞાનમાં રમમાણ હતો

બાળક તરીકેય વાવીલોવ ઉતાવળીયો હતો. "કેટલું બધું કરવા જેવું છે અને કેટલો ઓછો સમય છે!" -જીવનભર તેને તે અડચણ રહી.

ભવિષ્યમાં શું થશે તેની તો તેનેય ક્યાંથી ખબર હોય?

'આપણી આખી પૃથ્વી પોતે એક જૈવિક તંત્ર છે, એક જ વિશાળ વ્યવસ્થા.'- તે ધારણા કેટલાક લોકોને ભાવુકતાનો અતિરેક, પોકળતા લાગતી હતી. પણ, તે એક વૈજ્ઞાનિક તથ્ય છે.

૧૯ ફેબ્રુઆરી, ઈ.સ. ૧૬૦૦ના સાંજના પાંચ વાગ્યે દક્ષિણ પેરુના આંતરિયાળ વિસ્તારમાં એવું કાંઈક બન્યું જેના કારણે -

પીડાદાયી રીતે મોટી સંખ્યામાં નાશ પામેલા સજીવો અને ધરતીના ખજાનાને તે ઘટનાની અસર પૃથ્વીને કેવી રીતે ઘેરી વળી તે વાત ખબર પડવાની ન હતી. હોઈનાપુટીના (Hauynaputina) દક્ષિણ અમેરિકાનો સૌથી મોટા જવાળામુખી વિસ્ફોટ તરીકે ઈતિહાસમાં નોંધાયેલો છે.

સલ્ફ્યુરિક ઍસિડ અને જ્વાળામુખીની રાખના કાતિલ મિશ્રણે સૂર્ય કિરણોને પૃથ્વી સુધી પહોંચવા ના દીધા. 

શિયાળો.

જ્વાળામુખી જન્ય શિયાળો.

રશિયાના લોકો માટે તે છસો વર્ષનો સૌથી ભયંકર શિયાળો હતો. બે વર્ષ સુધી તો ઉનાળાની રાતોનું તાપમાન સબ ઝીરોની નીચે જતું. તેને કારણે પડેલા દુષ્કાળથી રશિયાની કુલ વસ્તીનો ત્રીજો ભાગ, વીસ લાખ લોકો મૃત્યુ પામ્યા. તેના કારણે ત્ઝાર બોરીસ ગોન્ડુનોવનું પતન થયું અને આ બધાનું મૂળ કારણ તો ૧૨૮૭૫ કિલોમીટર દૂર થયેલો જ્વાળામુખી વિસ્ફોટ હતો. 

રશિયાના ઈતિહાસનો તે છેલ્લો દુકાળ ન હતો. તે પછી સતત અનાવૃષ્ટિ અને દુષ્કાળ આવતા રહ્યા. પણ, ત્રણસો વર્ષ પછી, છેક ૧૮૯૧માં તેની ભયાવહ અસર વર્તાઈ. તે વર્ષે શિયાળો વહેલો આવ્યો અને પાક બળી ગયો. ત્ઝાર ઍલેકઝાન્ડર ત્રીજો પગલાં લેવામાં ઢીલો પડ્યો. દેશના લોકો ભૂખે મરતા હતા ત્યારે પણ ધનિક રશિયન વેપારીઓ અનાજની નિકાસ કરતા રહ્યા. ભૂખે ભરતી પ્રજાને આપવા ત્ઝાર પાસે હતી સૂકી બ્રેડ- લીલ, ઘાસ, ઝાડની છાલ અને બીજાં છોતરાંનું કંગાળ મિશ્રણ.

પાંચેક લાખ રશિયન મરણાસન્ન હતા ત્યારે અમીર ઉમરાવો ફ્રાન્સની તાજી સ્ટ્રોબેરી અને ઈન્ગ્લેન્ડની રબડીની મિજબાનીઓ કરતાં હતા.

રશિયન ક્રાંતિને હજી ૩૦ વર્ષની વાર હતી. પણ, ઘણા ઈતિહાસકાર તેનો તણખો આ દુષ્કાળમાં પેટાયાનું નોંધે છે.

આપણી વાર્તાના હીરો નીકોલાઈ વાવીલોવ પર તે ઘટનાની ઘણી ઊંડી અસર પડી. તેના મા-બાપનો જન્મ ગરીબ પરિવારમાં થયેલો પણ મહેનત કરીને તેઓ ઉચ્ચ મધ્યમ વર્ગ સુધી પહોંચી શકેલા. તેમનાં ચારેય સંતાન વૈજ્ઞાનિક બન્યાં. સર્ગેઈ ભૌતિક વિજ્ઞાની અને નિકોલાઈ બૉટનીસ્ટ બન્યો. બાળપણથી નીકોલાઈ હાર માનવા વાળો ન હતો.

૧૯૧૧માં રશિયા અનાજની નિકાસમાં દુનિયામાં પહેલા નંબરે હતું, તેની ખેતીની પદ્ધતિઓ જરીપુરાણી હોવા છતાં. જિનેટીક્સ દ્વારા ખેતીને આધુનિક બનાવવાના સંશોધન માટે રશિયાના વૈજ્ઞાનિકો પાસે  એકમાત્ર પૅટ્રોવ્સ્કી ઇન્સ્ટિટ્યૂટ હતું.

છોડ કે રોપાની પસંદગી કરવી તે વિજ્ઞાન છે કે નહીં? ના. ખેડૂતને વધારે ખબર છે. તે હજારો વર્ષોથી વધુને વધુ સારા બીજ ઉછેર્યો અને વધારે ચરબીવાળા પ્રાણીઓ પાળતો આવ્યો છે. તેવા ખેડૂતને વૈજ્ઞાનિક શું શીખવી શકે? સિવાય કે તેમને મૂંઝવી મારે તેવા ફૅન્સી સૂત્રો! ખેડૂત પાસે કોઠાસૂઝ છે જે આદરપાત્ર છે. પણ, તેની પાસે સંભાવનાઓ ધારવાની આવડત નથી, જે વિજ્ઞાન પાસે છે. ખેડૂત આગળથી કહીં ના શકે કે વનસ્પતિનું કયું લક્ષણ હાવી રહેશે અને કયું દબાતું, ઘસાતું જઈ ભૂંસાઈ જશે. ખેડૂત ખેતીમાં જુગાર રમતો આવ્યો હતો અને તે સરેરાશ જુગારી જેટલો જ સફળ હતો.

ગ્રેગર મૅંડેલેએ પહેલીવાર તેના માટે પત્તાં ખોલ્યાં હતાં. જે ઘડીએ મૅંડેલે પોતાના વિચારો ગાણિતીક સ્વરૂપમાં મૂક્યાં, તે ઘડીએ ખેતી વિજ્ઞાન અને માનવજાતને પુરતું ભોજન પુરું પાડવાની એકમાત્ર આશા બની.

૧૯૧૪, પ્રથમ વિશ્વયુદ્ધ વખતે વાવીલોવને વિચાર આવ્યો : ખેતી થાય તેવા બીજ- છોડ આવ્યા ક્યાંથી? તે બીજ- છોડના પૂર્વજ કોણ?

તેણે પ્રેમપત્રમાં લખેલું : મને વિજ્ઞાનમાં ઊંડો વિશ્વાસ છે. તે જ મારું જીવન અને જીવનનો હેતુ છે. વિજ્ઞાનના નાના કામ માટે હું જીવન ધરી દેતાં ખચકાઈશ નહીં.

પહેલા વિશ્વયુદ્ધને અંતે રશિયન સમાજની તિરાડો બહાર દેખાવા માંડી અને ક્રાંતિ તથા ગૃહ યુદ્ધના મંડાણ થયા.

જ્યાં ખેડૂતો, ખેત મજૂરોના બાળકો ભણીને વૈજ્ઞાનિક બની શકે તેવી, પોતાના જીવનકાળમાં સ્થાપેલી ૪૦૦ વિજ્ઞાન સંસ્થામાંની પહેલીની વાવીલોવે શરૂઆત કરી. પૃથ્વી પરથી દુષ્કાળ દૂર કરવાના વાવીલોવના સપનાને પુરું કરવા.

૧૯૨૦માં વાવીલોવે એક સાહસિક, નવા નિયમની દરખાસ્ત મૂકી : કૉમરેડ, વનસ્પતિની પ્રજાતિ જુદી જુદી હોય તો પણ ચોક્કસ જનીન ચોક્કસ ગુણધર્મ પ્રમાણે જ વર્તે છે. કારણકે, તેમનો પૂર્વજ એક છે. ઉત્ક્રાંતિ સમજવા અને ખેત પેદાશોના આપણા કામને વૈજ્ઞાનિક ઢબે  અનુસરવા આપણે જ્યાં ખેતીની શરૂઆત થઈ હોય તેવા દેશોની મુલાકાત લેવી જોઈએ. જેથી આજની ખેત પેદાશોના પૂર્વજોનો પત્તો લગાવી શકાય.

નીકોલાઈ વાવીલોવ જેવા માણસો હોય ત્યાં સુધી રશિયા ખવાઈ જવાનું નથી.

વાવીલોવ વિશ્વ વિખ્યાત બની ગયો. તે કહેતો : હું? ના. મારો ભાઈ સર્ગેઇ, ભૌતિક વિજ્ઞાની, તે વધારે હોશિયાર છે.

વાવીલોવને ખબર હતી કે દરેક બીજ તેની ખાસ પ્રજાતિનો વિશિષ્ટ સંદેશો પોતાનામાં જાળવે છે. તે સંદેશાની વિગતો જુદી હોઈ શકે, પણ તે બધા કોઈ ચોક્કસ રહસ્યમય ભાષામાં લખાયેલા છે. 

એવી ભાષા, જે કેટલાક દસકા સુધી ઉકેલી શકાઈ નહીં.

જીવનના પ્રાચીનતમ લખાણના શબ્દેશબ્દને વાવીલોવ સાચવી લેવા માંગતો હતો, જેથી તેને યોગ્ય દિશામાં આગળ વધારી શકાય. તે વખતે જૈવ વિવિધતાના મહત્વને સમજનારા ગણ્યા ગાંઠ્યા લોકોમાંનો તે એક હતો.

તેણે તદ્દન નવો જ વિભાવના રજૂ કરી : એક વૈશ્વિક બીજ બેંક - યુદ્ધો અને કુદરતી પ્રકોપોથી સુરક્ષિત.

આ માનવતાવાદી ઉદ્દેશ પાછળ વૈજ્ઞાનિક સમજ પણ હતી : જો આપણે આરોગેલા પહેલાં દાણાનો નમૂનો મેળવી શકીએ તો તે દાણો કે છોડ સમય સાથે કેટલો બદલાયો તે જાણી શકીએ, તેના પરથી વાક્ય ગોઠવી શકાય અને જીવનના સંદેશાની ભાષા ઉકેલી શકાય. અને ભાષા ઉકેલતાં આવડે તો નવા સંદેશા પણ લખી શકાય- રોગ, ફૂગ, જીવાત અને દુકાળને પહોંચી વળે તેવા બીજા -છોડ ઉછેરી શકાય.

આવી શોધ માટે વાવીલોવ પાંચેય ખંડમાં ફરી વળ્યો, એવી એવી જગ્યાએ જ્યાં તેની અગાઉ કોઈ વૈજ્ઞાનિક ગયો ન હતો. નકશા કે પાકા રસ્તા વગર અફઘાનિસ્તનના પર્વતીય વિસ્તાર ખૂંદનાર વાવીલોવ પહેલો યુરોપીયન (એશીયન) હતો. માણસ જાતે ખેતીની શરૂઆત નદીના મુખ ત્રિકોણમાં કરી હશે તેવી પ્રચલિત ધારણા વાવીલોવને ગળે નહોતી ઉતરતી, કબીલાઈ લડાઈઓ અને બીજા જોખમોને ધ્યાનમાં લેતાં. તેનું માનવું હતું કે પહાડીઓના અંતરિયાળ વિસ્તાર ખેતી માટે વધુ સલામત સ્થળ હતા, અવરજવર કરનારાઓની કનડગતથી દૂર.

જીવના જોખમે બીજ શોધવા નીકળેલા વાવીલોવની સાહસકથાઓ તેની વૈજ્ઞાનિક પ્રતિભાની બરોબરી કરે તેવી છે.

હાલના ઈથિયોપીયા, ત્યારના ઍબેસેનિયામાં, ૧૯૨૭માં વાવીલોવે કૉફીનું માતૃબીજ શોધી કાઢ્યું.

વાવીલોવ અંતરિયાળ જગ્યાએ જવાની મંજૂરીની રાહ જોતો હતો ત્યારે તેને ઈથિયોપીયાના થનારા રાજા- રાસ્ટફરી, જેને દુનિયા હાઈલી સલાસી( ત્રિદેવની સત્તા) તરીકે ઓળખવાની હતી- તરફથી આમંત્રણ મળ્યું. તેણે રશિયા અને રશિયન ક્રાંતિ વિશે વાવીલોવને પુછ્યું. વાવીલોવે કહ્યું કે ક્રાંતિના નેતા લેનીન હવે નથી રહ્યા અને હાલ સ્ટાલિનની સત્તા છે. કે કેવી રીતે સ્તાલિનના બંદૂકધારીઓએ વીસ વર્ષ પહેલાં બેંક લૂંટીને ક્રાંતિ માટે ૩૦ લાખ ડૉલર મેળવેલા આને તેને કારણે સ્તાલિન લોકકથાઓમાં નાયક બની ગયેલો.

એક તરફ વાવીલોવ બીજ અને જ્ઞાનની શોધમાં દુનિયા ખૂંદતો હતો તો બીજી તરફ તેના પ્રતિભાવાન શિષ્યોમાંનો એક આગવું કાઠું કાઢી રહેલો.

અંક ૧૩: https://interact-6aya.blogspot.com/2021/02/blog-post.html

No comments: